સ્વર્ગમાં

28 May, 2016
12:00 AM

PC:

(વાર્તાકારઃ ઈશ્વર પેટલીકર)

ગાડી ચૂકી જવાય તેટલો વિલંબ થઈ ગયો. એટલે હું હાંફળો-ફાંફળો ટિકિટબારી ભણી ધસ્યો. મુસાફરોની લાંબી કતાર લાગેલી હતી. ગાડી આવી ગઈ હતી એટલે ટિકિટ લેવા બધા આગળવાળાને ઠેલતા હતા. મને થયું કે લાઈનમાં ઊભા રહીને ટિકિટ લેવામાં ગાડી જશે જ, એટલે ત્યાં વખત ન બગાડતાં ઉપલા વર્ગોની ટિકિટબારી પાસે જઈ કહ્યું : 'સેકન્ડની એક, આણંદ.'

સેકન્ડના ડબ્બામાં ગયો તો ત્યાં પણ ગિરદી હતી. છૂટથી બેસીને આરામ ભોગવવા માગતા, બેઠક ઉપર જગા મેળવેલા એક ગૃહસ્થ મને ગિરદીમાં વધારો કરતો જોઈ બબડ્યા : 'જ્યારથી સેકન્ડનું ભાડું ઘટાડી દીધું છે. ત્યારથી થર્ડ કરતાં ભૂંડી દશા થઈ છે.' હું કોઈને અગવડ ન પડે તેમ જાજરૂ આગળ ખુલ્લા ભાગમાં ઊભો રહ્યો. એથી બારીમાંથી આવતો પવન થોડો રોકાતો હતો, પરંતુ સેકન્ડમાં એ અગવડરૂપ ન હતું કારણ કે અંદર બે પંખા ફૂલ સ્વીચ ઉપરથી ચક્કર લઈ રહ્યા હતા.'

હાંફળોફાંફળો હું આવ્યો હતો એટલે શાંત પડી હાશ અનુભવું તે પહેલાં ડબ્બામાં બેઠેલા એક ચારેક વર્ષના બાબાએ 'તમે ઊઠી જાઓ. માસીને બેસવા દ્યો.' એમ શાંતિનો ભંગ કરી એક મુસાફરને કહ્યું, તેથી મારું ધ્યાન એના ભણી ખેંચાયું. એ બાળક એની માના ખોળામાં બેઠો હતો. એની મા હશે તેમ મેં માની લીધું હતું. મા કંઈ મોટી ન હતી. પચીસ વર્ષની સુંદર યુવતી હતી. જો કે દેખાતી હતી વીસ વર્ષ જેટલી જ, પરંતુ ચાર વર્ષના બાળકને લીધે તે બાવીસ ચોવીસથી નાની નહીં હોય તેમ માની લીધું. સુંદરતા એવી હતી કે એક વખત એના તરફ નજર જાય તો આંખ ઝટ પાછી ખેંચી લેતાં બળ પડે, તેમાંય મારી નજર એના ઉપરથી ન ખસી, એના મધુર હાસ્યને લીધે, બાળકે જે કહ્યું તેના જવાબમાં એ મીઠું હસીને બોલી : 'એવું કોઈને ન કહેવાય, બાબા ! માસી ભલે ઊભી.'

માસી પંદર-સોળ વર્ષની કન્યા હતી. બહેન જતી હતી એટલે એ મૂકવા આવી હતી એમ હું સમજ્યો. પેલા મુસાફર ઊભા થઈને તો નહીં, પણ ખસીને બેસવાની જગા કરવા પૂરતાય હાલ્યાચાલ્યા નહીં. બાબાની બાજુમાં બેઠેલો પુરુષ ઊભો થયો. એ સાથે માસી બોલી : 'તમે બેસી રહોને? હું ઊભી છું.'

પેલા પુરુષે કહ્યું : 'તમે બેસો, ગાડી ઊપડશે એટલે મારે બેસવાનું જ છે.'

માસીને બહેને બેસવા કહ્યું : 'બેસ ત્યારે.'

પેલો પુરુષ ઊભો થયો એટલે બાબાએ એની પાસે તેડાવવા લાડ કરતાં બે હાથ ઊંચા કર્યા. માએ એને ટપલી મારતાં કહ્યું : 'લુચ્ચા એ ઊભા રહે તેટલાથી ન ધરાયો ને પાછો એમના ગળે પડે છે?' મા એ બોલી રહે તે પહેલાં પેલા પુરુષે એને ઊંચકી લીધો અને વહાલભરી ગાલે ચૂમી ભરી. મને થયું. એનો પિતા હશે. ઉંમરમાં બંને જણ સરખાં લાગતાં હતાં. પુરુષ થોડો નાનો હશે તેમ એનાં મોં ઉપરની કુમાશ કહેતી હતી. પણ છોકરા સાથેનાં એના ગેલ જોતાં થયું કે પિતા જ છે. કોઈ ઉંમરમાં મોટા હોય છે પણ દેખાય છે નાના એટલું જ.

પરંતુ એ સાથે મારી નજર મા તરફ ગઈ તો એ રડતી હતી. આંસુ ખાળવા પ્રયત્ન કરવા છતાં અશક્ય લાગતાં એણે બે પગ બેઠક ઉપર મૂકી વચ્ચે મોં છુપાવી દીધું. રડવાનો અવાજ નહોતો આવતો છતાં પાણી પીતાં ડોકની નળી ઊંચીનીચી થાય છે, તેમ થતી જોઈ હું સમજી ગયો કે એ મૂંગા ડૂસકે રડી રહી છે. ગાડીમાં લાગણીનું પ્રદર્શન ન થાય તે માટે એ અવાજને ગૂંગળાવી રહી હતી.

પણ એ રડતી હતી શા માટે? એ પહેલી વખત સાસરે નહોતી જતી કે એને પિયર છોડતાં આમ ઓછું આવે! એની બહેન મૂકવા આવી હતી એટલે એ પિયરથી સાસરે જતી હતી કે ઘણી જ્યાં રહેતો હશે ત્યાં જતી હતી. એમ દેખાતું હતું. સેકન્ડ ક્લાસની મુસાફરી, પેલા પુરુષનો પેન્ટ અને હાફશર્ટનો મુંબઈગરો પોશાક, બાબા માટે ગ્લુકોઝનાં બિસ્કિટ, પાણી માટે થરમોસની શીશી, માની સુઘડતા અને સુંદરતા. એ મુંબઈવાસી હતાં એમ અનુમાન કરવાને મુખ્ય કારણ આપતાં હતાં. સવારની સૌરાષ્ટ્ર એક્સપ્રેસની ગાડી હતી એટલે મુંબઈ જનારની વસ્તી હોય તે વાસ્તવિક હતું.

આવા સંજોગોમાં સ્ત્રીને રડવાનું કોઈ કારણ ન હતું. વળી એનાં મા-બાપ સ્ટેશન ઉપર મૂકવા આવ્યાં ન હતાં કે ગાડીએ ઊપડવાની પણ વ્હીસલ મારી નહોતી કે વિદાયની છેલ્લી ક્ષણે રડી પડાય. એને પોતાને પણ અજુગતું લાગતું હતું એટલે છેવટે પરાણે રડવું ખાળી એણે સ્વસ્થ થતાં આંખો લૂછી નાખી. જાણે એના મુખારવિંદ ઉપર એનું કારણ ગુપચુપ અક્ષરથી લખાયેલું હોય અને હું આંખો મીંચીને વાંચવા પ્રયત્ન કરતો હોઉં તેમ નજર માંડી રહ્યો, પણ એ અક્ષર તો ન ઊકલ્યા, પણ બધાંને મારા તરફ જોઈ રહેલાં જોઈ હું ભોઠો પડી ગયો. સ્ત્રી અને તે પણ સુંદર અને નવજુવાન હોય ત્યારે આમ તાકી રહેવું એ જરૂર દરેકને અવિવેક જ નહીં પણ નિર્લજ્જતા પણ લાગે. હું મારી જાતે શરમાઈ ગયો અને નીચું જોઈ ગયો.

એ સાથે મને વડોદરા સ્ટેશન ઉપર બનેલો આવો પ્રસંગ તાદૃશ થયો. મારી સામી પાટલી ઉપર એક દક્ષિણી નવજુવાન અને સુંદર બહેન બેઠાં હતાં. સુંદરતાનું ઈનામ મળે તેવી સાચે જ એ સુંદર હતી. એનો પતિ બેઠો હતો. આમ તો એ કુરૂપ ન કહેવાય પણ પત્નીના હિસાબે એ કુરૂપમાં જ ગણાઈ જાય. પ્લેટફોર્મ ઉપર ફરતા એક ગુજરાતી જુવાનની સહેજે એ બહેન ઉપર નજર ગઈ. એ ઊભો રહી થોડી વાર તાકી રહ્યો અને પ્લેટફોર્મ ઉપર એ ડબ્બા જેટલા ટૂંકા આંટા મારી નિર્લજ્જતામાં ન ખપી જવાય તેમ એ બહેનને જોવા લાગ્યો. લગભગ દસેક આંટા એણે માર્યા હશે ત્યાં પેલા પતિનું લોહી ઊકળી ઊઠ્યું, એ નીચે ઊતર્યો. પેલા જુવાનને કે મને પણ ખબર ન હતી કે એ કેમ નીચે ઊતર્યો. અને પેલો યુવક આંટા મારથો એની સામે આવ્યો તેવા તેણે તો ચારપાંચ તમાચા એના ગાલ પર ચોડી જ દીધા!

મને થયું, આ પુરુષ આમ મારી નિર્લજ્જતા જોઈ મને લગાવી દે તો! પરંતુ આ પુરૂષ તો બહુ ઉદાર લાગ્યો. બીજાની નજર મારા તરફ મંડાઈ હતી, ત્યારે એ તો બાબા સાથે ગેલ કરવામાં ડૂબી ગયો હતો. વિનય બતાવી સામી બાજુવાળાએ થોડી જગા કરી આપી હતી એટલે બાબાને ખોળામાં લઈને રમાડતો હતો. એની એવી પણ ગણતરી લાગતી હતી, કે બાબો એની માને રડતી ન દેખે તો સારું. મને થયું, આ બહેન આટલું રડી છતાં કેમ પેલો પુરુષ કે નાની બહેન મૌન રહ્યાં એનું રડવું અનિવાર્ય હશે?

એ સાથે મને થયું, કે કદાચને મા-બાપ ગુજરી ગયાં હોય અને પિયર આવી હોય, નાનાં ભાઈ-બહેન અને વિધવા મા અગર વિધુર બાપને મૂકીને જતાં એને દુઃખ રડાવી રહ્યું હોય, તોય કોને ખબર? બાકી કંઈ પિયર છોડી સાસરે જતાં રડવું આવે તે ઉંમરમાં એ હતી નહીં. એ સાથે મારું મન હસ્યું : તારે એ બધી ભાંજગડ કરીને શું કામ છે? એના હૈયામાં દુઃખ હશે ત્યારે જ ને? કંઈ એને શોખ તો નહીં થયો હોય ને?

ગાડીએ વ્હીસલ મારી. માસી ઊભી થઈ ગઈ અને બહેનનો હાથ ઝાલી કહ્યું : 'ચાલ, ગાડી ઊપડશે.' અને જાણે બહેન ઊભી નહીં થાય તેમ ખાતરી હોવાથી એનો હાથ ખેંચી ઊભી કરી. બંને જણ નીચે ઊતરી ગયાં. મને થયું કે માસી તો મૂકવા આવી હતી. પણ આ મા કેમ ઊતરી ગઈ? અને પેલો પુરૂષ અને આ બાળક અંદર રહ્યા તેનું શું? ઉપરથી પેલા પુરુષે કહ્યું : 'તમે જાઓ.' અને પ્લેટફોર્મ ઉપર રુદનની પોટલી, જે અત્યાર સુધી માંડ માએ પકડી રાખી હતી તે છૂટી ગઈ, અને એના હાથ ડબ્બાના બારણા સાથે ચપસીને પકડાઈ ગયા હોય તેમ ગાડી ચાલી છતાં એ છૂટી શક્યા નહીં. નાની બહેને એના હાથથી થાય તેટલું જોર કર્યું અને ચાલતી ગાડીએ એના હાથ છૂટા કરાવ્યા. પેલો પુરુષ જે અત્યાર સુધી ધૈર્ય ધારી રહ્યો હતો તે પણ હાથમાંના રૂમાલ વતી આંખો છુપાવી ગયો હતો.

પેલી સ્ત્રીના હાથ બહેને છોડાવ્યા તો ખરા, પણ ટેકો જતાં એ પ્લેટફૉર્મ પર પછડાઈ પડી. હિસ્ટીરિયા આવે અને પછડાઈ પડે તેમ. હું બારીમાંથી આ દૃશ્ય જોઈ રહ્યો હતો ત્યાં ગાડી દૂર ખસી ગઈ અને મારી નજર બહાર પ્લેટફોર્મ થઈ ગયું.

મને થયું હતું કે મા જતાં બાળક રડારડ કરશે પણ એ ગણતરી ખોટી પડી. બાળકને બેઠક ઉપર બેસાડ્યો હતો. એને ઓથો કરીને પુરુષ ગાડી ઊપડી ત્યારે ઊભો રહ્યો હતો. માસીએ એને ધીરજ આપતાં કહ્યું હતું : 'અમે તારા માટે કેળાં લાવીએ, હો, બાબા!' જોકે આ બોલતાં એનો સાદ પણ ભરાઈ આવ્યો હતો અને નીચે ઊતરતાં એની આંખમાં પણ આંસુ હતાં. પરંતુ બહેનની સ્થિતિ સંભાળવાની હતી. એટલે સ્વસ્થતા ગુમાવ્યા વગર એણે બહેનના હાથ ડબ્બાથી છોડાવી છેલ્લી ફરજ પૂરી કરી હતી.

બાળક તો જાણે કંઈ બન્યું જ ન હોય તેમ બિસ્કિટ ખાવા લાગી ગયો. ગાડીમાંથી મિલનાં ભૂંગળા દેખાતાં બંધ થઈ ગયાં હતાં, છતાં પ્લેટફોર્મ ઉપર પછડાઈને પહેલી સ્ત્રી મારી નજર બહાર ગઈ ન હતી! હું જાણે હમણાં ગબડી પડીશ તેમ મારું હૈયું અને પગ હચમચી ગયાં હતાં. ઉપલા પાટિયાને પકડી લી મેં સ્વસ્થ ઊભા રહેવા પ્રયત્ન કર્યો. પેલા બાળકને શાંત જોઈ પુરૂષે આંખો લૂછી પોતાની જગા લીધી. મન બીજે વાળવા જાણી જોઈને એણે પૂછ્યું : 'બાબા! પાણી પીવું છે?'

બાબાએ મોં વતી બિસ્કિટનો ટુકડો કરતાં ડોકું હલાવી હા પાડી. થરમોસ ખોલીને પાણી પાયું, એણે પણ પીધું, છતાં હૈયા ઉપરથી બોજો ઓછો ન થયો હોય તેમ એણે હેંગર ઉપર લટકાવેલા કોટમાંથી સિગારેટની ડબ્બી કાઢી અને લાંબો દમ ખેંચવા માંડ્યો.

જાણે આ વસ્તુ જોનારની નજરમાંથી પણ ભુલાઈ ગઈ હોય તેમ છાપાં અને પુસ્તક કાઢીને બધાં વાંચવા લાગી ગયાં. થર્ડ ક્લાસમાં અકારણ વાતો કરી સૌ ગરબડ કરે છે તે કરતાં સેકન્ડ ક્લાસમાં કોઈ ગરબડ કર્યા વગર વાંચવામાં, મૌન રહેવામાં સભ્યતા માને છે એ ટેવ હું વાતોડિયો હોવા છતાં મને લલચાવાતી હતી. થર્ડ ક્લાસના મુસાફરોમાં એ સભ્યતા આવે તો સારું એમ ઈચ્છતો પણ હતો. છતાં એ જ સભ્યતાથી આજે હું સમસમી ગયો. જાણે આમાં કંઈ પૂછપરછ કરવા જેવું જ ન હોય તેમ કોઈએ એ પુરૂષને પૂછવાની તસ્દી ન લીધી! કુતૂહલ પણ કોઈને જાગ્યું નહીં. બધા જ પોતપોતાની દુનિયામાં મસ્ત હતા. ગિરદી પણ શમી ગઈ હતી. વળાવવા આવેલા વધારાનાં માણસો ઊતરી ગયાં હતાં. એટલે દરેક પાટલીએ ચારચારની સંખ્યામાં 16 જણ બેઠેલાં હતાં. ગાંગડું જેવો એક સત્તરમો હું જ વધારાનો હતો કે જેને સહેજ સંકોચાઈને બેસાડવા જેવું કોઈને લાગતું ન હતું! હું પણ એમના કરતાં વધારે સભ્ય હોઉં તેમ કોઈને સહેજ ખસીને જગ્યા આપવાનું કહી શકતો ન હતો!

સેકન્ડ ક્લાસના લોકોનું સુખ જોઈ મને સ્વર્ગ યાદ આવ્યું. ટાગોરના 'સ્વર્ગેથી વિદાય' કાવ્યમાં સ્વર્ગનું જે ચિત્ર આલેખાયું છે તે સ્થિતિ સ્વર્ગમાં હશે કે કેમ એની ખબર નથી. સ્વર્ગમાં જવાની તક મળશે કે કેમ તે પણ ખબર નથી. પરંતુ થયું કે સ્વર્ગ શોધવા દૂર જવાની જરૂર નથી, આ જ સ્વર્ગ છે, અહીં એ સ્થિતિ પ્રત્યક્ષ છે.

પૃથ્વી ઉપર સત્કર્મ કરવાથી એક મહાપુણ્યશાળી પુરુષને સ્વર્ગ મળ્યું, અને પુણ્ય પૂરું થયું એટલો લાંબો સમય સ્વર્ગમાં રહીને પૃથ્વી ઉપર વિદાય થવાની ક્ષણ આવી. પૃથ્વી ઉપરથી પોતાની વિદાય વખતે લોકોએ જે આક્રંદ કર્યું હતું તે જોતાં આ પુરુષે માન્યું કે સ્વર્ગમાંથી વિદાય થતાં દેવો, ગાંધર્વો, કિન્નરે અને અપ્સરાઓ રડી નહીં ઊઠે, તો પણ ગળગળા તો થઈ જશે. પરંતુ પીપળ ઉપરથી પાન ખરે તે વખતે જેટલી ડાળી ધ્રૂજે તેટલો કંપ પણ સ્વર્ગમાંના માનવીઓએ એમની વિદાય વખતે ન બતાવ્યો. અને બતાવે પણ ક્યાંથી? સ્વર્ગ એટલે સુખ, આનંદ, પછી એમાં દુઃખ, શોકની લાગણી જન્મે ક્યાંથી? વિદાય વખતે મેનકાનું નૃત્ય ચાલી રહ્યું હતું છતાં એનું ઝાંઝર પળવિપળ પણ અટક્યું નહીં. સ્વર્ગથી વિદાય લેતા એ મહાપુરુષને પૃથ્વી સાંભરી, માં સાંભરી! એકબીજાં પ્રત્યે કેટલી લાગણી!

મને થયું, સેકન્ડ ક્લાસ એ સ્વર્ગ છે. એમાં સુખ સિવાય બીજી લાગણી જન્મે શી રીતે? એ લાગણી તો પૃથ્વી થર્ડ ક્લાસમાં જ જન્મી શકે. આવો પ્રસંગ બન્યો હોય તો આખો ડબ્બો એ પુરુષને પૂછપરછ કરી મૂકે, બીજી સુખદુઃખની વાતો કરે, એવા બીજા પ્રસંગો બન્યા હોય તે ટાંકીને દુઃખ હળવું કરે અને વધારે પણ. જ્યારે આ સ્વર્ગમાં તો મેનકાના નૃત્યની જેમ પંખાઓ નૃત્ય કરી રહ્યા હતા. કોઈ છાપું વાંચવામાં, કોઈ પુસ્તક વાંચવામાં તો કોઈ ખાલી મૌન સેવી મસ્ત હતા, પેલો બાળક તો બિસ્કિટનું પતી જતાં પગ લાંબા કરીને સૂઈ ગયો. એના પગ બીજા ભાઈને અડે નહીં એટલે પેલા પુરુષે ઊભા થઈને પગ પોતાની જગામાં સરખા કર્યા અને પોતે પગ ન દબાય તેમ બેઠકની ધાર ઉપર બેઠો.

બાળકના મોં તરફ તાકી રહેવામાં અવિવેક થવાનો ભય ન હતો એટલે હું એને ધારી ધારીને જોઈ રહ્યો. તંદુરસ્ત, સુંદર અને નિર્મળ ચહેરો જોઈ રહેવો તમે તેવો હતો. મનમાં થયું કે એની મોં કળા પેલી સ્ત્રીને મળતી આવતી નથી. ત્યારે શું એ એની મા નહીં હોય? કદાચ એની મા મરી ગઈ હોય અને મૂકવા આવેલી બંને એની માસીઓ હોય તેમ પણ કેમ ન બને? મોટી માસીને એની જ ઉંમરનું બાળક હોય એટલે ધરાવીને એને ઉછેર્યો હોય અને મા જેટલું હેત થયું હોય તેથી આમ વિદાય આપતાં દુઃખ થયું હોય.

મને થયું કે પેલા પુરૂષને પૂછું, પણ એ મારી નજીક ન હતો, સામે છેડે હતો, દૂર બેઠેલાં સાથે વાત કરવી એ સ્વર્ગમાં અવિવેક ગણાય, અને બીજાને ગરબડ પણ પડે. એટલે મારે મૌન જાળવ્યા સિવાય છૂટકો ન હોય. એક વખત ખિજાઈને મેં મનને સંભળાવી દીધું કે મૂરખ બેસને છાનુંમાનું! એ પ્રસંગ બન્યો જ ન હોય એમ આટલા બધા ભૂલી ગયા અને તારા બાપનું એમાં શું દાટ્યું છે કે તારે એની ખણખોદ કરવાની આટલી પડી છે?

પેલા બાળકની આંખ મીંચાઈ અને ઊંઘ્યો એમ જાણતાં પુરૂષે બેગ ઉઘાડી પુસ્તક વાંચવા કાઢ્યું. મેં પગની એડી ઊંચી કરી એનું નામ વાંચ્યું. અંગ્રેજી પુસ્તક હતું : 'Woman, her Charm & Power : સ્ત્રી-એની મોહિની અને સામર્થ્ય. મારુ મન બબડ્યું : એ જીવતી સ્ત્રીમાં એ બંને હતાં, છતાં આ પુરુષ એથી હજુ ધરાયો નથી તે પુસ્તક કાઢી ફીફાં ખાંડે છે! મને થયું કે જો આ બાળકની મા મરી ગઈ હશે તો બીજી પરણ્યો હશે અને તેનામાં મોહિની અને સામર્થ્ય શોધવા કદાચ આ પુસ્તકનો અભ્યાસ કરતો હશે, કે એનું સામર્થ્ય નવી પત્ની હરી રહી હશે એટલે એની દવા શોધવા આ પુસ્તક ફેંદતો હશે, તોય કોને ખબર?

કોણ જાણે કેમ પણ બારેજડીથી ગાડી ઊપડતાં એક જણમાં પ્રભુ વસ્યા, મને ક્યારનોય ઊભો રહેલો જોઈ એણે સહેજ ખસીને સહેજ જગા કરતાં કહ્યું : 'મિસ્ટર! આવી જાઓ.' હું આમ ઉપલા પાટિયાના ટેકે ઊભો હતો એટલે બેસવાનું મળે તે ગમે જ છતાં વિવેક દેખાડવા ખાતર જીભ લવી ગઈ હોત કે ચાલશે, હું અહીં ઊભો છું, પરંતુ એ જગા પેલા પુરુષની બરાબર સામે હતી એટલે એ જગા લેવાથી પૂછપરછ કરવાની તક મળશે એ મોટી લાલચ હતી, એથી ડાહ્યોડમરો થઈને હું તરત ગોઠવાઈ ગયો!

જે ભાઈએ સજ્જનતા બતાવી તેમના તરફ જોતાં લાગ્યું કે, પૃથ્વી ઉપર, પુણ્યરૂપી પૈસાની કમાણી થતાં આ ભાઈ થોડા વખતથી સ્વર્ગમાં આવેલા લાગે છે અને તેથી હજુ પૃથ્વી ઉપરનાં સુખદુઃખની લાગણી એમનામાં શેષ રહી હશે તેથી તે મોડી મોડી જાગી હોવી જોઈએ. પરંતુ એ કારણે હું એમની સાથે પતાવા ઊઠું તો એ સજ્જનતાનો દુરૂપયોગ કર્યો કહેવાય, અને એમની સાથે વાત કરવાનું પ્રયોજન પણ ન હતું. મારું ચિત્ત તો પેલા પુરુષ સાથે વાત કરવા તલસી રહ્યું હતું. પરંતુ એ તો પુસ્તકમાં મોં છુપાવી મને ટાળી રહ્યો હતો, એટલે બોલવાની તક દેખાતી ન હતી.

મને જગા આપનાર મહેમદાવાદ ઊતરી પડ્યા એટલે મેં એમના માટે કરેલું અનુમાન બદલવા જેવું લાગ્યું. થયું કે સ્વર્ગમાંથી વિદાય લેવાની થઈ ત્યારે લાખો કરોડો વર્ષ ત્યાં વસવાથી જે જ્ઞાન લાધ્યું ન હતું તે પેલા દેવી પુરુષને વિદાય વખતે લાધ્યું, અને સ્વર્ગ કરતાં પૃથ્વીની મહાનુભાવતા સમજાઈ હતી તેમ આ પુરુષને પણ સ્વર્ગથી વિદાય લેવાનું સ્ટેશન નજીક આવ્યું હતું એટલે પૃથ્વી ઉપર ઊભેલાની મારી દયા આવી હશે!

નડિયાદ આવ્યું. ચા માટે પૂછાપૂછ થઈ રહી. ડબ્બામાં ચાની બે-ત્રણ ટ્રે પણ આવી, અને શાંત મધપૂડામાંથી માખો ઊડે તેમ ડબ્બામાં ગણગણાટ શરૂ થયો. મને થયું, જો વાત કરવાની તક ઝડપી લેવી હોય તો આ અવસર છે. બાકી એ ગુમાવી તો આણંદ થોડી વારમાં આવીને ઊભું રહેશે અને કાયમને માટે એ તક હું ગુમાવી બેસીશ, અને આ પ્રસંગમાંથી ઊભો થયેલો કોટડો કાયમ માટે અનુમાન ઉપર લટકી રહેશે.

પેલો પુરુષ પુસ્તક એની જગ્યાએ મૂકી પેશાબ કરવા ગયો હતો તે આવ્યો, બેઠો અને હાથમાં પાછું પુસ્તક પકડ્યું. મને થયું કે જો એણે તે ઉઘાડીને ફરી વાંચવાનું શરૂ કર્યું તો મેં તક ગુમાવી જ છે. મેં એ ન ગુમાવતાં કહ્યું : 'બાબો ઠીક ઊંઘી ગયો છે. મેં તો ધાર્યું હતું કે એ રડીને હેરાન કરશે.'

પેલો પુરુષ દુઃખપૂર્ણ ફિક્કું હસ્યો.

મારે વાતમાં ઝૂકાવવું હતું એટલે આગળ વધતાં બોલ્યો : 'બાબાનો એકલો કેમ લીધો?'

પુરુષે ધીમેથી કહ્યું : 'એની પાછળ કરુણ કથા છે.'

હું : 'એ તો હું અમદાવાદ સ્ટેશનનું દૃશ્ય જોતાં જ સમજી ગયો હતો. પરંતુ એ કરુણતા શી છે તે કલ્પી શકાઈ નહીં. એક વિચાર એવો આવ્યો ખરો કે કદાચ એ બહેન એની બા નહીં હોય. માસી હશે, બા ગુજરી ગઈ હશે અને તમે ફરી પરણ્યા હશો. બાળક અત્યાર સુધી માસી પાસે મોટો થયો હશે અને હવે તમે એને તેડી જતા હશો.'

પુરુષ : 'તમારું અનુમાન તદ્દન ખોટું છે, એ એની મા હતી, હું એનો પિતા નથી.'

હું વચ્ચે બોલી ઊઠ્યો : 'ત્યારે?'

મેં જોયું કે, બધાંના કાન આ વાત તરફ મંડાયા હતા, ફક્ત વચ્ચે કોઈ કૂદી પડતું ન હતું એટલું જ.

પેલો પુરુષ : 'હું બાળકનો કાકો થાઉં છું. એ મારાં ભાભી હતાં.' અને એટલું કહેતાં તે ગળગળો થઈ ગયો. એ બહેનને હાથે બંગડીઓ હોવાથી એ વિધવા હોય તેવી શંકાને પણ સ્થાન ન હતું.

મેં પૂછ્યું : 'પતિ-પત્ની વચ્ચે અણબનાવ છે?'

પુરુષ : 'મારા મોટાભાઈએ બીજું લગ્ન કર્યું છે!'

'હેં! મારા મોંમાંથી ઉદ્દગાર નીકળી ગયો. એ ભાવાર્થનો કે આવી સુંદર અને મધુર હાસ્યવાળી સ્ત્રીને પણ જગતમાં ત્યક્તા બનવું પડે છે!'

મારા મનનો ભાવ સમજી જતાં પુરુષે કહ્યું : 'જેની સાથે ફરી લગ્ન કર્યું છે તે આટલી સુંદર પણ નથી. સદ્દગુણમાં પણ...'

હું : 'ત્યારે એ લગ્ન કરવાનું કારણ?'

પુરુષ : 'આ બાબો જન્મ્યો એને બીજે મહિને મોટા ભાઈ વિલાયત ભણવા ગયા. એમ.બી.બી.એસ. થઈને ગયા હતા, તેમની સાથે ભણતી શોભા પણ ગઈ હતી. અહીંથી સાથે ગોઠવીને ગયાં હતાં એવું ન હતું. શોભા તે પછી એક વરસે ગયેલી. અહીંનું ઓળખાણ તો હતું અને તેમાં એક જગાનો અભ્યાસ અને લંડનની સ્વતંત્રતા! બંને પ્રેમમાં પડ્યાં...'

હું વળી વચ્ચે બોલ્યા વગર રહી ન શક્યો : 'પણ એ બીજું લગ્ન કરી કેમ શક્યા?'

પુરુષ : 'એ બંને પ્રેમમાં છે એમ એ લોકો દેશમાં આવે તે પહેલાં અમે બધાં જાણી ગયાં હતાં, મુંબઈ આવીને એમણે વગર લગ્ન કર્યે પતિ-પત્ની હોય તેમ સાથે રહેવા માંડ્યું. લગ્ન કરે તો ગુનો થાય, કંઈ વગર લગ્ને સાથે રહેવામાં ઓછો ગુનો હતો? નાતમાં આથી ટીકાઓ થવાની બાકી ન રહી. મા-બાપે એ સંબંધ છોડવા ભાઈને ઘણું સમજાવ્યા,'

પણ મોટાભાઈ માન્યા નહીં, છેવટે થાકીને આ ખુલ્લા વ્યભિચારને બદલે એની સાથે લગ્ન કરી લેવાની સલાહ મા-બાપે આપી. પણ એ કરવા શોભા તૈયાર ન હતી, કારણ કે સુધરેલી સ્ત્રીઓમાં એક સ્ત્રી ઉપર પરણવામાં એની આબરૂ જતી હતી. એ જ સમાજમાં મિત્ર તરીકે પુરુષ સાથે રહેવામાં ફેશન ગણાતી, આગળ પડતા સમાજનું લક્ષણ ગણાતું હતું. એટલે શોભાએ કહ્યું કે, 'લલિતા છૂટાછેડા આપવા તૈયાર હોય તો જ હું લગ્ન કરું.'

પુરુષ અટક્યો. મારું હૈયું પણ ભરાયું હતું. મેં કંઈ પૂછપરછ ન કરતાં ધીરજ રાખી. થોડીવાર રહી એમણે કહ્યું : 'માબાપ તો જૂના વિચારનાં અને જૂના સમાજમાં જીવનારાં. એમને તો લોકોને મોં બતાવવું ભારે થઈ પડ્યું. ભાભી પણ એમની સાથે રહે એટલે સાસુસસરાનું દુઃખ જોયું ન જાય. છેવટે એમણે જાતે દરખાસ્ત મૂકી કે પોતે છૂટાછેડા લેવા તૈયાર છે. મા-બાપ કકળી ઊઠ્યાં. આવી સુપાત્ર વહુને આ દુઃખ! એમણે કહ્યું : 'ના એ ભલે રખડી ખાય, તારે એવું કરીને રસ્તો ચોખ્ખો કરી આપવાની જરૂર નથી.' પરંતુ ભાભીએ કહ્યું કે, હું છૂટાછેડા લઉં અને ન લઉં તોય મારી સ્થિતિમાં ફેર પડવાનો નથી. તે કરતાં એ પગલું ભરવાથી એ લોકોને આબરૂભેર જીવવાનું મળશે, કુટુંબને નીચું જોવું મટશે.'

આ વખતે પુરુષ અટક્યો, ત્યારે મારી ધીરજ ન રહી. બોલી જવાયું : 'પછી?'

'ભાભીના નિશ્ચય આગળ મા-બાપને સહમત થવું પડ્યું. છેવટે એમને ભવિષ્યમાં દુઃખ ન આવે માટે મા-બાપે અમુક મિલકત એમને નામે લખી આપવાનું વિચાર્યું. એ પોતે જીવતાં હોય ત્યાં સુધી તો એ સાથે રાખે, પણ પછી એમને કુટુંબ ઉપર કયો હક, કે એમને ભરણપોષણ મળે? પરંતુ ભાભીએ એનો ઈન્કાર કર્યો, એ તો સોદો કર્યો કહેવાય, મેં મારી જાતને વેચી એમ જ મને તો એમાં લાગે. એટલે મા-બાપ એમાં પણ લાચાર બન્યાં અને ભાભીએ છૂટાછેડા લીધા. ભાઈ પરણ્યા.'

હું : 'એ સ્થિતિમાં આ દીકરો એની પાસે રહેવા દીધો હોત તો એને એટલું સુખ રહેત ને?'

પુરુષની આંખમાં પાણી આવી ગયું. થોડીવાર પછી બોલ્યા : 'ભાભીએ ભાઈ માટે જીવન સર્વસ્વનો ત્યાગ કર્યો, છતાં ભાઈને હૃદયપલટો ન થયો ઊલટું, નિર્દય બની દીકરો. એમની પાસેથી ખૂંચવી લેવાનું બાકી રહ્યું હતું તે છેલ્લું કૃત્ય કર્યું અને ભાભીના પ્રેમને લીધે મારે એના સાક્ષીભૂત થવું પડ્યું! અને એની આંખમાં ફરી આંસુ આવ્યાં.'

હું : 'ભાભી તમારાં મા-બાપ સાથે રહે છે કે પિયરમાં?'

પુરુષ : 'મા-બાપના દુઃખનો પાર નથી. ભાઈ ગુમાવ્યા અને ભાભીને પણ ગુમાવ્યાં. મા-બાપ માનતાં કે પોતાના જીવતાં સુધી ભાભી પોતાની સાથે રહેશે. પણ ભાઈએ રીતસર ફરી લગ્ન કર્યા ત્યાં એ કહે, મારે આ ઘરમાં ન રહેવું જોઈએ. મારે દુઃખ હોય અને સ્નેહી તરીકે મદદ લઉં તે હક ખરો, પણ તમારા ઉપર કાયમ બોજીરૂપ થવાનો હક નહીં. અને એમને પોતાને પણ દુઃખ થયું હતું, છતાં પિયર ગયાં અને મા-બાપને બોજારૂપ ન થવાય માટે શિક્ષિકાની નોકરીમાં દાખલ થઈ ગયા છે.'

છતાં બાળકની વાત તો બાકી જ રહી. મેં યાદ દેવડાવતાં કહ્યું : મેં યાદ દેવડાવતાં કહ્યું : 'આ બાળકને હાલ તમે ક્યાં લઈ જાઓ છો?'

પુરુષ : 'મોટાભાઈ પાસે.'

હું : 'એના આગ્રહને વશ થઈને જ મોટાભાઈએ ભાભીને નોટિસ આપી કે મારો પુત્ર મને સોંપી દેવો!'

મારા મોંમાંથી દુઃખનો ઉદ્દગાર નીકળી ગયો : 'નોટીસ!'

પુરુષ : 'હા, એમને બીક કે એ દીકરાને નહીં સોંપે, એટલે છૂટાછેડા પછી પુત્ર ઉપર તમારો અધિકાર નથી એમ કાયદેસરની નોટિસ મોકલી. એ નોટિસ મળતાં ભાભીનો મારા ઉપર પત્ર આવ્યો કે મેં એમને માટે બધું ત્યાગ્યું છે, કેવળ બાબો મોટો થાય ત્યાં સુધી મારી પાસે રહે તેટલી ભીખ માગું છું. તમે એમને સમજાવીને એટલું કરી શકો તો તમારો ઉપકાર જિંદગીપર્યંત નહીં ભૂલું?'

એ કહેતાં અને સાંભળતાં અમારી બંનેની આંખમાંથી આંસુ ચમકી ગયાં. મારો શ્વાસ રૂંધાઈ ગયો.

પુરુષ ગળગળા સાદે બોલ્યો : 'મુંબઈ હું પણ રહું છું, છતાં મેં ભાઈને ઘેર જવાનું છોડી દીધું છે. ભાઈ તરીકેની અંતરની સગાઈ દિલમાંથી ભૂંસાઈ પણ ગઈ છે. છતાં ભાભીની ખાતર હું એમને ઘેર ગયો. હું જાણું છું કે ભાઈ શોભાના ગુલામ બની ગયા છે એટલે બાબાને રહેવા દેવો - ન રહેવા દેવો, તે ભાઈના હાથની વાત નથી. મેં શોભાને વિનંતી કરી, કે એ બાઈને આ બાળક ઉપર આંખ ઠારીને સુખ મેળવવાનું છે, તમારે તો આવતી કાલે તમારું બાળક ખોળો ખૂંદતું થશે, આને માટે શું કામ આગ્રહ રાખો છો?'

જાણે મારાથી અવિવેક થઈ ગયો હોય તેમ એણે ખિજાઈને કહ્યું : 'હું કંઈ તમારી એ ભાભી જેવી બાળક ઉત્પન્ન કરવાનું મશીન નથી. અમે બંનેએ મિત્રો બની રહેવા લગ્ન કર્યું છે, નહીં કે એમનાં બાળકો જણીને એમના ઘરમાં ભરાઈ રહેવા. તમે જાણો છો કે અમે બંને ડૉક્ટર છીએ, ધંધો કરીએ છીએ. અમારે જાહેર જીવન પણ છે, એ બધામાં બાળકો જન્માવવાનું મને પોસાય પણ નહીં.'

'મને કહેવાનું મન તો થયું કે, 'ત્યારે બીજા બાળક ઉપર હક કરવાનો તમને શો અધિકાર?" પણ એવું કહેવાનો અર્થ ન હતો. હું મૂંગો રહ્યો. એણે કહ્યું : 'અમે બંને ધંધામાંથી ઘેર આવીએ ત્યારે એકાદ બાળક ઘરમાં હોય તો એને રમાડી થાક ઉતારીને માની મેં તેને તેડાવી લેવા નક્કી કર્યું. બાળકના ભવિષ્ય માટે પણ એ હિતાવહ છે. ત્યાં એક શિક્ષિકા પાસે રહીને ગરીબાઈભર્યું જીવન ભોગવે તેમાં એનો વિકાસ શું?' અને ભાભી ઉપર ગુસ્સો કરતાં કહ્યું : 'એ તો મૂરખ છે, ડાહી મા હોય તો તરત સમજે કે બાળકને એના પિતાની પાસે રાખવામાં જ એનું હિત સમાયેલું છે. ભોગ તો ઊલટો હું આપું છું. ખુશીથી એના દીકરાને મારા ઘરમાં સ્થાન આપું છું!' અને હું વીલે મોઢે પાછો આવ્યો. ભાભીને લખતાં કલમ ન ઊપડી એટલે મેં એક જ વાક્ય લખ્યું, કે એ વગર બીજો ઉપાય નથી! ભાભીનો પત્ર આવ્યો કે 'મેં પૂર્વજન્મમાં એવાં પાપ કર્યા હશે કે પતિનો જ નહીં, પણ પુત્રનો પણ જીવતાં જીવ વિયોગ સહેવાનો હશે, તેને કોણ મિથ્યા કરે? એમાં કોઈના ઉપર રોષ શું કરું? આ ભવે પાપ કરતાં પાછું વાળીને જોઉં એટલે બસ, તમે બીજાને સોંપતાં હું કદાચ બેભાન થઈ જઈશ!'

મારી છાતી ઉપર મોટો પથ્થર મૂકાઈ ગયો હોય તેમ શ્વાસ લેવાતો ન હતો. સ્ટેશન ઉપર બીજાની રૂબરૂ મોટું પ્રદર્શન ન થાય તે બીક હોવા છતાં જે મા પ્લેટફોર્મ ઉપર ફસડાઈ ગઈ તેને ઘેરથી દીકરાને બહાર કાઢતાં શું થયું હશે? એણે કેટલું કલ્પાંત કર્યું હશે? એ ચિત્ર જ મને ધ્રૂજાવી રહ્યું હતું.

પુરુષ : 'બાબો બિચારો એમ સમજે છે કે મોટા દાદા પાસે મને લઈ જાય છે એટલે એ આનંદમાં મા ગઈ છતાં રડ્યા વગર ખાઈને ઊંઘી ગયો.'

હું : 'દાદા પણ મુંબઈ રહે છે?'

પુરુષ : 'સુરત.'

હું : 'મેં ના કહ્યું છે. અમદાવાદ સ્ટેશને એની માની દશા થઈ તે કરતાં ખરાબ દશા એ બંને ઘરડાંની થાય તે એ પણ સમજી ગયાં એટલે હૈયા ઉપર કઠણ પથ્થર મૂકીને એ બેસી રહેશે.'

આણંદ સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ગાડી ઊભી રહે તે પહેલાં 'મજૂર મજૂર'ના અવાજે મને જાગ્રત કર્યો, આણંદ ગયું. મેં છૂટા પડતાં એ ભાઈને નમસ્કાર કર્યા, પેલા બાળક સામે નજર કરી લીધી, અને આંખ ભીની થઈ હતી તે લૂછતાં હું નીચે ઊતરી પડ્યો.

પરંતુ એ ડબ્બામાં ચડતાં એક ભાઈ ઓળખીતા મળ્યા. એટલે તેમની ખરબ પૂછવા ઊભો રહ્યો ત્યાં અંદરથી એક જણનો અવાજ સંભળાયો : 'થર્ડ ક્લાસના પેસેન્જર આમ ઘૂસી જાય ત્યારે અકારણ બીજાની ખાનગી જિંદગીમાં માથું મારી શાંતિનો ભંગ કર્યા વગર નથી રહેતા!'

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.