દોસ્તી

13 Aug, 2016
11:45 AM

PC:

તલવાર, તુરંગ ને તેજસ્વી સ્ત્રીનો યુગ હતો. મુશ્કેલી, મર્દાનગી ને મૃત્યુ ડગલે ને પગલે મળતાં. જીવન રસભર્યું હતું. રસ ને પવિત્રતા એક જ પેટનાં ભાંડુ જેવાં હતાં, એ યુગ તે મધ્ય યુગ. એ જમાનામાં બે બાલમિત્રો રહેતા હતા. લંગોટિયા ભાઈબંધ કહી શકાય.

એક ગામનો ગામેતી હતો. બીજા એક નાના સરખા ગામડાનો દરબાર હતો. બંને સાથે જ ઘેરૈયા બન્યા હતા. સાથે જ રમતા, જમતા, લડતા ને પંડ્યાને મારી આવતા.

પછી જુદા પડ્યા. દરબાર પોતાના નાના ગામડાનો વહીવટ સંભાળવા લાગ્યા. ગામેતી પોતાનું ગામ સાચવી રહ્યા.

છપ્પનના દુકાળ પહેલાં ઘણા દુકાળ પડ્યા છે, પણ તે સૌમાં, ચોત્રીસનો દુકાળ અત્યંત ભયંકર મનાયો છે. એ દુકાળ જેણે જોયો છે તે કહે છે, કે મનુષ્યમાં મનુષ્યત્વ ન રહે એવી ભયંકર મનોદશા તે વખતે થઈ ગયેલી. માણસોએ ઢોરઢાંખર, વાસણકૂસણ, ઘરેણાં ગાંઠાં વેચ્યાં., ઘર વેચ્યાં, સર્વસ્વ વેચ્યું. પોતાનાં છોકરાં વેચ્યાં ને બીજાનાં છોકરાં મારી ખાધાં. એ દુકાળ જોનારા આજે એની વાત કરે છે ત્યારે કંપી ઊઠે છે. 

એ વખતે દરબાર ભારે મુશ્કેલીમાં આવી પડ્યા. આબરૂ સાચવી શકાય તેટલા દાણા ઘરમાં હતા નહિ. જેમ-તેમ વાણિયાનું કરજ કરીને સામે વરસ પહોંચ્યા. સામે વરસ ભીનો દુકાળ પડ્યો. ત્રીજું વરસ પણ એવું જ નીકળ્યું. દરબાર કરજમાં ડૂબી ગયા, ને ઘણીખરી જમીન તો લખી આપી.

ગામેતી આ વખત મદદે આવી પહોંચ્યો. તેણે દરબારનું કરજ ભરી આપ્યું. જમીન છોડાવી, ને દરબારને પોતાને ઘેર લઈ આવ્યો. દરબાર ગામેતીને ઘેર રહ્યા. ને બે આંગળ પહોળી પાટીના ડાબલિયા ભરેલ ઢોલિયા પર બેસીને, જૂના જમાનાની વાતો કરતાં, પોતાનું બાળપણ સંભારતાં, ને અમલ કસૂંબા લઈ હુક્કો ગડગડાવતાં આખું વરસ બહુ મજેથી ગાળી નાખ્યું.

સારું વરસ આવ્યું ત્યારે દરબાર ઘેર ગયા, એના જુવાન દીકરાએ ખેડ સંભાળી લીધી. દરબારે દીકરાને રૂપરૂપના ભંડાર જેવી પાતળી ગોરી, તેજસ્વી ગરાસણી પરણાવી, ને પોતે ડેલીએ બેસીને, પહેલાંની પેઠે પાછો ડાયરો જમાવ્યો.

****

એક વખત આ પ્રમાણે ડાયરો ભરાયો છે. ને કસૂંબાનો રંગ જામ્યો છે. ત્યાં ડેલીએ એક જુવાને આવી ઘોડા પરથી ધબ નીચે ઠેકડો માર્યો, ને 'કાં દાદા! ઓળખો છો કે?' કહેતાંકને ઘોડીને દોરી ડેલીમાં પ્રવેશ કર્યો. હરણની રુવાંટી જેવી ઘોડીની રુંવાટી ગરાસિયામાત્ર જોઈ રહ્યા.

'ઓહો ! આવ બાપુ. આવ. તું ક્યાંથી?' કહીને દરબાર હુક્કા સહિત બેઠા થયા. ને 'મારા બાપ, તને ન ઓળખું એ બને?' કહીને મીઠાશથી બાથ ભરીને તેને મળ્યા. 'શું કરે છે અમારા ગામેતી, બોલો.'

'મજા કરે છે. તમારો પરતાપ છે. વાડીમાં ઘઉં ભારે ઊભા છે.'

'એમ? તરકોશીવાળું પડું ખેડ્યું છે ના?' એ જમીન, બાપ! સોનાનો કટકો હો. ગીગાભાઈ! સોનાનો કટકો! દરબારે એક આશ્રિત ચારણ તરફ ફરીને કહ્યું.

'આ ભાઈ....'

'રામ, રામ, હજી ન ઓળખ્યા? ગામેતીના દીકરા.'

'જુવાન થઈ ગયા?'

મંડળ વાતોએ ચડ્યું. પણ તે દરમિયાન ઘોડી બંધાઈ ગઈ. વાળંદે ઢોલિયો ઢાળી દીધો. ને દરબારના દીકરાએ આવી સૌને વાળુનું આમંત્રણ આપ્યું.

જૂની ને નવી વાતો થતી જાય છે. ભેંસના દૂધથી છલકતી તાંસળી ને બાજરીના રોટલાની ઑર મીઠાશ સૌ અનુભવે છે. પણ પીરસવાને માટે બહાર આવતાં વહુ વારંવાર સંકોચાતાં હોય તેવું દરબારને લાગ્યું તેણે મીઠાશથી એ વાતનો નિકાલ કાઢ્યો : 'વહુ ! બેટા! ગામેતીનો દીકરો એ મારો દીકરો જ જાણી લેજો. અમારા દેહ જૂદા છે. પણ પ્રાણ તો એક જ સમજી લ્યો!'

મરજાદાથી ઢાંકેલું. પાનીઢંક પહેરવેશવાળું ગરાસણીનું શરીર તરત બહાર આવ્યું. ચોળાફળી જેવી આંગળીઓ દરેક જમનારની થાળી સામે પીરસવા ફરી રહી. કોઈ ન દેખે તેમ. ગામેતીના દીકરાએ, નજર જરા ઊંચી કરીને, આટલું જોઈ લીધું ને પાછો થાળીમાં નીચે મોંએ જમવા મંડ્યો. પણ ગરાસણીની પાતળી દેહલતા તેના મગજમાં પેસી ગઈ હતી!

સ્ત્રી હોય, યૌવન હોય, ને ગરાસણી હોય. એટલે મોટામોટા નરપુંગવનાં માન છૂટી જાય એટલું રૂપ એમાં અચૂક ભર્યું હોય.

ગામેતીનો દીકરો તો દરબારને ત્યાં પાંચપંદર દિવસ ગાળવા રોકાઈ ગયો, અને ઘરના માણસ જેવો બની ગયો. બંને કુટુંબને આટલો સંબંધ ને આટલો પરિચય વધ્યો. એટલે તે છૂટથી ઘરમાં હરેફરે ને પોતાના ઘરમાં હોય તેમ જ ગરાસણી સાથે પણ વાતચીત કરી શકે. પણ એ બધી મીઠાશની વચ્ચે એક ભયંકર લાલસા પોતાનું બળ વધારતી જતી હતી.

***

પ્રસંગ વિના તો સૌ કોઈ સદ્દગુણના જ ઉપાસક છે, પ્રસંગ આવ્યે પાપ ન કરે તે વીર પુરુષ, પાપ કર્યા પછી પસ્તાવાથી જીવન ફેરવે એ એવો જ બીજો વીર પુરુષ ને એમાં ને એમાં જીવન પસાર કરે તે જડ પદાર્થ.

એક વખત એવું બન્યું કે કોઈ કામે દરબાર બહાર ગયા. દરબારનો દીકરો ગરાસણીનાં ઘરેણાં લઈ, પાસેના ગામડે સોની પાસે સમરાવવા ગયો. ઘેર ગામેતીનો દીકરો, જુવાન ગરાસણીને એક નોકર ડોસી એ ત્રણ જ રહ્યાં.

જેની રાહ જોતો હતો તે ભયંકર રાત્રી આવી, ડોસીને તો આગળથી જ સમજાવી રાખી હતી. એટલે તેણે ઘરની સાંકળ વાસવાનું મૂકી દઈ નિરાંતે ઊંઘવાનું શરૂ કરી દીધું હતું.

જ્યારે ગામનાં કૂતરાં પણ ભસતાં રહી ગયાં, ત્યારે પોતાના હૃદયમાં ધબકતા સાંભળી શકે એવી ચુપકીદીથી ગામેતીનો દીકરો ગરાસણીના સૂવાના ઓરડા તરફ ચાલ્યો. એના હાથે એક વખત બારણું ઠેલાયું, અને પાછું ખેંચાણું : આટલા વિશ્વાસ પર ઘા મારવા જિગર આનાકાની કરતું હતું. પાપીમાં પાપી માણસ પણ પુણ્ય શું તે સમજે તો છે જ. બીજી ક્ષણે, સુંદરમાં સુંદર ગોરું વદન - અને ગરાસણીની આખી દેહલતા, એને નિશાની કરી રહ્યાં : લાલસા પ્રબળ થતી હતી : વિશ્વાસ વહી જતો હતો : નિઃશબ્દ શાંતિ  તેના પાપને ઉશ્કેરી રહી હતી.

તેણે ધીમેથી બારણું ધકેલ્યું, તે ભડક્યો. તેના શરીરને સ્પર્શ કરી કોણ બહાર નીકળી ગયું? - પણ એ તો ડોસી હતી. પોતાનો બચાવ કરવા માટે, કે નિર્દોષ ઠરવા માટે, કે ગમે તેમ પણ તે બહાર નીકળી ગઈ! એ જોઈને એને વધારે હિંમત આવી.

કામી પુરુષને આટલી અનુકૂળતા મળે ત્યારે જે રાક્ષસી સંતોષ થાય, તેવા સંતોષથી, તેણે એક મોટું ડગલું ભર્યું, એ ડગલાએ રખડતી ચાળણીને પાસે પડેલી થાળી સાથે ભટકાવી અવાજ કરાવ્યો. ને અવાજ થતાં જ બંને જાગી ઊઠ્યાં : ગરાસણી પોતાની નિદ્રામાંથી, ગામેતીનો પુત્ર પોતાના મોહમાંથી.

'કોણ?' ગરાસણીએ બેઠાં થતાં જ સવાલ પૂછ્યો.

'એ તો...હું...હું...હું...'

'હું કોણ? રતન ! ક્યાં ગઈ - રતન?' રતન તો બીજા ખંડમાં જ ચાલી ગઈ હતી. ધ્રૂજતાં ધ્રૂજતાં ગામેતીના દીકરાએ જવાબ વાળ્યો : 'હું નાસિરૂદ્દીન.' ગરાસણી ઢોલિયા પરથી બેઠી થઈ ગઈ. તેણે હાથમાં સહજ જ તલવાર લીધી : 'તું - તું નાસિરૂદ્દીન, ભાઈ! કાંઈ અત્યારે કામ પડ્યું? - પેટમાં પીડા તો નથી થઈ નાં?'

'ના. પણ - મારું મન - મેં કહ્યું. ચાલો ને જરાક ભાભીને જગાડીને ચોપાટ ખેલશું...'

ગરાસણી કરડાકીથી બોલી, 'કોની સાથે ખેલશો, દિયરજી? કાંઈ ચોપાટ રમવાનો કોડ અચાનક જાગ્યો કે શું?'

શરમ મૂકીને નાસિરૂદ્દીન આગળ વધ્યો, 'મારા મનમાં કે ભાભી!... તમે ચોપાટનાં શોખીન હશો...'

ઝબૂક દીવો પ્રકટાવતાં જ નાસિરૂદ્દીન ને ગરાસણી સામસામાં આવી ગયાં : પહેલાની આંખમાં નશો અને મોહ હતાં, બીજીની આંખમાં તિરસ્કાર ને ક્રોધ હતા.

ગરાસણીએ તેને જોયો : 'ભાઈ!.... અંતે બાપુનું નામ બોળવા નીકળ્યા કે શું?'

નાસિરૂદ્દીન બોલ્યા વિના બે પગલાં આગળ વધ્યો.

ધબ દઈને તેના પર એક લાકડી પડી. મામલો આવું રૂપ લેતો જોઈ. ડોસીએ પાછળથી આવીને લાકડીનો ઘા કર્યો. તેણે પીઠ ફેરવી, ડોસી સામે જોયું : 'ડો...સી!'

પાછળથી તલવાર ઊંચકાતી જોઈ તે એકદમ ભાગ્યો, ફળીમાં જ જઈ પડ્યો, ને ઘોડી પર સજ્જ થઈ તરત રવાના થઈ ગયો. 'ભાઈ, આવજો હો! તમે મારા ભાઈ થાઓ હો - એવા વક્રોક્તિના બોલાયેલા ગરાસણીના શબ્દો તેણે સાંભળ્યા ન સાંભળ્યા ને ઘોડી ઉપાડી મૂકી.'

*

રસ્તામાં જ્યાં સવાર થઈ ત્યાં સામેથી દરબારનો દીકરો - ગરાસણીનો વર - મળ્યો. પોતાના ભાઈબંધને આમ જતો જોઈ તેને માઠું લાગ્યું.

તેણે તેને પાછો વાળવા અત્યાગ્રહ કર્યો. જેમ જેમ દરબારનો દીકરો આગ્રહ કરે, તેમતેમ નાસિરૂદ્દીન વધારે ને વધારે ખિજાય, અંતે તેને પાછા ફરવું જ પડ્યું.

પણ તે વિહવળ ને વ્યગ્ર હતો. તેણે શું કરવું અને શું ન કરવું એ વિવેક ગુમાવ્યો હતો. નાસી છૂટવાનો - આપકીર્તિ ને મૃત્યુમાંથી ઊગરવાનો - તેને એક જ માર્ગ દેખાયો : તેણે દરબારના દીકરા પર તલવાર ચલાવી, તેને માર્યો, ને પોતે નાસી છૂટ્યો. ઘેર આવ્યો ને ગામેતીને બધી વાતની ખબર પડી. ગામેતી પોતાના મિત્રને મળવા ને તેને આશ્વાસન આપવા ચાલ્યો. બંને મિત્રો એટલા જ ભાવથી મળ્યા, જાણે કાંઈ ન બન્યું હોય તેમ સાથે જમ્યા, ને ફરીફરી, મરણ પામેલા દીકરાને સંભારી બંને રડ્યા.

દરબારે ગામેતીને કહ્યું : 'ભાઈ, વાત ભૂલી જજે. તારો દીકરો એ મારો જ દીકરો છે!'

આ ઉદારતા જોઈ ગામેતી ગળગળો થઈ ગયો : 'અરેરે! અભાગી છોકરે જુલમ કરી નાંખ્યો.'

પણ ધીમે ધીમે બંને જણા ઘા વીસરવા માંડ્યા, ને થોડા દિવસ સાથે રહેવા નિશ્ચય કર્યો.

*

મધરાત થઈ હશે. તદ્દન ચૂપકીથી જુવાન ગરાસણી ઘરબહાર નીકળી. તેણે ઘોડી પર સામાન મૂક્યો. ને ગુપચુપ ડેલી બહાર આવી. આ વખતે ગામેતી જાગતો હતો. તે કાંઈ ન જાણતો હોય એમ સૂતો રહ્યો. ગરાસણી બહાર ગયા પછી તે ફળીમાં જરાક ફર્યો, તારા સામે જોઈ રહ્યો, ને છાનોમાનો પોતાની પથારીમાં જઈ મોં ઢાંકી સૂઈ ગયો.

ગરાસણીએ ઘોડીને ઉપાડી મૂકી. હજી મધરાત માંડમાંડ ભાંગી હશે, ત્યાં તે ગામેતીને ઘેર પહોંચી.

ડેલીએથી જ પડકારા નાંખીને તે અંદર ગઈ. ગામેતીનો જુવાન છોકરો - જેણે પોતાનું સર્વસ્વ હણ્યું હતું તે - ઓશરીમાં ઢોલિયા પર સૂતો હતો. મૂઠ મારીને તેને જગાડ્યો, અને જેવો તે તલવાર ખેંચી સામે થયો કે એક જ ઝપાટે તેનો હાથ જુદો કરી નાંખ્યો. બીજું કોઈ મદદે આવે તે પહેલાં તો રણચંડીએ તેનું માથું કાપી લીધું : ઉગ્ર વેગથી જેમ આવી તેમ તે પાછી ચાલી ગઈ!

સવારે બંને મિત્રો - દરબાર ને ગામેતી - બેઠાબેઠા જ્ઞાનની વાતો કરે છે, ને કસૂંબાપાણી કઢાય છે.

કાંઈક ચિંતાભરી આંખે ગામેતી ઘોડી તરફ નજર ફેરવે છે.

એ ઘોડીના પગ ધૂળવાળા દેખાય છે. થાકેલી જણાય છે અને ધૂળ પણ પોતાના ગામની લાગે છે.

તે ઉપરટપકે હોંકારા ભણે છે.

ગરાસિયાએ હંમેશની મીઠાશથી કહ્યું, 'વહુ બેટા! કાંઈક ઠૂંગો લાવજો.'

'હવે આજ તે ઠૂંગો હોય?'

'ના, ચાલે નહિ. એ તો હોય, સંસારના ઘાટ ચાલ્યા જ કરે.'

મોંને લાજમાં છુપાવીને ગરાસણી ઘરમાંથી બહાર આવી. તેના હાથમાં થાળી હતી, ને તેના પર કપડું ઢાંક્યું હતું.

'લાવ્યાં કૈ - લાવો બેટા,' ગામેતીએ થાળી લેવા હાથ લાંબો કર્યો.

ઝડપથી લૂગડું ખેરાવીને ગરાસણીએ મોટા ડોળાવાળું, લોહી થીજી ગયેલું ભયંકર ડોકું ગામેતી સામે ધર્યું!

'ના...સિ...રૂ...દી...ન!' ગામેતીથી બોલાઈ ગયું.

તે ગરાસણી સામે જોઈ રહ્યો. ગરાસણી હજી ત્યાં જ ઊભી હતી. 'બેટા, વહુ સારું કર્યું! પાપીને તો સજા જ ઘટે!'

'અરરર!' દરબારને અરેરાટી છૂટી, 'અરે ! રણચંડી ! આ તેં શું કર્યું? - બાપ. આપણને આ શોભે?'

'ધન્ય છે, રજપૂતાણી!' ગામેતી ફરી ફરી ધન્યવાદ આપી રહ્યો હતો.

'હાય હાય, બેટા, તેં ભારે કરી : મારો બીજો દીકરો હણી નાખ્યો, એ મારો જ દીકરો તેં માર્યો.'

'કંઈ ફિકર નહિ, વહુ ! બેટા ! લ્યો, હવે બીજો ગૂંઠો લાવો.' શરમથી ખસિયાણી પડી ગેયલી, આ મૈત્રી જોઈ આભી બની ગયેલી, અને આ બે વૃદ્ધોની ધીરજ જોઈને ઠંડી પડી ગયેલી રજપૂતાણી લથડતે પગલે ઘરમાં પાછી ફરી. એના વેરનો આનંદ ઊડી ગયો હતો! તેણે મહાપાપ કર્યું હોય તેમ તેને લાગતું હતું! અનેક દોષોને પીને પણ પોતાની મૈત્રી જાળવી રહેલા બે સાચા શૂરવીરોને તેણે દુભાવ્યા હતા, એવા સ્પષ્ટ ભાનથી પશ્ચાત્તાપનો ભયંકર અગ્નિ તેના હૃદયમાં પ્રકટ્યો હતો.

ગામેતીનો ક્રોધ ને ગ્લાનિ વિનાનો એવો શાંત સ્વર સાંભળતાં જ તેની આંખમાંથી આસુ વહેવા માંડ્યાં!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.