કલ્પનાની મૂર્તિઓ

18 Jun, 2016
12:00 AM

PC:

(વાર્તાકારઃ ધૂમકેતુ)

કેટલાંક માણસો વિચિત્ર હોય છે ને કેટલાંક વિચિત્ર દેખાવાનો પ્રયત્ન કરે છે. પણ આ વૃદ્ધ માણસ તો ખરેખર વિચિત્ર હતો. જમનાનાં કાળાં ભમ્મર જેવાં પાણી જોવામાં એને એટલો આનંદ પડતો કે કેટલીક વખત છત્રીસ-છત્રીસ કલાક તે પાણી પાસે જ બેઠો રહેતો. એની માન્યતાઓ બધી હસાવે તેવી હતી. તે માનતો કે જલસુંદરી ઘણી વખત અરધી રાત્રે જમીન પર રમવા આવે છે! સાવ કલ્પનાના બનેલા આ માણસે ઘણી વખત જલસુંદરી જોઈ હતી એમ એ કહેતો હતો. એ સાવ કોઈ માનતું નહિ, ને સૌ તેને બેવકૂફ સમજતાં. વળી જળતરંગમાંથી દિવ્યમૂર્તિ આવી શકે તેમ એ માનતો. ઘેલો માણસ! ઘણી વખત તારા અને નક્ષત્રની સૃષ્ટિમાં જ આનંદ લેતો! આ ગાંડો શુકન, અપશુકન ને પક્ષીની બોલી વિશે પણ ગપ્પાં છોલતો. સૌ જાણતાં હતાં કે તે ધૂની માણસ હતો. તેને પહેલાં તો સંગીત સાથે નશાખોરના જેવી દૃઢ પ્રીતિ હતી. તેનું પ્રિય વાજિંત્ર હતું બંસી. એ કહેતો કે મૂંગા સ્વરોમાં સંગીતની જે મજા છે તે બોલેલા શબ્દોમાં નથી જ. શબ્દ જો લાગણી વિના બોલાય છે તો કૃત્રિમ બની જાય છે. એટલે અત્યંત કોમળ હૃદયનો માણસ જે ગાય તેમાં જ સંગીતની છાયા આવે છે, બીજે નહિ. તે કહેતો કે લય પામતા સ્વરમાં જે મીઠાશ છે તે મૂંગા શબ્દોને લીધે જ છે, ગમે તેમ તે પોતે બંસી આબાદ છેડતો. કલ્પનાનો બાળ હોવાથી ઘણી વખત વિચારતો કે જમનાનાં જળ આ બંસી થંભાવી શકે! પણ પાણી તો સતત વહ્યા જ કરતાં ને એ બંસી બજાવ્યા જ કરતો. એ બંસીનો આશક હતો : જમનાના જળકાંઠે બંસી બજાવવી એ એનો ઈશ્ક હતો : ને સમુદ્રકન્યા કે જળસુંદરીને નિહાળવી એ એનો આદર્શ હતો - ખોટો, વ્યર્થ ને અશક્ય, પણ આદર્શ એટલે જ સાચા દિલથી કરેલી ખોટી અશક્ય કલ્પના!

એનો આ ઈશ્ક ચાલ્યો ને એ આશક મટી ગયો. જીવનનું રૂપાંતર અચાનક થયું. પણ તેમ થવાનાં પ્રબળ કારણો હતાં, એ ઘેલો માણસ જુવાનીમાં એક સુંદર સ્ત્રી પરણ્યો હતો. એ સ્ત્રી સંગીતની અત્યંત શોખીન હતી. શોખ લગભગ ગાંડપણ જેવો. એક વખત દિલ્હીમાં જલસો થયો ત્યારે એણે ગાયું હતું. સૃષ્ટિને રસમાં નવરાવી હોય તેમ તે દિવસે ખરેખર ખીલી હતી અને જ્યારે આખું મંડળ ચિત્રવત્ સ્થિર બન્યું હતું. ત્યારે પંચમ સૂરથી વાતાવરણને આરપાર વીંધી નાખવાની તેની શક્તિ એકદમ લય પામતી લાગી. રણકાર કરતા સ્વરની માફક તે એકદમ બંધ થઈ ગઈ. વીજળીનો આંચકો લાગે તેમ પ્રેક્ષકવર્ગ અકસ્માત ઊંઘમાંથી ઊઠ્યો. પણ તેની સામે ગાનારી ધીમેધીમે મંદ-અતિ મંદ બની રહી હતી. એ આશ્ચર્યમાંથી પ્રેક્ષકો જાગે તે પહેલાં એક ધબાકો થયો : ગાનારી નીચે પડી, અને થોડી વારમાં તેનું મૃત્યુ થયું. ત્યાર પછી આ ગાંડાના મનમાં ધૂન ભરાઈ બેઠી હતી કે તેની સ્ત્રી જલસંદરી થઈ હતી! કેવો વિચિત્ર ખ્યાલ! આ ઘેલા માણસે ત્યારથી સંગીતની પ્રીતિ તોડી હતી - તે એટલે સુધી કે તેના ઘરમાં આજે વર્ષો થયાં વંશપરંપરાથી ચાલી આવતી સંગીતની પ્રણાલી તેણે તોડી નાખી. સંગીતનાં સાધનમાત્ર ફેંકી દીધાં. પોતાના છોકરાને સંગીતનો કક્કો શીખવ્યો નહિ. અને જ્યારે એ છોકરો જુવાન થઈ ક્ષયથી મરણ પામ્યો, ત્યારે તે પોતાની સાત-આઠ વર્ષની પૌત્રીને લઈને દિલ્હી છોડી ચાલી નીકળ્યો!

હવે એ વૃદ્ધે પોતાની પૌત્રીને પણ સંગીતથી દૂર રાખવા તનતોડ મહેનત કરી અને થયું પણ એમ જ. પરંતુ દેહ બદલાયા, પણ પ્રાણ ન બદલાયો. દિલ્હી છોડ્યા પછી તેઓ આગ્રામાં આવ્યાં હતાં. જમના નદી જ્યાં વળાંક લે છે. ત્યાં પૃથ્વી પરના અમૃતબિંદુ જેવો તાજ ઊભો છે. તાજની પાછળ ખુલ્લું ભૂરું આકાશ ને પાછળ હરિયાળાં લીલાં મેદાનો, એ દૃશ્ય ખરેખર રમ્ય છે. આ ઘેલો માણસ બંસીનો ઈશ્ક છોડી બેઠો. પરંતુ હવે તાજનો ઈશ્ક લઈ બેઠો. ચોવીસે કલાક એ પડ્યોપાથર્યો આ ફૂલ જેવા મકાનની પાસે જ ભમ્યા કરતો! અને આ બધો વખત એની પૌત્રી તો સાથે જ હોય. એ જાણ્યે-અજાણ્યે સૌંદર્ય પીધા કરતી. દાદાને જ્યારે બંસીની ધૂન હતી અને દાદી જ્યારે સંગીતમાં જ મસ્ત હતી ત્યારે આ છોકરીએ તે વાતાવરણ પીધું હતું. વખત જતાં વૃદ્ધને સંગીતનો તિરસ્કાર છૂટ્યો ને પોતે પૌત્રીને સંગીતથી દૂર રાખી. પણ સંગીતની લગની લગાડનારી જે ધૂન હતી તે ધૂન તો કાયમ જ રહી. છોકરી સંગીત પરથી શિલ્પ અને ચિત્ર તરફ વળી ગઈ. દેહ બદલાયા, પ્રાણ તો એ જ રહ્યો. તેણે તાજનાં અડતાં જીવ ન ચાલે એવાં કોમળ ફૂલો જોયાં : નાજુક બદનમાં મીઠાશ ને પ્રાણનો જે વિરલ સંયોગ છે તે જોયો : 'નાનકડી નાર વીંધ્યા-અણવીંધ્યા નાકમાં મોતી પહેરે એ ચિત્ર તેણે અનુભવ્યું. એ તાજની કન્યા થઈ : તેના જેવી સુંદર ને સાચી - કોમળ, મીઠી ને જાણે અમી ઝરશે તેવી તેની આંખે જે કલા પીધી ને તેણે સૌંદર્યની જે તાલીમ મેળવી તે જાણે સાંગોપાંગ તેના શરીરમાં ઢળી પડી હોય તેમ તે એક બેનમૂન કન્યા બની ગઈ. એનું નામ સિતારા.

સવારે, બપોરે, સાંજે, રાત્રે, ચાંદની રાત્રે જ્યારે તાજને જુએ ત્યારે તે કંઈક ને કંઈક નવીનતા દાખવે છે. સિતારાએ આ દૃશ્યો વારંવાર જોયાં હતાં, અને તેના ઘેલા વૃદ્ધ દાદાએ તો એમને પૂજ્યાં હતાં. આ તાજના સાંનિધ્યમાં ચાર-પાંચ વર્ષ ચાલ્યાં ગયાં. થોડે છેટે જમીનના કાંઠા પર, બરાબર તાજની સામે તેમનું ઝૂંપડું હતું : છેટે સુમનબુર્જનો નાજુક ગોખ દેખાતો ને સામે તાજ. સિતારાના દાદાએ ભરવાડનો ઉદ્યોગ હાથ કર્યો હતો. થોડાં બકરાંઘેટાં તેમનું બધું ગુજરાન ચલાવી દેતાં. હાથમાં ડાંગ લઈ, ખભે ધાબળી નાખી, જમના નદીના કાંઠા પર એ ચોરતાં જવાં ને તાજમહેલ નીરખતો જવો, એવી ઈર્ષા ઉપજાવે તેવી સ્થિતિમાં તે રહેતો ને સિતારા પણ કાંઈ કામ ન હોય ત્યારે સાથેસાથે ફર્યા કરતી. વૃદ્ધ માણસ તેને સમુદ્રની દેવીની વાતો કરતો, કે નક્ષત્ર ને તારાની અસર સમજાવતો, કે તાજનો ઈતિહાસ કહેતો. ક્યારેક એના પ્રિય વિષય 'જલસુંદરી' પર પણ વ્યાખ્યાન આપે. ગમે તેમ, પણ જેવો તે પોતે કલ્પનાનો આદમી હતો, તેવો જ વારસો પોતાની પૌત્રીને તે આપી રહ્યો હતો.

કલ્પનાનો પણ પડઘો પડે છે અને સ્વપ્નની સૃષ્ટિ પણ મળી આવે છે. વૃદ્ધ માણસ જે સ્વપ્ન રાત-દિવસ ઝંખી રહ્યો તે જ સ્વપ્ન એક આદમી નીરખી રહ્યો હતો. આગ્રાનો એક જુવાન ચિત્રકાર છેક સંધ્યાકાળે જ્યારે તાજના પારદર્શક દેહમાં આકાશી રંગના ઓળા ઊતરી જાય, ત્યારે જમનાના કાંઠા પર ફરતો. તેનું નામ વિધુશેખર. બહુ અચ્છો જુવાન હતો. કાળાં જુલ્ફામાં સંતાયેલું તેનું મોં ખરેખરા ચિત્રકારને શોભાવે તેવું મધુરું ને મોહક હતું. તેણે જમનાનાં પાણીનો આકાશના રંગનો ને તાજમહેલનો વર્ષો થયાં એકચિત્તે અભ્યાસ કર્યો હતો. સિતારા જેવી તાજની કન્યા હતી, તેવો એ તાજનો ચિતારો હતો. તાજનું સૌંદર્ય પી પીને એ સિતારો બન્યો હતો.

એક વખત સંધ્યા હતી. સંધ્યા ખીલે છે ત્યારે જલપ્રવાહમાં વહેતા ગુલાબી રંગો સુંદર લાગે છે, પરંતુ જ્યારે આકાશ કુમળાં બૂરાં વાદળાંથી ઢંકાયેલું હોય છે ને પૃથ્વી પર વરસાદના જરાતરા છંટકાવથી ભીનાશ આવી હોય છે ને હરયાળી લીલોતરી પર તેજને બદલે છાયા પથરાયેલી હોય છે ત્યારે અત્યંત ગૂઢ ને ઊંડા સંવેદનવાલી લાગણીઓ જન્મ લે છે.આજે એવી ઘડી હતી, આજે વિધુશેખર તાજનાં હરિયાળાં મેદાનો પર થઈ, સાહેલીનો બુરજ પસાર કરી ધીમે પગલે જમનાના કાંઠા તરફ ચાલ્યો. તેજ અને છાયાની ચાદર ઓઢી પૃથ્વી કાંઈક ઝાંખી પડી હતી. ધુમ્મસ ન છતાં ધુમ્મસ જેવું લાગે એ સમય હતો. વિધુશેખરની દૃષ્ટિ એ વખતે અકસ્માત્ સામેના કિનારા પર પડી ને તે હતો ત્યાં સ્થિર થઈ ગયો. એ સ્થિર થઈ ગયો, પરંતુ એનું ચાલત તો એ કૂદત. સામેના કિનારા પર, જલતરંગમાંથી જ જન્મેલી હોય તેવી એક સ્ત્રી ઊભી હતી. એ ઊભી હતી ત્યાં કેડસમાં પાણી હતાં ને તે પાણીમાં એવી રીતે ઊભી હતી કે જાણે જલસુંદરી જ હોય!

વિધુશેખરના મનમાં પણ બીજો વિચાર ન આવ્યો - એની કલ્પનામાં આવ્યું : 'એ જલસુંદરી!'

કલ્પનાની મૂર્તિ તરફ તે જોઈ રહ્યો. તેના કાળા કેશ વીંકાઈ જઈને એના વાંસાને ઢાંકી રહ્યા હતા. અનિમેષ નયને જાણે એ તાજને પી રહી હતી. તાજના ચિતારાએ આ દૃશ્ય જેવું જોયું તેવું લીધું. તેના ખ્યાલમાં કલ્પનાની રાણી ઘૂમી રહી. પણ થોડી વારમાં અંધારું વીંટાવા લાગ્યું ને રાણી અદૃશ્ય થઈ. તે પાછો ફર્યો. સંવેદન, કલ્પના ને ગૂઢ અગમ્ય વાતાવરણ એને ઘુમાવી રહ્યાં હતાં. પાછો ફરતાં તે સહેજમાં જ બચી ગયો, તેની સામે જ કોઈ અણઘડ આદમી ભટકાયો હતો. તે આદમી ગાંડાની માફક તેના મોં પાસે મોં લાવ્યો ને બોલ્યો :

'તમે - તમે - એ - એ - એ જોયું?'

વિધુશેખર સમજ્યો નહિ. : 'એ એ શું?'

'કેમ વળી? તમે જોયું નથી? ખોટું બોલો છો? ખોટું? તમે એ... એ... એ... જોયું?'

'એ શું?'

'એ એ એ... દૃશ્ય કોણ હતું, ખબર છે?'

'ના.'

'એ આ નદીમાં રહે છે. જલસુંદરી, તાજનાં દર્શન કરવા ઘણી વખત આવે છે. જલસુંદરી જલસુંદરી... સમજ્યા? 'જ..લ..સું..દ..રી...' પેલો માણસ ઘેલછામાં લવતો લાગ્યો.'

'તમારું નામ?'

'મારું?.... જલસુંદરી... મારું નામ? હા, મારું નામ મને સાંભર્યું. હું સિતારાનો દાદો.'

'પણ સિતારા?'

'તમે અહીં કદી અરધી રાત્રે આવ્યા છો? આહા! ત્યારે જમાનાનાં રૂપાનાં પાણી ને સામે આ તાજ! રૂપેરી... આહા ! એક દિવસ એવે વખત જલસુંદરી આવ્યાં હતાં.'

પણ આ ઘેલછાએ ચિતારાની જલસુંદરીની કાલ્પનિક માન્યતાને તોડી. 'ત્યારે એ કન્યા... આ ડોસાની પૌત્રી સિતારા લાગે છે.' તેના મનમાં એકદમ ખ્યાલ આવ્યો. એ ખ્યાલ થતાં જ તેની કલ્પનાની રાણી, પાર્થિવ - પૃથ્વીની બની ગઈ. નશો ઊતરી ગયો. સંવેદન ચાલ્યું ગયું. વાતાવરણ ટળી ગયું. એ કલ્પનાની રાણીને પૂજનારો ચિતારો મટીને પાર્થિવ કન્યાના સૌંદર્યનો ખ્યાલ કરનાર મનુષ્ય બની ગયો! તેના મનમાં દૃશ્ય રહી ગયું. કલ્પના રહી ગઈ અને સિતારાની મૂર્તિ રહી ગઈ.

'મેં એવું કાંઈ - જલસુંદરી જેવું જોયું નથી.' એમ બોલી તે પેલા આદમીને છોડી આગળ ચાલ્યો. એક તરફ એક સિપાઈ હસતો હતો : 'પેલો ઘેલો જ મળ્યો હતો ના?'

'હા, પણ એ છે કોણ?'

'બીજું કોણ? ગાંડી છે. એ ક્યારનો અહીં બેઠો હતો. અંધારું વીંટાયું ને એ વખતે જમનામાં કોઈ નાહવા આવ્યું. તરત જ એ જલસુંદરી. જલસુંદરી કરતો ઊઠ્યો ને દોડ્યો ત્યાં તમે સામા મળ્યા.'

'એમ કે?'

ચિતારો વિચાર કરતો-કરતો ઘેર ગયો. તેણે સિતારાને મનમાં તો પોતાની બનાવી પણ દીધી!

ત્યા પછી તો ઘણી સંધ્યાઓ ચાલી ગઈ. પણ કેટલીક સંધ્યાઓ અંધારપછેડામાં લપાતાં પહેલાં, શરમની મારી સુરખીનો રંગ જોવા, જમનાના જળમાં ઘણી વાર થંભી હતી. કારણ કે વિધુશેખર મીઠું હાસ્ય કરીને સિતારાને ભીંજવતો તે વખતે શરમની મીઠી સુરખીથી છવાતું એનું મોં જમાનાનાં જળમાં પ્રતિબિંબિત થાય તે આ સંધ્યા છાનુંમાનું જોઈ લેતી.

સિતારાનો ગાંડા જેવો દાદો દૂરદૂરથી જલસુંદરી નિહાળવાનાં સ્વપ્નાં ઘડતો હોય, ત્યારે સિતારા ને વિધુશેખર એકબીજાની મશ્કરી કરતાં હોય! આવી રીતે તાજની કન્યા તાજના ચિતારાની થતી હતી. તે વખતે તેનો વૃદ્ધ દાદો ઘણી વખત ફરિયાદ કરતો કે હવે જલસુંદરી આવતાં જ નથી? - ને આવે છે તો એકલાં આવતાં જ નથી!

સિતારા એ કાંઈ સમજતી નહિ. દાદાની આટલી ઘેલછા જોવાને એ ટેવાઈ ગયેલી હતી. બીજી બધી રીતે દાદા ડાહ્યા હતા.

'તું આની સાથે પ્રીતિ જોડ.' એમ કોઈ આજ્ઞા કરે તો પછી પ્રીતિની શરૂઆત થાય તો એમાં હમેશાં ગાંઠ રહી જવાની. પ્રેમ સ્વયંભૂ છે : તેમ કલા પણ સ્વયંભૂ છે.

એક વખત ચિતારો જમનાના કાંઠા પર બેઠો હતો. કાળાં ભમ્મર પાણી દોડ્યાં જતાં હતાં. ને તાજ એકલો ઊભો હતો. હંમેશનાં પરિચિત ચિતારાનાં પગલાં તેણે સાંભળ્યાં. તેણે પાછું વાળીને જોયું, તો ચિતારાનું મીઠું હસતું મોં દીઠું. ચિતારો એક વિચારની ધૂનમાં હતો. તેની કલ્પના છેક ઈ.સ. 1199ની સાલ જેટલી પાછળ ગઈ હતી. તે આગ્રામાં બેઠોબેઠો તાજની સામે નિહાળીને, પૃથ્વીરાજની સંયુક્તાને મનમાં ને મનમાં ઘડી રહ્યો હતો.

રાય પિથોરાને રાતા પથ્થરનો દિલ્હીનો કિલ્લો તેની નજર આગળ ખડો થયો હતો. સુઘડ રજપૂતાઈ (શિવલરી)નો છેલ્લો નમૂનો તે પૃથ્વીરાજ. આ ચિતારાએ ઘડેલી તેની સ્ત્રી સંયુક્તા પાણીદાર મોતી જેવી નિર્મળ અને તેજસ્વી હતી. બાળભાષામાં કહીએ તો રૂપરૂપનો અંબાર હતી. રૂપનો પાર નહિ. તેજનો પાર નહિ અને નિર્મળતાનો પાર નહિ. રજપૂતાણીઓ ઘણી થઈ ગઈ છે. પણ સંયુક્તા જેવો પ્રેમનો નશો કોઈનામાં ન મળે. ચિતારો એને જોઈ રહ્યો હતો. આબેહૂબ જાણે એ જ. કલ્પનાએ સૃષ્ટિ રચી હતી ને પ્રેરણાએ પ્રાણ મૂક્યા હતા. તાજને બરાબર પાછળ રાખીને રજપૂતાણીની અસલ આદર્શ પ્રતિમા હોય તેવી સંયુક્તા ઊભી હતી. તેના સેંથામાંથી સાચાં મોતીની લટ બંને બાજુ લટકતી હતી.

તાજને જેવી જ નાજુક શરીરની, પણ તેજના ફુવારામાં નાહી રહી હોય એટલી જાજવલ્યમાન સુંદર અને પવિત્ર.

ચિતારો કલ્પનામાં આ દૃશ્ય જોઈ રહ્યો હતો - પી રહ્યો હતો, તેટલામાં સિતારાએ તેના ખભા પર હાથ મૂક્યો. આંગળીઓ ફરતાં જેમ વાજિંત્ર બોલે તેમ આ કોમળ સ્પર્શ થતાં. વિધુશેખરનું હૃદય જાગી ઊઠ્યું. એની કલ્પના-પ્રેરણા વેરાઈ જવા લાગ્યાં.

હજી એ દૃશ્ય જ જોતો હતો તેમ તે બોલ્યો : 'કેમ સિતારા, આજ તો કાંઈ મોડી?' અપમાન થયું હોય તેમ કલ્પનાની સંયુક્તા દૂર ને દૂર જવા લાગી.

ચિતારાની પાસે આવીને સિતારા ધીમેથી બેઠી, સોડમાંથી એક કાગળ કાઢ્યો.

'ઓત્તારી, તું વળી ચિત્ર કરતાં ક્યારની શીખી?'

સિતારા પ્રેમતી તેની પાસે સરી. કાંઈક ચાલ્યું જતું હોય - જીવન જતું હોય - તેમ ચિતારો બેબાકળો બનીને તાજ તરફ જોઈ રહ્યો. સંયુક્તાની છબી ઝાંખી બનતી હતી. તેણે વેદનાથી છાતી પર હાથ મૂક્યો ને એક નિઃશ્વાસ નાખ્યો : 'ઓ રે! ગઈ કે શું?'

અત્યંત માયાથી સિતારાએ તેનો હાથ પોતાના હાથમાં લીધો.

'વિધુ! તને શું થાય છે? તું ધ્રૂજે કાં? અને... તું શું બોલ્યો? કોણ ગઈ?'

એની કલ્પનાની મૂર્તિ - પૃથ્વીરાજની સંયુક્તા - ત્યાં હતી નહિ. તે પીગળી ગઈ હતી. કોણ જાણે ક્યાં? અને ચિતારાને ખબર હતી કે આવી મૂર્તિઓ આવે છે માત્ર ઘડીભર, જો એનો સત્કાર ન થતો તો તેઓ બસ જાય છે - જાય છે હંમેશને માટે. આજે પણ આ મૂર્તિ ગઈ તે ગઈ! પછી એ કોઈ દિવસ આવે નહિ. કલ્પનાની મૂર્તિ આવી માનભરી હોય છે.

વિધુશેખરે સિતારા તરફ જોયું. એક ઘડી એ ધ્રૂજ્યો : 'અરેરે! આણે મારી સંયુક્તા ખોવરાવી!' તે વીંધાઈ ગયો. 'મારી પ્રિયતમા કલાને રોકનાર આ કોણ?' એ પ્રશ્નથી એ વ્યાકુળ બની ગયો. ત્યાં સિતારાએ અત્યંત કોમળ સ્વરે ફરીથી કહ્યું : 'વિધુ! તું ધ્રૂજે કાં : બોલ તો ખરો, મારા સમ છે, તને શું થયું છે?'

સિતારાએ એનું મન વાળવા એને તાજનું સૌંદર્ય ને આકાશી રંગો દેખાડ્યા પણ ચિતારો તાજમાં શું જુએ? તાજ એના વડે શોભતો હતો તે સંયુક્તા ક્યાં?

સિતારાએ ધીમેથી તેના હાથમાંથી ચિત્રનો કાગળ સેરવ્યો. તેણે તે લઈ લીધો. જાગ્યો હોય તેમ વિધુશેખર સિતારાનું ચિત્ર જોઈ રહ્યો.

'આ શું દોર્યું છે, સિતારા?' વેદના દાબીને તે બોલ્યો.

'એ છે જલસુંદરી.'

ચિતારાએ તે દિવસે જલસુંદરી જોઈ હતી તે યાદ આવ્યું. જલસુંદરીની એની કલ્પના સિતારાના નામથી વેડફાઈ ગઈ હતી. આજની સંયુક્તાનું વિધાન પણ સિતારાના આગમનથી પડી ભાંગ્યું હતું! અરેરે! કલ્પનાની મૂર્તિઓ! તમારા મૃત્યુનો ઘા જીવન પર ગજબ અસર કરે છે ને જીવન પછીના જીવનને પણ રંગે છે. ત્યારે તમે જ સાચી મૂર્તિઓ ને સાચી મૂર્તિઓ એ કલ્પના. એવો ક્રમ તો નહિ હોય ના?'

'આ જલસુંદરી છે કાં! જલતરંગો તો આબેહૂબ છે. ને મૂર્તિ... પણ... રમ્ય છે. તેં આ ક્યાંથી ચીતરી, સિતારા?'

'મેં? હું પણ કાંઈક છું હો!'

'એમ કે? લાગે છે સાચી. પણ આ મૂર્તિ કોણે ઘડી? એમાં અભ્યાસ છે ને કલ્પના નથી. તેં આ ચિત્ર વાંચ્યું છે ને જોયું નથી.'

સિતારાએ હસતાં-હસતાં જવાબ વાળ્યો : 'દાદાજી જે વર્ણન કરતા તે પરથી મેં એ ચિત્ર દોર્યું.'

ચિતારાએ એ ચિત્ર સિતારાના હાથમાંથી ખેંચી લીધું ને તેમાં ઝપાટાબંધ થોડો ફેરફાર કરી નાકી પાછું સિતારાના હાથમાં મૂકી દીધું. ચિત્ર સજીવન થઈ ગયું.

સિતારાએ તેના તરફ જોયું ને વહાલથી કહ્યું : 'વિધુ! એક ચિત્ર તું મારા માટે ન ઉઠાવે?'

ચિતારાએ દયાભર્યા અવાજે કહ્યું : 'તારે માટે? કોઈ માટે ઉઠાવું - કોઈ આજ્ઞા આપે તે કરું એ સ્વયંભૂ મૂર્તિ ન થાય. હું કોઈ માટે કાંઈ કરતો નથી.'

'પણ હું ક્યાં કોઈ છું? તું મારા માટે તો કરી જ દે. તું એક જલસુંદરી કરી દે. ઘણા કહે છે કે દાદા જુએ છે એ એવી જલસુંદરી જો કોઈ ચીતરે ને દાદાજી જૂએ તો દાદાજીની ઘેલછા જાય.'

વિધુશેખરે ઉદાસીથી કહ્યું : 'ઘેલછા રહે કે જાય - મારાથી એ ન બને. એવું હું કરી શકતો નથી.'

'ત્યારે વિધુ! તું મનુષ્ય નથી, તને માણસ પર પ્યાર નથી. તને મારા પર પ્યાર નથી. એ કલા ન હોય.'

વિધુશેખર ઊભો થયો. તેણે બે હાથે અદબ વાળી : 'કોણ કહે છે. હું માણસ નથી? શું મારામાં પ્યાર નથી?'

'ના, પ્યાર હોય તે પીગળે. દયા હોય તે દ્રવે. મનુષ્ય હોય તેને લાગે.'

અત્યંત દુઃખથી ચિતારો બોલ્યો : 'સિતારા! હું માણસ છું હોં!'

સિતારાએ ગર્વથી કહ્યું : 'માણસ હો તો જલસુંદરી કરી દે. એક ઘેલાનું એમાં કલ્યાણ છે.'

'અરેરે, કોણ સમજે કે હું કલ્પનાનો - પ્રેરણાનો, પેલી કલાનો દાસ છું. મિત્ર નથી, સેવક છું. સ્વામી નથી. જેટલી અને જેવી જ્યોતિ જાગે એવી જ મૂર્તિ હું ઘડું!'

'અભિમાન?' સિતારા બોલી, 'આ તાજના કારીગરને કાંઈ ન નડ્યું અને તને....'

'બસ, બસ, બસ - ' વિધુશેખર વચ્ચે બોલી ઊઠ્યો : 'જા, હું એ ચિત્ર કરીશ. જીવન...'

'એક ચિત્રમાં જીવન ને એક ચિત્રમાં મૃત્યુ - આમ તમને જીવન-મૃત્યુની વાતો કરવાની ટેવ પડી છે કે શું?'

વિધુશેખર માત્ર ફિક્કું હસ્યો. તે દિવસે સિતારા કાંઈ બોલી નહિ ને ચાલી ગઈ.

કલાનાં અનેક સ્વરૂપો છે : અનેક રીતે એ રૂપો મળે છે, પરંતુ કલા સાંગોપાંગ વરે છે માત્ર આજીવન અભ્યાસીને, એના ખરેખર ભક્તને. બીજા બધાંને તો એ જરાજરા મીઠું હસાવી, ફોસલાવી, પટાવી રવાના કરી દે છે.

ચિતારો તે દિવસે લખડતે પગે ઘેર ગયો. જાણે જીવન હરાઈ ગયું હોય તેવો એ નાસીપાસ હતો. પણ હજી એને આશા હતી. આજે એણે કલ્પનાની મૂર્તિ ખોઈ હતી. બીજે દિવસે એ આવીને સરી ગઈ. ત્રીજે દિવસે આવુંઆવું થઈને એ હાથતાળા દઈને નાસી ગઈ. ચોથા દિવસે એ આવી જ નહિ. પાંચમે દિવસે એ હાથતાળી દઈને નાસી ગઈ. છઠ્ઠા દિવસે તેણે એને ખૂબ આશા આપી પણ પોતે તો સંતાતી જ ફરી, આમ એક,બે,ત્રણ અઠવાડિયાં વીતી ગયાં. એ કલ્પના ફરી ન આવી.

અને જેવી અંદરની દુનિયા હતી તે તેવી જ બહારની હતી, સિતારા એને મળતી અને ન મળતી. એ ચિત્રની રાહ જોતી હતી. ચિતારાની વેદના એ સમજતી, પણ માત્ર જલસુંદરી મળી જાય તો પછી 'પોતાના' ચિતારાને એ કાંઈનું કાંઈ કરવાની હતી.

ખરેખર, છ માસ ચાલ્યા ગયા! આજ રાત્રિ સુંદર બનીને તાજને આંગણે બેદરકારપણે પડી હતી. ચંદ્રનાં શીતળ કિરણો જમનાનાં જળમાં સંતાકૂકડીની રમત માંડી બેઠાં હતાં. કુદરતમાં અનુપમ રૂપ ભર્યું હતું.

વિધુશેખરે છેવટે પેલું જલસુંદરીનું ચિત્ર પૂરું તો કર્યા જેવું કર્યું હતું. તેને સંતોષ ન થયો પણ એને પૂરું માન્યું હતું ને હમણાં તે દિવસની સંયુક્તાને ઘડી રહ્યો હતો! અરેરે! પણ એ સ્ત્રી જબરી ચાલાક હતી. એક અંગ પકડે ત્યાં બીજે અદૃશ્ય થઈ જતી. ચિતારો એને પકડી ન શક્યો. આજે આવી રૂપાળી રાત્રિએ એ છેક નિરાશ હતો! માનસિક અકથ્ય સંવેદન ઉત્પન્ન કરવામાં ઈશ્વરનો શો સંકેત હશે? આજે તો તે છેક જ લોથ થઈ ગયો હતો. પેલા ચિત્રની નાયિકા આવી તો નહિ જ, પણ મોં ચડાવીને જાણે બોલી હોય એવું તેને લાગ્યું : 'ચિતારા! તું ચિતારો જ નથી. ચિતારાને વળી બીજો ઈશ્ક શો? બીજી માશૂક શી? તારા માટે જ તેં મને બોલાવી હોત તો હું આવત. પણ યાદ છે ના? તેં મને છોડીને પેલી સિતારાને બોલાવી મારે કલાને કોઈ શોક્ય હોય? - 'અને સંયુક્તા સરી ગઈ!'

તેણે છેક મોડી રાત્રિ સુધી તેનું વિધાન કરવામાં આકાશપાતાળ એક કર્યા, પરંતુ 'ન માગે દોડતી આવે' એવી કલાદેવી જાગી જ નહિ તે શૂન્ય જેવો - ઘેલા જેવો થઈ ગયો. એણે પોતાના ચિત્રપટ પર એક નજર ફેરવી. ત્યાં શું હતું? માત્ર ડાઘા! તે નિરાશ બનીને જમાનાના કિનારા પર ચાલ્યો ગયો. આવી રીતે છેક નિરાશ થઈને એ ખૂબ વાર બેઠો. એટલામાં, કોઈ દિવસ બંસી ન બજાવવાની પ્રતિજ્ઞા લેનાર પેલા વૃદ્ધ પુરુષે - સિતારાના દાદાએ - બંસી બજાવવી શરૂ કરી. જ્યારે મન તદ્દન શૂન્ય હોય છે ત્યારે જે એકાદ સ્વર તે સાંભળે છે એનાથી એ એકદમ આકર્ષાય છે. અને આજે તો વર્ષોથી બંધનમાં રહેનાર સ્વરને પેલા વૃદ્ધ માણસે છેડી મૂક્યો હતો. રાત્રિ રૂપાળી હતી, સ્વર અખંડ બુલંદ હતો. અને બજાવનારો કારીગર હતો. અખંડ રસની એકધાર ચાલે તેમ જમાનાના આ કાંઠાથી પેલા કાંઠા સુધી સ્વરોની ધારા ચાલી રહી હતી. પવન, પામી ને તેજ : જમીન, આકાશ ને પડછાયા : બધામાં સ્વર સોંસરવો વહી રહ્યો હતો. જળ થંભે, ચંદ્ર થોભે, સૃષ્ટિ ઘડીભર અટકે એવી આ પળ હતી. એવા સ્વર ને એવો બજાવનાર હતો!

કોઈ અકથ્ય વેદનાથી નાસતો હોય તેમ તે ઊપડ્યો. સામે કાંઠે કેવી સુંદર બંસી વાગે છે! બસ, તે આગળ વધ્યો. હજી વધ્યો. વધતો જ ગયો : ખેંચાતો ગયો. જમનાનાં પાણીને તેનો પગ અડ્યો : ત્યારે તે હસ્યો : ફિક્કું, શૂન્ય ગાંડા જેવું અટ્ટહાસ્ય!

એ હાસ્યના પડઘામાંથી પોતે જાગ્યો. પણ બંસીનું આકર્ષણ અનિવાર્ય હતું. એના મગજમાં બધે સૂન્યતા હતી. એના હાસ્યના પડછંદાથી કોઈ એના તરફ દોડી આવ્યું. એ સિતારા હતી. ચિત્રકાર જ્યારે નિરાશ થઈ જમાનાના કાંઠા પર ચાલ્યો ગયો હતો ત્યારે એની મઢૂલીમાં બે જણાં ગુપચુપ બેઠાં હતાં, સિતારા અને તેનો દાદો. વિધુશેખરનું અધૂરું ચિત્ર, રુદનની યાદ હોય તેવું પડ્યું હતું. તેનું પૂરું ચિત્ર 'જલસુંદરી' પણ એક તરફ પડ્યું હતું. સિતારાના દાદાએ ત્યાં જોયું, પોતાની માન્યતાને આજે જબરો ટેકો મળ્યો હોય તેમ તે ઊછળ્યો : 'બસ, એ જ આ જલસુંદરી! પેલા જુવાને કરી નાં? મેં તે દિવસે એને પૂછ્યું ત્યારે એનો ઈન્કાર કર્યો હતો. પણ આજે એ પકડાયો! એ જ જલસુંદરી! એટલું બોલી તે નાઠો. એને ખાતરી થઈ કે પોતે જુએ છે તે સત્ય જ છે. એની ઘેલછા તો ઊલટી વધી, કારણ કે આજે એની માન્યતાને આ ચિત્રથી ટેકો મળ્યો હતો. પણ સાથેસાથે તેણે જુગજુગનો વિજોગ છૂટ્યો હોય તેમ બંસી - એક વાર ફરીથી બજાવવી શરૂ કરી દીધી! તે બંસી બજાવતો હતો ને ચિત્રકાર તેના તરફ હજી આગળ ને આગળ વધતો હતો.

સિતારા દોડતી આવી. તેણે અત્યંત કોમળતાથી તેનો હાથ ઝાલ્યો :

'વિધુ! વિધુ! તું આમ ક્યાં જાય છે? હવે પાણી ઊંડાં છે!'
* * *

તે હસ્યો. અરેરે! કેટલું ભયંકર હાસ્ય!

એક ઘડીમાં નિશ્ચય કરીને સિતારાએ તેને પાછો ખેંચ્યો. પણ વ્યર્થ : એ આગળ વધતો જ ગયો!

બીજી ક્ષણે વીજળીના જેવી ઝડપથી તે બહાર નીકળી.

'દાદા! દાદા! બંધ કરો!' તેણે બૂમો પાડી.

જવાબમાં બંસીનો સ્વર વધુને વધુ મોહક થતો ગયો.

* * *

તરત જ તે પાણીમાં પડી, એના જીવનમાં પથરાયેલું તાજનું સૌંદર્ય ઝળક્યું. મુમતાજ-શાહજહાં અમર પ્યારની ભાવના તાજના પથ્થરમાં કોતરાઈ છે એ યાદ આવ્યું. તે એકદમ ઊઠી ને ચિતારાના હાથને પકડી લીધો. તે તાજની કન્યા હતી ને તેણે તાજના ચિતારાને પકડ્યો.

મૃત્યુનો સમય સુંદર હોય ને સ્થળ પિવત્ર હોય તો ઘણી વખત મરણ પામવાની ઈચ્છા થાય છે. એ ઈચ્છા સાવ સ્વાભાવિક છે. ચિત્રકાર પાણીમાં આગળ વધતો ગયો. છાતી સુધી પાણી આવ્યાં.

'વહાલા ! ક્યાં જવું છે?' સિતારા બોલી.

'બસ, આ ઊભી એને પકડવા!'

'કોણ છે? વિધુ! કોણ છે એ?'

'સંયુક્તા! - કલ્પનાની રાણી -'

'પેલા ચિત્રની તે દિવસની રાણી!' સિતારાના મનમાં તે દિવસ વેગથી પસાર થઈ ગયો.

એના ખભા પર માથું નાખી સિતારા રડી : 'તું પાછો ફર, વહાલા! તું પાછો ફર. તારી તે દિવસની કલ્પનાની રાણી હજી અખંડિત મળશે!'

* * *

પણ ચંદ્ર વધારે સુંદર બન્યો હતો : સમય પણ રાત્રિના ઠંડા ભારથી વધારે ઉજ્જવલ લાગતો હતો અને પેલી બંસી વધારે ને વધારે મોહક થતી જતી હતી. સિતારા વિધુશેખરને વળગી પડી. પગલાં આગળ ભરાતાં ગયાં : એક...બે...ત્રણ...

- અને અચાનક પેલી બંસી બંધ પડી.

બંધ કરી નહિ, બંધ થઈ નહિ, બંધ પડી ગઈ.

રાત્રિ શાંત બનતી હતી. શાંત હતી તેવી જ બની રહી : અને જમનાનાં જળમાં ચંદ્ર ને તારા ડૂબવા ને તરવા લાગ્યા.

જમાનાનાં કાળાં ભમ્મર પાણી એમ જ ચાલ્યાં જાય છે.... હજી અને હવે પછી...

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.