મુક્ત કારાગાર

28 Jan, 2017
12:00 AM

PC: dnaindia.com

(વાર્તાકારઃ વર્ષા અડાલજા)

 

જેલનાં બારણાં ખૂલ્યાં અને અવનીએ બહાર પગ મૂક્યો. પાછળ જોરથી દરવાજો વસાઈ ગયો.

એક ધક્કા સાથે એ બીજી જ દુનિયામાં આવી પડી. થોડાં ડગલાં એ ચાલી. પણ તેજથી ચમકતો સૂર્ય, જોરથી ફૂંકાતી હવા, એમાં ઝૂલતાં વૃક્ષનાં પાંદડાંઓ, ક્યારેક દૂર ભસતાં કૂતરાંનો અવાજ-સઘળાંએ મળીને એનાં પ્રાણ જાણે રૂંધી દીધાં. એ ચાલી ન શકી. ઝાડને છાંયે, એક નાના પથ્થર પર એ બેઠી. બાજુમાં પોટલી મૂકી. એમાં કપડાં અને થોડી વસ્તુઓ હતી. એ કપડાં પહેરી એ એક રાત્રે આ જેલની ઊંચી દીવાલની અંદર પ્રવેશી હતી.

- એ રાત્રે પણ, આજની જેમ જ એક ધક્કા સાથે એ બીજી જ દુનિયામાં ફેંકાઈ ગઈ હતી. એ ફાટી આંખે જેલની નાની-નાની કોટડીઓમાં બંધ કેદીઓની આંખોમાં પુરાયેલા પ્રશ્નોને તાકી રહી હતી. એ એટલી બધી ધ્રૂજતી હતી કે જેલરના ટેબલનો ખૂણો પકડી એ માંડ ઊભી રહી શકી હતી. સુપરિન્ટેન્ડન્ટે શું પૂછ્યું અને એણે શા જવાબો આપ્યા એનું ય એને ભાન નહોતું.

થોડી વારે એ એક મોટા ઓરડામાં ધકેલી દેવાઈ. અહીં સઘળી સ્ત્રી-કેદીઓ હતી. કોઈ કામ કરતી હતી, કોઈ આડી પડી હતી. કોઈ-કોઈની પાસે તો નાનાં બાળક પણ હતાં. એને એટલી સખત ગભરામણ થઈ એવી કે હમણાં જ ઊલટી થઈ જશે. એ બીકે એ ગોઠણમાં માથું ખોસી એક ખૂણામાં ભરાઈને બેસી રહી. એને જતાં જ બે-ચાર સ્ત્રીઓ દોડી આવી, એને હલબલાવીને પૂછવા લાગી. એ પૂતળાની જેમ બેસી રહી.

'જાને દો, સાલ્લી ઢોંગ કરતી હૈ, ભોલી બનતી હૈ, લેકિન ખૂની હૈ ખૂની, હાં!'

ખૂની શબ્દ ધારદાર ખંજરની જેમ ભોંકાઈ ગયો. એ ચમકીને ભાનમાં આવી. એ ખૂની હતી. કાલે રાત્રે જ કેદારના શરીરમાં એણે લાંબી છરી, શરીરની તમામ તાકાતથી હુલાવી દીધી હતી. એની આંખો ફાટી ગઈ હતી. એ લથડિયાં ખાતો બબડ્યો હતો : 'અવની !... આ... તેં.... ' પણ એ ક્યાં કંઈયે સાંભળી શકે એવી અવ્યવસ્થામાં હતી? એટલા જ બળથી, છરી ખેંચી કાઢી એણે ઝનૂનથી બે-ચાર વાર કેદારના શરીરમાં...

અવનીના ગળામાંથી ચીસ નીકળી ગઈ. જાણે કેદારના શરીરમાંથી વહેતું લાલ લોહી એના પગ તળે આવી ગયું હોય એમ એ છેક કોકડું વળી ગઈ.

એની ચીસ સાંભળી થોડે દૂર બેઠેલી એક બાઈ દોડી આવી એની સામે બેઠી. વાંકી વળી પૂછવા લાગી : 'કાયકુ ખૂન કિયા?'

અવનીને ફરી સખત ઊબકો આવ્યો. મોંએ હાથ દાબી બેસી રહી.

'યાર થા ક્યા? હમ ભી ખૂન કિયા, ધણીકા. સારા દિન સાલ્લા દારૂ પીતા થા. હમકો પીટતા થા. અરે બાઈ કે કોઠેમેં ભી ઘૂસતા થા.'

બાઈ લાંબા પગ કરી આરામથી બેઠી. કમ્મરેથી બીડી-બાક્સ કાઢી, લહેજતથી બીડી સળગાવી.

'એકદમ ખરાબ આદમી થા. સાલ્લા હલકટ.' મોંમાંથી બીડી કાઢી એ તિરસ્કારથી થૂંકી. 'વો હમકો રોજ મારતા થા, વો કુછ નહીં, ઔર હમને ઉસકો માર દિયા તો પકડ લિયા, પાંચ સાલકા સજા દિયા...'

'સજા' શબ્દની આર ભોંકાઈ હોય એમ એ એકદમ મોટેથી બોલી પડી : 'નહીં નહીં, હમકો સજા નહીં હોગી. મૈં બહુત... અચ્છી હું. પઢી-લિખી હું' ... એ મોટેથી રડી પડી.

પેલી તરત બોલી : 'રો મત રે, પગલી ! હાં... હમ ભી બહોત રોયા થા. તો ભી સાલ્લા સાબ પાંચ સાલ અંદર કર દિયા. કોઈ બાત નહીં. હમ છૂટેગા, દૂસરા શાદી કરેગા. ઉસકા ચ ભાઈ. લેકિન ચાલુ નહીં, હાં.'

અવનીને થયું, એ ગળું ફાડી ફાડીને ચીસો પાડે, સંભળાવી દે આ બધાને-પોતે ખરાબ નથી, ખૂબ ભણેલીગણેલી, ઉચ્ચ આદર્શવાદી યુવતી છે. એને સજા નહીં થાય. એ છૂટી જશે. છિઃ આ બધી હલકી અપરાધી સ્ત્રીઓ સાથે તો એ એક પળ પણ શી રીતે રહી શકે !

ધુમાડાના ગોટેગોટા નાકમાંથી કાઢી એ બાઈએ ઠુંઠુ ફેંક્યું. 'તુમ કાયકુ ગભરાતા હૈ? પહલે પહલે સબકો ઐસા હોતા હૈ. ફિર ઈધર જ્યાદા અચ્છા લગતા. ક્યા સમજા?'

અવનીને પોતાની ઉપર જ રોષ આવ્યો. કેવી બાઈ એની સાથે વાત કરી રહી હતી !

એણે દીવાલને માથું ટેકવી આંખો બંધ કરી.

ગઈ કાલ અને આજ. કેટલું અંતર હતું બનેમાં?

ગઈ કાલે એ એક સુખી ગૃહિણી હતી, મુક્ત પંખી હતી, અને આજે એક ખૂનીની છાપ લઈ જેલમાં એક બીજી ખૂની બાઈ સાથે બેઠી હતી.

પણ પરિતોષ...

એ નામ સાથે જ ધીમે ધીમે એના મનમાંથી કડવાશ નીતરતી ગઈ. કોઈ પણ ક્ષણે હવે એ અહીં પહોંચી જવો જોઈએ. એને બાથમાં લઈ લેશે. એનાં તમામ દુઃખો અને વેદના એના પ્રેમની ઉષ્મામાં ઓગળી જશે. એ જેટલો લાગણીશીલ અને પ્રેમાળ છે, એટલો જ વ્યવહાર-કુશળ અને હોશિયાર છે. કોર્ટ અને કાયદાની આંટીઘૂંટીમાંથી હાથ પકડી એને લઈ જશે - આ જેલના સૂગવાળા જીવનથી દૂર, ફરી એમના કલ્લોલતા સંસારમાં. એકવાર અનાથાશ્રમની એકલવાયી જિંદગીમાંથી આમ જ એ હાથ પકડી એને બીજી દુનિયામાં દોરી ગયો હતો. એ માટે એણે બધું જ છોડી દીધું હતું. આજે પણ એ એમ જ કરશે. એની શી ચિંતા હતી?

'તુમ્હારા વકીલ મિલનેકુ આયા હૈ.'

એક રુક્ષ, કરડા સ્વરે એક ઝાટકે એના સ્વપ્નની ચાદર ખેંચી લીધી.

સામે બેઠેલી બાઈ ખભા ઉછાળી જતી રહી. અવની જલદી ઊભી થઈ અને હવાલદાર સાથે મુલાકાતીઓના ખંડમાં આવી.

'ભાભી, અવનીભાભી!' ઉમેશે દોડી આવી અવનીનો હાથ પકડી લીધો.

'ઉમેશ... હું... ઉમેશ' - એનો કંઠ ભરાઈ ગયો.

'ગભરાઓ નહીં, ભાભી! આ બધું કેમ બની ગયું?'

મરેલું દૃશ્ય ફરી સજીવન થઈ ગયું. સામે જ પડી હતી કેદારની લાશ. એની આંખો હજીયે અવનીના ચહેરા પર જડાઈ હતી. અને એ વિસ્ફારિત આંખો તાકી રહી હતી - પોતાના બંને લોહીભરેલા હાથ સામે. અને લાંબી ધારદાર છરી...

એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

'ભાભી! પ્લીઝ... તમે સ્વસ્થ થાઓ.'

'હું... હું... હજીયે નથી માની શકતી, ઉમેશ ! મેં ખૂન કર્યું છે, ખૂન....ખૂ...ન...'

'તમે ચિંતા ન કરો, ભાભી! બધું બરાબર થઈ જશે. પરિતોષ ક્યાં છે? આ બની ગયું ત્યારે એ તમારી સાથે નહોતો?'

પરિતોષના નામ સાથે અવની ફરી શાંત થવા લાગી.

'હા, ઉમેશ ! હું પણ એની જ રાહ જોઉં છું. એ ઑફિસના કામે દિલ્હી ગયો છે. હું ઘરમાં એકલી જ હતી. પણ હવે તો એને સંદેશો મળી ગયો હશે.'

'એટલે, એ આ વાત...'

'નથી જાણતો.'

'મને નવાઈ તો એ લાગે છે કે કેદાર આપણો નજીકનો દોસ્ત અને... આમ શું કામ તમે કર્યું?'

શું કહેવું? કેવી રીતે કહેવું? બળાત્કાર જેવા છપાળવા શબ્દે એને ક્યાંથી ક્યાં પહોંચાડી હતી! અખબારોના પહેલા પાને છપાશે પોતાની મોટી તસવીર... બળાત્કાર-ખૂન કેસમાં સંડોવાયેલી શ્રીમંત ઘરની ગૃહિણી....

'ના.' એકદમ અવની ચીસ પાડી ઊઠી.

'સૉરી ભાભી! હું જાણું છું, આ આખીયે ઘટનાથી તમને આઘાત લાગ્યો છે. છતાં મારે તમારી પાસેથી બધી હકીકત જાણવી ખૂબ જરૂરી છે. તમારા વકીલ તરીકે કેસની નોંધો વિગતવાર તૈયાર કરવી પડશે. હાલ તુરત મને એટલું કહો કે કેદારનું ખૂન ખરેખર તમે કર્યું છે? તો શા માટે અને કેવી રીતે?'

અવની ઊંડો શ્વાસ લઈ બાંકડા પર બેઠી. આ આખી વાત હવે ઘણી વાર કહેવી પડશે, માત્ર ઉમેશની નહીં, સૌની સામે. અનેક બોલાયેલા - ન બોલાયેલા પ્રશ્નોને કશીયે ઢાલ વિના ઝીલવા પડશે...

'હા, ઉમેશ ! મેં કેદારનું ખૂન કર્યું છે. અચાનક બેંગ્લોરથી એ પરમ દિવસે મારે ત્યાં આવ્યો. ઘણા લાંબા ગાળાની પ્રતીક્ષા પછી એને છૂટાછેડા મળી ગયા હતા. એ ખૂબ મૂડમાં હતો. પરિતોષ તો દિલ્હી હતો. એ મને આગ્રહ કરી હોટલમાં જમવા લઈ ગયો. મેં તારે ઘેર પણ ફોન કરી જોયો. પણ તું અને મીના નહોતાં. એટલે અમે બે જ ડિનર પર ગયાં. મેં એને કેટલી ના પાડી, છતાં એ પીતો રહ્યો. અમે મોડી રાત્રે ઘેર આવ્યાં....'

અવની ફ્રેમમાં મઢાયેલી તસવીરની જેમ સ્થિર થઈ ગઈ. ગઈ રાતના ખૂનનું થીજી ગયેલું લોહી ફરી ગરમ અને તાજું બની ગયું... ઓહ ! કેટલી ના પાડી, છતાં કેદાર પીતો રહ્યો ! હોટલમાંથી મોડી રાત્રે ઘરે જતાં જ એ ડરી ગઈ હતી. એક સ્ત્રી તરીકે, પુરુષના શરીરમાં છુપાયેલી વાસનાની એને ગંધ આવી ગઈ હતી. કેદારને લીંબુપાણી જોઈતું હતું. એ રસોડામાં ગઈ, પાછળથી કેદારે આવી એને.... બે હાથે ભીંસી નાખી... ઓહ, કેટલી વારે એને ભાન આવ્યું કે એણે ખૂન કર્યું હતું ! એના પગ પાસે જ કેદાર ફસડાઈ પડ્યો હતો. એનાં કપડાં, હાથ-પગ બધું જ લોહીમાં તરબોળ હતું....

ઉમેશ એની નજીક આવીને બેઠો.

'તમે ગભરાતા નહિ, હિંમત રાખજો, ભાભી! તમારા સંજોગો જ એવા હતા કે તમે આમ કર્યું. શહેરમાં સારામાં સારા વકીલને રોકી લઈશું. પરિતોષ આવી જાય એટલે મને તરત જ મળવાનું કહેજો. તમે પોલીસને શું કહ્યું છે?'

'બધું જ કહ્યું છે. ખોટું કહી શકું એવી હાલત નહોતી કે દીદાર નહોતા.'

એ ફરી સ્ત્રી-કેદીઓવાળા મોટા ખંડમાં આવી અને શૂન્ય મને, એ જ ખૂણામાં સંકોડાઈને બેસી ગઈ. બંધ આંખોમાં પરિતોષનો ચહેરો એની સામે હસી રહ્યો.

એ ક્યાં સુધી એમ બેસી રહી એનો કશો ખ્યાલ ન રહ્યો. કદાચ થોડું ઊંઘી ગઈ હતી. ઝબકીને જાગી ત્યારે હાથપગ અક્કડ બની ગયા હતા. અને પરિતોષ મળવા આવ્યો છે એ ખબર એને કોઈ આપતું હતું. એ કૂદીને ઊભી થઈ. અને લગભગ દોડતી બહારના ખંડમાં આવી, ત્યારે પરિતોષ અદબ વાળી, છાતી પર માથું ઢાળી ઊભો હતો. અવની નજીક જઈ, સાવ લગોલગ ઊભી રહી.

પરિતોષે ઊંચું જોયું.

'અવની... આ બધું શું છે? મને કશું સમજાતું નથી.'

'મને પણ કંઈ સમજાતું નથી, પરિતોષ ! પણ તમે આવી ગયા, હવે મને મારી કશી ચિંતા નથી.'

'હા, તારી વાત બરાબર છે. પણ તું... અને ખૂન... કેદારનું ખૂન... ઓહ ગોડ !'

'હુંય હજી નથી માની શકતી કે મેં કેદારનું ખૂન કર્યું છે. પરિતોષ ! કાલની રાત મેં શી રીતે વિતાવી છે, એક ઈશ્વર જ જાણે છે... દિલ્હી તમારી હૉટલ પર મેં કૉલ કરવાની કેટલી કોશિશ કરી, પણ મારું નસીબ જુઓ ! લાઈન ખરાબ હતી.'

'પણ કેદાર આમ કરે?'

'મેં પણ કયાંથી ધાર્યું હોય, પરિતોષ ! કેદાર તો તારો નિકટનો મિત્ર. એ ખૂબ ખુશ હતો. એને અંતે છૂટાછેડા મળી ગયા હતા. એ મને પરાણે હૉટલમાં ડિનર પર લઈ ગયો.'

'તું જાણે છે, એને પીવાની ટેવ છે! અને છૂટાછેડા મળ્યાના આનંદમાં એણે પેગ પણ ગણ્યા નહીં હોય. તું કોઈને જોડે કેમ ન લઈ ગઈ, અનુ?'

'મેં તરત ઉમેશને ફોન કર્યો. એ લોકો ફિલ્મ જોવા ગયાં હતાં. પણ પછી કેદારે જ કોઈને ન કરવા દીધો. પછી... જે બની ગયું એ એટલું જ ભયાનક... પરિતોષ પરિતોષ...' અવનીએ પરિતોષની છાતી પર માથું ઢાળી આંસુ વહેવા દીધાં. 'મેં ઈન્સ્પેક્ટરને તરત જ તમને સંદેશો આપી દેવા કહ્યું હતું અને એમણે દિલ્હી પોલીસને તરત જ જાણ કરી હતી.'

પરિતોષ હાથની મૂઠી વાળી ખસી ગયો. 'અને કમબખ્ત એને બીજો કોઈ વખત ન મળ્યો. બૉર્ડ ઑફ ડાયરેક્ટર્સની મિટીંગ ચાલતી હતી, ત્યાં વચ્ચે જ આવીને એ બોલ્યો - "મિ. પરિતોષ ! તમારા વાઈફની, તમારા મિત્ર કેદારના ખૂન માટે બૉમ્બે પોલીસે ધરપકડ કરી છે. શી ઈઝ અન્ડર એરેસ્ટ." સ્ટુપિડ ઈડિયટ  અનુ, અનુ, મને ત્યારે મરવા જેવું થયું. હું જાણે વિચિત્ર પ્રાણી હોઉં એમ સૌ મારી સામે જોવા લાગ્યા. ધેટ રાસ્કલ ચૌહાણ ! એ ઈન્સ્પેક્ટરને બધું પૂછવા લાગ્યો. અને એ મૂરખે રજેરજ કહ્યું. પછી... પૂછપરછ... એમની આંખો... ઓહ ગોડ ! મને શું થયું છે, એ શું કહું?'

'પણ, આમ એ ઈન્સ્પેક્ટરે બધાની સામે કહ્યું?'

'અને સૌ પીપરમિન્ટની જેમ ચગળતા રહ્યા... બળાત્કાર-ખૂનકેસ... અને એવા કેસમાં મારી વાઈફ સંડોવાય...' પરિતોષે ખેંચીને ટાઈ કાઢી નાખી.

તે જ ક્ષણે અવનીને થયું કે એની અંદર કશુંક મરી ગયું છે. એ સ્થિર ઊભી રહી પરિતોષને જોતી રહી. અત્યંત ધીમેથી એણે કહ્યું : 'પરિતોષ ! મને એમ કે તમે આવશો અને મારી બધી જ ચિંતા મટી જશે.'

'ઓહ, હા...હા... જરૂર. પૈસાની મને કશી ચિંતા નથી. ઉમેશને છુટ્ટો દોર આપી દઈશ. સારામાં સારા વકીલને રોકી લઈશું, અનુ ! પૈસા ખર્ચવાથી હું ગભરાતો નથી. પણ યૂ સી. કેટલું ખરાબ લાગશે સમાજમાં ! તારે માટે... મારે માટે...'

'મેં કંઈ ખરાબ કામ નથી કર્યું, પરિતોષ ! મારી જગ્યાએ કોઈ પણ સંસ્કારી યુવતી શું કરે?' અવનીને થયું, એ અચાનક સ્વસ્થ થવા લાગી હતી.

'તારી વાત સાચી છે અનુ! પણ બળાત્કાર... ખૂન... અને એમાં તારી ધરપકડ... સાલ્લા છાપાંવાળાઓને ગરમ મસાલો મળ્યો.'

'પરિતોષ ! તો શું કેદારનું એવું વર્તન મારે ચૂપચાપ સહન કરી લેવું જોઈતું હતું?'

'ના, ના, અનુ ! પણ કંઈ રસ્તો નીકળી શક્યો હોત. કંઈક પણ... પ્રતિષ્ઠા સાચવવા લોકોને કેટલું સમાધાન કરી લેવું પડે છે?'

છેક ભાંગી પડી હોય એમ અવની ધીમે પગલે બાંકડા પર જઈને બેઠી. પરિતોષ, ચિડાતો, અકળાતો સામે જ ઊભો હતો. પણ અવનીને થયું, એ ખૂબ જ એકલી પડી ગઈ હતી. તૂટતા અવાજે એ પોતાની જાતની ઊલટતપાસ લેતી હોય એમ ધીમેથી બોલી :

'સમાધાન એટલે શું? એ પુરુષ હતો, નશામાં હતો, ઝનૂને ભરાયો હતો, વિનવણી અને આંસુઓની પેલે પાર હતો. તોય એને ખતમ કરવાનું તો મેં વિચાર્યું જ ન હોય... અચાનક બધું બની ગયું.'

પરિતોષ હતાશ બનીને અવનીની બાજુમાં બેસી પડ્યો.

'જે બન્યું તે. હવે સત્યનો સામનો કર્યા વિના છૂટકો પણ નથી. તારો કેસ લડવાની મારી ફરજ છે, અનુ !'

ફરજ શબ્દથી દાઝી ગઈ હોય એમ અવની તરત જ બોલી ગઈ : 'બસ ! માત્ર ફરજ ખાતર જ મારો કેસ લડશો? ફરજ, પ્રતિષ્ઠા - એ શબ્દોથી તમારો વિચાર કરવાને બદલે તમે મારો, માત્ર મારો જ વિચાર નથી કરતા? મેં શી વેદના અનુભવી એ નહીં પૂછો મને?'

'તું કેમ સમજતી નથી, અનુ? તારી વાત સાચી છે, પણ આ... આખી ઘટના કેવી ભયંકર છે ! તારા પર ખૂનનો આરોપ મુકાય.... કેસ ચાલે... લોકો મસાલેદાર ચર્ચા કરે... અને મારી સ્થિતિ એટલી વિચિત્ર બની ગઈ છે કે શું કરું, સમજાતું નથી.'

અવની એક ઊંડા આઘાતથી મૂક બની પરિતોષને જોઈ રહી, આ... આ... પરિતોષની એ ઉત્કટપણે પ્રતીક્ષા કરતી હતી? આ જ એ માણસ હતો, જેની સાથે એ વર્ષો સુધી રહેતી હતી, જેને અશેષપણે જીવનનું સર્વ સમર્પિત કરી ચૂકી હતી! આજે પહેલી જ વાર એને પ્રશ્ન થયો કે શું એ એને ઓળખતી હતી?

'અનુ, કંપનીના પ્રેસિડેન્ટ તરીકે આ વર્ષે મારી વરણી થવાની છે. પણ હવે... વર્ષોની મારી મહેનત, મારું સ્વપ્ન, આમ ખતમ થઈ જશે એની મને કલ્પના પણ નહોતી.'

અવની શ્વાસ જેવા ધીમા સ્વરે બોલી : 'ખરી વાત છે પરિતોષ ! સ્વપ્ન આમ ખતમ થઈ જશે એની મને પણ કલ્પના નહોતી.'

પરિતોષ એના દુઃખની ધૂનમાં રહો. 'અરે અનુ ! મને શું પગાર મળત, ખબર છે? સાથે કામ અને મકાનભાડું પણ ખરું. દર બે-ત્રણ મહિને બિઝનેસ માટે ફોરેન ટૂર. હવે મારી કરિયર ખતમ થઈ ગઈ.'

'પરિતોષ ! તમે તમારા ભવિષ્ય માટે વિચારો છો, મારા વર્તમાન માટે નહીં વિચારો?' નહોતું કહેવું છતાં એ પૂછી બેઠી.

'એ જ તો વિચારું છું, અનુ ! ખૂનકેસ... લોકો હજાર જાતની શંકા કરે. કોઈને એમ થાય કે કેદારે શા માટે એમ કર્યું? અરે અનુ !' તું ભોળી છે. વકીલ અનેક વાંકાચૂંકા પ્રશ્નો પૂછશે. 'કદાચ... તારી પર જ શંકા લાવશે...'

'બસ કરો, પરિતોષ ! તમે સ્વાર્થી તો છો, કાયર પણ છો.'

'અવની !'

'આઘાત લાગ્યોને પરિતોષ? પણ આજે આ સત્ય પ્રગટ થતાં હું કેવા ઊંડા આઘાતથી હલી ગઈ છું, એની તમને કલ્પના સુદ્ધાં નથી.'

પરિતોષ અવનીની સામે ઊભો રહ્યો. 'તું મને સ્વાર્થી કહે છે? મેં તને જિંદગીમાં શું શું નથી આપ્યું? તારે ખાતર મેં ઘર છોડ્યું, બા-બાપુજી-મોટાભાઈ સૌ સાથે સંબંધ કાપી નાખ્યા. તારે ખાતર અનુ!'

અવની થોડું ખસી ગઈ. સત્ય પણ કેટલું જૂઠું હોઈ શકે છે!

'હું ય એમ જ માનતી હતી. મારી સાથે લગ્ન ન કર્યા હોત તોય તમે ઘર છોડ્યું જ હોત. તમારા બાપુજીનો સ્વભાવ ખૂબ ગરમ અને જિદ્દી હતો. તમે એ બરદાસ્ત નહોતા કરી શકતા. આપણાં લગ્ન નિમિત્ત બન્યાં માત્ર.'

હર વસ્તુને મૂલ્યવાનનો નવો માપદંડ અચાનક એને સાંપડ્યો હતો. ભૂતકાળને દરવાજે ઊભા રહી, હર નાની-મોટી વાતો ઊથલાવીને જુદી રીતે તે પામતી હતી.

લગ્ન પછી ઑફિસમાં પરિતોષની એક પછી એક બઢતી થતી ગઈ. એ ખુશ થઈ કહેતો - મારા બૉસને તારી પાર્ટીઓ ખૂબ ગમે છે. તેં અમારા મેનેજરની વાઈફને એના ઘરનું ઈન્ટેરિયર ડેકોરેશન કરી આપ્યું તેથી તે તારી પર ફિદા છે... એવી કંઈક નાની-મોટી વાતોનાં એક એક સોપાન એ ચણતી હતી, અને પરિતોષ ધીમે ધીમે ઉપર ચઢતો હતો.

પરિતોષ હજી કશું સમજી શકતો ન હતો. 'અનુ, અનુ ! તું મને અન્યાય કરે છે.'

'અન્યાય તો તમે મને કર્યો છે. એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે મારી કશી જ ગણના ન હતી, હું જીવતી હતી, રાચતી હતી માત્ર તમારા પડછાયામાં. તમારી સાથે તમે સમાજમાં મને ફેરવતા હતા, એક સુંદર આવડતવાળી પત્ની તરીકે અને એના માલિક તરીકે તમારી પ્રતિષ્ઠા અને મોભો વધતાં હતાં.'

નાનકડી ખોલીમાં પરિતોષે બે ચક્કર માર્યા, જાણે કે વાતને એક છેડે તે આવી ગયો હતો. હવેનો વિચાર એ કરી શકતો ન હતો.

'અનુ ! અત્યારે તું ખૂબ જ અસ્વસ્થ છે, એટલે આમ વિચારી રહી છો, પણ જ્યારે આ બધો વંટોળ પસાર થઈ જશે ત્યારે આપણે ફરી એક થઈશું. હું તારે માટે બધું જ કરી છૂટીશ. સારામાં સારા વકીલને રોકીશ. તને છોડાવીને જ જંપીશ.'

'તમારે માટે, મારે ખાતર નહીં, પરિતોષ ! હું નિર્દોષ છૂટી જાઉં તો તમારી પ્રતિષ્ઠા તમને પાછી મળે, કંપનીમાં તમારું સ્થાન જળવાય. તમે જાઓ.' અવનીએ પીઠ ફેરવી જવા માંડ્યું. પરિતોષે એનો હાથ પકડી લીધો.

'અનુ, અનુ! તું પાગલ થઈ ગઈ છે? આમાંથી આપણે પસાર થઈ જશું. પહેલાંની જેમ જિંદગી ગોઠવાઈ જશે. જાણે... કશું બન્યું નથી.'

અવની ખોલીનાં બારણામાં થંભી ગઈ. એણે પાછળ એક નજર કરી. જે બનવાનું હતું તે તો બની ચૂક્યું હતું. હવે શું? સમતાથી એ બોલી : 'મારા માટે કશી તજવીજ ન કરતા, પરિતોષ! મારે કેસ નથી લડવો. હું ગુનો કબૂલી લેવાની છું. હું અહીં જેલમાં જ રહેવા માગું છું.'

પરિતોષની છાતી ધમણની જેમ હાંફી ગઈ. એણે બળજબરીથી અવનીને બન્ને હાથોમાં પકડી લીધી. 'મારા સમ છે એવું ગાંડપણ કર્યું છે તો જેલમાં.....'

'જેલ નથી આ, પરિતોષ ! આ જ તો મુક્ત દુનિયા છે. તમારી બહારની દુનિયાની જેમ અહીં દંભ નથી. માણસ જે છે તે જ દેખાય છે. ખોટી પ્રતિષ્ઠા, આબરૂ કશું જ નથી અહીં. હું પણ અવની મટી સૌની સાથે એક નંબર બની જઈશ.'

'અનુ ! હું તારા વિના કઈ રીતે જીવી કહીશ?'

'એક કાળે હું પણ એમ માનતી હતી, પરિતોષ ! હવે મને મારી જાતને શોધવા દો.'

'અહીં? જેલમાં કેદી બનીને?'

'તમે લોકો પણ સમાજમાં કેદીની જેમ જ જીવો છો. જૂઠી માન્યતાઓ, રિવાજોનાં બંધનો જેલના સળિયાથીયે વધુ સખત છે. તમારો સમાજ મુક્ત કારાગાર છે, પરિતોષ ! મને જવા દો.'

અવની હાથ છોડાવી અંદર ચાલી ગઈ.

- પોટલી ખોળામાં લઈ એની પર માથું ઢાળી દઈ અવની બેસી રહી. જેલનાં વર્ષોની ભઠ્ઠીમાં યૌવન અને સૌંદર્ય શેકાઈ ગયાં હતાં. એ જાણે નવે અવતારે આવી હતી.

એણે પોટલી હાથમાં પકડી, અને સામેના લાંબા નિર્જન રસ્તા પર ચાલવા માંડ્યું.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.