આસોપાલવ
(વાર્તાકારઃ ઈશ્વર પેટલીકર)
વાડીના ઝાંપામાં સરકારી પટાવાળા જેવાં કપડાં પહેરેલા માણસને દાખલ થતો જોઈ ગોકળભાને પેટમાં ફાળ પડી. ગામડાની વાડી હોય ત્યારે તો સમજાય કે સાહેબે પટાવાળાને શાકપાંદડું લેવા મોકલ્યો હોય, પરંતુ શહેરમાં એવી કનડગત ઘણી ઓછી હતી. તેમાંય સ્વરાજ્ય આવ્યા પછી તો અમલદારો ભીખ માગવાની પદ્ધતિએ સાવ બંધ થઈ ગયા જેવું હતું. હા, જો કે મોકો હોય તો ખિસ્સા કપાતાં હતાં એ ખરું ! એટલે ગોકળભાને થયું કે કંઈક સરકારી લફરું આવ્યું કે શું?
એ સાથે જ એમને પહેલો વિચાર અનાજના 'સ્ટોક'નો આવ્યો. કેટલું અનાજ પોતે ખેડૂત તરીકે રાખી શકે એનો ચોક્કસ ખ્યાલ એમને ન હતો : વળી એમની હદ શહેરના વિસ્તારમાં ગણાતી હતી એટલે રેશનિંગ કાયદો પણ લાગુ પડતો હતો. ખેડૂત તરીકે એ લેવીનું અનાજ આપતા, તેમ જ રેશનિંગથી અનાજ લાવતા નહિ, છતાં ઘરનો પાક એટલે અનાજ કાયદા બહાર નીકળે તો શું થાય, એ એમને પ્રથમ ક્ષણે વિચાર આવ્યો.
પરંતુ પટાવાળાની પાછળ કોઈ સાહેબે પ્રવેશ કર્યો ન હતો. એટલે એક રીતે તો નિરાંત થઈ કે પટાવાળો આપણા જેવો ગરીબ માણસ એટલે એ એકલો હશે ત્યાં સુધી કંઈ બીક જેવું નથી. છતાં, ચેન ન પડ્યું એટલે ઊભા થયા અને મહેમાનને જોતાં સ્વાગત કરવા જાય તેમ એ સામે ચાલ્યા, જોકે પગમાં મહેમાનને આવકારે તેવી ગતિ ન હતી. થોડા નજીક ગયા ત્યાં એમની ઝાંખી થતી જતી આંખે બેલીફ આંબારામને તરત ઓળખી કાઢ્યો અને મનમાં એક જાતનો છુટકારો અનુભવતાં બોલાઈ ગયું : 'તમેય, અંબારામ ! ખરી ફાળ પાડી ને!'
અંબારામનેય ખબર હતી કે ગોકળભાઈને પોતે નોટિસ બજાવશે એ સાથે જ તેમના મોતિયા મરી જશે. આ અગાઉ બે વખત આવા જ કારણે એણે નોટિસ બજાવી હતી, અને આ ત્રીજી વખત પણ એના હાથે જ કામ કરવાનું એના નસીબમાં લખ્યું હતું. વરસોથી બેલીફની નોકરી અંબારામ કરતો એટલે એને ખરી રીતે સરકારી કામ અંગે હર્ષ -શોક થવો ન જોઈએ. અને એને થતો નહિ એ પણ હકીકત હતી. ફક્ત કોઈ ખેડૂતની ઉપર નોટિસ બજાવવાની આવે ત્યારે જાણે એ પોતાના બાપ ઉપર બજાવવા જતો હોય તેવું દુઃખ થતું. કારણ કે બાપની જમીન, એ નાનો હતો ત્યાં, દેવામાં હરાજ થયેલી એણે જોયેલી, બાપની આંખમાંથી જમીન જતાં બોર બોર આંસુ વહેલાં, તે જ્યારે જ્યારે આમ ખેડૂતને નોટિસ બજાવવાનો પ્રસંગ આવતો ત્યારે એને પ્રત્યક્ષ થતું. પરંતુ નોકરી એવી હતી કે લાચાર થઈને એને એ કામ કરવું પડતું.
આજે પણ એ વાડીએ આવવા નીકળ્યો ત્યારથી એના પગ ઢીલા હતા. પોતે નોટિસ બજાવશે ત્યારે ગોકળભાની શી સ્થિતિ થશે એ કલ્પના આવતાં એના હૈયામાં ધ્રાસ્કો પડતો હતો. અગાઉ બે વખત નોટિસ બજાવવા ગયેલો એટલે કાળોતરીનું કામ કરેલું એટલે ફરી મળે તો ગોકળભાને ઉમળકો ન આવે, છતાં બે-ત્રણ વખત વાડીને રસ્તે જતાં ગોકળભાઈ સામા મલી ગયેલા ત્યારે આગ્રહ કરીને ઘેર તેડી ગયેલા અને શાક બાંધી આપેલું. એ ટૂંકી મુલાકાતમાં પણ અંબારામ જોઈ શકેલો કે ગોકળભાને જીવ કરતાં વાડી અધિક વહાલી હતી. એ વાડીને સદા માટે છોડવી પડશે તેવી મોકાણના સમાચાર લઈને જતાં અંબારામના પગ થંભી જાય તેમાં નવાઈ પણ શી?
તેમાંય ગોકળભાએ એને જોતાં જ ઉમંગથી કહ્યું કે, 'તમેય, અંબારામ! ખરી પેટમાં ફાળ પાડી ને?' ત્યારે એના પગ વિશેષ ભારે થઈ ગયા. ડોસાને પટાવાળાનાં કપડાં જોતાં આટલી ફાળ પડી તો નોટિસની વાત જાણતાં શું થશે? પોતે આજે નોટિસની વાત કહ્યા વગર પાછો ફરી જાય. અને ધણી ના મળ્યા એનો શેરો કરી રજા ઉપર ઊતરીને આ કારમું કાર્ય બીજાને માથે નાખે તો?
અંબારામ આ રસ્તે જતાં પોતાની માયાને લીધે વાડીની અંદર આવ્યો હશે. એમ ગોકળભાએ માની લીધું હતું એટલે ખુશ થતાં થતાં એ બોલ્યાં : 'કંઈ હીંડી ચાલીને શહેરથી આટલે દૂર ઓછું અવાય છે? પણ આ રસ્તે થઈને જવાનું થાય ત્યારે આમ આવતા રહો તો અમે બીજું તો શું આપી દેવાના હતા, પણ શાકપાંદડું ઘરનું રહ્યું એટલે ચપટી આપીએ. મૂળા મોગરી તકે હોય તો છોકરાં રાજી થાય. ચાલો, આવ્યા તે સારું થયું.'
ગોકળભાની આ માયા જોઈ અંબારામથી મનમાં તરત નિશ્ચય થઈ ગયો કે, નોટિસની વાત કર્યા વગર ચાલ્યા જવું. એથી મનમાં કંઈ શાંતિ વળી, પોતાને ફાંસીની દોરી નહિ ખેંચવી પડે તેટલી પૂરતી. પોતે નહિ તો બીજાને એ દોરી ખેંચવા પડશે એ ચોક્કસ હતું.
ગોકળાભાએ ખબરઅંતર પૂછતાં કહ્યું : 'કેમ, કંઈ આ બાજુ આવ્યા હતા?'
અંબારામના અંતરમાં તો એના એ વિચાર વહ્યા કરતા હતા. પોતે ચૂપચાપ ચાલ્યો જાય એનો કોઈ અર્થ ન કહેવાય. નોટિસ ન બજાવવી હોય તો ભલે ન બજાવે, પણ એ વાત કરી દેવી તો જોઈએ. એમને કંઈ પગલું ભરવું હોય તો તે ભરી શકશે. પરંતુ ગોકળભા બિચારા સીધાસાદા ખેડૂત હતા અને સામો પક્ષ લાગવગવાળો હતો એટલે છેવટેય એમનું કંઈ નહિ વળે, એમ અંબારામને ખાતરી હતી.
છતાં પોતાને ફરજ બજાવવી જોઈએ એમ માની 'કેમ, કઈ બાજુ?' ના જવાબમાં અંબારામે કહ્યું : 'આવ્યો છું તો તમારી પાસે જ.'
ગોકળભાના પગ એ સાથે જ ધ્રૂજી ગયા. બોલ્યા : 'સરકારી લફરું લઈને આવ્યા છો કે શું?'
એમના મોં ઉપર ભયના ભાવ જોઈ અંબારામે કહ્યું : 'ચાલોને, નિરાંતે બેસીને વાતો કરીએ!'
ગોકળભા વાડીમાં ઘર કરીને રહેતા હતા. બે દીકરા ખેતી સંભાળતા હતા, દીકરાની વહુઓ પણ ઘરકામમાંથી નવરી પડે એટલે ખેતીમાં મદદ કરતી હતી. એ ચારેય જણ કામ કરતાં હતાં, ઘરમાં હતાં ગોકળભાનાં વહુ અમથી ડોસી. આંગણામાં પગ મૂકતાં જ ભાએ બૂમ પાડી : 'મેં કું, સાંભળે છે કે? લોટો માંજીને કૂવેથી ચોખડિયાટ પાણી ભરી લાવો.'
અંબારામને પાણી પીવું નહોતું છતાં ના કહેતાં એની જીભ ઊપડી નહિ. ખાટલો રવેશમાં ઢાળેલો પડ્યો હતો એટલે ભાએ અંબારામને કહ્યું : 'બેસો.'
ગોકળભા અંબારામની સામે નીચે બેસતાં બોલ્યા : 'કહો, શી વાત લાવ્યા છો?'
અંબારામ : 'સવારમાં સાહેબને ઘેર ન ગયો હોત તો મને ખબર પડત બપોરે, ઑફિસ જાત ત્યારે. પરંતુ સાહેબનો બંગલો ધોળાવવાનો હતો એટલે ઑફિસના પટાવાળાઓને સરસામાન આઘોપાછો કરવા સવારમાં બોલાવ્યા હતા. તેમાં આ તમારી નિશાળ' એટલું બોલી વાડીની સામી બાજુ આવેલી સરસ્વતી હાઈસ્કૂલ તરફ લાંબો હાથ કરી ઉમેર્યું : 'એના મોટા માસ્તર છે ને? શું એમનું નામ?'
ગોકળભાને તો નિશાળ સાથે ઘર જેવો સંબંધ હતો. બધા શિક્ષકો-વિદ્યાર્થીઓની પણ વાડી ઉપર મમતા એટલે ભાએ ઝટ મોટા માસ્તરનું નામ દીધું : 'વિષ્ણુભાઈ.'
'હા. એ વિષ્ણુભાઈ સવારમાં સાહેબને બંગલે મળવા આવ્યા હતા.' અંબારામ એટલું કહેતાં અટકી ગયો હતો.
ગોકળભાએ કહ્યું : 'વિષ્ણુભાઈ બહુ સારા માણસ. ગાંધીનું માણસ છે. મનમાં મોટાઈ બિલકુલ ન મળે, વાડીએ આવ્યા હોય તો આપણે ના ના કરતા રહીએ અને ભોંય બેસી જાય. ધરતી પર કંઈ પાથરવા દ્યો, એમ કહીએ પણ માને જ નહિ. કહે કે ખેતરમાં ધરતી ઉપર બેસીએ તો જ આનંદ આવે. બ્રાહ્મણ છે પણ અમે ''ના ના'' કહેતા રહીએ ને અમારા ગોળાનું પાણી પી લે!'
'સાહેબે મને ચા-નાસ્તો લાવવાનું કામ સોંપ્યું એટલે હું એ લઈને ગયો ત્યારે એ માસ્તર વાત કરતા હતા એટલે મેં જાણ્યું કે, તમારી વાડી એ લોકો લઈ લેવા માગે છે.'
જાણે વીજળી પડી હોય તેમ ગોકળભાએ માથે હાથ મૂકી દેતાં કહ્યું : 'હેં ! શું ! અમારી વાડી? કોણ લઈ લેવા માગં છે?' અને જીભનો લવો વળતાં એ બોલ્યા : 'ના ના, અંબારામ ! તમારા સાંભળવામાં કંઈ બીજું આવ્યું હશે. વિષ્ણુભાઈ એવું ન કરે. એમને નિશાળ માટે પૂરતી જગા છે.'
અંબારામ : 'તમારું નામ આવ્યું એટલે મને સાંભળ્યા વગર ચેન શેનું પડે? હું કામનો દેખાવ કરી નજીકમાં આઘોપાછો થવા લાગ્યો. માસ્તર કહેતા હતા : ગેઝેટમાં નોટિફિકેશન આવ્યા પછી હવે કામની વાર કેમ થાય છે? સાહેબે કહ્યું : 'હું તપાસ કરીશ. ખેડૂતને નોટિસ બજાવવામાં આવી છે કે કેમ, એની મને ખબર નથી.'
ગોકળભા ઢીલા પડી જતાં બોલ્યા : 'હં, પછી?'
અંબારામ : 'ઑફિસે આવતાં સાહેબે તપાસ કરી અને મને કામ સોંપ્યું કે આ નોટિસ વહેલી બજાવવાની છે.'
સાંભળતાં જ ગોકળભાનો સાદ ફાટી ગયો : 'તે તમે નોટિસ બજાવવા આવ્યા છો?'
અંબારામ : 'ના ના, તમારી ઉપર નોટિસ બજાવતાં મારો જીવ શી રીતે ચાલે? પણ મને થયું કે ચેતવી જાઉં. સાહેબને કહીશ કે ગયો હતો પણ ન મળ્યા. અઠવાડિયું ખેંચવું હશે તો ખેંચી નંખાશે.'
ગોકળભા : 'તમો એ કાગળિયું અહીં લાવ્યા છો?'
અંબારામ : 'મારે દેખાવ કરવા લાવવું તો પડે ને? ઉપર લખીશ પણ ખરો કે ઘણી ન મળવાથી પાછું.'
અમથી ડોસી પાણીનો લોટો લઈને આવી પહોંચ્યાં, તેને ગોકળભાએ કહ્યું : 'જા ને, મોટા દીકરાને બોલાવને? કહીએ કાગળ વાંચવાનો છે તે બોલાવે છે.'
હજુય ગોકળભાને ગળે વાત ઊતરતી ન હોય એમ એ ગણગણ્યા : 'વિષ્ણુભાઈ આવું ના કરે, કંઈક બીજું હશે.'
અંબારામ ખિસ્સામાંથી કાગળિયું કાઢતાં બોલ્યો : 'આ તો કળજગ છે, કળજગ ! વિષ્ણુભાઈ શું, સગો બાપ દીકરીની દલાલી કરે એવો આ વખત છે. તમે ઠપકો આપવા જશો તોય વિષ્ણુભાઈ તો નિરાળા રહે તેવું આમાં છે. એમની નિશાળના માસ્તરોને રહેવાના મકાન માટે હાઉસિંગ સોસાયટી ઊભી કરવા માગે છે એ માટે તમારી વાડીની જગા એક્વીઝીશનમાં મૂકી છે. પંદર દહાડા ખરીદવી નહિ, શિક્ષણ સોસાયટી માટે એ જાહેર કરવામાં આવી છે!'
એ સાંભળતાં ગોકળભાની ડોક મરડાઈ ગઈ. અંબારામને બીક પેઠી કે ભા ભોંય બગડી પડશે કે શું?
ગોકળભાની આગળ નિશાળનાં ચિત્રો રમી રહ્યાં. વરસમાં બે વાર તો ઓછામાં ઓચા ચારસોપાંચસો વિદ્યાર્થીઓને કટકે કટકે વાડીએ નોતરતા, મોસમમાં જે પાક હોય તેનો સ્વાદ ચખાડતા, જુવાર વખતે એનો પોંક પાડીને ઊનો ઊનો પોતે છોકરાઓને મૂઠી મૂઠી આપતા. ઊંધિયા વખતે પાપડી, રીંગણાં, બટાકાનું બાફણું કરી છોકરાઓને ખવડાવવામાં આનંદ માનતા : ત્રીજી સાલ શેરડી કરી કોલું ઘાલ્યું ત્યારે રસ પીવા વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા.
એ જ રીતે શિક્ષકો વરસમાં બે-ત્રણ વખત વનભોજન માટે વાડીમાં કુટુંબ સાથે પધારતા, એમની આગતાસ્વાગતા કરવા ડોસો-ડોસી અને દીકરાઓ દોડાદોડી કરી મૂકતાં. જુવાન વહુઓ તો એમની જરૂરિયાત પૂરી કરવા ખડે પગે ઊભી રહેતી. દહીં માટે દૂધ મેળવી રાખવામાં આવતું, શાક તો તાજું હોય જ, ચટણીની તેવડ કરવામાં આવતી. આમ સામસામાં આવેલાં નિશાળ અને વાડી પિત્રાઈ કુટુંબ હોય તેવી બંને વચ્ચે માયા હતી. અને....
દીકરો આવી પહોંચતાં અંબારામને જોઈ બોલ્યો કેમ કંઈ, શું કાગળિયું લઈને આવ્યા છો?'
અંબારામની વાચા પણ સિવાઈ ગઈ હોય તેમ એણે બોલ્યા ચાલ્યા વગર નોટિસનું કાગળિયું દીધું.
દીકરો અંગ્રેજી ચાર સુધી ભણ્યો હતો એટલે એણે બોલ્યા વગર વાંચવા માંડ્યું. પતિનું મોં નિરાશ થયેલું જોઈ અમથી ડોસી પામી ગયાં હતાં કે કંઈ અશુભ સમાચાર છે. દીકરો વાંચી રહે તે પહેલાં ઉથલાવીને બે-ત્રણ વાર એમણે પૂછ્યું : 'શું છે ભાઈ?'
દીકરો વાંચી લેતા ઉદ્વેગપૂર્ણ સ્વરે બોલ્યો : 'શું છે, તે લૂગડાં ઉતારી નાહી નાખવાનું! મકાનો બાંધવા શિક્ષક સોસાયટી સ્થપાઈ છે. તેણે આપણી વાડીની સરકારમાં માગણી કરેલી અને સરકારે તે મંજૂર કરી. આપણને જણાવ્યું છે કે લૂગડાં ઉતારીને વાંચજો!'
શહેર વધતું વધતું આગળ ખસતું તેમ ખેડૂતોને જમીન છોડીને ચાલ્યા જવું પડતું હતું. એ અમથી ડોસીએ સગી આંખે જોયું હતું. એટલે તરત એ વાત તરત સમજી ગયાં. વધુ જાણવા એમના મોંમાથી અવાજ ન નીકળ્યો.
દીકરાએ અંબારામને પૂછ્યું : 'આ સોસાયટીવાળા કોણ છે, તે જાણો છો?'
અંબારામે નિશાળ સામે હાથ કર્યો.
દીકરો નવાઈ પામતાં બોલ્યો : 'સરસ્વતી હાઈસ્કૂલવાળા શિક્ષકો આમાં છે?'
ગોકળભા ડોકું ધુણાવતાં બોલ્યા : 'હા, બાપલા ! હા, આ તો વાડ ચીભડાં ગળે એવું છે.'
દીકરાને પણ ભારે આઘાત થયો હોય તેમ ઘડીભર તો ન બોલી શક્યો. પણ પછી સ્વસ્થ થતાં રોષ વ્યક્ત કરતાં બોલ્યો : 'કિસાનસભાવાળા કહે છે તે સાચું છે, સામ્યવાદી રાજ્ય વગર ખેડૂતોનું, ગરીબોનું કોઈ સાંભળનાર નથી! અને ભાષણ કરતો હોય તેમ એ લાંબો હાથ કરીને ઉત્તરમાં ખુલ્લી જગાને બતાવતાં બોલ્યો : 'જો શિક્ષકોને સોસાયટી જ સ્થાપવી હતી તો એ જગામાં કેમ ન માંગી? એમાં ખેતી પણ થતી નથી. ખેતી કરવા કોઈ ખેડૂત માગે છે તો પણ વનમાળી શેઠ આપતા નથી. એમણે તો વેપાર કરવા જમીન ખરીદી છે. એ જમીનમાં એ બંગલો બાંધી રહેવા પણ આવવાના નથી, સારી રકમ ઊપજે તો પોતે વેચવા તૈયાર છે. પરંતુ શેઠ જમીન આપતાં પૂરેપૂરો કસ લે એટલે એ જમીન ન લેતાં, બોડીબામણીના ખેતર જેવી આપણી વાડી ઉપર નજર નાખી કે પોતે ફાવે તે કિંમત પણ મુકાવી શકશે. પરંતુ વાડીનો કબજો લેતાં કોઈનું લોહી રેડાશે ત્યારે...'
વચ્ચે ગોકળભા બોલી ઊઠ્યા : 'હાં. હાં. મોંમાં આવે તેવું બોલાતું હશે? વિષ્ણુભાઈને આપણે મળીશું. સમજ પાડીશું, અને....'
દીકરે બાપને આગળ બોલવા ન દીધા : 'કિસાનસભાવાળા કહે છે તે હવે મને સમજાઈ ગયું. કોઈના નમતા જવામાં ક્યારેય કશું મળી શકતું નથી. વિષ્ણુભાઈ અને બીજા શિક્ષકો આગળ આપણે નમતા રહ્યાં ત્યારે એમણે આ હિંમત કરીને? કેમ બાજુમાં જ વનમાળી શેઠની જમીન સામે નજર ન કરી શક્યા? વિષ્ણુભાઈને પગે લાગવા જવાનો હવે કોઈ અરથ નથી. ગાંધીના માણસ છે એમ જાણી આજ સુધી છેતરાઈને ઘણું પગે લાગ્યા, હવે તો લાત મારીને બતાવીશ કે અમે નમતા હતા તે બીકથી નહિ, તમને સારા માણસ જાણીને. હવે લાત મારવા માંડી છે, તમે એને લાયક છો માટે!'
અંબારામ નોટિસ બજાવવા નહોતો માગતો છતાં દીકરાએ બાપ વતી સહી કરી લીધી. કહ્યું કે, 'નોટિસ અઠવાડિયું વહેલી બજે કે મોડી એનો કોઈ અરત નથી. વળી તમે તો ચિઠ્ઠીના ચાકર, તમારો એમાં શો દોષ કે ખોટો ધક્કો ખાવો પડે?'
એ સાંજે વાળુ કરવાની સૌની ઈચ્ચા જ મરી ગઈ હતી. બંને દીકરાઓ એક પક્ષે થઈ વાડી લેવા આવનારને ખબર પાડી દેવા માગતા હતા. બાપે જિંદગીનો તડકોછાંયડો ઘણો જોયો હતો, એટલે ધીરજથી રસ્તો કાઢવાની વાત કરતા હતા, પરંતુ એમની બુદ્ધિને એવો કોઈ રસ્તો દેખાતો નહતો એટલે દીકરાઓ ચૂપ થઈ શકતા ન હતા.
છેવટે ઓચિંતા ગોકળભાને રસ્તો સૂઝી આવ્યો. એ બોલી ઊઠ્યા : 'અમસ્તા આપણે મૂંઝાઈએ છીએ. સ્વામીજી પાસે એક જણ જાઓ, બધી વાત એમને કરો. આપણો સાચો પક્ષ છે એટલે એ સરકારને કહેશે.'
એ વાત બંને દીકરાઓને પણ ગળે ઊતરી, સ્વામી કેશાવાનંદે સંન્યસ્ત લીધું ત્યારે તો બીજા સંન્યાસીઓની માફક હિમાલયમાં જઈ કોઈ ગુરુ પાસે આત્માની ઉન્નતિ સાધવાની ઈચ્છા હતી, પરંતુ એ અરસામાં મહાત્માજીએ હિંદના રાજકારણમાં પ્રવેશ કર્યો અને સાધુસંન્યાસીઓ કે બાળસ્ત્રીને પણ હિંદમાંની પરાધીનતા મિટાવવા સિવાય બીજો ધર્મ નથી એમ જોરશોરથી પ્રતિપાદન કરવા માંડ્યું. તેની અસર કેશવાનંદ સ્વામી ઉપર થઈ અને એમનું હિમાલય જવાનું બંધ રહી ગયું અને પ્રજાનાં કાર્યોમાં એ ઓતપ્રોત થઈ ગયા.
સંન્યાસીવૃત્તિ હોવાથી એમને સેવા કરવામાં કીર્તિ કે સત્તાની લાલસા પણ ન હતી એટલે રચનાત્મક કાર્ય ઉપાડી એમણે ગ્રામપ્રજામાં કામ કરવા માંડ્યું. છેલ્લાં ત્રીસ વર્ષથી એમણે જે નિષ્ઠાથી કાર્ય કર્યું તેથી ગુજરાતમાં એક જ સંન્યાસી હોય તેમ 'સ્વામી' શબ્દ કહેતાં સૌ કેશવાનંદ સમજતું. અને એમના ઉપર પ્રજાનો એટલો પ્રેમ હતો કે ગામડાંનાં ઘણાં કામોમાં એમને મતભેદ વખતે લવાદ તરીકે નીમવામાં આવતા અને એ જે ચુકાદો આપે તે બંને પક્ષ સહર્ષ સ્વીકારી લેતા.
સ્વરાજ્યપ્રાપ્તિ પછી સરકારી તંત્રથી ગરીબોને અન્યાય થતો ત્યારે એ વર્ગ સ્વામીજી પાસે દોડી જતો. સ્વામીજી પણ ભાગે અન્યાય દૂર કરાવી શકતા પણ ખરા, એટલે બંને દાકરીઓ બીજે દિવસે સવારમાં જ સ્વામીજી ક્યાં છે તેની ભાળ મેળવી એમની પાસે જવા ઊપડી ગયા.
સ્વામીજીને પણ વાત ગળે ઊતરી. એમણે કહ્યું : 'આવતે અઠવાડિયે હું શહેરમાં આવવાનો છું. પ્રધાનસાહેબનો મુકામ થવાનો છે. હું એમના ધ્યાન ઉપર તમારી વાત લાવીશ.'
સ્વામીજીની એવી ગણતરી હતી કે, આવી સીધી વાત તરત મંજૂર થઈ જશે. પરંતુ પ્રદાનસાહેબે એ સાંભળી લેતાં કહ્યું : 'સ્વામીજી ! તમે ગરીબની વાત સાંભળી દયાભાવને વશ થઈ આ બધું કહો તે બરાબર, પણ રાજ્ય ચલાવનારે સમગ્ર વિચાર કરવો પડે અને વ્યક્તિને નુકસાન થતું હોય તો પણ સમષ્ટિના હિતમાં પગલું ભરવું. શહેરનો વિકાસ થાય એટલે ખેતીની જમીન મકાન બાંધવામાં વપરાય તે આપ કેમ સમજતા નથી?'
સ્વામીજી : 'એ હું સમજુ છું, પણ બાજુમાં મકાનો બાંધવા માટે ખુલ્લી જમીન છે. વધારે અનાજ વાવો એવી સરકાર ઝુંબેશ ચલાવતી હોય ત્યારે ખેતીમાં વપરાતી જમીન ન છૂટકે લેવી જોઈએ.'
પ્રધાનજી : 'જેટલી અનાજની જરૂર તેટલી મકાનોની જરૂર છે, અને શહેરના પ્રશ્ન તરીકે મકાનોની વિશેષ અગત્ય છે. બાજુમાં ખુલ્લી જમીન પડી છે તે ઉપર મકાનો બાંધવાની વનમાળી શેઠની યોજના છે એટલે તે લેવામાં નથી આવી.'
સ્વામીજી : 'હજુ એ યોજના અમલમાં નથી આવી ત્યાં સુધી એ જમીન લેવાય તે ન્યાયી ગણાય. એને બદલે આમ જે ખેતર ઉપર ખેડૂત જીવતો હોય તે ખૂંચવી લેવાય તો ગરીબો શી રીતે માને કે આ રાજ્ય મૂડીવાદીઓનું નથી પણ ગરીબોનું છે?'
પ્રધાનજી અકળાઈ ગયા. ખિજાઈને બોલ્યા : 'એટલે શું તમે એમ માનો છો કે અમને ગરીબોની પડી નથી?'
ગઈ કાલના સેવક આજે સત્તા પર આવતાં જે તોરથી બોલતા હતા તે જોઈ સ્વામીજી ડઘાઈ ગયા. દલીલ કરવી નકામી છે એમ માની મૌન રહ્યા. પ્રધાનજી એથી વધુ તાનમાં આવી બોલ્યા : 'હું સત્તા ઉપર ન હોઉં તો તમારા કરતાંય વધુ ગરીબોની દાઝ ધરાવું, એથી જેને સ્વાર્થ હોય તેને સારું પણ લાગે. માને કે આ જ સાચો સેવક છે! પણ એથી સરકારી તંત્રમાં ડખલ થયા કરે. વ્યવસ્થા ન જળવાય અને મોટા વર્ગનું હિત ન સધાય.'
સ્વામીજી : 'આમાં ક્યાં કોઈનું અહિત કરવાની વાત છે?'
પ્રધાનજી : 'એ ખેડૂતને એવી સલાહ કેમ નથી આપતા કે જે પૈસા ઊપજે તેમાંથી બીજી જમીન ખરીદજે અને ત્યાં ખેતી કરજે? ઊલટું, શહેરથી દૂર સસ્તામાં વધારે જમીન મેળવી શકશે!'
સ્વામીજી : 'ત્યારે, શેઠ બીજે જમીન નહિ મેળવી શકે? એમને પોતાને તો રહેવા માટે વિશાળ બંગલાઓ છે. ધંધા તરીકે નફો કરવા રાખેલી જમીન લેવામાં સરકારને વાંધો ક્યાં છે?'
પ્રધાનજી : 'સ્વામીજી! તમને સેવાનું અભિમાન આવી ગયું છે!'
સ્વામીજી વધુ દલીલ ન કરતાં બહાર નીકળ્યા ત્યારે અંદર દાખલ થવા વનમાળી શેઠ અંદરનો મુલાકાતી ક્યારે બહાર નીકળે તેની ઉત્સુકતાપૂર્વક રાહ જોતા હતા.
વનમાળી શેઠને જોતાં પ્રધાનજી હરખાઈ ગયા. ખુરશીમાં અરધા ઊંચા થઈ જતાં બોલ્યા : 'પધારો, પધારો.' એ ખુરશીમાં બેઠા ત્યાં એને પૂછ્યું : 'હાથમાં ડાયરી જેવું શું લાવ્યા છો?'
શેઠે હાથમાંની ડાયરી પ્રધાનજીને આપતાં કહ્યું : 'મારો કેસ રજૂ કરવા આવ્યો છું, તેમાં આ મુખ્ય સાહેદી છે.'
પ્રધાનજી : 'આપને વળી સાહેદીની શી જરૂર છે? આપ જે કહો તેમાં અમારે અવિશ્વાસ લાવવાનું ન હોય.'
પ્રધાનજી ડાયરીનાં બે-પાંચ પાનાં ઉથલાવીને બોલ્યા : 'આ તો અંગ્રેજી કાવ્યોનો સંગ્રહ છે!'
શેઠજી : 'હા, સાહેબ, મારી નાની દીકરી નીલામાં નૈસર્ગિક કાવ્યશક્તિ છે. દસ વર્ષની હતી ત્યારથી અંગ્રેજીમાં કાવ્યો લખે છે. હું કંઈ એની પરીક્ષા કરી શકું એવો નથી. પરંતુ મોટા મોટા પ્રફેસરોએ વાંચીને ખુશાલી વ્યક્ત કરી છે. એની આવતી પંદરમી વર્ષગાંઠે એ સંગ્રહ છપાવવાની ઉમેદ છે.'
પ્રધાનજી : 'સરોજિનીને સ્થાને હિંદને બીજું બુલબુલ મળશે એમ ને?'
શેઠજી 'પ્રોફેસરો તો એટલે સુધી કહે છે, સરોજિની દેવીમાં આટલી નાની ઉંમરે નીલા જેટલી કાવ્યશક્તિ નહોતી!'
પ્રધાનજી ખડખડાટ હસી પડ્યા : 'એવું હોય તો ગુજરાતનું સદ્દભાગ્ય ગણાય.'
શેઠજી : 'અનુકૂળતાઓ મળે તો અમે આશા સેવીએ છીએ.'
પ્રધાનજી : 'આપને ઘેર જન્મેલી દીકરીને પ્રતિકૂળતા ક્યાંથી નડવાની હતી?'
શેઠજી : 'પ્રતિકૂળતા ઊભી થઈ છે, માટે તો અહીં આવ્યો છું.'
પ્રધાનજી : 'સરકાર તરફની હોય એવું છે?'
'અમારા બંગલા નજીકમાં જ અમે ખેતીવાડી અને બાગ બગીચાઓ કર્યા છે તે આપ જાણો તો છો.'
'હા, ગયે વખતે આપને ત્યાં મેં મુકામે કર્યો ત્યારે આપ વાતો કરતા હતા.'
'એ બગીચાની વચ્ચે થઈ નવી સડક નીકળે છે. નીલાને આસોપાલવ નીચે બેસતાં કાવ્ય સ્ફૂરે છે જે એ સડકમાં આવી જાય છે. નીલા નિરાશ થઈ ગઈ છે. એ માને છે કે જો આ આસોપાલવ જશે તો પોતાની કાવ્યશ'ક્તિનું ઝરણું લુપ્ત થઈ જશે. આપની સમક્ષ જે કાવ્યો છે તે બધાં એ આસોપાલવ નીચે બેસતાં જ જન્મેલાં છે. એટલે મારી એ જ વિનંતી છે કે, વાડી સડકથી બચાવી લ્યો. સડક સાથે થોડો વળાંક થશે તેથી કંઈ નુકસાન નથી થવાનું, જ્યારે એ ન બને તો....'
પ્રધાનજીએ શેઠજીને વધુ તસ્દી ન આપતાં કહી દીધું : 'અરે ! આ તો બહુ ક્ષુલ્લક વાત છે. મને તો શું પણ ખાતાને કહ્યું હોત તો અમલદાર પણ આપનો બોલ ન ઉથાપત!'
'ખરું.' શેઠજી બોલ્યા, 'પરંતુ સરકારી તંત્રમાં ડખલ કરવા કરતાં સીધી આપને વાત કરું એ જ મારા જેવાને શોભે ને?'
'સારું, હું ખાતાને સૂચના આપી દઈશ, નીલાને કહેજો કે એ આસોપાલવની ડાળે બેસીને ટહુકવું હોય તેટલું ટહુકે!'
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર