સવાર અને સાંજ
(વાર્તકારઃ ધૂમકેતુ)
ટપ્પો આવીને ઊભો રહ્યો ત્યારે ગોવિંદલાલે ન્યુસપેપરમાંથી ઊંચે જોયું. એનો નાનો ભાઈ મોતીલાલ અને એની વહુ કપિલા અચાનક જ આવી પહોંચ્યાં હતાં.
'એ લાભુ, વિનુ, જુઓ કોણ આવ્યું?' તેણે બેઠા થઈને છોકરાંને બોલાવ્યાં. પાછળની પરસાળમાંથી છોકરાં દોડતાં આવ્યાં. ગોવિંદલાલની વહુ મણિ પણ બારણે આવી.
'લ્યો ! આમ તે અવાય? અમને લખ્યું પણ નહિ?'
'સા'બ! રૂપિયો', ટપ્પાવાળો મોતીલાલની સામે ઊભો : 'સા'બ' રૂપિયો!'
હવે જા, જા, રૂપિયો શાનો? બાર આના ઠરાવ્યા છે તે આપી દીધા.'
મણિવહુએ સામાન ઉપર ચડાવી દીધો. બબડતો બબડતો ટપ્પાવાળો ચાલ્યો ગયો.
બંને ભાઈઓ વાતોએ વળગ્યા. કપિલા ને મણિ અંદર હસી હસીને વાત કરતાં હતાં : મણિ મોટેથી બોલી.
'હેં મોતીભાઈ! તમે તો આવા જ રહ્યા કે?'
'કેમ?'
'કેમ શું? બિચારીને રસ્તામાં નાસ્તો પણ કરાવ્યો નથી.'
રસ્તામાં કાંઈ ન ખાતાં મોતીલાલ ભાથાનો ડાબલો એમ ને એમ ભરીને લાવ્યો હતો. અત્યારે ઘરમાં એની જ વાત થઈ રહી હતી.
બંને ભાઈ બપોરે જમવા બેઠા. ત્યારે મણિવહુ હોંશમાં ને હોંશમાં કંસાર પીરસી રહી હતી. પીરસીને મણિવહુ વાતો કરવા માટે સામે બેઠી. કપિલા રસોઈ કરતી હતી. ને લાભુ ને વિનુ 'કાકી ! મને દાળ! કાકી! મને શાક!' એમ બોલતાં સામે બેસીને જમી રહ્યાં હતાં.
'છોકરાંવ ! તમે કાકીને આજ ને આજ કવરાવી દેશો હોં!'
માના પ્રત્યુત્તરમાં હોય તેમ છોકરાં વધારે મોટેથી બોલ્યાં :
'કાકી ! પાણી આપોને!'
'કાકી! મને દાળ તો આપી નહિ?'
જો ને વાંદરા જેવા! મણિવહુ બોલ્યાં. પણ છોકરાને ચાળા કરતો જોઈ હસી પડ્યાં : 'અરે! હવે બેસને - ચાળા કરતો...'
બપોરે બંને ભાઈઓ બહાર ગયા. મણિ ને કપિલા વાતો કરતાં બેઠાં.
'પછી તમારે બાપે ચેઈન કરાવી?' કપિલા આ ઘરમાં હમણાં આવી હતી ને મણિવહુ પ્રૌઢ ગણાતી. મણિવહુને આ ઘર ઉપર પક્ષપાત પણ થઈ ચૂક્યો હતો. કપિલાને હજી પિયર તરફનું આકર્ષણ હતું.
'ના રે, ચાર બહેનોમાં કોને કરે ને કોને ન કરે? એકને કરે તો બીજીને માઠું લાગે!'
'એવું તો કાંઈ નહિ. અમેય ચાર બહેનો હતી. એ તો સારું ઘર હોય એ પ્રમાણે કરવું પડે. એમ તો પછી સૌને સરખું રાખવું ક્યાંથી પોસાય?'
'પણ બાપને તો બેય આંખ સરખી નાં?'
'અમે તો કાંઈ નહિ. અમારેય બાપા હતા. બે ગામની બાદશાહી હતી. ઘેર ઘોડાં હતાં. પણ આછુંપાતળું સગું હોય એને પહેલાં રાજી કરે. તમારા ઘરની તો નવાઈ ભાળી!'
કપિલા બોલી નહિ, પણ એને માઠું લાગ્યું. એટલામાં લાભુ, દોડતો આવ્યો. વિનુ એની પાછળ પડ્યો હતો. બંને જણા કપિલાની પાસે જ પકડદાની રમત રમવા લાગ્યા. કપિલાને અમસ્તી આ મશ્કરી સારી લાગત પણ અત્યારે એનું મોં ચડ્યું. એ બોલી પણ ખરી : 'લાભુ! વિનુ! આઘા ખસો છો કે મારું?'
મણિવહુ બોલ્યાં : 'છોકરાં! તમે તો હેવાન જેવાં છો, માણસનું મન કમન કાંઈ જુઓ નહિ ને...'
મણિવહુનું વાક્ય અધૂરું રહ્યું. પછી કપિલા બોલી - એના મનમાં હજી પિયરના વિચાર ઘોળાતા હતા : 'એમ તો મારી ભાભી કાંઈ ન લાવ્યાં.'
'અરે બાપુ, તમારે ઠીક પડે તો લાવોને. ક્યાં મારા વિનુ લાભુ માટે લાવો છો? પેટ પડશે એટલે એની મેળે ઘર વહાલું લાગશે.'
કપિલાએ લાભુને આઘો ખસેડ્યો : 'ઊઠ, જો ને વાંદરા જેવો!'
મણિવહુ ચિડાઈ રહી હતી એટલે એણે તરત કપિલાને કહ્યું : 'બાપુ! તમારે છોકરાંને વાંદરા ન કહેવું. વાંદરા હોય તો અમારાં છે. એલા ! છોકરા આઘો ખસને, જો ને, માથે પડતો જાય છે. વાંદરા જેવો!'
કપિલા ઝંખવાણી પડી ગઈ હતી. એણે 'વાંદરા જેવો' જેઠાણીના અનુકરણમાં જ કહ્યું હતું. છતાં એને માટે જ ઠપકો મળ્યો. તેની આંખમાં આંસુ આવુંઆવું થઈ રહ્યાં. પણ તે બહાનું કાઢીને આઘીપાછી થઈ ગઈ ને કામે વળગી.
બંને છોકરા કપિલાના ચાળા પાડતા હતા, તે જોઈને મણિવહુ હસતી હતી. હસતીહસતી વળી ધમકાવતી હતી : 'જો ને, વાંદરા જેવો! ચાળા પાડે છે? છાનો રે' છે કે, મારું?' અને એટલું બોલીને નાકે આંગળી મૂકી એક તરફથી છોકરાંને ચૂપ રહેવાની, ને બીજી તરફથી કપિલા શું કરે છે તે જોવાની, એવી બે જાતની ઈશારત કરી રહી હતી. કપિલાએ સાવરણી બરાબર બાંધી. બે ટ્રંક સરખા મૂક્યા. ધોતિયાં સંકેલ્યાં. પણ કામ જલદી પતી જતું હતું ને એને બહાર ન જવા માટે કાંઈક કામ જોઈતું હતું. એટલામાં વિનુ દોડતો આવ્યો ને એની અડફેટે ચડેલો પાણીનો લોટો ઢળ્યો. પાણીના છાંટા સાફ કરેલાં વાસણને ઊડ્યા.
'કપિલા ! એ કપિલા !'
કપિલા સાવરણી હાથમાં લઈને બહાર આવી.
'પાણી કોણે ઢોળ્યું?'
'વિનુસ્તો.'
'લોટામાં પાણી તો તમારું પીધેલું પડ્યું હશે. જો ને, મારા પીટ્યા કામ વધારે છે.'
'લ્યો, હવે ઠામણાં બહાર કાઢો, ધોઈ નાખીએ. ઠામણાંને છાંટા ઊડ્યા છે નાં?'
કપિલાએ બહાર વાસણનો ઢગ કર્યો. ત્યાં બંને ભાઈ બજારમાંથી પાછા ફર્યા. એકના હાથમાં શાકની પોટલી હતી. બીજાના હાથમાં ખાંડનું પડીકું હતું.
બંને આવીને બેઠા. પણ બજારમાં થયેલી વાતચીતે તેમને ઠંડા બનાવ્યા હતા.
'તારામાં હજી એટલી અક્કલ ન આવી, કાંઈ લાગવગ વિના કોઈ નોકર રાખે? આપણા ભાઈ છે? ને દુકાનમાં તે એમ ફાવીએ?' ગોવિંદલાલ એટલું બોલીને પછી ગુપચુપ બેઠા.
મોતીલાલ નોકરી છોડીને બીજી શોધવાની તજવીજ કરવા આવ્યો હતો. ગોવિંદલાલ એને ઠપકો આપી રહ્યો હતો. એમાંથી બંનેની વચ્ચે ચકમક ઝરી હતી. અત્યારે બંને ઠંડા હતા, પણ તેમના મનમાં અગ્નિ ધૂંધવાતો હતો. મોતીલાલે વાત ફેરવી : 'કેમ ભાભી? ઠામ ફરી વાર કાઢ્યાં?'
'એ તો પાણી પડ્યું, અમારે તો ઘરમાં છોકરાંથીએ પાણી બોટાય નહિ, કપિલાને શીખવતા હો, ઢચકઢચક પાણી પીએ છે તે. મારો લાભુ તો એ જોઈને હસતો હતો.'
'હવે શીખશે, તમે છો નાં?'
'આજકાલનાં કોઈનું માને નહિ તો.'
'તો બે લગાવી દેજો ને!'
'ના રે ભાઈ, સૌ સૌનું બાંધીને બેસે તોય ઘણું છે. માથે પડશે એટલે સૌ શીખશે.'
મોતીલાલનું મન ખાટું તો થયું હતું. એટલામાં હેતુ નહિ છતાં અકસ્માત બોલાયેલું મણિવહુનું વાક્ય જાણે કે આંહીંથી એને જલદી રવાના કરવાનું સૂચક લાગ્યું.
સાંજે બંને ભાઈ જમવા બેઠા, કપિલા પીરસતી હતી.
બંને દેરાણી-જેઠાણી બોલતાં હતાં તેમાં વિવેક હતો. પણ બંનેની ભાષામાંથી ઉષ્મા ઊડી ગઈ હતી. બંને ભાઈઓ વાત કરતા હતા તે તો સાધારણ જ હતી. બંને છોકરાં એટલી વારમાં જ કાકીથી થાકી ગયાં હતાં. કપિલાનું મન રોવાની તૈયારીમાં હતું. મણિવહુનું મન ચિડાવાની તૈયારીમાં હતું. ગોવિંદલાલને જીવનના થાક વખતે નાના ભાઈનું સાહસ- નોકરી છોડીને દુકાન કાઢવાનું - પોતાને હેરાન કરનારું લાગ્યું હતું. સાંજ પડી ન પડી ત્યાં સૌ એકબીજાથી થાકી ગયાં હતાં.
રાત્રે સૂતાંસૂતાં કપિલાએ ધીમેથી કહ્યું : 'મને આંહી સોરવતું નથી. તમે આંહીં કેમ આવ્યા?' મોતીલાલે કહ્યું : 'બે દિવસ રહીને ચાલ્યા જઈશું.' કપિલા બોલી : 'કાલે જઈએ તો?'
'ખરાબ લાગે. તું સમજે નહિ.'
બે દિવસ પછી સવારના વહેલા મળસકામાં મોતીલાલ ને કપિલા ટપ્પામાં બેસીને ઊપડ્યાં ત્યારે લાભુ ને વિનુ બોલતા હતા : 'કાકી જરૂર આવજો ! જરૂર આવજો!'
અને મણિવહુ ટપ્પા પાસે ઊભાં રહીને કહેતાં હતાં : 'બાપુ, સંભાળીને જજો, કાગળપત્તર લખજો. હવે બે દી વધુ રોકાણાં હોત તો શું ખાટુંમોળું થઈ જાત?'
ટપ્પો ચાલ્યો. સૌએ 'આવજો! આવજો!' કરી મૂક્યું.
વળાવીને પાછા ફરતાં ગોવિંદલાલ બોલ્યા : 'કપિલા પણ મૂરખ લાગે છે.' મણિવહુએ સ્વભાવોચિત પ્રૌઢતાથી કહ્યું : 'બેય સરખાં છે.'
ટપ્પામાં કપિલા બોલી રહી હતી : 'આના કરતાં ન આવ્યાં હોત -' મોતીલાલે જવાબ વાળ્યો : 'ઠીક, પણ મળવા આવ્યાં એમ કહેવાયું ને વાતની પણ ખબર પડી.'
ટપ્પાની નીચે રસ્તા પરની કાંકરી કચરાઈ રહી હતી. ને મોતીલાલના અંતઃકરણમાં ન સમજાય એવો વિષાદ મૂકી જતી હતી. આ એ જ રસ્તો હતો, જ્યાં બંને ભાઈઓએ સાથે રહી અનેક છોકરાંઓ સાથે બાળપણમાં યુદ્ધ કર્યું હતું.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર