મુઠ્ઠીમાં
બનવાનું તો બની ગયું, પછી આવું કંઈ પણ થાય ત્યારે પોલીસના ડબ્બા આવે, ઝૂંપડે ઝૂંપડે તપાસ ચાલે, આદમીઓને એમના અંધારિયા ઘરખૂણેથી ખેંચી, બહાર કાઢી, એક કતાર કરી પૂછપરછ થાય, ત્રાડો પડે ને ગાળો સમેત ધોલધપાટ ગડદાપાટુ ઝીંકાય એમના પર. વારંવાર થાય એટલે આ તો ઝીણકાં છોકરાં સુદ્ધાં જાણે.
લૂંટ-ચોરી લગી પહોંચ્યું હોય તો તો ઠીક, આ વેળા તો ખૂનનો મામલો. એટલે જ તો પોલીસખાતું ટટ્ટાર થઈ પટા તાણતું મચી પડ્યું. એમેય ખરું કે આખા વિસ્તારમાં ધાક બેસાડી દેવી એક વાર, ડરી ગયેલી વસ્તીમાંથી જ કોઈ બાતમીદાર નીકળી આવવાનો. દાંત કચકચાવી ખાખી ટોળાં ઘૂમતાં હતાં, વસ્તી આખીને ઠોલતાં ફોલતાં.
ગિરજુને એક વાતથી હાશ હતી કે એનો મરદ ઘરમાં નહોતો. પેલા આવી આવીને રોફ મારી ગયા. નાની અમથી અંધારી ખોલી, સંતાવા માટે કંઈ એવા પચીસ-પચાસ ઓરડા તો હતા નહીં. પરભુ મળ્યો નહીં એટલે થોડા હતાશ થયેલા પહાડ જેવા બે-પાંચે રુઆબ છાંટવા કશું ન જડતાં થોડી ગાળો ફેંકી. ગિરજુની આંખમાં રતાશ તરી આવી.
પહાડ-પથરામાં મોટી થયેલી ગિરજુ. વજન ઉપાડી પથ્થર ઠેકતાં ઉપર-નીચે જવું એને મન રમત. મજબૂત હાથ ને લાલઘૂમ હથેલી. છતાં આ ખીચોખીચ ભરેલી જગ્યામાં એ જાણે પહેલાં જેવી રહી નહોતી. તેમાં જ એ ગમ ખાઈ ગઈ.
એક-બે ખાલી ટોપલીને ઠેબે ચડાવતા, ડંડા ફેરવતા એ બધા બહાર ગયા કે તરત જ ગિરજુ એને યાદ આવ્યા તેટલા તમામ દેવી-દેવતાઓને, મદળિયાવાળા બાપજીને, બધી ચમત્કારિક શક્તિઓને આજીજી કરવા લાગી.
... આજ તો પરભુડો કેથે રોકાઈ જાય તેવું કરજો મો’ટા મા’રાજ... એને આ ફા આવવા જ ની દેતા. ફડકફડક હૈયે ગિરજુ એમ જ બેઠી રહી. વસતીમાં હજી ધમાધમ ચાલુ હતી. છોકરાંની રડારોળ, બાઈઓની ચીસાચીસ અને બોલ્યા વિના માર ખાઈ લેતા આદમીઓના ગરમ-ગરમ શ્વાસથી ધગતી હવામાં ઝરમરિયો વરસાદ તો છેક જ વરાળ થઈ જતો હતો.
લકવામાં ખાટલીએ પડેલા, આંખે કાળાં-રાખોડી ધાબાં સિવાય કંઈ દેખાતું ન હોય એવા, કંપતા હાથ-પગવાળા ડોસાઓ શું થઈ રહ્યું છે એ જાણવા ફાંફાં મારતા રહ્યા.
- બદમાશી ચાલવાની નથી તમારી. હરામીઓ આટલે જ ભરાયા હતા એવી પાકી ખબર મળી છે, એકેએકને ગોંધી દઈશું જો મૂંગા મરી રે’શો તો.
- સાલી યે જાત હી ઐસી. ખાલ ઉધેડ લો તો ભી ચૂપ...
- તૂ ચૂપ મર બુઢ્ઢી, કબ સે ટેંટેં કર રહી હૈ...
- ભસી મર સા.... કાલે રાતે અહીંથી કઈ બાજુ ગયા એ?
... પરભુ પરભુ... હો તાં જ બેઠો રે’ જે... ગિરજુ કાકલૂદીમાં ઓગળી રહી. પરભુને આવવાનો સમય તો વીતી જ ગયો હતો. ચિક્કાર પીને ક્યાંક પડી રહ્યો હોય એમ બને. પહેલી વાર ગિરજુએ દિલથી એમ ઈચ્છા કરી કે પરભુએ એવી ચડાવી હોય કે ઘર યાદ જ ન આવે એને તો બહુ રૂડું. રસ્તે, ખાડામાં, કોઈને ઓટલે, પેલા અવાવરુ ખંડેરમાં ભલે પડ્યો. આટલે ન આવે એ જ બસ.
... એમ થાય તો પરસાદ ચડાવું ટપકેસર મા’દેવ જઈને...
બારણું આડું કરેલું તેની ફાટમાંથી એણે નજરને બહાર સરકાવી. ધાંધલ ચાલુ જ હતી. બંટિયાના વાળ ખેંચી એક ખવીસે એને ધોલ મારી. બંટિયાની માએ પોક મૂકી. વસતીની બેચાર બાઈઓ એને ઘેરી વળી. બંટિયો જમીન પર બેસી પડ્યો. ગિરજુ બારણા પાસેથી ખસી ગઈ. એ અધીરાઈમાં આકળી થઈ હતી. કોને ખબર આ નાટક કેટલું ચાલવાનું.
અગાઉ મોટી બજારમાં કોઈ મારફાડ થઈ ત્યારે પોલીસના ડબ્બા આમ જ ધમધમાટ આવેલા, વસતીને ત્યારેય આમ ધમરોળી ગયેલા. અહીંના મરદો એવા જ. એમના ધંધાનું સટરપટર કોઈ જાણે નહીં. છતાં આજ લગી પરભુ કોઈ ખાસ વાંકમાં આવેલો નહીં, થોડો માથાભારે ગણાતો એટલું જ. પહેલાં બે વાર આવી ધમચકર થઈ ત્યારે પરભુ ઘરની બહાર જ હતો તે બચી ગયેલો. અડધી ફમફોસ તો દેખાડાની, બાકી કોને ભેરવવા અને કોને છટકવા દેવાના એ તો નક્કી જેવું, ને તે મુજબની જ ગોઠવણ થાય, એમ વસતી આખી માનતી.
... ગાફેલ ના રે’ય તો તો પોલીસની ગાડી દેખી ભાગવાનો પરભુડો... જોકે ઢીંચ્યો હોય તો તો કંઈ દેખવાનો નહીં કરમ ફૂટેલો.... એમ તો ઓળા જેવો સુંદર પરભુ પછવાડે જ, કાબો છે ચંદર, ચેતી જાય એવો.
લીંપણનો ઊખડેલો પોપડો અંગૂઠાથી આમતેમ ખેસવતી, ચિંતામાં અધમૂઈ ગિરજુ ઊભડક બેઠી રહી. પરભુનો દમામ વસતી જીભે ઊપડ્યો ઊપડે નહીં એવો. એનું નામ કોઈ લે નહીં. પણ આ તો ખાખીદાદા. દોજખમાં ધકેલી દે પછી આ મેલી મથરાવટીના આદમી લોકનું કોઈ નહીં. ખપ પડે ત્યારે મોટાં માથાં કામ કઢાવી લે - ધાકધમકી આપવાનાં, છરાચપ્પુ દેખાડવાનાં, અપહરણની નનામી ધમકીઓ મોકલવાનાં. દૂધે ધોયેલા સફેદ-સુંવાળા માણસો જે ના કરી શકે એવાં એમનાં સઘળાં કાળાં કામ અહીંથી થતાં આવ્યાં છે એમાં ખાનગી કંઈ નહીં, તોયે આંગળી આ તરફ ચીંધાય, એમાં મીનમેખ નહીં.
બહાર ખળભળાટ વધી ગયો. ગિરજુ ચોંકી... અભાગિયો આવી જ ગિયો... મરવાનો... જાળિયામાંથી જોઈ લીધું. બીક સાવ સાચી. ચંદર અને પરભુ સપડાયા હતા. જમ જેવા એકે પરભુને બાવડેથી ઝાલેલો. પરભુનું મજબૂત, થડિયા જેવું બાવડું...
એક વાર પેલો વરણાગિયો ચમન જરા હાહાઠીઠી કરતો’તો અને પોતે એમાં જરા ભળી તેટલામાં તો પરભુને માથે ભૂતડાં સવાર થઈ ગયેલાં. ઓરડીમાં પેસવાનીયે વાટ જોયા વગર ચક્કર આવી જાય એવી થાપટ પરભુડાએ દીધેલી. ગાલે જાડી જાડી આંગળીઓ ચિતરાયેલી.
- હા... કભારજા...ઠીઠી કર’છ ગામના ઉતાર જોડે? નવી નવી આવેલી ગિરજુ એવી ખિસિયાણી પડી ગયેલી કે સામે બોલવાનું કે ખીજ કાઢવાનું ભાન જ ન રહ્યું. એવો જ એક વાર ધક્કો મારેલો પરભુએ. શા કારણે એ તો ગિરજુનેય યાદ નહોતું. ફંગોળાયેલી એ સીધી ડામચિયા પર તે દહાડે મે’માન આવેલા તેથી રડમસ મોંએ રાંધેલું. શરમમાં ઝઘડો ટાળેલો.
... માર ખાવો એટલે કેમનું તે ખબર પડવાની આજે એને...
આટલો વિચાર તો ગિરજુને ઘસરકો કરીને જ રહ્યો, તોયે ઠેઠ ઊંડે ઊંડે પેલી કાકલૂદી ચાલુ રહી.
.... પરભુને બો ન કનડે એમ કરજો મારી મા...
- એ પરભુ જ અહીંનો હાકેમ થઈ ફરે છે. લાલસિંગ, એને જ ઠમઠોરો બરાબર એટલે ખબર પડી જાય.
- ઔર સા’બ યે ચંદર ભી પરભુ કે સાથ, ઉસકા ચ આદમી.
બોચી પરના એક જોરદાર પ્રહારે તોતિંગ ઝાડ અણધાર્યું તૂટી પડ્યું હોય તેમ પરભુ ભોંયે આળોટી પડ્યો. એકશ્વાસે બારણાં ધકેલી, સુસવાટો થઈ, મોટી ચીસ સંગાથે ગિરજુ ધસી.
- ઓ... ઓ... એને કંઈ નથી માલમ... બા’રથી આ ઘડીએ આવેલો છે એવો એ તો... કે વારથી ઘરમાં ની ઉતો... એને કેઈ રીતે... ફાટી આંખે ગિરજુ બધાંની વચ્ચોવચ ખાબકી. પા અડધી ઘડી હોબાળો મચી ગયો. પછી ગિરજુને જકડી એક કોર ખસેડી દીધી. એની નજર સામે જ પરભુને એક પટ્ટો હચમચાવતો હતો. પરભુનું કરડું, તીખી આંખો ને મોટી મૂછોવાળું મોં ભારે થાપટે ડાબા-જમણી ફરતું હતું. એના પર જાણે પરભુનો કોઈ કાબૂ જ રહ્યો નહોતો.
અને ગિરજુ એક છેક અજાણ્યા પરભુને દંગ થઈ જોતી રહી ગઈ, ખુલ્લા મોંએ, નરી નવાઈમાં ડૂબકાં ખાતી. એણે પરભુને હાથ જોડતો જોયો, નરમ ઘેંશ અવાજે બબડતો જોયો, ગળે હાથ રાખી સોગંદ ખાતો જોયો, વાંકા વળી લળી લળી સલામો ભરતો રાંકડો બનતો જોયો. આંખો ખૂલે તેટલી ખોલીને એણે આ જુદા પરભુને જોયા જ કર્યો. એ તો સામે જ ખોડાયેલી, તોયે પરભુએ એના ભણી નજર સરખી ફેંકી નહોતી, જાણે એ હવાની જ બનેલી હોય.
... છેલ્લે મઈળો કોઈ માથાનો...
આ સધિયારો સળગતી ગિરજુને ટાઢી પાડવા મથતો હતો તોયે માંહે કશું છટપટતું હતું.
... કોઈ દા’ડો માર ખાધો નો’તો... આજ હજાર આંખ હામ્ભે... બૈરાંછોકરાં ડોહાંડગરાંની હામ્ભે... પરભુડાને તો કાલ બા’ર નીકળવાનું હો ઝેર જેવું...
આમેય વાતમાં દમ નહોતો તેથી ખાસ કશા ધડાકા વગર જ ખેલ પૂરો થયો. ડંડા અફાળતા ધડબડ કરતા વરદીધારીઓ ડબ્બામાં પેઠા. ગાડીઓની ઘરઘરાટી દૂર ગઈ કે વસતીની થાકેલી લોથ બધી ઘરખૂણે ભરાઈ, થોડી સલામતીમાં શ્વાસ લેતી. અપમાનની લાય, પેટની આગ, સાચે ચા-બીડી ને એવી બધી તલપ. ઓરડીની કાળાશમાં એટલે જ તણખા ઝરવા લાગ્યા.
નીચું મોં રાખી પરભુએ દોરડી પરથી એક કટકો ખેંચી ભીનાં હાથ-મોં ઘસીને લૂછ્યાં. ખાટલી પર બેઠો. ગિરજુ ત્રાંસી નજરે પરભુની હિલચાલ નોંધી રહી. પરભુના કહ્યા વિના જ એણે તપેલીમાં પાણી ગરમ કરવા મૂક્યું. પરભુ બેધ્યાનપણે બીડી ફૂંકતો હતો.
- ચાય મૂક.
ચાય નહીં તો બીજું શું ચૂલે ચડ્યું છે? એવો છણકો કરવાની દાનત મનમાં દબાવી ગિરજુએ ડબ્બો ખોલી અંદર હાથ નાખ્યો. ચાની ભૂકી હાથ ન આવી. આંગળીએ કરકરી કાળાશ ચોંટી. એમ કેમ? બે દા’ડા પર માલ તો લાવી હતી દુકાનેથી, ચા-પત્તી લીધેલી જ વળી.
... દુકાન પર જ રે’ઈ કે હું! રુખમણી જોડે જવાય ને લેઈ તો અવાય... વાર લાગે જરી...
શું કરવું તે નક્કી કરવામાં ગિરજુ ગોથાં ખાતી હતી, પાણી ઊકળી ઊકળીને ઊછળતું હતું. પરભુની આંખ ભટકતી ભટકતી એ ખખળતા પાણી પર જઈ પહોંચી.
- આંખ ફૂટી ગેઈ તારી? ધિયાન કાં રાખતી છે?
- ચાયની ભૂકી ની દેખાય, કેથે રે’ઈ ગેઈ કે કેમ જાણે...
- એક કપ ચાય બનાવવાનું બી ઠેકાણું ની મલે... બેઠા પરથી ઊઠે હો ની ઝટ... હાળી છેક જ ભૂંડણ...
ગિરજુનું લમણું ધમધમી ઊઠ્યું. છાતીના ધબકારાએ ધડામીટ મચાવી દીધી. હાથપગમાં માતા આવ્યાં હોય એવી ઝણઝણાટી અને ધ્રૂજારી પરખાઈ.
....તાં તારા હગલાઓએ ધબેઈડો તેવારે મંગોમંતર રિયો ને આંઈ રુઆબ દેખાડે છે... તાં નાકલેંટી તાણતો’તો... ગિરજુનો ચહેરો લાલચોળ બનતો ગયો. આંખો તડતડી ઊઠી, હોઠ દબાયા, ભીંસાયા.
... બીડીઓ તાણી તાણીને ને ઢીંચી ઢીંચીને હાવ ખોખું થવાનો તોય એ ભમરી તો જોવ ભેજામાં.... જોય કે ની ડોહા બધા ખાટલી ઝાલી પડેલા તે?....
- તને કે’તો છું, કાનમાં દાટા ઘાલેલા જે હું? ચાય લાવ, કેટલી વાર?
સપાટામાં ગિરજુ ઊભી થઈ ગઈ, પરભુના મિજજથી એ દાઝતી હતી.
... આજ તો પરભુડાને ખબર પાડું... બો તાપ વધેલો છે... હાળા બધ્ધા બૈરી પર જોર કાઢે તિમાંના... પેલા હામ્ભે તો છાણના પોદળા જેવા...
પૂરી તાકાતથી પરભુને અડબોથ ચોડતો એક મગદળ જેવો હાથ ગિરજુને દેખાયો. એણે પોતાના હાથ જોયા. કુહાડીથી લાકડાં કાપતા, ભારેખમ ટોપલા-ભારા ઉપાડતા, ચૂલા પરથી ધગધગતી તપેલી ઝડપભેર ઉઠાવી જમીન પર મૂકી શકતા. આગમાં તપાવીને નક્કર બનાવેલ ખડતલ હાથ. ને આ જ શરીરે નવ-નવ મહિના લાગી ગદડમદડ કીકાને ઊંચકેલો.
- ગિરજુનું પોયરું તો જાણે વરહ દા’ડાનું થેઈને જ બા’ર આઈવું... જો તો હાડ કેવું...
- એ તો કરમની કઠણાઈ કે કીકલો છ મહિના જ જીવ્યો.
... આ ફેરે જો આદત મુજબ પરભુ એના વાળ ખેંચે કે હાથ મરડે તો આ હાથથી જ પરભુનો હાથ પકડી સટાક... સટાક...
લોખંડી આંગળાં ગિરજુના ચહેરાને જકડીને બળપૂર્વક એક તરફ ફેરવી રહ્યાં.
- નીચી મૂંડી રાખી બેઠી તે જવાબ દે ને! દઉં હવડે એક આડા હાથની તો...
ગિરજુના દાંત હોઠ પર દબાયા, એણે ગરદન ફેરવી પરભુનો હાથ ઝાટક્યો અને ટટ્ટાર ઊભી થઈ ગઈ, પરભુની સળગતી આંખમાં પોતાની આંખના કેસરી ભડકા પરોવી. પરભુ હવે છેક જ પાગલ બની ગયો.
- જકાત, મારી... મારી હામ્ભે?
ઝડપથી ધસેલા પરભુની આડે ગિરજુનો હાથ આવી ગયો. ચૂડીવાળો, તપીને રાતો થયેલો, મજબૂત. વીફરેલા ગિરજુએ બરાબર જોયો, આરપાર. હિંસક તો ખરો, પણ ઘાયલ, ને તેથી લાચાર... તરફડતો...
... મરદ જેવો મરદ... ગામ દેખત બાપડાનું નાક ધૂળમાં... બીજું તો ઠીક બૈરાંપોયરાંના દેખતા જ... અરેરેરે...
હવામાં તોળેલો હાથ ગિરજુએ નીચે ઢળવા દીધો. પરભુડાથી, એની ધખતી મરદાઈથી એકદમ ડરીને દબાઈ ગઈ હોય એવો ડોળ કરી એણે સાડલો સંકોર્યો. અવાજમાં લગીરે ગરમી ન આવી જાય તેની ચોંપ રાખી, એને ખાસ ડાહ્યોડમરો ને ઢીલોઢફ બનાવી, પાંપણ ઢાળી એ બોલી.
- આ ઘડી ચાય પત્તી લેઈ આવું. તમ જરા જંપો, હવડે ગઈ તેવી આવી.
પડખેની ખોલીનાં બારણાં વચાળે બેઠેલી, બજરની દાબડી ફંફોસતી જીવુની ઘરડીખખ સાસુએ કરચલિયાળા અવાજે ગિરજુને અમથું કહેવા ખાતર જ કીધું :
- કંઈ બો આરડતો દેહું આજ તો પરભુ...
- હોં માહી, તઈપો’છ બરાબરનો. એની ગરમી તો બાપ અમથીયે બો આકરી... તિમાં આ આવું બધું થિયું એટલે તો... ચાય નથી તે લેઈ આવું પેલવેલી, નીકર પાછો એ...
મુઠ્ઠીમાં રાખેલા પૈસા સાડલાને છેડે બાંધતાં ગિરજુએ મુઠ્ઠી ખોલીને પાછી બંધ કરી, મુઠ્ઠીમાં જ પરભુની મોંઘામૂલની એક ચીજ સંતાઈને, પડી હતી, તે જોઈ લીધું હોય તેમ એણે મુઠ્ઠી સાડલે ઢાંકી, પછી આછું મલકીને બેફિકરાઈથી એ દુકાનને રસ્તે વળી. સહેજસાજ ભીની જમીન પર એનાં બળૂકાં, વજનદાર પગલાં કોતરાઈ ગયાં.
(વાર્તાકારઃ હિમાંશી શેલત)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર