જાદુ મંત્ર

30 Apr, 2016
12:00 AM

PC:

(વાર્તાકારઃ ઈશ્વર પેટલીકર)

તરલાએ અનાથાશ્રમની ઑફિસમાં પેસતાં બારણા આગળ ગાદી ઉપર ભોંય બેઠેલા મુનીમ જેવા લાગતા પુરૂષને પુછ્યું : 'મારે વ્યવસ્થાપકને મળવું છે.' મુનીમે કંઈ બોલ્યાચાલ્યા વગર સામે ખૂણે ટેબલ ભણી આંગળી કરી.

દિલીપ ટેબલ ઉપર માથું નીચું ઘાલીને લખવામાં એવો ખૂંપી ગયો હતો કે સામે એક સ્ત્રી આવીને ઊભી હતી છતાં એ તરફ એનું ધ્યાન ન ગયું. તરલા રસ્તે જતી હોય તો ઝાંખી પડેલી આંખોવાળા વૃદ્ધો પણ એને જોવા નજર ખેંચતા, જ્યારે જુવાન દિલીપ સામે એ ઊભી હોવા છતાં દૃષ્ટિ માંડવાની પરવા કરતો ન હતો. તરલાને એક ક્ષણ તો થયું કે દિલીપ જાણીને આમ ઢોંગ કરી રહ્યો હતો. બાકી આમ કોઈ ટેબલ સામે ઊભું રહે છતાં શું માણસનું ધ્યાન એ તરફ ખેંચાયા વગર રહે?

પરંતુ તરલાની એ શંકા ખોટી હતી. દિલીપની ઑફિસ ચોરા જેવી હતી, એમાં થઈને ચાલુ માણસો અવરજવર કરતાં હોય, વારે વારે કોઈ ને કોઈ કામ લઈને આવી ઊભું હોય એટલે એ પોતાનું કામ કરવા એવો ટેવાઈ ગયો હતો કે બાજુમાં થઈને અવરજવર થાય કે કોઈ સામે આવીને ઊભું રહે તો પણ બેધ્યાન બનતો નહીં.

આ રીતે કામમાં એકધ્યાન થવું મુશ્કેલ પડે માટે સ્વતંત્ર ઑફિસ રાખવા સલાહ પણ મળતી હતી, આથી કામમાં વધુ સગવડ પડે એ દિલીપ પણ સમજતો હતો, પરંતુ અનાથાશ્રમ એક રીતે જેલ જેવું હતું. એમાં દાખલ થવું અને બહાર જવું. એ ઉપર બરાબર ચોકી રાખવી પડતી. કેવળ નાના બાળકોને સવાલ હોય તો કડક નાકાબંધીની જરૂર ન પડે. પરંતુ આશ્રમમાં વિધવાઓ, ત્યક્તાઓ અને સરકાર તરફથી સોંપાયેલી ગુનેગાર સ્ત્રીઓનો સમાવેશ થતો. એટલે કોઈ નાસી જવા પ્રયત્ન કરતી હોય તો કોઈ કોઈને ભગાડી જવાનો પ્રયત્ન થતો હોત.

છેલ્લે, પાંચ દિવસ ઉપર એક એવો ભારે હલ્લો થયો હતો. સોળસત્તર વર્ષની બે રૂપસુંદર બાળાઓ લોહીનો વેપાર કરતી ટોળી પાસેથી પકડાઈ હતી. તેમાં શહેરના બે મોટા શેઠિયાઓ સંડોવાયેલા હતા એટલે કોઈ ઉપાયે એ બંને બાળાઓને ગુમ કરવા પ્રયત્ન ચાલતા હતા. પ્રથમ તો એમણે દિલીપની ઉપર બને તેટલી સિફારસ લાવી બાળાઓને ભગાડી જવા માટે પાંજરું અધખોલું કરવાની માગણી કરી. એમાં કંઈ ન વળ્યું ત્યારે ગુંડાઓને આશ્રમમાં દાખલ કરી છોકરીઓનું અપહરણ કરવાનું કામ સોંપ્યું. એમાં પણ ન ફાવ્યા ત્યારે છોકરીઓને ગઈ કાલે મેડિકલ ઑફિસર પાસે ઉંમરનું સર્ટિફિકેટ લેવા લઈ જવામાં આવી ત્યારે પાછાં ફરતી વખતે ઘોડાગાડી ઉપર હલ્લો થયો. પરંતુ દિલીપ સાથે હતો અને ગુંડાબાજીને પહોંચી વળે તેટલો હિંમતવાળો હતો, એટલે સહીસલામત છોકરીઓને આશ્રમમાં લાવ્યો. સાવચેતી તરીકે પીલસનો એસ્કોર્ટ હતો. પરંતુ પોલીસ ફૂટી ગયેલી હોય તેમ નિષ્ક્રિય રહી હતી એટલે પોલીસખાતામાં એમના વિશે ફરિયાદ કરી લડવાનું થયું હતું.

આવી દુનિયાના વ્યવસ્થાપક તરીકે એની જવાબદારી કેટલી હતી તે દિલીપ સમજતો હતો. એટલે જવા-આવવાના મુખ્ય દ્વારવાળા ખંડમાં એણે અડચણ વેઠીને પણ ઑફિસ રાખી હતી, જેથી કોણ જાય છે અને કોણ આવે છે તે ઉપર એની નજર મંડાયેલી રહે. જોકે એ ટેબલ ઉપર કામ કરતો હોય ત્યારે તો તરલાની જેમ સામે આવીને ગમે તે ઊભું રહે તો પણ એ ન જોઈ શકે, તો કોણ અંદર આવ્યું કે ગયું તે ક્યાંથી ખબર પડે? પણ એ તો એની સ્થિતિની વાત થઈ. બાકી એનાથી છાનું આવનાર-જનાર તો એ જુએ છે એમ માની પગલું ભરી જ ન શકેને?

આમ થોડી વાર તરલા ઊભી રહી છતાં દિલીપનું ધ્યાન એના તરફ ન ખેંચાયું એટલે એણે કહ્યું : 'સાહેબ!'

અને એ આગળ બોલે તે પહેલાં દિલીપે ઊંચું જોયું અને એક અજાણી બહેનને જોતા બીજી ક્ષણે એની સામે મંડાયેલી નજરને નીચે વાળી લેતાં એ બોલ્યો : 'માફ કરજો. હું કામમાં હતો એટલે તમને ઊભેલાં જોઈ ન શક્યો.' અને બાજુમાં જ ખુરશી પડેલી હતી તે તરફ નજર કરતાં એણે કહ્યું : 'બેસો.'

છતાં તરલા બેઠી નહીં. બોલી : 'તમારા જેવા અમારા દુખિયાના કામમાં આટલા ડૂબી જાય એ તો આનંદ પામવા જેવું કહેવાય, એમાં માફ કરવાનું કહો એ તો તમારી સજ્જનતા છે.'

આવનાર સ્ત્રી સુંદર છે એમ પહેલી ક્ષણે દિલીપ જોઈ શક્યો હતો. પ્રથમ બોલે એ સમજી શક્યો કે બાઈ છે પણ સંસ્કારી. એ બેઠી નહિ એટલે દિલીપે પૂછ્યું : 'વાતચીત કરવી છે?'

તરલાએ બોલ્યા વગર માથું હલાવી હા પાડી.

દિલીપ ઊભો થયો. બાજુમાં એણે ખાલી એક રૂમ રાખી હતી. તેમાં ખાનગી વાત કરવાની હોય ત્યારે એ બેસતો.

તરલાએ ખુરશીમાં જગા લેતાં કહ્યું ; 'ખાનગીમાં મારે એ જ કહેવાનું છે કે હું કંઈ કહેવા ન માગું છતાં મને આશ્રમમાં સ્થાન મળશે? હું આશ્રમને બોજારૂપ નહિ પડું. ચાર દીવાલોની અંદર તમે મને જે કામ સોંપશો તે હું કરીશ. અંડરગ્રાઉન્ડમાં ચાલી ગઈ હોઉં તેમ મારો પત્તો મેળવનારના હાથ હેઠા પડે એટલે બસ.'

દિલીપ આગળ ઘણી દુઃખિયારી સ્ત્રીઓ આવી ગઈ હતી, પણ આવી વાત કોઈએ કરી ન હતી. તરલાને પામતો હોય તેમ એ ઊંચી નજર કરી એની સામે તાકી રહ્યો. તે કોઈ ઉચ્ચ કુટુંબમાંથી આવતી હતી એમાં શંકા ન હતી, સુંદરતા, યુવાની અને સંસ્કાર : છતાં એ દઃખી હતી!

દિલીપ બોલ્યો : 'તમે કંઈ જ ન કહો એ કેમ બને? તમારી વાત હું ખાનગી રાખીશ. મારા સિવાય કોઈને માલૂમ નહિ પડે. પછી તમને કહેવામાં વાંધો છે?'

તરલા : 'એ તો ભવિષ્ય આપોઆપ કહેશે, જો તમે એટલી ધીરજ રાખવા માગતા હો તો. બાકી મારે ગરજ છે એટલે તમે ફરજ પાડશો કે એ વગર દાખલ થઈ ન શકો, તો કહેવી પડશે. હું પોતે આશ્રમ બહાર મારે ખર્ચે બીજે ગમે ત્યાં રહી શકત. પરંતુ મેં બંગલો છોડતાં એક રાતી પાઈ પણ લીધી નથી. જેનું ઘર છોડવા માગતી હોઉં તેના પૈસા પણ મારે છોડવા જોઈએ. હું ગ્રેજ્યુએટ છું, મારા ખર્ચા પૂરતા પૈસા ગમે ત્યાં નોકરી કરી મેળવી શકું તેમ છું. પરંતુ હું ક્યાં છું. તે મારે છાનું રાખવું છે એટલે મેં આશ્રમમાં આવવાનું વિચાર્યું છે. કોઈને ભાગ્યે શંકા પણ આવે કે હું આશ્રમમાં જાઉં!'

આશ્રમમાં દિલીપના વહીવટ પછી દિવસે દિવસે સંખ્યા વધતી હતી અને લોકોમાં પણ એની પ્રમાણિકતા અને નિષ્ઠાની આબરૂ સારી હતી એટલે વધતા ખર્ચને પહોંચી વળવા માટે દાન પણ મળી રહેતું હતું. આમ દિવસે દિવસે વધેલા કામને પહોંચી વળવા માટે એક સુપરિન્ટેડન્ટની જરૂર હતી. એ માટે એણે દૈનિકપત્રોમાં જાહેરખબર આપી હતી. અરજીઓ પણ આવી હતી.

એટલે દિલીપે કહ્યું : 'તમારા જેવાં હોશિયાર અને સંસ્કારી સ્ત્રીનું કામ આશ્રમમાં છે જ. એ માટે જાહેરખબર પણ અમે આપી છે.'

તરલાએ ફિક્કું હસતાં કહ્યું : 'હું કેટલી હોશિયાર અને સંસ્કારી છું એની પરીક્ષા તો મારે ઘર છોડવું પડ્યું એ ઉપરથી તમારે કરવાની.'

દિલીપે સહાનુભૂતિ બતાવતાં કહ્યું : 'તમારામાં એ બે ગુણ છે, એ કારણે જ કદાચ તમારે ઘર છોડવું પડ્યું હશે. સામાન્ય રીતે પુરુષને સ્ત્રીની હોશિયારી અવગુણ લાગે છે, અને પતિનું અસંસ્કારી વર્તન તમારા સંસ્કારી આત્માને કઠે એટલે તમારે માટે બીજો રસ્તો રહ્યો નહિ હોય.'

તરલા : 'પતિ અસંસ્કારી હોત તો પણ હું વેઠી લેત, એમને હોશિયારી અવગુણ લાગતી હોત તો હોશિયારીને છુપાવી દેત. પરંતુ મારું દુઃખ એવું છે કે તમને અત્યાર સુધી એવી કોઈ સ્ત્રી મળી નહિ હોય.'

દિલીપ : 'દરેકને પોતાનું દુઃખ એવું જ લાગતું હોય છે.'

તરલા : 'તમારું કહેવું સાચું છે અને હું કહું છું તે પણ એટલું જ સાચું છે. સ્ત્રી સ્ત્રીને પરણે એથી વિશેષ કયું દુઃખ?'

દિલીપ એક ક્ષણ તો કંઈ બોલ્યા વગર તરલા સામે તાકી જ રહ્યો.

તરલા : 'હું વાત ખાનગી રાખવા માગું છું તે આટલા જ કારણે. ઊલટું મારી વાત સાંભળી તમે મને આશ્રમમાં રાખતા હો તો પણ ન રાખો. તમને લાગે કે આનું સાચું સ્થાન અહીં નહીં મેન્ટલ હોસ્પિટલમાં છે!'

મૂછમાં હસતાં દિલીપ બોલ્યો : 'એવી સ્ત્રીઓ પણ મળી છે, પરંતુ તમને એવાં નહિ માનું એની ખાતરી રાખજો.'

તરલા : 'તમારી સાથે વાત કરતાં મને ખાતરી થઈ ત્યારે તો આટલી વાત મેં ખોલી. મારા ઉપર વિશ્વાસ મૂકી તમે મને રાખવાની તૈયારી બતાવવા માંડી એટલે મને થયું કે ભલે હું વ્યક્તિઓનાં નામ ખાનગી રાખું. પણ દુઃખ તો કહું.'

દિલીપ : 'તમારે જે ખાનગી રાખવું હોય તે રાખો, કહેવું હોય તે કહો. તમને જરૂર અહીં સ્થાન મળશે.'

તરલા : 'હું ગ્રેજ્યુએટ છતાં લગ્નમાં કેમ છેતરાઈ એમ તમને લાગે છે ને? હું તો શું, કોઈપણ સ્ત્રી છેતરાય એવું મારા કિસ્સામાં છે. મારા પતિ મુંબઈ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ છે. દેખાવે મજાના પુરૂષ છે. ધનિક છે. અમારાં બન્નેની મુલાકાત ગોઠવાઈ ત્યારે, અને આજે પણ કોઈ છોકરી સાથે ગોઠવાય તો ખબર ન પડે કે પુરુષના દેહમાં એ સ્ત્રી છે!'

દિલીપને વચ્ચે બોલવાની ઉત્સુકતા વધી ગઈ હતી, પરંતુ એણે દાબી રાખી.

તરલા બોલી : 'તમને માન્યામાં પણ નહિ આવે, ભાગ્યે જ તમે આવું સાંભળ્યું પણ હશે. રોજ રાત્રે મારા પતિ મારાં કપડાં પહેરે છે. સ્ત્રીના કપડાં પહેરે નહિ ત્યાં સુધી એમને ચેન પડતું નથી. મને એમનાં કપડાં પહેરાવે છે. અને સ્ત્રી પતિને રીઝવવાના જે જાતના ભાવ ભજવે તેવા એ મારા આગળ ભજવે છે. પરંતુ હું તો પુરુષનાં કપડાં ન છૂટકે પહેરું એટલે બે સ્ત્રીઓ ભેગી થાય ત્યારે એ લગ્નમાં શું પરિણામ આવે?'

દિલીપ : 'પરંતુ એવા યુવકે પરણતાં પહેલાં વિચાર કેમ ન કર્યો?'

તરલા : 'એ તો પરણવાની ના જ પાડતા હતા. પરંતુ ધનિક અને કુળવાન કુટુંબની આબરૂ જાય એમ માની પિતાએ એને ફરજિયાત પરણાવ્યા, એ ના ન પાડી શક્યા. બાકી જો એમની ઈચ્છા પ્રમાણે થઈ શકે તો આજે પાવૈયાના ટોળામાં જઈને બેસે.'

દિલીપને હસવું આવી ગયું. પરંતુ એ ભાવ એણે વ્યક્ત કરવા જેવો ન ગણ્યો એટલે સંકોચ અનુભવ્યો.

તરલા : 'તમારે એમાં સંકોચ પામવાનું કોઈ કારણ નથી, રાત્રે એ મારાં કપડાં પહેરે ત્યારે હું આટલા દુઃખમાં પણ હસ્યા વગર રહી ન શકતી. મારા અનુભવ ઉપરથી મને ખાતરી થઈ કે પછાત વર્ગમાંથી જે પાવૈયા થાય છે તેવા ઉપલા વર્ગમાંથી પણ થાય. જો એમને કુટુંબ તરફથી બંધન ન હોય તો. પરિણામે મારા જેવી કંઈક સ્ત્રીઓ છાનાં આંસુ સારતી બચી જાય.'

દિલીપ : 'પણ મને આમાં તમારો દોષ જણાય છે.'

તરલા : 'તમે આ જ કહેશો એની મને ખાતરી હતી. ગ્રેજ્યુએટ સ્ત્રી થઈને હું કેમ છૂટાછેડા લેતી નથી એ જ ને?'

દિલીપ : 'બીજું શું ત્યારે?'

તરલા : 'એ સહેલો રસ્તો તો મારે જ્યારે લેવો હશે ત્યારે લઈ શકીશ. એમ માની મેં અત્યાર સુધી લગ્ન ખેંચ્યા કર્યું છે. કારણ કે જે વિપત આવી પડી છે તેને ભોગવી લેવાનો અઘરો રસ્તો એક વખત અનુભવી લેવો.'

'અને એ રીતે કુદરત સામે લડતાં મારી શક્તિ ખર્ચાઈ પણ છે. સંયમનાં વલખાં મારતાં શરીર પર ઘા પણ પડ્યા છે એટલે બીજાને વહેમ આવે કે આ કેટલું સાચું કહેતી હશે.'

દિલીપને પણ એવો વહેમ આવ્યો હતો, પણ એણે એ સવાલ ઊભો ન કર્યો. બીજો પ્રશ્ન કર્યો : 'અહીં આવવાનું શું કારણ છે?'

તારલા : 'મેં મનથી નક્કી કર્યું હતું, જ્યાં સુધી વલખાં મારીને પણ સંયમ પળાય ત્યાં સુધી પાળવો અને સાસરી અને પિયર જેમાં આબરૂ માની છે તે સાચવી લેવી. પરંતુ જ્યારે એ ન બને ત્યારે ખોટે રસ્તે ન જતાં છૂટાછેડા લેવા. એ સ્થિતિ મારે માટે આવીને ઊભી રહી છે. બીજો ઉપાય ન રહ્યો માટે મેં એ બાબતની નોટિસ રજિસ્ટર્ડ પોસ્ટથી આપી દીધી છે અને એ દાવો લડવો પડે ત્યાં સુધી હું આશ્રમમાં રહેવા માગું છું. પ્રથમ તો કોર્ટની તારીખ ન પડે ત્યાં સુધી હું ક્યાં છું તે હું પિયર કે સાસરી પક્ષને જાણવા દેવા માગતી નથી. એ કામ સોલિસિટરને સોંપ્યું છે એટલે કે ફોડી લેશે. મારી સહીની જરૂર પડશે તો એ મને જણાવશે. હું જ્યાં હોઈશ ત્યાંથી સરનામું જણાવીશ એમ મેં કહ્યું છે. હું મુંબઈના મલબાર હિલના બંગલામાં વસતા લક્ષ્મીનંદન કુટુંબની દીકરી અને પત્ની છું. કહો તો નામઠામ જણાવું, અગર તે ખુલ્લું થાય ત્યાં સુધી મૂંગી રહું.'

દિલીપ : 'મારે એ જાણવાની જરૂર નથી. મારે આમાં કંઈ ભાગ ભજવવાનો નથી. ફક્ત તમે એક અરજી મને આપો એટલે હું સુપરિન્ટેન્ડન્ટ તરીકે કામચલાઉ નિમણૂંક કરું. તમે છૂપાં રહી શકશો અને અમને કામ કરનાર મળી રહેશે.'

તરલા : 'તમારે કંઈ ભાગ ભજવવો નહીં તેમ હું નથી માનતી, કારણ કે કોર્ટમાં પ્રથમ મુદતે હું હાજર થઈશ એટલે હું ક્યાં છું તે માલૂમ પડશે. મને અહીંથી છૂટી કરવા એ લાગવગ દ્વારા દબાણ પણ લાવશે. મારી જાતને એ દિવસોમાં હું સહીસલામત માનતી નથી માટે આશ્રમનો આશરો શોધું છું. એક તો મુંબઈથી દૂર અને આશ્રમની દુનિયા જુદી એટલે ઓછો ભય. છતાં આબરૂ માટે જે પિતા પુત્રને પરણાવે તે આવા કેસ વખતે શું ન કરે? એટલે તે વખતે કોઈ દબાણને વશ ન થતાં તમે મને સહારો આપશો તેટલી મારે આપની પાસે યાચના કરવાની છે.'

દિલીપ : 'ખાતરીમાં હું એટલું જ કહી શકું કે હું અત્યાર સુધી કોઈના દબાણને તાબે થયો નથી.' અને એના ટેકા રૂપે એણે પાંચ દિવસ ઉપરના હલ્લાનો કિસ્સો ટૂંકમાં કહી સંભળાવ્યો.

તે પછી તરલાએ રાત-દિવસ જોયા વગર આશ્રમનું જે કામ કરવા માંડ્યું તેથી દસ દિવસમાં જ દિલીપ એના ઉપર મુગ્ધ થઈ ગયો. એની સેવા લેનારાં પણ એના કામથી ખુશ ખુશ હતાં, કોઈને કામ વિશે ફરિયાદ હોય તો એ કામ કરવા તરલા જાતે બેસી જતી. કોઈ કામ કરવામાં એને આળસ દેખાતી નહીં. સ્ત્રીવૉર્ડમાં એ જતી ત્યારે બધાં એને વીંટાઈ વળતાં. તેમાંય જે રૂપ સુંદર બાળાઓને ભગાડી જવાના પ્રયાસો થતાં હતા, તે તો તેના ઉપર ખાસ ખેંચાઈને એની સોડમાં લપાઈ જતી. એમની દુઃખભરી કથા સાંભળતાં તરલાની આંખમાં આંસુ આવી જતાં.

તરલાએ જીવનમાં આવી રીતે કામ કર્યું ન હતું. છતાં શી રીતે પોતે આટલું કામ કરી શકે છે તે એને પોતાને પણ નવાઈભર્યું લાગતું હતું, પરંતુ એનું મૂળ દિલીપ હતો. પોતાના કામથી એ દિલીપને જીતી લેવા માગતી હતી, અને પહેલે જ દિવસે એ જાણી ગઈ હતી કે એને જીતવો હોય તો કામ એ જ જાદૂમંત્ર છે. રોજ રાતે એ પથારીમાં સૂતી ત્યારે એને આટલો બધો થાક લાગતો કે સવારમાં ઉઠાશે કે કેમ એની શંકા લાગતી. પરંતુ પથારીમાં પડતાંની સાથે એને ઊંઘ આવી જતી તે પાંચ વાગ્યે એલાર્મની ઘંટડી વાગતી ત્યારે એ જાગતી. એનો થાક કોઈ રાતના આવીને ચોરી જતું હોય તેમ એ બીજા દિવસનું કામ કરવા પ્રફૂલ્લ બની જતી.

આનું કારણ એને દિલીપ લાગતો. એ ઊઠે ત્યાંથી સૂતાં સુધી કંઈ ને કંઈ કામ કર્યા કરતો. તરલા નજરે જોતી હતી. વળી એ રાતે મોડો સૂતો અને સવારે વહેલો ઊઠતો, વચ્ચે બે વખત જાગીને આશ્રમની રોન ફરતો. તરલા જે વાતાવરણમાં ઊછરી હતી તેમાં એણે આટલો ઉદ્યમી અને સાધુપુરુષ એક પણ જોયો નહોતો. બલ્કે જ્યાં હોય ત્યાં એણે પુરુષના હવસપણાનાં દર્શન કર્યા હતાં. માણસ ના ધારે તો પણ જિંદગીપર્યંત બ્રહ્મચર્ય ન પાળી શકે એમ એ એના મનમાં જે માપીને માનતી હતી અને એ ગજ મોટા વર્ગ પાસે હતો એટલે એ ખોટો હોવાનું એને કારણ લાગતું ન હતું. એ કારણે દિલીપના સાધુપણા વિશે એણે પ્રથમ તો શંકા સેવેલી. હવસખોરીનો ભોગ થઈ પડેલી સ્ત્રીઓનો આશ્રમમાં શંભુમેળો હોય તે વાતાવરણમાં વસનારો પુરુષ સૌ પહેલો ગબડી પડે એમ એ માનતી હતી.

પરંતુ આશ્રમમાં આવ્યા પછી દિલીપને જીતવા એણે જે રીતે કામ કરવા માંડ્યું. તે જોતાં એનો માનસિક ગજ બદલાતો હોય તેમ લાગ્યું. પહેલા દિવસે અને રાત્રે ઘણા ઘણા જાતીય સુખના વિચારો આવતા તે જાણે બંધ પડી ગયા હોય તેમ એ અનુભવવા લાગી. કામમાં એને એવા વિચારને સંભારવાનો વખત જ ક્યાં હતો? રાત્રે સૂતી વખતે પણ એ વિચારો કબજો લે તે પહેલાં એ ઘસઘસાટ ઊંઘી જતી. દિવસની ભ્રમણાનાં પહેલાં સ્વપ્ન આવતાં તેય અલોપ થઈ ગયાં હતાં. તરલાને ખાતરી થઈ કે જે માણસ સતત કામમાં ખૂપી રહે તે સાધુ બની શકે. અને એ રીતે શરૂઆતમાં દિલીપ ઉપર આવેલી શંકા વીસ દિવસના પોતાના જાત અનુભવ ઉપરથી આપોઆપ દૂર થઈ ગઈ. એના પોતાના ઉપર પણ જાદૂમંત્રની અસર થઈ હતી.

તરલાના હૃદયમાં મોટું મંથન શરૂ થયું હતું. એ પોતે આશ્રમમાં આવી હતી એનું કારણ ભેદી હતું. દિલીપને જે કહ્યું હતું તે સાવ બનાવટી હતું. એ પોતે એક બાળવિધવા ગરીબ શિક્ષિકાની દીકરી હતી. પરંતુ એનામાં સૌંદર્ય હતું એટલે કૉલેજકાળ દરમિયાન એના તરફ યુવકો ખેંચાતા, એની મૈત્રી ઝંખતા. તેમાંથી એક શેઠિયાના પુત્ર સાથે એ પ્રેમમાં પડી. પરંતુ એણે થોડા વખતમાં જોઈ લીધું કે બધા જવાબદારી વગરનો પ્રેમ કરવા તૈયાર હોય છે. લગ્ન માટે તો કુટુંબના મોભા પ્રમાણેની કન્યાની શોધમાં હોય છે. આ કારણે એ જે યુવકના પ્રેમમાં હતી તેની સાથે લગ્ન ન કરી શકી, બલકે એના પિતાએ લગ્ન થવા ન દીધું. છતાં એ જ પિતાને શરીરની ભૂખ જાગી અને પુત્રને હડસેલીને એમણે એનું સ્થાન લીધું! તરલા ગરીબ માની દીકરી હતી, કૉલેજની કેળવણીએ એને ખર્ચાળ અને વૈભવનાં સ્વપ્ન સેવતી બનાવી હતી. પૈસાના કારણએ એ શેઠના પંજામાં પડી ચૂકી. જે વરસે એને બી.એ.ની ડિગ્રી મળી તે વરસે શેઠે એને ઉપપત્ની તરીકે કાયમની માન્ય કરી. એક સ્વતંત્ર બંગલો અને નોકરચાકર આપ્યાં. આથી શેઠનો પુત્ર એના ઉપર ક્રોધે ભરાયો. પણ એને ડામવા જ જાણે એ આ સ્થાન લેવા તૈયાર થઈ હોય તેમ એક દિવસ એ બંગલે આવ્યો ત્યારે એણે ચોખ્ખું કહી દીધું કે તમારે ચાલ્યા જવું. મેં હવે શરીરનો સોદો તમારા પિતા સાથે કરી લીધો છે.

રખાત શબ્દ શરૂઆતમાં એને ધ્રુજારી પમાડતો હતો. પરંતુ એ જીવનનો અનુભવ લીધા પછી એને લાગ્યું કે, એમાં ધાર્યું હતું એટલું શરમાવા જેવું ન હતું. શેઠ એકલા બંગલાની મુલાકાત લેતા હતા એવું નહીં. કોઈ કોઈ વાર પોતાના મિત્રોને એ ચા-પાણી અને જમવા ઘેર નોતરે તેમ આ બંગલે પણ આમંત્રણ આપતા હતા. અને પત્ની જેમ ટેબલ આગળ બેસી મહેમાનોનો સત્કાર કરે છે, એ અધિકાર અહીં ઉપપત્ની ભોગવતી હોય છે. એના તરફ કોઈ તુચ્છતાનો ભાવ રાખતું નથી કે હલકી મશ્કરી પણ કરતું હોતું નથી. ઊલટું એવા મિત્રો પોતપોતાની ઉપપત્નીઓને લઈને પણ કોઈ વખત આવતા હોય છે. ફક્ત એમાં જે બીવાનું હોય છે તે એટલું જ કે ક્યારે પોતાના શરીરનું મૂલ્ય ઊતરી જાય છે અને પોતાને સ્થાને બીજી ઉપપત્ની આવીને ઊભી રહે તે કહી શકાય નહીં! રેતીના ગઢ ઉપર બેસનાર જેટલો વહેલો સરી પડે એટલી ત્વરાથી આ ઉપપત્નીઓ પોતાના સ્થાનેથી સરી પડતી.

અમદાવાદના જે બે શેઠના નામ આશ્રમમાં મુકાયેલી બાળાઓ સાથે જોડાયાં હતાં તેમાંના એક જણ મુંબઈમાં આવ્યા હતા. તરલાના શેઠના એ મિત્ર હતા તે કારણે અગાઉ પણ બંગલે આવીને તરલાની મહેમાનગતિ માણી ગયા હતા. આ વખતે આવ્યા ત્યારે કેસ ચાલતાં પોતાનું નામ જાહેર થશે અને આબરૂને બટ્ટો લાગશે. અનાથ-આશ્રમનો વ્યવસ્થાપક કોઈ રીતે માનતો નથી, છોકરીઓને ભગાડવાના પ્રયત્નો પણ નિષ્ફળ ગયા છે વગેરે દુઃખની એમણે વાત કરી.

તરલાએ એ સાંભળી લીધા પછી કહ્યું : 'એવું હોય તો હું છોકરીઓને ભગાડી લાવું.'

પેલા શેઠ : 'શી રીતે?'

તરલા : 'તમારે એની શી પંચાત છે? એક દુઃખિયારી બની આશ્રમમાં દાખલ થઈશ, અને જાસૂસનું કામ કરી બંનેને ભગાડી લાવીશ.'

પેલા શેઠ : 'તમે દુઃખી થવા જાઓ તો પણ તમારું શરીર અને મોં કળા જ સુખી તરીકે જાહેર કરી દે.'

તરલા : 'કૉલેજમાં હતી ત્યારે નાટકનાં પાત્ર ભજવવામાં મને પ્રથમ ઈનામ મળતું. હું એવું પાત્ર ભજવું કે આશ્રમના વ્યવસ્થાપકને વહેમ ન આવે કે આ કોઈ જાસૂસી કરવા આવેલી સ્ત્રી છે.'

અને એ રીતે તરલાએ એ કામ કરી દેવાનું બીડું ઝડપ્યું. એ વખતે એની એવી ગણતરી હતી કે પોતાની વાકચાતુરી અને સુંદરતાથી જ વ્યવસ્થાપકને પોતે અર્ધો જીતી લેશે અને સહેજ પણ ઉતાવળ કર્યા વગર ખાસ્સો એક મહિનો રહીને આશ્રમમાં રહેનાર પણ પોતાના ઉપર શંકા ન લાવે તેવું ન લાગે તેવું વાતાવરણ સર્જ્યા પછી પોતે પોતાનો છેલ્લો અંક ભજવશે.

દિલીપને જોતાં એમ લાગ્યું કે, આ માણસ વાકચાતુરી કે મીઠા હાસ્યથી રીઝે એવો નથી પણ એને કામ વહાલું છે, એટલે તરલા ઊંધું ઘાલીને રાતદિવસ કામ કરવા લાગી ગઈ. પરિણામે, ત્રણ અઠવાડિયામાં બનાવટી પાત્ર ભજવતાં તરલાની બનાવટ ચાલી ગઈ અને સાચું પાત્ર એના હૃદયમાં પ્રવેશી ગયું. પોતે દિલીપને છેતરીને શું મેળવશે? જે સ્ત્રીઓ પુરુષ હવસનો ભોગ બની રહી છે તેમાંથી છોડાવવા આ પુરુષ સ્ત્રીજાતિને પોતાની મા, દીકરી, બહેન માની તેમની સેવા કાજે કાયા ઘસી રહ્યો છે. અને બીજી બાજુ શેઠિયાઓ લક્ષ્મીના બળે સ્ત્રીના શરીરનું લિલામ કરી રહ્યા છે. પોતે એ હવસનો ભોગ બની રહી છે તે શું ઓછું હતું કે બીજાને એવો ભોગ બનાવવા બીડું ઝડપ્યું છે?

અને એ મહેલાતમાં પણ આટલો વખત રહ્યાં છતાં અહીં જે નિરાંતભરી ઊંઘ માણી છે તે ત્યાં ક્યારેય અનુભવી છે? આશ્રમમાં કામનો પરસેવો પાડતાં જે સુખ અનુભવ્યું તેવું હવસને કુદરતી માન્યા છતાં એના ઉપભોગમાં ક્યારેય મળ્યું છે ખરું? તો શા માટે પોતે અહીં જ ન રહી જાય? આવા સંયમભર્યા આશ્રમના મકાનમાં પ્રવેશ્યા પછી એમાં સુખ દેખાતું હોય તો એ ભોગવવાનું મૂકી નાસી છૂટવાનું શું કારણ છે? હવસભરી દુનિયાના દરવાજા કાયમ ઉઘાડા છે. જ્યારે જવું હશે ત્યારે કોણ ના પાડનાર છે?

છેવટે તરલા એ નિર્ણય ઉપર આવી ગઈ કે પોતે જે જાસૂસી કરવા આવી છે તે નહિ કરે. ભલે પોતાને જવું હશે તો હારેલા યોદ્ધા તરીકે જશે. અને એમાં પોતાની જીત માનશે.

તરલાએ ગોઠવણ કર્યા પ્રમાણે સોલિસિટર ફર્મના કવરમાં શેઠનો પત્ર-વ્યવહાર આવતો હતો. જે ઉપરથી દિલીપ માનતો કે એ એના કેસ અંગેનો પત્ર-વ્યવહાર છે. ચોથા અઠવાડિયાના અંતે જ્યારે એવો એક પત્ર આવ્યો ત્યારે તરલા દિલીપ પાસે બેઠેલી હતી. એના હાથમાં કવર મૂકતાં દિલીપે કહ્યું : 'કેટલે આવ્યું છે તમારું? અને મીઠું હસીને બોલ્યો : 'મને તો થાય છે કે કોર્ટ તમારો કેસ જ ન કાઢે તો સારું. મને તમારા જેવાં સુપરિન્ટેન્ડન્ટ ક્યાંથી મળવાનાં હતાં?'

તરલાથી મજાકમાં બોલાઈ ગયું : 'એ પત્યા પછી મને એવો વર શોધી આપજો કે, હું કાયમ અહીં રહી શકું.' એ શબ્દોમાં એવો ભાવ હતો કે, તમે સેવા ખાતર નથી પરણ્યા તો આપણે પરણીએ. તો હું કાયમ તમારી બનીને સેવા કરીશ!

ત્રીજે અઠવાડિયે જે વિચારો તરલાના મગજમાં ઘોળાતા હતા તે ચોથા અઠવાડિયામાં નિર્ણય ઉપર આવી ગયા હતા. દિલીપના ગઈકાલના શબ્દોએ એને છેવટના નિર્ણય ઉપર આણી દીધી હતી : 'પોતાની જાતના વિકાસ માટે જ બંધન સ્વીકારી લેવાં જોઈએ. એ સ્વીકારતાં જે બીએ તે વિકાસ સાધી શકતા નથી.' એ વાક્ય જાણે પોતાને ઉદ્દેશીને જ બોલાયું હોય તેમ તરલાના હૈયામાં ચોંટી ગયું. પોતે જો આવેલી તકનો સદુપયોગ કરવા માગતી હોય તો પોતાની જાત દિલીપ આગળ સ્પષ્ટ કરવામાં વિલંબ ન કરવો જોઈએ અને એ નિર્ણય તરલાએ કરી લીધો હતો એટલે એણે આ તક ઝડપી લેતાં કહ્યું. : 'મારે તમારી સાથે ખાનગી વાત કરવી છે.'

ટપાલમાં આવેલો પત્ર વાંચ્યા પછી તરલાએ આમ કહ્યું એટલે દિલીપને થયું કે કંઈ નવીન સમાચાર પત્રમાં આવ્યા હશે.

બંને ખાનગી રૂમમાં ગયા. તરલાએ દિલીપના પગ પકડી લીધા. તરલા આમ પગે પડશે એવી તો દિલીપને કલ્પના પણ ક્યાંથી હોય? સ્ત્રીઓ, નાની બાળકી હોય તો પણ એનોય દિલીપ સ્પર્શ ટાળતો. 'હાં હાં' કરી દિલીપે પગ ખેંચી લીધા, કોઈ પુરુષ હોત તો એણે હાથ ઝાલીને ઊભો કર્યો હોત પણ તરલાને એવો વિવેક કરી ન શક્યો. ગળગળો થઈ જતાં બોલ્યો : 'તરલાબહેન, ઊભાં થઈ જાઓ, તમને આ ન શોભે. હું પગે લાગવાને લાયક નથી?'

તરલા ઊભી થયા વગર આંસુ સારતી હતી.

દિલીપ : 'હવે તમારો આંસુ સારવાનો સમય પૂરો થયો છે, રડો નહિ. જો છાનાં નહિ રહો તો હાક મારી બીજી બહેનોને ભેગી કરી તમારી નાલેશી કરીશ. બધા હસશે કે તરલાબહેન રડે છે!'

તરલા ઊભી થતાં બોલી : 'હું દુઃખને નથી રડતી, હર્ષના આંસુ પાડું છું. આવી હતી તો બનાવટી, આંસુ પાડવા પણ તમે મળ્યા એટલે બનાવટ ગઈ, દુઃખ ગયું અને ચોમેર સુખ અનુભવું છું.' અને તરલાએ પોતાનો સાચો ઈતિહાસ કહી નાખ્યા પછી હસીને ઉમેર્યું : 'સાચે જ તમે મારા ઉપર જાદૂ કર્યો કહેવાય.'

દિલીપ વધુ નમ્ર બનતાં બોલ્યો : 'જાદુ મારામાં નથી કે કોઈ સાધુસંતમાં પણ નથી, માણસની પોતાની અંદર છે. તમે એક બનાવટી પાત્ર ભજવતાં પણ જો સેવામાં સતત મંડ્યાં ન રહ્યાં હોત તો જે સતનું મોતી લાધ્યું છે તે ન લાધત. એક સીધોસાદો દાખલો જ લ્યો ને કે એક બનાવટી પાત્ર ભજવનારમાં પણ આટલો આત્મા જાગ્રત થાય છે તે સહૃદયથી સેવા કરનારના આત્માના સોળે દરવાજા ઉઘડી ગયા વગર રહે? અને તરલા વિશે પહેલાંના જેટલી સહાનુભૂતિ કાયમ હોય એમ તે બોલ્યો : 'હું બહેનોને પુરુષના પંજામાં સપડાયેલી જોઉં છું, તેમાં મોટું કારણ સમાજ દેખું છું. તમારો જ દાખલો લ્યો ને? તમારે એ કાદવમાંથી નીકળવું હોય તો પણ તમારું સમાજમાં ક્યાં સ્થાન? એટલે પછી અંદર ને અંદર કળતા જવું પડે.'

તરલા : 'તમારું એ નિદાન તદ્દન સત્ય છે. મને અગાઉ પણ પોતાનું નાનું સરખું ઘર, બાળકો, પતિ વગેરેનાં સ્વપ્નો આવેલાં, પણ મારે માટે એ દરવાજો જ બંધ હતો એટલે હું આમાં સુખ માનવાનાં ફાંફાં મારતી હતી. તેમાં અચાનક નવી દુનિયામાં આવી પડી. અત્યારે મનમાં એક બીક તો છે જ કે મારા જેવી કાચી માટીની સ્ત્રી સેવામાં રત રહ્યાં છતાં લગ્ન માટે ઝંખે તો એનું ક્યાં સ્થાન? કોઈની સાથે છેતરપિંડી કરવાની ના હોય એટલે જે ઈતિહાસ છે તે ખુલ્લો કહેતાં ભલભલો સુધારક હોય તો પણ પાછો જ હઠી જાય.' અને સહેજ અટકી હસીને એણે ઉમેર્યું. પરંતુ ગઈકાલનું તમારું વચન - પોતાની જાતના વિકાસ માટે બંધન સ્વીકારી લેવાં જોઈએ - તે માથે ચડાવી ભવિષ્યની ચિંતા છોડી મેં મારો ઈતિહાસ ખુલ્લો કરી બંધન સ્વીકાર લીધું છે.

દિલીપ : 'ભવિષ્યની હવે તમારે ચિંતા ન કરવી. લગ્ન અનિવાર્ય દેખાશે તો મૂરતિયો મળી રહેશે.'

તરલા : 'કોઈ પ્રતિષ્ઠિત ગણાતો પુરુષ તો મારો ઈતિહાસ જાણ્યા પછી હા ન પાડે.'

દિલીપ : 'તમને ખોટું આશ્વાસન આપતો નથી. મને કોઈની ખાતરી હશે ત્યારે જ કહેતો હોઈશ, તેનો વિશ્વાસ રાખજો.'

તરલા દિલીપના શબ્દનો ભાવ સમજી ગઈ. બોલી ઊઠી : 'દિલીપભાઈ! મારે ખાતર તમે લગ્ન કરવા તૈયાર થાઓ!'

દિલીપ નજર ઊંચી કર્યા વગર બોલ્યો : 'તમારા ખાતર નહિ. સેવાના મારા સ્વાર્થ ખાતર. આશ્રમમાં તમે આવ્યાં પછી મારો બીજો કેટલો ઓછો થઈ ગયો છે?'

તરલા હર્ષઘેલી થઈ જતાં બોલી : 'પ્રભુને પ્રાર્થના કરું છું કે મને તમારો ટેકો લેવો ન પડે તેવું બળ આપે!'

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.