લાશ મિલ જાયગા!
(વાર્તાકારઃ ઝવેરચંદ મેઘાણી)
'ત્યારે તો સા'બ સવારે એનું મડદું....'
'હાં હાં બુઢ્ઢી, કલ ફજરમેં તુમ્હારા બેટાકી લાશ લેને કો આના.'
'સવારે કેટલા બજે, સા'બ?'
'નવ બજે-હાં બસ દેખોને, સાડે સાત બજે ફાંસી દે દેંગે. આધા ઘંટા લટકને દેંગે. પિછે જલદી સાબલોગ ઉસકો દેખ લેંગે. પિછે નવ બજે બરાબર લાશ દરવાજા પર આ જાયગી.'
'ત્યારે તો, સા'બ, ખાટલો નવ બજે લાવું ને? માથે કાંઈ ઓઢાડવાનું લાવું?'
'હાં, લાના.'
હીરજી કેદીની મા તથા જેલર વચ્ચે તે દિવસે સાંજે આટલી વાત થઈ ગઈ. ડોશી દરેક વાતની ચોકસી કરતી આંખો લૂછતી હતી. હીરજી વળતા પ્રભાતે ફાંસીએ ચડવાનો હતો. જેલરે ડોશીને એવી આસાનીથી બધું સમજાવ્યું કે જાણે હીરજી કેદીને વળતે પ્રભાતે પરણાવવા જવા માટે બહાર નીકળવા દેવાનો હોય ને! ડોશીની ડોક ઉપરનું આખું માથું, સંચાવાળી ઢીંગલીની માથાની પેઠે, પ્રત્યેક વાતના જવાબમાં ડગુ ડગુ ધૂણતું હતું.
લાશ સોંપવાની આટલી ચીવટભરી વિધિ મને બહુ ગમે છે. એ વાત કરવાથી ફાંસીએ જનારનાં સગાંવહાલાં ભારી સાંત્વન પામી જાય છે. જેલવાળાને પણ કશી ગમનીગી રહેતી નથી. આવી વાત હું અહીં જ્યારે જ્યારે સાંભળું છું ત્યારે મને લગ્નવિધિ કરનારો ગોર યાદ આવે છે. પરણનાર પુરુષને ક્યારે તોરણે લઈ જવામાં આવશે, ક્યારે ચોરીએ ચડાવી લેવાશે, ક્યારે સપ્તપદીના મંત્રો ભણાઈ જશે - એ જ મુદ્દા ચર્ચાતા હોવાનો મને દરેક ફાંસીને સમયે ભાસ થાય છે. ફાંસી દઈને પછી લાશ દરવાજે સોંપવી એ એક સારું, રોજિંદું, વહીવટી કામ બની જાય છે. આ રીતે મૃત્યુ જેવો એક ગંભીર મનાતો પ્રસંગ કેટલી સરલ રીતે વણાઈ જાય છે! મોતની ફિલસૂફી ગાનાર કવિઓ કે તત્વવેત્તાઓ શીદને નાહક આવા પ્રાણ કાઢી નાખવાના નજીવા અવસરને નિગૂઢ, ગંભીર તથા કરુણ ચીતરતા હશે!
અમારો ગોરો જેલ-હાકેમ તો બોલી ઊઠે છે કે : 'after every such execution I enjoy a hearty meal. (આવા પ્રત્યેક ફાંસીદાનને પતાવ્યા પછી હું નિરાંતે પેટ ભરીને જમું છું.)'
હીરજીને ફાંસી દેવાયા પછીની કડાકૂટ કરતાં કરતાં કાગળિયાં અને તુમારોની વિધિ પતાવતાં પતાવતાંય વળતે દિવસે ગોરા હાકેમને હંમેશ કરતાં જમવાનું ઘણું મોડું થયું. ઘેર મહેમાનો નોતર્યા હતા તે પણ બાપડા મેજ પર રાહ જોઈ બેસી રહ્યા. છતાં એણે ખામોશી રાખી લાશ સોંપવાનું કામ ચીવટથી પતાવ્યું ને જાણે એક દેડકુંય મર્યું નથી એવી શાંતિ જેલમાં બધે પ્રસરી રહી.
ફાંસીખાનામાંથી મેજિસ્ટ્રેટસાહેબ કામ પતાવી ઑફિસમાં આવ્યા ત્યારે એમણે પણ કાગળો પર સહી કરતાં કરતાં એ જ મતલબનું કહ્યું કે : 'બહુ શાંતિથી પતી ગયું. બેશક અમેરિકાની 'ઈલેક્ટ્રિક ચેર' જેટલું સરળ નથી, છતાં આ આપણું ફાંસીયંત્ર ફ્રાન્સની જૂની 'ગિલોટિન' કરતાં તો ઘણું વધુ સુખર છે. બે મિનિટમાં તો નિકાલ થઈ જાય છે. બસ, ફક્ત બે જ મિનિટની ધીરજ જો કેદી ધરી રાખે ને, તો એને મરવું એક બચ્ચાના ખેલ જેવી વાત બની જાય. કશી પીડા નહિ, છાંટો લોહી સુદ્ધાં રેડવાનું નહિ, ઘોંઘાટ કે ધક્કામુક્કી નહિ, ડારો કે ધમકી નહિ, બૂમબરાડા નહિ, આંખોના ડોળા ફાડ્યા રહેવાનું નહિ - બે મિનિટમાં તો સદાની શાંતિ!'
એવું કહીને મેજિસ્ટ્રેટ સાહેબે સહી ટપકાવી દીધી અને અમારા હાકેમ જોડે હાથ મિલાવી હસતા હસતા એ નગર તરફ મોટર હંકારી ગયા, કહેતા ગયા કે : 'સાંજે કલબમાં મળીશું, આજ તો પાર્ટી છે ને ! સાહેબજી!'
'બસ, બે જ મિનિટમાં તો સદાની શાંતિ! આ શબ્દો મારા હૃદયમાં અંકાઈ ગયા, આવી ફક્ત બે જ મિનિટની સબૂરી આ ફાંસી ખાનારા કેમ નહિ બતાવતા હોય?'
એમાં તેઓનું શું જવાનું હતું? બે મિનિટમાં નાહક લાંબા વિચારો તેઓ શીદ કરતા હશે? આગલી સાંજે સગાંવહાલાંને મળવા તેડાવવાં એ પણ કેવી નાદાની? કેટલી છોકરમત! બે મિનિટ ઈશ્વર ઉપર ધ્યાન ઠેરવતા હોય! પોતાના પાપની ક્ષમા માગતા હોય!... કેટલું સરલ!
હીરજીની ડોશી મળવા આવી ને સાથે હીરજીની ત્રણ વરસની દીકરીને પણ લેતી આવી. હીરજીએ એને ખોળામાં લીધી. જુવાન હીરજી બે મહિનામાં તો બુઢ્ઢો બની ગયો હતો. ખોળે બેઠેલી છોકરી બાપના મોં સામે તાકી તાકીને જોવા લાગી. એને ઓળખાણ પડતી નહોતી. બાપના ખોળામાંતી નાસી છૂટવાનું એને મન થતું હતું.
બાપ દીકરીને પૂછે છે : 'વાલકી! તારે બાપો છે?'
વાલકી કહે છે 'હોવે!'
'ક્યાં છે?'
'ગામ ગયા છે.'
'કિયે ગામ?'
'ભગવાનને ગામ.'
'તું એને સંભારે છે?'
'હોવે! બાના ખોરામાં બેસીને અમે રોજ સાંજે કહીએ છીએ : 'ભગવાન ! ઓ ભગવાન ! બાપાને ત્યાં દખી કરીશ ના. પેટ ભરીને ખાવા દેજે. એને ભૂખ બહુ લાગે છે, હો ભગવાન!'
આટલું બોલતી વાલકી પણ રડી પડી.
'વાલકી, હું પોતે જ તારો બાપ છું.'
'નહિ, તું નો'ય મારો બાપ.'
'કેમ, નો'ય?'
'એ તો રૂપારો હતો. મારા જેવો હતો. એ તો ગીતો ગાતો મારી કને. તું ક્યાં ગાય છે?'
'હું કોણ છું?'
'હું શું જાણું?'
હીરજીની આંખોમાંથી દડ દડ પાણી ગળ્યાં. દુનિયામાં વહાલામાં વહાલી જે એની વાલકી, તેના જ હૈયામાંતી હીરજી ભૂંસાઈ ગયો. એને 'બાપો' એવા ટૂંકા બે જ અક્ષરના બોલ બોલાવનારું છેલ્લી વેળાએ પણ કોઈ ન રહ્યું. એને એક જ દિલાસાની જરૂર હતી કે વાલકી એને હંમેશાં યાદ કરશે. પણ વાલકીએય આજે એને વિસાર્યો હતો.
એણે દીકરીને 'વાલકી ! મારી વાલકી !' કહીને હૈયાસરસી ચાંપી. વાલકીને બીક લાગી. તોયે વાલકીને એણે છેલ્લી ચૂમી ભરી. એનાં આંસુ વાલકીના ગાલ પર પડ્યાં.
'મેલી દે મને. તારી દાઢી વાગે છે.' કહી વાલકી એના ખોળામાંથી ઊતરી ગઈ. ખિજાઈને વાલકીએ ગાલ ઉપરથી બાપનાં ખારાં આંસુ લૂછી નાખ્યાં. એ દાદીમાની કને ચાલી ગઈ. ફરી વાર એણે બાપની સામે જોયું નહિ. સહુએ-દાદીમાએ પણ કહ્યું, કે, વાલકી એ જ તારો બાપો છે, તો પણ વાલકીએ માન્યું નહિ. બાપાનાં આંસુ એના મોંમાં ઊતર્યા. તે બહુ ખારાં લાગ્યાં.
બાપો કહે : 'હવે લઈ જાવ વાલકીને.'
ડોશી અને વાલકી ગયાં. હીરજીએ જેલવાળાઓને કહ્યું :
'બસ, હવે હું તૈયાર જ છું. જીવતો સળગાવવો હોય તો પણ હું તૈયાર છું.'
સહુએ એની પીઠ થાબડી : 'રંગ છે તને હીરજી!'
'હીરજી તો છાતીવાળો જુવાન છે.'
'અને ભાઈ હીરજી, એક વાર તો હરેકને મરવું જ છે ને?'
આ શાબાશી અને આ દિલાસા હીરજીના દિલમાં કટાયેલા ખંજર જેવા ભોંકાયા.
એના હોઠ સુધી શબ્દો આવી ગયા : 'એમ જ છે તો તમારામાંથી એક જણ આવી જાઓને મારે બદલે! સફાઈ શીદ કરો છો?'
પણ હીરજીની જીભ ચાલી શકી નહિ. આ ધન્યવાદ દેનાર પ્રત્યેકને ફાંસીએ લટકાવી દેવાની લાગણી એના હૃદયમાં ફેણ પછાડતી હતી.
ત્યાં તો હીરજીના કાન મારી તરફ મંડાયા. એનો કાકો ને એની ડોશી જેલરસા'બની જોડે કંઈક વાતો કરતાં હતાં. જેલર કહેતો હતો કે : 'હાં હાં, લાશ તુમકો ફજરમેં મિલ જાયગા હો! ગભરાના મત. હમારે લાશને શું કરવા છે?'
'સારું, સા'બ!' હીરજીની ડોશી હાથ જોડીને ઊભી હતી તેણે ખળખળતે આંસુએ આભાર માન્યો. 'તમારું સારું થાજો, સા'બ! મારે તો એકનો એક હીરજી - મારું તો ઉજ્જડ થઈ ગયું. તમે માવતર છો. બાપા ! ખબર રાખજો !'
'વારુ વારુ, ડોશી, કાંઈ ફિકર નહિ!' જેલર એના મોટામોટા ચોપડામાં સહીઓ કરતો કરતો કહેતો હતો.
'અને હેં... સાબ!' ડોશી જેલરને કંઈક પૂછવા માગતી હતી.
'બોલો, ક્યાં હૈ?' જેલરને રોજ કામમાં મોડું થતું હતું. શિયાળાનો દિવસ જલદી જલદી આથમતો હતો.
'ઈ ને સવારમાં કંઈ ચા-બા દેશો? હું પોગડું?'
'કાયદો નથી, ડોશી!'
'તંઈ હાંઉ! તઈ તમે બાપડાં શું કરો! આ તો મને ઈમ થ્યું કે મારા હીરજીને ચા બહુ ભાવતો. એમાંય ખાસ કરી મારા હાથનો કરેલ ચા તો હીરજી તાંસળી ભરીને પી જાય. વહુના હાથનો ચા ઈ ને માઠો ભાવે. હું છું તેમાંય મશાલો નાખીને પરથમ ઉકાળું, પછે પાછું દૂધ નાખી ફેર પાકવા દઉં, ને પછેં ચા નાખું. એટલે રૂપાલો...'
જેલરે પીળી પાઘડીવાળા મુકાદમને કહ્યું કે : 'બારી બંધ કરો!'
મારા ઉપર બારણાં બિડાયાં. ડોશીને એમ થયું કે ચાના વર્ણનમાં કશીક ભૂલ આવી, અથવા કદાચ જેલરને આવી જાતની ચાની બનાવટ ગમતી નહિ હોય, અથવા એને બીજું કંઈક કામ હશે.
મારા બંધ બારણાં સામે ડોશીએ હાથ જોડ્યા. જેલર સાંભળશે એમ સમજી એણે કહ્યું : 'એ સા'બ, બોલ્યું-ચાલ્યું માફ કરજો! તમે તો માવતર છો, બાપા!'
થોડીક બાર બુઢ્ઢી હાથ જોડીને મારી સામે ઊભી જ થઈ રહી. મારે એને બૂમ પાડીને કહેવું હતું કે : 'ડોશી, હીરજીને ગમતી ચાનું વર્ણન કરને હજી!'
પણ મારી જીભ ક્યાં!
કાલ સવારે હીરજીનો આત્મા પણ પૂછશે : 'મારી લાશ ક્યાં?'
હીરજીને બે વાતનો આનંદ હતો : એક તો ડોશી સાઠ-પાંસઠ વરસની છે ને એનું તો હૈયું જ ભાંગી પડશે એટલે એની આવરદા પૂરી થતાં થોડા દિવસ જ લાગશે. એ એક તો પત્યું બીજી રહી એની વહુ. એ પછી છે માંદગીની પથારીએ એ પણ ફાંસીની વાત સાંભળીને કાં ઊકળી જશે ને કાં થઈ જશે ગાંડી. ગાંડાંનેય એક વાતનું તો સુખ ને કે પછી લાગણી જ ન રહે, સાનભાન ન રહે. પછી ભલે ને દુઃખ વરસ્યા જ કરતું! ગાંડપણ એ તો વરસતા વરસાદમાં પહેરેલા 'રેઈન-કોટ' જેવું રક્ષાકારી સાધન છે.
માત્ર હીરજીને વિચાર થાય છે એની ત્રણ વરસની નમણી, નાચતી, ગેલતી, નિર્દોષ વાલકીનો.
એનું શું થશે? એનો શો અપરાધ? એને મેજિસ્ટ્રેટ સાહેબે શા માટે નિરાધાર થઈ જવાની સજા કરી?
અરે હીરજીડા ! ઓ કાયર ! હું કહું છું કે તું આ વિચારે કાં ચડ્યો ? તું આજની રાત ભગવાનની ભક્તિમાં જીવ પરોવી લે ને! સવારે તો તારે પછી ફક્ત બે જ મિનિટો વિતાવવી છે ને? બાકી તો આ કામ કેટલું સહેલું ને સરલ છે! તારે કશું જ સંભારવાનું નહિ રહે, હીરજી! કાનટોપી પહેરાવી એટલી જ વાર!
કાનટોપી ! કાળી કાનટોપીની કલ્પના આવી હીરજીને, હીરજીની જીભ ઉપર ભગવાનનું નામ ગોઠવાઈ ગયું. હીરજી ખિજાઈ ઊઠ્યો :
મને સજા તો ફક્ત ફાંસીની કરવામાં આવી છે, પણ આમ દિવસ રાતની માનસિક યંત્રણાઓ મને શા માટે આપો છો? તમે મારા શરીરને સારુ બે મિનિટની સરલ ક્રિયા ઊભી કરી, પણ મારો જીવ, મારો આત્મા, મારાં ત્રણ સ્વજનો એને તમે કયા ગુના બદલ સજા કરી છે?
ઓ ન્યાયાધીશસા'બ! તમે ફરીને તપાસ કરો. કંઈક તમારી ભૂલ થઈ જણાય છે. તમે ભૂલ્યા છો. ફરીને તપાસ કરો!
હીરજી ચીસો પાડે છે, પણ સ્વપ્નામાં એની ચીસો એ પોતે જ સાંભળે છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર