આત્માનો અસુર
(વાર્તાકારઃ ઝવેરચંદ મેઘાણી)
રોમે રોમે ઉલ્લાસ રેડે એવું તેજોમય પ્રભાત હતું. અને ત્રીસ-બત્રીસ વર્ષના એક જુવાનની આંગળીઓ વાજિંત્રના પાસા ઉપર રમતી હતી. સામે સ્વર-લિપિની ઉઘાડી પોથીમાંથી કોઈક પ્યારનું ગાન ઉકેલતી એની આંખો પણ જાણે ચેતનાના ધ્વનિ કાઢતી હતી. એનો આખો દેહ થનગનતો હતો. એ સુશોભિત મકાનમાં આ યુવક ઉપરાંત એક જૂનો ચાકર હતો. બુઢ્ઢા ચાકરે આ યુવાનના પારણાની દોરી તાણી હતી. એનાં મળમૂત્ર ઝીલ્યાં હતાં. આજ એ યુવાનની ગણના દેશના મહાપુરુષોમાં થતી હતી. છતાં મા-બાપ વિનાના, ભાંડુ વિનાના અને શૂન્ય અવિવાહિત એ મહાન જીવનની નિર્જનતાને ભરેલી રાખનાર આ બુઢ્ઢો ચાકર એના આરામનું સ્થાન બની ગયો હતો.
બુઢ્ઢો નોકર જ્યારે જ્યારે માલિકના આ સંગીતને સાંભળતો ત્યારે ત્યારે આવીને બારણામાં ઊભો થઈ રહેતો અને બબડતો : 'ઘરની ધણિયાણી વિના આ રાગરાગણી શેનાં શોભે! હવે તો ઘર ખાવા ધાય છે!'
'આવશે, એ પણ આવશે, ભાઈ!' કહીને યુવાન હસતો. વૃદ્ધ ચાકરની આંખો ભીંજાતી. સંગીત વધારે દર્દમય બનતું.
ઘડિયાળમાં ટકોરા થયા. બુઢ્ઢાએ આવીને માતાના ભાવથી યુવાનને કપડાં પહેરાવ્યાં, ઉપર કાળો ઝભ્ભો ચડાવ્યો અને ઘરને આંગણે ઊભેલી ઘોડાગાડીમાં બારણા સુધી જઈને માલિકને બેસાડી આવ્યો.
'કેમ છો, ચાચા?' પોતાના પિતાની વારીના એ ગાડીવાનને આ યુવાને મીઠાશથી ખબર પૂછ્યા. 'તમારી દુવાથી લીલાલહેર છે, બાપા!' એવો જવાબ આપી ગાડીવાને લગામ લીધી. એની હાંકણીમાં, તરવરિયા ઘોડાની બંકી ગંભીર ગતિમાં, ગાડીના આરસી જેવા સાફ-સુઘડ ક્લેવરમાં - સર્વત્ર આ જુવાન માલિક પ્રત્યેની સર્વ નોકર-ચાકરોની તેમ જ મૂંગા ઘોડાની વહાલપ ચમકતી હતી. રસ્તામાં લોકો એને 'સાહેબ! દાકતર સાહેબ!' એવા સંબોધને ઝૂકી ઝૂકી નમન કરતાં તેમાં અને આ યુવાન એ દરેકને ખબર-અંતર પૂછી જે છટાથી નમન ઝીલ્યે જતો હતો તેમાં પણ અનહદ લોકપ્રેમ નીતરતો હતો.
આખરે ગાડી એક ભવ્ય પુરાતન ઈમારતને દરવાજે આવીને ઊભી રહી. પટાવાળાઓના જઈફ જમાદારે ઝૂકીને અદબ કરી અને યુવાનના પ્રશ્નના જવાબમાં કહ્યું કે : 'આજ તો સોનાનો સૂરજ ઊગ્યો, સાહેબ! તમો પધારો છો તે દનની તો અમે સૌ વાટ જઈ બેસીએ છીએ, સાહેબ !'
એમ આખે માર્ગે આ તરુણને માટે લોકપ્રેમનાં ફૂલો વેરાતાં હતાં. એના દીદાર કરવા એ શુભ શકુન લેખાતું. એનો બોલ સાંભળવામાં સહુ પોતાની જાતને ધન્ય સમજતા. પ્રભાતના બાલસૂર્ય જેવો એ પુરુષ હજુ તો જ્યારે એ ઈમારતના પ્રવેશ-દ્વાર પર હતો ત્યારે અંદરના વ્યાખ્યાનગૃહમાંથી એકસામટા સોએક મધપૂડામાંથી ઊઠી રહ્યો હોય તેવો ગંભીર ઘેરો બણબણાટ સંભળાવા લાગ્યો અને એ પુરુષના દાખલ થવાની સાથે જ એ ગોળાકાર ચડ-ઊતર પંક્તિઓમાં ગોઠવાયેલી પાંચસો જેટલી ખુરશીઓ પરથી માનવ-સમૂહ ઊભો થઈ ગયો. ઓરડામાં જાણે આત્મા આવ્યો. યુવાન વ્યાખ્યાનપીઠ પર ચડ્યો એટલે સોય પડે તોય સંભળાય એટલી ચૂપકીદી છવાઈ ગઈ.
સિત્તેર-એંસી વર્ષના જઈફોથી લઈ છેક હજી મૂછની રુંવાટીયે ન ફૂટી હોય તેવા યુવાનો સુધીની એ વૈજ્ઞાનિકોની મેદની સમક્ષ એ ઝૂલતા કાળા ઝભ્ભાની ભોંયમાં ગોરી ગોરી ભાત પાડતી મુખમુદ્રાવાળા યુવાન વૈજ્ઞાનિકે વ્યાખ્યાનની શરૂઆત કરી : 'આજે હું તમને ઔષધિઓની કે રસાયણનાં મિશ્રણોની વાત નથી કરવાનો, પણ જીવનના એક ગેબી તત્ત્વ પર બોલીશ.'
- અને પછી કેમ જાણે કોઈ અનંતતાને પોતે માપી રહ્યા હોય એવી છટાથી જમણા હાથને ઝુલાવી અને ડાબા હાથનો પંજો હૃદય પર રાખી તેણે આગળ ચલાવ્યું :
'જગતસમસ્તના કલ્યાણને ખાતર, જ્ઞાન અને નવશોધનની અગમ અંધારી ઊંડી કંદરાઓમાં ઊતરી પડવું એ આપણી વિજ્ઞાનનાં બાળકોની ફરજ છે. આપણે 'શોધક' એવું મહાન બિરુદ ધારણ કર્યું છે. શોધકની વાટમાં પડેલાં ભયાનક જોખમો આપણને થરથરાવી કેમ શકે, તો તો આપણી વિદ્યા લજવાય.'
એના ચહેરા પર નવીન દીપ્તિ ઝળકી ઊઠી ને એનો પ્રત્યેક બોલ જાણે ગુપ્ત અંધારી ગુફામાંથી ગાજ્યો : 'પ્રત્યેક માનવીના ભીતરમાં બે પ્રાણ રહે છે : એક સુંદર પ્રાણ ને બીજો કુત્સિત પ્રાણ : આ બંને વચ્ચે અહોરાત ભયંકર યુદ્ધ ચાલી રહેલ છે. બેઉ પરસ્પરના કટ્ટર શત્રુઓ છે. હવે જો આપણે જગત-કલ્યાણના બિરુદધારીઓ-કોઈક ઈલ્મ શોધીને આ બેઉ શક્તિઓને તદ્દન અલગ પાડી નાખીએ તો પછી બેમાંનો જે સુંદર છે તે પ્રાણ કેટલી બધી પ્રગતિ કરી શકે! એની મુક્તદશામાં એ કેવો બલવંત બની વિચરે ! એ વિશ્વકલ્યાણના કેટલા સીમાડા સર કરી કાઢે! જગતમાંથી બૂરાઈ માત્રનો સમૂળો જ ઉચ્છેદ થઈ જાય ને!'
અને પછી એના જમણા પંજાએ આત્મશ્રદ્ધાની ચૂડના જાણે કોઈ ઝેરી જંતુને ચગદી નાખવું હોય તેવી મુઠ્ઠી ભીડીને જાહેર કર્યું :
'ને હવે એ સુંદર માનવપ્રાણને કુત્સિત્ પ્રાણના પાશમાંથી મુક્ત કરાવવાનો દિવસ દૂર નથી. મારે પોતાને જ ઘેર, મારી પ્રયોગશાળામાં, હું એક એવું રસાયણ તૈયાર કરી રહેલ છું કે જેના પ્રભાવથી પેલા અસુર માનવ-તત્વને શરીરમાંથી ચીસો પાડતાં નીકળી જવું પડશે અને પછી માનવજીવનનો બંધનમુક્ત દૈવી અંશ પુણ્યની પાંખો પસારતો દુનિયા પર શાસન ચલાવશે.'
વ્યાખ્યાનગૃહ વિસર્જન થયું ત્યારે એ યુવાન પ્રોફેસરની વાણીથી મંત્રમુગ્ધ બનેલા સમુદાયમાં ફરી વાર પાછો મધપૂડાનો ગણગણાટ શરૂ થયો. એ જાહેર થયેલી નવી શોધના સમાચાર પર ભાતભાતની વાતો ચાલી રહી. અસંભવ, ભય, આશા અને લાભહાનિની અનેક આગાહીઓ તેમ જ એક વૃદ્ધ વૈજ્ઞાનિક-મિત્રની ચેતવણીના પ્રત્યુત્તરમાં યુવાન ઈલ્મીનું મોં એક જ બોલ કહી રહ્યું હતું : 'ધીરા રહો, હું બતાવી આપીશ ! હું બતાવી આપીશ.'
'ના, ના, ના.' મિત્રે માથું ધુણાવીને કહ્યું. 'ઓ દાકતર! ઓ ભાઈ ! એ રહેવા દો! જીવન-તત્ત્વની છેડ કરવી રહેવા દો ! એ માર્ગ ભયાનક છે!'
જવાબમાં આત્મશ્રદ્ધાનાં મૂક ડગલાં ભરતો ભરતો યુવાન ઈલ્મી છૂટો પડ્યો.
2
નવા પ્રયોગની ઘોષણાને લીધે અજાયબીમાં ગરક થયેલી પ્રજા જ્યારે આતુર મનથી આ જુવાનની છેલ્લી સિદ્ધિની રાહ જોતી હતી ત્યારે બીજા પણ બે જણ હતાં કે જેમની રાહ જોવાની લાગણી સહુથી અલાયદા પ્રકારની હતી. એ હતાં એક જુવાન દીકરી અને એનો બુઢ્ઢો પિતા. જમાઈની નવી શોધ કાને પડતાં એ વૃદ્ધની છાતીની આરપાર એક ઊની ફાળ ચાલી ગઈ હતી. દેશના સર્વોપરી વિદ્યાલયનો સમર્થમાં સમર્થ આ પ્રોફેસર એ દીકરીના બાપને આત્મહત્યાને માર્ગે આંધળી દોટ દેતો લાગ્યો.
'હજુ વાર છે.' એણે લગ્નની યાચના કરતા યુવાનને ઠંડો જવાબ દીધો.
'હજુ વાર છે? હજુ કેટલી વાર છે?' જમાઈએ દુઃખિત અવાજ કાઢ્યો. 'આજ સાત વર્ષોથી તમે મને એક જ જવાબ આપી રહ્યા છો. મારું ઘર, મારું જીવન આ અંત વગરની એકલતામાં ઊભું ઊભું હાહાકાર કરે છે. તમને અમારી દયા કેમ નથી આવતી?'
પિતાની પુત્રી આઘે ઊભી ઊભી આ ઊભરો જોતી હતી, ને પિતા એના નિષ્ઠુર સ્વરે કહેતો હતો : 'તમારા આ બધા ઉધામાનું છેવટ આવી જવા દો.'
'ઉધામા? જગત જેને 'શોધ' કહે છે એને તમે-'
'હા, કેમકે એમાં મારી પુત્રીનું સત્યાનાશ પોકારે છે. પાગલ જુવાન! હજુ વાર છે! તમારું શું થવા બેઠું છે તે હું જાણું છું!'
'શું જાણો છો આપ?'
'આ નવા રસાયણનો પ્રથમ પ્રયોગ તમે કોના ઉપર કરવા માગો છો? કોઈ પરાયા મનુષ્ય ઉપર?'
'સાચો શોધક પોતાના ઈલ્મ પર પહેલું બલિદાન પોતાનું જ આપે છે.'
'હં-હં, માટે જ મારે એ બલિદાનમાં મારી દીકરીના જીવતરને નથી હોમી દેવું.'
આ રીતે સાત વર્ષોથી વિવાહની ગાંઠમાં જોડાયેલો એ યુવાન પોતાની કન્યાના આગમનને માટે જીવનમાં નિરંતર તૈયારી કરતો, રાહ જોતો ઝૂરતો, પરંતુ બીજી બાજુ માનવજીવનની અંદર રિબાઈ રહેલ દૈવી સંપત્તિના બંધમોચનનાં સ્વપ્નો સેવતો પોતાના અંતઃકરણમાં કશાય પાપને ન પેસવા દેવા મથે છે. દિવસરાત દારુણ આંતરયુદ્ધ ખેડે છે. એકલતા એને ખાઈ જાય છે. વિદ્યાની આરાધના અને વાસનાનું વધતું જતું ખેંચાણ, એ બે વચ્ચે પોતે પિસાય છે.
પ્રયોગના પરિપાકની રાત નજીક ને નજીક આવી રહી હતી, તે દિવસોમાં એક નાનો શો પ્રસંગ બની ગયો. વિદ્યાલયથી પાછા વળતાં એણે એક પછડાટ અને એક પોકાર સાંભળ્યા. દાકતર તરીકે સ્વધર્મ બજાવવા એ ધસી ગયો. એક જુવાન સુંદરીના શરીરને લાગેલો એ પછડાટ હતો. પડેલી સ્ત્રીને પોતાના હાથમાં ઉઠાવી એણે ઘરમાં લીધી. પગના ગોઠણ પર થયેલી કચર ઉપર એણે મલમપટ્ટો કર્યો. પણ દર્દીને છોડીને એ બહાર નીકળી જાય એ પહેલાં એણે બે ચેષ્ટાઓ દીઠી : દર્દી સુંદરીના મોંનો પિગાળી નાખતો મલકાટ અને લચકતી માંસલ પિંડીને સ્પર્શ કરી દિલના જૂના રાફડાનો લાલસા જગાડતો એ સુંદરીનો ગૌર ગૌર ઝૂલતો પગ. નગ્ન પગને એ નર્તકી ડોલાવતી જ રહી.
3
ફેંસલાની રાત આવી પહોંચી છે. અંદરથી પૂરતો જાપ્તો કરી લઈને ઈલ્મી પોતાના પ્રયોગાલયમાં એકલો બેસી ગયો છે. રસાયણોની ઊકળતી કડાઈઓ વીજળીના ચૂલાઓ ઉપર ચીસો નાખે છે. વિદ્યુત પ્રવાહોની કોઈ ભૂતાવળ ખૂણેખૂણે તીણા આર્તસ્વરો કાઢે છે. એકલો માનવી બીને ફાટી પડે એવી એ અઘોર રસાયણસૃષ્ટિ છે. આખો એ વિશાળ ખંડ કોઈ જીવતા માનવીના છૂપા ભોગ દેનાર મંત્રસાધક કાપાલિકના સ્મશાનઘરની યાદ આપે છે. એ પ્રેતસૃષ્ટિની વચ્ચે કોણી સુધી પહેરણની બાંયો ચડાવી અસ્તવ્યસ્ત વાળની લટોએ કરી વધુ શોભતો, ગંભીર મુખડે, ઘડી કાપાલિક લાગતો તો ઘડી પછી સ્યંબલિ સમો શોભતો એ સૌમ્ય સુંદર પુરુષ બેઠો છે. બેઠો બેઠો એ પ્યાલીઓમાં અક્કેક ઔષધિનું ટીપું ટીપું મિલાવી રહેલ છે. અક્કેક ટીપું પડતાં જાણે કોઈ પ્રેત-ડાકણ દગ્ધ થતાં હોય તેવી ધૂમ્રશિખાઓ ગોટેગોટે પ્યાલીઓમાંથી ઊંચે ચડે છે. કોઈ પિશાચના આકારો ધરતા એ ધુમાડાની આરપાર આ યુવાન વૈજ્ઞાનિકનું મોં નજરે પડે છે. ચોમેર 'ખાઉં ખાઉં'ના અવાજો ઊઠે છે.
આખરે છેલ્લી ઔષધિનું ટીપું પડ્યું અને એણે પ્રગટાવેલા ધૂમ્રગોટે એ યુવાનને વિજય-પરાજયના ફેંસલાની અંતિમ ઘડી ઉપર આણી મૂક્યો. પ્યાલી ઊંચી કરીને એણે મિશ્રણનો રંગ પારખ્યો. પ્યાલી નીચે મૂકીને એ એકવાર બારણા પર ગયો ને પૂર્ણ જાપ્તાથી બારણું બીડી લીધું. દોટમદોટ પગથિયાં ઊતરતો એ પાછો આવ્યો અને આત્મસમર્પણના ફાટફાટ તોરથી એણે પ્યાલી ઉઠાવી. એકવાર એનું પ્રતાપી, પુણ્યશીલ, પ્રેમનીતરતું મોં એ પ્રયોગાલયની દરેક શીશી ઉપર એક પિતાની વહાલપથી ફરી વળ્યું. પ્યાલીને એણે હોઠ સુધી લીધી. વળી કંઈ સાંભર્યું. ભૂતાવળ જેવા વિદ્યુત પ્રવાહોની કિકિયારી વચ્ચે એણે કાગળ લખ્યો. એ કાગળ પોતાનાં સાત વર્ષોના તલસાટની આરાધ્ય પ્રિયતમા જોગ હતો :
વહાલી....
'મરણની ઘડી સુધી મેં એક તને જ ચાહી છે. જો મારું મૃત્યુ નીપજે તો માનજે કે વિજ્ઞાનને એક પગલું આગળ લઈ જવા સારું હું હોમાયો છું.'
અને પછી એ રસાયણને પોતે એકશ્વાસે ગટગટાવી ગયો.
એક ક્ષણમાં તો એના જઠરમાં ઝાળો ઊઠી. કાળી બળતરા એનાં અંગેઅંગમાં વ્યાપી ગઈ. એની નસોને જાણે કોઈ જંતરડામાં નાખીને ખેંચવા લાગ્યું. એને રૂંવેરૂંવે આગ લાગી ગઈ. શરીરની અંદર કોઈ દારુણ સંગ્રામ મંડાયો હોય તેવા 'ઓહ ! ઓહ !ઓહ !' અવાજે એનું ગળું ઘૂંટાઈ રહ્યું. અંદરથી જાણે કોઈ અસુર 'જાઉં છું, જાઉં છું : બળું છું રે બળું છું :' ની ભેદક ચીસો નાખતો હતો. દેહના પુનિતમંદિરમાંથી એ અસુરને બહાર કાઢવા કોઈક સાંકળોના ફટકા લગાવતું હતું.
આખરે એ અસુર બહાર નીકળતો દેખાયો. યુવાન વૈજ્ઞાનિકના દેહમાં કોઈ દાહ લાગ્યો હોય તેવો પલટો આવવા લાગ્યો. એના માથાના રેશમી સુંવાળા વાળને સ્થાને ભાલા જેવા ઊભા અને બરડ પશુ-કેશ નીકળી પડ્યા. એના કોમલ હોઠ સૂજી જઈને ઊંચા ચડી ગયા. સરખા શ્વેત દાંતોની બત્રીસી અદૃશય્ બની. પીળા, લાંબા, વાંકા દાંતના ચોગઠાએ બહાર ધસી આવીને એ મોંને કોઈ માનવભક્ષી વાંદરાની ભીષણતા પહેરાવી દીધી. એના આખા દેહની સુંવાળી ચામડી પલટાઈ જઈને શરીર જાણે પાડાના ચામડામાં મઢાઈ ગયું. ઝીણી લીસી રૂંવાટી મટી ગઈ અને રૂંછાં ફૂટી નીકળ્યાં.
પોતાનું વિકૃત સ્વરૂપ એણે આરસીમાં જોયું. અસુર આખોયે જાણે બહાર નીકળી ગયો છે, પરંતુ એ હજી પોતાના કબજામાં છે કે નહિ? શમાવ્યો શમી શકે છે કે નહિ? એણે બીજું વારણનું રસાયણ અજમાવ્યું. એ બીજી ઔષધિના ઘૂંટડાએ ફરીવાર એના અંગેઅંગમાં આગ જગાવી. વેદનાની આહ ઉચ્ચારતો એ પલટાતો ગયો. પાંજરામાં પૂરતી વેળાનો વાઘ જે પછાડા ને કિકિયારા મચાવે છે તેવી દેહવેદના દાખવતો અસુર સમાઈ ગયો. પાછું એ જ નમણું અને આલોકમય માનવસ્વરૂપ એના દેહે ધારણ કરી લીધું.
પ્રભાતે જ્યારે બુઢ્ઢો ચાકર ચા-નાસ્તો પીરસીને પોતાના માલિકની આ ઉન્માદી એકલતા નીરખતો ઉદાસ ચહેરે ઊભો રહ્યો ત્યારે કેવી ભવ્ય વિજયશ્રી આ યુવાનના મોં ઉપર વિરાજી રહી હતી! પરંતુ એ વિજયશ્રી જાણે કોઈ દારુણ સંગ્રામના થાકથી લોથપોથ હતી. કેટલો મોંઘો એ વિજય હતો! છતાં માનવજાતના કલ્યાણ ખાતર સ્વીકારેલું એ પીડન હતું. યુવાન વૈજ્ઞાનિકના જીવનનો એ મહોત્સવ હતો. ને હવે આ સિદ્ધિ માનવજાતિને અર્પણ કરી પોતે સાત વર્ષની નિર્જનતાનો અંત લાવી શકશે, જીવનના વનમાં એની વનદેવીનું આગમન થશે.... સજનીના મેંદીરંગ્યા પગની પગલીઓ જાણે ઉંમબરમાં પડતી હતી-જાણે એના આગમનના ઝંકાર સંભળાય છે, એની નિર્જનતામાં કોયલ ટૌકે છે. 'વિજયનો જે તાજ જગત મને પહેરાવશે તે તાજ હું મારી પ્રિયાના ખોળામાં ધરી દઈશ' આવી ભાવના ભાવતો એ સૂતો.
બીજી રાત્રિ : પ્રયોગાલયને બંધબારણે ભૂતાવળો શા વિદ્યુતપ્રવાહોની ફરી પાછી એની એ કારમી કિકિયારીઓ : ફરીવાર એ એકાકી માનવનો દીવાલો પર નાચતો કાળો ઓળાયો - ફરીવાર એક પછી એક ટપકતા ટીપાના આક્રંદમાંથી ભભૂકતી ધોળી ધોળી સર્પાકાર ધૂમ્રશિખાઓ : અને ફરીવાર એ રસાયણના એક જ ઘૂંટડા સાથે, કાળી લાહ્ય લાગી જઈને કોઈ ફૂલબાગ સળગી ગયો હોય તેવું એ યુવાનનું દાનવી રૂપ-પરિવર્તન : કોઈને જાણે ખાઈ જશે તેવા લાંબા દાંત અને રીંછ જેવી રોમાવલિ. 'ઓહ ! ઓહ ! ઓહ !' કરતો અસુર બહાર આવ્યો. વેદના શમી ગઈ. આનંદ સાથે એણે પોતાની મુખાકૃતિ દર્પણમાં તપાસી, અને એ આકૃતિને એણે જાણે ગર્વભેર સંભળાવ્યું :
'હાં, બસ ! હવે તમારી આસુરી ચૂડમાંથી છુટકાર પામેલો મારો સદાત્મા દિવ્યલોકમાં પાંખો પસારશે. અણરૂંધ્યો મારો આત્મા હવે સહેલાઈથી સત્યનાં દર્શન પામશે. લાલસા અને સ્વાર્તવૃત્તિઓનાં દર્દ શમી જશે. તને મેં આજે મારા હૃદયમાંથી બહાર કાઢ્યો છે, ને તે જ રીતે હું એકએક માનવાત્માની અંદરથી તને આગ લગાવી સળગાવી બહાર કાઢીશ. બહુ દિવસ તારાં શાસન રહ્યાં. બહુ યુગો સુધી તેં માનવજાતને પાપમાં રોળી. હવે તારી ઘડીઓ ગણાય છે : હા-હા-હા-હા...!'
'હા-હા-હા-હા' એવો સામો પડઘો આવ્યો. દર્પણમાં દેખાતી આકૃતિના દાંત હસી રહ્યા હતા.
પરંતુ એકાએક આ શું થયું એની આંખો સામે ઘડિયાળના લોલક માફક શું ઝૂલવા લાગ્યું? કોઈ ઝાડની ડાળખીનો પડછાયો કે કોઈ લાકડે પૂંછડી વીંટાળીને લટકતા કોઈ ફણીધર સાપનો ઓળાયો? એણે આંખો ચોળી ફરી ફરી નિરીક્ષણ કર્યું અને એની આંખો મદવિહ્વલ બની. એ આંખોએ જે ભુજંગાકાર દીઠો તે હતો એક પગ : ઘૂંટણ સુધીનો : એક ગૌરગૌર સુંદરી-શરીરનો : ચણિયાના ઊંચા થઈ ગયેલા સળમાંથી ઉઘાડો બની હીંચોળા લેતો, રક્તભરપૂર પિંડીઓને છોળો લેવરાવતો એક પગ : પલંગ પરથી ઝૂલા ખાતો પગ : એ પગના ઘૂંટણ ઉપર એક પાટો હતો.
ઓળખાયો : તે દિવસે જેનો પાટો ખુદ પોતાને જ હાથે એ બાંધી આવ્યો હતો તે જ આ પગ : જાણે ઝૂલીઝૂલીને સાદ પાડે છે - ઘણા દિવસથી વાટ જોઈ રહેલ છે. લાલસા જાગી ઊઠી. એ કદરૂપ શરીરે ત્વરાભેર ડગલો ચડાવ્યો. નિત્યની પ્રિય લાકડી લીધી. ટોપી પહેરી. પ્રયોગાલયને પાછલે બારણે તાળું લગાવીને ઊપડતે પગલે એ ચાલી નીકળ્યો. વાસનાનાં ચક્રોએ એને વિદ્યુતગતિએ પેલી વારાંગનાના ઉંબર પર આણી મૂક્યો. એની તલસતી આંગળીએ ઘંટડીનું બદન દબાવ્યું. એ તલસાટના ઉચ્ચાર જેવે સ્વરે ઘરની અંદર ઘંટડી રણઝણી. હમણાં દ્વાર ઊપડશે ને પોતાના ભુજપાશમાં એ સુંદરા સમાઈ જશે એવો તલસાટ એના પગને ધરતી પર નચાવી રહ્યો છે. ત્યાં તો દ્વાર ઊઘડ્યું અને ડોશીએ જવાબ આપ્યો કે : 'બાઈ તો નાચ-ઘરની મહેફિલમાં ગયાં છે.'
ત્યાંથી એણે પગ ઉપાડ્યા. ઉદ્દામ બનતી જતી પિપાસાએ પગમાં બેવડું જોર મૂક્યું. જાણે કોઈ ચોર, કોઈ ગળાકટુ, કોઈ ખૂની ચાલ્યો જતો હતો. લાલસા જાણે એની આંખોમાંથી છૂરી છૂટતી હોય તેવા ચમકારા કરતી હતી.
શરાબીની મહેફિલ ઉડાવતાં માતેલાં સ્ત્રીપુરુષો આ નવા આગન્તુકને ચોમેર ચકળવકળ નીરખતો જોઈ વિસ્મય પામી ગયાં. જે જે મેજ પાસે થઈને જોતો જોતો એ આગળ વધ્યો તે મેજની મઝેદારી ઘડી વાર થંભી ગઈ. સહુની સામે પોતાના લાંબા દાંત કચકચાવતો એ જાણે પ્રત્યેકને વિશે પૂરી બાતમી ધરાવી રહ્યો હોય એવો જાણભેદુ દેખાયો. ને દૂરના એક ખૂણામાં એક ખાલી મેજ ઉપર એણે એકલાએ આસન લીધું. સહુએ એને ત્રાંસી નજરે નિહાળ્યો. વરધી લેવા માટે કોઈ વેઈટરને પણ એની નજીક જવાનું દિલ થતું નહોતું.
'વેઈટર!' એના ફાટી ગયેલા જડબામાંથી ભૂખ્યા વરુ જેવો અવાજ નીકળ્યો. જેના ગજવામાં શરાબ અને સુંદરી નામની બે અમૂલખ કૃતિઓ ખરીદવાના પૈસા છે અને જેના લેબાસમાં નખશિખ અમીરીની ભભક છે એવા કોઈ પણ આદમીને પીરસવા આનાકાની કરવાની મજાલ વેઈટરમાં નહોતી. થરથરતે કલેજે વેઈટર વરધી લઈને જ્યારે એક ઊંચામાં ઊંચી જાતની મદિરાનો સીસો એની પાસે ધરવા જતો હતો ત્યારે આ ભયાનક માનવદૈત્યનાં લાંબા લાંબા ભવાંની નીચેથી બે હિંસક આંખો એ સુંદરીને નજરમાં લઈ રહી હતી. જેનો ઈશ્ક અધરાત ભાંગ્યા પછી જ કોઈ સુરાલયને બંધબારણે જાગ્રત થાય છે. તેવા ધોળા દિવસના કોઈક 'સજ્જન'ના ખોળામાં બેઠી બેઠી એ સુંદરી ગાતી હતી : ગાતી હતી કે -
"સજિયાં અકેલી દુઃખ દે!"
"હા... સજિયાં અકેલી દુઃખ દે!"
મધરાતનો બિહાગ છેડી રહી હતી. છટાથી, 'અકેલી સેજ'ની વેદના રજૂ કરતા તમામ હાવભાવ સાથે, માદક મીઠી હલકથી એનું ગળું ટપકતું હતું :
"સજિયાં અકેલી દુઃખ દે!"
એ શબ્દે શબ્દે મરોડ લેતી પંક્તિ આશકોને ડોલન કરાવતી હતી. મદિરા કરતાંયે વધુ નશાનાં લહેરિયાં લેવરાવતી હતી. સુરાભવનના ભપકા જાણે અબઘડી ઓગળીને વહેવા લાગશે એવી એની કંઠમાધુરી હતી. સૌંદર્ય, સુરા અને સંગીતના ત્રિવિધ દંશ શ્રોતાઓને મૂર્છા પમાડી રહ્યા હતા.
'વેઈટર!' એકલા બેઠેલા વિકરાળ અતિથિએ ઘુરકાટ કર્યો. 'એ સુંદરીને અહીં બોલાવ.'
સૌંદર્યને અને કંઠને વેચવા નીકળેલી નાજનીન આવી. આવ્યા પછી ભયાનક રૂપ ભાળી પાછાં પગલાં માંડવા જાય છે ત્યાં તો એ માનવદૈત્યે એનો માંસલ હાથ પકડીને સામે બેસાડી લીધી. એ જ હતી એ, જેના ઘૂંટણ સુધી નગ્ન જોયેલા પિંડીભર્યા એક પગે આ યુવાન વૈજ્ઞાનિકની નજરબંદી કરી હતી.
બે કટોરી ભરીને એક એણે સુંદરીની સામે લંબાવી કહ્યું : 'લિજિયે પ્યારી! અને દિલ બહલાવો!'
કૂતરો હાડકું કરડતો કરડતો કાઢે છે તેવો આ માનવ-સુખનો હિંસક અવાજ સાંભળીને સ્ત્રી સંકોડાઈ ગઈ. પરંતુ ત્યાંથી ઊઠવું સહેલ નહોતું.
'કેમ?' પુરુષે વિકરાળ હાસ્ય કરતાં કરતાં ચીમટા ભર્યા.
'આ બધા બેઠા છે તે મનુષ્યો છે, ને હું શું વાઘ-દીપડો છું? મેં શું એવાં જ વસ્ત્રો નથી પહેર્યાં? હું શું શરાબનાં નાણાં નથી ખર્ચતો? મારામાં શું અમીરાઈભરી રીતભાત નથી? મને બદસિકલ સમજો છો, ને એ બધા શું ઉપરથી દેખાય છે તેવા જ રૂપાળા અંદર પણ છે? દંભ-દંભ તમને ગમે છે કેમ? ભીતરનું સાચું સ્વરૂપ બહાર નીકળ્યું એટલે તમારાથી નથી સહેવાતું, કેમ? સહુને તમારો કંઠ અને તમારું ક્લેવર વેચવા નીકળ્યાં છો, ને મને એકને જ ના પાડશો, કેમ?'
પુરુષ બોલ્યે જતો હતો. શું બોલતો હતો તેની એ સુંદર ને ગમ નહોતી. એને કાને તો 'કરડ! કરડ! એવો ભયાનક અવાજ જ સંભળાતો હતો. એને પોતાને જાણે એ પુરુષ દાંતો વચ્ચે કરડતો હતો.'
'નહિ માનો? મારા ખોળામાં બેસીને એ ગીત નહિ ગાઓ? આ બધાના ખોળા બહુ મીઠા છે કે? હં ! એ તમામની અંદર જ પિશાચ પડ્યો છે, પણ એ બધા સિફતથી ઢાંકી રહ્યા છે એટલે સુંદર લાગે છે, ને હું જેવો છું તેવો દેખાઉં છું માટે મારા પ્રતિ ઘૃણા છૂટે છે! ફિકર નહિ, યાદ રાખજો. હું તમારે ઘેર આવીશ. તમારું ગીત ત્યાં આવીને સાંભળીશ. રાહ જોજો!'
એટલું કહીને એ ત્યાંથી ઊઠ્યો. કોઈ ન દેખે તેમ ઘરને પાછલે બારણે પહોંચી, અંદર બેસી, વારણની ઔષધિ પીને પાછું અસલ સ્વરૂપ ધારણ કર્યું.
અને રાતના બે બજે એ યુવાન વિચારે ચડ્યો :
'આ શો ગજબ થયો? મારો દુરાત્મા કેમ જોર પર આવ્યો? મને એ ક્યાં ઘસડી ગયો? મારી પાસે એણેં શું કુકર્મ કરાવ્યું? મારે તો પ્રાણપ્રિય મારી પત્ની છે, એના પ્રતિનો પ્યાર મારા સમગ્ર જીવનને વ્યાપ્ત કરી રહ્યો છે, છતાં તેને બદલે આ એક જ વાર વિચારમાં સેવેલી ભ્રષ્ટ વારાંગના તરફ હું કેમ ખેંચાયો? આ શું થવા બેઠું? મારો સદાત્મા કેમ કશું બલ કરતો નથી? આ બેઉને જુદા પાડવા જતાં શું અસુર જ બહેકી ઊઠ્યો?' મોટી સમસ્યા એ વૈજ્ઞાનિકના મન પર ચડી બેઠી. એની નિંદ્રા ઊડી ગઈ. મોં ઉપર હાથના પંજા ઢાંકીને એ બેસી રહ્યો.
4
રસાયણ પી-પીને વારંવાર એ અસુરને બહાર કાઢ્યો, વારંવાર પાછો શમાવ્યો. પણ આત્મસુખની લહેર મળવાને બદલે ગુપ્ત ઇંદ્રિયાવેગો જ જોર પકડતા. ઈલ્મ જાણે એળે ગયો હતો. હવે એે એમ પણ લાગવા માંડ્યું હતું કે, સદાત્મા-દુરાત્માને છૂટા પાડવાનો આ પ્રયત્ન જ નકામો છે. અંદર ચાલી રહેલો એ બે વચ્ચેનો સંગ્રામ જ ઠીક છે, અથાવા કોને ખબર છે કદાચ આ નબલાં-સબળાં બંને તત્વોનો માલિક જીવાત્મા એક જ નહિ હોય! ને એના લેબાસરૂપી મળેલું આ માનવ-શરીર પણ કદાચ ઠીક જ નથી શું? જીવન જેટલું ઢાંક્યું રહે છે તેટલું ઓછું ભયંકર નથી શું? હવે હું આ ઔષધિ પીવાનું છોડી દઉં. હું જે છું તે જ બની રહીશ.
એવી મંગલ મનોદશામાં એણે તે દિવસે પોતાના સસરાને ઘેર સંદેશો મોકલ્યો કે આજે સાંજે તો હું તમારે ત્યાં જમીશ. મનમાં હતું કે પ્રિય સહચરીના થોડાક સહવાસે પાછી શુદ્ધ ભાવોની પરિમલ પામી શકાશે.
એવા શાંતિમય ભાવો ભાવતો આ યુવાન તે દિવસે સાંજે નદીને કાંઠે લટાર મારતો હતો. આથમણી વાદળીઓમાં ઊતરતો સૂર્ય માળામાં લપાતા ચંડુલ પક્ષી જેવો લાગતો હતો. પસ્તાઈને નિર્મળ બનેલ હૃદયના રંગો જેવા સંધ્યાના રંગો પાંદડામાંથી ચળાઈને નદીના પ્રવાહમાં ગળતા હતા. એક ઝાડની ડાળી પર બેસીને દેવચકલાં સંધ્યાગીત ગાતાં હતાં. ગાતાં ગાતાં એ બેઉ નરમાદા ચાંચમાં ચાંચ પરોવતાં હતાં. પાંખોમાં પાંખો ઢાળી લથબથ ક્રીડા કરતાં હતાં. યુવાન વૈજ્ઞાનિક એ પક્ષી-ક્રીડા નિહાળી રહ્યો. 'હંમેશાં ગાયા કરો કે પંખી!' ઈલ્મીએ એ પક્ષીગાનના રસમાં ભીંજાઈ જઈને આશીર્વાદ આપ્યા. 'સદા ગાયા જ કરજો! કુદરતે તમારા કંઠમાં વિશ્વશાંતિની શરણાઈઓ ભરી છે. નિરંતર ગાયા કરજો! નિરંતર તમારી જુગલ-જોડી આ પ્રણયસુખમાં રમ્યા જ કરજો! કોઈ પાપી એને વિછોડશો. ના!'
એ આશીર્વાદ હજુ તો એના મોંમાં જ છે, પક્ષીઓએ હજુ એની ચાંચ બીડી નથી, ત્યાં તો એક જંગલી બિલાડીએ ડાળ પર તરાપ મારી અને ગીતો ગાતી દેવચકલીને દાંત વચ્ચે પીસી નાખી. ઝાડ પર ચીંચીકાર થઈ રહ્યો અને ઈલ્મીની આંખો ફાટી રહી.
રોજ તો પેટમાં દવા પડતી ત્યારે જ રૂપપલટો થઈ જતો, પરંતુ આજે આ હિંસાના દૃશ્ય માત્રે જ એના શરીરમાં પલટાની તીવ્ર લાગણી જગાડી. અંદરનો અસુર પછાડા મારી જાગી ઊઠ્યો. નસો તૂટ તૂટ થઈ રહી. રોમ રોમ પ્રજ્વળવા લાગ્યાં અને વેદનાના ન સાંભળ્યાં જાય તેવા ઓહકારા વચ્ચે એણે પોતાની સિકલ ફરતી અનુભવી. હાથ ઉપર નજર કરી, રોમોરોમે રીંછના વાળ ખડા થયેલા દીઠા. અને એ દૈત્ય-આકૃતિ લઈને વૈજ્ઞાનિકે છૂપી દોટ દીધી. બાગમાંથી બહાર નીકળી એક દીવાલની ઓથે થોડી વાર થંભ્યો. ઔષધિ વિનાનું આ રાક્ષસરૂપ ક્યાંથી પ્રગટ્યું ! હાશ, હાશ, એવા નિઃશ્વાસોની ધમણ ધપાઈ રહી. રૂંવે રૂંવે પસીનો છૂટી પડ્યો. પણ હજુ તો આ ઓચિંતી વિકૃતિ ઉપર ક્ષણભર વિચાર કરે છે, ત્યાં આત્મભાન ચાલ્યું ગયું. સ્વાગતના સાથિયા પૂરતી, ધૂપદીપ જલાવતી અને વાટ જોતી પાકદિલ પ્રિય કુમારિકા વીસરાઈ ગઈ. એને બદલે આસુરી હૃદયે યાદ દીધું કે : 'ચાલો, પેલી ઝૂલતા પગવાળીને વચન આપ્યું છે - એને ઘેર જવાનું, એનું ગાણું સાંભળવાનું.'
રાત્રિના આઠ વાગ્યે જ્યારે નગરીની એ પ્રખ્યાત નટી પોતાના ઘરમાં અધરાતના શણગાર સજી રહી હતી, ત્યારે બારણામાં માનવ-દૈત્ય હાજર થયો. ચીસ પાડવાની હિંમત એ સુંદરીમાં નહોતી રહી. ગળું પીસી નાખે તેવા પંજા પહોળાવીને એ પિશાચે હુકમ કર્યો : 'આંહીં આવ!'
થરથરતે દેહે સુંદરીએ એની પાસે લઘબગ એના ખોળામાં આસન લીધું.
'હવે પેલું ગીત ગા! ત્યાં મહેફિલમાં બીજાઓને સંભળાવ્યું હતું એવા જ લહેકાથી ગા!'
નર્તકીનું દયામણું મોં કરગરી રહ્યું.
'ગા!' પિશાચ ઘૂરક્યો.
'સજિયાં અકેલી દુઃખ દે!' એણે ગાયું-બિલાડાના મોમાં ઝલાયેલી મેને ગાય તેવું ગાયું.
ને પછી બળબળતી લાલસાએ એ વારાંગનાના દેહમાંથી તૃપ્તિ મેળવી.
5
ઉપરાઉપરી હવે તો કોઈક હિંસક અથવા ઉદ્દીપક દૃશ્ય ભાળતાં જ રૂપ વિકૃત થાય છે. કોઈ હલકી લાગણીનું જોર પણ એને અસુર બનાવી મૂકે છે. હવે તો શરીરની પ્રકૃતિ જ રોજની આદતને તાબે થઈ ગઈ છે. અને એક દિવસ બપોરે જ્યારે આ મૂર્તિમાન પ્રાણાત્મા જેવો સુંદર ઈલ્મી પોતાના એ વિનાશને વિચારે અફસોસ કરતો બેઠો હતો ત્યારે એ જ નર્તકી હાજર થઈ.
'દાકતરસાહેબ! ઓ દયાળુ દાકતરસાહેબ!' એ સુંદરી ત્યાં ધ્રુસકા ભરીને રડી પડી. 'મને બચાવો, મને કોઈ રીતે બચાવો!'
'કોનાથી? તને શું છે, બહેન?' તું શેનાથી બચવા માગે છે? ઈલ્મીના અંગ પર અનુતાપના સ્વેદ વળવા લાગ્યા.
'મને એક પિશાચથી બચાવો. એક અસુર રોજ રાતે મારે ઘેર આવે છે અને મારું લોહી શોષી જાય છે. હું કોઈને આ વાત કહી શકતી નથી, કહું તો કોઈ માનશે નહિ. પણ મારું શરીર ચૂસી જનાર એ જનના પંજામાંથી મને ઉગારો... ઓ ભલા દાકતરસાહેબ!'
છાતીફાટ રડતી એ સ્ત્રીની વાત સાંભળ્યા પછી દાકતરે થોડી વાર એક ઉચ્ચાર પણ ન કર્યો. પોતે જ એ પિશાચ છે તે કહેવાની એની હામ નહોતી રહી. આ કોમલાંગીની પોતે કેવી વલે કરી હતી એનું પોતાને પૂરેપૂરું ભાન હતું. એ સ્ત્રીની આંખોમાં, મુખમુદ્રામાં, શરીરની નિચોવાયેલી હાલતમાં આ યુવાને પોતાની હેવાનિયતનો દર્દભર્યો ીતિહાસ વાંચી લીધો. પોતાનું ભુક્કો બની રહેલું કલેજુ છુપાવીને એણે કહ્યું :
'જો બહેન, હું તને ખાતરી આપું છું કે તું કહે તેવો કોઈ જીવતો પુરુષ નથી. તને કોઈનો વળગાડ લાગે છે. પણ હું તને આજથી ભયમુક્ત કરું છું. મારું જ્ઞાન મને ખાતરી આપે છે કે તને હવે ફરીવાર એ અસુર નહિ સંતાપી શકે.' પોતે ગુજારેલા અત્યાચારના પ્રાયશ્ચિતરૂપે ઈલ્મીએ એ સ્ત્રીને એક મોટી રકમ ભેટ કરી વળાવી.
પરંતુ બીજે જ દિવસે જે વેળા કોઈ દુષ્ટ આવેગને બળે એનામાં અસુરનો આવિર્ભાવ થયો ત્યારે આગલા દહાડાના અનુતાપનું તમામ ભાન ચાલ્યું ગયું. ભીષણ રૂપ લઈને એણે ફરી પાછી ત્યાં ને ત્યાં દોટ દીધી અને ભયગ્રસ્ત સુંદરીને એણે પાછી પોતાની ચૂડમાં ભીડવી. એના પાશવી બાહુપાશમાં ભુક્કો થઈ જતી સુંદરી વિસ્મય પામી બોલી ઊઠી : 'ઓહ ઓહ ઓહ! તમે પાછા ક્યાંથી? દાકતરસાહેબે તો કહ્યું'તું કે તમે હવે નહિ આવો -'
'હં-હં! વિહ્વલતાની આગમાં ભડકે બળતાં એણે પ્રેયસીને વધુ દાબી-વધુ જોરથી - વધુને વધુ જોરથી, તેમ તેમ એ ભયતીત સ્ત્રીએ છટકવા પછાડા માર્યા, ગૂંગળાટ અનુભવ્યો, અંગેઅંગ જુદું પડતું અનુભવ્યું. અને જેમ જેમ એનો અણગમો પોતાની પરિતૃપ્તિના માર્ગ વચ્ચે આવતો ગયો તેમ-તેમ એ પિશાચની લાલસા-લાહ્ય વધુ પ્રચંડ બની. એનું ભાન ચાલ્યું ગયું. એની દસે આંગળીઓએ એ સ્ત્રીનું સુકોમળ ગળું પકડી લીધું - ભીંસી નાખ્યું, છેલ્લી ચીસ પાડીને એ સુંદરીના મોંએ શ્વાસ છોડ્યા. આંખો ફાટી ગઈ.
ઊપડતે પગલે જ્યારે એ ખૂની પ્રયોગાલયની પાછલી બારી પર જઈને ઊભો રહ્યો ત્યારે એને યાદ આવ્યું કે, આજ તો પોતે ગુપ્ત પરિભ્રમણની કશી જ ગોઠવણ કરવી દારી નહોતી, આગલે દ્વારેથી જ જમવા જવા નીકળ્યો હતો ને પાછો દાખલ પણ ત્યાંથી જ થવાનો હતો, એટલે બારણું તો અંદરથી બંધ કરાવ્યું હતું. ઓચિંતાનો ઔષધિ વિનાનો આ રૂપ-પલટો આવશે એવી તો કલ્પના જ નહોતી. શી રીતે ઘરમાં પ્રવેશ કરી શકાશે? વારાંગનાની હત્યાનું તો હમણાં જ બુમરાણ બોલશે!
એ દોડ્યો પોતાના દાકતર-મિત્રને ઘેર. મિત્ર ઘરમાં નહોતા. નોકરને પોતે એક ચિઠ્ઠી આપી. ચિઠ્ઠીમાં લખ્યું હતું : 'ભાઈ, મારે ઘેર મારી પ્રયોગશાળામાં તમે જાતે જઈ નં...ની દવાની પેટી લઈ આવજો. તમારે ત્યાં રાતના બાર બજે એક માણસ એ લેવા આવશે. એને પેટી દેજો. હું ભયાનક સંકટમાં છું. વિશેષ રૂબરૂ સમજાવીશ.'
અરધી રાતે જ્યારે એ પાછો આ મિત્રને ઘેર પેટી લેવા આવ્યો ત્યારે મિત્ર એ ભયાનક સિકલને નખશિખ નિહાળી રહ્યો. નિહાળતાં નિહાળતાં એની નજર આ રાક્ષસી પુરુષના હાથની લાકડી પર ઠેરી. શંકા પડી. પૂછ્યું :
'કોણ છો તમે?'
'દાકતર... નો દૂત.'
'ક્યાં છે દાકતર...?'
'નહિ કહી શકું.'
'બોલો ! કોણ છો તમે?' એ પ્રશ્ન ફરી વાર પૂછતાં એણે રિવોલ્વર તાકી. પિશાચ થંભ્યો.
'કદમ ઉપાડશો તો ફૂંકી દઈશ. બોલો, કોણ છો તમે?
'પિછાન કરવામાં સાર નથી.'
'બોલો, બીજો ઈલાજ નથી.'
'જોવું જ છે?'
એ હસ્યો-મોટા દાંત કાઢીને હસ્યો. પેટી ઉઘાડી. રસાયણ બનાવ્યું. છેલ્લા ટીપાની મેળવણીએ ગોટેગોટા ધુમાડાનાં વાદળાં જન્માવ્યાં. એ ઊકળતું રસાયણ એણે પીધું. અસુર અદૃશ્ય બન્યો.
પ્રિય ડૉક્ટર-મિત્રની દેવમુદ્રા પ્રકાશી ઊઠી.
વાચાને સ્થાન નહોતું. અધરાતે બેઉ છૂટા પડ્યા.
6
'અત્યારે? અત્યારે તમે અહીં?' ચોવીસ વર્ષની કુમારિકા ચમકી ઊઠી. 'મારા બાપુ જાણશે તો? ભલા થને તમે-'
'હા, હું વિદાય લેવા જ આવેલ છું.' દ્વારમાં આવેલો પુરુષ હાથ જોડી યાચના કરતો ઊભો રહ્યો. 'હવે તમારા બાપુને હું નહિ સતાવું.'
કુમારિકા નજીક આવી. પુરુષનું મોં ઉકેલવા લાગી : 'શું બોલો છો? શાની વિદાય?'
'હું તમને મારી સાથેના વેવિશાળમાંથી મુક્ત કરવા આવ્યો છું.'
'સાત વર્ષો સુધી વાટ જોયા પછી? મારો કશો દોષ?'
મૂંગાં મૂંગાં એ પુરુષે માથું હલાવ્યું અને કહ્યું : 'મારું દુર્ભાગ્ય! એની આંખોના ખૂણામાં અક્કેક આંસુ ઝલકી ઊઠ્યું.'
'પણ શા માટે?' કુમારિકાએ પુરુષના હાથ ઝાલ્યા. બેસારીને કહ્યું : 'હવે મને કહો, મૂંઝવણમાં પડ્યા છો તમે? કોઈ નવું લગ્ન?'
'આજે હું હાંસી સહી શકીશ નહિ, મારું નવું લગ્ન તો હવે મૃત્યુ સાથે થઈ શકશે.'
'પણ તમને થયું છે શું? કેમ આજે ગાંડાં કાઢો છો?' કુમારિકાએ પુરુષના માથા પર - આખા માથા પર હાથ ફેરવ્યા.
પુરુષે એના ખોળામાં પોતાનું માથું નાખી દીધું. એનું હૈયું ભેદાતું હોય તેવો અવાજ નીકળ્યો. સ્ત્રીએ એ મોંને ઊંચે લીધું. મા એના બાળને પૂછે તેવે સ્વરે પૂછ્યું : 'શું છે આ બધું? કહો, મારા સોગંદ, મને કહો!'
'તને હું નહિ કહી શકું એવી એ વાત છે. જીવનભર મારે પ્રાયશ્ચિત જ કરવાનું રહેશે. તારો અવતાર મેં બગાડ્યો છે.'
પુરુષે સ્ત્રીના પગ સુધી માથું લઈ જઈને કપાળ પર એના પગનો સ્પર્શ લીધો પછી એ ઊભો થયો.
સ્ત્રીએ એના હાથ ઝાલી લીધા : સાત વર્ષોમાં કદી નહોતા ઝાલ્યા એવા જોરથી ઝાલ્યા ને એ પુકારી ઊઠી : 'નહિ, નહિ, નહિ જવા દઉં. તમારું જે દુઃખ હશે તેમાં હું ભાગીદાર બનીશ. મને કહો, એકવાર કહો, એકવાર...'
બહાર નીકળી ગયેલો પુરુષ જ્યારે એ સાસરઘરની માછલી બારીએ આવીને દુઃખમાં ભાંગી પડતો ઊભો રહ્યો ત્યારે એણે જોયું કે પોતે ત્યજેલી કુમારિકા એના પિયાના ઉપર દેહ ઢાળીને ઊંધે મોંએ પડી છે. વાજિંત્રના દબાયેલા પાસા એકસામટું આક્રંદ કરીને ચૂપ થયા છે, પણ કન્યાનું રુદન હજી નથી અટક્યું.
'કેવો ધ્વંસ! પુરુષ એ કાચ વાટે આ પોતાનું જીવન-કરતૂક જોઈ રહ્યો. 'આને હું મારી છાની વ્યથા ન કહી શક્યો. મારા કાબૂની બહાર ગયેલા ઈલ્મની એ કથા સાંભળીને, ગામની ગલીએ ગલીએ ગવાતાં મારાં પાપો સાંભળીને, એ મને કેવો ધિક્કાર દઈ ઊઠત! અને મારું ઓચિંતું પલટાતું રૂપ હું એનાથી શી રીતે છુપાવત? અક્કેક દુષ્ટ ઊર્મિના આંચકા સાથે જ મારો પ્રગટ થતો અસુર આને જીવતી ને જીવતી ભરખી જાત!'
અસ્તાયમાન સૂર્ય જેવો શોભીતો જુવાન હજુ બારીના કાચ વાટે તાકી રહ્યો હતો. પરિતાપ કરતો કરતો એ થોડી ઘડી થંભ્યો. એની દૃષ્ટિ જાણે ધીરે ધીરે બદલવા લાગી. એના મનોભાવ આ ઢળેલી યુવતીના રૂપ ઉપર ફરવા લાગ્યા : ભરપૂર માંસલ દેહલતાને અંગે અંગે એની આંખો અડકી રહી ને એની લાલસા જાગ્રત થઈ. 'આ સૌંદર્ય! ઓહ ! સાત વર્ષોથી જેનાં સ્વપ્નાં સેવતો તેને એક વાર પણ ભોગવ્યું નહિ! ને આજ સામે પડ્યું છે, છતાંય છોડીને ચાલ્યો જાઉં છું ! એ મારું છે છતાંય....'
આટલો વૃત્તિવેગ નીપજતાં તો રાફડામાંથી જાજડ ભુજંગ જાગે તેમ એના અંગમાંથી અસુર ધસી આવ્યો. દુરાશયે ભયાનક રૂપે દર્શન દીધું અને એક પલમાં તો એની હિંસા એ બારીના કાચના ભુક્કા બોલાવી એને અંદર લઈ ગઈ. ઢળેલી કન્યાને એણે આલિંગનમાં ભીંસી. લાલસાની લાય પથરાઈ ગઈ.
ચમકેલી કન્યાએ આ અસુરને દેખતાં જ તીણી ચીસ નાખી. એ ચીસે આખા ઘરને ઢંઢોળ્યું.
જેને જરી અડકવામાં પણ પોતાની કોમલ સંસ્કારિતા આઘાત પામતી તેને જ અત્યારે પોતાના ભુજપાશમાં રગદોળી રહેલો એ પુરુષ એ તૂટતા બારણામાં ધસી આવનાર વૃદ્ધ સસરાને ભોંય પર ધકેલી દેતો નાસી છૂટ્યો. પછવાડે પોલીસનું ને લોકટોળાનું બુમરાણ બોલ્યું. ચોરગતિથી નાસતા એ પુરુષે પોતાને મકાને પહોંચીને પાછલા દ્વારની ચાવી કાઢવા ગજવાં તપાસ્યાં, પરંતુ તે દિવસની પેઠે આજ પણ દ્વાર અંદરથી જ બંધ કરેલું હતું. એ દોડ્યો આગલા પ્રવેશદ્વારે. ટકોરા માર્યા. બુઢ્ઢા નોકરે બારણું ખોલ્યું. ભયાનક રૂપ દેખાતાં જ 'દાકતરસાહેબ ઘરમાં નથી એટલું એ માંડ બોલી શક્યો. એક જ ધક્કો મારીને દાકતર અંદર પેઠો અને પોલીસની ટુકડી ત્યાં આવીને બારણું ઠોકવા લાગી ત્યારે એ પોતાની પ્રયોગશાળામાં દાખલ થઈ જઈ કપડાં ઉતારી ઔષધિ પી લઈ પોતાના અસલ સ્વરૂપે કશું જાણે કામ કરવા બેસી ગયો.'
'આંહીં પેઠો છે! એ ચોર આંહીં જ પેઠો છે!' એવા રીડિયા પાડતી પોલીસ-ટુકડી પ્રયોગશાળાનું બારણું તોડવા મથી રહી.
દાકતરે બારણું ઉઘાડ્યું : 'મારો ! મારો ! મારો !' શબ્દની ચીસો નાખતા પોલીસોએ અંદર પેસતાં જ એ પૂજનીય પુરુષની ભવ્ય મુખમુદ્રા દીઠી. પ્રતાપી અવાજે એણે પોલીસને પૂછ્યું : 'શું છે? શી ધાંધલ મચાવી રહ્યા છો અહીં?'
ખસિયાણો પડેલ પોલીસ-અમલદાર પોતાની રિવોલ્વરને નીચે નમાવી બોલ્યો : 'માફ કરજો, સાહેબ ! પણ અહીં એક ખૂની પેઠો છે.'
'જી હા, અમે અમારી સગી આંખે એને અહીં પેસતાં જોયો છે.'
'તમારી ભૂલ થતી લાગે છે. અહીં કોઈ નથી.'
'સાહેબ, એ આપનાં બાનુ ઉપર અત્યાચાર કરીને અને આપના સસરાનો જાન લઈને નાઠો છે. અહીં જ પેઠો છે એ.'
'ના હોય!'
એવામાં ઓચિંતો 'એ જ, એ પોતે જ, દાકતર પોતે જ એ છે!' એવો એક અવાજ આવ્યો અને દાકતરની આંખ ફાટી ગઈ.
પોલીસો દિગ્મૂઢ બની તાકી રહ્યા.
અવાજ દેનાર આદમી પોતાની રિવોલ્વર ખેંચતો આગળ ધસી આવ્યો. રિવૉલ્વરની નાળનું એણે દાકતરની સામે નિશાન લીધું.
દાકતરે એ મનુષ્યને ઓળખ્યો. એ હતો મિત્ર-દાકતર. આખા જગતમાં પોતાની આ રાક્ષસી લીલાનો એક જ જાણભેદુ : તે રાત્રિએ એનો રૂપપલટો નજરોનજર જોનાર.
'દાકતરસાહેબ પોતે?' લોકો તાજ્જુબ બન્યા.
'હા, એ પોતે જ !' કહેતો એ મિત્ર રિવૉલ્વર તાકતો આગળ વધ્યો. દાકતરનું મોં ભયથી ફફડી ઊઠ્યું.
દાકતરનું રૂપ પલટાયું. મૂર્તિમાન હિંસાએ એ સુંદર શરીરનો કબજો લીધો અને ચીસ પાડી : 'એ જ, એ જ, એ જ !'
આત્મરક્ષણના છેલ્લા પછાડા મારતો એ અસુર પ્રયોગાલયની અભરાઈઓ ને કબાટો પર ઠેકી ઠેકી તેજાબોની શીશીઓના ઘા કરી, બે-ચાર વધુ હત્યાઓ કરી, છેવટે જ્યારે મિત્રની બંદૂક-ગોળી ખાઈને હાહાકાર કરતો ઢળી પડ્યો ત્યારે પાછું એનું આસુરી રૂપ સમાઈ ગયું અને એ મૃતદેહ ઉપર અસલની મધુર આકૃતિ વિલસી રહી.
પંથભૂલી માનવ-ભવ્યતાનો આવો દયાજનક અંત દેખીને લોકોનાં માથાં નીચે ઢળ્યાં.
પરંતુ આખી પ્રજાના રુદનમાંથી સૌથી વધુ ભેદક સૂર તો એ શૂન્ય ઘરની અંદર ઊઠતો હતો. એ કલ્પાંત ઘરના બુઢ્ઢા ચાકરના કંઠનું હતું.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર