કેસરી દળનો નાયક

15 Oct, 2016
12:00 AM

PC: ndtv.com

(વાર્તાકારઃ ધૂમકેતુ)

 

નાના છોકરાને સખ્ત તાવની બીમારીમાં મૂકીને આવ્યા હોય તેથી, કે પછી બીજી વારનાં નાનાં વહુ પાસેથી ઊઠીને આવવું પડ્યું હોય તેથી, ગમે તેમ, મેજિસ્ટ્રેટ સાહેબે પ્રવેશ કર્યો ત્યારે તેમના મોં પર કંટાળો હતો. વધારે ઝીણવટથી તપાસી જોતાં વખતે માલૂમ પડે છે કે આજના દિવસ માટે કે અકસ્માતને લીધે આ કંટાળો નહિ હોય, પણ આ કંટાળો જ એમનો પ્રિય જીવનસંગાથી બન્યો હશે. ઠંડું ખુશનુમા પ્રભાત હતું અને બહારના મેદાનમાં આંખ ઠરે તેવી લીલોતરી દૂર દૂર સુધી દેખાતી હતી. મેજિસ્ટ્રેટ સાહેબે, ચાવી દીધેલા પૂતળાની પેઠે, કોર્ટમાં  પ્રવેશ કર્યો ને બહાર નજર ફેંકવાની પણ તસ્દી લીધા વિના. 'અજવાળું રોકો નહિ' એમ બારી આગળ ઊભેલા લોકો પ્રત્યે બૂમ પાડી, એ બૂમનો અવાજ ઝીણો, ચીડિયો ને થાકથી ભરપૂર હતો. વધારે ઊંડાણથી જુઓ તો એ અવાજ દર્દીનો લાગે : દર્દી જાણે બૂમ પાડતો હોય - 'વધારે અજવાળું, વધારે અજવાળું!' - ને અજવાળું આવે તો પણ વર્ષોનાં વર્ષો અંધારામાં રહેવાની ટેવને લીધે તેને હજી બૂમ પાડવાનું મન થાય કે : 'વધારે અજવાળું!'

સલ્તનત ઊખેડી નાખનારા જુવાનોને પકડી પાડ્યા હોય તેમ બહાર, ભરી બંદૂકે પોલીસ આંટાફેરા કરતા હતા : કેટલાકને એ આંટાફેરાને લીધે પોતાનું મહત્ત્વ વધ્યું હોય તેમ ઊંડો સંતોષ થવાથી, ચહેરા પર અભિમાનભર્યો રૉફ આવી ગયો હતો. અને એવા ખોટા 'રૉફ'નો વેશ વારંવાર ખુલ્લો થઈ જાય છે. એ ભાનથી ક્રોધ પણ ચડ્યો હતો. બે-ચાર પોલીસ અફસરો. પણ, મહત્ત્વ કપડાંમાં છે માણસમાં નથી. એવો ખુલ્લો એકરાર કરતા હોય તેમ, અક્કડ ને અક્કડ આમતેમ આંટા મારી રહ્યા હતા.

મેજિસ્ટ્રેટ સાહેબે ડોકું ઊંચું કર્યું, આખી કોર્ટ ચિકાર ભરી હતી. બીજાને જોવાના ન હોય તેમ તેમણે અપરાધી પર આંખ ઠેરવી.

એ આંખ તદ્દન ભાવવિહીન હતી. હાસ્ય કર્યું, પણ તે લખ્યું ને ચામડી પર પરાણે કાઢેલા લિસોટા જેવું હતું.

'તમારું નામ?'

'મારું નામ...' જવાબ મળ્યો.

'ઉમ્મર?'

'બાવીસ.'

'વતન?'

'સાહેબ, મારે ઘર નથી!'

'ક્યાં જનમ્યા?'

ગુનેગારે ગામનું નામ આપ્યું.

'જ્ઞાતિ?'

'બ્રાહ્મણ.'

મેજિસ્ટ્રેટે કલમ જરા અટકાવી કારકુનની સામે જોયું. આંખમાં વીજળી હોય ને તેનાથી ચાવી દેવાતી હોય તેમ કારકુન બે સદી પહેલાંનો જુનવાણી અવાજ કાઢીને, ગામડાની નિશાળે બેસીને 'એકડે એક'નો પાઠ બોલતો હોય તેવી રીતે અપરાધનું સ્વરૂપ કહેવા માંડ્યો. તેમાં 'કાયદો' 'સ્થાપિત સરકાર'ને 'અશાંતિ' ત્રણ જ શબ્દો બરાબર સંભળાયા.

'અજવાળું આવવા દો.' કારકુને પૂરું કર્યું, ત્યાં મેજિસ્ટ્રેટે બારી તરફ ફરીને પોકાર કર્યો. એનો એ તીખો, ચીડિયો, થાકેલો અવાજ. જાણે બોલવું એ કંટાળો છે, જીવન એ કંટાળો છે, કલમ કંટાળો છે, લખાણ કંટાળો છે, અને આપણે ખુરશી પર બેઠા રહીએ, ઉપરથી પોષણ પુરતો ગળ્યો કે ખાટો અથવા તીખો રસ આવ્યા કરે. મોમાં પડે ને એમ ને એમ જીવન પૂરું થાય - એવી એવી નોકરિયાત ફિલસૂફીનો જીવડો જેવો અવાજ કરે તેવો અવાજ મેજિસ્ટ્રેટે કર્યો : 'અજવાળું આવવા દો!'

અને તરત જ એ શબ્દોની પાછળ 'દૂર ખસો, હટો.' 'ઈસકુ હટા દે', 'ઉસકુ હટા દે', 'ક્યું નહિ હટતે!' એવા એવા સલ્તનતની શોભામાં અભિવૃદ્ધિ કરનાર વિવેકી શબ્દોથી સપાઈસપરાં ગાજી ઊઠ્યાં.

'તમારે કાંઈ કહેવું છે?'

પેલો સુંદર જુવાન બેઠો થયો. દુશ્મનોનાં દિલ જીતનારું સાદું ને સાચું સ્મિત કર્યું. તીખાશ કે કડવાશ વિના જવાબ વાળ્યો :

'ના.'

'બચાવ કરવો છે?'

'ના.'

અને તરત કોણ જાણે ક્યાંથી - મેજિસ્ટ્રેટની ખુરશી પાસે જ - 'ઈન્કિલાબ ઝિંદાબાદ'નો અવાજ આવ્યો. મેજિસ્ટ્રેટે કંટાળીને જોયું. એનો નાનો છોકરો ઊભો થઈને બોલી રહ્યો હતો : 'ઈન્કિલાબ ઝિંદાબાદ.' હંમેશાં કોર્ટમાં ગુપચુપ પેસી જવાની તેને ટેવ હતી અને હંમેશાં કોર્ટમાં પોતાના બાપ સવાલ જવાબ કરે તે પછી આમ બોલાતું તેણે સાંભળ્યું હતું, પણ આજે કોઈ બોલ્યું નહિ, એટલે પોતે એ બધાની ભૂલ સુધારે છે એમ ધારીને શાબાશી મળવાની આશાએ તે બોલી ઊઠ્યો હતો : 'ઇન્કિલાબ ઝિંદાબાદ!'

મેજિસ્ટ્રેટ સાહેબની ખુરશી પાસે બેઠેલા ફોજદાર સાહેબ, હંમેશની ટેવને લીધે, બૉમ્બ પડ્યો હોય તેમ અર્ધા બેઠા જેવા થઈ ગયા, પણ મેજિસ્ટ્રેટના નાના છોકરાને જોઈને તે પાછા બેસી ગયા.

'લછમનસિંહ!' મેજિસ્ટ્રેટે બૂમ પાડી.

'જી!'

'ઇસ છોકરે કુ ઘર ભેજો : ઉસકુ ભી, પાંચ ફટકા લગાને કી શિક્ષા ચાહીએ.'

'પણ સાહેબ,' અપરાધી જુવાન બોલ્યો : 'નવ વર્ષની નીચેના છોકરા માટે માબાપને શિક્ષા થાય છે!'

'ત્યારે ફોજદાર સાહેબને કહીએ. મને પાંચ ફટકા મારે!'

પ્રેક્ષક, અપરાધી, પોલીસ અફસરો સૌ હસી પડ્યા. કદાચ, અત્યાર સુધીના ભારેખમ વાતાવરણમાં માણસો બેઠાં છે - એકબીજાની સાથે હંમેશના રહેવાવાળા - એ ભાન હમણાં જ સૌને થયું હોય તેમ લાગ્યું.

લછમનસિંહ, મેજિસ્ટ્રેટના છોકરાને લઈને ચાલ્યો, પણ છોકરાના મનમાં અપરાધ જેવું કાંઈ વસ્યું ન હતું, ને આવી રીતે અપરાધીની પાછળ સિપાઈ ચાલે છે, ત્યારે 'ઈન્કિલાબ ઝિંદાબાદ'ની બૂમો તેણે સાંભળી હતી. એટલે તે તો પગથિયાં ઊતરતાં 'ઇન્કિલાબ' એમ જુસ્સાથી બોલી ઊઠ્યો ને ઊભેલા લોકોએ 'ઝિંદાબાદ' પોકારી તેની બૂમ ઝીલી લીધી.

વાતાવરણમાં જોઈએ તે કરતાં વધારે આનંદ ફેલાય છે, તે જોઈને મેજિસ્ટ્રેટ સાહેબ એકદમ કંટાળેલો ચહેરો કરીને 'અજવાળું આવવા દો' એમ બૂમ પાડીને, બીજા અપરાધીઓને ઠંડે કલેજે નિયમિત પ્રશ્નો કરવા લાગ્યા :

'તમારું નામ?'

'બાપનું નામ?'

'વતન?'

'ઉમ્મર?'

'ધંધો?'

- અને એ ને એ - વકીલ સાહેબો જે ચાર-પાંચ પ્રશ્નોના સાચા જવાબો અસીલો પાસેથી અપાવે તે ક્રિયા ચાલી. મેજિસ્ટ્રેટ સાહેબ પોતાના છોકરાનો વિચાર કરતા હતા, છતાં જ્યારે અપરાધીએ કહ્યું કે મારું નામ ઈન્કિલાબ, બાપનું નામ ઝિંદાબાદ, વતન જ્યાં જ્યાં અન્યાય હોય ત્યાં, ઉંમર યૌવન, અને ધંધો જૂના ખખડધજ છાંયો ન આપે તેવા ઝાડવાં પાડવાનો - ત્યારે મેજિસ્ટ્રેટ સાહેબ પણ કંટાળા ભરેલું હાસ્ય કર્યા વિના રહી શક્યા નહિ.

આટલી ક્રિયા પૂરી થઈ કે તરત હાથથી ચશ્માં સરખા કરતા બૂઠી મૂછવાળા, ઝૂલણ હાથી જેવા સરકારી વકીલ ઊભા થયા, પોલીસ અફસરને સવાલ પૂ્છ્યો :

'આ જે ચળવળ ચાલી છે તેથી તમારે ત્યાં સાંતિ છે કે અશાંતિ?'

'અશાંતિ, સાહેબ.'

'બહુ છે કે થોડી?'

'બહુ.'

'બહુ એટલે શું?'

'બહુ એટલે ઘણી.'

'ઘણી શબ્દથી તમે શું કહેવા માગો છો તે બરાબર સમજાવો.'

અને તરત જ પોતાનો ચશ્મો સરખો કરી, અપરાધીઓ તરફ એક નજર નાખી, સરકારી વકીલ પાછા ઝૂલવા માંડ્યા.

હવે મહાભાષ્યકાર પણ મોમાં આંગળી નાખે તેવી ચતુરાઈથી પોલીસ અફસર 'ઘણી' શબ્દની વ્યાખ્યા કરવા લાગ્યો :

'ઘણી અશાંતિ છે એટલે બહુ અશાંતિ છે.'

સરકારી વકીલ તરત જ થોભ્યા : 'તમે બહુ જ 'જ' કહો છો?' - 'જ' ઉપર કોઈ વૈયાકરણીને સ્વપ્ને પણ આવેલો નહિ એટલો ભાર વકીલ સાહેબે મૂક્યો. કદાચ 'જ' અક્ષરની વચ્ચે જે મીંડું દેખાય છે તે જાણે કોઈએ હથોડો મારી મારીને સાણસીથી પકડીને વળાંક આપ્યો હોય તેવું છે, તે આવા આવા પ્રસંગોને લીધે જ આવ્યું હશે. ખરેખર, 'જ' બિચારો કમનસીબ અક્ષર લાગે છે.

'હા જી, બહુ જ - ઘણી જ - અશાંતિ છે.'

'ઠીક વારુ,' સરકારી વકીલે દાઢીએ હાથ ફેરવ્યો, ને દાઢીએ વાળ નહિ હોવાથી ભોંઠા પડેલા હાથને મન મનાવતા હોય તેમ, બીજા હાથથી ચોળવા લાગ્યા - શબ્દ સંભારતા હોય તેમ અથવા સાબુથી હાથ ધોતા હોય તેમ.

'ઠીક વારુ, આવી અત્યંત જ અશાંતિ તે ક્યારેય જોઈ છે ખરી?'

'જી ના, મારી પાંત્રીસ વર્ષની નોકરી દરમિયાન નહિ.'

'વારુ, અત્યંત જ અશાંતિ તમે ક્યારેય જોઈ નથી?'

'જી ના.'

'હવે તમને એમ લાગે છે કે આ અત્યંત જ અશાંતિ દબાવી ન દઈએ તો લોકોને નુકસાન થાય?'

'જી હા.'

'વારુ, આ અશાંતિ ન દબાવીએ તો શું થાય?'

'તો લોકોને નુકસાન થાય.'

'ત્યારે આ અત્યંત જ અશાંતિ દબાવવા માટે જ તમે સખ્તાઈ કરેલી?'

'અત્યંત જ' એમ પાંચેક વાર બોલવાથી જાણે અશાંતિ હોય તેમ કોર્ટની પાછળના વરંડામાંથી કમબખ્ત ગધેડું ભૂંક્યું.

હવે હું ગધેડાશાસ્ત્રમાં પ્રવીણ નથી એટલે કહી ન શકું, પણ ગધેડા જે જાતની અશાંતિ ભેલાવે છે તે ઘણી ભયંકર હશે તેથી જ મેજિસ્ટ્રેટ સાહેબે 'ગધેડાં' વિશે સિપાઈઓનું ધ્યાન ખેંચવા બારી તરફ નજર કરી : ને ત્યાં ઊભેલા લોકોને જોઈને નિયમ પ્રમાણે 'અજવાળું આવવા દો!' એમ બોલી ઊઠ્યા.

'ઉસકુ હટા દો.' એવી જમાદારે એક બૂમ મારી. અને 'ઉસકુ' એટલે 'ગધેડેકુ' એમ સિપાહીને ખબર નહિ પડવાથી તે માણસોને હઠાવીને પછી ગધેડાને હઠાવવા દોડ્યો. હજી, એમ તો, માણસો પ્રત્યે, સિપાઈસપરાં, ગધેડાના કરતાં વધારે માનભરી દૃષ્ટિથી જુએ છે. એટલે જ માણસોને હઠાવ્યા પછી તે ગધેડાને હઠાવવા દોડ્યો. અને તેની આ માણસાઈ પર ફિદા થયું હોય તેથી માનપત્ર આપતું હોય તેમ એક કૂતરું પણ ભસતું ભસતું તેની સાથે દોડ્યું!

'ઠીક વારુ,' ગધેડું ભૂંકતું બંધ પડ્યું ત્યાં સરકારી વકીલ બોલ્યા, 'એટલે તમને લાગે છે કે કાયદાથી સ્થાપિત થયેલી સરકારને ઊથલાવી પાડવા જે ઘણા જ નાખુશ દેખાવો થાય છે, તે ઘણા જ નાખુશ દેખાવો દાબી દેવા માટે, તમે જે કર્યું તે તે સમયને માટે જરૂરનું હતું?'

'જી હા.'

'તમે સખ્તાઈ વાપરેલી?'

'ના. અમે જરૂર જેટલું જ બળ વાપરેલું -'

'તમે આ નાખુશ દેખાવો દાબી દીધા ન હોત તો શું થાત?'

'તો લોકો ઉશ્કેરાઈ જાત, ને પતંગિયાની પેઠે મરી જાત!'

'લોકે ઉશ્કેરાવાથી શું થાય?'

'તોફાન થાય.'

'તોફાન શી રીતે થાય છે?'

'લોકોના ઉશ્કેરાવાથી.'

'લોકો ક્યારે ઉશ્કેરાય છે?'

'આવા નાખુશ દેખાવો જોવાથી.'

'આવા નાખુશ દેખાવો કોણ કરે છે?'

પોલીસ અફસરે એક પછી એક નામ દઈને અપરાધીઓને ગણાવ્યા.

'ઠીક વારુ, ત્યારે આ અત્યંત જ અશાંતિ, આ અત્યંત જ નાખુશ દેખાવો કરનારા, આ અત્યંત જ અશાંત લોકોને આભારી છે એ સાચું કે ખોટું?' સરકારી વકીલ 'જ' ઉપર ખૂબ ભાર દેતા ગયા. બિચારો 'જ' - બે-ચાર વર્ષમાં તદ્દન સાફ થઈ જશે - બહુ ભાર આવવાથી દેખાવ વિનાનો સપાટ બની જશે.

'સો ટકા સાચું!' પોલીસ અફસર ફુલાઈને બોલ્યા. સો ટકા બોલતાં તેમને સો ટચ સોનાના સ્પર્શ જેવો આનંદ થયો.

અત્રે સરકારી વકીલે પોતાની તપાસ પૂરી થયાનું જાહેર કર્યું. મેજિસ્ટ્રેટ સાહેબ તરત ઊભા થયા ને પોતાની ચેમ્બરમાં ચાલ્યા ગયા.

થોડી વાર પછી બહાર આવ્યા ત્યારે એમનો જીવનભરનો સંગાથી કંટાળો સાથે જ બહાર આવ્યો.

'અપરાધી નં.' એમ ધીમેથી બોલી, અપરાધીઓને સજા ફરમાવી જરા સ્મિતભર્યું મોં અપરાધીઓ સામે ફેરવી, મોટી કામની મુશ્કેલીમાંથી છૂટ્યા હોય તેમ, તે તરત રવાના થઈ ગયા. બિચારા! વહુનું મોં આ અશાંતિના સમયમાં સવારે સાડાઆઠ વાગ્યે જોતા. અને પછી છેક સાંજે સાડાચાર! પછી જીવનસંગાથી કંટાળા જ સાથે ફર્યા કરે એમાં શી નવાઈ!

રાત્રે મેજિસ્ટ્રેટ સાહેબ વાળુ કરીને સૂતા હતા ત્યારે, અચાનક કોણ જાણે કેમ, પણ કદાચ દરેક નરમ વસ્તુ બહુ સુંવાળી હોવાથી, ઘણી જ સહેલાઈથી કઠણમાં કઠણ પદાર્થ સાથે પોતાનો મેળ સાધી શકે છે તેથી, કે ગમે તેમ પણ મેજિસ્ટ્રેટ સાહેબના અંતઃકરણમાં પેલા જુવાન અપરાધીનું સાચું નિર્દોષ સ્મિતભર્યું મોં ઊગી નીકળ્યું. ખાટલામાં પડ્યા પડ્યા પોતાના નાના બચ્ચાં સાથે વાતો કરતા કરતા તે બીજી અને આડીઅવળી વાતો કરવામાં પડ્યા, પણ કેમે કરીને પેલા જુવાનનો જુલફાંવાળો, ખુશનુમા ચહેરો તેમની નજરમાંથી ખસે નહિ.

'લછમનસિંહ!' તેમણે બૂમ મારી. એ જુવાનની વિશેષ હકીકત જાણવાની ઈચ્છાથી તેમણે લછમનસિંહને બૂમ મારી. પણ લછમનસિંહ ત્યાં હતો નહિં.

'આજે બિચારા કેટલા જુવાનોને તમે સજા કરી?' - એમને માબાપ કાંઈ નહિ હોય? - કહેતાંક ને મેજિસ્ટ્રેટ સાહેબનાં પત્ની આવ્યાં. તેમની સોનાની બંગડીનો રણકાર મેજિસ્ટ્રેટના અંતઃકરણને કવિતાના શબ્દ જેવો મધુર લાગ્યો.

'આજે તો બા, એક છોકરો એવો સરસ હતો - પેલો જુલફાંવાળાનો - અને જુલફાંવાળો જુવાન પોતે પણ.'

'હા, હા, એનાં બિચારાનાં સગાં ખોબે પાણીએ રડતાં હતાં. કેવો સુંદર છોકરો હતો!'

મેજિસ્ટ્રેટ સાહેબ બગાસું ખાઈ, વાતને આડીઅવળી કરવા લાગ્યા. વખતે અંતઃકરણ ઢીલું પડે ને આવી એશઆરામની જગ્યા છોડવાની કુબુદ્ધિ જાગી ઊઠે, અથવા ન્યાય પ્રમાણે કરવા જતાં, સત્તાધીશોનો ખોફ વહોરી, કોઈ રણવાટમાં બદલી થઈ જાય!

એટલામાં તો તેમનો નાનો છોકરો, આ અનુકૂળ વાતાવરણ જોઈ, પોતાના જીવનની મસ્તી ઠાલવતો હોય તેમ, વાવટો લઈ ઓરડામાં ફરવા લાગ્યો :

'ઈન્કિલાબ ઝિન્દાબાદ! ઇન્કિલાબ ઝિન્દાબાદ!'

મેજિસ્ટ્રેટ સાહેબનાં વહુ હસવા લાગ્યાં, પણ મેજિસ્ટ્રેટ સાહેબ જરાક ગભરાતા ગભરાતા બોલ્યા : 'રહેવા દે હવે, બેસી જા. બહુ રમતાં શીખ્યો છે ! કોર્ટમાં પણ બૂમ પાડે છે!'

'હવે એમાં તમારું શું જાય છે? છોકરું છે તે રમે નહિ!'

'આ તે કાંઈ રમત છે? - આ તો અગ્નિની રમત છે.' પાછળની નદીમાં રેતીના મેદાનમાં જુવાનિયા 'ઈન્કિલાબ ઝિન્દાબાદ' બૂમ મારી રહ્યા હતા.

અને ઊછળીને મેજિસ્ટ્રેટનો છ વર્ષનો છોકરો તેમને જવાબ આપતો હોય તેમ ઓરડામાં ધમાધમ કરી રહ્યો હતો.

ઘડીભર મેજિસ્ટ્રેટ સાહેબ શાંત થયા. એમનાં વહુ ખાટલા ઉપર એમની પાસે બેઠાં.

'તમને શું લાગે છે? આ લડાઈનું પરિણામ શું આવશે?'

'લડાઈનું પરિણામ ગમે તે આવે,' મેજિસ્ટ્રેટ સાહેબ જરા ગળગળા થઈને બોલ્યા. પાછળ નદીમાં ઈન્કિલાબનો અવાજ દૂર દૂરના પડઘા જેવો આછો થતો જતો હતો. અને કોઈ માણસ ગજબની વાંસળી વગાડી રહ્યો હતો.

'પરિણામ ગમે તે આવે...' મેજિસ્ટ્રેટ બોલ્યા - બોલતાં અચકાયા, પણ તેમના નબળા હૃદયમાં એક વાત ઊગી હતી. 'પેલા જુલફાંવાળા જુવાન જેવાં બલિદાન અફળ જાય - તો પછી સત્ય, શ્રદ્ધા, ઈશ્વર -' અને તે મૂંઝાવા લાગ્યા. તેમની કોર્ટમાં, દૂધ, હોઠ ઉપરથી ન સુકાયું હોય તેવાં, જુવાન બાળકો હંમેશાં આવતાં હતાં. જેના હૃદયમાં ક્યાંય કટુતા ન હોય - જે સર્વ દોષ પ્રણાલિકા ઉપર ઢોળી પ્રણાલિકા સાચવનાર વ્યક્તિને સાધારણ મનુષ્ય જેમ જ નિહાળતા હોય તેવા મધુર જુવાનો પણ આવતા હતા. આજે એ બધું દૃશ્ય તેમની સામે ખડું થયું.

'પરિણામ ગમે તે આવે - તમે શું કહ્યું?' મેજિસ્ટ્રેટ સાહેબનાં પત્ની બોલ્યાં.

'પરિણામ ગમે તે આવે - હાર થાય, જીત થાય, ગમે તે થાય - પણ આ છ છ વર્ષનાં છોકરાં આજથી દસ વર્ષે સામી છાતીએ રણમાં પડશે - અને આ - આપણો જ છોકરો એક દિવસ હણાઈ જશે.'

બહારથી પગરખાંનો અવાજ આવ્યો. 'ઈન્કિલાબ ઝિંદાબાદની'ની બૂમ પડી, ને પટાવાળાએ આવીને કહ્યું કે 'છ જુવાનો પકડાયા છે.' મેજિસ્ટ્રેટ કંટાળીને બહાર નીકળ્યા. હથિયારબંધ સિપાઈઓએ સલામ કરી અને તેમની વચ્ચે મેજિસ્ટ્રેટે દૂધમલ જુવાનોને ઊભેલા જોયા.

સિપાઈઓને સૂચના આપી વિદાય કર્યા અને મેજિસ્ટ્રેટ પાછા ઘરમાં આવ્યા.

'આપણો આ છોકરો હણાઈ જશે?' - મેજિસ્ટ્રેટનાં પત્નીએ નાના છોકરાનો હાથ પકડી રાખી ગળગળે અવાજે પૂછ્યું.

મેજિસ્ટ્રેટ છોકરા તરફ ફર્યા : 'શંકર! - તું મોટો થઈને મારા જેવો મેજિસ્ટ્રેટ થાય ત્યારે શું કરીશ?'

છોકરો જવાબ આપે તે પહેલાં લછમનસિંહ અંદર આવ્યો. 'લછમનસિંહ, હમણાં વાંસળી કોણ વગાડતું હતું?' શંકરે પૂછ્યું.

'હું વગાડતો હતો સાહેબ!'

'અલ્યા તું?' મેજિસ્ટ્રેટ બોલ્યા.

'જી હા.'

'લાવ, મને વાંસળી દે.' કહીને શંકર તેને વળગ્યો. ને ખીસામાંથી વાંસળી કાઢવા જતા તિલક મહારાજનો ચાંદ નીચે ઢળી પડ્યો. વધારે જોર કરીને શંકરે વાંસળી ખેંચીને શિવાજી મહારાજનો ચાંદ નીચે પડ્યો.

મેજિસ્ટ્રેટ જોઈ રહ્યા : 'અલ્યા, તું નોકરીમાંથી નીકળી જશે હોં?' લછમનસિંહે શંકરના હાથમાં વાંસળી જવા દીધી : ને સજળ નેણે બોલી ઊઠ્યો : 'સાહેબ ! હું પણ મરાઠો છું. આટલું તો કરું ! જેમણે મારા દેશને જીવન આપ્યું તેનું નામ તો પાસે રાખું!'

'અલ્યા પેલો આજવાળો જુવાન કોણ હતો?'

'પેલો જુલફાંવાળો?' શંકર બોલ્યો.

'પેલો, - જેની પાસે બહુ રડારોળ થઈ હતી તે -' મેજિસ્ટ્રેટનાં પત્ની બોલ્યાં.

'સાહેબ, એ મીઠ્ઠો જુવાન તો જોઈ અજબ માણસ છે. આપણા ફોજદાર સાહેબે એક વખત એક બાઈ પર હુમલો કર્યો ત્યારે તેણે એકલે હાથે પાંચ જણને રોક્યા હતા. એવો નરમ દેખાય છે, પણ ક્યાંય અન્યાય દીઠો કે તરત પગંતિયાની પેઠે પડે છે.'

'અરેરે, એવાને કેદમાં શું કરવા મોકલો છો?' મેજિસ્ટ્રેટનાં પત્ની બોલ્યાં. શંકરે તેની માનો હાથ પકડ્યો.

'મા ! હું તને - મારા બાપુએ પૂછ્યું કે હું મોટો થઈને શું કરીશ! - હું કહું તને?'

'હા, કહે.'

'હું મોટો થઈને ઈન્કિલાબ ઝિન્દાબાદ કરીશ. પછી મારા બાપા મને સજા ફરમાવશે. પછી તું રોજે. પછી હું કહીશ કે રુઓ છો શું? પછી તમે સૌ બોલજો 'ઈન્કિલાબ ઝિન્દાબાદ' લછમનસિંહ, તું પણ બોલજે - તને સજા નહિ થાય - તું પણ બોલજે -'

મેજિસ્ટ્રેટ સાહેબ હસી પડ્યા. પણ તરત જ તેમના અંતઃકરણમાં એક ઊંડો મર્મભેદી ઘા પડ્યો : 'આ છોકરો દસ વર્ષ પછી ગોળીએ વીંધાશે - અરેરે! -'

'સાહેબ આ એક આપું?' લછનમનસિંહ તક જોઈને બોલ્યો.

'શું છે?'

'આ ગુલાબનું ફૂલ પેલા જુવાન કેદીએ શંકરભાઈને માટે આપ્યું છે.'

મેજિસ્ટ્રેટ ગંભીર બની ગયા : 'લછમનસિંહ, પેલી બારી ઉઘાડ, ને દીવો કર.' હંમેશની ટેવ પ્રમાણે તેમનાથી ઉમેરાઈ ગયું : 'અજવાળું આવવા દો.'

શંકરે ઠેકડો મારીને ગુલાબનું ફૂલ લીધું.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.