હૂતઃશેષ
(વાર્તાકારઃ વર્ષા અડાલજા)
અંધારાના ગર્ભમાંથી ધીરે ધીરે પ્રકાશપુંજ પ્રગટતો હતો. કાળા અંધકારમાં રેલાઈ ગયેલા આકારોની સ્પષ્ટ રેખાઓ હવે કૂંપળની જેમ ફૂટતી હતી. નિસ્તબ્ધતાની એક લહર ફેલાઈ ગઈ હતી.
કામિનીએ નિષ્પલક બારી બહાર જોયા કર્યું. અંધકાર સઢવાળી હોડીની જેમ સરકી જતો હતો. આકાશનો રંગ ઊઘડતો હતો. આ પળ કામિનીને હંમેશાં ગમતી. એ સવારે વહેલી ઊઠી જતી અને આકાશને તાકી રહેતી. મૃત દિવસના શબ પર પગ મૂકી, નવો દિવસ ખુમારીથી વિશ્વને જોઈ રહેતો. પછી એ ફૂલની જેમ શતપાંદડીએ ખીલી ઊઠતો અને સંધ્યાકાળે કરમાઈને ચીમળાયેલો ખરી પડતો. ફરી દિવસનું મૃત શરીર... નવો પ્રકાશ... સૂરજનો ગોળો... અનંતકાળથી ચાલી આવતી આ એકધારી ક્રિયા. અને છતાં પણ મનુષ્યની એકધારી ક્રિયા જેવી એ નિરસ કે શુષ્ક નહોતી. પ્રકૃતિની હર વાતની જેમ સુંદર હતી. ન કુરૂપતા, ન બેડોળપણું...
કામિની બારી પાસેથી ખસી ગઈ.
કૃષ્ણમૂર્તિનું વાક્ય યાદ આવી ગયું - ઈટ ઈઝ અ પરપેચ્યુઅલ બ્યૂટી, ફ્રૉમ મૂવમેન્ટ ટુ મૂવમેન્ટ. ગઈકાલ સુધી એ પણ એમ જ કહી શકી હોત પણ આજે....
કામિની બેડરૂમની વચ્ચે ઊભી રહી. ખંડની હર ચીજને નજરથી સ્પર્સતી રહી. ના,આજે એ એમ કહી શકે એમ નહોતી. ગઈકાલ કરતાં આજ ઘણી જુદી હતી. અને હવે એમ જ રહેવાની હતી. ધીમા પગલે એ પાયલ પાસે આવીને ઊભી રહી. નાનકડી પાયલ શાંતિથી સૂતી હતી. એના વાળમાં હાથ ફેરવતી કામિની નીચે બેસી પડી. ઝૂકીને એને ચૂમી લીધી. અગાસીમાં બાંધેલા નાના સ્ટુડિયોમાં એ નિયમિત વહેલી સવારે ચિત્રો બનાવવામાં ખોવાઈ જતી. નવો દિવસ ઊગીને, છેક સામે આવી નવજાત શિશુની જેમ મીઠું હસી દેતો ત્યારે એ ભાનમાં આવતી. પીંછી, રંગો બધું જેમનું તેમ મૂકીને એ દોડી આવતી. ઊંઘતી પાયલ અને સૌરભ...
કામિની ચોંકી પડી.
સૌરભ!
મોજાંની જેમ સૌરભની યાદ ઊછળી આવી. સૌરભ! સાથે સાથે એ નામ જોડે જડાઈ ગયેલી કાલની રાત અસ્તિત્વ જોડે ત્વચાની જેમ એ ચોંટી ગઈ હતી.
સૌરભની પથારી. તદ્દન સળ વિનાની ખાલી હતી. એકદમ વ્યવસ્થિત. એની જિંદગી જેવી જ. બીજા પુરુષો જેવી બેફિકરાઈ કે અનિયમિત ટેવો - કશું જ નહીં. સૌરભ ક્યારે શું કહેશે, કરશે બધું જ અગાઉથી કહી શકાય, પણ કાલે તો...
એક ઊંડા સણકા સાથે વેદનાની ફાંસ મનમાં ઊંડી ઊતરી ગઈ. ગઈકાલ ! ઓહ, બીજી અગણિત સવારો જેવી જ ગઈકાલની સવાર પણ ઊગી હતી. એના પેઈન્ટિંગ્સનો વન-મેન શો હતો. થોડા દિવસોની જ વાત હતી. આ એનું ચોથું એક્ઝિબિશન હતું. થોડાં ચિત્રો હજી બાકી હતાં. આ વખતનાં એક્ઝિબિશનનો વિષય સૌરભે જ પસંદ કર્યો હતો - સ્ત્રી. લંકાયુદ્ધ પચી વિભીષણનું પાણિગ્રહણ કરતી વિષાદમૂર્તિ મંદોદરી. સુવર્ણમૃગની કાંચળી પહેરી રામને મળવા જતી સીતા કે કર્ણને પુત્રવત્ ઉછેરનારી રાધાના પગમાં પડી પોતાના પુત્રોનાં જીવનની ભીખ માંગતી કુન્તા - અસામાન્ય સંજોગોમાં મુકાયેલી અસામાન્ય સ્ત્રીઓની ચિત્રકથા. કેટકેટલી મથામણ પછી એવા સ્ત્રીપાત્રોની પસંદગી કરી હતી!
'સૌરભ.' હલકાશા નામોચ્ચાર માત્રથી એના શરીરમાં એક મધુર કંપ હવામાં ઝૂલતી ડાળીની જેમ ફરફરી ગયો. સૌરભની ખાલી પથારી તરફ પીઠ ફેરવી દઈ એ બારી બહાર તાકતી હરહી. કશાય અવાજ વિના અત્યંત ચુપકીદીથી પાંદડાંઓ ખરતાં હતાં. સૂરજના કોમળ તડકામાં સોના જેવાં ચમકતાં હતાં. હવે થોડા જ સમયમાં વૃક્ષ છેક નિષ્પર્ણ બની જવાનું હતું. સુક્કી, હાડપિંજર જેવી ડાળીઓ. રસહીન ઝાડનું ઠુંઠું. પરંતુ એ જ વૃક્ષને લીલીછમ કૂંપળો બાળકના દૂધિયા દાંતની જેમ ફૂટવાની હતી અને પોતે...
જાણે અમૃતકુંભ ઢોળી દીધો હોય એમ ગઈકાલની મૃત ક્ષણોનો ઢગલો સળવળી ઊઠ્યો.
- પાયલને ઘણા દિવસથી તાવ રહ્યા કરતો હતો. ડૉક્ટર અવસ્થીએ એની બ્લડ ટેસ્ટ કરી હતી. એમની ટ્રીટમેન્ટથી પાયલને હવે સારું હતું. ઘણા દિવસોના ઉજાગરા... પાયલની ચિંતા... ચિત્રોનાં પ્રદર્શન માટેની તૈયારી... કામિની ખૂબ થાકી જતી હતી. એણે કેટલી ના પાડી હતી છતાં ડૉક્ટરે લોહીની ફિક્કાશની ચકાસણી કરવા એનું ય લોહી લીધું હતું. કામિની હસી પડી હતી - 'ડૉક્ટર, પેશન્ટ કોણ છે? એ હું કે પાયલ?'
અને ડૉક્ટરે હસીને સૌરભનો હાથ પકડી લીધેલો - 'પેશન્ટ તો સૌરભ છે. એની બ્લડ ટેસ્ટ કરવાની છે.'
સૌરભ ભડકી ગયેલો. 'એય અવસ્થી ! મશ્કરી નહીં. કેટલાં વર્ષોથી ઓળખે છે મને? જાણે છે ને તું! હું દવાનાં નામ માત્રથી ભડકેલા આખલાની જેમ ભાગું છું.'
'એટલે તો કહ્યા વિના જ શિકાર પકડ્યો ને! જોને ગણપતિ જેવું પેટ વધારી મૂક્યું છે. કામિની ઘીની કોઠીમાં ઝબોળતી હશે.' ડૉક્ટરે ટપ સોય ઘોંચી સૌરભનું થોડું લોહી લીધું.
'એ... ય અવસ્થી ! તું કુંવારો મૂઓ છે. નજર ન નાખ અમારા સંસાર પર.' ભવાં ચડાવી સૌરભ ઊભો થઈ ગયો.
'નજર નાખવાની ફુરસદ જ કોને છે? રિયલી આઈ એમ વરીડ અબાઉટ યોર બ્લડ કોલેસ્ટરોલ.'
'એ ય, ભાગ ભાગ ભાગ કામિની! આ જડ માણસ ડાયેટિંગનું તૂત તારા મગજમાં ભેરવી મારું ખાવાનું ને નીંદ બેય હરામ કરી દેશે.'
અને ધરાર સૌરભ, એ જ રાત્રે ચીઝ, ઘી, ક્રીમથી ભરપૂર ખાવાનું જ જમેલો. રાતના શોમાં પિક્ચર જોયેલું અને ઈન્ટરવલમાં ધરાઈને આઈસ્ક્રીમ ખાધેલો. 'ખાવા દેને બાપલા.' પેલો જડસુ કાલ પડતાંમાં જ બ્લડ રિપોર્ટ તૈયાર કરી નાખશે ને વજન ઉતારવાનું લફરું વળગાડી દેશે.'
સૌરભ હજી ઑફિસેથી આવ્યો નહોતો. કામિનીનું મન ચણચણતું હતું. પાયલ તો પપ્પાથી રિસાઈને ઊંઘી પણ ગયેલી. બ્લડ રિપોર્ટ પર કામિની વિચારતી રહી.
સૌરભ આવ્યો. જોતાં જ કામિની ડરી ગયેલી. એ આંખો ને મુખરેખાઓ બદલીને આવ્યો હતો ! બ્લડ રિપોર્ટ... ક્ષણમાં તો રાવણનાં માથાં જેવા કેવા વિચારો ફૂટી નીકળ્યા?.... બ્લડ કેન્સર.
'સૌરભ પ્લીઝ, વાત તો કર, શું છે?'
'કેમ, શેની વાત કરું? વિચિત્ર સ્વર હતો સૌરભનો.'
કામિની વિલાઈ ગઈ. 'તારા બ્લડ રિપોર્ટ વિષે પૂછું છું. એમાં ચિડાય છે શાનો?'
'હા. બ્લડ રિપોર્ટ વિષે જ તને કહીશ.'
ધારદાર સ્વર તીક્ષ્ણ હૂકની જેમ કામિનીના મોંમાં ભેરવાઈ ગયો. લોહી નીગળતી માછલીની જેમ એ તરફડી ઊઠી. વેદનાની ટસર ફૂટી. ઊભી ન રહી શકી. બળપૂર્વક ધક્કો વાગ્યો હોય એમ બેસી પડી.
'ઓહ ગોડ! મહેરબાની કરી સતીસાધ્વીનું આ નાટક બંધ કરીશ? ઘણાં વર્ષ મને છેતર્યો.' બરછટ સ્વર હવે ઊનો ફળફળતો હતો. ઊકળતા તેલમાંથી તવાઈને આવતો હતો.
એ નવાઈથી જોઈ રહી. સૌરભ સ્તબ્ધ કામિની તરફ ધસી ગયો. 'સાંભળે છે મારી વાત? પાયલ મારી દીકરી નથી. ના, ના. હજાર વાર ના. એમાં બિલકુલ પથ્થર બની મને શું જોઈ રહી છે? કામિની... તેં કેવડી મોટી છેતરપિંડી કરી? અને.... હું ચાહતો હતો. તેં મને કહી દીધું હોત તો... હું... ઓહ ગોડ ! દંભ... વિશ્વાસઘાત...'
પરંતુ કામિની શબ્દોને પેલે પાર ચાલી ગઈ હતી. સમુદ્રના અતલ ઊંડાણમાં એક નિર્જીવ પદાર્થની જેમ ફેંકાઈ ગઈ હતી. ઊંડે... હજી ઊંડે....! એક ઘટ્ટ અંધકાર ફેલાતો જતો હતો. દૂર દૂર દરિયાની સપાટી પર માથું અફાળતાં મોજાં જેવો શબ્દોનો ઘુઘવાટ....
..... આ જમાનામાં સાયન્સ ખોટું હોી જ ન શકે. ઈમ્પોસિબલ હાં. માણસ દંભ કરે... બનાવટ આચરે પણ વિજ્ઞાનનું સત્ય સ્વયં પ્રકાશિત છે. પાયલ મારી પુત્રી નથી... આપણાં લોહીના રિપોર્ટ... યસ. યસ. અવસ્થી ચેક્ડ ઈટ હન્ડ્રેડ ટાઈમ્સ... બ્લડ ગ્રૂપ જુદાં....
સાગરના પેટાળમાં નહોતો તોફાનનો ઉન્માદ કે નહોતો મોજાંનો ઘુઘવાટ... માત્ર એક જ વાત નીલાં ભૂરાં જલ પેઠે ફેલાઈને દૂર ક્ષિતિજને સ્પર્શતી હતી - પાયલ સૌરભની પુત્રી નથી. છેક જ અસંભવ વાત ! પણ વિજ્ઞાનનું સત્ય સ્વયંપ્રકાશિત હતું એમ સૌરભ કહેતો હતો. પણ સત્ય શું હતું?
ઓટનાં પાણીથી કાંઠે ફેંકાઈ ગયેલી, ફુગાઈ ગયેલી દુર્ગંધ મારતી એક લાશની જેમ એ દિવસો સુધી પડી રહી. કોઈ અદૃશ્ય સ્પર્શ વડે, ધીમે ધીમે એની ચેતના જાગ્રત થઈ ત્યારે એણે ફાટી આંખે જોયું કે અચાનક પડી આવેલા તોફાને ભયંકર સર્વનાશ કર્યો હતો. બધું જ વિનાશનાં મહાપૂરમાં તણાઈ ગયું હતું - બચી હતી એક માત્ર મૂડી - પાયલ ! જે પોતાના પતિથી થયેલી પુત્રી નહોતી.
સદાયે વિશ્વનાં ગૂઢ રહસ્યો ઉકેલતાં વિજ્ઞાને એને અનોખા રહસ્યની ભેટ ધરી દીધી હતી. પણ ના. એ વિજ્ઞાનનાં સત્યને નતમસ્તકે સ્વીકારવાની નહોતી. પાયલ પ્રયોગ માટેનો કોઈ પદાર્થ નહોતી કે એને ઊંચકીને ફેંકી દઈ શકે. એ જીવતી-જાગતી સંવેદનશીલ બાળકી છે જેને એણે ગર્ભમાં જતનથી જાળવી હતી. પોતાની જિંદગીના અવિભાજ્ય અંગ તરીકે ચાહી છે.
કદાચ... કદાચ એક શક્યતા હતી... પણ ના. એ હવે શક્યતાનો વિચાર કરવા નહોતી માગતી. વિજ્ઞાનનાં ઝળાંહળાં સત્વને ચકાસવા માગતી હતી. મેટર્નિટી હોમમાંથી જૂનાં રજિસ્ટરો મેળવી પાયલના જન્મદિવસે જન્મેલી બાળકીઓનાં નામ ખોળ્યાં. બે બાળકીઓ એ જ સમયે જન્મી હતી. એક જન્મતાં જ મૃત્યુ પામી હતી. અને બીજી છોકરીની મા કદાચ મારવાડી લાગતી હતી.
આછુંપાતળું સરનામું મેળવી એની શોધમાં એ ભટકતી રહી. આખરે જ્યારે ઘર શોધી કાઢ્યું ત્યારે ઘનઘોર જંગલમાં બિહામણાં પ્રાણીને જોતી હોય એમ એનું અસ્તિત્વ ઠીંગરાઈ ગયું.
ગાળો અને રુદનનો એક વંટોળ એ તૂટ્યાફૂટ્યા ઘરમાંથી ધસી આવતો હતો અને એને વધાવતાં થોડાં લોકો લહેરથી ઊભાં હતાં. કામિનીને જોતાં જ, એ કોઈ બીજા ગ્રહમાંથી તેમની વચ્ચે આવી ચડી હોય એમ આંખો છેક પહોળી કરી જોતાં રહ્યાં. જીંથરા વેશે એક દસબાર વર્ષની છોકરી એંઠવાડ ભરેલું વાસણ બહાર ઢોળી ગઈ. હવે ઘરની અંદરનો વંટોળ વધુ ઝડપથી ફૂંકાતો હતો. ગાળોની સાથે ધડાધડ અવાજ તાલ પુરાવતો હતો.
ઓહ ! અહીં જ. આ ખદબદતા કીડાગારમાં જ કદાચ પોતાની પુત્રી... લોકોનાં ટોળાંને ધક્કો મારી એ ઘરમાં દોડી આવી. એને આમ અંદર ધસી આવેલી જોતાં જ, મરેલા વાંદાને ચોંટેલી કીડીઓ જેવી છોકરીઓનો ઢગલો બાજુ પર ખસી ગયો. વચ્ચે જમીન પર પડી પડી એ દુર્બળ કૃશ સ્ત્રી હોઠ બીડીને હીબકાં ભરતી હતી. એના ઊપસી આવેલા પેટથી એ છેક બેડોળ દેખાતી હતી. એની બાજુમાં ક્રોધ ઠાંસોઠાંસ ભરેલો એક પુરુષ ઊભો હતો.
અચાનક નવતર પ્રાણી જેવી કામિનીનાં આવવાથી બધું ઉપરતળે થઈ ગયું. એ સ્તબ્ધ ક્ષણને પકડી લઈ કામિનીની નજર છોકરીઓના ઢગલા પર ફરી વળી. આગળ જ ઊભેલી પાંચેક વર્ષની એક ફિક્કી છોકરી ડોક વાંકી કરી કામિનીને જોતી હતી. આ... આ... જ... સૌરભની ભૂરી ચમકતી આંખો.... પોતાના ગુચ્છાદાર વાંકડિયા વાળ ને કાન પાસેનો મોટો તલ... હાંફતી થાકેલી કામિની પર ઝૂકીને સિસ્ટર કહેતી હતી.... લડકી બહોત લકી. કાન કે પાસ બડા બ્લેક સ્પોટ... પણ પાયલને પ્રથમ ચૂમી ભરતા એ ધીમું હસી પડેલી. અરે, કાળો તલ તે સમરકંદ બુખારા કવિતા ગમતી એટલે સાંભર્યો હતો! બાકી નર્સે તો ભૂલથી કહી દીધું.
છોકરી નજીક આવી કામિનીની રેશમી સાડીને એક આંગળી અડાડી ખસી ગઈ. એની શિરાઓમાં ગરમ ગરમ સીસાનો પ્રવાહ વહી ગયો. આ મૂરઝાયેલી બાળકીને પામવા પાયલને છોડી દેવાની હતી. અને પાયલને અહીં... આ ઘરમાં....
ભડકે બળતા ઘરમાં ધુમાડાથી એની છાતી ભરાઈ ગઈ હોય એમ શ્વાસ માટે એ વલખાં મારવા લાગી.
'તુમ કૌન હૈ?' પુરુષના ઘોઘરા સાદની આર ભોંકાઈ હોય એમ એ કંપી ગઈ. આગળ દોડી આવેલી એક છોકરીના શરીર પર લાકડી ઝીંકાઈ. છોકરીઓમાંથી ચીસનો એક વંટોળ ઊઠ્યો.
ના, ના. પાયલને અહીં ન ધકેલી શકાય. વિજ્ઞાન-સૌરભના શબ્દોમાં વિજ્ઞાનનું સત્ય સ્વયંપ્રકાશિત છે. પરંતુ એ સત્ય ખાતર માનવતાનાં સ્નેહનાં બંધન એ સૌરભની જેમ ફગાવી શકે એમ નહોતી.
છોકરીને એણે તેડી લીધી. 'ક્યું ઉસકો મારતા હૈ?' રુક્ષ સ્વરે એણે પૂછ્યું.
પુરુષે ગાળો ઓકવા માંડી.
'જબ દેખો લકડી પૈદા કરતી હૈ. હમકો લડકા મંગતા. હમ સાલ્લીકા ગલા દબાયેગા.'
ફરરર... ફરરર... છોકરીઓ પંખીની જેમ ઊડી ગઈ. કામિનીના હાથની બાળકી એને વધુ ચીપકી ગઈ.
કામિની છોકરીને છાતી સાથે ચાંપતી ઘરમાંથી બહાર નીકળી ત્યારે આખો વાસ છેક મોટર સુધી દોડી આવ્યો હતો. આવી કૌતુકભરી વાત કોઈએ ક્યારેય સાંભળી નહોતી - અરે અનાથાશ્રમવાળા સામેથી બાળક લઈ જાય ને પૈસા ય આપી જાય! પ્રશ્નો ને નજરો હટાવતી કામિની ઝડપથી, હેબતાઈ ગયેલી છોકરીને લઈ મોટરમાં ચાલી ગઈ. મોટરનાં વિન્ડ શિલ્ડ પર અને દેખાતી હતી માત્ર બે આંખો - માની આંખો. જે બારણાની તિરાડમાંથી એને તાકી રહી હતી.
પાયલ અને ગૌરી નાઈટલેમ્પનો ઘેરો ભૂરો પ્રકાશ ઓઢીને મુલાયમ ગાદીમાં નિરાંતે ઊંઘતાં હતાં. કામિની પલંગ પાસેથી ખસી ન શકી. સૌરભ ક્યાં હશે? એના રોષની જલી ઊઠેલી ભઠ્ઠીમાં સ્નેહ અને વિશ્વાસ ધાતુની જેમ પીગળી ગયા હતા. યજ્ઞની જવાળામાં સર્વસ્વ હોમી દીધા પછી આટલું જ હૂતઃશેષ બચ્યું હતું - પાયલ અને ગૌરી !
એ ધીમે પગલે બારી પાસે આવી. રાત બેય કાંઠે છલકાતી નદીની જેમ વહી જતી હતી. તીક્ષ્ણ હથિયારથી છેદી શકાય એવો ઘટ્ટ અંધકાર ફેલાઈને પડ્યો હતો. આછું કળાતું હતું, માત્ર વૃક્ષ. નિષ્પર્ણ વૃક્ષ પર આવતી કાલે નવી કૂંપળો ફૂટશે. સૂર્યનાં સોનેરી કિરણો ચૂમી લઈને લીલાંછમ પાંદડાની ઘટાવાળું વૃક્ષ થશે. એ વૃક્ષની ડાળે હીંચકો બાંધી પાયલ અને ગૌરી ઝૂલશે. કામિની એમનાં ચિત્રો દોરશે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર