પરિવર્તન

10 Jun, 2017
12:00 AM

PC: quoracdn.net

(વાર્તાકારઃ ધૂમકેતુ)

સાત x પાંચની પોતાની નાનકડી ઓરડીમાં સવારના સાત વાગ્યે જ્યારે કિશોરલાલ ચા કરવા બેઠો, ત્યારે તેની આંખમાંથી આંસુ નીકળી પડ્યાં. ચા કરવાનો એને અનુભવ બિલકુલ નહિ. અને એમાં ચૂલાનો ધુમાડો આખી ઓસરીમાં ભરાઈ જતાં એની આંખ આંસુથી છલકાઈ ગઈ. અને એમાં ઘર સાંભરતાં બંને પ્રકારનાં આંસુઓ ભેગાં થઈને વહેવા લાગ્યાં.

એટલામાં બહારથી છાપવાળાએ 'છાપું' બોલી બહાર રસ્તા ઉપર પડતા બારણાની તડમાંથી છાપું ફેંક્યું.

કિશોરીલાલે છાપું લીધું. એમાં પહેલા જ પાના ઉપરની જાહેર ખબર વાંચીને, તે મનમાં ને મનમાં ધૂંધવાઈ ઊઠ્યો. મોટેથી મનમાં આવેશભર્યો એનો સંવાદ ચાલ્યો : 'આવતો રહે, ભાઈ, આવતો રહે, આવતો રહે, તને કોઈ લડશે નહિ. પૈસા જોઈતા હોય તો મંગાવજે.' હવે તમતમારે જાહેરખબરો આપ્યા કરો. ભાઈ હવે આવી રહ્યો. આવવા માટે ભાગે, એ બીજા. ભાઈ આવવાનો નથી. કાં તો આ પાર ને કાં પેલે પાર - એ સંકલ્પ કરીને જ હું તો નીકળ્યો છું. જે થાવું હોય તે ભલે થાય. આખો દિવસ બસ, કચકચ ને ટકટક. આ તેં આમ ન કર્યું ને આ તેં આમ ન મૂક્યું, ને આ રહી ગયું.

'અરે! બે પળી દૂધ ઢોળાણું એમાં તો ત્રણ ધોલ પડી. બે પળી દૂધની બે ધોલ પણ નહિ. ત્રણ ધોલ, બાપાએ લગાવી દીધી. ને એ ઓછી હોય તેમ 'મારા પીટ્યા, દેખતો નથી, મોંઘા ભાવનું દૂધ ઢોળે છે તે!' એમ કહીને માએ પણ એક વધુ ધોલ દઈ દીધી.

'તો હવે ભલે એ જાહેરખબરો આપ્યા કરે. જવાબ વાળે એ જુદા.'

કિશોર કિશોરીલાલ પોતાને ઘેરથી ભાગ્યો હતો અને એના મનમાં એવો નિશ્ચય એણે કર્યો હતો કે હવે તો ભણીગણીને બેરિસ્ટર થઈને જ બાપને મળવું. એને દેખાડી દેવું.

આંહીં આ અજાણ્યા શહેરમાં એ એક-બે દિવસ તો ભટક્યો. છેવટે આ નાનકડી સાત x પાંચની ઓરડી મળી ગઈ. એમાં એણે પોતાની ઘડિયાળ ને વીંટી વેચીને, જરૂરજોગો સામાન વસાવી લીધો હતો.

આજે આઠદસ દિવસ પછી પહેલવહેલો ચા કરવા બેઠો ત્યાં ઓરડી આખી ધુમાડાથી ભરાઈ ગઈ ને ઘર પણ સાંભર્યું. બંનેનાં ભેગાં આંસુ વહી રહ્યાં. પણ એનો સ્વભાવ એક રીતે ગણો તો જક્કી ને બીજી રીતે ગણો તો અડગ આગ્રહી. એટલે છાપામાં પોતાને માટે કેવાં બધાં, ઘેર એની રાહ જુએ છે, ને બાપા રડે છે, ને માએ ખાધું નથી, ને એવુંએવું બધું વાંચીને, એના કિશોર દિલમાંથી પ્રત્યાઘાતો આ ઊઠ્યા, કે હવે તો આ પાર કે પેલે પાર, બાકી ઘેર જવું નથી, ને એ દિશામાં પગ પણ માંડવો નથી. થવું હોય તે ભલે થાય. છાપાને એક બાજુ રાખી દઈને એ પાછો પોતાના ચા કરવાના કામમાં લાગી ગયો. આંસુ તો હજી વહેતાં હતાં. પણ હવે એ ધુમાડાનાં જ હતાં, એમ કહી શકાય.

એણે પાણી ઊકળતું જોઈને એમાં ખાંડ નાખવા માટે ડબલું ઉઘાડ્યું ત્યાં એના ફળી તરફના બારણામાં કોઈ આવીને ઊભું રહ્યું.

કિશોરીલાલે ઊંચી દૃષ્ટિ કરી. આવનાર, પાસે રહેનારો એનો પાડોશી હતો. તે ક્યાંક નોકરી કરતો હતો. કિશોરીલાલ એને હંમેશાં દસ સાડાદસે તૈયાર થઈને જતો જોતો. પણ હજી કોઈ દિવસ એમના વચ્ચે કોઈ વાતચીતનો વ્યવહાર ચાલ્યો ન હતો. એટલે કિશોરીલાલ અત્યારમાં એને જોઈને નવાઈ પામ્યો.

એ કાંઈક દેવા આવ્યો હતો.

એટલામાં આવનારે હાથમાં એક નાનકડી લોટી હતી એ ત્યાં મૂકી અને કહ્યું, 'આમાં ચા છે - તમારે માટે. શું તમારું નામ?'

'કિશોરીલાલ !'

'ત્યારે તમારે અત્યારમાં ચૂલાની વેઠ કરવી નહિ. અમારી ચા અત્યારે થતી જ હોય છે, એમાં તમારો એક પ્યાલો વધારે. લ્યો આ...'

'ના ના, પણ મારી ચા તૈયાર થઈ ગઈ છે.'

'તો એક વધારે લેજો.'

'પણ કાલથી ન લાવતા...'

'એમ નહિ. કાલથી હવે તમે ચાની ઊઠબેસ ન કરતા. અત્યારે અમારી થાય છે, તેમાં તમારી મુકાઈ જશે. લ્યો આ - અને હા, બીજું - તમે આંહીં ભણવા આવ્યા છો? એકલા જ છો? તમે ક્યાંના ?'

કિશોરીલાલે એના જવાબ કાંઈ બહુ સ્પષ્ટ ન થાય તેમ આપ્યા. આવનારને એટલું લાગ્યું કે છોકરો લાગે છે જરાક થોડાબોલો ને બહુ હળેમળે નહિ તેવો. પણ જતાંજતાં એ વધારે આગ્રહથી કહેતો ગયો, 'હવે તમે કાલે ચાની વેઠ કરતા નહિ હો. ચાના વખતે ચા આવી જ જશે!'

'પણ તો-તો હું જ લઈ જઈશ!'

'ના, ના. એ તો હું જ પહોંચાડવા આવીશ. દસ ડગલાં માંડ છે. એ રીતે તમારી ઓરડીમાં નજર નાખી લેવાય નાં? કાંઈ જોઈતું-કારવતું હોય. આંહીં તમારે કોણ સગું હોય?'

કિશોરીલાલ ચા લીધી ને એ પીવા બેઠો. પણ એના મનમાં આ માણસે અકારણ ઉઠાવેલી સેવાએ ઘણી ભારે અસર કરી.

એને થયું આ માણસ ભણનારા પ્રત્યે કોમળ દિલ ધરાવે છે. આવી કોમળતા એણે પહેલવહેલી જોઈ.

(2)

કિશોરીલાલને આંહીં સ્થિર થયા હવે તો ઠીક સમય થયો છે. તે પોતાની રસોઈ પોતે કરી લેતો. એક ઠેકાણે એક ટ્યૂશન જેવું મળી ગયું હતું ને થોડાક પૈસા એની પાસે હતા, એમાંથી એ બહુ સંભાળપૂર્વક ધીમેધીમે પોતાનું ગાડું ગબડાવ્યે જતો હતો. પણ એના સ્વભાવમાં અતડાઈ બહુ હતી. કોઈ સાથે હળવુંમળવું નહિ, કોઈનામાં ખાસ રસ કે વિશ્વાસ નહિ - ઘર તરફના તંગ વાતાવરણમાંથી એણે પ્રાપ્ત કરેલી એ હવા હજી ચાલુ રહી હતી.

એક વખત છાપું આવ્યું. તેણે નજર નાખી પેલી જાહેરખબર એક વધુ વખત પ્રગટ થયેલી. મોટા અક્ષરે. તેના ઉપર એની દૃષ્ટિ ગઈ, અને એ કાંઈક ગુસ્સામાં, કાંઈક ધૂંધવાટમાં, જરાક મોટેથી બોલી ઊઠ્યો : 'હવે ભલે તે ગમે તેટલી જાહેરખબર આપે. જવાબ વાળે એ બીજા!'

પણ એના શબ્દો, જરાક મોટેથી બોલાયેલા શબ્દો, બહાર નીકળ્યા ન નીકળ્યા, એ જ વખતે એના પાડોશી હરિપ્રસાદભાઈને એટલામાં ચાની લોટી લઈને, હંમેશના નિયમ પ્રમાણે, ત્યાં બારણે ઊભેલા એણે જોયા. - હરિપ્રસાદભાઈએ શબ્દો સાંભળ્યા હતા અને કિશોરીલાલની નજર છાપા ઉપર હતી એ પણ એમણે જોયું હતું. એટલે એમને તરત મનમાં આવી ગયું - આ કિશોરીલાલ, કહો ન કહો પણ ક્યાંકથી ભાગ્યો લાગે છે. તે પહેલાં એણે કિશોરીલાલની વાત મેળવવા બે-ચાર વખત પ્રયત્ન તો કર્યા હતા, પણ એમાંથી એટલો જ સાર એને મળ્યો હતો કે આ છોકરાને કોઈ કહેતાં કોઈ નથી. મા-બાપ મરી ગયાં છે. દૂરનાં એક ફોઈ છે, તે માંડ પોતાનું પેટિયું કાઢે તેવાં છે. બીજાં કોઈ સગાં છે નહિ. આ વાત એમણે માની પણ હતી. પણ આજે આ છાપું, કિશોરીલાલ, એની છાપા ઉપરની નજર, એનો ચહેરો, પોતાની હાજરીથી જરાક થયેલો એને ગભરાટ- એ બધું જોઈને એમણે અનુમાન કર્યું : છોકરાની વાતમાં કાંઈક ઊંડાણ છે તે એ સમજ્યા નહિ.

એણે તો ચાની લોટી ત્યાં મૂકી અને હંમેશની માફક એક-બે વાતો - 'આજ શું રાંધવાના છો? કેમ ચાલે છે ભણવામાં? પછી બીજું ટ્યૂશન મળ્યું ક્યાંય? એક છે, તે હું તમને પછી કહીશ...' એવીએવી વાતો કરીને એ ગયા. એમણે ઘેર જઈને તરત છાપામાં દૃષ્ટિ કરી. પહેલા પત્તા ઉપર એમની નજર ગઈ ને એ ત્યાં સ્થિર થઈ ગઈ. એમને થયું : કદાચ આ જાહેરખબર - ભાઈ ! હવે આવતો રહે - એ આ છોકરા સંબંધે જ હોય. તે વિચારમાં પડી ગયા. સીધી રીતે કિશોરીલાલને પૂછે તો એ નામુકર જ જાય. એવો તેનો સ્વભાવ હતો. એ એમણે જોઈ લીધું હતું. પણ આ જાહેરખબર વાંચતાં તે કિશોરીલાલની આજની વાત સાંભરતાં, એ પોતે જ દ્રવિત થઈ ગયા હોય તેમ લાગ્યું. એમની આંખમાં આંસુ આવી ગયાં અને બરાબર એ જ વખતે, એમનાં વહુ લલિતાબહેન, એમને કાંઈક પૂછવા માટે આવી ચડ્યાં. હરિપ્રસાદભાઈની આંખમાં આંસુ જોતાં એ બારણામાં જ થંભી ગયાં. હરિપ્રસાદભાઈએ તો તરત ઉતાવળે સ્વસ્થતા મેળવી લીધી, પણ એમનાં આંસુ લલિતાબહેને જોઈ લીધાં હતાં. તેમણે અચાનક સીધી રીતે જ પૂછ્યું : 'એવું શું છે છાપામાં, કે તમારી આંખમાં આંસુ આવી ગયાં?'

'આપણી જ વાત જાણે...' હરિપ્રસાદ વધુ બોલી શક્યા નહિ. એમણે છાપું જ સામે ધર્યું. ને પેલી જાહેરખબર ઉપર મૂંગામૂંગા આંગળી ફેરવી.

લલિતાબહેન પણ એ વાંચીને ભૂતકાળની વાત સાંભરતાં ગદ્દગદ થઈ ગયાં.

એમનો સોળ-સત્તર વર્ષનો એકનો એક દીકરો, આ પ્રમાણે જ, વર્ષો પહેલાં અદૃશ્ય થઈ ગયો હતો. ગમે તેટલો પ્રયત્ન કર્યો પણ પછી એનો પત્તો ન લાગ્યો. જાહેરખબરો પણ આપી, પણ કાંઈ સમાચાર ન આવ્યા. આજની જાહેરખબરે આજે એ ભૂતકાળ તાજો કરી દીધો. બંને ઘડીભર અવાક બનીને, ત્યાં ધરતી ઉપર આંસુ સારતાં જોઈ રહ્યાં.

પણ ત્યાર પછી કિશોરીલાલને શંકા પડી ગઈ કે પોતાની વાત આ હરિપ્રસાદભાઈ જાણી ગયા લાગે છે કે ગમે તેમ, પણ એક દિવસ એણે અચાનક જ પોતાની ઓરડી ફેરવી નાખી. અને એ ક્યાંક બીજે રહેવા ચાલ્યો ગયો.

પણ લલિતાબહેન હવે વારંવાર હરિપ્રસાદભાઈને પૂછતાં રહેતાં : 'કિશોરીલાલના કાંઈ વાવડ? ક્યાં રહેવા ગયો છે? કાંઈ પત્તો?'

'અરે ! ગયો હશે ગમે ત્યાં. આપણે એ બધાની ક્યાં સંભાળ રાખવા બેસીએ? આ તો પડખે રહેતો હતો, એટલે આપણે ચા પહોંચાડતા હતા. છોકરો બહુ ઊંડો લાગે છે!'

'ઊંડો તો શું? બિચારો થાકી ગયો છે, ને હવે કાંઈક જાણે એનો મનમાં ગભરાટ છે. એનો પગ પણ એ દિશામાં હવે વધતો નથી!'

'પણ ત્યારે જવું હોય પાછું તો કોણે રોક્યો છે? પણ ઊંડો છે. હઠીલો છે. એણે તો વાત સૂઝવા જ નથી દીધી. મેં જાહેરખબરનું જાણ્યા પછી એક-બે વખત પૂછ્યું પણ ખરું. પણ એ તો વાત ટાળી નાખે એટલો બધો અતડો!'

'છોકરાં કોને કહે? હઠે ચડે - એ પછી ઠેકાણએ આવતાં આવે. પણ પત્તો તો મેળવજો. આપણએ એક વખત, એને એની મા પાસે પાછો...' લલિતાબહેન વધુ બોલી શક્યાં નહિ. એમનો અવાજ ધીમો શોકઘેરો બની ગયો.

એના મનમાં તો હવે સતત આ એક જ વાત જાણે ચાલી રહી હતી. એની મા બિચારી કેટલું ઝૂરતી હશે? કેવી રાહ જોતી હશે? કેવા રાત્રિના ઉજાગરા ખેંચતી હશે?

અને પોતાનો એવો સ્વાનુભવ એમના હૃદયને કરુણાથી ભારોભાર ભરી દેતો. પોતે પોતાના છોકરા માટે કેટલું ઝૂરી હતી - એ યાદ આવતાં. આ બીજી અણજાણ માતાને જાણે એ પ્રત્યક્ષ જોતી હોય તેમ દ્રવી જતી હતી.

પણ કિશોરીલાલ ક્યાં હતો એનો હજી પત્તો મળ્યો ન હતો.

પણ જેવો એ પત્તો મળ્યો કે તરત જ, એક દિવસ એ પોતે જ ચાની લોટી લઈને સવારમાં જ ત્યાં જવા નીકળી.

એ ત્યાં પહોંચી, ત્યારે કિશોરીલાલની ઓરડી બંધ લાગી. એણે બહારથી ટકોરા કર્યા. અંદરથી કાંઈ જવાબ મળ્યો નહિ.

એ થોડી વાર થોભી. પછી એણે ફરી ટકોરા માર્યા.

જવાબમાં કિશોરીલાલે બારણું તો ઉઘાડ્યું. પણ એના અસ્વસ્થ શરીરે એ માંડમાંડ ત્યાં ઊભો રહી શક્યો હતો.

લલિતાબહેન અંદર આવ્યાં. એમણે ઓરડીમાં ચારે તરફ જોયું. કિશોરીલાલ બે-ત્રણ દિવસ થયાં માંદો હોય તેમ લાગ્યું. ઠામણાં રમણભમણ પડ્યાં હતાં.

કિશોરીલાલ બારણું ખોલીને પાછો અંદર પથારીમાં આવી ગયો હતો.

લલિતાબહેન એની પથારી ઉપર પાસે જ બેઠાં. પ્રેમથી એના કપાળ ઉપર હાથ મૂક્યો. શાંતિથી - જાણે પોતાનો જ છોકરો માંદો હોય તેમ તેમણે કહ્યું : 'ભાઈ ! કિશોરીલાલ ! શું જણાય છે? તાવ હતો? તેં અમને કહેવરાવ્યું પણ નહિ ! આપણે એવી ઓળખાણ તો થઈ છે.'

'અરે ! આ તો સહેજ - અમસ્તો !'

'પણ તું એકલો છે ભાઈ ! તેં અમને કહેવરાવ્યું હોત તો હું આંટો મારી ન જાત? આ ચા તારે માટે હું લાવી છું, લે. હું કાઢી આપું ને આજ હવે તને હું જ રાંધી દઈશ. તું મપતનો ઊઠબેસ ન કરતો ! શરીર કેટલું લેવાઈ ગયું છે?'

કિશોરીલાલને પહેલી જ વખત મળેલા આ વાતાવરણે, એના હૃદયમાં એક પ્રકારની શાંત-નરમ લહરી ફેલાવી દીધી. એ પોતાની હવામાંથી જાણે બહાર આવ્યો. કુમળા દિલે કુમળું દિલ જાગ્રત કર્યું.

'અને કિશોરીલાલ !' લલિતાબહેને એના દિલને વધુ સ્પર્શવા પોતાની જ જાતે વાત આદરી : 'ભાઈ ! તને જોઈને મને મારો દીકરો યાદ આવે છે. અમે સોળ-સત્તર વરસ પહેલાં - આ જ પ્રમાણે એને ખોયો છે. નાનકડી વાતમાંથી મોટી વાત થઈ ગઈ એટલું જ. દૂધ ઢળ્યું એટલી જ વાત ! અને ભાઈ ! મેં એને ખોયો. એનો પત્તો ન મળ્યો તે ન મળ્યો. રોઈને બેઠાં રહ્યાં ભાઈ ! તારી માના દિલમાં પણ, તું સંભાર, ભાઈ, શુંનું શું થાતું હશે? મારી વાત સંભારીને તો હું તને મળવા આવી છું. એટલા માટે બેટા ! કે મા-બાપના શબ્દો કર્કશ હોય છે, પણ દિલ કાંઈ કર્કશ હોય છે? એક જરા જેટલો તું વિચાર કર ! એમના દિલમાં શું થતું હશે? એમને દુઃખ કેટલું થાતું હશે?'

લલિતાની વાતની એવી તો અસર થઈ ગઈ કે, કિશોરીલાલની આંખમાંથી શાંત આંસુ ટપકવા લાગ્યાં.

'તારાં મા-બાપ ક્યાં છે ને કોણ છે - ને તું કેમ ભાગ્યો છે' એવો કોઈ જ પ્રશ્ન ન કરતાં લલિતાબહેને એકદમ સીધી જ વાત ઉપાડી : 'ભાઈ ! તું મારી સાથે ચાલ - મારે તારી માને મળવું છે. એ પણ મા છે. હું પણ મા છું. અમે બંને મળીએ તો અમને પણ આનંદ થાય! આપણે આજે જ જઈએ.'

'પણ ક્યાં?'

'તું કહે ત્યાં દીકરા ! તારે ઘેર. મારે તારે ઘેર આવવું છે !'

કિશોરીલાલની આસપાસની બધી જ હવા ઊડી જતી હતી.

પોતાની માના ખોળામાં માથું મૂકતો હોય તેમ તેણે લલિતાબહેનના ખોળામાં માથું મૂકતાં ધીમેથી કહ્યું : 'મા ! હવે તમે જ મારી મા છો ! મારે ઘર ક્યાં છે?'

'ના ભાઈ ના ! તારી મા - એ તારી રાહ જુએ છે. મને ખબર છે. તારે ઘર પણ છે. મા પણ છે, મારે આ કરવું જ પડે તેમ છે ભાઈ ! તો જ મેં મારી મૂર્ખાઈમાં જે મારો દીકરો ગુમાવ્યો છે, તેનું પ્રાયશ્ચિત્ત થઈ જાય... આપણે ક્યારે જવું છે ભાઈ?'

કિશોરીલાલના દિલમાં હવે આ શબ્દોએ જાણે એની માની નવી જ મૂર્તિ ઊભી કરી હોય તેમ તે ધીમેથી : 'આપણે આજે જ જઈએ !'

'ક્યાં જઈશું ? ટિકિટ મંગાવવી પડશે નાં ?'

કિશોરીલાલે હવે ગામનું નામ આપ્યું - અને લલિતાબહેન ચોંકી ગયાં, અકસ્માત પોતાના જ પિયરનું ગામ નીકળતું હતું !

એમણે ધીમેથી કિશોરીલાલના માથામાં હાથ ફેરવતાં કહ્યું : 'બેટા ! ત્યારે તો તું મારો પણ દીકરો છે. હું પણ ત્યાંની જ છું. ચાલ, એ બહાને મારા પિયર હું આંટો મારી આવીશ. આપણે હવે ઘેર જઈએ ! ત્યાંથી બંદોબસ્ત કરી લઈશું!'

કિશોરીલાલની આંખમાં, આ પ્રેમહવાએ, વધુને વધુ આંસુ આણ્યાં !

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.