નીલરંગ મોતીનો નેકલેસ
(વાર્તાકારઃ વર્ષા અડાલજા)
એણે ફરીથી નેકલેસની કિંમત વાંચી. કાળા મખમલના બૉક્સમાં આછી આકાશી ઝાંયવાળાં સફેદ મોતીના નેકલેસની સાથે નાનકડું લેબલ બાંધ્યું હતું : કિંમત રૂ. 500. એણે સેલ્સમેનને બે વાર પૂછ્યું હતું : ના, મોતી બહુ કીમતી ન હતાં. કદાચ વેચવા નીકળો તો પૂરા પાંચ રૂપિયા ય ન આવે. એ રીતે જુઓ તો ખોટાં મોતીની કિંમત વધુ જ કહેવાય. નીલેશે હાથમાં નેકલેસ લીધો. છતાં મોતીની સેરની કલાત્મક ડિઝાઈન અને નીલરંગી આભા પાસે એની કિંમત ઝાંખી પડી જતી હતી અને પોતાના ઉત્કટ પ્રેમની આવી સુંદર કીમતી ભેટ શૈલા વેચે જ શા માટે?
આ નાનકડા મોતીઓમાં તો એનું પ્રણયમુગ્ધ હૃદય, એનાં સ્વપ્નાં, એનું સઘળું ભાવવિશ્વ કેદ હતું. વર્ષો પછી, જ્યારે એ અને શૈલા એમની દીકરીનં લગ્નની તૈયારી કરતાં હશે ત્યારે જરા જાડી થઈ ગયેલી પ્રૌઢ શૈલા કાળજીથી પાનેતરની અંદર જ મૂકેલા આ બૉક્સને ખોલી, ઋજુતાથી પૂછશે : તમને યાદ છે નીલેશ? તમે મને આ નેકલેસ ભેટ આપ્યો હતો તે?
'નેકલેસ લેનેકા હૈ કે નહીં?'
પરસેવાથી નીતરતો, કાળો ચહેરો લૂછતો સેલ્સમેન ઘોઘરા સાદે એને પૂછતો હતો.
શૈલા, પાનેતર, દીકરીનાં લગ્નની ધામધૂમ-સઘળું જ ઘોઘરા સાદના સ્પર્શથી, જાદુગર બંધ પેટીમાં કબૂરતને અદૃશ્ય કરી દે એમ અદૃશ્ય થઈ ગયું અને ખરા બપોરના ધોમધખતા તાપમાં ફાઉન્ટનની ફૂટપાથની નાનકડી દુકાનમાં ગોઠવાયેલા નેકલેસની કિંમતનું લેબલ જ નીલેશને દેખાવા લાગ્યું - કિંમત રૂ. 500.
એણે ખોંખારો ખાધો, નેકલેસ સુંદર છે. પણ આ રૂ. 500 થોડા વધુ તો કહેવાય, પણ દિવાળીના તહેવારોનો ઉલ્લાસ, મુગ્ધ પ્રણયની પ્રથમ કીમતી ભેટ, શૈલાનો જન્મદિવસ, ફટ દઈને એણે ખિસ્સામાંથી પાકીટ ખેંચી કાઢ્યું. મોં-બગાડી નેકલેસનું બૉક્સ પાછું મૂકતાં સેલ્સમેનનો હાથ થંભી ગયો. પરસેવાની સાથે હાસ્ય ફૂટી નીકળ્યું. મધુરતાથી એણે કહ્યું :
'કયા ચીજ હૈ ! આપ ભી યાદ કરેંગે.'
સુંદર રંગીન કાગળમાં બૉક્સ બંધાવી એણે ચાલવા માંડ્યું. ત્યારે ન તડકો હતો, ન ફૂટપાથ પર ઊભરાતી ગિર્દી, ન ફેરિયાઓની બૂમાબૂમ - મોતીઓની નીલરંગી આભાથી વીંટળાઈ એ વાદળાંઓ પર ચાલતો હતો, ને ચાંદનો ચહેરો પહેરી શૈલાનું મરક મરક થતું મુખ એની સામે હતું.
ઑફિસમાં છેક ટેબલ સુધી એ કઈ રીતે આવી પહોંચ્યો, એનું જ એને ભાન ન હતું. લંચ અવર હજી પૂરો થયો નહોતો. સુરેન્દ્રના ટેબલ પાસે બધા ઊભા હતા. ભટ્ટની ચા પીવાની હતી. એને જોઈને કોઈકે કહ્યું :
'કેમ એકલો એકલો ક્યાં નાસ્તો કરી આવ્યો? આજે સુરેન્દ્રના ટિફિનમાં શું લંચ હતું, યાર!'
નીલેશે પેન્ટના ખિસ્સા પર હાથ ફેરવી લીધો. વાદળાંઓ પર ચાલતાં ચાલતાં મેઘધનુષની સપ્તરંગી કમાન નીચે આવીને ઊભો હતો, અને બહુપાશમાં આવી શૈલા. એ નેકલેસની આંકડી ભેરવી રહ્યો હતો.
'અરે નીલેશ ! તેં સુરેન્દ્રની વાત સાંભળી કે નહીં?'
કોઈકે ધબ્બો માર્યો.... ધીરે ભાઈ ! ધીરે, આ નેકલેસ મારી શૈલાને પહેરાવી રહ્યો છું.
'અરે, એક સરસ છોકરીની ઑફર આવી છે. નક્કી જ સમજ. શૈલા. શૈલા મઝમુદાર.'
નેકલેસનો આંકડો છૂટી ગયો, અને આકાશી વાદળાંઓના ઢગમાંથી સરકીને એ સીધો પૃથ્વી પર પડ્યો.
'શું?' નીલેશે ચમકીને પૂછ્યું.
'શું નહીં, કોણ એમ પૂછ. શૈલા હમણાં જ બી.એસસી. થઈ.' હવે પેથોલોજીનું કરવા ધારે છે, સુંદર તો ખરી જ, પણ એટલી સ્માર્ટ અને ઈન્ટેલિજન્ટ.' વગર પૂછ્યે કોઈએ વ્યવહારુ શિખામણ આપી. 'હું તો કહું છું જલદીથી વેવિશાળ પણ કરી નાખ. ક્યાંક બીજાનો નંબર લાગી જશે તો રખડી પડીશ.'
'આ ચાન્સ ગુમાવું એવો હું મૂરખ નથી. કાલે જ એનો જન્મદિવસ છે, બા અને કાકી કાલે જ...'
નીલેશને થયું ઑફિસ ખૂબ નાની છે, અને સખત ગરમી થાય છે. પેન્ટના ખિસ્સામાં પડેલું બૉક્સ ખૂંચતું હતું. નેકલેસનાં મોતીઓનો આસમાની રંગ ઝાંખો પડી ગયો. આખરે તો ખોટાં મોતી જ ને ! એના પ્રમાણમાં કિંમત કેટલી ! પંખાની હવામાં કિંમતનું નાનું લેબલ ફરફરવા માંડ્યું - રૂ. 500.
એ જ વાતનો દોર આગળ ચાલતો હતો. એ ત્યાંથી ખસીને પોતાના ટેબલ પર જઈને બેઠો. સામેના ટેબલ પાસે ટોળું વળીને ઊભેલા લોકો વચ્ચેથી સુરેન્દ્ર બરાબર જોઈ શકતો હતો. ઊંચું સુદૃઢ શરીર અને દેખાવડો, શ્રીમંત કાકાએ આપેલો મલબારહિલ પર ફ્લેટ, આસિસ્ટન્ટ મેનેજરની પદવી... શૈલાની ઑફર સામેથી આવી છે. નક્કી જ છે....
સાંજે ઑફિસ ખાલી થઈ ગઈ ત્યાં સુધી એ બેસી રહ્યો. બધાં ગયાં એટલે એણે નેકલેસનું બૉક્સ કાઢીને ટેબલ પર મૂકી દીધું. હવે એનું શું કામ છે? ઑફિસનો પટાવાળો ઑફિસ વાળશે એટલે ઊંચકી જશે. હાથમાં આવી ચડેલી સરસ ચીજ કોણ પાછી આપે?
પોતાનું હૃદય પાછળ રહી ગયું હોય એમ એ ઑફિસની બહાર નીકળ્યો. રસ્તા પર ગિર્દી, વાહનોનો ઘરઘરાટ, ફેરિયાઓની બૂમોથી એ ઘેરાઈ ગયો. પુરાણકાળની કોઈ સતીના શાપથી વિશ્વ આખું થંભી ગયું હોય, એમ એ સ્તબ્ધ બની ત્યાં જ ઘડીભર ઊભો રહ્યો.
'સાહેબ... સાહેબ...'
કોઈકે હાથ પકડીને ખૂબ હલાવ્યો.
'સાહેબ ! આ તમારું બૉક્સ, તમારા ટેબલ પર પડ્યું'તું,' પટાવાળાએ એના હાથમાં બૉક્સ મૂકી દીધું. 'કેટલો સરસ હાર છે! હું દોડતો તમને આપવા આવ્યો.'
'હં...હા, થેંક યૂ હોં ! હું ભૂલી જ ગયો હતો.'
પટાવાળો ત્યાંથી ન ખસ્યો. સ્મિત કરીને ઊભો રહ્યો. નીલેશે ખિસ્સામાંથી પાચની નોટ કાઢીને એના હાથમાં મૂકી, ને નિઃશ્વાસ મૂકી ચાલવા માંડ્યું. ગિર્દીમાંથી જેમતેમ રસ્તો કરતો એ ચર્ચગેટ પહોંચ્યો. ધક્કામૂક્કીમાં એ માંડ અંદર દાખલ થયો. ટ્રેન ઊપડી. એણે ચારે તરફ જોયું. અનેક જાતના ચહેરાઓની ભીડ હતી. પોતાની બાજુમાં ઊભેલા બે માણસો, એને જરા વધારે ભીંસતા હોય એવું લાગ્યું. જાડાં ભવાં, લુચ્ચી આંખો અને ગાલ પર આ મોટો કાપો... અરે લોકલમાં તો રોજ ખિસ્સા કપાય છે. બાજુવાળાનો હાથ પોતાના પેન્ટના ઊપસેલા ભાગ પર ફરી રહ્યો છે. ભલે લઈ જતો. જ્યાં ચંદ્ર નથી, નીલરંગ વાદળાંઓ નથી, સપ્તરંગી મેઘધનુષ નથી, ત્યાં આવા નકામા હારને એ શું કરે? ખિસ્સામાં થોડા પૈસા, રેલવે પાસ પણ સાથે જશે. પણ એક પ્રેમીને માટે એકલો ત્યાગ બહુ મોટો ન કહેવાય.
એ સ્ટેશન પર ઊતર્યો ત્યારે એક છેક નિરાશ થઈ ગયો હતો. ખિસ્સું કપાવા જેવી એક સામાન્ય ઘટના પણ એના જીવનમાં ન બની ! ઈશ્વર શું આટલો ક્રૂર છે? પેલા બે ખિસ્સાકાતરુએ ત્યારે એને છેતર્યો જ ને !
એણે ઘર તરફ ચાલવા માંડ્યું. બા નક્કી નવાઈ પામશે. આજે આટલો વહેલો ઘરે આવી ગયો? હમણાં તો એ અવારનવાર સાંજ શૈલા સાથે જ ગાળતો. શૈલા... ખિસ્સામાં ખૂબ વજન હોય, ન ચાલી શકાતું હોય એમ હાંફવા માંડ્યો. એણે બૉક્સ કાઢી હાથમાં રાખ્યું. રસ્તે આડુંઅવળું ક્યાંક ફગાવી દેશે. મ્યુનિસિપાલિટીની ગટરનાં ઢાંકણાં કેટલાંય ચોરાઈ જતાં હોય છે. ખુલ્લી ગટરો રાહદારીઓ માટે કેટલી જોખમી છે એવા અખબારનાં મથાળાં અને ફોટા એ રોજ જોતો હતો. પણ રસ્તા પર ક્યાંય એવી ઉઘાડી જોખમી ગટર ન જોઈ, કે મ્યુનિસિપાલિટીએ નહીં ઊંચકેલા કચરાનો ઢગ પણ ન દેખાયો. રસ્તાની બેય બાજુ ઝગમગતી બત્તીના થાંભલાઓ, ફેરિયાઓની હાર. છેક ઘર સુધી અંધારો, એકાંત ખૂણો ન જડ્યો તે ન જ જડ્યો. બૉક્સ ફરી ખિસ્સામાં મૂકી એણે બારણાની બેલ મારી. એ સાથે જ સરસ વિચાર સ્ફુરી આવ્યો. અરે ત્તારી ! આટલા દુઃખમાંય એના ચહેરા પર સ્મિત ફરકી ગયું. નાની બહેન સ્મિતા ! એ કેમ યાદ ન આવી? લે સ્મિતુ ! ખાસ તારા માટે જ નેકલેસ લઈ આવ્યો છું. એ ખિલખિલ હસીને વળગી પડશે.
બારણું ખૂલતાં જ બાને એણે પૂછ્યું, 'સ્મિતા ક્યાં છે?'
બા નવાઈ પામી સામે જોઈ રહી. 'સ્મિતા એની બહેનપણી મીનાને ત્યાં રહેવા ગઈ છે. મીના લગ્ન કરીને દિલ્હી જાય છે, એણે જ તો તને સવારે કહ્યું હતું.'
'અ...હા. ભૂલી ગયો.'
એ હાથપગ ધોઈને બહાર આવ્યો ત્યાં બા ચા લઈને આવી.
'કેમ એકદમ સ્મિતા માટે પૂછતો હતો?'
'ના, આ તો વહેલો ઘેર આવી ગયો, થયું ચાલો આઈસ્ક્રીમ ખાવા જઈએ.'
બા રસોઈ કરવા ગઈ. એ એકબે ચોપડી લઈ આરામખુરશીમાં ગોઠવાયો. પણ ચેન ન પડ્યું. હિંદી ફિલ્મનો હીરો, દેવદાસના ભાવ સાથે 'એક દિલ કે ટુકડે હજાર હુએ' ગાતો ત્યારે એ મશ્કરી કરતો. પણ એમની વેદના આજે એ સમજી શક્યો. આંખો બંધ કરીને એ પડ્યો રહ્યો. બસ, હવે જિંદગીમાં રહ્યું શું હતું? નજર સામેથી સુરેન્દ્ર શૈલાને ઉઠાવી ગયો હતો, અને એ કશું કરી શક્યો નહોતો. અને શૈલા... જરા જાડી થઈ ગયેલી પ્રૌઢ શૈલા, રિજનલ મેનેજરની પત્ની મલબારહિલના ફ્લેટની બાલ્કનીમાં હીંચકે ઝૂલતાં કહેશે : યાદ છે સુરેન્દ્ર? આપણે હનિમૂન માટે દાર્જીલિંગ ગયાં હતાં ત્યારે...
એ ખુરશીમાં ઊભો થઈ ગયો. સખત અકળામણ થવા માંડી. શૈલા... શૈલા... શૈલા... દાંત કચકચાવી એણે ટેબલ પર મુઠ્ઠી પછાડી. ટેબલપર પડેલા નેકલેસના બૉક્સ પર એવી દાઝ ચડી કે ઊંચકીને બારી બહાર ફેંકવા જાય છે ત્યાં જ બા આવી.
'નીલેશ ! જમી લઈશું? મારે એકટાણું છે. તારી રાહ જોઈને સવારે જમી નથી.'
બૉક્સ ટેબલના ખાનામાં સરકાવી એ હસીને બોલ્યો :
'મને ખાસ ભૂખ નહોતી, પણ તારી સાથે જમીશ બા !'
બા ભીના હાથ લૂછતી પલંગ પર બેઠી. 'સ્મિતાને જોવા આવવાના છે, નીલેશ ! તને સમય હોય તે દિવસે ગોઠવીએ.'
નીલેશ નવાઈ પામી ગયો.
'પણ બા ! તું કહેતી હતી ને માસીના દેર ઉત્કર્ષ સાથે જ તમારા બંનેનો વિચાર છે. એ અમેરિકાથી આવે એટલે...'
'પણ ઉત્કર્ષ અમેરિકાથી આવે ત્યારે ને ! કોઈ બીજો સારો છોકરો મળતો હોય તો મળવામાં શું જાય છે? બંનેને પસંદ હોય તો કરી પણ નાખીએ. લગ્નની બાબતમાં કોઈના ભરોસે કંઈ બેસી ન રહેવાય.'
'પણ માસીને ખરાબ નહીં લાગે?'
'ના રે બેટા ! ખરાબ શું લાગે એમાં? સારી છોકરીના સો માગાં હોય. ક્યાંક ને ક્યાંક વાત ચાલતાં નક્કી જ કરી દેવાનું હોય.'
નીલેશ એકદમ ઊભો થઈ ગયો. 'બા ! તું થાળી પીરસ ને, હું હમણાં આવું છું.'
બા કંઈ પૂછે એ પહેલાં એ ઝડપથી બબ્બે દાદર કૂદતો નીચે ઊતરી પડ્યો. ઈરાની રેસ્ટોરન્ટમાં આવી એણે ફોન જોડ્યો. સામે છેડેથી ફોન ઉંચકતાં જ અધીરાઈથી એણે પૂછ્યું :
'હલ્લો, શૈલાને આપશો?'
થોડી ક્ષણો જાણે લાંબા સમયપટ પર રેલાઈ ગઈ.
'હલ્લો, હું શૈલા, તમે કોણ?'
'હું નીલેશ. શૈલા, તું મારી સાથે લગ્ન કરશે?'
એ સાથે જ શૈલા ખડખડાટ હસી પડી. નીલેશે ચિડાઈને પૂછ્યું :
'એમાં હસવા જેવું શું છે? તું મારી સાથે લગ્ન કરશે? હા કે ના.'
અને એ એક શબ્દ પર સમગ્ર જીવન ટાંગ્યું હોય એમ એનો શ્વાસ અધ્ધર થઈ ગયો.
'બુધ્ધુ ! આટલા દિવસ ક્યાં ગઈ હતી તારી હિંમત? હું તો તારા આ જ પ્રશ્નની રાહ જોઈ જોઈને થાકી ગઈ હતી. કાલે મારો જન્મદિવસ છે. યાદ છે ને ! ક્યાં મળીશું?'
નીલેશે ફોન મૂક્યો ત્યારે રેસ્ટોરન્ટના કપરકાબીનો ખણખણાટ, વેઈટરોની બૂમો કે રસ્તા પરનાં વાહનોનો અવાજ કશું ન હતું. મોતીઓની નીલરંગી આભાથી વીંટાળી એ વાદળાંઓ પર ચાલતો હતો. ચાંદનો ચહેરો પહેરી શૈલાનું મરક મરક થતું મુખ એની સામે હતું. અને એ કાળા મખમલના બૉક્સમાંથી મોતીનો નેકલેસ લઈ સૈલાને પહેરાવી રહ્યો હતો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર