મારો બાલુભાઈ
(વાર્તાકારઃ ઝવેરચંદ મેઘાણી)
દૂરથી ટ્રેનનો દીવો દેખાયો અને છેક તે ઘડીએ મારા વાર્તાકાર સ્નેહીની સાથે વિશાખા-બાલુવાળો બનાવ નીકળી પડ્યો. મેં એ કિસ્સો વર્ણવવામાં બનતી ઝડપ કરી, પણ ગાડીની ઝડપ મારી જીભની ઝડપના કરતાં ડિસ્ટન્સ-સિગ્નલની આ બાજુ આવ્યા પછી પણ વધારે રહી. ગાડી ઊભી રહ્યા પછી હું દોટાદોટ જગ્યા ગોતતો હતો ત્યારે વાર્તાકાર પણ મારી સાથોસાથ દોડતા દોડતા 'હં પછી?' 'હં પછી?' એમ પૂછ્યે જ જતા હતા. ગાડી ચાલવા લાગી એટલે પોતે ગાડીની સાથે ચાલતા-દોડતા 'હં પછી?', 'હં પછી?' કરતા રહ્યા અને સ્ટેશન-યાર્ડને છેક બીજે છેડે એન્જિનમાંથી પાણી ભરીને ઊભેલ સાંધાવાળાની બૈરીઓની હડફેટમાં આવી ગોથું ખાઈ ગયા એ પણ મેં ચાલતી ગાડીએથી જોયું, ને ગાડીએ વળાંક લીધો ત્યારવેળાની છેલ્લી ઘડીએ મેં જોઈ લીધું કે પાણી ભરેલું બેડાં ગબડી પડેલાં અને સાંધાવાળાની બૈરીઓ લાંબા હાથ કરી કરી મારા સ્નેહીને કાંઈક 'પત્રં પુષ્પં ફલં તોયં'ની પ્રસાદી પીરસી રહી હતી.
વળતે દિવસે બપોરની ગાડીમાં તો મારે દરવાજે ટપાના ઘોડાના ઘૂઘરા અટકી ગયા અને બૂમપાડી : 'એ સાહેબ, તમારા મે'માન છે.'
'હું જઈને જોઉં છું તો માથે હળદરમાં રંગાયેલા પીળા પાટાપિંડીવાળા એક જણને ટપાવાળો ટેકો આપીને ઉતારતો હતો. મારે ઘેર જુવાન દીકરી નહિ, નીકર તો પલભર શંકા પડી જાય કે પીઠિયાળા મારા જમાઈ તોરણે પધાર્યા હશે. મારા તરફ ફરેલ એ મોં પાટાની વચ્ચેથી જરા વારે પરખાયું. મારા વાર્તાકાર સ્નેહી પોતે જ ! હજુ તો હું આશ્ચર્ય બતાવું તે પૂર્વે એના સોજેલા હોઠ ફફડી ઊઠ્યા : 'પેલી વિશાખાની ને બાલુની વાત સાંભળવા આવ્યો છું.'
વાત સાંભળવાના ચરહનું આ ઘોયું જોઈને મારા મનમાં એક વાક્ય રમી રહ્યું : 'બહુરત્ના વસુંધરા !' હું સમજી ગયો કે ગઈકાલ રાતે એના ગામને સ્ટેશને મારી ગાડી સાથે 'હં પછી?' 'હં પછી?' કરતાં કરતાં પૈસો ભીખતા કોઈક ને જ આ વાર્તાનવેશ હોઠેતોલે રંગાયા હોવા જોઈએ.
મેં કહ્યું : 'ભલા આદમી, આટલી ઉતાવળ શી હતી ! રવિવારે તો હું પાછો આવવાનો હતો !'
એ કહે : 'મારાથી ન રહેવાયું. વિશાખાને મેં પાંચેક વરસ પર સુરતમાં જોઈ છે. બે જ મિનિટ જોઈ છે, પણ જો હું ચિત્રકાર હોત તો અત્યારે જ પ્રત્યક્ષ રંગરેખા પૂરીને આલેખી આપત. આટલું રૂપ મેં તે પહેલાં કે પછી કદી દીઠું નથી. એવા રૂપનું આમ બને જ કેમ !'
'ચાલો અંદર, અમારી ગૃહલક્ષ્મીને ખબર છે બધી.' એમ કહી એને ટેકો આપી મેં બેઠકખંડમાં લીધા અને મારી પત્નીને બોલાવી : 'અરે ફ્રાઉ, અહીં આવજે તો જરી.'
પત્નીને 'ફ્રાઉ' કહી સંબોધવાનું હું જર્મનીમાંથી શીખી લાવેલો.
'એ... મારા હાથ એંઠા છે. રાંધું છું. હમણાં આવું છું.' ફ્રાઉએ હિટલરસ્થાપિત ગૃહિણીઆદર્શે ગુંજતો જવાબ વાળ્યો.
વાર્તાકાર કહે : 'તો ચાલોને આપણે જ રાંધણિયામાં જઈ બેસીએ. વાર્તાઓ મેળવવાનું સાચું સ્થાન જ રસોડાં છે !' ને હું હા પાડું તેની રાહ જોયા વિના પોતે રસોડા ભણી લંગડાતા લંગડાતા ચાલ્યા. મારે પાછળ ખેંચાવું પડ્યું. મિત્રના આ દીદાર દેખી ફ્રાઉ સંકોચાઈ ગઈ. બાજરાનો રોટલો તાવડીમાં નાખતાં એ સરખો પડ્યો નહિ. પતિના તાજા મિત્ર બનેલ વાર્તાકારને પોતે ઓળખતી નહોતી. લૂગડાં ઠીકઠાક કરી શકે તે પહેલાં તો વાર્તાકારે એક પાટલો ઉપાડી રસોડાની સામે જ ઢાળી તે પર બેસતાં બેસતાં ફ્રાઉને કશા જ પ્રારંભિક 'બે બોલ' સંબોધ્યા વગર સીધું શરૂ જ કરી દીધું : 'વિશાખાનું વેવિશાળ કરેલ તે બાલચંદ્ર શું તમારો ભાઈ થતો હતો?'
ફ્રાઉએ બીકભરી આંખે મારી સામે જોયું. મેં હસીને એને નિર્ભય બનાવી : 'ફ્રાઉ, આ આપણા વાર્તાકાર ભાઈ-જેની હું તને વારંવાર વાત કરું છું.'
ફ્રાઉનું મોં મચકોડાયું. એનો ભાવ હું પામી ગયો. વાર્તાકોરને એણે હંમેશાં નમણાં, ફૂટડા, ફાંકડા કલ્પેલ હતા તેને બદલે એક તો આ ભાઈ શીળિયાટા હતા, તેમાં પાછા હળદરના લપેટા ને પાટાપિંડી, એમણે ફ્રાઉને કહેવા માંડ્યું :
'વિશાખાને મેં જોઈ છે. રૂપરૂપના ઢગલા અને સંસ્કારિતા પણ એ રૂપના સોનની વચ્ચે નીલમ શી લળકે! સંસ્કાર, સંસ્કાર નખશિખ નિર્મળો સંસ્કાર !'
વાર્તાકારનાં એવાં વખાણે ફ્રાઉની જીભના બંધ ઢીલા કર્યા. એના મોં પરની કડક બનેલી રેખાઓ કૂણી પડી ને બીજા રોટલાનો લૂવો લઈ બે હાથ વચ્ચે ઘાટ કાઢતી કાઢતી એ મારી સામે જોઈને બોલી ઊઠી : 'મારો બાલુભાઈ પણ ક્યાં ઓછો રૂપાળો હતો ! અને સંસ્કારમાં પણ ક્યાં કોઈથી ઊતરતો હતો !'
'હા ભૈ !' વાર્તાકારને મેં ખાતરી આપી. 'બાલુ તો અજબ દેખાવડો હતો ને સંસ્કારે પૂરો હતો માટે તો એ ગરીબ ગામડિયાને, એ ટ્યૂશનો કરી કરી ભણનારને, વિશાખાના બાપુએ પસંદ કર્યો હતો ને !'
'નહિતર અમારી ન્યાતમાં ક્યાં મુરતિયાનો તોટો હતો? રૂપાળો કંઈ જેવો તેવો હતો મારો બાલુભાઈ હેં, તમે જ કહોને?' ફ્રાઉએ મારી ગવાહી માગી.
'એ તો તમારા મોં પરથી જ સમજી શકું છું.' વાર્તાકારે ફ્રાઉના વદન પર પોતાની દૃષ્ટિથી જાણે કે સ્પર્શ કર્યો એવું લાગતાં ફ્રાઉ કેવી કંપી ઊઠી ! ફ્રાઉના ગાલ પર મેં શાંત સરોવર સપાટી પર પ્રથમ લહરે લહેરાઈ ઊઠે તેવો મંદ મંદ થથરાટ જોયો, ને આ વાર્તાકારની ધૃષ્ટતામાંથી બચવા ફ્રાઉએ મારી મદદ માગતી મૂંગી દૃષ્ટિ માંડી. મેં વાર્તાકારને કહ્યું :
'બાલુ એનો સગો ભાઈ નહિ, પણ ચારેક પેઢી છેટેનો માસીની દીકરીની ફુઈનો દીકરો થાય.'
'તો પણ શું થઈ ગયું? લોહી તો એક જ ને ! હું બરાબર કલ્પી શકું છું બાલુભાઈની સુંદરતાને. પણ તો પછી આમ કેમ બન્યું? એ મૂરખો હોવો જોઈએ... સ્તો !'
'હા, મૂરખો તો ખરો જ ને?' એમ કહી લાલાશ પકડતે ચહેરે ફ્રાઉ બોલવા લાગી. 'નહિતર વિશાખાના બાપુએ કહ્યું તે સાચું જ સમજી લઈને શીદ બધું પોતાનું જ માની બેસે !'
'શું માની લીધું? વિશાખાના બાપુએ શું કહ્યું?'
'કહ્યું કે, બાલચંદ્ર, તમે તો મારા દીકરા થયા. મેં તો દીકરી દઈને દીકરો મેળવ્યો. મારી આ બધી સંપત્તિનો ભોગવટો કરનાર કોણ બીજો છે? એક જ દીકરી છે, ને એ તો તમારી છે. તમારે તે હવે ટ્યૂશન કરવાનાં હોય? તમારે હવે સાઈકલ ખેંચવી નહિ. ભણવાનો બધો જ ખર્ચ અહીંથી લ્યો. મારો બાલુભાઈ કહે કે, ન લઉં, બડો અભિમાની હતો મારો બાલુભાઈ, મા-બાપ મૂએ કેટલાં વરસ થયાં, પણ જાતમહેનતથી જ ભણ્યો. કોઈની સ્કૉલરશિપ પણ માગી નહિ. બાના બાપા શ્રીમંત હોવા છતાં તેની પાસે પણ હાથ લંબાવ્યો નહોતો. સસરાનું એ માન્યો જ નહિ. પણ વિશાખાની આંખોના મોટા મોટા ડોળા આંસુડે ડળક ડળક થઈ રહ્યા ત્યારે પછી એણે ટ્યૂશનો છોડ્યાં ને સાઈકલ એક ભાઈબંધને ભેટ દઈ દીધી. સસરાની મોટરમાં ફરવા માંડ્યો. પહેલાં પહેલાં તો વિશાખાના બાપુ જ્યાં સુધી પોતે જ મોટર લઈ જવાનું ન કહે ત્યાં સુધી મારો બાલુભાઈ માગે પણ નહિ, 'મોટર લઈ જાઓ.' એવા શબ્દોની વાટ જુએ, ને પછી ચાલતો જ પાછો જવા લાગે ત્યારે વિશાખા સોગંદ દઈ દઈને રોકે. એના બાપુને જઈ ઠપકો આપે કે, 'બાપુ, તમે તો કાર લઈ જવાનું કહેતાયે નથી!' ત્યારે એના બાપુ મારા બાલુભાઈને ઠપકો આપે કે, 'ભલા માણસ! હજુય શું મે'માન છો?' અરેરે, છેવટે મારો ભાઈ મહેમાન જ બની ગયો ને !''
એમ કહીને ફ્રાઉ ચૂલા બાજુ જોઈ ગઈ. ત્યાં બળતું બુઝાઈ ગયું હતું ને રોટલો તાવડીમાં ઠીકરા જેવો થઈ ગયેલો. નવું છાણું નાખતાં ફ્રાઉએ પાછું ચાલુ કર્યું :
'પછી તો મારો બાલુભાઈ મોટરની ના પાડે તોય ઓલી ડળક ડળક ડોળા નિતારવા માંડે. જમવા બેસવાની ના પાડે તોય ડળક ડળક : કૉલેજની ફી લેતાં અચકાય તોપણ ઓલીની પાંપણો પટ પટ પટ વરસવા માંડે. ઝટ જઈને બાપને ઠપકો આપે એટલે આપ બસ પોપટની જેમ પઢે કે : 'આ મારું બધુંય એનું જ છે. પછી વળી કહેવા-વાટ શેની!' આમ મારો બાલુભાઈ એ પોપટ-વાક્યમાં જ ભરમાઈ ગયો એટલે જ આમ બન્યું ના !'
'પણ એમાં ભરમાવાનું શું બન્યું?' વાર્તાકારે ફ્રાઉના ઉશ્કેરાટનો પારો ઓર ઊંચે ચડાવનારું વાક્ય કાઢ્યું. 'હું હોત તો ધીરે ધીરે બધુંય મારા સસરાનું મારું જ કરી લેત. હૈયાફૂટો શીદ બન્યો તમારો બાલુભાઈ?'
'એણે પણ એ જ કર્યું ને!' ફ્રાઉ કહેવા લાગી. 'એવો ભરમાણો, એવો ભરમાણો કે પછી પોતે સસરાનો વારસદાર દીકરો હોય તેમ વાપરવા માંડ્યો. સસરાએ એક જુદી બેબી-કાર એને લઈ આપી. બેન્કમાં એનું ખાતું ખોલાવી દીધું. મારો બાલુભાઈ જેની જેની ના કહેતો રહ્યો તે બધું જ વિશાખાના બાપ કર્યે જ રહે : તું મારો દીકરો છે, તું જ મારે સર્વસ્વ છે, તું ચાય તે માગ : બસ એ જ રટણ ને ઓલીની આંખના ડળક ડળક ડોળા : મોત બગાડ્યું એ બે વાનાંએ !'
એ 'ડળક ડળક' શબ્દ કો ફ્રાઉ એવી છટાથી બોલ્યા કરતી હતી કે, મોહિતપણાની મુદત અમારા લગ્નજીવનમાંથી પાંચ વર્ષ પૂર્વે જ ખલાસ થઈ ગયેલી છતાં એની છટા પર હું મોહી પડ્યો. વાર્તાકાર તો જાણે કે વાટ જ જોતો હતો કે આ 'ડળક ડળક' શબ્દ ફરીવાર ફ્રાઉ ક્યારે બોલે!
'હૈયાફૂટા જુવાનોનું એ જ મોત છે ને, બેન ! એ ડળક ડળક ડોળામાં જ હૈયાફૂટા જુવાનો ડૂબી મરે છે! હં, પછી?'
વાર્તાકારે ફ્રાઉને આ વેણે ડાંભી, એટલે વળી એ લોટમાં પાણી નાખવાનું પ્રમાણભાન ખોઈ બેઠી. કથરોટમાં રબડી બની ગઈ, પરિણામે ફ્રાઉએ જવાળા કાઢી :
'પછી શું? પછી જ્યારે સાચેસાચ મારો બાલુભાઈ બધું પોતાનું સમજીને વર્તવા લાગ્યો ત્યારે પછી ઓલીના ડોળા ડળક ડળક થવાને બદલે ભવાં કપાળે ચડવા લાગ્યાં અને એના બાપનું મોઢું 'આ બધું તમારું જ છે.' એને બદલે એમ બોલાતું થયું કે : 'આ ધણીપતુ તો, ભાઈ, ન ચલાવી લેવાય.' મારે બાલુભાઈએ એક દી શૉફરને ધમકાવ્યો. એક દી પાછી રસોઈયાની ધૂડ કાઢી, એક દી સસરાની પાસે જઈને બેઠા વગર પરબારો વિશાખા પાસે ગયો. આ એવું એવું બનવા લાગ્યું એટલે સસરોજી અકળાયા. પણ મોંમાંથી ફાટે તો પણ બાલુભાઈ ને વખતસર સાન આવે ને ! બા, મા ને દીકરી-ત્રણે જણાં મનમાં ને મનમાં ધૂંધવાય, મનમાં પરણે ને મનમાં રાંડે, મારો બાલુભાઈ બાપડો માંહ્યલો ભેદ પામી જ ન શક્યો. એનું તો પેલી કહેવતવાળું 'રંડીપૂતર શે'જાદો', એના જેવું બન્યું. એક વરસ વેવિશાળ ટક્યું. બીજે વર્ષે પોતે બી.એ. થાય કે તુરત લગ્ન થવાનાં હતાં ત્યાં તો કાચની બંગડીના કટકા થાય તેમ એનું હૈયું નંદવાઈ ગયું !'
'કાં ?'
'નાની એવી વાતમાં એકવાર જઈને સસરાને કહે કે મારે કાલે રૂપિયા અઢીસો જોશે. આ બસ એ 'જોશે' શબ્દ સસરાને લમણામાં બંદૂકની ગોળી જેવો લાગ્યો. કહે કે : 'જોશે એટલે?' મારો બાલુભાઈ બોલ્યા કે : 'જોશે એટલે જોશે. બીજું શું વળી? ફી ભરવાની છે તે જોશે.' સસરો કહે કે : 'એમ 'જોશે' કહ્યે નહિ ચાલે', કે' : 'કેમ નહિ ચાલે?' કે' : 'નહિ ચાલે. તમે શું કોઈના રણીધણી છો?' આ એમ કહ્યું એને સસરે, અને મારા બાલુભાઈની ખોપરી ખદબદી. ચેતી જઈને ચુપચાપ ચાલ્યો જાય તો તો કાંઈ નહિ, પણ ઊખડી પડ્યો કે : 'ત્યારે આજ લગી શું ઉલ્લું બનાવતા'તા ! તો સસરો કહે કે : 'તું શું આંહીં ધણીપતું કરવા આવ્યો છે? આ તો ઠીક છે, પણ લગ્ન કર્યા હોત તો તો તેં શી બાકી રાખી હોત?'
આ ઈ 'હોત' શબ્દ પર લાગી પડી. મારો બાલુભાઈ કહે : 'લગ્ન કર્યા હોત એટલે શું કહેવા માગો છો?' સસરો કહે : 'ઈ વ્યાકરણ- ફયાકરણ હું ભણ્યો નથી, જા, પૂછ તારા પ્રોફેસરને.' મારો બાલુભાઈ કહે કે : 'ન ભણ્યા હો તો હું ભણાવી શકું તેમ છું. તમારા ઉપર ભૂંગળું ભાંગ્યું નથી.' ઓલ્યો કહે કે : 'ચાલતો થા.' આ કહે કે : 'આ ચાલ્યો.' ઊઠીને મંડ્યો એ તો ચાલવા. ચાલ્યો આવ્યો હોત તો તો કાંઈ નો'તું પણ બારણામાંથી પાછો વળ્યો બચાડો અને કહે કે : 'મારે જરા વિશાખાને મળી લેવું છે.'
'હં...' વાર્તાકારે ટમકું મેલ્યું, 'પછી તો ઓલ્યો ઘા ભૂલે?' અને ફ્રાઉ તો રાતી રાતી થઈ જઈને આગળ વધી :
'હા...સ્તો! બચાડાને ભાન ભુલાવ્યા પછી તો બાકી શીદ રાખે? કહે કે : 'હાલતો થા હાલતો, મળ્યું વિશાખાને ! મોઢું છે મારા ચંપલને જોગ !' તોય બાઘો ઊભો રહ્યો. હમણાં જાણે એની વિશાખા દોડતી આવીને બાપની પટકી પાડી નાખશે !'
'હં...અ...' વાર્તાકારે ફટકો માર્યો. 'નાટકના તખતા ઉપર વીંગમાંથી સબૂર સબૂર કરતું પાત્ર દોડ્યું આવે છે ને કટોકટીની ઘડીએ, એમ આપણા વીર બાલુભાઈ ને આશા હશે ખરું ને? પણ વિશાખા બાપડી વિધાતાના નાટકમાં શું કરી શકે - ઘરમાં હશે જ નહિ કાં તો !'
'નહોતી શેણે, રૂપા... ળી ઊભી'તો ત્યાં જ !'
'હેં, ક્યાં?'
'હા, ત્યાં બાજુના ઓરડામાં, બારણાની પાછળ જ. રૂ...પા...ળી ઊભી'તી ! ઊભી ઊભી તમાશો જોતી'તી !'
'પ્રેક્ષકની પેઠે કે?'
'મૂઆ પ્રેક્ષક ! નજરોનજર દીઠી હતી મારે બાલુભાઈ એ. બાપ ચંપલ મારવાનું બોલ્યો તયેં તો ઊલટાની સરકી ગઈ !'
'બહાર દરવાજે જઈને ઊભી હશે!' વાર્તાકાર એક પણ ફટકો ભૂલતો નહોતો.
'ના, બાપુ ના.' ફ્રાઉએ દાઝ કાઢી, 'મારો બાલુભાઈ પણ એ જ આશા રાખીને બહાર નીકળ્યો કે બગીચામાં ઊભી હશે, રાતની રાણીના રોપ પાસે ઊભી હશે, ત્યાં નહિ તો આગળ પારિજાતના છોડ પાસે લપાઈ હશે, કાંઈ નહિ તો છેવટે માળીના ઝૂંપડામાંથી નીકળશે! પણ મારો બાલુભાઈ મૂરખો બન્યો. હળવે હળવે હાલ્યો, પંદરવાર તો પાછું વાળી જોયું, પણ કેવી વિશાખા ને કેવી બિશાખા ! બચાડો મને તે રાતની વાત તો તલેતલ માંડીને કહેતો. નૈ નૈ તોય પાંચેક વાર કીધી હશે. મેં કહ્યું કે : બાલુભાઈ ! એ દૃશ્યને જ હવે બંધ કરી દે અને બીજે નજર નાખ, આપણી ન્યાતમાં કાંઈ તારે માટે તોટો નથી, પચીસ નાળિયેર કાલ સવારે તારા પગમાં રડતાં આવે છે કે નહિ તે ઓલ્યાને બતાવી દઈએ, પણ એ કહે કે : 'નહિ રે બેન ! જગત બદલે પણ વિશાખા ન બદલે. જરૂર એને એની બાએ જકડી રાખી હશે. મારા ચાલ્યા આવ્યા પછી એના બાપુની એણે પટકી જ પાડી નાખી હશે! જોજો ને, સવારે એની મોટર ગાજી જ સમજો ને !' પણ બેન ક્યાં એવી ગાલાવેલી હતી ! બેન શું એની પોતાની અસ્ત્રી-જાતને નહિ ઓળખતી હોય, બાપુ !'
ચૂલો ચૂલાને ઠેકાણે રહ્યો, રોટલા ફ્રાઉએ બંધ રાખ્યા, ત્યારે મેં કહ્યું કે : 'તારી વાતોથી સાંજે વાળુ નહિ થાય હો ! ફ્રાઉ ! આ વાર્તાકાર ભલે ધરાય, મારે તો ખાસ્સો જોટો જોશે.'
'મારે પણ.' વાર્તાકારે સાહિત્યના કરતાં રોટલાને ઊંચી પદવી આપી.
'એ તો હું તપેલું ચડાવી દઈશ. ખાઈ લેજો ખીચડી.'
'તારા ભાઈનું ખીચડું રઝળ્યું એમાં...?'
'ના, ના, મારા ભાઈનું ખીચડું તો કોઈ રઝળવાનું નો'તું. મેં એને એ ઘેર આવ્યો ને કહી દીધું કે મારા જોડે ઈવડી ઈને, સવાર પડવા દે, હું તને પંદર છોકરીયું બતાવું, તારે ગમે તે એક ઉપાડી લે. તે એણેય કહ્યું કે : હા બહેન, એકવાર એને તો બદાવી દઈએ. સવાર પડી ત્યાં ફસક્યો કે : ના બેન ! નહિ નહિ ! વિશાખાના ને મારા તો ખોળિયા નોખાં, બાકી શ્વાસ એક. મારી ને એની ચાર નજરું એક થાય પછી જોઈ લ્યો. ગયો બાપડો ચાર નજરું એક કરવા ! ભાઈબંધો મોટરમાં નીકળ્યા. ગયા ઈવડા ઈને બંગલે રાત વેળાનાં. ઈવડો ઈ સમજ્યો કે કાં વિશાખાને ઉપાડી જવા ને કાં તો પોતાને મારવા ગુંડા લાવ્યો છે. મોટર ઊભી રહી એટલે એણે એના પઠાણને હુડદાવી મૂક્યો.
'કૂતરાંને હુડદાવે એમ?' વાર્તાકારે ઉપમા વાપરી એ ફ્રાઉને ગમી ગઈ. કહે કે : 'હા, મૂઆ માણસો પણ ડાઘિયા કૂતરા જ છે ના! દરવાન, કૂતરા જેવો, તૂટી પડ્યો મારા બાલુભાઈ માથે.'
'વિશાખા નહોતી?' વાર્તાકારે ખંજર માર્યું.
'હતી, મારે બાલુભાઈએ સગી આંખે જોઈને ! મેડીની બારીએ ઊભી'તી. જાંબલી રંગનો દીવો બળતો'તો ને એના અજવાળામાં ઊભી'તી મારે બાલુભાઈએ નજરે જોયું. એણે રેઢિયાળાએ એક દેશી ભરતનો પોશાક ભેટ આપેલો તે જ પોશાક પહેરીને ઝળાંઝળાં થાતી ઊભી'તી. મારો બાલુભાઈ આવીને પથારીમાં પડ્યો, હું હળદર ભરીને શેક કરતી બેઠી તે ટાણે એ કહેતો'તો કે : બેન ! શું એનાં ચોળી-ચણિયાનાં આભલાં જાંબુડિયા દીવાને અંજવાળે ઝળક ઝળક થતાં'તાં ! મને માર ખાતો દેખીને બાપડી બારીમાં જડાઈ ગઈ હોય એવું લાગ્યું. એ તો ફ્રેમમાં મઢેલી છબી જ જોઈ લ્યો, બેન !'
'ખરો કવિ !' વાર્તાકારે ટમકું મૂક્યું.
'કવિપણાએ જ આજકાલ ઘર ઘાલ્યું છે ના ! નીકર માર ખાતાં ખાતાં કોઈને આવો વિચાર આવે કાંઈ? મેં કહ્યું કે : 'રઢિયાળા, હવે એ દૃશ્યને મૂકી દે ને સવાર પડવા દે. ચાલ્ય, તને દેવનાં ચક્કર જેવી ન્યાતની દોઢસો છોકરિયું દેખાડું. ઈ ટાણે તો કબૂલ થયો કે : હા, હા, બેન ! સવાર પડવા દ્યો, પરણીને ઈ જ મોટરમાં સજોડે બેસીને ધોળે દા'ડે એના બંગલાને ઘસાઈને નીકળું તો જ હું ખરો બાલુભાઈ ! એકવાર તો એને બતાવી દઉં કે તારા કરતાં તો નવટાંક વિશેષ રૂપ મારા પગમાં આળોટે છે ! પણ સવાર પડતાં પાછો ફસક્યો, કહે કે : 'ના રે ના, બેન ! મને બે ગાળ દેવી હોય તો દઈ લ્યો, વિશાખાને માટે વાંકો હરફ પણ બોલાશે મા, નીકર મારો જીવ કળીએ કળીએ કપાશે.' અરે બાપુ ! મારી તો કાંઈ હલાં કરી છે એ છોકરે ! પાકાં ટબાં બોલ જેવી ત્રણ છોકરીયું ને મેં વળતે દા'ડે તેડાવી રાખી. પણ કેવી ! તમે જુઓ તો -'
'રહેવા દેજે, ફ્રાઉ !' હું વચ્ચે પ્રોટેસ્ટ પુકારી ઊઠ્યો. 'મને જોવાનું કહીશ નહિ ભલી થઈને ! તું જાણ છ કે તું વિશાખા નથી ને હું તારો બાલુભાઈ નથી. તારા બાપને બંગલે મેં માર પણ ખાધો નથી, તે છતાં મારું મન ઈ ત્રણને દીઠે મજબૂત નહિ રહે !'
'રાખો, રાખો હવે ! હું એમ જોવાનો ક્યાં રહું છું? એકે જુઓ તો બબ્બે અંબોડા લીધેલા, બીજીએ વાંકો સેંથો પાડેલો, ને ત્રીજીને ખંભે કપાળે મોકળી લટો ઝપેટા ખાય. કહ્યું હોય કે ત્રણે પરણી લ્યો, તો ત્રણે મારા બાલુભાઈને પરણી લ્યે. પણ એ ભરખાઈ ગયેલો જ જાણો ને ! નિસાસો નાખીને કહે કે : 'ના બેન, વિશાખા તરફડી મરે, એકવાર એને મળું પછી જ બીજો વિચાર. એકવાર વિશાખા મને મોઢામોઢ થાય અને મને ચોખીફૂલ ના સંભળાવી દે એટલે પછી મારે ને એને હિસાબ ચોખો. પછી હું તમે કહેશો તેને પરણીશ, બેન !'
'પછી વિશાખા મળી ને?'
'ના ભાઈ ના, આવડો આ કાગળો લખ્યા જ કરે, પણ જવાબ જ દ્યે નહિ ને ! એના બાપે સૉલિસિટરની સલાહ લઈ લીધી હતી ને વિશાખાની સહીવાળું કાંઈક વકીલી લખાણ પણ તૈયાર રાખેલું.'
'પછી તો બાલુભાઈને સાન...'
'સાન ન જ આવી, ભાઈ ! સાન ન આવી તે ન જ આવી ! દેવના ચક્કર જેવી કન્યાઓ વરવા તલપાપડ હતી તેને એકેયને નજરમાં લેવાની ના પાડી દઈને મારો બાલુભાઈ બેઠો રહ્યો. કહે કે : બી.એ. થઈશ કે તરત જ વિશાખા ચાલી આવશે. પણ બી.એ. થાય શી રીતે? હાથપગ તો ભાંગી નાખ્યા'તા ઓલે એને સાસરે ! એક વરસ સુધી વારસદાર બનાવીને રાખેલ એટલે મારો બાલુભાઈ પુરુષાર્થ જ ભૂલી ગ્યો, પાંગળો બની ગયો, ટ્યૂશન આપવા જવાનું જોર ન રહ્યું. આવ્યો દેશમાં અમારે ગામડે, એના દાદાને કહે કે, લાવો મારે ભણવાના પૈસા. પણ દાદા પગલે પગલે જ્યોતિષમાં માનનારા-જોવરાવી રાખ્યો'તો જોષ. જવાબ દીધો કે : 'હેં બાલિયા, તારે ભણીને શું કરવાનું છે? તું કાંઈ બી.એ. થવાનો નથી, તને વિશાખા પરણવાની નથી, ને ત્રેવીસમે વર્ષે તો તારું મોત નક્કી છે. મેં જોષ જોવરાવી રાખેલ છે. તારે માથે હું શીદ પૈસા બગાડું?'
'સગા દાદાએ આમ કહ્યું?'
'હા, સગી માના સગા બાપે આ જ શબ્દો સંભળાવી દીધા ! જોષ એણે જોવરાવી રાખેલો ! પૈસા આપ્યા નહિ. મારો બાલુભાઈ દાદાને ઘેર બેઠો. ઘરમાં સૌને મોઢે વિશાખાની જ વાત : બસ પરણીશ જ વિશાખાને ! ને કહી દઉં છું કે વિશાખા કાંઈ ઘરચોળું પહેરશે નહિ, ને તમને, દીદામા, વિશાખા કાંઈ પગે પડીને મળશે નહિ. અમે કાંઈ અહીં રહીશું નહિ, અમે તો જુદાં રહેવા ચાલ્યાં જશું. આ તમારું કાંઈ વિશાખાને પસંદ પડે નહિ, એવું એવું...'
'ત્યારે તો ગાંડપણ...'
'હા, બધાંને એમ જ થયું કે બાલિયો ગાંડો થયો છે, ફટકી ગયું છે. કોઈ બોલાવે-ચલાવે નહિ, કોઈ સાંત્વનનો શબ્દ કહે નહિ. એક અમારે ઘેર મારી બા એને પ્રેમથી બોલાવે-ચલાવે, એટલે ઘેર જ પડ્યો-પાથર્યો રહે, પણ વાત ફક્ત વિશાખાની જ કર્યા કરે. એકવાર મારા બાપુને મોઢે પણ મારી વિશાખા આવી ને તેવી એવું લવવા લાગ્યો, એટલે બાપુએ સંભળાવ્યું કે : 'હવે તડકે મૂકને તારી વિશાખાને !' તો બસ, બાપુની સામો થઈ ગયો કે : 'બસ, મારી વિશાખાને માટે એક બોલ પણ આડો બોલનાર તમે કોણ? તમે આવા ને તમે તેવા !' આ... તે દીથી બાપુએ અમારે ઘેરથી પણ એનો ટાંટિયો કાઢ્યો-કૂતરાને હડકારે એમ એને હડકારી મેલ્યો.'
અહીં ફ્રાઉએ પાલવ ઊંચકીને આંખો લૂછી, વાર્તાકારે પણ વચ્ચે ટમકાં મૂકવાનું છોડી દીધું. મારાથી પણ ખીચડીની કે બીજી કોઈ બાબત કાઢી એને હળવી મનોદશામાં રાખવાનું અશક્ય બન્યું. એણે પણ, પછી તો, થોભ્યા વગર આગળ ચલાવ્યે રાખ્યું :
'એમાં એક દિવસ મારો બાલુભાઈ અમારે ઘેર સવારમાં આવીને ઊભો રહ્યો. અમને તો ઓળખતાંય વાર લાગી. ટસરનાં કોટપાટલૂનને બદલે ખાદીનું પોતિયું અને ખાદીનો ઝભ્ભો, માથા પર હેટને બદલે ગાંધી-ટોપી, ખંભામાં એક બગલથેલી ટિંગાય. ને મારાં બાને કહે કે : ફૈબા ! મને ચાંદલો કરો, મને આશિષો આપો, જઉં છું.' બા કહે : 'અરે બેટા, ક્યાં?' કૈ : ફૈબા, વિક્રમગઢના સત્યાગ્રહ સંગ્રામમાં.'
'બા તો હસી હસીને ઢગલા ! કહે કે : હવે રાખ, રાખ ભાઈ ! તારે ને સત્યાગ્રહને લાગેવળગે શું?'
કે : 'હા, ફૈબા, વાત તો સાચી ! હું કાંઈ ખાદીમાં, મહાત્માજીની હજાર લપમાં કે સરદાર વલ્લભભાઈના સત્યાગ્રહોમાં માનતો નથી, પણ આ તો મારી વિશાખાને કારણે...'
'એટલે ?'
'ખબર મળી છે, ફૈબા, કે વિશાખાએ પણ અમદાવાદમાં સત્યાગ્રહી બની લડતમાં ઝુકાવેલ છે. એને ગમશે તેટલા માટે હું વિક્રમપુરના સત્યાગ્રહમાં જાઉં છું. બીજું કાંઈ મારે સત્યાગ્રહ સાથે લાગે-વળગે નહિ, વિશાખા રાજી થશે.'
'અરે બાલુ ! બેટા !' બા તો મોં વકાસી જોઈ રહ્યાં, પણ બાપુની જીભ ન રહી શકી. એણે કહ્યું કે : 'તારી વિશાખા તો અમદાવાદના સંગ્રામમાં ગઈ, ત્યાં એને જેલ મળશે ખરી, પણ ए કે ब ક્લાસમાં પાંઉ-મસ્કો ઉડાવશે. ઘેરથી સુંવાળું બિછાનું લઈ જશે, મચ્છરદાની ઢાંકેલો પલંગ પામશે, નાશે, ધોશે ને તેલ-પોમેડ નાખે કાંચકે વાળ હોળશે, ત્યારે તું તો, બચ્ચા, વિક્રમપુરમાંથી જીવતો જ નહિ આવી શકે. મઠની કાંજી પી પી મરડામાં મરી રહીશ. વિશાખા વિશાખા શું કર છે વેવલા ! વિક્રમપુરના દીવાનને ઓળખ છ? એ માણસ નથી, એ તો વાઘ છે લોહીતરસ્યો !'
'-ને બાપડો બાના હાથનો ચાંલ્લો પણ પામ્યા વગર બાપુની સાથે બાખડતો ચાલી નીકળ્યો. છ મહિને પાછો આવ્યો. બાપુની વાત પણ સાચી પડી. વિક્રમપુરવાળાઓએ મઠ જ ખવરાવ્યા. મારી મારીને હાડકાં ભાંગ્યાં. હાજપિંજર જેવો બનીને બહાર આવ્યો. એકદમ દોડ્યો અમદાવાદ અને ત્યાં એક સંબંધીને ઘેર-જે ઘેર એણે પહેલવહેલી વિશાખાને જોઈ હતી. ત્યાં એ સંબંધીએ વિશાખાને બાલુભાઈ આવ્યાની ખબર પડવા દીધા વગર તેડાવી હતી. ત્યાં અમદાવાદની જેલમાં મહાલી આવેલી રાતીરાણ જેવી વિશાખાને બાલુભાઈએ જોઈ. ઓલીએ સામું પણ ન જોયું. ઘરવાળા કહે કે : વિશાખા, આ બાલચંદ્ર ! ન ઓળખ્યા? ઓળખાય તેવા નથી રહ્યા ને ! એ તારે ખાતર માળખું બન્યો છે, વિશાખા ! બાલચંદ્રે વિક્રમપુરાનો સત્યાગ્રહ સહ્યો તે તારે માટે !'
'મારે ને એને કંઈ નથી.' એમ કહીને વિશાખા ત્યાંથી સડેડાટ ચાલી નીકળી. મારા બાલુભાઈની સામે પણ ન જોયું. પછી બાલુભાઈ અમદાવાદમાં રહી શક્યો નહિ. નીકળીને આવ્યો વેરાવળ. ત્યાં એક ટંક ઊતર્યો. પછી અમારે ગામડે આવ્યો. અમને સૌને મળ્યો. પછી સાંજે દાદાના મેડા પર ચડી ગયો. કંઈક પીને સૂઈ ગયો.
'રાતે એની નાની બેન એને વાળુ કરવા તેડવા ગઈ. ઢંઢોળીને કહે કે : 'ભાઈ, હાલો વાળુ કરવા.' જવાબ મળ્યો કે : 'ઊંઘ આવે છે, ઉઠાડશો નહિ.'
'રાતમાં તો ઘરડ ઘરડ અવાજ સંભળાણા. નાની બેન દોડી ગઈ, જોઈને બૂમો પાડી કે : 'એ દાદા, દોડો ! દાદા ! દાદા ! બાલુબાઈને દવાખાને પહોંચાડીએ.' દાદા તો જ્યોતિષમાં માનનારા, કહે કે : 'કંઈ જરૂર નથી. ઝટ ન્યાતીલાને બોલાવો ન્યાતીલાને. એ તો થવાનું જ હતું. મેં તો જોવરાવી જ રાખ્યું હતું. દવાદારૂ વળી શાં ! બોલાવો ન્યાતીલાને !'
'પણ પોલીસની બીક લાગી. ઈસ્પિતાલે લઈ ગયા. ત્યાં ઝેર ઉતારવા દાકતર મથતા હતા તેને મરતો મરતો પણ મારો બાલુભાઈ કહે કે : 'સીદ મને જિવાડવા કરો છો? મારે જીવવું નથી. વિશાકા વગરની દુનિયામાં મારે જીવવું નથી. મને મરવા દો.'
'મર્યો બાપડો, ને વિશાખા બીજે પરણી ગઈ !'
ફ્રાઉ આથી વધુ કંઈ બોલી શકી નહિ. ડૂસકે ડૂસકે રડવા લાગી. વાર્તાકાર સડક બની ગયો. મને પણ થયું કે આ લેખકની લપને ક્યાં ઘરમાં ઘાલી !
* * * *
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર