હતા ત્યાં ને ત્યાં

04 Mar, 2017
12:00 AM

PC: wikimedia.org

(વાર્તાકારઃ ધૂમકેતુ)

 

લગભગ વીસ વર્ષની નોકરી પછી મીઠારામ, માસ્તરમાંથી ઈન્સ્પેક્ટર થયા, એટલે તે દિવસે બપોરે એમણે નિશાળેથી આવતાં જ વહુને કહ્યું : 

'મણિ, આજ જરા કંસાર બનાવજો !'

માસ્તરે પોતાના જીવનમાં, વહુને નામથી બોલાવવાનો રિવાજ દાખલ કર્યો હતો.

મણિ માસ્તરની સામે જોઈ રહી : 'કંસાર?'

'હા કેમ? કંસાર ને મગ! આપણે હવે 'ઈન્સ્પેક્ટર' કહેવાશું!'

'પગાર વધ્યો?'

'પગાર પછી વધશે, હોદ્દો તો વધ્યો!'

મણિએ કંસાર બનાવ્યો એટલે બપોરના બે વાગે જમી, હમણાં જ શહેરમાં ખાસ જઈને સિવડાવેલો ખાખી કોટ પહેરી, હાથમાં લાકડી રાખી, એક ચામડાની બેગ લઈ, મીઠારામ, નવાપરાની સ્કૂલના હેડમાસ્તર સાહેબ - પરીક્ષાનું ચક્કર ફરવા નીકળ્યા. તે પહેલાં એમણે એક સૂરતી સાહેબને જોયેલો. તે પાન, કાથો, ચૂનો સાથે રાખતો, એટલા માટે મીઠારામે પણ પાનપેટી સાથે લીધી હતી.

એક છોકરાના હાથમાં પાનપેટી, બીજા છોકરાના હાથમાં એમનું પોટલું, ત્રીજાના હાથમાં ઑફિસરોને શોભે તેવી ચામડાની બેગ, એક આસિસ્ટંટ પાછળ પાણીનો કૂંજો લઈને આવતો હતો, બીજો રસ્તામાંથી બાવળનું દાતણ કાપી લેવા સૂડી લઈને આવતો હતો - એવા બાદશાહી ઠાઠમાઠ સાથે મીઠારામ ઈન્સ્પેક્ટર બનીને નીકળ્યા.

ગામને પાદર એક ગાડું એમને માટે તૈયાર રાખવાનું હતું. પણ હજી ગાડાવાળો આવ્યો ન હતો. એટલે વડલા હેઠે મીઠારામ ગાડાની રાહ જોતા ઊભા ને એવા મોટા માણસને હરકત ન થાય માટે વડલા હેઠે એક-બે ગધેડાં ઊભાં હતાં, તેમને આસિસ્ટંટ વજેરામે કાઢી મૂક્યાં.

એટલામાં સીમમાંથી ખખડધજ ગાડું. નરસિંહ મહેતાના વિવાહ વિધિની સ્પર્ધા કરે તેવા બે ખાંડિયાબાંડિયા બળદ, ને ગાડામાં એક ગાભો પાથરીને, ઉકો પટેલ આ બાજુ આવતો જણાયો.

મીઠારામને માફા વિનાનું ગાડું જોઈને જરાક ખોટું લાગ્યું, પણ તેમણે મન વાળી લીધું.

એટલામાં ઉકો આવ્યો.

'પસાયતો મોડું કહેવા આવ્યો નાં?' તે આવતાંવેંત બોલ્યો, 'ગાડું આજ જોતું હોય તો કાલ નો કહેવરાવીએ? પણ કીધું કાંઈ નહિ, ન્યાં ક્યાં કોઈ મોટા અમલદાર છે તે કામનો ખોટીપો થવાનો છે? તમારે તો છોકરાંવની પરકસા લેવા જાવું હશે નાં?'

મીઠારામનો પિત્તો ગયો. તેમણે રૉફથી કહ્યું : 'એટલે ? એ કામ તું ઓછું અગત્યનું ગણે છે એમ?'

ઉકો કાંઈ સમજ્યો નહિ. એણે તો હાંક્યે રાખ્યું.

'ઉપર બૂંગણનો માફો પણ ન મળ્યો. કીધું ન્યાં ક્યાં કોઈ અમલદાર છે તી મનદખ થાશે? માહતર છે ઈને કોણ ન્યાં અમલદારમાં ગણે છે, તી માફાની જરૂર પડે? એટલે પછી હું તો ગાડું જોડીને નીકળ્યો. આવતો'તો ત્યાં ઘરવાળીએ વળી ગાભો નાખી દીધો છે - તી તમારે બેહવા થાશે!'

મીઠારામ કાંઈ બોલ્યા નહિ પણ એમણે ઈન્સ્પેક્ટરના હોદ્દા વિશે કરેલી કલ્પના છિન્નભિન્ન થઈ જતી લાગી. તે બોલ્યાચાલ્યા વિના અંદર જોવા માંડ્યા. સામાન કેમ ગોઠવવો એની વ્યવસ્થા માટે. એટલામાં તો ઉકો પાછો બોલ્યો :

'અરે ! પણ માહતર ! તમે વળી આ આટલો બધો લબાચો શું કરવા ભેગો લીધો છે? ન્યાં ક્યાં તમને ગામેગામ લોક મળવા આવવાનું છે, તી આ લબાચો ભેગો ફેરવો છો? તમારું ગાડું દેખીને છોકરાં ઝાંપેથી હુડિયો કરશે તો તી નિહાળ હુધી : ને નિહાળેથી પાછા નીકળશો તંઈ હુડિયો કરશે. તે ઝાંપા હુધી. આવું અમલદારી ટાપટીપિયું આપણે તે પોહાય? આપણે માહતર!'

મીઠારામને ખાઈ ગઈ'તી, પણ કરે શું? ને ઉકો કાંઈ વિરામચિહ્નમાં સમજતો લાગ્યો નહિ.

એણે તો બોલ્યાચાલ્યા વિના કુંજો અંદર મૂક્યો.

'આ ઈ તમારો કુંજો જ પે'લાવે'લાં તો ગાભો પલાળશે. ઓણીકોર તો છોકરે પલાળ્યો છે, એટલે મેં ફેરવી નાખ્યો છે, ત્યાં આણીકોર તમે પલાળો ! ભાઈસા'બ મેં તો 'પાંચ-સાત માહતર' જોયા, પણ બધાય આવા છોકરમતિયા ! હવે આ ઈ તમારો કુંજો કેમ હચવાશે?'

મીઠારામે કચવાતે મને કુંજો આસિસ્ટંટને પાછો આપ્યો : 'આ તમે પાછો લઈ જાઓ, વજેરામ ! આ માણસને આપણા 'મિશન'નું કાંઈ જ્ઞાન નથી.'

'અરે આપણે તો માહતર ! ધોરિયા આવશે ન્યાં પાણી પી લેહું, પછી કુંજાનું હું કામ? ન્યાં ક્યાં હજી એવો કાળો ઉનાળો બેઠો છે?'

પોટલું, બેગ, દફતર, સોટી, પાનપેટી, એમ સઘળું અંદર ગોઠવી, મીઠારામ વહીવટદારની પેઠે બેઠા. એમણે વહીવટદારોને ઠાઠમાઠથી બેસતા જોયેલા. આજ આ તક મળી એટલે એ પણ એમ બેઠા ને જરાક ઠાઠમાઠ બરાબર લાગે માટે પાનપેટી કાઢી, પાન બનાવવા લાગ્યા.

ઉકો બોલ્યો, 'એક પાંદડું મનેય દેજો માહતર ! રાતું મોં હારું લાગે છે માળું - મેં તો એક દી ખાધું'તું, તમને હાંભરે છે? કેમ વળી કનુભાના વિવામાં, તમેય અમારી હારે જ હતા ને, ગાદલાં ગોદડાં ગણવામાં? આ ઈ ને પાંચ-છ વરહ થ્યાં, ત્યાં આજ તમારી પાંહે પાછું પાંદડું દીઠું!'

મીઠારામને આસિસ્ટંટો ને છોકરાંઓની હાજરી હવે માનહાનિ કરનારી લાગી. એટલે તેમને એમણે જવાની રજા આપી. તેમણે જરાક તપીને ઉકાને કહ્યું :

'અલ્યા તું કેવો છે?'

'કેમ વળી કીવા તે? સગર !'

'કાંઈ માણસબાણસ જુએ છે ખરો કે ભરડ્યે જ રાખે છે?'

'કીમ માણહ નંઈ ઓળખતા હંઈ? એમ તો મેંય દરબારી વેઠ વરહોવરહ કરી છે હો ! વહીવટદાર ફોજદારનેય લઈ ગયો છું ને ! માણહ ન ઓળખંઈ ઈમ કાંઈ હોય?'

'તો તું મને શું ધારે છે?'

'કેમ વળી? તમને હું ધારે? તમે માહતર, છોકરા ભણાવો, ઈમાં બીજું હું ધારવું'તું?'

'ના ના, મૂરખ! હવે હું ઈન્સ્પેક્ટર છું. ઈન્સ્પેક્ટર સમજ્યો?'

'ફુલીસના?'

'ના, ના, પરીક્ષાનો સાહેબ!'

'હં, હં, છોકરાવને તપાહવાવાળા - ઈવા ને ઘણાય સા'બ આવે છે?'

'તો પછી? ઈ હોદ્દો તારી નજરમાં કાંઈ નહિ એમ?'

ઉકો કાંઈક સંજ્યો. એ બોલ્યો : 'અરે એવું હોય માબાપ! તમે તો ગરુને ઠેકાણે. તમે શોધી આપવા જોગ. એવું હોય માબાપ !'

મીઠારામને એક અફસોસ તો રહી ગયો કે સાળું, ખાસ ખાખી પોલીસ-કપડું મંગાવીને મેં ઈન્સ્પેક્ટર થતાં જ હાફકોટ કરાવ્યો ને એમાં બટન પણ મોટાં પિત્તળનાં નખાવ્યાં. તો'ય મારો બેટો, આ કણબો, હજી મને 'માહતર'માં જ ગણે છે! એમણે છેવટે એ જંગલી સાથે સંભાષણ બંધ કરવા, એક છાપું કાઢ્યું. માણસનો સંસર્ગ ટાળવા માટે ભણેલાઓનું એ અમોઘ હથિયાર છે! વળી આ તો છાપું અંગ્રેજી હતું. પોતે અંગ્રેજી ભણ્યા ન હતા, પણ જાહેરખબરનાં ચિત્રો જોવા લાગ્યા!

ત્યાં ઉકાએ ગાડું હાંક્યું ને પૂછ્યું : 'આ તો પરદેહી આંકડા લાગે છે ! કીડીના ટાંગા જેવા !'

'એમાં તને ભૂતને શી સમજ પડે?' મીઠારામને છેવટે ઘા મારવાની તક મળતાં તેમણે તે તરત આનંદપૂર્વક વધાવી લીધી. અને ઉમેર્યું 'એમાં તું ભૂત શું સમજે?'

'હા બાપુ! ઈ તો હાચું ! અમારું વરણ તો ભોથું કે'વાય. તમ જેવા કોઈ બે આંકડા હમજાવે તો હમજઈ !'

'તું એમાં કાંઈ સમજે તેમ નથી - તને કહ્યું તો ખરું !'

'હા, બાપુ હા!'

ગાડા ખેડુ થોડી વારમાં શાંત થઈ ગયો. ને ગાડું ચાલવા લાગ્યું.

પણ ગાભો નીચેથી ભીનો હતો. ઉકાએ ફેરવ્યો હતો, છતાં એની નૈસર્ગિક સુગંધ કાંઈ જાય? ફોરમ તો હજી છૂટતી હતી, એટલે મીઠારામે કાંઈક કચવાતા મને એક બાજુ તરીને બેસવાનું ગોઠવ્યું. ગાડાખેડુ શાંત થયો, તમે 'ગોરી ધીમે ચાલો!' વાળું ગાયન સ્મરતી ચાલી રહી.

એમ કરતાં તો સાંજ પડી. પણ કોઈ ગામ તો હજી આવ્યું નહિ. ખરી રીતે હવે કોઈ ગામ દેખાવું જોઈએ. પણ બળદની ચાલ ઘણી ધીમી હતી.

'અલ્યા કોઈ ગામ હજી કેમ આવતું નથી?'

ઊંઘમાંથી જાગતો હોય તેમ ગાડાખેડુ બોલ્યો, 'હમણાં ભડકવું આવશે, તમારે ભડકવા જાવું છે કે ઝાંસાવદર?'

'તને કહ્યું તો ખરું કે ભડકવા જાવાનું છે : ત્યાં 'એન્યુઅલ ઈન્સ્પેકશન' છે સમજ્યો?'

'તંઈ બેહો તમતારે નિરાંતે, અંધારું થયે ભડકવામાં પેસી જાશું, ઊલટું તમારે તો હારું, મફતનું અજવાળું હોય, તો છોકરાંવ હુડિયો કરે!'

'તું ગમાર લાગે છે અલ્યા!' મીઠારામ તપી ગયા.

ગાડાખેડુને પણ જરાક ચડી ગઈ. પણ તે આંખો મીંચીને હો હો કરતો બેઠો રહ્યો ને ધીમેધીમે ઝોકાં લેવા માંડ્યો.

અંધારું થઈ ગયું, પણ કોઈ ગામ જ દેખાણું નહિ.

માસ્તર મીઠારામ ઘણા ઊંચાનીચા થાય, પણ ગાડાખેડુ માથાનો મળેલો, એક હોંકારો કરે ને પાછો ઝોકે ચડી જાય. એને મનમાં એક વાતની ધરપત હતી. એના ગાડામાં કોઈ અમલદાર બેઠો ન હતો કે એને વાંધો આવે!

ગાડું તો એમ ને એમ ચાલતું રહ્યું. અરધી રાત ગઈ હોય એમ જણાયું, પણ હજી કોઈ ગામ જ આવ્યું નહિ. આ શું?

મીઠારામ તો અકળાવા માંડ્યા. પણ હવે થાય શું? આંહી તો સીમ હતી. બહુ રૉફ છાંટવા જાય તો ગાડાખેડુ રખડાવે. એ બોલ્યા :

'અલ્યા ! તારું નામ શું?' છેવટે એમણે ગાડાખેડુ સાથે વાત શરૂ કરી.

પણ ગાડાખેડુએ કાંઈ જવાબ વાળ્યો નહિ. એને માસ્તરનો સવાલ છોકરા જેવો લાગ્યો.

ફરી વાર પૂછ્યું ત્યારે આંખો ચોળતો ગાડાખેડુ બોલ્યો : 'મારાં નામ તો સાત કે આઠ છે. એમાંથી તમારે કયા નામનું કામ છે?'

'તારા પોતાના નામનું.'

'તો મારું નામ ભગો વેકરિયો. કોક વળી ઝાંખરિયોય કહે છે. ભગો કાણો એવુંય બોલાય છે, એમ તો મોટો ભગો પણ છે. પાદરવાળો ભગો. ભગો ટીલાળો. ભગો ભગત. ઘણાંય નામ છે.'

'પણ ભગત! હજી ભડકવા કેમ ન આવ્યું? આ તો અરધી રાત થવા આવી!'

'અરધી રાત હોય? એમ તો હમણાં પ્રાગડ વાશે!'

'હેં !'

'આ હરણ્યું જુઓ ને!'

માસ્તર મીઠારામને તો હરણ્યું શું એ કાંઈ કથિતપાઠમાં આવેલું નહિ એટલે ગતાગમ શાની હોય? 'પણ ત્યારે ભડકવું કાં ન આવે?'

'મારા બળદ બેક મોળા છે, માહતર ! હાલ્યે, અટલે વાર થાય. હમણાં હવે ભડકવું!' એટલામાં તો એમણે કૂતરાંનો અવાજ સાંભળ્યો. એટલે કોક ગામ ઠેકાણું પાસે લાગ્યું. બોલ્યા વિના એ બેઠા રહ્યા.

પણ ગાડાખેડુ તો ઝોકે ચડેલો તે હોંકારો આપીને, 'આ આવ્યું!' કહીને પાછો ઝોકે જાય ! માસ્તર મૂંઝાયા, પણ આંહીં હવે થાય શું? ગાડું તો ચાલતું જ રહ્યું.

ને એમ ને એમ મોંસૂઝણું થવા આવ્યું હોય તેમ લાગ્યું. ઝાડ ઝાંખાંઝાંખાં દેખાવા માંડ્યાં. એક વડ દેખાયો. પણ ઓત્તારીની આ શું?

મીઠારામ તો આંખો ફાડીને જોઈ જ રહ્યા. વડલા નીચે તો વજેરામ આસિસ્ટંટ હાથમાં લોટો લઈને કોનું ગાડું આવી રહ્યું છે, એ જોવા માટે ઊભો હતો!

આ તો પાછું નવાગામ દેખાયું! મીઠારામને હસવું કે રડવું એ કાંઈ સમજણ પડી નહિ. રાત આખી ફરી ફરીને ગાડું, સાંજે જ્યાંથી નીકળ્યું હતું ત્યાં જ, પાછું આવીને ઊભું હતું ! અને એની ફજેતી જોવા માટે આસિસ્ટંટ વજેરામ પાછો ત્યાં હાજર હતો !

'કેમ સાહેબ, રાતે જ પતાવી દીધું?'

'અરે રાતે શું પતાવે? માહતર ઘોરતા રયા, હુંય ઝોકે ગ્યો અને આ બળદ ચકરાવે ચડી ગ્યા. પાછું ફરી ફરીને હતા ત્યાં જ આવીને ઊભા! લ્યો, હવે હું કરવું છે? આ તો પાછું આપણું જ ગામ આવ્યું! હારું થ્યું નાં? બીજે ચડી ગ્યાં હોત તો? ને તમારે સરસામાન મુકાવવા હાટુંય ભાઈ આવી ચડ્યા ઈ નહિ?'

મીઠારામને તો એવી ધાગધાગાં ચડી ગઈ હતી કે, આને બે ઠોકી દઉં! પણ જાણે નાં કે ઈ કામ પોલીસપટેલનાં! માહતર - એનું તો આ ઉકાએ બરાબર માપ કાઢ્યું'તું. એટલે તો ગાડામાંથી ઊતરીને બોલ્યા વિના જ ગામડાની બેગ ને પાનપટી ઉપાડી લીધાં. લાકડી વજેરામે લઈ લીધી.

ઈન્સ્પેક્ટર સાહેબ ડિસ્ટ્રિક્ટ ફરીને આવી ગયા. હવે તો એ બોલ્યા વિના જ ઘેર પહોંચી જવા માગતા હતા.

પણ જેને આઠ તો નામ હતાં, તે ભગો ભગત, ટીલાળો, ઈ કાંઈ હવે છાનો રહે?

બેચાર છોકરાં ગામનાં પાદર નીકળ્યાં હતાં, એમને હાકલ મારી : 'અલ્યા છોકરાંવ ! માહતરને રાત આખીનો ઉજાગરો છે, તે બે'ક ઓછો રીડિયો કરજો', એમ કહીને વાત કરીને છોકરાંવ તો હસી હસીને ઊંધાં વળી ગયાં. એય તરત મીઠારામની પાછળપાછળ દોડ્યાં! મીઠારામ ને વજેરામની પાછળ બે મિનિટમાં તો એક નાનું સરખું ટોળું દેખાયું. અત્યારના પો'રમાં આટલાં આઠ-દસ માણસ આવડા નાનકડા ગામમાં નીકળે એ તો મહાન ચમત્કાર ગણાય. એટલે કાંઈ નવાજૂની થઈ છે એમ જાણીને ગામનો વાણંદ પણ પાછળ હાલ્યો. એક બે વેપારી ભળ્યા. ને એમ તો લોટે જવા નીકળેલા સૌ માસ્તરની પાછળપાછળ ચાલ્યા.

પણ મીઠારામને તો ખાઈ ગઈ હતી. હજી તો ગઈ કાલે એણે આ ઈન્સ્પેક્ટરી હોદ્દા વિશે કંઈકંઈ સ્વપ્ન સેવ્યાં હતાં! ને વહુ પાસે રૉફ માર્યો હતો, ત્યાં તો આજે આ દશા ! એમ ને એમ સૌ ઘેર આવ્યાં. ત્યાં ઘેર પણ મીઠારામની વહુએ ખંભાતી વળગાડ્યું હતું!

મીઠારામને હવે સાંભર્યું કે પોતે લાડુ જમીને જ સાંજે આવશે. એમ વાતવાતમાં વહુને કહી દીધું હતું, એટલે એ વાતને અક્ષરશઃ ખરી માની એ પણ આઘાંપાછાં થઈ ગયાં હતાં ! હવે શું થાય?

છેવટે વજેરામ આસિસ્ટંટને ત્યાં દાતણ કરવા માટે મીઠારામ ઈન્સ્પેક્ટર ઊપડ્યા ! હતા ત્યાં ને ત્યાં!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.