ઝાંઝર

07 May, 2016
12:00 AM

PC:

(વાર્તાકારઃ વર્ષા અડાલજા)

'મા... તારી પાસે ચાંદીના ઝાંઝર છે?'

રોમા સોફા પર પર્સ ફેંકી અને બેડરૂમમાં દોડી ગઈ. અજબ! મા અહીં યે નથી. દરરોજ બપોરે એ એમ.એ.ના લેક્ચર ભરી ઘરે આવે કે ચોપડા ફેંકતી બેડરૂમમાં દોડી જાય - મીરાં હોય જ. અચૂક રોમા માટે મોતીની પર્સ ભરતી હોય કે હેમંત માટે સ્વેટરની ડિઝાઈનના ટાંકા ધ્યાનપૂર્વક ગણતી હોય. રોમા પર નજર પડતાં એની આંખો હસી ઊઠે. રોમા મા પાસે નીચે જ બેસી પડે - 'જાણે છે મા! બસ, તારી આ હસવાની અદા પર જ ફીદા છું. ભગવાનને રોજ પ્રાર્થના કરું છું કે આવતે ભવ જો મને પુરુષ બનાવે... બટ માય ગોડ! પપ્પાએ તો તારું સાત જનમનું બુકિંગ કરી લીધું છે. હું રખડી પડી.'

મીરાં દીકરીને મોંએ હાથ દાબી દે 'શું બક બક કર્યે જાય છે રોમા? જા નાસ્તો કરી લે. તારે માટે પાઈનેપલ કેક બનાવી છે.'

ઊઘડતી વાદળી જેવું રોમા ખિલખિલ હસી પડે - 'બસ, આટલા જ માટે આવતે જન્મ તારી સાથે શાદી કરવી હતી. મને ક્યારે શું જોઈએ તે તું જાણે. અરે હા. આઈડિયા. લગ્ન તારી સાથે ન થાય તો કંઈ નહીં. જો દીકરો બનું તો તો તારી સાથે રહેવા મળે ને!'

મીરાં તરત કહેતી :

'જો હવે તારી બક બક બંધ નહીં થાય તો તારી પ્રેઝન્ટ નહીં બતાવું.'

રોમા આંખો ફાડી હોઠ ભીડી દેતી. મીરાં હસવું ખાળી, ગંભીર મોંએ રોમાના હાથમાં પેકેટ મૂકી દેતી. રોમા ઝટપટ પેકેટ ખોલતાં જ ચીસ પાડી દેતી - 'લવલી, ફર્સ્ટ ક્લાસ... પંજાબી ડ્રેસ. પણ આ કપડું તો... અરે આ તો તારી પેલી સિલ્કની સાડી! તું તો જાદુગર છે જાદુગર, મા!'

- રોમા પલંગમાં પડી પડી માનો જ વિચાર કરતી હતી. સદુએ કહ્યું : 'મા બહાર ગઈ છે. હમણાં જ આવશે, એમ કહી ગયાં છે.'

મા. એ સમજણી થઈ ત્યારથી એને પપ્પા કરતાં માનું આકર્ષણ રહ્યું છે. અત્યંત. કોઈ પાગલ જ ગણી લે એટલું. મા ખૂબ ગમે છે. એની બધી જ વાત અદ્દભુત. એનું રૂપ, એની આવડત, એની રસોઈ એની મમતા, બધું જ અનોખું. રોમા જોતી આવી છે કે પપ્પા પણ માને ખૂબ જ પ્રેમ કરે છે. ચૂપચાપ. સંપૂર્ણ હૃદયથી. બહારનાં લોકો કહે છે પપ્પા ઑફિસમાં ખૂબ કડક છે. આસિસ્ટન્ટો પપ્પાને જોઈ મોંએ નથી બોલી શકતા પણ પપ્પા ઑફિસરનો અંચળો બહાર ઉતારીને ઘરમાં દાખલ થાય છે. માનું વ્યક્તિત્વ જ એવું છે. એના પરિઘમાં આવનાર માણસ માત્ર બદલાઈ જાય. રોમાએ ઘરમાં ક્યારેય કલંક કે ઉદ્વિગ્નતા જોયાં નથી. હવામાં એનાં સ્પંદન સુદ્ધાં નહીં.

એના વાળમાં સુંવાળો સ્પર્શ થયો.

'મા!'

રોમા ઊછળી પડી.

મીરાં હસીને બાજુમાં બેસી પડી. 'કેમ રે! હું કાંઈ વરસ-દહાડો બહારગામ ગઈ હતી કે આમ વળગી પડે છે?'

'જવા જ નહીં દઉં ને!'

'અને તું જ સાસરે ચાલી જશે. ત્યારે?'

'ઘરજમાઈ જ લઈ આવીશ, બસ?'

'ના રે. હું જ બંનેને ઘરમાંથી કાઢી મૂકીશ. ચાલ હવે ગપ્પાં મારતી ઊભી થા જોઉં. મને જરા રસોડામાં મદદ કર તો. પુડિંગ...'

રોમા પલંગમાંથી કૂદી પડી. 'બાપ રે! ભૂલી ગઈ.'

રસોડામાં જતાં મીરાં અટકી. 'વળી તને શું ભૂત ભરાયું?'

'ભૂત નહીં છૂમક છૂમ.' રોમા ફરી પલંગ પર પોઝમાં ઊભી રહી.

'ખરેખર રોમા. તારી વાતમાં નહીં ધડ નહીં માથું.'

'ધડ પણ નહીં, માથું પણ નહીં, ને પગ. બોલો ચતુર કામિની આ ઉખાણું શોધે તેને...'

'તું નાચ્યા કર, હું આ ચાલી.' મીરાં ઉતાવળી રસોડામાં જવા લાગી કે રોમા દોડતી આવી ને હાથ પહોળા કરી ઊભી રહી.

'વાહ રે મા. ગ્રેટ. તેં ઉકેલ પણ શોધી કાઢ્યો.'

મીરાંએ ઝટ દઈ રોમાનો કાન પકડ્યો, 'શું ક્યારની બક બક કરે છે, બોલ રે? મને કામ છે. તારી બહેનપણીઓ આવવાની છે, ભૂલી ગઈ કે?'

'સાચે જ ભૂલી ગઈ હતી. ઝટપટ કહીં દઉં? મને ઝાંઝર જોઈએ છે. ન હોય તો અપાવી દે.'

'તું ને ઝાંઝર? મિયાં-મહાદેવનો મેળ ક્યાંથી મળ્યો?'

રોમા ગોળ ગોળ ઘૂમવા લાગી. 'મળ્યો રે બાબા મળ્યો, આ તારી પુત્રી ગરબામાં રહી છે. મતલબ જોરજુલમથી સૌએ રાખી છે. અને ગરબાની પ્રેક્ટિસ માટે ઝાંઝર જોઈએ છે. પાતળી સેરનાં નહીં. હં કે? સરસ વજનદાર.'

મીરાં સ્થિર આંખે બારી બહાર જોતી રહી.

'શું થયું તને મા! આમ કેમ ચૂપ થઈ ગઈ? મારી વાત નથી સાંભળતી ને? જા, તારી કિટ્ટા.' મીરાં ચમકી ગઈ.

'શું-હું ના રે ના... ઝાંઝર જોઈએ છે ને તને?'

'ચાલને મા! લઈ આવીએ બજારમાંથી. મારી ફ્રેન્ડઝને આવવાને હજી વાર છે. બસ હવે મને એકદમ મન થઈ ગયું છે. છૂમક છૂમક... છમાછમ...'

મીરાંએ હસીને રોમાનો હાથ પકડી લીધો. 'છે મારી પાસે રોમા, તને જોઈએ એવાં જ. એકદમ વજનદાર અને અવાજવાળાં.'

'ખરેખર?' રોમા ખુશ થઈ ગઈ. 'પણ ક્યાં છે? મેં તો કબાટમાં જોયાં જ નથી.'

'કાલે બેન્ક-લૉકરમાંથી લાવી આપીશ, બસ! ચાલ હવે કામમાં મદદ કરાવ જોઉં.'

સાંજ હંમેશની જેમ વીતી ગઈ. રોમાના હાસ્ય-કિલ્લોલ, મીરાંની શાંત ભાવભરી આંખો અને હેમંતની ધીમી વાતો-વીતેલી ઘણી રાતોમાંની આ એક રાત હતી, જાણે કશું જ બન્યું નહોતું.

- પણ મીરાંના મનમાં ઝાંઝરનો આછો ઝંકાર પડઘાયા કર્યો. હેમંતની પાસે નીચે બેસી ટેબલક્લૉથ પરનું ઝીણું સુંદર ભરતકામ કરી રહી હતી, ત્યાર પણ ઝાંઝરની ઘૂઘરીઓ મનમાં રણકતી હતી. એની સાથે જ દૂરના ભૂતકાળમાં વહી આવતો રુદનનો કરુણ સૂર...

મીરાં ચમકી પડી.

'શું થયું?' છાપામાંથી નજર ખસેડી હેમંતે પૂછ્યું.

'હું... ના ના, જરા સોય...'

પણ રુદનનો કરુણ સૂર જ ભોંકાઈ ગયો હતો. મીરાં કશું ન બોલી શકી. ત્યારે પણ ક્યાં કંઈ બોલી શકી હતી!

'શું થયું તને મીરાં? કેમ ફિક્કી થઈ ગઈ? તબિયત તો સારી છે ને?'

હેમંતે છાપું મૂકી દીધું.

'ના... ના રે.' મીરાંએ પરાણે હસીને ભરતકામ સમેટી લીધું. 'થાકી ગઈ છું. ચાલો સૂઈ જઈશું?'

રાત્રે પણ અંધારાનો ઓથાર ભીંસતો રહ્યો ત્યાં સુધી એ જાગતી પડી રહી. ચૂપચાપ દબાતે પગલે શાંત ઘરની હવા વીંધીને ઝાંઝરનો ધીમો ઝંકાર એની નજીક આવતો ગયો. જીભ લચકાવતો કાળોતરો સરકી આવ્યો હોય એમ એ બેઠી થઈ ગઈ. આંખો મીંચીને એ હાંફતી બેસી રહી.

કેટલાં વર્ષો થયાં એ વાતને? હા. બરાબર બાવીસ વર્ષ. રોમાના જન્મ જેટલાં જ. વર્ષોનાં પડળ વીંધીને ઝાંઝરનો ધીમો ઝંકાર એના શ્વાસની ગતિ જેવો તેજ બનતો ગયો.

પરણીને ઘરમાં આવતાં આ બાપુએ એના હાથમાં ઘરની ચાવીઓ મૂકી દીધી હતી અને સાથે એ ઝાંઝર પણ. માથે ધીમે ધીમે સ્નેહથી હાથ ફેરવતાં બાપુએ એને જોડે જ બેસાડી હતી.

'જો બેટા! વર્ષોથી હેમંતની બા ચાલી ગઈ છે. અમે બાપ-દીકરાએ સૂના સૂના ઘરમાં માંડ આટલાં વર્ષો વિતાવ્યાં. હવે તું એને સ્ત્રીની સુવાસથી, આ ઝાંઝરના રણકારથી ભરી દેજે, બેટા! તું આ ઘરની વહુ માત્ર નથી, અમારી મા પણ છે.'

બંનેની આંખો છલકાઈ ગઈ હતી. ઘરની હૂંફ, વાત્સલ્ય, આવો સ્નેહ - કશું જ એ અત્યાર સુધી પામી નહોતી. એ ધીમે ધીમે મોટી થતી ગઈ એમ જાણતી ગઈ. નિયમિત બૉર્ડિંગમાં એના નામથી પૈસા આવતા પણ એ કોણ મોકલતું તે કદી એ જાણી શકી નહોતી. એ ઘણીવાર સિસ્ટરને પૂછતી, પોતાનાં વિષે, મા-બાપ વિષે.

સિસ્ટર સ્નેહથી કહેતાં :

'એ બધું જાણીને સું કરશે મીરાં? છોડ ક્યાં ઊગ્યો છે, કોણે એની માવજત કરી છે - એનું મહત્ત્વ નથી. ફૂલની ઓળખ એની સુગંધ. તું જ્યાં જશે ત્યાં મહેકી ઊઠશે.'

ખૂબ હોશિયાર હતી મીરાં. લાંબી રજાઓમાં બૉર્ડિંગ ખાલી થઈ જતી. મીરાં વિદ્યાર્થીઓના બંધ ઓરડાઓને તાકતી, લાંબી સૂની પરસાળમાં ઊભી રહેતી. ન એનું કોઈ હતું, ન એને કશે જવાપણું રહેતું. પોતાનો ખંડ બંધ કરી એ સિસ્ટર સાથે રહેતી. પોતાની એકલતાને અવનવી કળાઓથી ભરી દેતી. ક્યારેક દુઃખનો તીવ્ર સણકો ઊપડી આવતો. આંતરબાહ્ય પીડ્યા કરતો. પોતાનું કોઈ નથી. અથવા કદાચ, ક્યાંક છે તો એની કોઈને જ જરૂર નથી. - આવા વિચારો આળા મન પર પરુ ભરેલા ફોલ્લાની જેમ ઊપસી આવતા, અને ફૂટી જતા, ત્યારે તેનું મન એક ઊંડી વેદનાથી ભરાઈ જતું.

એકલતાના આવા શૂન્યાવકાશમાં એ જીવતી હતી ત્યાં -

હેમંતે એના મનમાં પ્રવેશ કર્યો અને સઘળું જ પલટાઈ ગયું. વૃક્ષો, પશુપંખી, આકાશનો ઘુમ્મટ. આખું વિશ્વ જ. એ હવે અનાથ કે એકલી નહોતી. હેમંતને ખભે માથું ઢાળી દઈ એ બધું જ કહી શકતી. એનાથી છૂટા પડતા નાના બાળકની જેમ રડી પડતી. એના ભીના, ચમકતા ગાલને ચૂમી લેતા હેમંત હસી પડતો. મીરાં ચિડાતી :

'તમે નથી જાણતા હેમંત! કેવી ભયંકર એકલતા મેં અનુભવી છે! અગર તમે જો જિંદગીમાંથી ચાલ્યા જશો તો હું નહીં જીવી શકું.'

'ચાલ્યો જાઉં? પાગલ. ચાલ, હું તો તને લઈ જવા આવ્યો છું. બાપુ પાસે.'

મીરાં હેમંતના ઘરે આવી ત્યારે કેમે કરીને પાછી જઈ ના શકી. જાણે વર્ષોની તરસ ટીપે ટીપે ટપકતાં બુંદથી આગ બની ભડકી ઊઠી હતી. થોડા વખતમાં એ જ ઘરમાં એ સ્વામિની બનીને પ્રવેશી ત્યારે એને થયું વિધાતાએ સુખનું છલોછલ પાત્ર એના હાથોમાં મૂકી દીધું છે. એ પાત્રને હોઠે લગાવી એની અમીધારા એ આકંઠ પીતી રહી.

બાપુના મમતાભર્યા લાડ, હેમંતનો અવિરત સ્નેહ, ઘરનો લગાવ અને... અને રોમાનો જન્મ.

જે અંધારી એકલવાયી જિંદગીમાં લપાઈને દૂરથી જે અજાયબ વિશ્વનાં એ દર્શન કરતી હતી, એ વિશ્વની એ હવે સંપૂર્ણ સ્વામિની બની ચૂકી હતી. બાપુ અને હેમંત એને એટલું બધું ચાહતા હતા કે ક્યારેક એ ભયથી ફફડી ઊઠતી. કદાચ આ પ્રેમની વર્ષા થંભી જાય, કદાચ હાથ આવેલો આ સુખનો ખજાનો ખોવાઈ જાય... આગળ એનાથી વિચાર પણ થઈ શકતો નહીં.

એક વાર એને બાપુએ આપેલાં ઝાં સાંભર્યા અને ઘરમાં દોડમદોડ કરતી રોમાને પહેરાવ્યાં. ઘર મધુર ઝંકારથી ગુંજી ઊઠ્યું. એક-બે દિવસ રોમા ખૂબ નાચી. ખુદ બાપુ રોમાનો હાથ પકડી ફુદરડી ફરતા રહ્યા. રોમાને રમાડવા તેરચૌદ વર્ષની એક દૂબળી છોકરી બાપુએ રાખેલી - મીઠી. તેય ખિલખિલ હસતી તાળીઓ પાડતી.

રોમાને ઝાંઝર વહાલાં થઈ પડ્યાં. વજનદાર ઝાંઝરથી એના નાનકડા પગ છોલાઈ જાય, ત્યારે કાઢીને એના રેશમી તકિયા નીચે મૂકી દે. બાપુ હસીને કહેતા - મીરાં! ઝાંઝર શકુનિયાળ છે હોં! હેમંતની બાને પણ બહુ ગમતાં અને મારી રોમા ય એની પાછળ ઘેલી ઘેલી.

એક દિવસ ઝાંઝર ખોવાઈ ગયા. ઘણી શોધાશોધ ચાલી. બાપુએ આખું ઘર ઉથલાવી નાખ્યું, પણ ઝાંઝર ન જ મળ્યાં. રોમાની આંખો રડી રડીને લાલ થઈ ગઈ હતી. ન તો એણે દૂધ પીધું, ન તો એ ઊંઘી. બીજાં ઝાંઝર બજારમાંથી ખરીદી આવવાની હેમંતની વાત પણ એણે ન સાંભળી - બસ, મારાં ઝાંઝર મને લાવી દો. એ જ એની વાત.

ઝાંઝર શોધ્યાં, ન મળ્યાં એટલે મીરાંને શંકા થઈ. કોઈ ચોરી તો નહીં ગયું હોય? મીઠી સિવાય બહારનું માણસ હતું કોણ ઘરમાં? મીઠીને પણ ઝાંઝર બહુ ગમતાં હતાં. એક વાર રોમાએ ઘડીક ઉતારેલાં ત્યારે મીઠીએ પહેરી લીધેલાં. રોમાએ ચીસાચીસ કરી મૂકી ત્યારે ઝટપટ ઉતારી નાખેલાં, મીરાંના મનમાં તાળો બેસી ગયો - નક્કી મીઠી જ ઝાંઝર લઈ ગઈ હતી.

અને એક દિવસ એણે મીઠીને કહી દીધું :

'જો મીઠી, ભૂલ થઈ ગઈ તે થઈ ગઈ. ઝાંઝર પાછાં લાવી દે. તને કંઈ નહીં કહું.'

મીઠી કશું બોલ્યા વિના આંખો ફાડીને એને તાકતી જ ઊભી રહી.

નક્કી પકડાઈ ગઈ એટલે ડરી ગઈ. મીરાંએ સમજાવટથી કહ્યું :

'ડરવાની જરૂર નથી. કોઈની પણ ભૂલ થઈ જાય. ભારે જાંઝર છે. વેચી તો નથી દીદાં ને?'

મીઠી તો નીચે બેસી પડી ધ્રૂસકે ધ્રૂસકે રડવા જ લાગી.

હેમંત અને બાપુ બંને રસોડામાં આવ્યા. 'કેમ, શી વાત છે મીરાં? અરે મીઠી રડે છે? પડી ગઈ કે શું?'

'ના, બાપુ, એ તો રોમાનાં ઝાંઝર મીઠીએ લીધાં છે તે પાછાં દેવા સમજાવું છું.'

'છી! છી! મીઠી! તને ઘરની છોકરી ગણીને રાખી અને તેં જ ચોરી કરી? ચાલ દઈ દે જોઉં ઝાંઝર. જો મારી રોમા સાવ વિલાઈ ગઈ છે.'

ન મીઠી રડતાં અટકી, ન ઊંચું સુધ્ધાં જોયું. કદાચ વધુ જોરથી રડવા લાગી. મીરાં ચિડાઈ.

'જાણે અમે તને મારતાં હોઈએ એમ ઢોંગ શેનો કરે છે?' કહ્યું તો ખરું કે તને નહીં વઢીએ.'

મીઠી ફ્રોકમાં મોં ખોસી જોરજોરથી રડતી રહી.

હેમંત ખૂબ ગુસ્સે થઈ ગયો. 'આ શી મુસીબત?' મીરાં કહે છે નહીં વઢીએ તો ય તમાશો માંડ્યો છે! સીધેસીધા ઝાંઝર આપી દે નહીં તો પોલીસમાં જશે તો બરાબર ખબર પડશે, સમજી?'

બાપુ વચ્ચે પડ્યા - 'ના, ના. બેટા! ગમે તેમ તોય ઘરના જેવી છોકરી છે. પોલીસનું નામ ન લઈશ. ઝાંઝર દઈ દે એટલે પત્યું. - બીજી જોઈએ એટલી નોકરાણીઓ મળી રહેશે.'

કોઈનું કશું સાંભળતી જ ન હોય એમ મીઠીનું એકધારું રડવાનું ચાલુ જ હતું.

આખરે મીરાં કંટાળી. રડતી-કકળતી મીઠીને બાવડેથી ખેંચીને પાછલી ચાલમાં લઈ ગઈ એના ઘરમાં. એની માને મીઠીનાં પરાક્રમ કહ્યાં. માએ પણ બહુ સમજાવી પણ મીઠી જેનું નામ ! રડીરડીને હીબકે ચડી ગઈ. પણ ઝાંઝર ક્યાં છે તે કહ્યું નહીં.

બીજે દિવસે મીરાંને ખબર પડી કે મીઠીને એની માએ બરાબર પીટી નાખી હતી. પણ મીઠી જબરી જિદ્દી નીકળી. ક્યાં ઝાંઝર છુપાવ્યાં તે બોલી જ નહીં. ચાલીમાં ય સૌ એને ચોર કહીને ચીડવતાં. બહેનપણીઓને કિટ્ટા કરી દીધી.

થોડા દિવસ પછી મીઠીની મા આવી. રડતાં રડતાં બહુ યે માફી માગી. 'ભાભીજી! તમારા જેવું ઘર ક્યાં મળવાનું હતું? એ અભાગણીએ જાતે ઓથ ખોઈ. સાહેબે તો એનાં લગન સારું કપડાં લઈ દેવાનું ય કહ્યું હતું. પણ હવે તો...'

'કેમ?'

'એનાં સગપણની વાત ચાલતી હતી, છોકરો જોવા ય આવેલો ત્યાં અડોશપડોશમાંથી ખબર પડી ગઈ એટલે...'

નીચું જોઈ મીઠીની મા રડતી રહી. પછી સાડલાને છેડેથી થોડી ચોળાયેલી નોટો અને પરચૂરણ કાઢીને બાજુ પર મૂક્યાં.

'ભાભીજી! તમારાં ઝાંઝર તો બહુ મોંઘાં હતાં. મારી પાસે આટલા પૈસા છે. ના નહીં પાડતાં. મારા સમ.'

'ના, ના ગાંડી થઈ છે! મારે તારા પૈસા નહીં જોઈએ. મીઠી ક્યારેક જાંઝર બતાવી દે તો આપી જજે. મારાં આંસુની યાદગીરી છે.'

'મળશે તો જરૂર આપી દઈશ. પૈસા તો રાખજો જ. એટલું ય પાપ ઓછું થાય. રોમાબહેનને ઢીંગલી...'

'ના ના, તું પૈસા લઈ જ લે.'

કમને પૈસા છેડે બાંધતી આંખો લૂછતી, મીઠીની મા ગઈ.

ઘણો સમય થઈ ગયો એ વાતને. રોમા સ્કૂલમાં દાખલ થઈ ગઈ હતી. ઝાંઝરનો મોહ છૂટી ગયો હતો, પણ મીરાંને ક્યારેક સાંભરી આવતાં. કેવી અસ્સલની કારીગરી અને પાછાં તોલદાર! બાપુની એ પહેલી ભેટ. મીઠી પણ ગજબની નીકળી. માર ખાઈને અધમૂઈ થઈ ગઈ, પણ ન આપ્યાં તે ન જ આપ્યાં.

હેમંતને ઑફિસમાં બઢતી મળી હતી. બાપુએ રોકેલા પૈસા પણ છૂટા થયા હતા. હેમંતે ખૂબ સરસ વિશાળ મકાન ખરીદ્યું હતું. રોજ થોડો થોડો સામાન ખસેડવાનું કામ ચાલ્યા કરતું હતું.

- અને અચાનક મીરાંના હાથમાં ઝાંઝર આવી પડ્યાં.

એક હળવી ચીસ પાડીને એ ઊભી થઈ ગઈ. નીચે જમીન પર થોડાં કાળાં અને ધૂળવાળાં થઈ ગયેલાં ઝાંઝર ટૂંટિયું વાળીને પડ્યા હતા.

મીઠી રડી રડીને લાલચોળ થયેલી આંખો અને એ છેલ્લી નજર...

માંડ જમીનથી એ ઝાંઝર ઊંચકી શકી. હાથ ભારે ભારે થઈ ગયા. કબાટમાં ઊંડે, ક્યારેય નજરે ન પડે એમ ખોસી દીધાં.

હેમંત અને બાપુને હવે શું કહેવું? એની છાતી ધડકી ગઈ. આ ઘરમાં એનું સ્થાન, સૌનો સ્નેહ, એની આવડત, એની કળા... બધું જ શું પછી અકબંધ રહેશે? કે પછી... ના ના. ઘણાં વર્ષોની પ્રતીક્ષા પછી જે મળ્યું છે, તે ખોઈ દેવાની શક્તિ એનામાં નથી.

એ બીજે દિવસે મીઠીને ઘરે ગઈ હતી. મીઠીની મા તો એને આવેલી જોતાં ઓછી ઓછી થઈ ગઈ. અચકાતાં મીરાંએ મીઠીનાં ખબર પૂછ્યાં.

'મીઠીનાં ખબર તમે શું કામ પૂછો હવે? એ તો તમે મોટા મનનાં એટલે. બારી મારી મીઠી તો કડવી નીકળી, બહેન! બહુ સમજાવી. પણ મૂઈ, મોંમાં મગ ભરીને તે દિ'ની જેમ રડ્યા જ કરે. પણ ભસે નહીં કે ક્યાં સંતાડ્યાં છે.'

'પછી... પછી...' મીરાંના ગળામાં શબ્દો રૂંધાવા લાગ્યા.

'હતી શોખીન જીવડો. વેચીને ખાધું હશે ને સિનેમા જોયા હશે બહેન.'

'અત્યારે... અત્યારે મીઠી ક્યાં છે?'

'મીઠી? આવાં કામો કર્યે ઠાકર કાંઈ સુખમાં રાખે? મા છઉં. દુશ્મન નથી. બહુ જીવ બળે. પણ નસીબમાં માંડેલું શું કરું? મારે તો શે'રમાં જ પરણાવવી'તી. પણ આ બધી વાત ફેલાઈ ગઈ. કોઈએ હાથ ન ઝાલ્યો. દેશમાં આછુંપાતળું સાસરું મળી ગયું. કે છે ત્યાં બચાડીને કામનાં સીંદરાં તાણવા પડે છે. અરે, અરે, પણ બેસો તો ખરાં ભાભીજી! રોમાબહેન, કેમ છે?'

મીરાંએ બેચાર સાડી અને થોડા રૂપિયા મૂકતાં ચાલવા જ માંડ્યું. મીઠીની માએ છાતીનો ભાર વધારી દીધો હતો.

'આ... આ બધું એને મોકલી દેજો.'

મીઠીની મા અવાક થઈ તાકી રહી. "અરેરે ભાભીજી! એના સારુ આટલું બધું? તમે તો દેવી છો દેવી, ભાભીજી!"

મીરાં ઝડપથી જતી હતી ત્યાં પાછળથી ગોફણના ઘાની જેમ 'દેવી' શબ્દ એને વાગ્યો. એ માંડ ઘરે પહોંચી. ઝાંઝરને એણે કબાટમાં પૂરી દીધાં. કેટકેટલાં વર્ષો વીતી ગયાં! ક્યારેક કોઈક મધુર ઝંકારે સ્મૃતિ કારમો ડંખ દઈ દેતી.

- અને આજે અચાનક રોમા ઝાંઝર માટે રટ લઈ બેઠી હતી. મીરાંએ ઝાંઝર રોમાના હાથમાં મૂક્યાં કે રોમા ઊછળી પડી.

- ઓહ લવલી! કેવાં સરસ ઝાંઝર છે!

સાંજે હેમંત ઘરે આવ્યો ને રોમાનાં ઝાંઝરનો ઝણકાર સાંભળતાં બોલી ઊઠ્યો, 'અરે! આ વળી ક્યાંથી મળ્યાં?'

'એ તો... એ તો... મેં પછી નવા કરાવ્યાં હતાં.' મીરાં ધીમેથી બોલી,

'કેવાં વજનદાર છે નહીં, મા?'

આંખો ઢાળી દઈ મીરાં ધીમેથી બોલી, 'હા, વજનદાર ઝાંઝર છે, રોમા.'

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.