ફાંદાળો ભીલ
(વાર્તાકારઃ ઝવેરચંદ મેઘાણી)
તે દિવસની સંધ્યાએ તું થરથરી ઊઠેલો, ખરું? ફાંસીની તુરંગમાંથી પેલા મોટી ફાંદવાળા જુવાન ભીલને લાવવામાં આવ્યો અને જેલરે એને ત્રાડ મારી કહ્યું : 'તુમ કો કલ ફજર મેં ફાંસી મિલેગા, તુમ્હારે વાસ્તે હુકમ આ ગયા હૈ. તુમ કો કુછ કહના હૈ?'
ફાંદાવાળો ભીલ જેવો ને તેવો ઊભો રહ્યો.
'તુમ સુના? કાન હૈ તો? કલ સબેરે તુમ કો ગલે મેં રસી ડાલ કે ફાંસી દેનેવાલી હૈ.'
ભીલની સમાધિ તોયે ન છૂટી.
પછી જેલરે હસીને સંભળાવ્યું :
'દેખો, તુમ્હારી ફાંસી કી સજા નિકલ ગઈ. તુમ કો છુટ્ટી દેને કા હુકમ આયા હૈ. યે તુમ્હારે કપડે લો, પહન લો, ઓર જાઓ દેશમેં, મગર દેખો, અબ વો તુમ્હારી ઓરત કે પાસ મત જાના. ગલા કાટ કે માર ડાલેંગી તુમકો!'
ફાંદવાળો ભીલ તો આ ખબર સાંભળીને પણ બાઘાની પેઠે થીજી ગયેલો ઊભો છે. એને એક અદાલતે પોતાની સગી માની હત્યાનો અપરાધી ઠરાવીને ફાંસી ફરમાવી હતી અને આજ વળી એક ઉપલી અદાલતે એની એ જ સાક્ષી પરથી તદ્દન નિર્દોષ ઠરાવી નાખ્યો.
ફાંદવાળા ભીલના પેટમાં વિચારો ચાલતા હશે કે 'આ બધું આમ કેમ? હું તે મનુષ્ય છું કે માજિસ્ટ્રેટોના હાથમાં રમતું રમકડું છું? મારું જીવતર શું આવા ઝીણા તાંતણા પર ટીંગાઈ રહ્યું છે? આ જેલર બોલે છે તેમાં મશ્કરી કઈ? પહેલું બોલ્યો એ? કે પાછલું? મને ઠેકડીમાં ને ઠેકડીમાં દરવાજાની બહાર જવા દીધા પછી પાછો પકડીને લાવવાનો, મારું ટીખળ કરવાનો, સાંજવેળાની જરી મોજ માણવાનો આ નુખતો તો નહિ હોય ને?' ફાંદવાળો ભીલ આવી ઠેકડીનો પાઠ પહેરવા તૈયાર નહોતો. એ દિગ્મૂઢ ઊભો રહ્યો.
પછી સહુએ કહ્યું : 'સચમુચ તુમ છૂટ ગયા. તુમ ગભરાઓ મત. યે હાંસી મત સમઝો.'
છ-બાર મહિનાની સજાવાળાઓને પણ છૂટતી વેળા જે વર્ષાવેશની કૂદાકૂદ હોય છે, તેમાંનું કશુંયે આ મોતના ઉંબરમાંથી પાછા વળતા ફાંદવાળા ભીલને હૈયે નહોતું થતું. એ પોતે જ પોતાના પિંડ ઉપર નિહાળી રહ્યો હતો - પોતે પોતાને જ જાણે કે પૂછતો હતો કે હું તે જીવતો છું કે મરી ગયેલો?
બહુ સમજાવટ તેમ જ પંપાળને અંતે એણે મૂંગાં મૂંગાં કપડાં બદલાવ્યાં અને પછી એણે બારી આરપાર બહાર નજર નાખી, બીજી બારીઓથી આરપાર પણ જોયું.
કોઈ એને લેવા નહોતું આવ્યું. જગતમાં એની જિંદગી કોઈને કશા કામની નહોતી. આખી દુનિયાએ ત્યજેલાને પણ જે એક ઠેકાણે આદર હોય છે તે ઠેકાણું - તે પરણેલી ઓરતનું હૈયું - ફાંદવાળા ભીલને માટે ઉજ્જડ હતું, કેમ કે એ હૈયામાં કોઈ બીજાનું બિછાનું બન્યું હતું. એ બિછાનાની આડે આ ફાંદવાળો ભીલ તો કદાપિ નહોતો આવતો, પણ એની બુઢ્ઢી માતા હંમેશની નડતરરૂપ હતી. ફાંદાળા ભીલની ઓરતે પોતાના આશકની મદદથી આ બંને નડતરોને એકસામટાં કાઢવા માટે જ સાસુની હત્યા કરીને પછી એનો ગુનો પણ ઠોકાવી દીધો હતો. એટલે હવે ફાંદાળો ભીલ ક્યાં જઈ, કઈ ધરતી પર પગ મૂકશે એ એની મૂંઝવણ હતી.
ભાઈ ફાંદાળા ભીલ ! તું જીવતો જગતમાં જાય છે તે તો ઠીક વાત છે. મને એ વાતનો કશો આનંદ નથી. પણ હું રાજી થાઉં છું તે તો એક બીજે કારણે. ફાંસી-તુરંગના વોર્ડરો અત્યારે આંહીં વાતો કરી રહ્યા છે કે બાપડો ફાંદાળો રોજેરોજ બેઠોબેઠો ભગવાનને વીનવી રહ્યો હતો કે : 'હે ભગવાન! મેં મારી માને મારી નથી, માટે જો હું નિર્દોષ હોઉં તો મને આમાંથી છોડાવજે!' હવે તું છૂટ્યો એટલે અનેક મૂરખાઓને નવી આસ્થા બેઠી : 'જોયું ને? ભગવાનને ઘેર કેવો ન્યાય છે!'
આ આસ્થાના દોર ઉપર અનેક નાદાનો નાચ માંડશે, જગતમાં ઈશ્વર છે ને એ ઈશ્વર પાછો ન્યાયવંતો છે એવી ભ્રમણામાં થોડા વધુ લોકો ગોથાં ખાશે ને એમાંથી તો પછી અનેક ગોટાળા ઊભા થશે! છૂટી જનારા તમામ નિર્દોષો લેખાશે ને લટકી પડનારા તમામ અપરાધી ઠરશે! આવી અંધાધૂંધી દેખીને મારા જેવી ડોકરી ખૂબ લહેર પામશે. એમાંથી તો મને આંસુઓનો ભક્ષ પણ ઘણો મળી રહેશે. ખી-ખી-ખી-ખી-ખી !
ફાંદાળા ભીલની પોચી પોચી ફાંદમાં અમારા જેલરે લહેરથી પોતાની આંગળી બેસાડી. પછી તો અમારો બાંઠિયો બામણ કારકુન પણ એ ફાંદની જોડે વહાલ કરવા લાગ્યો. પછી નાના-મોટા સહુએ આ સ્પર્શસુખનો લહાવો લીધો. મને પણ ઘણુંય મન થયું કે, હું મારા સળિયા લંબાવીને ફાંદાળા ભીલના પેટની સુંવાળી ચરબી જરી ચાખું, પણ મરજો રે મરજો પેલા સુથાર ને પેલા કડિયા, જેણે એંશી વર્ષ અગાઉ મારાં અંગોને પથ્થરોની ભીંસમાં જડી લીધાં છે.'
જેલરસા'બ! કારકુન ભાઈઓ! તમે ફાંદાળા ભીલની કનેથી આ ખુશાલીની કંઈક ઉજાણી, કંઈક મહેફિલ તો માગો! એની 'કેશજ્વેલરી'ના પરબીડિયામાંથી શું કંઈ રોકડ કે સોનુંરૂપું ન નીકળ્યું? જમાલ ડોસાની પેઠે એને કોઈ દીકરી અથવા દીકરીની દીકરી નહિ હોય? એવી નાની શી પુત્રી અથવા ભાણીનું કંઈ ફૂલિયું, લવિંગડું કે કોકરવું, કોઈ કડી, છેલકડી કે કાનની સાદી વાળી, એકેય નાનો દાગીનો એની કને નથી રહી ગયો કે? ફાંદાળો ભીલ તો સાદા ચા-પાણીમાંથી પણ ગયો!
ક્યાં ગયો? બહાર જઈને ઊભો રહ્યો. થોડો થંભીને ફરી ચાલતો થયો. ફરીને ઊભો રહે છે. દરવાજા પર પહેરો ભરતા બંદૂકદાર સંત્રીને સંશય પડે છે.
ફાંદાળો ભીલ કંઈ ભયાનક મનસૂબા તો નથી કરતો ને?
સંત્રીના મોંમાંથી મશીન-ગનના ગોળાની પેઠે તડતડાટ કંઈક 'હટેડ હોમ!' ગદ્ધા ! ચલ જા ! ગંવાર !' એવા શબ્દો છૂટે છે. ફાંદાળો ભીલ સમજ્યા વગર આગળ પગલાં માંડે છે. સ્ટેશન પર પોલીસ એને એના ગામની ટિકિટ લઈ સોંપે છે, પણ આ બધી શી ક્રિયા ચાલી રહી છે તેની હજુય કશી ગમ ફાંદાળા ભીલને પડતી નથી.
'પેલું જ ઠીક નહોતું!' ફાંદાળો ભીલ ફરીથી વિચારે છે.
- પેલું એટલે?
એટલે વળી બીજું શું? પ્રભાતમાં વહેલી હજામત : પછી ચકચકિત સંગીનોથી શોભતી બંદૂકદાર પલટનનું આગમન : પેલી ફૂલશોભન કેડી પર થઈને સહુને 'રામરામ' કરતા ચાલી નીકળવાની યાત્રા : શિવમંદિર જેવા સાફસૂફ કરેલા ફાંસીખાનાને દ્વારે દાખલ થતાં જ માથા ઉપર કાળી કાનટોપીનો અનંત અંધકાર : ને પછી શું થવાનું છે કે શું થઈ રહ્યું છે તેની સુખભરી અજાણમાં ને અજાણમાં ચુપચાપ એક જ ધડાકે ખતમ થઈ લટકી પડવાની એક-બે મિનિટો.
આ શું ઠીક નહોતું? રોજેરોજ, રાત્રિદિવસ, પળે પળે ને શ્વાસે શ્વાસે, સ્વપ્નમાં ને જાગ્રત દશામાં ફાંદાળો ભીલ શું આ ફાંસીની સજા નહોતો ભજવી રહ્યો! કાળી કાન-ટોપી શું એને કોઈક અદૃશ્ય હાથ નહોતા પહેરાવી રહ્યા? સૂબેદાર રોજ સવારે આવીને એની સામે તાકી રહેતો, ત્યારે શું ફાંદાળો ભીલ સૂબેદારની આંખોમાં દોરડાનાં ગૂંચળાં ને ગૂંચળાં ઉખેળાતાં નહોતો જોતો? કોઈ છીંકખોંખારો ખાતું, તો શું એને ધડાક કરતું ફાંસીનું પાટિયું પડતું નહોતું લાગતું? પોતે જ પોતાની લાશને દોરડે લટકતી ને દરવાજે નિકળતી શું નહોતો નિહાળ્યા કરતો? પોતાના મુર્દાનો કબજો લેવા કોઈ નથી આવવાનું એમ સમજીને, એને પોતાને જ શબ લઈ જવા દરવાજે હાજર રહેવું પડશે એવી ચિંતા શું એને નહોતી થઈ? પોતે એકલો જ પોતાના ખભા પર પોતાના શબને ઉપાડીને સ્મશાન નહોતો શોધતો? સ્મશાન દૂર હોવાને કારણે શું એણે સ્ટેશન પરની માલગાડીના એન્જિનની ભઠ્ઠીમાં જ શબને નહોતું પેસાડી દીધું? ને પછી ડ્રાઈવરના આવવાની રાહ જોયા વગર પોતે જ એ સળગેલા એન્જિનને હાંકી નહોતો ચાલી નીકળ્યો? ને પછી પોતાના શબની રાખની પોટકી બાંધીને શું એ પોતાને ઘેર પોતાની સ્ત્રીને નહોતો સોંપી આવ્યો?
આટલી આટલી માનસિક આપવીતીઓ વેઠી લીધા પછી પોતાને પાછા જીવતા જગતમાં જવું પડે છે, એ શું ફાંદાળા ભીલને ગમતું હશે? મરવાનું કામ જો વહેલું કે મોડું પતાવવાનું જ છે, તો આટલા ભેગું એટલું પણ ફેંસલ કરી નાખ્યું હોત!
આટલી આટલી માનસિક આપવીતીઓ વેઠી લીધા પછી પોતાને પાછા જીવતા જગતમાં જવું પડે છે, એ શું ફાંદાળા ભીલને ગમતું હશે? મરવાનું કામ જો વહેલું કે મોડું પતાવવાનું જ છે, તો આટલા ભેગું એટલું પણ ફેંસલ કરી નાખ્યું હોત!
- ને ફાંદાળા ભીલની વિચારસરણી તો ક્યાંની ક્યાં આગળ વધે છે -
'ટૂંકો અને મુકરર માર્ગ - સરળ અને શોભીતો માર્ગ તો એ જ હતો : એ રસ્તે મારે કોઈને શોધતા જવાનું નહોતું, ઊલટા મને સહુ શોધતા આવતા હતા! મારે કશી જ તૈયારી કરવાની નહોતી, ભેજું જરીકે વાપરવાનું નહોતું, સમજપૂર્વક ડગલાં પણ ભરવાનાં નહોતાં. પડ્યાં પડ્યાં બસ બેફિકર અમીરી જ માણવાની હતી. ઝીણામાં ઝીણો આખો જ કાર્યક્રમ બીજાઓને ગોઠવવાનો હતો, તેઓએ જ પાર ઉતારવાનો હતો. મારા પગ ભાંગી પડીને ચાલવાની ના પાડત, તો તે લોકો જખ મારીને મને ઉઠાવી લઈ જાત. હું પાટિયા પર ઢગલો થઈ પડત તો પણ તે લોકો મને સતાવત નહિ. મારે ગળામાં દોરડું ક્યાં ને કેવી રીતે પહેરવું તેની કડાકૂટ પણ કરવાની નહોતી. દોરડું તૂટી જઈ દગો દેશે એવી દહેશત પણ મારે રાખવાની નહોતી. મારી લાશ કોને સોંપવી કે મારા રામરામ કોને કહેવા, તે જંજાળ પણ મારે ક્યાં કરવાની હતી? મારી દહનક્રિયામાં ઈંધણાં કેટલાં જોશે તેય મને કોઈ પૂછનાર નહોતું.'
'આવો મુકરર માર્ગ છોડીને હવે કું ક્યાં જઈશ? હમણાં જ હું ભૂખ્યો થઈશ. અપીલ ન કરી હોત તો મારે ક્યારનુંય ભૂખ તરસનું દુઃખ ટળી ગયું હોત! ભૂખની આગ હું ક્યાં જઈ ઓલવી શકીશ? ભીખ માગીશ તો કોણ દેશે? હું ભિખારી જેવો તો દેખાઈશ જ નહિ! હું વીસ વર્ષથી ખેતરમાં મહેનત કરી ગુજરનારો ખેડુ, મારા મોં પર ભિક્ષુકની મુખમુદ્રા શી રીતે પહેરી શકીશ? મને ભિક્ષાના સ્વરો કાઢતાં પણ ક્યાંથી આવડશે? મને કોઈ પૂછશે ને હું જો કહીશ કે હું તો જેલમાંથી છૂટ્યો છું - ને મને તો ફાંસી મળવાની હતી - તો?'
'તો લોકો ભયભીત બની બારણાં બીડશે, નાનાં બાળકો રડશે, હું ખૂન કરવાના ઈરાદાથી જ આવ્યો છું. એવું માનશે. હું કોઈ ફાંસી ખાધેલાનું પ્રેમ હોઉં એવું કલ્પશે. મને મારીને કાઢશે - પોલીસમાં સોંપશે! પૂછશે તેના પૂરા જવાબો નહિ આપી શકું તો માનશે કે હું કંઈક છુપાવું છું, ને મારા હાથ બીકના માર્યા સંકોડાશે તો કહેશે કે, બતાવ ક્યાં છુપાવ્યો છે તેં તારો છૂરો?
'અરધી રાતનો ભૂખ્યો ને તરસ્યો હું કોઈક ધર્મશાળામાં ભરાઈ બેસીશ તો? ને ત્યાં મારા પાડોશી મુસાફરો કંઈક જમતા હશે તો? મારાથી નહિ રહેવાય ને હું કોઈકના રોટલાની ચોરી કરી બેસીશ તો? ચોરવા જતાં કોઈ બાવો-ફકીર મને મારવા દોડશે તો? હું મારા બચાવમાં એની જ છૂરી ઝૂંટવીને એને જખમ કરી બેસીશ તો?'
'તો તો ફરી પાછી આ કેદ ને? ફરી પાછું કૂનનું તહોમતનામું, ફરી પાછી ફાંસીની સજા, ફાંસી દેવાના દિન પર્યન્તનું પળેપળ કરપીણ કલ્પના-મૃત્યુ, અને હાય! ફરી પાછા મારી ફાંદમાં આ જેલર તથા આ કારકુનોની આંગળીઓના ગોદા! અને એ વખતે તો જેલર બીજી જાતની મશ્કરી કરશે. કહેશે કે -
'તુમ છૂટ ગયા. જાઓ તુમારે ઘરકો. તુમારી ઓરત કા યાર મર ગયા હૈ, અબ વો ઓરત પસ્તાયકે તુમકો લે જાનેકો આઈ હય.'
- 'ને હું એ વખતે કપડાં બદલાવી મારી ઓરતને મળવા અધીરો અધીરો બહાર નીકળવા જઈશ, તે ઘડીએ જ જેલરનું તથા કારકુનોનાં ગંભીર મોં ખડખડાટ હસી પડશે, મારાં જેલકપડાં પહેરાવીને એ મારી ફાંદમાં ફરી આંગળાં પેસાડશે. મને સંભળાવશે કે, 'કલ તુમકો ફાંસી મિલેગી. ફાંસી તુમારી ઓરત બનેગી. વો તુમારે ગલે મેં હાથ ડાલેગી.'
'એ બધાં કરતાં આ શું ખોટું હતું? મેં શા સારુ ભૂલ કરી? હું અપીલમાં શીદ ગયો?'
આવું મનન કરતો ફાંદાળો ભીલ આગગાડીમાં ચડે છે. પોતાની કને ટિકિટ હોવા છતાં એ પાટિયા ઉપર નથી બાસતો, નીચે બેસે છે. પલાંઠી નથી વાળતો, ઊભડક બેસે છે. હજુ જાણે એ પોતાની અપીલના ફેંસલાની વાટ જોતો બેઠો છે. ફાંસીની રસીનો ગાળિયો હમણાં જાણે ગળામાં પડ્યો કે પડશે!
બાંકડા ઉપર વાણિયા- બામણ બે ડોસા બેઠા છે. એક-બે બૈરાં પણ ફાંદાળા ભીલને દેખી લૂગડાં સંકોરી રહ્યાં છે.
હોકલીના ધુમાડા કાઢતો કાઢતો વાણિયો અમારી જેલ તરફ આંગલી બતાવે છે ને કહે છે કે, 'આ પેલી જેલ, ને ઓ પેલો જે ઊંચો ભાગ વરતાય તે ફાંસીખાનું.'
એટલું કહીને એ લહેરથી હોકલી પીએ છે.
બામણ ડોસો હથેળીમાં તમાકુ ને ચૂનો ચોળતો ટીકો પૂરે છે : 'મારું બેટું, આપણે તો અવતાર ધરીને ફાંસીયે ના દીઠી!'
બૈરું બેઠું છે તે ખબર આપે છે : 'અગાઉના સમયમાં તો ઉઘાડી ફાંસી આલતા. મનખ્યો જોવા મરતો, પણ આવડેં તો ગપત્ય મારી નાખે છે રોયા!'
વાત કરતાં કરતાં એ મારાં જાતબહેન ઢેબરાં જમતાં હતાં.
ડોસો હોકલી પીતાં પીતાં અફસોસ કરે છે કે, 'શરકારે હાંશી કમતી કરી નાખી તેથી જ તો મારા દીચરા ધારાળા ને ભીલડા ફાટ્યા સે ના!'
'ભીલડા' શબ્દ કાને પડતાં જ અંતરમાં ફાળ ખાતો ફાંદાળો ભીલ ચમકી પડે છે : ને એ ફાંસીએથી છૂટીને આવે છે, તેટલી વાત જાણતાં તો આખા ડબાનાં ઉતારુઓ સ્તબ્ધ બને છે. 'હે શિવ! રામ તુંહિ! હે અંબે, હે અંબે! એવા ઉચ્ચાર કરીને સહુ પોતપોતાની રક્ષા માટે ઈષ્ટદેવને તેડાવે છે. છૂટા છૂટા ઉદ્દગારો સંભળાય છે -'
'રાતની વેરા છે, ભૈઓ ! સહુ જાગતા સૂજો.'
'સમો ખરાબ છે, બાપા! બે પૈસા સાટુ પણ ગરાં કાપનારા પડ્યા છે.'
'- ને મારા બેટા એ તો કોણ જાણે ક્યાંથી છરો કાઢતાંકને ફાંદમાં પેસાડી વાળે છે - ખબર પણ ના પડે!'
ફાંદાળો ભીલ પોતાની ફાંદ સંભાળતો સંભાળતો મનને પૂછે છે -
'હે મનવા! હું આ કઈ દુનિયામાં હીંડ્યો જાઉં છું? હું તે લોકોને ક્યાં લગી કહ્યા કરું કે મારી ફાંસીની સજા તો નરાતાર જૂઠી હતી! આવું જીવતર શા સારુ? એ કરતાં પેલો અંજામ શું ખોટો હતો?'
ફાંદાળો ભીલ નથી જાણતો કે આગગાડી એને લઈને ક્યાં જઈ રહી છે. એને એક ઝોકું આવી ગયું. ઊંઘમાં એને લાગ્યું કે અધરસ્તે જાણે સરકારનો નવો હુકમ આવ્યો છે એને ફાંસી દેવાનો, એટલે આખી આગગાડી પાછી જઈ રહી છે. સાથેના ઉતારુઓ પણ એની જોડે જાય છે, કેમ કે સરકાર ફાંદાળા ભીલને પ્રકટ ફાંસી આપવાની છે તેથી પ્રેક્ષકોની જરૂર પડી છે. ફાંદાલા ભીલની સામે જાણે પેલા ઉપદેશક દાદા આવીને ઊભા છે. : ઉપદેશક દાદા એને સમજાવી રહેલ છે કે, 'ભાઈ! આ એક ગીતા તું વેચાતી લઈ લે. તને એ નરકે જતો બચાવશે.'
ફાંદાળો ભીલ કહે કે, 'દાદા, મારી કને પૈસા નથી. મને જો અગર પૈસે આપો તો આવતે ભવ હું તમને વ્યાજ સુધ્ધાં વાળી દઈશ.'
'આવતા ભવના શા ભરોસા, ગમાર! એટલું કહીને ઉપદેશક દાદા ચાલી નીકળે છે. જતા જતા એક ઓડકાર ખાય છે, પણ એ ઓડકાર અર્ધેથી અટકીને ખોટો ઘચરકો બની જાય છે. પોતાને ઘચરકા-વિકાર ન થઈ જાય તે માટે ઉપદેશક દાદા પાણી પીવા દોડે છે. ક્યાંય પાણી મળતું નથી. પછી એ ફાંસીખાનામાં ધસી જાય છે, સૂબેદારને કહે છે કે, 'ભાઈ, જલદી ફાંદાળા ભીલને લટકાવી દો ને! મારે જલદી પાણી પીવું છે. એ પાપીને ખાતર હું સંતરામોસમ્બી જમીને ઝટ ઝટ આવી પહોંચ્યો તેથી તો મને ખાટો ઘચરકો આવ્યો.'
આવાં આવાં વિચિત્ર સ્વપ્નો બતાવતી નિંદ્રા ફાંદાળા ભીલને એક બાજુ ઝોલાવે છે. એનું માથું નજીક બેઠેલી એક બાઈના ખોળામાં ઢળી પડે છે. - જાણે એની મૂએલી મા એને પંપાળી રહી છે : ત્યાં તો બાઈએ 'મેરે રે મેર મૂવા!' કહી એનું માથું હડસેલી નાક્યું તે ફાંદાળો ભીલ જાગી ઊઠ્યો :
'એ મા ! મા !'
શા માટે બોલી ઊઠ્યો ? કોઈને ન સમજાયું.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર