બિંદુ
(વાર્તાકારઃ ધૂમકેતુ)
કમાડની સાંકળ બે-ચાર વખત ખખડી એટલે ઝડપથી બિંદુ નીચે ઊતરી. એણે કમાડ ઉઘાડ્યા વિના જ પૂછ્યું : 'કોણ છે એ?'
'એ તો હું!'
'હું કોણ?'
'ઉઘાડો તો ખબર પડે નાં?'
બિંદુએ કમાડ ઉઘાડ્યું. સામે એક જુવાન ઊભો હતો. કાંઈક ગૌર, સશક્ત, તેજસ્વી.
'કેમ કોનું કામ છે?'
'ઇન્દ્રપ્રસાદ આંહી રહે છે?'
'હા. કોનું કામ છે?'
'છે પોતે ઘેર?'
'ના, નથી.'
'પણ ઘર તો આ જ કે?'
'હા.'
'બિંદુમતી, એનું મારે કામ હતું. તમે એનાં...'
'હું પોતે જ બિંદુમતી છું. શું કામ છે? ક્યાંથી આવો છો? કેવા છો?'
'હું તો આવું છું બેન દૂરથી. વિરમગઢથી.'
વિરમગઢનું નામ પડતાં છોકરીના ચહેરા પર જરાક સ્મિતભરી નમણી લજ્જા આવીને બેસી ગઈ. વિરમગઢ તેના ભાવિ સસરાનું ગામ હતું. તેણે તરત પોતાનો પાલવ એક આંગળીથી પકડી જરાક મોં ઉપર - હોઠ ઉપર - લાવી કાંઈક ગંભીર દેખાવ ધારણ કર્યો.
'હું બિંદુમતી છું, શું કામ છે?'
'આ એક કાગળ તમારો આપવાનો છે. વાંચી વિચારી જોજો.'
બિંદુમતીએ કાંઈક ભીનાભાવથી કાગળ હાથમાં લીધો. નેણની લજ્જા આંગળીના ટેરવા ઉપર રમી રહી હતી. તેણે કાગળ લઈને સોડિયામાં સંતાડી દીધો. આવનારને શું પૂછવું તે ખબર ન પડવાથી તે મૂંગી ઊભી રહી.
એટલામાં પેલો માણસ બોલ્યો : 'દીનાનાથ નવરો હશે તે દી તને ઘડી હશે જોગમાયા ! અને જોગમાયા રહેજે, બીજું શું?'
પેલો માણસ ગયો એટલે બિંદુમતી કમાડ બંધ કરી અધીર પગલે મેડા ઉપર ચડી ગઈ. કાગળ વાંચવા અને બને તો જવાબ પણ લખી કાઢવા.
કાગળ વિરમગઢથી હતો. બિંદુનું સગપણ વિરમગઢમાં એક કાંતિલાલ સાથે કર્યું હતું. પણ ઈન્દ્રપ્રસાદને પોતાની પુત્રીનું એ સગપણ હવે પસંદ ન હતું. કારણ કે સગપણ થયું ત્યારે કાંઈક ઉતાવળ થઈ હતી એમ એને લાગ્યું. વિરમગઢમાં કાંતિલાલનાં વૃદ્ધ માતા-પિતા સાધારણ સ્થિતિમાં પેટગુજારો કરતાં. વળી કાંતિલાલની પ્રથમ વહુ ત્રણ સંતાન મૂકીને મરણ પામી હતી. કાંતિલાલ પોતે પચીસ-ત્રીસ રૂપિયામાં વિરમગઢથી દૂર ત્રિકમગઢમાં કારકુન હતો. ગામડા ગામમાં ખરચ ઓછું પડે એમ ધારી તેણે પોતાનાં બચ્ચાંને વિરમગઢમાં માતા-પિતા પાસે રાખ્યાં હતાં.
કાંતિલાલનું ત્યાર પછી બીજી વખતનું સગપણ આ બિંદુમતી સાથે થયું હતું.
પણ સગપણ થયા પછી, ઈન્દ્રપ્રસાદને હવે એ સ્થિતિ બરાબર લાગતી ન હતી.
એક તો જે ઘરમાં જવાનું હતું તેમાં ત્રણ સંતાન હતાં. વળી કાંતિલાલની મા હમણાં હમણાંમાં મરણ પામ્યાં હતાં, એટલે ઘરનો બધો ભાર પણ ખેંચવાનો હતો અને અધૂરામાં પૂરું કાંતિલાલ, શહેરમાં પોતાનાં બચ્ચાંને તેડાવી પૂરું કરી શકે તેમ ન હતો. ગામડામાં હવે તો છેક વૃદ્ધાવસ્થાને પણ કિનારે આવી બેઠેલા પિતાને, પોતાનાં બચ્ચાં માટે જાતે ઊઠબેઠ કરતા જોઈને તેને બહુ લાગી આવ્યું. એટલે ઈશ્વર કરે તે ખરું એમ ધારીને એ રાજીનામું આપી ઘેર આવી ગયો હતો. ને કેટલીક મુશ્કેલી વેઠીને વૃદ્ધ પિતાને ને નાનાં ત્રણ સંતાનોને જાળવી રહ્યો હતો. તેણે ઈન્દ્રપ્રસાદને ઘણી વખત વિવાહ માટે કહેવરાવ્યું હતું. પણ તેનો વિચાર હવે મોળો હતો. એટલે કાં એની તબિયત નરમ થઈ જતી, કાં ચિ. બિંદુની તબિયત બગડતી, નહિતર છેવટે નિરાધારના આધાર જેવાં નક્ષત્રો ને ગ્રહો કાંઈ ને કાંઈ ખોટી ચાલ કરી દેખાડતાં. એમ ને એમ બે-ત્રણ વર્ષ વીતી ગયાં. બિંદુ તો મેટ્રિક પાસ થઈ ગઈ અને પોતાની સાવકી માને પડખે રહીને ઘરવ્યવહાર પણ ચલાવતી થઈ ગઈ હતી.
આજે આ કાગળ આવ્યો તે બિંદુ ઉપર પહેલો કાગળ હતો. તે પહેલાં જે કાગળ આવતા, તે ઘણાખરા ગેરવલ્લે જવાની ટેવ રાખતા માલૂમ પડ્યા હતા. એટલે તો કાંતિલાલે ખાસ સ્નેહી મારફત કાગળ મોકલાવ્યો હતો.
બિંદુએ અધીરતાથી કવર ફોડ્યું. એટલી જ અધીરતાથી કાગળ કાઢ્યો.
કાગળ ટૂંકો હતો :
પ્રિય બિંદુ,
કેમ લખવું તે સમજ પડતી નથી, શું લખવું તે સૂઝતું નથી. મારી પાસે તારે ચરણે ધરવા માટે કેવળ મારી યાતના સિવાય બીજું કાંઈ જ નથી. રણમાં ભૂલો પડેલો માણસ જે આતુરતાથી, કોઈક સાથીની રાહ જુએ, એ જ આતુરતાથી હું તારી રાહ જોઉં છું. મારા ગરીબ ઘરમાં તને શણગારવા માટે ગરીબી સિવાય બીજું કાંઈ જ નથી. નમાયાં છોકરાં દર પ્રભાતે પૂછે છે : 'અમારી મા ક્યારે આવશે?'
એમને શી ખબર કે એક વખત ગયેલી મા કોઈ દિવસ - કોઈ દિવસ પાછી ફરતી નથી.
એમને શી ખબર કે પાછા ન ફરી શકાય તેવા આ માર્ગની મુસાફરી જે કોઈ કરે છે, તે કેવળ સંસ્મરણની સુગંધ પોતાની પાછળ મૂકી જાય છે. સ્મૃતિનું જલ સીંચીસીંચીને એમની એ આશાવેલને હું નિત્ય નવીન તો રાખી રહ્યો છું, પણ હરેક પ્રભાત કરતાં હરેક સંધ્યા મને હજારગણી તીવ્ર વેદના આપે છે - કે જ્યારે સૂતાં પહેલાં દરેક બાળક પૂછે છે કે કાલે તો મા આવી જશે નાં?
હું મારું દુઃખ તને નહિ કહું. એ સહન કરવાની શક્તિ તો મને દુઃખ પડતાંની સાથે જ ઈશ્વરે દયા કરીને મોકલી આપી છે.
એમનાં નિત્ય તલસતાં ને કરમાતાં વદન જોઈને મને એક પ્રશ્ન થાય છે : સ્ત્રીઓમાંથી એમનો નૈસર્ગિક વાત્સલ્યનો ઝરો સૂકાયો છે કે શું?
લિ. 'તારો' એમ કહેવાનો જેને ખરી રીતે હક નથી - તે કાંતિલાલ.
કાગળ સામે જોઈને તે સ્થિર થઈ ગઈ.
આ કાગળ કોઈ પ્રેમીનો ન હતો. એમાં એક પણ શબ્દ પ્રેમનો ન હતો. જીવનસાથી શોધવા આતુર એવા એક અકિંચન જુવાનની વાણી એમાં જાણે સ્પષ્ટ બોલી રહી હતી : सुह नाववतु । सह नौ भुनक्तु । सह वीर्यं करवावहै ।
બિંદુ આ કાગળ વાંચી રડી પડી. એણે પોતાના મન સાથે તરત નિશ્ચય કરી લીધો. સ્ત્રીમાં રહેલ જનનીભાવ જાગ્રત થઈને એને જાણે કહી રહ્યો હતો : 'જે સ્ત્રી માતા નથી, તે સ્ત્રી છે ખરી?'
(2)
બીજે દિવસે ઈન્દ્રપ્રસાદ જમવા બેઠા હતા અને એમનાં નવાં પત્નીએ કાંઈક કહ્યું એ સાંભળતાં જ ઈન્દ્રપ્રસાદનો હાથ ભોજનની થાળી ઉપર અદ્ધર જ રહી ગયો.
'કોણે કહ્યું?' પોતાની પત્ની ઊર્મિલા સામે તે જોઈ રહ્યો.
ઊર્મિલાએ સહજ વાત મૂકી હતી કે બિંદુ કાંતિલાલને ચાહે છે.
'કહે કોણ - પણ આવડી મોટી છોકરી છે - એનો નૈસર્ગિક ભાવ આપણે ન સમજીએ તો કોણ સમજે?'
'પણ એ બને નહિ : હાથે કરીને કૂવામાં પડવાનું કાંઈ કારણ?'
ઊર્મિલા પતિ સામે જોઈ રહી. તેને એના સ્વભાવની ખબર હતી. ઈન્દ્રપ્રસાદ પોતાનું ધાર્યું પાર પાડવાની ટેવ રાખતો, ખાસ કરીને ઘરના કામકાજમાં. વળી પોતે બહુ કહે તો વખત અર્થનો અનર્થ પણ થવાનો સંભવ હતો. લોકાપવાદની અસર નીચે ઉન્દ્રપ્રસાદ કહી દે કે 'ગમે તેમ પણ તું સાવકી મા છે, તને બચ્ચાની માયા શી હોય?'
એમ સાંભળવું એ ઊર્મિલા માટે વજ્જરબાણ સમાન હતું. પોતે જ્યારે ઈન્દ્રપ્રસાદને પરણીને આવી, ત્યારે આ એક બિંદુ ઘરમાં હતી. કોઈ અદૃશ્ય રીતે એ એના જીવનમાં સંતાનની પેઠે વસી રહી હતી. પોતાને કાંઈ સંતાન ન હતું. તે બિંદુને જોઈને ઓછીઓછી થઈ જતી. નાનકડી બિંદુના જીવનમાં, એને ખબર ન પડે તેમ એક મહા શૂન્યવાદ પથરાયેલો હતો, તેમાં નવી મા મળતાં, જાણે પ્રેમસાગરમાં ભરતી આવી હોય તેમ, તે જુદી જ સૃષ્ટિમાં રમવા માંડી. એને ખબર ન હતી, પણ એના સમગ્ર જીવન પર આ અદૃશ્ય ફેરફારે ન ભૂંસી શકાય તેવી એક છાપ મૂકી દીધી હતી : અને તે ગુપ્ત માતૃત્વની.
કોઈ વખત કોઈ પણ કારણસર બિંદુ રડી હશે તો એના રુદન સાથે જ ઊર્મિલાનું રુદન સહભાગી બની રહેતું.
ઊર્મિલા સઘળું સહી શકતી : પણ કોઈ એને બિંદુની સાવકી મા કહેતું ત્યારે એનું મોં ઊતરી જતું. એ ઘણી વખત બિંદુને કહેતી : 'બેટા, મેં તને કાંઈ કહ્યું છે? કોઈ દિવસ મેં તને દુભાવી છે? હજી પણ હું તારી મા ન બની શકું?'
આજે એટલા માટે એણે વાતને બહુ ન લંબાવતાં ટૂંકમાં પતાવી દીધી. ઈન્દ્રપ્રસાદે કહ્યું : 'જો જો, હો, તમે પાછું છોકરીને ઘેલું ન લગાડતાં.'
ઈન્દ્રપ્રસાદ ગયા પછી આ વાગ્બાણે ઊર્મિલાના નેત્રમાં આંસુ આણ્યાં. પુરુષોને - વ્યવહારજ્ઞ પુરુષોને - શી ખબર કે સ્ત્રીને તેઓ આર્થિક જીવન કરતાં પણ વધારે અન્યાય તો આંતરિક જીવનમાં કરી રહ્યા છે.
તેને રડતી જોઈને બિંદુ તેની પાસે આવી : 'મા, કેમ રડો છો? શું થયું?'
'કાંઈ નહિ બેટા, અમસ્તુ જ. જરાક પિયર સાંભરી આવ્યું !'
સ્ત્રી જીવનની આ કરુણતા - જે ઘર એને તજવાનું છે એ ઘર જ એના જીવનભરનું એકાંતિક વિરામસ્થાન - હંમેશને માટે રહે છે. એણે તો મોટા નવપુંગવોને ને મુનિઓને પણ આંસુ આણ્યાં છે.
બિંદુ માને ગળે વળગી પડી : 'એમ નહિ મા, સાચું બોલો. મારા સમ ન કહો તો.'
ઊર્મિલા જરાક શાંત થઈને બોલી : 'તને કહ્યુંને, કાંઈ જ નથી. બેટા. એ તો તારા બાપુ મને કહી રહ્યા હતા -'
એને પૂરું સાંભળ્યા પહેલાં જ બિંદુ બોલી ઊઠી : 'એ તો છે જ એવા ઉતાવળિયા - એમને શી ખબર પડે : મા ! તમે કેટલું-કેટલું કરી રહ્યાં છો!'
'એમ નહિ બેટા, મેં તને ક્યારેય દૂભવી છે?'
'અરે બેટા.' ઊર્મિલાએ બિંદુના કેશમાં હાથ નાખતાં-નાખતાં કહ્યું : 'જો બેટા, તું ડાહી છે ને ડાહી રહેજે. અમારે તો બધું જોવું જોઈએ. ઘર જોવું જોઈએ, વર જોવો જોઈએ, ને કાંઈક સ્થિતિ ઠીક હોય તો જ બેટા, વ્યવહાર નભે.'
બિંદુ જરા ડાહી થઈને ગંભીર બની બેઠી.
'તું શું કરવા કાલે કહેતી હતી કે મને તો વિરમગઢ જેવું ગામ ગમે?'
બિંદુ લજ્જાથી બોલી : 'મને લાગે છે એમ જ થવું જોઈએ.'
'અરે બેટા, એવું કાંઈ હોય? હાથે કરીને કૂવામાં કોઈ પડે?'
'મા!' બિંદુ બોલી. એનો સ્વર સાંભળીને જ ઊર્મિલા જરાક ચોંકી ઊઠી. 'મા ! તમે મને મા વિનાનીને જેવી રીતે પ્રેમસાગરમાં નવરાવી દીધી, આપણા જીવનનો એ મહામોલો વારસો, મને નથી મળવાનો કે શું?'
ઊર્મિલા આવાક્ બનીને સાંભળી રહી. પછી તે ધીમેથી બોલી : 'દીકરી ! તને ભણાવીગણાવી હોશિયાર કરી તે શું કેવળ આમ દુઃખી થવા?'
બિન્દુએ જવાબ વાળ્યો : 'ભણવું-ગણવું એ તો જીવનમાં સંસ્કાર પૂરવા માટે છે. પુરૂષો જેવી રીતે ભણવાગણવાનો નોકરીની શોધમાં ઉપયોગ કરે છે. લગભગ તેવો જ બજારુ ઉપયોગ જો સ્ત્રીઓ પણ પોતાની વિદ્યાનો કરશે, તો વિદ્યા પર કલંક ચડશે ને વિદ્યા વાંઝણી રહેશે.'
ઊર્મિલા બિન્દુ સામે જોઈ રહી. પછી તેણે ધીમેથી પોતાની દીકરીને પૂછે તેવા વાત્સલ્યભર્યા ભાવે પૂછ્યું : 'તને કાંતિલાલે કાગળ લખ્યો છે?'
નીચું મોં રાખીને બિન્દુએ જવાબ આપ્યો :
'હા, મા, પણ તમને કેમ ખબર પડી?'
'શું લખ્યું છે?'
'એ કાંઈ બહુ ખાનગી નથી. પણ મા ! હું જ્યારે નાની હતી, ને હર પ્રભાતે ઊઠીને એમ આશા રાખતી કે આજે મારી મા ગમે તે દિશાએથી અચાનક આવી ચડશે અને એક મંગલપ્રભાતે, વાત્સલ્યભાવે મને છાઈ દેતાં, તમે આવ્યાં, લગભગ એવી જ રીતે મા, એનાં પેલાં નમાયાં છોકરાં એક માની રાહ જુએ છે.'
ઊર્મિલાએ આંસુભીની આંખે બિન્દુને પોતાના ખોળામાં ખેંચી લીધી. તે કાંઈ બોલી શકી નહિ. બંને મા-દીકરી કેવળ મૌનથી જ એકબીજાને સમજી રહ્યાં હતાં, સમજી ગયાં હતાં.
ઈન્દ્રપ્રસાદે જ્યારે વ્યવહારિક દૃષ્ટિબિન્દુથી આ વાતનો બહુ જ વિરોધ કર્યો, ત્યારે એક દિવસ બિંદુ પોતાનું નાનકડું પોટલું તૈયાર કરી પોતાની મા પાસે ગઈ : 'મા ! હવે હું જાઉં છું!'
માએ કહ્યું : 'ક્યાં જાય છે?'
બિંદુએ કહ્યું : 'જે અકિંચન અવસ્થાને કારણે તમે મને આંહીં બાંધી રાખવા માગો છો તેને સામેથી ભેટવા.'
પણ તે દિવસે તો માએ એને સમજાવી અને એ ઘેર રહી ગઈ. પણ ત્યાર પછી જ્યારે ઈન્દ્રપ્રસાદે બીજા મુરતિયાની શોધખોળ કરી, ત્યારે એક દિવસ કોઈને કહ્યા વિના જ તે ઊપડી ગઈ.
(3)
વિરમગઢના નાનકડા સ્ટેશને રાત્રે સાડાસાતે, ઝાંખા બળતા ફાનસના પ્રકાશમાં, માત્ર એક જ ઉતારુ સ્ત્રી ઊતરીને, પોતાનું પોટલું લઈને ચાલી નીકળી.
ટિકિટબારી પાસે બહાર ઊભેલા એક મજૂરે કહ્યું : 'લઈ લઉં?'
બાઈએ પોટલું તેના હાથમાં આપ્યું : 'શું લઈશ?'
'તમે જે આપશો તે.'
બાઈ પાછળપાછળ આવી રહી હતી.
અરધે રસ્તે મજૂરે પૂછ્યું : 'ક્યાંથી આવો છો? કોને ત્યાં જવું છે?'
બાઈએ જવાબ વાળ્યો : 'આવું છું - રતનગઢથી.'
'એમ? ત્યારે ક્યાં જવું છે?' મજૂરે ઉતાવળથી - આશ્ચર્યથી પૂછ્યું.
'કાંતિલાલ, જે પહેલાં વિરમગઢમાં રહેતા હતા તેમને ત્યાં !'
મજૂર તેની સામે જ જોઈ રહ્યો.
બાઈ ગભરાટમાં - આશ્ચર્યમાં બે ડગલાં પાછી હઠી બોલી : 'કેમ શું છે?'
'તમને કોઈને ખબર કર્યા લાગતા નથી.'
'ના. પણ છે તો સૌ ઘેર હેમખેમ નાં?'
'હા.' એટલો ટૂંકો જવાબ આપીને મજૂર પાછો ચાલવા લાગ્યો.
ગામના છેવાડા ભાગમાં એક ગરીબ ઘરની પાસે આવીને તે ઊભો રહ્યો. તેણે બાઈને ફરી પૂછ્યું : 'તમારે કાંતિલાલનું ઘર જોઈતું હતું નાં? તમે એનાં... ત્યાં એને ત્યાં...'
બાઈએ જવાબ વાળ્યો : 'હા એમનું જ ઘર. હું એને ત્યાં - એને ત્યાં - એ મારું ઘર છે.'
'તમારું નામ? આ સામે રહ્યું તે જ એનું ઘર!'
'મારું નામ બિંદુમતી.'
એટલી વારમાં ઘરના ઊંબર પાસે બંને આવી પહોંચ્યાં હતાં. મજૂર તો નામ સાંભળતાં જ સ્થિર થઈ ગયો : 'તમે મને લખ્યું પણ નહિ? અરે ! હું પોતે જ કાંતિલાલ !'
એટલામાં ઘરમાંથી બે નાનાં બચ્ચાં દોડતાં આવીને કાંતિલાલને વળગી પડ્યાં.
કાંતિલાલ ગદ્દગદ્દ થઈ ગયો હતો. 'તમે લખ્યું પણ નહિ!' તે વધારે બોલી શક્યો નહિ. થોડી વાર કોઈ કાંઈ બોલ્યું નહિ. પછી કાંતિલાલ બોલ્યો :
'વિનુ ! મીનુ ! તમે જે માની રાહ જોઈ રહ્યાં હતાં તે આ મા ! મેં તમને નહોતું કહ્યું કે એક દિવસ મા આવશે. અચાનક આવશે. આજે એ આવ્યાં. જુઓ, આ રહ્યાં.'
બંને બચ્ચાં બિંદુમતી સામે જોઈ રહ્યાં. બિંદુએ તેમને હાથ લાંબો કરી બોલાવ્યાં : 'આવો, આંહીં આવો મારી પાસે.'
બચ્ચાં એની સોડમાં લપાઈ ગયાં.
એટલામાં ઘાસલેટના દીવા પાસે બેસીને કાલાં વીણતો કાંતિલાલનો વૃદ્ધ પિતા આગળ આવ્યો : 'વહુમા ! બેટા, તું આવી ગઈ કે? તું તો જોગમાયાનો અવતાર છે. મારી મા જાણે, પાછી મને સંભાળવા આવી ગઈ!'
ડોસો એટલું બોલીને શાંત ઊભો રહ્યો. પછી માથું ધુણાવતો પોતાને ઠેકાણે પાછો બેસવા ચાલ્યો. તે બોલી રહ્યો હતો : 'ઓ ભગવાન ! તું કેવે કેવે રૂપે અમને ગરીબને સંભાળી રહ્યો છે! આજ તું જોગમાયા રૂપે આવ્યો. વાહ, મારા નાથ ! વાહ !'
શ્રીમંતની પત્ની થવાનો લોભ ત્યજીને આવેલી બિંદુમતી વાત્સલ્યભર્યા નેને વૃદ્ધને નિહાળી રહી. પછી તે જરા દૂર ખસીને નાની છોકરીને હાથથી તેડી લઈ વહાલ કરતી બોલી : 'બેટા! તારું નામ શું? તું મને ઓળખે?'
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર