ચંદ્રનું અજવાળું

09 Apr, 2016
12:00 AM

PC:

(વાર્તાકારઃ વર્ષા અડાલજા)

'હલ્લો થ્રીફાઈવટુફોરનાઈનઝીરો?'

'નો.'

'ઓહ! આઈ એમ.... સોરી.'

દબાયેલું ધ્રુસકું એના કંઠમાંથી નીકળી ગયું.

'હલ્લો... હલ્લો કોણ? કોણ રડે છે એ?' સામે છેડેથી કંપતો સ્વર આવ્યો.

સુશી ચમકી ગઈ. ભૂલથી રિસીવર હાથમાં જ પકડી રાખી એ રડી રહી હતી. એણે ધીમેથી રિસીવર મૂકી દીધું. એમાંનો કંપતો સ્વર એ હજી સાંભળી શકતી હતી. એણે પૂછ્યું હતું તો માત્ર એટલું જ - હલ્લો... હલ્લો કોણ? કોણ રડે છે? સાદો પ્રશ્ન હતો એ. - આમ જુઓ તો એમાં કશું નહોતું, છતાં એ હલી ગઈ હતી.

એ ટેલિફોન પાસેથી ખસી ગઈ. આજુબાજુ નજર કરી લીધી, કૉરિડૉરમાં કોઈ નહોતું. બપોર રસળતી હતી. મોટા શહેરની ગીચ વસ્તીમાં આવેલી એકદમ ગંદી સસ્તી હોટલ. કાળા ધોતિયાનો છેડો હાથમાં પકડી સામેથી મહારાજ ચાલ્યો આવતો હતો. એનું અદોદળું આગળ ધસી આવેલું પેટ એના દરેક પગલા સાથે ઝૂલતું હતું. સુશી પર નજર પડતાં લબડતા હોઠ પહોળા કરી એ હસ્યો. પીચ.... કાબરચીતરી ભીંત પર એણે પાનની પિચકારી છોડી અને સુશીને ઘસાઈને પસાર થઈ ગયો. એના શરીરમાંથી હજી રોટલીની વાસ આવતી હતી.

સુશીને ઊબકો આવી ગયો. મોં ફેરવી એ ઝડપથી પોતાની ખોલીમાં ઘૂસી ગઈ અને બારણું વાસી દીધું.

સાવ નાનકડી ખોલી. માંકડ ને પરસેવાથી તરબતર ખાટલો, ખોડંગાતું એક ટેબલ, કલાઈ ઊખડેલો અરીસો અને ગટર ભરાયેલો બાથરૂમ- આંસુ સુકાયેલા ચહેરે એ નજર ફેરવતી રહી. એનું સમગ્ર વિશ્વ સંકોચાતું સંકોચાતું આવડા ભૌમિતિક આકારમાં સમાઈ ગયું હતું.

જો ખરેખ જ એ ન આવ્યો તો... 'તો' શબ્દથી એ સખત ડરી ગઈ હોય એમ આંખ બંધ કરી ગઈ.

પરંતુ આંખ બંધ કરતાં જ જાણે બીજું વિશ્વ ખૂલી ગયું - તરુણ એને ચૂમી રહ્યો છે. વૃક્ષોનાં પાનના મર્મર સમો એનો ધીમો ગુંજતો સ્વર.... પ્રણયની ફૂટતી કૂંપળની મીઠી સુગંધ...

સુશીની છાતી હાંફી ગઈ. આંસુના પડદાની પેલે પાર એને દેખાતી હતી બીજી સુશી - જે હિન્દી ફિલ્મની હીરોઈનની જેમ રૂપાળા યુવાન સાથે પ્રેમમાં પડી હતી, હિંદી સિનેમાની જેમ જ બન્નેનાં ઘરનાંએ સખત વિરોધ કર્યો હતો. હિંમતથી એ તરુણની સાથે ભાગી જવા નીકળી હતી - સુંદર નવી દુનિયા વસાવવા. તરુણે ઝુલફાં ઉછાળતા ધર્મેન્દ્રની સ્ટાઈલમાં હિંદીમાં કહ્યું હતું.

અને આ સુંદર નવી દુનિયા હતી - ગંદી હોટલની એક સાવ સસ્તી ખોલી.

ઘરેથી પોતાનું તમામ પગેરું ભૂંસીને એ ચાલી નીકળી હતી. સ્ટેશન પર પહોંચી ધડકતી છાતીએ તરુણની પ્રતીક્ષા કરી હતી. ટ્રેનના સમયે એને એક ચિઠ્ઠી મળી હતી.

પ્રિય સુશી,

હું હમણાં નહીં આવી શકું. નક્કી કર્યા પ્રમાણે તું ચાલી જા. સી વ્યૂ હોટલના 206 રૂમમાં મળીશ. રાહ જોજે. થ્રીફાઈવટુફોરનાઈનઝીરો પર ફોન કરજે.

ચિઠ્ઠીને ચૂમી લઈ એ ચાલી આવી હતી. સી વ્યૂ હોટલના 206 રૂમની ચાલ દીવાલોએ એને ભીંસી નાખી ત્યાં સુધી એ પ્રતિક્ષા કરતી રહી. પછી ગર્ભની જેમ એક બિહામણો ભય એની અંદર થરકવા માંડ્યો. પ્રસવવેદના વેણે વેણે એ જાણે બહાર ધસી આવતો હતો - તરુણ હવે નહીં જ આવે... તો...?

બંદૂકની ગોળી જેવા 'તો' શબ્દથી હવે એ ખૂબ ડરતી હતી. સી વ્યૂ હોટલ છોડવી પડી હતી અને હવે જયહિંદ હોટલમાં રહેતી હતી.

ફોન નંબરની એક પાતળી દોરીને આધારે એનું જીવન લટકતું હતું. કદાચ હજી પણ... અને એ ધ્રૂજતા હાથે ફોન જોડતી.

'હલ્લો થ્રીફાઈવફોરનાઈનઝીરો?'

સામેથી એ જ સ્વર, એ જ કંપ,

'હલ્લો... તમે કોણ?'

સુશીને થયું એ ઊંડા કળણમાં ખૂંપી રહી છે. એણે બચવાનો ભગીરથ પ્રયત્ન કર્યો. રિસીવર પરસેવાથી ભીનું થઈ ગયું હતું - 'જુઓ... હું... તમને રોજ તકલીફ આપું છું... ત્યાં... ત્યાં તરુણ છે? તમે એને ઓળખો છો?'

આ ક્ષણે, સતી અનસૂયાએ સૂરજ થંભાવી દીધો હતો એમ પૃથ્વી ભ્રમણ કરતાં થંભી ગઈ હતી. કાળનો ધસમસતો પ્રવાહ એક નાનીશી પાળ સાથે અટકી ગયો હતો.

કંપતા સ્વરે એક ઊંડો શ્વાસ લીધો પછી ધીમેથી કહ્યું - 'ના, હું તરુણને ઓળખતો નથી. પણ તમને ઓળખું છું.'

સુશી અવાક થઈ ગઈ. થીજી ગયેલી ક્ષણો પીગળી ગઈ... 'તમે... તમે મને... ઓળખો છો?'

કંપતો સ્વર સ્થિર થયો.

'હા. કારણ કે હું તમારા રુદનને ઓળખું છું.'

કોઈક એને કંઈક કહેતું હતું. એકલતાના શૂન્યાવકાશમાં એને કોઈ સાદ દેતું હતું. કદાચ રિસીવર હાથમાંથી સરકી ન પડે. શું કહેવું, શું બોલવું એને કશું સૂઝ્યું નહીં અને છતાં આ રિસીવર...

'હલ્લો...હલ્લો...'

કંપતા સ્વરમાં ઉત્તેજના હતી.

એ માંડ બોલી શકી...'હલ્લો....'

'તમારું નામ કહેશો પ્લીઝ મૂકી ન દેશો.'

એ સ્વરમાં એવી આરઝૂ હતી કે રિસીવર મૂકવા લંબાયેલો એનો હાથ થંભી ગયો. બીજો કશો વિચાર એ કરી શકી નહીં. રિસીવર ફરીથી કાને મૂક્યું. કેવી અર્થહીન ક્રિયાઓ કરતી હતી આ બધી! હવે કશાનો કોઈ જ અર્થ નહોતો. આ ગંદી હોટલમાં પણ હવે રહી શકાય એમ નહોતું. આના કરતાં કશું જ ન હોવું... મૃત્યુ!

સુશીનો હાથ એટલો ધ્રૂજી ગયો કે એને થયું રિસીવર હમણાં પડી જશે.

'હલ્લો...હલ્લો...'

સુક્કા હોઠ પર એણે જીભ ફેરવી, 'જી...'

આ બધું જ ખોટું છે. આ જ ક્ષણે રિસીવર પછાડી બહાર દોડી જવું જોઈએ.... ટ્રેન... બસ કે પછી દરિયો... અને એક ફુગાયેલી, દુર્ગંધ મારતી લાશ - કે જેનું નામ સુશી નથી. જે દુનિયામાં એકલી નથી પડી. જેને કશું જ સહન કરવાનું નથી.

રિસીવરમાંથી કંપતો સ્વર વહી રહ્યો હતો... 'હું જાણું છું તમે કોઈ ઊંડી વ્યથાથી પીડાઓ છો, પરંતુ દુઃખને તમારા મનમાં આશરો ન આપશો. એ મહેમાનમાંથી માલિક થઈ બેસશે. એકવાર તમારી અંતરની આંખ ખોલીને જુઓ. દુનિયા કેટલી સુંદર છે, જીવવા જેવી છે!'

રિસીવર કાને પકડી રાકી સુશી લાકડાના ટુકડાની જેમ ઊભી હતી.

'તમે... તમે... સાંભળો છો? ઈશ્વરમાં શ્રદ્ધા રાખો. એની યોજનામાં કશું જ અપૂર્ણ નથી.'

સુશીએ ધીમેથી રિસીવર પાછું મૂકી દીધું. માંડ કરીને એ ખોલીમાં પહોંચી. જાણે હમણાં જ પડી જવાશે! પલંગમાં એ ઢગલો થઈ ગઈ. આ દુનિયા જીવવા જેવી છે અને એ મૂર્ખ બનીને માની લે! મૂર્ખ જ. એનાં શમણાંના બી એણે ખડકાળ જમીન ખોદીને વાવ્યાં હતાં. આંસુથી સીંચ્યાં હતાં, અને એમાંથી સુંદર નવપલ્લવિત વૃક્ષ ઊગી જવાની એ પ્રતીક્ષા કરી રહી હતી.

એણે ચોમેર નજર ફેરવી લીધી. આ છોડીને જતાં કશી જ વેદનાનો સંભવ નહોતો. સઘળું સમાપ્ત. શરીરને ધક્કો મારતી હોય એમ એ ઊઠી. આ બેગ... તરત એને હસવું આવ્યું. મરવામાં બેગની શી જરૂર? અભાનપણે એણે વાળ ઠીક કર્યા, કપડાં પર હાથ ફરી ગયો. એ ખોલીનું બારણું અટકાવી બહાર નીકળી. સાંકડી પરસાળમાંથી બહાર નીકળતાં, ભૂલથી ટેલિફોન પાસે અટકી જવાયું. અરે પણ હવે શું? એણે જવા માટે પીઠ ફેરવી. પણ ના, ના. તો યે છેલ્લો ટેલિફોન. કશું જ નહીં. માત્ર જરા હલ્લો કે આવજો. આટલા દિવસોમાં માત્ર આ ટેલિફોને જ, એ આ વિશ્વમાં છે અને જીવે છે એવી પ્રતીતિ કરાવી હતી. માત્ર એક ફરજ ખાતર...

સુશીએ ડાયલ ફેરવ્યું.

'હલ્લો થ્રીફાઈવટુફોરનાઈનઝીરો?'

કંપતો સ્વર હસી પડ્યો.

'હલ્લો, કેમ છો? આજે સંધ્યા ખૂબ ખીલી છે નહીં?'

સુશીને પહેલી વાર ખ્યાલ આવ્યો કે થ્રીફાઈવટુફોરનાઈનઝીરો એના અસ્તિત્વનો જ એક ભાગ બની ગયા હતા. અજાણપણે એ રોજ એ જ સમયની પ્રતીક્ષા કરતી હતી કે એ ક્યારે ફોન કરે, એ સ્વર સાંભળે! પણ એ તરત સાવધ થઈ ગઈ. પણ હવે શું? આ વિશ્વ સાથેનો એકમાત્ર સંપર્ક - ટેલિફોનની લાઈન કાપી નાખવાનો સમય થઈ ગયો છે. એણે અત્યંત મુદુતાથી કહ્યું - 'આવજો.'

કંપતો સ્વર એકદમ ઉતાવળો અધીરો બની ગયો - 'ના, એમ આવજો કહેશો તો નહીં ચાલે, ટેલિફોન શું કામ? મને મળવા આવોને! આપણે થોડી વાતો કરીએ. ખૂબ આનંદ આવશે. જુઓ મારું સરનામું છે...'

ચૂપચાપ સુશી સાંભળતી રહી. રિસીવર મૂકીને એ હોટલની બહાર નીકળી. પવન ખૂબ જ ખુશનુમા હતો. એના કપડાં, વાળ ઊડવા માંડ્યાં. એને ખૂબ જ સારું લાગ્યું. રસ્તાની એક બાજુ પવનની છાલકથી ભીંજાતી એ ઘડીભર ઊભી રહી. જાતજાતનાં લોકો, અવાજો- પણ સૌને કશેક જવું હતું. સૌ ઉતાવળમાં હતાં, પોતે જાણે આ અખંડ માનવપ્રવાહની બહાર ધકેલાઈ મૃત્યુ તરફ જતી હતી. એક નિશ્વાસ મૂકી એણે પગ ઉપાડ્યા. પોતાનું કોણ હતું? ક્યાં જવાનું હતું?

તમે મને મળવા આવો. આપણે ખૂબ વાતો કરીશું. હું તમારી રાહ જોઉં છું.

પાગલ જ ને! મારી તે રાહ કોઈ શું કામ જુએ? મારી સાથે કોઈને સંબંધ જ નથી ત્યાં!

એણે ભીડમાંથી માર્ગ કરતાં જવા માંડ્યું. આ સર્વ અનિશ્ચિતતાનો અંત. દુનિયાને એનો ખપ નથી. એને પણ ક્યાં કોઈની જરૂર હતી! સ્પષ્ટ વાત હતી.

.... હું તમારી રાહ જોઉં છું.... રાહ જોઉં છું......

મનના પોલાણમાં શબ્દો ગુંજતા હતા. એક જ વાર મળી લીધું હોય તો! જવું તો છે જ. તો પછી બિચારાએ કહ્યું છે તો -

કોઈને ઊભા રાખી એણે રસ્તો પૂછ્યો. એને નવાઈ લાગી. એ સાવ નજીક જ હતી! બસ. છેલ્લી વાર કોઈ સાથે બોલી લે! આખો દિવસ એ ચકલીની જેમ ચીં ચીં કર્યા કરતી. કેટલા બધા સમયથી કોઈની સાથે એ બોલી સુદ્ધા નથી!

ઘર આસાનીથી મળી ગયું. એ ખચકાઈ ગઈ. પડું પડું થતું એ એક જર્જરિત ઘર હતું. પણ મારે શું? એણે અંધારામાં ફંફોસતાં બારણું ખખડાવ્યું. થોડી વારે બારણું ખૂલ્યું. બારણામાં કોઈ દેખાયું નહીં. ઘરમાંથી આવતો ફિક્કો પીળો પ્રકાશ અંધારાને વધુ ઘેરું બનાવતો હતો.

'આવો. હું તમારી જ રાહ જોતો હતો.'

અંદરથી અવાજ વહી આવ્યો. એ જ કંપ! એ જ સ્વર ! એ ઘરમાં દાખલ થઈ. ફિક્કા પ્રકાશના વર્તુળમાં કોઈ આકાર લાંબો થઈને સૂતો હતો. એ વધુ નજીક ગઈ અને સ્તબ્ધ થઈ ગઈ.

નાનકડી પાતળી પથારીમા, વેરણછેરણ પુસ્તકો, બાજુમાં પાણીનો જગ, ચા બનાવવાનો સામાન હતો. એ દુર્બળ ને બીમાર લાગતો હતો. એના બન્ને પગ ઘૂંટણથી કપાયેલા હતા.

પથારી પાસે બેસી પડી સુશી આડું જોઈ ગઈ. આંસુથી એના ગાલ ભીના થઈ ગયા હતા.

'છી છી. તમે રડો છો? રડવું તો કાયરતાની નિશાની છે.'

સુશીએ આંખો ઊંચકી એની પર ઠેરવી.

'તમે મનમાં લગીરે ઓછું ન આણશો. તમારું દુઃખ જે હો તે હો. તે જળોની જેમ તમારું લોહી પી જાય એ પહેલાં એને ઉખેડીને ફેંકી દો.'

'તમે બારણું શી રીતે ખોલ્યું?' સુશીને થયું આ પોતાનો અવાજ નથી.

એ હસી પડ્યો. આછા ઉજાસભર્યા ખંડમાં, સાંજના ઠંડા પવનની પાંખે ચડી એ હાસ્ય ઘરમાં વેરાઈ ગયું. અકારણ સુશી પણ મલકી પડી.

'જુઓ, આ બાજુમાં દોરી રાખી છે. એનો છેડો બારણે બાંધ્યો છે. બાજુવાળાં બહેન સવારે એક ટાઈમ રસોઈ કરી, મારી પથારીની આજુબાજુ બધું ગોઠવી જાય છે. એક છાપાનો ફેરિયો મારો દોસ્ત છે, એ લાઈબ્રેરીમાંથી પુસ્તકો લાવી આપે છે, ને બંદા ખાઈપીને લહેર કરે છે.'

કંઠમાં ગૂંગળાતું રુદન રૂંધીને સુશી ધીમેથી બોલી - 'આ શું લખો છો?'

એક ક્ષણ એ વિચલિત થઈ ગયો હોય એમ સુશીને લાગ્યું. કંપતા સ્વરે એણે કહ્યું :

'નવલકથા લખું છું. એક વ્હીલચેર બસ મળી જાય.'

ફરી એ હસી પડ્યો.

'તમે જાણો છો? મારી મોટામાં મોટી લકઝરી છે ટેલિફોન. કેટકેટલાં લોકો આવે ફોન કરવા! બધાંને મળવાનું બને. બધાંની સુખદુઃખની વાતોમાં ભાગીદાર થઈ શકાય. એ શું નાનીસૂની વાત છે? જુઓ ને! તમને જ હું મળી શક્યો. આ ક્ષણ, આ જ રીતે ઈશ્વરે અનંત કાળ પહેલાં ઘડી રાખી હશે.'

સુશીની આંખોમાંથી આંસુ વહેતાં હતાં. આંસુ લૂછી એણે કહ્યું :

'વ્હીલચેર ન હોય તો શું થયું? મારે ટેકે તમને બહાર લઈ જઈશ.'

એની આંખો ચમકી ઊઠી.

ખરેખર! ઓહ. ઈશ્વરની અસીમ કૃપા છે મારા ઉપર. હમણાં જ ચંદ્ર નીકળશે. આ નાની બારીમાંથી ખૂબ સરસ દેખાય છે. એ.

પરંતુ સુશીને તો લાગ્યું કે ચંદ્ર ઊગી ગયો છે અને નાનકડી અંધારી ખોલી એના અજવાળાથી ઝાકમઝોળ થઈ ગઈ છે.

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.