દેવનો દીધેલ
(વાર્તાકારઃ ઈશ્વર પેટલીકર)
'શું લાભ્યો મગનરાત?' બાના એ પ્રશ્ન સમી સુવાવડના ખાટલામાં સશક્તિની મારી સર્વ ઈન્દ્રિયો શિથિલ થઈ જવાથી નરમ થઈને પડી રહેલી કાન્તાના કાન ચાર થયા. પ્રસૂતિની પીડા, અને તે પ્રથમ વસમી પીડાને લીધે, પુત્રજન્મને ચોવીસ કલાક થયા છતાં ઘડી પહેલાં શાન્તા દુઃખના ઉલ્કાર ભરતી હતી. પરંતુ એ ઉહકારમાંય સોડમાં સૂતેલ બાળકનો સ્પર્શ અને એટલો આહ્લાદક લાગતો હતો કે પીડાને આનંદ જનની તરીકે હર્ષથી વેઠી રહી હતી.
પુત્રજન્મનો આનંદ સામાન્ય રીતે સૌને હોય છે. શાન્તાને વિશેષ એ માટે હતો કે પહેલે ખોળે પુત્રની વધામણી જાણી સાસુ હરખાશે, પોતાનાં માન એ કારણે વધશે. જેઠાણીને ત્રણ દીકરીઓ પછી દીકરો હતો એટલે પથરાઓને જન્મ આપ્યા બાદ સાસુના રોષનો ભોગ એને થવું પડ્યું હતું. એટલે ગર્ભ રહ્યો ત્યારથી શાન્તા ભગવાનને પ્રાર્થના કરતી હતી કે પહેલે ખોળે મને પુત્ર આપજે!
પ્રભુએ પ્રાર્થના માન્ય રાખી હોય તેમ ગઈ કાલે શાન્તાને પુત્ર જન્મ્યો. એની વધાઈ સાસુને તરત ને તરત પહોંચાડવા એ અધીરી થઈ ગઈ હતી. પરંતુ આવતી કાલે ગુરુવારનો સારો દહાડો હતો એમ જણાવી એ કામ બાએ આજ પર મુલતવી રાખ્યું હતું. સવારના પહોરમાં, નહાતાં પહેલાં બાએ ભાણાને નવડાવ્યો અને કુંકુમ્ જેવા એના કુમળા પગને કંકુમાં ઝબોળ્યા અને કાગળ ઉપર એનાં શુકનિયાળ પગલાં કરાવ્યાં, અને એ પગલાં લઈને મગનરાત શાન્તાની સાસરીએ મનમાં કંઈ કંઈ ઘોડાઓ રચતો સાત ગાઉના લાંબા પંથે વળ્યો.
શાન્તાને ત્રણ વરસ ઉપર પરણાવી ત્યારે બાએ ઘણી ધામધૂમ કરેલી, જાનને બે દિવસને બદલે ત્રણ દિવસ રાખેલી. બીજા વિશ્વયુદ્ધની મોંઘવારીની કોઈને કલ્પના નહિ એટલે પ્રથમ યુદ્ધના વખતે 70 રૂપિયાના ભાવનું અતિ મોંઘું ઘી જે રીતે વપરાયેલું તે જોઈ મગનરાત મનમાં ઘોડે બેસતો કે મારા પટેલે દીકરી પાછળ આટલું ખર્ચ કરેલું. પછી ભાણાનાં પગલાંનાં શુકનમાં મને વેવાઈ સો રૂપિયા આપે તો શું વધારે ? પરંતુ જેમ જેમ વેવાઈનું ગામ નજીક આવતું ગયું, અને ભાગોળમાં પગ મૂક્યો તે સાથે તરંગોનાં મોજાં વ્યાવહારિક ભૂમિકા ઉપર પગલાં માંડતાં થઈ ગયાં હતાં. ફળિયામાં પગ મૂકતાં એણે મન સાથે નક્કી કરી નાખ્યું કે દસથી ઓછું તો લેવું નથી જ !
બા પણ એવું માનતી હતી કે આવો શુકનિયાળ અવસર છે એટલે લગ્ન વખતના ખર્ચ સામું જોઈને વેવાઈ વાળંદને ખુશ કરશે. અમુક વેવાઈને ત્યાંથી મોટી રકમ મળી એ પણ બાને ગૌરવ લેવાનો પ્રસંગ. એટલે મગનરાત જઈને આવ્યો તે સાથે ત્યાંના ખુશખબરના સમાચાર પૂછતાં પહેલાં એણે ગૌરવ માણવાનો પ્રશ્ન કર્યો : 'શું લાભ્યો મગનરાત?'
બાએ જો એના ઢીલા પડતા પગ સામે જોયું હોત, એના મોં ઉપરની ગ્લાનિ જોવાની દરકાર કરી હોત, ભૂખે ઊંડો ગયેલો પેટનો ખાડો જોવા મળ્યો હોત, તો આવો સવાલ પૂછવાનો ઉમંગ એમને ન રહેત. મગનરાતે સામો જવાબ આપ્યા વગર ખિસ્સામાંથી કાગળ કાઢીને આપ્યો. એને અડતાં, જાણે એ ધખધખતો લોઢાનો ટૂકડો હોય તેમ બા ચંપાઈ ગઈ! એના હાથ કાગળથી દૂર ખસી ગયા અને કાગળ ભોંય પડ્યો. સાથે બાના મોંમાંથી વેદનાનો સિસકારો નીકળ્યો : 'પગલાં પાછાં કેમ લાવ્યો?'
એ શબ્દ કાને પડતાં શાન્તાના શરીરે ચોમેર ડામ ચંપાયા : કાન લાંબા કરીને સાંભળવા ઉત્સુક હતી તે કાને ડામ પહેલો દેવાઈ ગયો! અશક્તિમાંય એનું શરીર ખાટલામાં ઊછળી ગયું-એ બેઠી થઈ ગઈ. એના શરીરમાં એટલી વેદના પ્રજળી હતી કે આ સમાણી એમ બહાર દોડી આવત, પરંતુ સુવાવડીના ધર્મ પ્રમાણે એણે બહાર મોં કાઢ્યું નહિ. એના ખાટલાની આગળ મોદનો પડદો લટકાવવામાં આવ્યો હતો, તેને ખસેડીને એ મગનરાતની વાત આગળ જાણવા ઉપરતળે થઈ હતી. પડદાનો એક ખૂણો ઊંચો કરવા એનો હાથ લંબાયો પણ ખરો. પણ એ સાથે એને ખ્યાલ આવ્યો કે પોતે અસ્પૃશ્ય છે. પોતાના સ્પર્શથી મોદ અભડાશે અને એનો લંબાયેલો હાથ પાછો સંકોચાઈ ગયો.
મગનરાતે બીજી વખતના સવાલ પછી ગળગળા થઈને જવાબ આપ્યો : 'વેવાઈને પગલાંનો કશો આનંદ નથી, કહ્યું : લઈ જા પાછાં. તારા પટેલને દીકરીના દીકરાનો આટલો બધો ઉમંગ હોય તો એ ઘરમાં છો લટકાવી રાખે!'
પડદા નજીક, ભોંય બેઠેલી શાન્તા એ જવાબ સમી, જો એણે ખાટલાની ઈસ પકડી ન લીધી હોત તો ગબડી પડત. બાના ક્રોધનો પાર ન હતો. એણે ઉશ્કેરાઈ જતાં કહ્યું : 'પણ એવું અપમાન કરવાનું વેવાઈને કારણ શું?'
મગનરાત : 'કારણમાં એ જ કે મને વધાઈના રૂપિયા ના આપવા પડે.'
બા : 'તેં બે હાથમાં સમાય એટલી બાથ ભીડી હતી કે આભ જેટલી?'
મગનરાત : 'દસ રૂપિયા તે આભ જેવડી બાથ કહેવાય?'
બા : 'વેવાઈ શું આપતા'તા?'
'ખાસ્સો એક રૂપિયો !'
'રૂપિયો જ !' બાના મોંમાંથી આશ્ચર્યનો ઉદ્દગાર હવામાં લટકી રહ્યો.
મગનરાત : 'તમારા જેવો સ્વભાવ હોય તો દસને બદલે એક છોગાનો વધારો આપી વાળંદને રાજી કરે. તો મેં દસની વાત કહી તે સાથે કહે કે ઘર લૂંટાવીને તને આપી દઈએ તો પણ શું ખોટું?'
બાએ લાગણીમાં તણાતાં કહ્યું : 'દસ રૂપિયામાં એમનું ઘર લૂંટાઈ જતું હતું?'
મગનરાત : 'હું તો છેટવ પાંચ રૂપિયા આપ્યા હોત તોય રાજી થઈ લઈ લેત. પણ મારા ઉપર ઉપકાર કરતા હોય એમ વેવાણ વહારે ધાયાં અને છેવટે બે રૂપિયા આપવા તૈયાર થયાં !'
બે રૂપિયા તો સાવ ન જ લઈ શકાય તેમ સ્વીકારતાં બાએ કહ્યું : 'તારે દાપું નહોતું લેવું, અમે તને રાજી કરનારાં અહીં બાર વરસનાં બેઠા છીએ. પણ તારે શુકનનાં પગલાં આપીને તો ાવવું'તું?'
મગનરાત : 'મને કંઈ એમાં કહેવું પડે? દસ રૂપિયાની મને કંઈ પડી'તી? એવું ઘર હોય તો એક રૂપિયો પણ ચુપચાપ લઈ દઉં. પણ અહીંથી લેવાનું હોય છે ત્યારે ચારે હાથ લંબાવે છે, હક કરે છે, પછી આવા અવસરે હું શું કામ મારો હક જતો કરું? એટલે મેં કહ્યું કે, મારે બે રૂપિયા નથી જોઈતા, હું તો તમને પગલાં શુકનનાં આપવા આવ્યો છું, તે આપીને પાછો જઈશ...'
મગનરાત આગળ બોલતો અટકી ગયો એટલે બાએ પૂછ્યું : 'કેમ અટકી ગયો, બોલ ને?'
મગનરાત : 'શું બોલું?' વેવાણે હાથમાં પગલાંનો કાગળ હતો તે મારા તરફ ફેંકતાં કહ્યું : 'લઈ જા પાછાં. તારા પટેલને દીકરીના દીકરાનો એટલો ઉમંગ હોય તો ઘરમાં છો લટકાવી રાખે ! મારે તો એના વગરેય મોટા દીકરાને બે દીકરા છે, આ કંઈ મારે નવાઈ નથી !'
સાસુએ જાણે નિર્જીવ કાગળ જ નહિ, પણ પોતાના કુમળા પુત્રને ફેંકી દીધો હોય તેવો આઘાત શાન્તાને થતાં ઈસ પકડેલો હાથ છૂટી ગયો અને ભોંય પર ગબડી પડી ! પરંતુ એનો કંઈ અવાજ થયો ન હતો. મગનરાતે વાત પૂરી કરતાં કહ્યું : 'આપણા ભાણાનાં પગલાં શું એવા વાટમાં પડ્યાં છે કે વેવાણ નાખી દે છતાં હું રખડતાં મૂકીને આવું!'
સાસુ સ્વભાવની હલકટ છે એમ શાંતાને થોડા અનુભવમાં વસી ગયું હતું. છતાં જેઠાણીનું અમુક વર્તન પણ એવું હતું કે કોઈ કોઈ વખતે એને થતું કે સાસુનો પણ કંઈ દોષ નથી ! સાસુને રાજી રાખવા એ દરેક પગલું જોઈ જોઈને મૂકતી હતી, પતિ કૉલેજમાં હતો એટલે વેકેશન પૂરતાં એ મળતાં, છતાં દિવસે દીકરાવહુ ભેગાં થાય, વાતો કરે, એ સાસુને ગમતું નહિ એટલે પતિનો આગ્રહ છતાં શાંતા મેડે જતી નહિ. બપોર પછી કામમાં નવરાશ મળે ત્યારે સાસુ પાસે બેસતી, લોકોની એ કૂથલી કરે તે મૂંગે મોઢે સાંભળતી. પણ પતિ સાથે આનંદ કરવાની ઈચ્છા કરતી નહિ. તેમાંય એ ગર્ભવતી થઈ ત્યારથી સાસુથી ભયભીત રહેતી. સાસુએ ટકોર પણ કરેલી કે જોજે, મોટી વહુની માફક પહેલે ખોળે પથરો ન જણતી !
શાંતાએ આથી માન્યું કે પુત્રજન્મને લીધે સાસુને પોતાના ઉપર હેત વધશે, પહેલા ખોળાના પુત્રને લઈને એ ફળિયામાં ઘૂમશે. પરંતુ એમની ઈચ્છા પૂર્ણ થઈ છતાં એમણે પગલાંને હડધૂત કર્યા, એટલે શાંતાને વસી ગયું કે સાસુ સાચેસાચ જ હલકટ છે. જેઠાણીનો એમાં કશો દોષ નથી. પોતે પણ હવે એમના જેવી થશે તો જ સુખે રહી શકાશે.
શાંતાની ઈચ્છા તો પુત્રજન્મની વધાઈ પોતાના હાથે પત્ર લખીને પતિને જાણ કરવાની હતી. પરંતુ મા-બાપને તેથી અવિવેક લાગે એટલે એ ઈચ્છા એણે દાબી રાખી હતી. એટલું જ નહિ, પણ બીજાએ પત્ર લખી તે જણાવવું જોઈએ તે સૂચના પણ એ કરવા ઈચ્છતી ન હતી. પગલાંની વધામણી જતાં સસરા પત્ર લખશે એટલે એ જાણશે, એમાં વિલંબ થાય તો પણ બીજો રસ્તો શો હતો? આમ એણે મન મનાવ્યું હતું. ત્યાં પગલાંની જ ફજેતી થઈ એટલે તરત રોષભર્યો પતિ ઉપર પત્ર લખવા એ તળેઉપર થઈ ગઈ, પણ એ અસ્પૃશ્ય હતી, બહાર નીકળી શકે તેમ ન હતી, એટલે દસેક દિવસ જોતજોતામાં નીકળી ગયા. વીસ દિવસે સ્પૃશ્ય થાય ત્યાં સુધી એને એ તક મળે એવી હતી નહિ. પરંતુ મા નહોતી તેનો લાભ લઈ અગિયારમે દિવસે એણે બહેનપણી પાસેથી કાગળ મેળવી કૉલેજમાં ભણતા પતિને જે બન્યું હતું તે જણાવ્યું અને ઉમેર્યું કે તમે ધંધે ન ચડો અને સ્વતંત્ર ઘર લઈને ન બેસો ત્યાં સુધી હું હવે ત્યાં આવવાની નથી!
આટલું લખવા છતાં શાંતાના જીવને નિરાંત ન વળી. પુત્ર છીંકે તોય એ ફફડી મરતી-એને કંઈ થશે તો નહિ? સાસુએ વાળંદને કંઈ ન આપ્યું તે શાંતા માફ કરવા તૈયાર હતી. એ આખું ઘર લેવામાં જ સમજ્યું છે. આપવામાં સમજ્યું નથી અને એવા વખતે મરવા પડે છે એ અનુભવ એને થઈ ગયો હતો. પરંતુ એમણે મારા દીકરાનાં પગલાં ફેંકી શું કામ દીધાં! શાંતાને થતું કે એમણે ખરી રીતે પગલાંને જાકારો નથી દીધો પણ પુત્રને દીધો છે! એવા અપશુકન દીકરાને નડ્યા વગર રહે? એ અમસ્તો રડતો છતાં શાંતા ફફડી ઊઠતી : નજર તો નહિ લાગી હોય? બીજાં બૈરાની નજર ન લાગે, છોકરો સાજોમાંદોડ ન થાય તે કારણે મંતરજંતર બીજા કરતાં તેને શાન્તા આજ સુધી હસતી હતી, પરંતુ માનું હૃદય શી ચીજ છે એનો અનુભવ થતાં એને પણ ઈચ્છા થવા લાગી કે પોતે એવું કોઈ તાવીજ કરાવે તો સારું !
પરંતુ એવું કોઈ તાવીજ કામમાં ન આવ્યું. શાન્તાનો ફફડાટ સાચો પડવાનો હોય તેમ ત્રીજે મહિને પુત્ર માંદો પડ્યો. એ આખો વખત રડ્યા કરતો હતો. એને શું થતું હતું તે બાળક શી રીતે કહે? ગામમાં વૈદ્ય હતા તેની પડીકી પણ કામમાં ન આવી. જોડેના ગામના દાકતરને પણ બોલાવ્યા, પરંતુ કોઈ કંઈ સમજી શકતું ન હોય તેમ દવા લાગુ ન પડી. પુત્રનું રડવાનું અને ક્ષીણ થવાનું ચાલુ રહ્યું. શાન્તાને વસી ગયું કે દર્દ કંઈ નથી, સાસુનો નિસાસો જ નડી રહ્યો છે ! દીકરો રડતો એમાં શાંતાને એનો એ જ અવાજ સંભળાતો : તમારે નથી જોઈતો તો હું શું કામ જીવું?
મરતી વખતે એણે છેલ્લું જે રુદન કર્યું, તેમાં શાન્તાએ એવો બોલ સાંભળ્યો કે, યાદ રાખજો, હું તો જાઉં છું, પણ કોઈને પણ આ ઘેર આવવા નહિ દઉં!
મોટી ઉંમરની સ્ત્રી નિઃસંતાન થતાં, ભવિષ્યમાં નવા બાળકની આશા ન હોય અને જેનું કલ્પાંત કરી મૂકે તેવું શાન્તાએ કર્યું. બધાંએ એને આશ્વાસન આપ્યું કે ભગવાનની કૃપા હશે તો કાલે દહાડો ચડતો થશે. તારા જેવી છોકરીઓ તો સુવાવડ આવે તે માટે બીએ છે, અને તું આમ છેક ગાંડી શું કામ થઈ જાય છે?
શાન્તા પોતે પુત્રના મૃત્યુથી હતાશ હતી, તે કરતાં સાસુના અપશુકનથી વિશેષ થઈ હતી, અને તેમાંય મરતી વખતે જાણે પુત્ર શાપ ન આપતો ગયો હોય કે કોઈને હવે નહિ આવવા દઉં, તેથી એ ભયભીત થઈ ગઈ હતી. પરંતુ જેમ-જેમ દિવસ વીતતા ગયા, અને શાન્તા સ્વસ્થતા ધારણ કરતી ગઈ, તેમ તેમ એને થવા લાગ્યું કે વીંછીના મોંને ખાસડું જ હોય. સાસુને દીકરાના જન્મનો ઉમળકો ન હોય તો પોતે શું કામ પુત્રના કોડ રાખે? ભગવાન ભૂલે છે, દીકરીઓ ઉપરાછાપરી આપે તો જ સાસુને ખબર પડે. અને એ સાથે, શાન્તા પ્રભુને પ્રાર્થના કરવા લાગી કે મને હવે આપે તો દીકરી આપજે!
ભગવાનેય મારો વહાલો જબરો ભક્તવત્સલ છે ! શાન્તાની પ્રાર્થનાથી તુષ્યમાન થયો હોય તેમ એણે દીકરીઓ જ આપવા માંડી- એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ... એક બે અને ત્રણ દીકરી થઈ ત્યાં સુધી તો શાન્તાએ એમને આવકારી અને દરેક વખતે પતિને કહેતી : 'દીકરાની આશા રાખશો નહિ, તમારી બાને દીકરાનાં પગલાં જોઈતાં નથી, પછી ભગવાન કંઈ નમારમૂંડો છે કે આપે?'
દિનેશ સામે હસીને કહેતો : 'હું તો સમાનતામાં માનું છું. દીકરો અને દીકરી, મારે મન તો સરખાં જ છે. તારો ભગવાન જો સાચે જ નમારમૂંડો ન હોય તો એક ડઝન સુધી દીકરીઓ આપે! ત્યાં સુધી હું એમનું સારી રીતે પોષણ કરી શકું તેમ છું એટલે સહેજ પણ મોં મચકોડું તો કહેજે.'
પરંતુ ચોથી દીકરી જન્મતાં શાન્તાનો દીકરીપ્રેમ ડોલી ગયો. એનું માતૃહૃદય પહેલેથી પુત્ર ઝંખતું હતું, પણ હવે તે બહાર વ્યક્ત થયું. પતિ સાથે એણે કજિયો માંડ્યો કે તમારી માએ મારી આ વલે કરી ! બાકી પહેલે ખોળે પુત્ર જન્મ્યા પછી આવું બને જ કેમ? પાંચમી પુત્રી પછી કજિયાથી વાત આગળ વધી. દુનિયાએ એની સામે કાવતરું કર્યું હોય તેમ એને લાગવા માંડ્યું. એ કાવતરામાં પતિ પણ હોય તેમ એને પણ મહેણાં મારવા લાગી : તમે જો મારા હો તો અત્યાર સુધી આનો કંઈ ઉપાય કેમ ન કરો !
શાન્તાએ પોતે વિવિધ ઉપાય કર્યા. જોષીના સૂચવ્યા પ્રમાણે આંગળીએ નંગ પહેર્યું, ગુરુવાર કરવા માંડ્યા. બૈરાશાસ્ત્ર પ્રમાણે કોઈ બાઈએ સૂચવ્યું કે, સ્ત્રીમાં જો મેદ વધારે હોય તો એને પુત્રીઓ જન્મે, એટલે એના ઉગ્ર ઉપાય તરીકે અર્ધી ભૂખી રહીને એણે મેદ ઓછો કરવા માંડ્યો. પરંતુ બુદ્ધિથી એમ ન વિચાર્યું કે, જેઠાણીમાં હાડકાંનો માળો છે છતાં પુત્રીઓ જન્મી છે તેનું શું?
લોકના સૂચવ્યા દરેક ઉપાય કર્યા છતાં છઠ્ઠી દીકરી એટલે શાન્તાને ખાતરી થઈ ગઈ કે પહેલા ખોળાના દીકરાએ મરતી વખતે પાડેલી ચીસ મિથ્યા થવાની નથી, મારે ખોળે પુત્ર નથી જ જન્મવાનો! આટલું દુઃખ ઓછું હોય તેમ એક વખત એ ઘેર ગઈ ત્યારે સાસુ અને જેઠાણીએ આડકતરી રીતે એને વાંઝણી કહી. વાત તો બીજી બાઈની ચાલતી હતી. એને દીકરી એકલી હતી અને મિલકત જમાઈને મળી હતી, એટલે એના અનુસંધાનમાં સાસુએ જેઠાણીને ઉદ્દેશીને કહ્યું : 'છોડીઓ જ હોય તો તે ખરી રીતે વાંઝણી ગણાય !'
શાન્તાના કાળજામાં એક વ્રજબાણ તો સાસુનું ભોંકાયેલું હતું. તેમાં એક બીજું આવ્યું, તેમાં જેઠાણીએ સૂર પુરાવી ઊંડો ઘા કર્યો હતો. શાન્તાને વસી ગયું કે બંનેએ પારકાનું નામ દઈ મહેણું આડકતરી રીતે મને જ માર્યું હતું. બાકી શું કામ રૂબરૂ એ વાત કરે? એણે મહિનો પીછો પકડ્યો કે બસ તમે ફરી પરણો !
દિનેશ વાતને હસી કાઢતો. પણ શાન્તાને એમ હસી નાખવું સહેલું નહોતું. છ છોકરીઓ પછી એક પત્ની હયાત હોય તે સ્થિતિમાં કોઈ કન્યા આપવા તૈયાર થાય નહિ એમ દિનેશ દલીલ કરતો ત્યારે શાન્તા બીડું ઝડપતી : 'એક વાર તમે હા પાડો તો કોઈનું મારે શું કામ છે? મારી બહેન જ ના લાવું તો કહેજો ને !'
આગ્રહ અને દલીલ સુધી વાત રહી ત્યાં સુધી દિનેશ પહોંચી શક્યો. પણ શાન્તાએ એ વાત ઉપર રોજ ને રોજ રડવા માંડ્યું. જાત સૂકવવા માંડી, અને હતાશ થયાને લીધે છોકરીઓને સહેજ સહેજમાં ટીપવા માંડી ત્યારે દિનેશને બીક પેઠી કે આ સ્થિતિ લાંબી ચાલશે તો જરૂર પત્ની ગાંડી થઈ જશે.
પણ એનો ઉપાય ? શાન્તાને બીજાં લગ્ન વગર કોઈ ઉપાય માન્ય ન હતો. એ પોતે સ્ત્રીપુરુષની સમાનતાનો હિમાયતી હતો. એક પત્નીની હયાતીમાં બીજી પત્ની કરવામાં એ માનતો ન હતો. એક પત્નીનું દુઃખ સમજીને એના સુખ ખાતર કરે તો સુધરેલો સમાજ એને હડધૂત કરે ! છેવટે કોઈ ઉપાય ન રહ્યો ત્યારે એ શાન્તાને તાબે થયો. એક શરતે, હવે જો તને સાતમી વખત છોકરી જન્મશે તો હું તારા કહેવા પ્રમાણે ફરી પરણીશ!
શાન્તાએ એ શરત સ્વીકારી. એને ખાતરી હતી જ કે સાતમી શું, બારમી સુવાવડે પણ એને દીકરી જ જન્મવાની હતી ! એને ગર્ભ રહ્યા પછી પુત્ર કે પુત્રી જન્મશે તે સવાલ કરતાં એના કૃશ થઈ ગયેલા શરીર સામે જોતાં દિનેશને બીક રહ્યા કરતી હતી કે એ નવી સુવાવડનો ભાર ઝીલી જ શી રીતે શકશે?
જેમ જેમ પ્રસૂતિના દિવસો નજીક આવતા ગયા તેમ તેમ દિનેશની ઊંઘ ઊડી ગઈ હતી. એક બાજુ શાન્તાની મરણઘાંટી દેખાતી હતી, તો બીજી બાજુ દીકરી જન્મે તો પોતાને વચન પાળવું પડે એની મૂંઝવણ હતી. એ સાથે એને એ બીક પણ હતી કે છોકરીના જન્મનું નામ સાંભળતાં જ એના પ્રાણ ઊડી જાય તોય નવાઈ નહિ. પુત્રનો જન્મ થાય તો કંઈ ચિંતા ન હતી, પરંતુ છ-છ સુવાવડો સુધી જે આશા ફળી નથી તે દેવ ઉપર વિશ્વાસ પણ કેમ મુકાય?
છેવટે પ્રસૂતિના દિવસોની ઘડીઓ ગણાતી હતી ત્યારે દિનેશને એક વિચાર સૂઝ્યો. ગાદીવારસ માટે દીકરીની જગાએ દીકરો બદલી લેવાતો તેમ કર્યું હોય તો? શાન્તાની મરણઘાંટી અને પોતાનું બીજીવારનું લગ્ન એ કંઈ ગાદી કરતાં નાની વસ્તુ ન હતી. મુંબઈના મોટાં પ્રસૂતિગૃહોમાં એ વસ્તુ ચૂપચાપ કરવી અઘરી પણ ન હતી. મુશ્કેલી એક કે તે ઘડીએ એવું કોઈ દીકરો આપનાર હોવું જોઈએ.
દિનેશને એ ઉકેલતાં બીજી મુશ્કેલી નજર સામે આવી : કોઈ દીકરો આપવા તૈયાર થાય તો તે ગરીબ હોય, અને પૈસાની લાલચે ને? એને ઘેર પોતાની દીકરીનું શું? એથી તો એક તો એક તદ્દન નિર્દોષ બાળકીનો ભોગ લેવાયો કહેવાય. શાન્તા આ કાવતરું ન જાણતી હોય એટલે એ નિરાંત અનુભવે, પણ પોતે પરાયે ઘેર ઊછરતી દીકરીના દુઃખે શી રીતે શાંતિ અનુભવે?
દિનેશને થયું : રાજાઓ ભલે એ કરી શક્યા હોય, રાણીઓ ભલે પુત્રીવિયોગ સહી શકી હોય, પણ પોતાનું એ ગજું ન હતું. એક વિકૃતિ દૂર કરવા બીજી વિકૃતિને પોતે આમંત્રી શકશે નહિ. પ્રભુએ જે ધાર્યું હોય તે ભલે થાય.
પ્રસૂતિની ક્ષણ આવતાં દિનેશને આંખે અંધારા આવ્યાં. લેડી ડૉક્ટરે શાન્તાને તપાસ્યા પછી જણાવ્યું કે, ઑપરેશન કર્યા વગર પ્રસૂતિ થાય તેવી સ્થિતિ ન હતી. દિનેશને વસી ગયું કે, પ્રભુએ શું એને લઈ લેવા ધારી હશે? એણે લેડી ડૉક્ટરને પૂછ્યું : 'ભયજનક સ્થિતિ છે?'
લેડી ડૉક્ટર : 'ભયાનક સ્થિતિ ઊભી ન થાય તે માટે ઑપરેશન કરવાની જરૂર છે. ઉપરાઉપરી સુવાવડો લાવીને તમે આ સ્થિતિ ઊભી કરી છે.'
દિનેશ : 'મેં નહિ, એણે પોતે ઊભી કરી છે.' અને પુત્ર ઝંખનાને પરિણામે શાંતાએ કેમ સુવાવડો આવકારી હતી તે કહ્યું.
લેડી ડૉક્ટરે મોં મલકાવ્યું.
દિનેશ : 'ભયજનક સ્થિતિ ન હોય તો પણ એક વસ્તુ ખાસ ટાળવાની જરૂર છે. પુત્રીને જન્મ થાય તો એને આઘાત લાગે તેવા સમાચાર તરત જ આપશો.' અને એ માટે પોતાને કેવો વિચાર, દીકરીની જગાએ દીકરો બદલી નાખવાનો, આવ્યો હતો તે પણ કહી બતાવ્યો.
લેડી ડૉક્ટરે એમાં ઉત્સાહ બતાવતાં કહ્યું : 'એવી જો તમારી ઈચ્છા હોય તો બને એવું છે. બદલામાં દીકરી સોંપવાની જરૂર નથી, એ પેટે કંઈ રકમ પણ આપવાની નથી. જોડિયા બાળકો જન્મ્યાં એમ કહી શાંતાને અમે ખબર પણ પડવા નહિ દઈએ.'
શહેરમાં એક શેઠની વિધવા પુત્રીએ ગુપ્ત રીતે કાલે જ પુત્રને જન્મ આપ્યો હતો. દસેક દિવસ પછી એને અનાથઆશ્રમમાં મૂકવાની વ્યવસ્થા કરવાની હતી તેને બદલે જો કોઈ દિનેશ જેવા સુખી કુટુંબમાં છ-સાત દીકરીઓ પછી ખોટના પુત્ર તરીકે એને લાડભર્યું સ્થાન મળે તો એનાંયે ભાગ્ય ઊઘડી જાય ને? શાંતાને ઑપરેશન કર્યું : આગળથી નક્કી થયાપ્રમાણે પ્રસૂતિની પૂરેપૂરી ગુપ્તતા જાળવવામાં આવી હતી. એને મરેલી દીકરી અવતરી છે એવું લેડી ડૉક્ટર, નર્સ અને દિનેશ વગર બહારના જગતે જાણ્યું નહિ. શાન્તા ભાનમાં આવી ત્યારે એની સોડમાં પુત્ર ગેલ કરતો હતો. એણે પોપચાં ખોલ્યાં, પુત્રને છાતી-સરસો ચાંપ્યો, તે સાથે એના હૃદયમાં ગીતની કડી ગુંજી રહી :
'દેવના દીધેલ છો, આવ્યા ત્યારે અમર થઈને રહો!'
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર