રોહિણી
(વાર્તાકારઃ ઈશ્વર પેટલીકર)
રોહિણી જે કોઈ વૉર્ડમાં દાખલ થાય ત્યાંના દર્દીઓ એને જોતાં હરખાઈ જતાં. કોઈનું ધ્યાન એના તરફ ન ગયું હોય તો બાજુના ખાટલાવાળો દર્દી ધ્યાન ખેંચતો : ફરકડી આવી !
રોહિણીનું મૂળ નામ દવાખાનામાં જાણીતું ન હતું : સ્ટાફના માણસો પણ એનું નામ ભૂલી જતાં. અને યાદ કરતા એમને બળ પડતું. ફરકડી કહેવાથી એને માઠું લાગતું નહિ એટલે એની સાથેની નર્સો એને ફરકડી કહીને જ સંબોધતી.
નર્સની તાલીમ લેવા એ દવાખાનામાં દાખલ થઈ એના ત્રીજે મહિને જે નું નામ ગામડાની કોઈ બોઈએ પાડેલું. ફરકડીની ઝડપે એ વૉર્ડમાં ફરી વળતી, જે કામ કરવા એ આવી હોય તે પણ ફરકડીની ઝડપે કરી એ ચાલી જતી, અને એટલી પળોમાં એ બધાંની સાથે એવા જુદા જુદા ગેલ કરતી હતી કે એ જતી રહે છતાં એણે ગેલથી જે સુવાસ દર્દીઓમાં ફેલાવી હોય તે મહેક્યા કરતી.
કોઈ કહેતું. જબરી હસમુખી બાઈ છે.
કોઈ કહેતું, ભારે ચપળ છે.
કોઈ કહેતું, હૃદયની પ્રેમાળ છે.
આમ રોહિણી વિષે દર્દીઓ અંદર અંદર પોતપોતાનો અભિપ્રાય આપતાં હતાં. તેમાંથી એક વખત એ સ્ત્રી વૉર્ડમાં કામ પતાવી બહાર નીકળી ત્યારે એક ગામડાંની બાઈ સહજ ભાવે બોલી ઊઠી : 'ફરકડી જેવી છે!'
વૉર્ડની સ્ત્રીઓ ખડખડાટ હસી પડી. એ બાઈ ભોળાભાવે સ્વાભાવિક બોલી હતી એટલે લૉબીમાં ચાલી જતી રોહિણીને કાને પણ એ શબ્દ પડ્યો.
બધા હસતાં હતાં ત્યાં એ વંટોળિયાની માફક ચડી આવી. બધાંનું હાસ્ય થંભી ગયું. બી ગયાં કે એ સાંભળી ગઈ એટલે એને મશ્કરી માની બોલનાર અને હસનારની ધૂળ કાડી નાખશે, પેલી બોલનાર બાઈ સહુ કરતાં વધુ બી ગઈ.
રોહિમી કંઈ બોલ્યા ચાલ્યા વગર વૉર્ડની અંદર આવી. ફરકડી ઘુમે તેમ ફેરફુદરડી એટલા જોરથી ખાધી કે ઊથલી પડશે એમ દરેકને બીક લાગી. બે-ત્રણ સ્ત્રીઓ દર્દ બૂલી ખાટલામાંથી ઊભી થઈ ગઈ, એ ગબડી પડે તે પહેલાં પકડી લેવા ! બધાંને આશ્ચર્યમાં નાખી દેતાં એ આવી હતી. તેમ કંઈ બોલ્યાચાલ્યા વગર સરી ગઈ.
પછી તો સ્ત્રીઓના મોં શી રીતે બંધ રહે? દર્દ અને દવાખાનું ભૂલી બધાં પેટ પકડીને એટલું હસ્યાં કે આખા દવાખાનામાં એના પડ્યા પડ્યા. બાજુમાં કામ કરતી નર્સો અને દાકતરો દોડી આવ્યા. પૂછાપૂછ થઈ રહી : 'છે શું?' મોટા દાકતર ભોગજોગે તે વખતે એ રસ્તે પસાર થતા હતા તે પણ ચડી આવ્યા. એક બાઈએ શું બન્યું તે કહેવા મોં ખોલ્યું હતું તે મોટા ડૉક્ટરને જોતા બંધ થઈ ગયું.
ડૉ. કુપરથી અજાણ્યા દર્દીઓ સંકોચ અનુભવતા એટલું જ. બાકી એ સ્વભાવે નાના બાળક જેવા હતા. વળી પંદર વર્ષથી ગુજરાતમાં રહેતા હતા એટલે એ ગુજરાતી બની ગયા હતા. એમને કોઈ પરદેશી ગણતું તો એ હસીને વિરોધ કરતા. ગુજરાતી તરીકે જો પોતાને જુદો પાડવો હોય, ચામડીના રંગને લીધે, તો છેવટ પોતાને ગોરો ગુજરાતી કહેવો એટલી છૂટ મૂકતા, પરંતુ પોતે ગુજરાતી નથી એમ સાવ સ્વીકારવા તૈયાર ન હતા. બાળક જેમ મીઠું કાલું બોલે તેમ ડૉક્ટર ગુજરાતી બોલતા હતા. પોતાના આવવાથી વાત કહેવા જતી બાઈ અટકી ગઈ તે પામી જતાં એ બોલ્યા : 'બોલો, ગભરાઓ નહિ, શી વાત છે?'
નાના ડૉક્ટરે ટેકો પૂર્યો : 'સાહેબથી બીવાની જરૂર નથી, જે બન્યું હોય તે કહો.'
પેલી બાઈએ તો હિંમત ન કરી પણ બીજી બાઈ સાબદી થતાં બોલી ઊઠી : 'કહું?'
ડૉ. કુપર બોલ્યા : 'યસ, યસ !' અને પોતાની ભૂલ સુધારતાં કહ્યું : 'હા, કહો.'
બાઈએ જે બન્યું હતું તે કહ્યું. વચ્ચે નાના ડૉક્ટર સ્પષ્ટતા કરવા અંગ્રેજીમાં સમજ પાડતા. ફૂદડી ફરવાનો છેલ્લો પ્રસંગ સાંભળતાં ડૉ. કુપર જોરથી ખડખડાટ હસ્યા. એમનું મુક્ત હાસ્ય સ્ટાફને જાણીતું હતું, પરંતુ આટલા મુક્ત રીતે હસતા ત્યાં ઊભેલા સ્ટાફે પ્રથમ જોયા. નર્સ ઉપર ખુશ થયા હતા એટલે હસી રહેતાં એમણે એ નર્સ કઈ તે જાણવા માગ્યું.
નાના ડૉક્ટરે કહ્યું : 'રોહિણી. નિયમમાં અપવાદ કરી આપણે પરણેલી સ્ત્રી તરીકે એને પહેલી વખતે દાખલ કરી છે તે.'
એ સાથે જ ડૉક્ટરના મોં ઉપર હર્ષને બદલે શોક છવાઈ ગયો, કંઈ બોલ્યા વગર ધીમે પગલે તેઓ વૉર્ડની બહાર નીકળી ગયા.
એક નર્સ નાના ડૉક્ટરને ઉદ્દેશી બોલી : 'કોઈ બાઈ એના પતિથી ત્યજાયેલી છે એમ જાણતાં સાહેબને ઘણું દુઃખ થાય છે. આ જ વૉર્ડમાં છ મહિના ઉપર એક બહેન આવેલી. એમને ખબર પડી કે એમના ધણીએ બીજું લગન કર્યું છે એટલે એમણે હિસાબી ખાતાને જણાવી દીધું કે એ બહેન પાસેથી કંઈ ફી ન લેવી. દોઢ મહિનો રહી, અને જતી વખતે એણે સાહેબને કહ્યું કે હું ગરીબ નથી કે તમારું બિલ ન આપી શકું. પણ એમણે બિલ લેવાની ના જ પાડી.'
એ સાંભળતાં વૉર્ડની એક દર્દી સ્ત્રી બોલી : 'તે ફરકડી બહેનને એમના ધણીએ કાઢી મૂકેલાં છે?'
નર્સ : 'હા, એમને બે બાળકો છે, પાંચ વરસનો બાબો છે અને ત્રણ વર્ષની બેબી છે. દવાખાનામાં પરણેલી છોકરીઓને નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવતી નથી, પરંતુ રોહિણીબહેન ત્યક્તા છે એમ જાણતાં અપવાદરૂપ દાખલ કર્યા છે. વળી એ ચોવીસ વર્ષનાં છે, છતાં અમારાં બધાંની જેમ 20 વર્ષ જેવાં દેખાય છે. હસમુખાં છે, હોશિયાર છે, ત્રણ મહિનામાં જ એમણે દવાખાનામાં બધાંનો પ્રેમ જીતી લીધો છે. અમને બધાંને એ જ નવાઈ લાગે છે કે એમનો પતિ કેવો હશે કે છ વર્ષ લગ્ન કર્યા છતાં એ જિતાયો નહિ?'
એક દર્દી બાઈ : 'એમના ધણીને શો વાંધો પડ્યો?'
નાના ડૉક્ટરે વૉર્ડ છોડવા પગ ઉપાડતાં નર્સને કહ્યું : 'ચાલો, ક્વિક માર્ચ.'
હસીને નર્સે દાકતર પાછળ ચાલવા માંડતા કહ્યું : 'એ બધું તમે ફરકડી બહેનને જ પૂછજો. તમારા ઉપર તો એ ખુશ ખુશ છે.'
આ પ્રસંગ પછી રોહિણીનું નામ ફરકડી પડી ગયું એટલે જ નહિ, પણ વૉર્ડની સ્ત્રીઓ એવો નિર્ણય કરીને બેઠી કે જ્યારે ફરકડી આવે ત્યારે એ ધણીની વાત ન કહે તો આપણે અસહકાર કરવો, ટેમ્પરેચર માપવા દેવું નહિ, દવા આપે તો પીવી નહિ, કંઈ પૂછે તેનો ઉત્તર દેવો નહિ!
બીજે દિવસે એ રીતે ઉત્કંઠાપૂર્વક સ્ત્રીઓ રોહિણીની રાહ જોઈ રહી હતી પણ એ ન આવી, ત્રીજે દિવસે પણ ન આવી. ચોથે દિવસે બધાની ધીરજ હાથ ન રહી. એક નર્સ આવી તેને પૂછ્યું : 'ફરકડી ક્યારે આવશે?'
નર્સે કહ્યું : 'એ તો મને શી ખબર? અમે અહીં નર્સનું ભણીએ છીએ એટલે અમારી ડ્યુટી મેટ્રન ગોઠવે છે. બનતાં લગી આવતા અઠવાડિયામાં એનો વારો આવશે.'
બીજે અઠવાડિયે એ વૉર્ડમાં દાખલ થઈ તે સાથે બધાં ચુપચાપ થઈ ગયાં. રોહિણીએ કલ્પ્યું હતું કે પોતે જશે તે સાથે કોલાહલ મચી જશે. અને બદલે એણે ઊલટું વાતાવરણ જોયું. એ સમજી ગઈ કે બધાંએ પેંતરો રચ્યો છે.
'કાગે મારું મોતી લીધું' એ વાર્તાની લીી રટતી હોય તેમ રોહિણી તરત બોલી : 'મારી ઉપર કોઈ રિસાશો નહિ, હું કહેશો તે કરવા ખુશી છું.'
કવિતાની લીટી બોલે તેમ એણે રાગ કાઢીને એવો લહેકો કર્યો કે બધાં હસી પડ્યાં. એક બાઈ બોલી : 'અમે તમારી ઉપર રિસાયાં નથી, પણ અસહકાર કર્યો છે.'
રોહિણી : 'પણ હું તમારી માગણી મંજૂર કરવા ખુશી છું.'
બીજી બાઈ : 'તો તમે કહો, તમારા ધણીએ તમને કેમ ત્યજી દીધાં છે?'
રોહિણી : 'તમને આવું ખોટું કોણે કહ્યું?'
પહેલી બાઈ : 'સાચું છે. તમે વાત નહિ કહો એમ જાણતાં હતાં એટલે અસહકાર કરીને બેઠાં છીએ.'
રોહિણી : 'મને એવી વાતો કરવા અત્યારે મોકલી નથી, મારે ફરકડીની પેઠે મારું કામ કરી વળવું જોઈએ.'
ફરકડી શબ્દ એ બોલી એટલે બધાં વળી હસી પડ્યાં.
એણે ઉમેર્યું : 'મારું કહેવું ખોટું છે હું એમ જો કામ કરવાનું મૂકી વાતો કરતી ફરું તો મને તરત રજા આપી દેવામાં આવે.'
એક બાઈ : 'તો એમ કબૂલ થાઓ કે તમને વખત મળે ત્યારે આવીને એ વાત કહી જશો, બાકી અમે અસહકાર નહિ છોડીએ.'
રોહિણી : 'કબૂલ!'
બીજી બાઈ : 'કબૂલ એટલું જ નહિ, ક્યારે એ પણ નક્કી કરો.'
રોહિણી : 'મારા ઉપર એટલો વિશ્વાસ નથી?'
તરત જ દલીલ કરનાર બાઈએ એ જક છોડી દીધી. રોહિણી હંમેશની જેમ વૉર્ડમાં ફરકડીની માફક કામ કરીને ચાલી ગઈ.
બીજે દિવસે સાંજના ચાર વાગે એ વૉર્ડમાં આવી તે સાથે સ્ત્રીઓ તાલીઓ પાડી ઊઠી. નાકે આંગળી મૂકી રોહિણીએ ચુપ થઈ જવા કહ્યું. મોંએ ઉમેર્યું પણ ખરું કે, આમ ગાંડપણ કરશો તો હું ચાલી જઈશ. સાહેબે મારી ગમ્મત એક વખત હસીને જવા દીધી : કંઈ વારે વારે હુરિયો બોલાવો તો એ સહી ન લે!
બધાં ચુપચાપ પોતપોતાના ખાટલામાં વાત સાંભળવા ગોઠવાઈ ગયાં. રોહિણી શરૂઆત કરે તે પહેલાં એક અધીરી બાઈએ પૂછી નાખ્યું : 'બહેન! તમે કેટલી ઉંમરે પરણેલાં?'
રોહિણી કટાક્ષ કરતાં કહ્યું : 'બહુ મોટી ઉંમરે, તમને એ ઉંમરે ભલાં હશો તો બે બાળકો પણ હશે!'
બધાં હસી પડ્યાં. એક જણ બબડ્યું : 'પૂછીને કાઢ્યો કાંદો!'
રોહિણી બોલી : 'ખરું કહું છું. અઢાર વર્ષની મોટી ઉંમરે મેટ્રિક થયા પછી હું પરણી હતી.'
જે બાઈએ પૂછ્યું હતું તેણે કહ્યું : 'મને થયું કે નાનપણમાં પરણ્યાં હો તો શી ખબર પડે કે કોણ કેવું નીકળશે?'
રોહિણી : 'એ તો ખબર હતી જ. હું શોક્ય ઉપર પરણી હતી....'
બે-પાંચ જણ બોલી ઊઠ્યાં : 'શોક્ય ઉપર?'
'હા.' રોહિણી દુઃખપૂર્ણ સ્વરે બોલી. 'પહેલી પત્ની કંઈ મારા કરતાં ઓછું ભણેલી ગણેળી ન હતી, એ ગ્રેજ્યુએટ હતી, મુંબઈમાં જન્મીને મોટી થયેલી હતી. સુંદર કંઈ મારા કરતાં ઓછી નથી.'
એક બાઈ : 'એવી સ્ત્રી સાથે જેને ન ફાવ્યું તેને તમે શું જોઈને પરણવા તૈયાર થયાં?'
રોહિણી : 'હું પરણી ત્યારે સમાજે ટીકાઓ વરસાવેલી. હું સત્યાગ્રહની જેલમાંથી છ મહિને છૂટીને આવી અને મારું લગ્ન થયું એટલે લોકો ટીકા કરવા લાગ્યા કે આવી સમજુ અને હિંમતવાળી છોકરી શોક્ય ઉપર પરણી એ તો હદ થઈ ગઈ!'
બીજી બાઈ : 'એ ભાઈ પણ તમારી જેમ સત્યાગ્રહની ચળવળમાં પડેલા હતા?'
રોહિણી : 'ના, કેમ એમ માન્યું?'
એ બાઈ ઠાવકું મોં રાખીને બોલી : 'વળી પ્રભાતફેરી કરતાં પ્રેમ થઈ ગયો હોય? એ વખતે ઘણાંને પ્રેમ થઈ જતા. પછી શોક્ય જોવાનું રહે જ શી રીતે?'
રોહિણી પણ એટલી જ ઠાવકાઈથી બોલી : 'કોઈની સાથે તો એવો પ્રેમ નહોતો થયો. પણ માબાપ ઉપર એટલો પ્રેમ હતો કે આ બધું ઠીક નથી એ જાણ્યા છતાં પરણવા તૈયાર થઈ. અમે સાત બહેનો હતી, શોક્ય ઉપર પરણવાથી ખર્ચમાં બચી જવાય તે એમની ગણતરી હતી.'
વચ્ચે એક જણે પ્રશ્ન કર્યો : 'ઉંમર સરખેસરખી હતી કે તેય પાછું કજોડું?'
રોહિણી : 'એ બધું સારું હતું. તે વખતે એમની ઉંમર પચ્ચીસ વર્ષની હતી, એલએલબીની પરીક્ષા પાસ કરેલી હતી. દેખાવડા પણ ખરા. પહેલી નજરે કોઈ પણ છોકરી પરણવા હા પાડે.'
બીજો પ્રશ્ન : 'તો પછી એ પુરુષમાં એવું શું છે કે બન્ને સ્ત્રીઓ સાથે ન બન્યું?'
રોહિણી : 'ખરી રીતે પુરુષનો કોઈ દોષ નથી.'
વચ્ચે જ આશ્ચર્ય વ્યક્ત થયું. 'એમનો કોઈ દોષ નથી? તો શું તમારો બંને શોક્યનો દોષ છે?'
રોહિણી : 'ખરી રીતે અમારો જ દોષ કહેવાય.'
કોઈ એ વાત માનવા તૈયાર નહોતું. એક જણે કહ્યું : 'તમે ગમે તે કહો પણ અમે કેમ માનીએ? આખા દવાખાનાને હસાવનાર સ્ત્રી એના ધણીને રાજી કરવા પ્રયત્ન ન કરે એમ શી રીતે મનાય?'
રોહિણી : 'એ ખરું. પણ એમને રાજી થવાનું ધાવણ જ મળ્યું નથી ! પછી બંને પત્નીઓથી ન રિઝાય તેમાં એમનો શો દોષ?'
સવાલ : 'એમની માએ કડવા થવાનું ધાવણ ધવડાવ્યું હતું?'
'હા.' રોહિણી બોલી, 'દોઢ મહિનાનો મૂકી મા મરી ગઈ. ત્રીજે મહિને સાવકી મા આવી. સોળ વર્ષની એ છોકરીને પારકું બાળક ઉછેરવાનું ન ગમ્યું. આવડત પણ કેટલી? દૂધ પણ નિયમિત પાય નહિ, પડોશીઓ લડી લડીને પીવડાવે ત્યારે ! જે રીતે સાવકી માએ વર્તન કર્યું એ રીતે તો એ જીવતા જોઈતા ન હતા. પરંતુ આયુષ્ય બળવાન હશે તે મર્યા નહિ. મોટા થતાં પણ માર, અપમાન અને તિરસ્કાર સિવાય બીજું કાંઈ મળ્યું નહિ, સાવકી મા પોતાનાં બાળકો એમની સામે ફરિયાદ કરે કે તરત માંડે. ક્રોધમાં આવી જઈને બે-પાંચ વખત મેડેથી ધક્કો મારી દાદર ઉપર ગબડાવી પણ નાખેલા ! કપાળ ફૂટેલું તેનું સ્મરણચિહ્ન પણ મોજૂદ છે.'
બધાંના શ્વાસ એટલા અધ્ધર ચડી ગયા હતા કે રોહિણીએ વાત અટકાવી ત્યાં સૌએ જોરથી શ્વાસ લીધો.
એક જણે પૂરો શ્વાસ લઈ રહેતાં પહેલાં કહ્યું : 'એવો દુઃખી માણસ મોટો થતાં પોતાનું દુઃખ ભૂલી જાય અને પોતાની વહુઓને દુઃખી કરે એ કેટલું નવાઈભર્યું કહેવાય?'
રોહિણી : 'નવાઈભર્યું તો અમે બંને ભણેલીગણેલી સ્ત્રીઓ એમની પાસેથી પ્રેમની આશા રાખીએ તે કહેવાય. જેને ધાવણમાં પ્રેમ મળ્યો નથી, તે અમને પ્રેમ ક્યાંથી આપી શકે? એમને જે માર, તિરસ્કાર અને અપમાન મળ્યાં છે તે અમને આપવા તે કાયમ તૈયાર રહે છે. મેં છ વરસ સુધી એ વેઠી લેવા પ્રયત્ન કર્યો, પણ મારી સ્થિતિ એમના કરતાં ઊલટી છે. માબાપ તરફથી, મને સાત દીકરીઓ હોવા છતાં કોઈ દિવસ ઊપડતા સાદે વેણ સાંભળવા મળ્યું નથી. મા જ્યારે જ્યારે અમારી ચિંતા કરે ત્યારે પિતા એક જ દિલાસો આપે : 'સૌનું નસીબ લઈને જન્મી છે. આપણે એમની ચિંતા કરનાર કોણ? આ પ્રેમને લીધે જ હું આ બધું સમજતી હતી છતાં મા-બાપની મૂંઝવણ ટાળવા એમના પ્રેમને વશ થઈને શોક્ય ઉપર પરણી. આમ મારું પ્રેમનું ધાવણ એટલે મેં ગમે તેટલી ટક્કર ઝીલવા પ્રયત્ન કર્યો પણ આખરે હું થાકી. બે વખત મને ઊંચકીને ફેંકી દીધી....'
જાણે સાચે જ અત્યારે એને કોઈ ફેંકી દેતું હોય તેમ થોડા ભયની ચીસ પાડી ઊઠ્યાં : 'બાપ રે!'
રોહિણી ડાબો હાથ લાંબો કરતાં બોલી : 'પહેલે વખતે મારો હાથ ભાંગી ગયો તે અઢી મહિના પાટો રહ્યો, બીજી વખત માથામાં વાગેલું.'
સવાલ : 'પણ તમારામાં એ શો દોષ કાડીને મારે?'
રોહિણી : 'દોષની વાત જ ક્યાં છે? મેં કહ્યું તેમ એમનો ખોરાક જ કંકાસ અને મારઝૂડ થઈ ગયેલો છે. એટલે એવું વર્તન અવારનવાર ન કરે ત્યાં સુધી એમને ચેન જ ન પડે.'
સવાલ : 'આવો ભણેલોગણેલો માણસ તમે કહો તોય સમજે નહિ?'
રોહિણી : 'સમજે છે તો બધું, પણ સમજણ ઉપર સંસ્કાર ચડી વાગે છે.'
સવાલ : 'એણે બે સ્ત્રીઓની જિંદગી બગાડી એ તો એણે સમજવું જોઈએને?'
રોહિણી : 'એ કરતાં એમની પોતાની જિંદગી બગડી તે ઓછું છે? આ ધાવણને લીધે કોઈ ધંધો કરી શકતા નથી, એક જગ્યાએ ક્યાંય સ્થાયી રહી શકતા નથી. કોઈ એને પોતાના મિત્ર, સ્વજન કે સંબંધી માની એમની તરફ લાગણી રાખતું નથી. એટલે બધી રતે એ ખુવાર થઈ ગયા છે.'
એ બાઈએ પૂછ્યું : 'તમારાં બાળકો હાલ ક્યાં છે?'
અષાઢમાં આકાશ સ્વચ્છ હોય અને ઘડીમાં વાદળ ચડી આવે તેમ બાળકોની વાત આવતાં રોહિણી ઉપર દુઃખનું વાદળ ફરી વળ્યું : એનું મોં મ્લાન થઈ ગયું. એણે રૂમાલ વતી આંખ લૂછી નાખી. એ બહાર નીકળી ત્યારે બધાંએ માન્યું કે ગળું ભરાઈ આવ્યું છે તે બહાર નાક ખંખેરીને, થૂંકીને ગળું સાફ કરી એ આગળ વાત કરવા પાછી આવશે. પણ રોહિણીથી બાળકોની વાત કહેવી અશક્ય હોય તેમ એ અમળાતે પગે ચાલી ગઈ. બધાંએ એને જતી જોઈ પણ બૂમ પાડી બોલાવવાની કોઈની હિંમત ન ચાલી.
રોહિણીનું મન કામમાંથી નવરું પડતું ત્યારે બાળકોમાં જઈને ભરાતું. કોઈ શરીરમાંથી ચીપિયા વતી માંસના લોચા ખેંચીને જુદા પાડે અને જેવી વેદના થાય તેવી વેદના રોહિણીને બાળકોથી વિખૂટાં પડતાં થતી હતી. પરંતુ જે રીતે પોતે નાવ હાંકી રહ્યા હતા તે રીતે જોતાં પોતે એ નાવમાં ટકી શકે તેમ ન હતું. વળી એ નાવ આમ હંકારાયે જાય તો ડૂબ્યા વિના રહેવાનું પણ ન હતું. એ રીતે ભવિષ્યમાં પોતાની અને બાળકોની જવાબદારી આવી પડવાની એ સ્પષ્ટ જોઈ રહી હતી. બીજી બાજુ પિતા ગુજરી ગયા હતા, ચાર બહેનો કુંવારી હતી. વિધવા માની સર્વ શક્તિ હરાઈ ગઈ હતી. ઓરમાન સાસુ વાઘણની માફક ઘૂરક્યા કરતી એટલે એનાથી તો દૂર રહેવામાં સલામતી હતી.
રોહિણી માટે એક જ ઊગરવાનો રસ્તો રહ્યો હતો : આર્થિક ક્ષેત્રે સ્વતંત્ર થયું ! મોટે ભાગે એને શિક્ષિકા થવાની સલાહ દરેક આપતું. પરંતુ એના અંતરની રુચિ નર્સ થવાની હતી. અભ્યાસકાળમાં એને કોઈ ક્ષેત્ર પસંદ કરવાની તક મળી હોત તો એ દાકતર થાત. એની માનું શરીર પહેલેથી અશક્ત હતું અને વરસમાં બે-ત્રણ વખત તો ખાટલે પડતી. આ સ્થિતિમાં મોટી દીકરી તરીકે માની અને બહેનોની ચાકરી કરવાની ફરજ રોહિણી ઉપર આવતી. માંદાની સેવાચાકરી કરવી એ ગુણ એના લોહીમાં હોય તેમ થાક્યા કે કંટાળ્યા વગર એ કામ સારી રીતે કરતી.
આજે હવે એને ક્ષેત્ર પસંદ કરવાનું આવી પડ્યું હતું ત્યારે એને થયું કે દાકતર થયું તો શક્ય નથી, પરંતુ નર્સનો ત્રણ વર્ષનો કોર્સ લઈ એ કામમાં પડવું પરંતુ એ વાત આવતાં દરેક એને સંમતિ ન આપતા હોય તેમ કહેતાં : 'એ કરતાં શિક્ષિકા થવું શું ખોટું છે? નર્સ થાય એમાં ખોટુ કંઈ નથી, પણ સમાજ એને માનથી જોતો નથી.'
રોહિણીને આ ખબર નહોતી એમ નહિ. એ રીતે તો પતિ, સાસુ અને મા સુધ્ધાં શિક્ષિકા થવાનું પણ પસંદ કરતાં ન હતાં, પરંતુ મા નાછૂટકે પ્રેમને વશ થઈ સંમતિ આપવા તૈયાર થઈ હતી.
એટલે સમાજમાં એક વર્ગ - ખાસો મોટો વર્ગ - સ્ત્રી ધંધામાં પડે તે જ પસંદ કરતો ન હતો. છતાં જો શિક્ષિકા થવામાં હરકત ન હોય તો પછી નર્સ થવામાં શા માટે હરકત માનવી? આજે નહિ તો આવતી કાલે સમાજ નર્સ ભણી સન્માનથી જોવાનો છે. કેવળ સમાજને નહિ ગમે એ કારણે એના અંતરની રુચિનું ક્ષેત્ર. એ જતું કરવા તૈયાર ન હતી. સમાજને કારણે જ, પોતાનું કુટુંબ અમુક જગાએ જ કન્યા આપી શકે એ રૂઢિને જાળવી મા-બાપને રાજી કરવા એણે લગ્નનો અખતરો કરી જોયો હતો. હવે ફરી વખત સમાજને રાજી કરી, એના અંતરને ખુશ કરવા એ તૈયાર ન હતી ! અને નર્સનો કોર્સ લેવા તૈયાર થઈ.
ધંધા સાથે સેવાભાવની પણ તાલીમ લેવી હોય તો ખ્રિસ્તી મિશનરીના દવાખાનામાં તાલીમ લેવી એમ માની એણે ડૉ. કુપરના મિશનમાં દાખલ થવા અરજી કરી. પણ પરણેલી છોકરીઓને લેવામાં નથી આવતી છતાં ત્યક્તા તરીકે રોહિણીની ત્રિશંકુ જેવી સ્થિતિ જોતાં ડૉક્ટરે તેને અપવાદરૂપ દાખલ કરી એનો પ્રત્યાઘાત સાસુ ઉપર સૌથી વિશેષ થયો. સાસુમાં મોટાઈનું અભિમાન ગામ આખાથી વિશેષ હતું, એટલે લોકો મહેણાં બોલવાની આ તક શું કામ જતી કરે? સાસુ લોકો ઉપર રોષ કાઢી શકે તેમ હતાં નહિ, એટલે રોહિણી ઉપર રોષ કાઢવા લાગ્યાં. એમનું ચાલ્યું હોત તો એ દવાખાનામાં જઈને એનો ચોટલો ઝાલી ખેંચી લાવત. પરંતુ એ બધું જોર એમનું એમના પોતાના સમાજમાં જ કામ લાગે તેમ એ માનતાં. દવાખાનામાં તો કોઈ બે ધબ્બા મારીને બહાર કાઢે એવી તેમને બીક હતી. એટલે 'હવે રાંડને ઘરમાં જ ન પેસવા દઉં! છો જ્યાં ભટકી ખાવું હોય ત્યાં ભટકી ખાય!' એમ એમણે ક્રોધ વ્યક્ત કરેલો, જેની જવાળા રોહિણીને દવાખાનામાં જાણવા મળેલી.
રોહિણીને એ ઘરમાં પગ મૂકવાના લાડકોડ બાકી રહ્યા ન હતા. એને સાસુ ઘરમાં પગ મૂકવા નહિ દે તેનો અફસોસ ન હતો, પરંતુ સાસુ બાળકો પાછાં નહિ સોંપે તો? બાળકોથી જુદા પડવું એ જ એના માટે દુઃખદાયક હતું. પરંતુ જો એ હૈયું કઠણ કરીને કડવો ઘૂંટડો ગળતી નથી તો કંઈ કાર્ય સાધી શકતી નથી. બાળકો માને ઘેર મૂકે તો મા ઉપર વધુ પડતો બોજો વધે છે. વળી સાસુ એ કારણે મા સામે ઝઘડો કરવા જાય એમ પણ બને. એટલે પોતે તાલીમ લઈ સ્વતંત્ર થાય ત્યાં સુધી બાળકો સુખદુઃખ વેઠી ભલે સાસુ પાસે રહે, પછી પોતે એક દિવસ પણ પોતાનાથી અળગાં નહિ કરે, એ એક આશ્વાસને એણે વિયોગ સહ્ય બનાવ્યો હતો. તેમાંય જો બાળકો સાથે રાખી શકાતાં હોત તો એ બીજી પળે તેડી લાવી હોત. પરંતુ ડૉક્ટરે ખાસ અપવાદ કરી એને દાખલ કરી એ સંજોગોમાં એની એક માત્ર ફરજ અપવાદને લાયક હતી. તેથી એને બીજો ફાયદો એ પણ થયો કે એની ભૂતકાળની દુનિયા એટલા વખત પૂરતી અલોપ થઈ જતી.
ફક્ત દુઃખ રહ્યું હતું બાળકોનું. રાત્રે સૂતી ત્યારે થાકથી ઊંઘમાં ઘેરાયેલી આંખો ઝબકી જતી. એનાં ઓશિયાળાં બાળકો, જે અહવેલના પતિએ ઓરમાન મા તરફથી વેઠી હતી તે ઓરમાન દાદી પાસેથી સહી રહ્યાં હતાં. કોઈ વખત ઊંઘમાં એ ચીસ પાડી ઊઠતી : ના ના, મારાં બાળકો મારી પાસે જ જોઈએ ! અવહેલનાનું ધાવણ ધાવેલાં બાળકોને પછી હું સાથે રાકીને પણ શું સુધારી શકીશ?
એની એ ચીસ સાથે રૂમમાં રહેતી ઈન્દુ પણ ઝબકીને જાગી જતી. ભયને લીધે ખાટલામાંથી ઊભી થઈને એ તરત સ્વીચ દાબી બત્તી કરતી. રોહિણીનું સ્વપ્ન વેરાઈ જતું હતું. એનું હૈયું જોરથી ધબક્યા કરતું હોય તેમ નાડીની ઝડપ વધી જતી. અપવાદ તરીકે દાખલ કરતી વખતે દાકતરે શિખામણ તરીકે કહેલા શબ્દો એને યાદ આવતા : 'જુઓ, તમને સ્પેશિયલ કેસ તરીકે દાખલ કરું છું. પણ બધી કુંવારી છોકરીઓ વચ્ચે તમે પરણેલાં છો છતાં તમે કુંવારાં હો તે રીતે જીવજો, લગ્નજીવનનાં વર્ણનો એમની વચ્ચે ક્યારેય કરશો નહિ. લગ્ન અંગે ન સમજે એવી એ નાની છોકરીઓ નથી, અને કોઈ વૃત્તિ કેવળ ઢાંકી રાખવાથી ગુપ્ત રહે છે એવું પણ નથી હોતું, છતાં એમાં સહવાસ ઘણો ભાગ ભજવે છે. તમે એવું નિમિત્ત ન બનતાં એટલું મારે કહેવાનું છે.'
છતાં જાણ્યે-અજાણ્યે રોહિણી આમ નિમિત્ત બની જતી એટલે એ શરમાઈ જતી, દુઃખી થતી, અને નિમિત્ત પોતાની રૂમસાથી સિવાય બીજાની ન બને, તેથી ઈન્દુને આજીજી વ્યક્ત કરતી : 'જોજે, બહેન ! આ વાત કોઈને કરતી નહીં.'
છતાં ઈન્દુ ઓછો આવો પ્રસંગ બીજાને કહ્યા વગર રહી શકે? એટલે બીજી છોકરીઓ, જેમનું માતૃત્વ જાગ્યું ન હતું તે રોહિણીનો આ લાગણીને ગાંડપણ સમજતી. કહેતી પણ ખરી : 'જે પતિએ તમને લાત મારી એનાં બાળકો માટે આટલાં દુઃખી શું કામ થાઓ છો?'
રોહિણી છોકરીઓની નિર્દોષતા સમજતી એટલે એમના ઉપર રોષ કર્યા વગર એ દલીલ કરતી : 'બાળકો પિતાના નહિ, માનાં છે.'
છોકરીઓ : 'પણ સમાજમાં ગણાય છે તો પિતાનાં ને?'
રોહિણી આગળ દલીલ ન કરતી. હસીને કહેતી : 'એ તમને આજે નહિ સમજાય. હજુ તમારો કાળ આવ્યો નથી.' એને દાકતરના શબ્દો યાદ આવતાં દાંત તળે જીભ આવી ગઈ હોય તેમ સિસકારો બોલાવી તે કહેતી : 'ભૂલી ગઈ ! તમારી સાથે મારે આવી વાતો ન કરવી જોઈએ.'
પરંતુ કુંવારી નર્સો તો એની સાથે બાળકોની વાતો કરીને અટકી જતી, પરંતુ કોઈ કોઈ દર્દી એના ઉપર ખુશ થઈને બાળક માટે ભેટનો આગ્રહ કરતું. એ કોઈની ભેટ લેતી ન હતી : કોઈ ગમે તેવો આગ્રહ કરે તો પણ તાબે થતી નહિ.
આ હકીકત દર્દીઓમાં જાણીતી થયા પછી કોઈ એને એવો આગ્રહ કરતું નહિ. ફક્ત એક દર્દી એવું આવ્યું કે કોઈ પણ ભોગે એને ભેટ આપવી તેમ એણે મનથી નિશ્ચય કર્યો. શેઠ ભોગીલાલનાં પત્ની રાધાને લકવાનો હુમલો થયો હતો, તેની સારવારમાં શેઠે ફરકડીની માગણી કરી. શેઠે અગાઉ દાન આપી દવાખાનામાં એક રૂમ બાંધી આપી હતી એટલે તાલીમ લેતી નર્સોને એક જગાએ કાયમની ડ્યુટી ન મળે, છતાં રોહિણીને તેમની સારવારમાં રાખવામાં આવી. શેઠાણીની ઊઠબેસ કરનાર સગાંવહાલાં પણ ઘણાં આવી પહોંચ્યાં હતાં, પરંતુ દર્દીનો ખોરાક પણ રોહિણી તૈયાર કરતી, એક અઠવાડિયામાં તો શેઠાણીને આરામ થયો, એમાં દવા કરતાં રોહિણીની સારવારે જ ભાગ ભજવ્યો હતો એમ દરેક માનતું હતું.
એનો ઈતિહાસ શેઠાણી જાણતાં હતાં એટલે એનાં બાળકો માટે ભેટ આપવાની ગોઠવણ કરી. બાબા સાઈકલ જેવી બાળકને બેસવાની ભેટથી માંડી એરોપ્લેન, મોટર વગેરે ચાવી આપવાનાં રમકડાંનો સમાવેશ થતો હતો. સીધી રીતે તો એ ભેટ લેશે નહિ માની ડૉક્ટરને વાત કરવામાં આવી. ડૉક્ટર રૂમ ઉપર વિઝિટે આવ્યા એટલે એક ખૂણામાં પાર્સલ પેક પડ્યું હતું, તે એમની સન્મુખ ધરી દેવામાં આવ્યું. રોહિણીને હજી પણ ખ્યાલ ન હતો કે અંદર શું હતું અને કોના માટે હતું.
દાકતરે કહ્યું : 'મારે હાથે ઈનામ અપાવો છો પણ મને જાણવા તો દ્યો કે શી શી ભેટ છે?'
તરત શેઠે પેકિંગ ચપોચપ ખોલવા માંડ્યાં. રોહિણી સમજી ગઈ. ડૉક્ટર હાજર ન હોત તો ક્યારનીય દોડીને ચાલી ગઈ હોત. અંદર બેબી માટે ફ્રોક હતાં, બાબા માટે સૂટ, કોટ અને ચડ્ડી હતાં, મિઠાઈ હતી.
ડૉક્ટર કંઈ બોલે તે પહેલાં રોહિણીએ કહ્યું : 'સાહેબ ! મારા મિયમનો ભંગ ન કરવો તેટલી મારી વિનંતી છે.'
ડૉક્ટર હસીને બોલ્યા : 'હમ ભંગ નહિ કરાટા, અપવાદ કરાટા હય. મૈં ભી ટુમકો દાખલ કરનેમેં અપવાદન કિયા હય ને?'
રોહિણી શું બોલે? અપવાદ તરીકે સર્વ ભેટ સ્વીકારી લીધી. એને દાખલ કરતી વખતે દાકતરે કહ્યું હતું કે, પરિણીત સ્ત્રી તરીકે રજૂ થઈને તમારે કોઈ વખત રજા લેવાનો પ્રસંગ ઊભો ના કરવો એ ધ્યાનમાં રાખજો. છતાં જાતે કહ્યું : 'બે દિવસ ઘેર જઈ આવો, બાળકો ખેલાવીને પાછાં આવી જજો.'
રોહિણીને પણ બાળકોનો સાદ બોલાવી રહ્યો હતો. પ્રસંગ મળ્યો હતો એટલે એ બાળકને મળવા વિદાય થઈ, છતાં હૈયામાં આશંકાનો પાર ન હતો. સાસુ ખિજાયેલા હતાં, ઘરમાં પગ ન મૂકવા દેવાનું કહી ચૂક્યાં હતાં. પોતે જઈને ઊભી રહેશે ત્યારે શું થશે એ ભયે એ બાળકોને મળવાનો આનંદ ઊડી જતો હતો.
એ ઘેર પહોંચી ત્યારે ભોગેજોગે સાસુ બહાર તડાકા મારવા ગયાં હતાં. બંને બાળકોને જોતાં એ રડી પડી, બાળકો પણ એને બાઝી પડ્યાં. બાળકોનાં કપડાં મેલાં અને તૂટેલાં હતાં, બેબીનું માથું ત્રણ દહાડા પહેલાં ઓળ્યું હોય તેવું જથરવથર હતું. બાબાને પગે વાગ્યું હતું. તેમાં પરું થયું હતું. તેમાં પરું થયું હતું. છતાં એને મલમપટ્ટો કે ઘસારવું ચોપડવાની જરૂર દાદીમાને દેખાઈ ન હતી. રોહિણી બાળકોને છાતીએ ચાંપી છાતીફાટ રડવા લાગી. બાળકો તો આ દુઃખમાંય રડતાં કકળતાં જીવતાં હતાં એટલે આ ઘડીએ એવું કોઈ દુઃખ એમને વધી નહોતુંપડ્યું કે રડવું આવે, પરંતુ માને ડૂસકે ચડેલી જોઈને એ પણ રડવા લાગ્યાં.
રોહિણીએ હૈયું હળવું કરી લેતાં બાળકોની આંખો લૂછી. ભેટસોગાદો આપવા લાગી. બાળકોના હરખનો પાર ન હતો. બેબી આ ફ્રોક પહેલું કે પેલું પહેરું એ વિમાસણમાં પડી ગઈ. બાબો કપડાં કરતાં સાઈકલ ઉપર માલિકીહક્ક કરી બેઠો. રોહિણીએ બંનેને કહ્યું :
'ચાલો, હું પ્રથમ તમને બંનેને નવરાવી નાખું. પછી કપડાં પહેરજો, રમકડાથી રમજો ને સાઈકલ ફેરવજો.'
બેબીએ બધાં કરતાં મુદ્દાનો સવાદ પૂછ્યો : 'પણ બા, તું અમને મૂકીને જતી તો નહિ રહે ને?'
'ના બેટા!' એમ રોહિણીએ કહ્યું તો ખરું પણ એ સાથે એનું હૈયું ભરાઈ આવ્યું. તેણે બાળકો ન જુએ તેમ આંખો લૂછી નાખી.
નવરાવીને રોહિણી બેબીનું માથું ગૂંથતી હતી ત્યાં સાસુને ખબર પહોંચતાં વાઘણની માફક ઘૂઘવાટ કરતાં તે આવી પહોંચ્યાં. એમને દૂરથી આવતાં જોઈ રોહિણીના મોતિયા મરી ગયા. એમણે ઘરમાં પગ મૂકતાં જ પડકાર કર્યો : 'રાંડ, ગોલી ! અમારું નાક કાપ્યા પછી તારે આ ઘર જોડે શું સ્નાનસૂતક છે કે પાછી અહીં દીસતી રહી છે? નીકળ ઘર બહાર!'
ભેટની જે વસ્તુઓ બાળકોએ પ્રદર્શન તરીકે પહોળી કરી હતી તે સાસુએ બહાર ફેંકતા કહ્યું : 'લોકોનું મળમૂતર ધોવાનો-વાળંદણનો ધંધો કર્યા બદલ લોકોએ એઠુંજૂઠું ભેટમાં આપ્યું તે અહીં લાવતાં લાજતી નથી?' એ સાથે જ એમણે સાઈકલને બે હાથે પકડી દીવાલ ઉપર એવા જોરથી અફાળી કે આગળનું પૈડું છૂટું થઈને દૂર પડ્યું. બાળકો તરફ ડોળા કાઢતાં કરાંજીને કહ્યું : 'કપડાં કાઢી નાખો, નહિ તો તમનેય ઊંચકીને બહાર ફેંકીશ !' બાળકો દાદીને બરાબર ઓળખી ગયાં હતાં એટલે તરત બંને જણે કપડાં સળગ્યાં હોય અને ઉતારી નાખે તેમ કાઢી નાખ્યાં, અને ઓશિયાળાં બની સગી મા સામે દયામણે ચહેરે તાકી રહ્યાં.
રોહિણી મૂઢની માફક બેઠી હતી. તેના ઉપર હુમલો કરતાં સાસુ ગાજ્યાં : 'બહાર નીકળે છે કે મૂકું પાછળથી લાત ? એ સાથે જ જોરથી એની પીઠમાં લાત લગાવી. રોહિણી તે સાથે ઊથલી પડી. 'હાં, હાં' કરતાં તમાસો જોઈ રહેલાં બૈરા અંદર દોડી આવ્યાં. સાસુનો ક્રોધ નાકમાંથી ફૂંફાડા મારતો હતો : 'હાં..હાં શું? એણે કુટુંબનું નાક કાપવામાં બાકી રાખ્યું છે કે હું એને ઘરમાં સાંખી લઉં?'
એ સાથે સંમત થતાં એક સ્ત્રીએ કહ્યું : 'રોહિણીનોય દોષ તો કહેવાય. હવે એણે શું મોં લઈને અહીં આવવું જોઈએ?'
અને એ શબ્દો મોંએ ન બોલ્યાં. તેમણે પણ તેનો હાથ ઝાલી બહાર કાઢતાં કહ્યું : 'ચાલ હવે.' અને રોહિણી ટેકે ટેકે ઊભી થઈ. ઘડીક તો એને થયું કે પોતે બાળકોને લઈને ચાલી જાય. પરંતુ અત્યારે એનો એવો વખત ન હતો. વળી એમ કરવા જતાં સાસુ સાથે મોટી લડાઈમાં ઊતરવું પડે અને કુટુંબીઓ આબરૂના મુદ્દા ઉપર સાસુ પક્ષે, એટલે એનું ચાલે પણ નહિ.
માને બહાર જતી જોઈ બાળકો પાછળ જવા ગયાં. તેમનાં બાવડાં પકડી ઘરની અંદર ધકેલતાં સાસુએ ત્રાડ નાખી : 'ખબરદાર, જો બહાર પગ મૂક્યો છે તો.'
એ સાંજે રોહિણીને પાછી આવેલી જોઈ બધી છોકરીઓ એને ફરી વળી : 'કેમ તરત પાછાં આવ્યાં? વધુ રોકાયાં કેમ નહિ? બાળકો તો મજામાં છે ને ! ભેટની ચીજો જોઈને એ તો રાજી રાજી થઈ ગયાં હશે?'
રોહિણી શો જવાબ આપે? દાકતરે એમની વચ્ચે એ વાતાવરણ ફેલાવવાનું ના કહ્યું હતું, એટલે એના હૈયાના દુઃખને દાબી રાખી રોહિણીએ વાતને ટાળી દીધી, અને દુઃખ ભૂલવા કામ સિવાય બીજો કીમિયો નથી માની સવારથી ફરજ ઉપર ચઢી ગઈ.
પ્રસૂતિ વૉર્ડમાં એની ડ્યૂટી હતી. એ ગઈ ત્યારે લેડી ડૉક્ટરે એક કલાકની મહેનત પછી એક સ્ત્રીનો સફળતાપૂર્વક પુત્રજન્મ પછી છૂટકારો કર્યો હતો. બાળક તંદુરસ્ત હતું. રોહિણી એ બાળક સામે નવડાવતાં નવડાવતાં એકીટસે તાકી રહી હતી. એનો બાબો પહેલા ખોળે જન્મ્યો ત્યારે આવો અને આવડો જ હતો. ઘડીભર એ પોતે ભૂલી ગઈ કે પોતે નર્સ છે અને કોઈ બીજાનું બાળક છે. એ પોતે ભૂતકાળની દુનિયામાં ઊતરી ગઈ. બાળકમાં હાસ્ય ઊગ્યું ન હતું, છતાં એની સામે તાકી રહેતાં એને લાગ્યું કે હસ્યું, હાથપગ હલાવ્યા, જાણે કહેતું ન હોય કે હું તારું જ છું. તારું જ છું ! સાથે સાથે એની બાળભાષામાં ઊં...આ ઊં...આ... કરવા લાગ્યું.
ગઈકાલનું મહાપરાણે કાબૂમાં રાખેલું રોહિણીનું માતૃત્વ ઊછળી ઊઠ્યું. એણે વિવશ બની બાળકને છાતીએ ચાંપ્યું. એટલા જોસથી કે બાળકે મરણચીસ નાખી ! એ સાથે ફરજ ઉપરની બીજી નર્સ દોડી આવી, લેડી દાકતરે પણ દોટ મૂકી.
પરંતુ એ જી પહોંચ્યાં ત્યારે રોહિણી બેભાન થઈને નીચે પડી હતી. છાતીએ બાળકને ભીંસ દેતાં હાથ જડાઈ ગયા હતા. નર્સે એના હાથ છોડાવ્યા, લેડી ડૉક્ટરે બાળકને ઊંચકી લીધું. પણ તે સાથે એનું ડોકું નિરાશામાં હાલી ઊઠ્યું : ખેલ ખલાસ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર