'અભિમાની'
(વાર્તાકારઃ ઝવેરચંદ મેઘાણી)
મારા વકીલાતના કામને અંગે બે ગાઉ પર ટીંબરવા ગામે ગયેલો. પણ અસીલ ઘેરે નહોતા. ધરમધક્કો થયો એવો ખેદ લઈને હું ટીંબરવાથી શહેરમાં પાછો વળતો હતો. નીકળતાં નીકળતાં વળી સાધારણ યાદ આવી ગયું કે અહીં વાસુદેવ રહે છે. મહાત્માજીએ કહ્યું તે મારી બાબતમાં પણ - બેશક, મહાત્માજી બાબતથી જુદી રીતે - સાચું જ છે કે, '42 તે '44 નથી, એટલે '42ના ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં હું જે વાસુદેવને 'રાષ્ટ્રવીર' કહી વર્તમાનપત્રમાં એની બિરદાવલિનાં બયાનો મોકલતો હતો. (બેશક, એ કોઈ છાપાં છાપતાં નહોતાં), તે વાસુદેવને એના જેલમાંથી છૂટ્યા પછી હું મળ્યો પણ નહોતો, તેમ નહોતી ત્રિવેણી વિશે કશી માહિતી. સાંભળ્યું હતું કે વાસુદેવ અને ત્રિવેણી બેઉ એકબીજાંને માથે પછાડવા જેવાં અભિમાની હતાં. ખાવાં ભલે ધાન ન હોય, છતાં બરોબાર ગામને રાખે એવાં માણસોની દુનિયામાં ક્યાં ખોટ છે?
યાદ આવ્યો ત્યારે તો હવે એને ફળિયે થતો જાઉં, નહિ તો ભૂંડો દેખાઈશ, એમ વિચારીને ટપાવાળાને પાદર જઈ ગાડી થોભાવવા કહ્યું, ને હું વાસુદેવને ફળિયે ફક્ત ડોકિયું કરવા ચાલ્યો. મનમાં એમ તો ખરું કે એ જો ન જ ભેટે, અને બાલબચ્ચાંને 'કેમ છો' એટલું પૂછીને જ ચાલ્યા આવવાથી પતી જાય તો ઠીક, કારણ કે ત્રિવેણી ભારી અભિમાની છે, એટલે આદરમાન ન આપે - ને વખતે મોઢું પણ તોડી લ્યે !
શેરીમાં જ વાસુદેવ ભેટી પડ્યો. દરબાર દીપુભાની ડેલીએ બેઠો હતો ત્યાંથી કૂદકો મારીને કેમ જાણે મારા પર હુમલો કરતો હોય એમ મને ભેટી પડ્યો. એનું જોર, એનું જોમ, એના મોં પરની લાલી, એના શરીરની સ્ફૂર્તિ - બધાં જ અગાઉ હતાં તેવાં જોઈને મને કોણ જાણે કેમ પણ કાંઈક બેચેની થઈ આવી. આવી બેચેની આપણે જે ધારી મૂક્યું હોય તેનાથી વસ્તુસ્થિતિ ઊલટી નીકળી પડે છે ત્યારે થવી સ્વાભાવિક છે. જે ઘરને રાતમાં આગ લાગી હોય તેને આપણે સવારે ભસ્મીભૂત ખંડિયેર જોવાની ધારણા રાખી હોય, પણ કોઈકે વખતસર એ આગ ઓલવીને ઘરને હેમખેમ રાખ્યું હોય તો કોણ જાણે કેમ પણ એક પ્રકારની નિરાશા થાય છે. એમ પોલીસનો મરણતોલ માર ખાઈને મૂર્છિત બનેલો વાસુદેવ બેભાન સ્થિતિમાં ટીંગાટોળી થઈને જેલમાં ગયેલો, એટલે એ જીવતો રહ્યો તો છો રહ્યો પણ કાંઈક ખખડી તો ગયો જ હોવો જોઈએ, એવી જે કલ્પના મેં કરેલી તે ખોટી પડી.
એ કહે : 'ચાલો.'
મેં કહ્યું : 'ગાડી બહાર ઉભાડીને ડોકિયું કરવા જ આવ્યો છું.'
'પણ ડોકિયું તો કરી લેશો નેં?' એમ કહીને એણે સામેની દરબારી ડેલીમાંથી એક માણસને પાદર ગાડી પાછી વાળવા મોકલ્યો.
'તમે વળી એ ડેલીએ ક્યાંથી?' મેં ઠપકો ને અચંબો એકઠા કરીને મારગ ઓળંગતાં કહ્યું, 'દીપુભા તો તમારા વિરોધી છે ને?'
'વિરોધી તો શું, મારા ભૈ !' વાસુદેવ વાતને રોળીટોળી નાખતો મારો હાથ ઝાલી પોતાની ડેલીમાં પ્રવેશતો બોલ્યો : 'સૌ પોતાનાં હિતો માટે લડે. મારા દાદાને દીધેલ જમીન એ અમને તો ન જ ભોગવવા દે ને ! એમાં વિરોધ શો?'
વાસુદેવની આ ચાબાઈ મને ગમી નહિ. મેં કહ્યું : 'પણ મારે કાને તો એટલે સુધી વાત આવેલી કે તમે જેલમાં હતા ત્યારે રાતમાં દીપુભાની ડેલીએથી જ બાળબચ્ચાં સાંભળે તેમ બોલાતું કે, 'અભાગિયો પોલીસે આટલું આટલું માર્યો તોય જીવતો કેમ રહ્યો ! મરી કેમ ન ગયો?'
'તમને, ત્યારે તો, આ ખબર છે ને શું?' વાસુદેવ મને ફળિયામાં બે-ત્રણ ઢોરોની વચ્ચેથી દોરી જતાં જતાં રાત્રિના પ્રથમ અંધકાર વચ્ચે બોલ્યો.
એનો ચહેરો એ બોલવા ટાણે હું જોઈ ન શક્યો, પણ એ હમણાં કંઈક પ્રહાર કરશે એવી મને બીક લાગી. હમણાં જાણે મને ડાંભશે કે, 'ખબર હતી ત્યારે તમે કેમ ત્રિવેણીની સારસંભાળ સુધ્ધાં ન લીધી !' પરંતુ ના, વાસુદેવ મનની મોટપથી આવું ન બોલ્યો તે કરતાં તો મારી સામે એવું બોલવાની હિંમત જ ન કરી શક્યો એમ હું માની લઉં છું, કારણ કે એ 'કરેંગે-મરેંગે' વાળી જમાતનો માણસ ટાણું આવ્યે ઘા ભૂલે એવો મહાનુભાવ હોય એમ માનવા હું તૈયાર નથી. હોય તોયે શું? એ જે કંઈ હોય, મુદ્દાની બાબત તો હું એને શું માનું છે તે છે.
વારુ, એણે તો ફળીમાં પેસતાંની વાર જ ચાર છોકરાંનું ધાડિયું ધસી આવ્યું તેને પોતાના ખોળામાં, ખંધોલા પર તેમ જ ઝૂલતા પગના પોંચા પર ચડાવતે ચડાવતે ઉમેર્યું :
'ત્રિવેણી આખી રાત રોજ આંહીં ડેલીને દરવાજે જ જાગતી બેસી રહેતી, કારણ કે દરબારી માણસો ખોરડે ચડીને અંદર આવશે એવી એને બીક હતી. એક વાર તો એ લોકો બંદૂક લઈ ખોરડે ચડેલા પણ ખરા, બંદૂકનો ભડાકો પણ કરેલો, ને આણે પડકાર પાડ્યા એટલે જ ઘર બચ્યું.'
'આણે' એ શબ્દ બોલતાં બોલતાં વાસુદેવે અંધારી પરશાળમાં સરકીને પાછા રસોડામાં ચાલ્યા જતા એક ભર્યાભર્યા માનવદેહના સંચરાટ તરફ મોં ચીંધાડ્યું.
ત્રિવેણીને મેં બે-ત્રણ વારથી વિશેષ જોઈ નહોતી, પણ અભિમાની છે એમ જાણ્યું હતું. મને એવી તુંડમિજાજી સ્ત્રીની પ્રશસ્તિ ન રુચિ. ફાનસ એક જ હતું ને તે રસોડામાં તબકતું હતું, એટલે પરસાળમાં ફરકી ગયેલ સ્ત્રીનું છેલ્લાં ત્રણ વર્ષથી તોબરો ચડેલ મોં મને જોવા ન મળ્યું, તથાપિ એ નક્કી કોઈક મીંઢા સ્વભાવની માનિની હોવી જોઈએ. ઠીક, એ તો જમતી વખતે જોઈ શકાશે એમ ગણતરી રાખીને મેં ખાટ પર ઝૂલતાં ઝૂલતાં વાત ચલાવી :
'કેટલાં છોકરાં તમારે?'
'પાંચ.'
'પાંચેને લઈને અહીં જ શીદ પડ્યાં રહ્યાં ત્રિવેણી?'
આટલું બોલતાં તો બોલાયું, પણ તુરત ફાળ પડી. હમણાં જાણે પરખાવશે કે, 'તો શું તમારે ત્યાં આવીને પડે?' વાસુદેવની '42 ઓગસ્ટ પૂર્વેની તીખાશ તો જાણીતી હતી. તેમાંય એણે ગજવેલી સભાઓ, પોલીસનો ખાધેલો માર, એને કંઠે પડેલી સૂતરની વરમાળો અને બે વર્ષનો જેલવાસ - એટલાં એટલાં વાનાં એની તીખાશમાં શું બાકી રહેવા દે?... ત્યાં તો એણે સલુકાઈથી જવાબ વાળ્યો :
'અહીંથી તો એને મારા પકડાયાને વળતે જ દહાડે કાઢેલી.'
'કોણે?'
'મારા કાકાએ !'
'શું કહે છે તું!'
'ન કાઢે તો કરેય શું બિચારા !' વાસુદેવની આ ઉદારતાથી હું જરા લેવાઈ ગયો. 'આ તો એમની જગ્યા : દાદાને દરબારોએ આપેલી : મારા પિતાએ હક્ક ઉઠાવી લીધેલો : કાકા મોટું મન રાખીને મને રહેવા આપતા. પણ કાકાને તો મેં ગૃહસંસાર માંડીને કોચવેલા.'
'કોચવેલા?'
'હા જ તો. નાગનાથની જગ્યા જેવા ધીકતા ધર્માલયનો મને બ્રહ્મચારી બનાવવાની ગણતરીએ તો એમણે મને ભણાવ્યો-ગણાવ્યો, અને એક તો મેં ઘરસંસાર માંડ્યો, ઉપરાંત પાછો આ બધા ધરમવિરોધી કામમાં પડ્યો. કાકાની ઉમેદો તો પડી ભાંગી, ને ઉપર જાતે અમારા ઘર માટે ઘસાતું બોલાયું. તે છતાં કાકાએ મને અહીં રહેવા દીધો.'
'પણ આ ઘરમાં શું બળ્યું છે!' મેં સંધ્યાના છેલ્લા ઉજાસમાં ટીંબરવા ગામના ખંડેર-ઢગલા જોયેલા, અને તેની વચ્ચે ખંડેર બનવાની ઝડપી ઉમેદવારી કરી રહેલું આ વાસુદેવનું ખોરડું પણ નિહાળી લીધેલું, એટલે કહ્યું.
'ગમે તેમ પણ વિસામો છે, કાકાનો ગરાસ છે, ને સરકાર શંકાથી કે દબાણ લાવવા માટે પણ મારા ગુના બદલ એમનું બધું આંચકી લ્યે એવી એમને બીક લાગી હશે.'
'આ બધું એણે તમને જેલ જતાં પહેલા કહેલું ?'
'ના, શરમાયા હશે. પણ ત્રિવેણીને તો વળતે જ દહાડે સવારમાં આવી ઘર ખાલી કરાવ્યું. એ તો એણે તુરત ખાલી કરી આપ્યું હતું.'
સાંભળેલું સાચું પડ્યું. ત્રિવેણી બહુ ઘમંડી હોવી જ જોઈએ.
'કાકાને કંઈ સમજાવ્યું પણ નહિ?'
'ના, ના, એ એવી નથી. કાકાએ તો ટંક બપોરનીયે રાહ જોવા ચોખ્ખી ના કહી. તુરત ત્રિવેણી ગામમાં જઈને ગાડું ભાડે કરી આવી, પિયર ચાલી ગઈ - ઘરવખરી અને છોકરાં સાથે.'
'અમને તો કોઈને આ ખબર જ નથી. અમને કોઈને ખબર પડી હોત તો...'
બોલતાં તો મારાથી બોલાઈ ગયું, પણ તુરત જ હું ડર્યો. હમણાં જાણે વાઘણ રસોડામાંથી બહાર ધસી આવી તો મોં તોડી લેશે કે, 'તમે બધા ખબર લેવા કેમ ન આવ્યા?'
ત્યાં તો સારું થયું કે વાસુદેવનો નાનો છોકરો રસોડામાંથી થાળી લઈ બહાર નીકળ્યો અને વેલણ વતી થાળી વગાડવા લાગ્યો.
'વગાડ મા, ભાનુ !' વાસુદેવે એને વાર્યો. છોકરે અટકી જઈને તોતલી બોલીમાં પૂછ્યું : 'ન વદાલું, તાતા ? મેમાનને ન દમે એતલે?'
'આ એટલે.'
વાસુદેવના એ શબ્દોમાં તો કેવળ અર્થહીન હકાર હતો, પણ નાના બાળકના બોલ મારે માટે ઊંડા અર્થના સૂચક બન્યા. આ લોકો જાણે જગતનાં ગુનેગારો હતાં. એનું બાળક પણ કોઈને બીજાને જે ન ગમે તે ન કરવાની સંભાળ રાખવાનું શીખ્યું હતું.
વાસુદેવે આગળ ચલાવ્યું : 'મને પણ જેલમાં ઘણે મહિને ખબર પડી હતી. મને ફાળ પણ પડી હતી. ત્રિવેણીને માટે આ પહેલી વારનો અનુભવ હતો. મને ચિંતા હ તી કે એ મારા કામને, મેં લીધેલ પગલાને અને દેશને, દેશનેતાઓને ધિક્કારવા લાગશે.'
'ઠીક, પણ,' મેં કહ્યું : 'એ બધાં ઠેકાણાસર એને મોસાળ પહોંચી ગયાં એટલું સારું થયું.'
'ના,' વાસુદેવ હસ્યો : 'બે જ મહિને એ તો કચ્ચાંબચ્ચાંને પાછાં લઈ અહીં આવીને પડેલી.'
'જરા અભિમાની છે ખરી ને ! ભાઈ-ભોજાઈની ઓશિયાળી ન બની શકી. જેલમાં પહેલી મુલાકાતે આવી ત્યારે કહ્યું કે, 'આવા કાળમાં તે સસરાને આંગળે જ શોભું.'
'એટલે શું પાછાં તારા કાકાને ઘેર...'
'અરે હોય ! રામ રામ કરો. એમ તો બડી અભિમાની છે. આ ગામને જ એણે એના સસરાનું ઘર માન્યું. અહીં આવીને એક કોઢિયું ભાડે રાખીને પડી.'
'નિર્વાહનું સાધન તો પિયરથી લાવ્યાં હશે.'
'ના રે ના, એમ તો એ ભારી અભિમાની છે. ચાર કમાલત ભાઈઓ છે, પણ એક રૂપિયોયે હાથમાં પકડવાની ના પાડીને ચાલી આવી. અહીં એક ઓળખીતા રબારી હતા તેની ભેંસ વેચાતી લીધી ને દૂધ-ઘી વેચવા લાગી.'
એ જ વખતે ડેલીમાં કોઈક મનુષ્ય પેઠાં. મને તો અંધારામાં ઓળખાયાં નહિ, પણ વાસુદેવ જાણે ગંધ પારખી લેતો હોય તેમ બોલ્યો : 'એ આવો સાકુંબા ! બાલુબા ! ભેંસ દોવાઈ ગઈ છે. આવો.'
બે કાળા ઓળા પરશાળ પર ચડ્યા. રસોડે ગયા, પાછા વળ્યા, ડેરી બહાર નીકળી ગયા, ત્યારે વાસુદેવે સ્ફોટ કર્યો : 'ઓજલવાળું વરણ. સગા દરબારની ડેલીઓ અહીં ચોમેર. દા'ડે તો દૂધ લેવા જઈ શકે નહિં. પૂરાં વસ્ત્રો પહેરવા ન મળે. બીજે ક્યાંઈ દૂધ લેવા જઈ શકે નહિ, એટલે આવે ટાણે અહીં આવીને ખરીદી જાય અધશેર-પાશેર. છોકરાંને વાળુ કરાવવા.'
કહેતો કહેતો વાસુદેવ ઊઠ્યો, પાવડી જેવું કાંઈક લીધું અને બે ભેંસો તથા એક ગાય પાસેથી એમનાં છાણના પોદળા ઘસડી દૂર કરીને પાછો આવીને બેઠો. ત્યાં બીજો અવાજ ડેલીમાં આવ્યો : 'વાસુદેવભાઈ ! દાદા ! દૂધ હશે?'
મને પણ આ પરિચિત બોલના લહેકા લાગ્યા. શબ્દો ન સંભળાયા હોય તો એમ બોલાયું લાગે કે, 'એ બા ! મને શિરામણ દઈ જાવ ને!'
રૂડી ફૂઈ અંદર આવી, પરશાળ નીચે ઊભી રહી. રસોડેથી ત્રિવેણીએ આવીને અંધારામાં એક અધશેરની ટૂબડી ભરીને અધ્ધરથી ધાર કરી ત્યારે અવાજ ચોખ્ખું બોલી ઊઠ્યો કે, દૂધ લેવા આવનારના હાથમાં ટીનનું ડબલું હતું.
'પહેલાં તો -' વાસુદેવના હવેના બોલમાં કવિતાની મીઠાશ હતી : 'પહેલાં તો ત્રિવેણી આ ઢેઢભંગીઓને ડેલી બહાર ઊભાં રાખતી. મને પણ હું અંત્યજવાસમાંથી આવતો ત્યારે છાંટ નાખ્યા વગર ઉંબરે ચડવા ન દેતી. કોણ જાણે શૂં થયું કે મારા જેલમાં રહેવા દરમિયાન એ તેમને પણ આ રીતે દૂધ વેચતી બની ગઈ. કહે છે કે, આપણું દૂધ લેવા કોઈ નહોતું આવતું ત્યારે આ રંડવાળ્ય ગરાસણીઓ ને આ ઝાંપડાંઓએ જ આપણી ઘરાકી ટકાવી રાખી. આનંદ છે, ભાઈ લીલાલહેર છે. જેલમાંથી આવ્યા પછી જોયું તો એણે એકનાં ત્રણ દુઝાણાં કરી નાખેલ. કહે કે, "ત્રણસોક રૂપિયાનું કરજ વહોર્યું છે, પણ લેણદાર સારા છે. એક તો કાસમ પિંજારો છે ને બીજો ખોડો રબારી છે. બેમાંથી એકેય ઉતાવળ કરતા નથી." દૂધ-ઘી વેચીને ત્રિવેણી કરજ ભર્યે જાય છે. છોકરાં પણ દૂધછાશનો ઠીક ઠીક મારો રાખે છે.'
એમ કહીને એણે ખાટલા પર ઊંઘમાં ઢળી ગયેલાં ચારે છોકરાંનાં શરીર પર હાથ ફેરવ્યો.
રસોડામાંથી ફાનસ બહાર આવ્યું હતું. તેને અજવાળે મેં ત્રિવેણીને અમારા તરફ પીઠ વાળીને બેઠેલી નિહાળી. એ પીઠ પણ જાણે બોલતી હતી કે, 'ભારી અભિમાની !'
'તમારા કાકા તો પછી મોં દેખાડવા નહિ આવ્યા હોય?' મેં પૂછ્યું.
'ના, મને જેલને બારણે લેવા આવેલા ને !'
'પછી?'
'પછી શું? મેં એને કહ્યું કે, કાકા, તમે આમ કેમ કર્યું? એમણે કબૂલ કર્યું કે પોતે બીકને વશ બની ગયેલા તે સાચી વાત છે. પણ એણે માફી માગી, અમને પાછાં આ જ ઘર રહેવા કાઢી આપ્યું. મેં કહ્યું કે, 'ખેર ! મને એનું કાંઈ નથી.'
'પણ આટલું બધું બન્યું - આટલા મિત્રો - સ્નેહીઓ હતાં, તેમનામાંથી તો કોઈને કહેવું હતું તમારી વહુએ !'
'હા, એની સામે મિત્રો-સ્નેહીઓની એ જ ફરિયાદ રહી છે. એમાંના બેને તો ઊંડો ધોખો રહી ગયો છે. એક તો રજનીબહેન, ને બીજા હેમન્તભાઈ, રજનીબહેન તો, તમે જાણો છો કે, મારા પર પોલીસનો માર પડ્યો ને હું બેભાન બન્યો ત્યારે સરકારનો લેશ પર ડર રાખ્યા વગર મને ઝોળીમાં નંખાવી એમને બંગલે લઈ ગયાં હતાં, અને ત્રણ દિવસ, ત્રણ રાત મારે ઓશીકેથી ખસ્યા વગર મારી સારવાર કરી મને શુદ્ધિમાં લાવ્યે રહ્યાં હતાં. હેમન્તભાઈને આ ત્રિવેણીએ આજ પાંચ વર્ષથી પોતાના સગા ભાઈ માનેલા છે. એ બેઉના કાગળો મને જેલમાં મળ્યા હતા. હેમન્તભાઈએ લખ્યું હતું કે, 'હું દૂર દેશાવરથી ટીંબરવે મારે ઘેર રજા પર આવી ત્રણ દિવસ રહ્યો, છતાં ત્રિવેણી મને મોં દેખાડવા પણ ન આવી - એટલી બધી અભિમાની !' ને રજનીબહેને પણ મને જણાવ્યું કે, 'ત્રિવેણી અહીં મારી પાસે ડોકાઈ પણ નથી, નહિતર અમે શું એને મદદ ન કરત?'
'તો પછી તમારે ત્રિવેણીને કહેવું જોઈતું હતું ને!'
'મેં એને મુલાકાતમાં કહ્યું જ હતું.'
'શું?'
'- કે શાબાશ !'
'શું શાબાશ?'
'એણે ચાર છોકરાં વચ્ચે દટાઈ ગયેલીએ, મારાં કોઈ સંબંધી પાસે ન હાથ લંબાવ્યો, ન ઓશિયાળું મોં બતાવ્યું.'
આ સાંભળી હું છોભીલો પડ્યો.
વાસુદેવના તે પછીના શબ્દો મારી અકળામણને વધારનારા હતા : '42ના ઓગસ્ટની દરરોજ રાતની સભાઓમાં મારી વીરઘોષણા થતી. હું તો તે દિવસોમાં ઘેર પણ નહોતો આવતો - રખે કદાચ આ રડશે ને મને પોચો પાડી દેશે એ બીકે ! હું મારથી મૂર્છિત બન્યો તે વખતે મને ઝોળીમાં લઈ જતો જોનારે કોઈકે આને અહીં આવીને કહ્યું કે, વાસુદેવ તો ખલાસ થયો. બસ, એ એક જ વાર, આ ટીંબરવેથી રાજકોટ સુધી બે ગાઉ મોં ઢાંકી કૂટતી કૂટતી આવી હતી. પણ મને જીવતો જોઈને પાછી વળી ગયેલી. પછી મને ઓચિંતો પકડી ગયા. એટલે એનો ને મારો મેળાપ થયો નહોતો. પણ મેં મૂર્છા વળી ત્યારે કહેલું છાનુંમાનું, કે આ બધા વીરઘોષ-જયઘોષથી ભરમાતી નહિ.'
'અરેરે !' મેં મનમાં પ્રસન્નતા અનુભવીને અને મોં પર સંતોષ લાવીને કહ્યું : 'ત્યારે તો તમે પણ અમારી માફક ધરાઈ ગયા !'
'શાનાથી?' વાસુદેવ ચમક્યો.
'કરેંગે-મરેંગેથી.'
'એટલે ?'
'એટલે શું ? - '30-'32માં અમે પણ 'ચડ જા બચ્ચા સૂલી પર : ઝુગ ઝુગ હોતી હૈ!' એવી ચડાવણ-વિદ્યાના ભોગ બનીને ઝંપલાવ્યું હતું. બહાર આવ્યા ત્યારે કોઈએ ભાવ ન પૂછ્યો. અંદર હતા ત્યારેય કોઈએ પૂછ્યું નહિ કે, ઘેર શી સ્થિતિ છે. નફરત આવી ગઈ, ભાઈ ! આ એની જ નફરત આવી ગઈ, અને ચડી ગયા ધંધાપાણીએ. એમ તમે પણ -'
'ભૂલો છો, મોટા ભાઈ !' વાસુદેવે જરા પણ ઉતાવળ ન હોય તેવી અદાથી મને પૂરેપૂરું બોલવા દઈને પછી ટાઢાબોળ સ્વરે સંભળાવ્યું : 'ત્રિવેણીએ હવે તો મને વધુ છૂટો કર્યો છે. હવે તો એ કહે છે કે, છોકરાંનું બહાનું બતાવીને ઘેર બેસતા નહિ. આ તમને કરું છું તે વાત પણ એ તમે નહિં હો ત્યારે મારી ધૂડ કાઢી નાખશે, કહેશે કે, 'શું જોઈને બીજાનો ધોખો કરો છો? હું છું જ, સાડીસાત વાર અભિમાની છું. હું કોઈ ઠેકાણે પિસાઉં નહિ. ને દેશનું કામ એ કાંઈ કોઈના ગગાની જાન નહોતી જોડી તે આના ને તેના ધોખા કર્યા કરો છો.' તમે જ કહો : હવે આમાં મને નફરત શાથી આવે? ઊલટાના રસના ઘૂંટડા આવે છે, યાર ! ઊલટાની ભૂખ ઊઘડી છે કામ કરવાની.'
વાસુદેવને વધુ કાંઈ આવું બોલતો રોકવાની ગણતરીથી મેં વચ્ચે વાત નાખી : 'ભૈ ! હું તને એક વાત કરતાં ભૂલી ગયો છું. મારે અત્યારે દૂધ ને રોટલા સિવાય કશું જ ખાવું નથી, હો કે ! ફક્ત દૂધ ને રોટલો.'
'વારુ !' કહેતો એ ત્રિવેણી પાસે જઈ, કાંઈક વાતો કરી પાછો આવીને કહે : 'એ ભારી અભિમાની છે. મહેમાનને રોટલો આપે તેવી નથી. લાપસી, દાળ, ભાત ને શાક ક્યારની રાંધીને બેઠી છે. રોટલો પણ તમારે ખાવો હશે તો તૈયાર છે, પણ એ તો છેલ્લે મળી શકશે.'
ભારી અભિમાની !
મારે લાપસી - અને તેમાં ઘરાઉ ઘીની ઊંધી વાળેલી વાટકી - આરોગ્યા વિના છૂટકો ન રહ્યો. જમતાં જમતાં મેં ત્રિવેણીને નિહાળી શકાય તેટલી નિહાળી. બેશક, અભિમાનના તો મોં પર થરો ચડેલા. બોલતી નહોતી. સામાન્ય જે કંઈ શબ્દો બોલી તેના ઉચ્ચાર તદ્દન ગ્રામ્ય હતા. એક પણ પુસ્તક કે લેખ એણે વાંચ્યો હોય તેવો સંભવ નહોતો. ગર્વભરી ચાલ્ય, પ્રત્યેક હાવભાવ ને ચેષ્ટામાં ગર્વ, ગર્વ ને ગર્વ.
ગર્વ કે સમતા ? અભિમાન કે આત્મતૃપ્તિ ? બરો કે ગરવું મૌન ? - સમસ્યાને ઉકેલવા યત્ન કરતો હું આખી રાત પથારીમાં જાગતો રહ્યો. વાસુદેવ મારી પાસેના જ બિછાનામાં ઘસઘસાટ ઊંઘતો હતો. મેં મારી જાગ્રતાવસ્થામાં એ ધુડીઓ ઓરડામાંથી એકાદ વાર એક ધાવણા બાળકનો રડવાનો અવાજ સાંભળ્યો હશે. તે સિવાય એ પાંચ બાળક અને છઠ્ઠી માતાની રાત્રિ નિરુત્પાત અને નીરવ હતી. ને બહારથી કોઈક દૂર ગાતા ભજનિકના બોલ ગળાઈ આવતા હતા :
ખૂંદી રે ખમે માતા પૃથમી ને
વાઢી તો ખમે રે વનરાઈ,
કઠણ વચન ઓલ્યાં સાધુડાં ખમે,
નીર તો સાયરમાંરે સમાય !
જી રે લાખા ! ભગતીનો મારગ
બોત રે કઠણ છે હો જી !
વળતા દિવસનું પ્રભાત : અભિમાનિનીને નખશિખ નિહાળી. દાતણ ને લોટા મૂકી ગઈ, દૂધના વાટકા હાથોહાથ દઈ ગઈ. વિદાય લેતી વેળાએ એને, એની ખુશામદ કરતો હોઉં અથવા તો એના આભારમાં ભાવભીનો બની ગયો હોઉં તેવી અદાથી, 'જેજે !' કરી હાથ જોડ્યા. તેની સામે કોઈ શિષ્ટતા બતાવ્યા વગર એ નીચાં નમેલાં લોચને અને મોટા કંકુચાંલ્લાનું કોઈ સ્ફટિકના ચોકમાં મંડળ પૂરેલ હોય એવા ચોખાચણાક લલાટે ઊભી થઈ રહી. હું ન ભૂલતો હોઉં તો તેના મોં પર થઈને એક અતિ આછીપાતળી સ્મિત-લહરી ફરકીને ચાલી ગઈ. પણ ત્યારથી આજ સુધી એ એક જ શબ્દ મને સતાવી રહેલ છે : અભિમાની !
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર