અંગત શોધનો પ્રદેશ

11 Feb, 2017
12:00 AM

PC: bishopinthegrove.com

(વાર્તાકારઃ વર્ષા અડાલજા)

વાંકાચૂંકા અક્ષરે લખાયેલું જરા મેલું થઈ ગયેલું પોસ્ટકાર્ડ આજે જ ગામથી આવ્યું હતું : દાદાજી મૃત્યુ પામ્યા હતા.

આ ખબર મળતાં જ અચાનક જાણે મારા અસ્તિત્વનો કોઈ અંશ કપાઈ ગયો હોય એમ મેં અનુભવ્યું. દાદાજી મારે મન માત્ર એક વ્યક્તિ ન હતા - દાદાજી એટલે ગામ, દાદાજી એટલે નદી, દાદાજી એટલે ધૂળિયા રસ્તાઓ પર ઢળી જતી સાંજની લાલિમા. મારા શૈશવનું એક અવિભાજ્ય અંગ.

હજુ થોડા દિવસ પર જ બા મારી પત્ની રીમાને કહેતી હતી - મને હમણાં અવારનવાર એક વિચિત્ર સ્વપ્નું આવે છે, રીમા! જાણે આથમતા સૂરજ ભણી દાદાજી ચાલતા જતા હોય. મને એની પીઠ જ દેખાય હોં ! જરા ઝૂકેલી અને વૃદ્ધ થઈ ગયેલી.

રીમા હસી પડેલી.

'દાદાજીને એકોતેર વર્ષ થયાં. વૃદ્ધ તો ખરા જ ને બા!'

છાપું વાંચતાં હું વચ્ચે જ બોલ્યો હતો, 'દાદાજી રોજ સવારે ફરવા જાય છે, એમની સાથે, એમના જેટલા માઈલ તું ચાલી બતાવ જોઉં.'

'ના, બાબા ! એ મારું કામ નહીં.'

બાએ હલકા નિશ્વાસ સાથે કહેલું, 'કોણ જાણે, મને તો એમ જ લાગે છે કે દાદાજી હવે વધુ...' અને ભીના સ્વરે બા ચૂપ થઈ ગયેલી.

- અને આજે જ મને આ કાગળ મળ્યો હતો.

કાગળ ઑફિસના સરનામે આવ્યો હતો... હજી તો બપોર હતી, અને એક અગત્યની મિટિંગ હજી બાકી હતી. ટેબલ પર આંગળીઓ ટપકારતો હું એમ જ બેસી રહ્યો. ટેબલ પરના કાગળોની થપ્પી પર ઉપર જ એ પોસ્ટકાર્ડ પડ્યું હતું... જત તમને જણાવવાનું કે... નાનકડી કેબિનમાં હું અકળાઈ ગયો. તરત પોસ્ટકાર્ડ જલદી ઉઠાવી ખિસ્સામાં મૂક્યું અને હું ઑફિસેથી નીકળી ગયો.

રસ્તામાં પણ એ શબ્દોએ... જત જણાવવાનું કે... મારો પીછો ન છોડ્યો. પોસ્ટકાર્ડ છાતીની લગોલગ હતું, અને એ શબ્દો, મારી છાતીને પીડતા રહ્યા.

બાપુ તો થોડાં વર્ષ પહેલાં જ ચાલી ગયા હતા. ત્યારે પણ અને પછીયે મેં અને બાએ દાદાજીને ઘણું સમજાવ્યા હતા, પણ એમણે કદી ગામ ન છોડ્યું. દાદાજી ધીમું હસીને મારે માથે હાથ ફેરવતા - 'અરે ભાઈ, તમારા શહેરની મિલોના ધુમાડામાં, મારા આ ઘરની ગારમાટીની સુવાસ ક્યાંથી લાવું?'

અને કદાચ અજાણતાં જ મને પણ એમ જ ગમ્યું હતું. રજાઓમાં ગામ જવાનું બા નક્કી કરે ત્યારે હું નાના બાળકની જેમ ઊછળી પડતો. દાદાજીએ મને ગામ સાથે બાંધી રાખ્યો હતો. આજે અચાનક મૃત્યુ, પૂરનાં ધસમસતાં પાણી પેઠે ગામ પર ફરી વળ્યું હતું.

ઘરે જઈને મેં ચૂપચાપ રીમાને પોસ્ટકાર્ડ જ આપી દીધું... જત જણાવવાનું કે... શબ્દો સ્ફોટક હોય એમ બા પાસે બોલતાં જાણે મને ડર લાગતો હતો. બા પણ કશું ન બોલી. કદાચ પેલા સ્વપ્ને બાને તૈયાર કરી રાખી હતી. એ રાતની જ ગાડીમાં અમે ગામ જવા નીકળી ગયાં.

પાડોશીઓએ ઘર ખુલ્લું જ રાખી સાચવ્યું હતું. એથી મનને થોડી શાતા થઈ. નહીં તો ઘરને તાળું જોઈ બા છેક ભાંગી પડત. બે-ચાર દિવસ પછી લોકો આવતાં બંધ થઈ ગયાં એટલે દાદાજીના મૃત્યુ પછીનો સૂનકાર એટલો ધન થઈ ગયો કે શ્વાસ લેતાં પણ છાતી ભીંસાવા લાગી.

ઘરનું પાછલું બારણું ખોલી, હું વરંડામાં ઊભો હતો.

બંધ પદ્મની જેમ ધીમે ધીમે સવાર ખૂલતી હતી. હજી બોરસલીનાં રેશમી પાંદડાં પર ઝાકળ, રાજકુંવરીની જેમ નીંદરમાં હતી. હું ત્યાં જ ઊભો રહ્યો હતો. અંધકારનો પડદો ઊંચકાય, ત્યારે નેપથ્યમાંથી પ્રગટ થતા સૂર્યનો ચમત્કાર નજરે જોવો હતો. આ જ જગ્યાએ, આમ ઘણી વાર દાદાજી ઊભા રહેતા, મને સાંભરવા લાગ્યું. અને પછી ધીમે પગલે સામેની કેડીએ થઈ નદી પાસેના જંગલમાં ચાલી જતા એમને જોતો.

બંધ પુસ્તકમાં, સાચવી રાખેલા સુગંધી ફૂલની કરમાયેલી પાંદડી જેવાં સ્મરણો ફરી મહોરી ઊઠ્યાં.

એ દૃશ્ય સ્મૃતિની ભીનાશથી તાજું જ હતું... હા. આ જ સામેની કેડીએથી દાદાજી જતા દેખાય. મોડેથી તડકામાં એમને પાછા ફરતા જોતો કે રમવાનું છોડી સામે દોડી જતો ને પૂછતો, 'દાદાજી! ક્યાં ગયા હતા?'

એ કશું કહેતા નહીં. મારે માથે હાથ મૂકી હસી પડતા અને હું ખિસકોલી પાછળ દોડી જતો.

કૉલેજના વેકેશનમાં બા-બાપુ સાથે ક્યારેક આવતો ત્યારે મેડી પર, રજાઈમાં ગોટપોટ થઈ સૂતાં સૂતાં નાના ગોખમાંથી જોતો. દાદાજીની સાથે બાપુ પણ એ કેડીએ એમની સાથે જ જતા હોય. હું શહેરની ચડેલી ઊંઘની ખાધ પૂરી કરવા ફરી આંખ મીંચી દેતો. પછી હું પૂછતો, 'દાદાજી ! મૉર્નિંગ વૉક લેવા જાઓ છો?'

દાદાજી મારે ખભે હાથ મૂક્યો, અને ધીમેથી કોઈ ગૂઢ રહસ્ય છતું કરતા દોસ્તની જેમ મને કહેલું - નદીપારના જંગલમાં જાઉં છું, બેટા ! જીવનનો અર્થ મને ત્યાંથી મળ્યો છે. તું ક્યારેક તીવ્ર એકલતાનો અનુભવ કરે, ત્યારે ત્યાં ચાલી જજે. કદાચ તું પણ પ્રાપ્ત કરી શકે. એ અંગત શોધનો પ્રદેશ છે.

મેં શો જવાબ આપ્યો હતો, એય જેમનો તેમ જ મને સાંભરી આવ્યો, 'આમ આખી સવાર જંગલમાં આથડવું મૂર્ખતા નથી?'

'બીજા લોકો જેને મૂર્ખતા કહે છે, એવું તું ક્યારેય કરે જ નહીં તો - મૂર્ખ લોકો શું જાણતા હતા, એની તને કેમ ખબર પડે?'

હું હસી પડેલો. ત્યારે જિંદગીએ એક ઉઝરડો પણ મને પાડ્યો ન હતો. અને એવું હસી લેવું મારે માટે સહજ હતું.

દાદાજીની વિચિત્ર લાગતી વાતો, અને એને શાંતિથી સાંભળતા બાજુમાં ઊભેલી મરક મરક હસતા બાપુ-અચાનક વરસી પડેલા વરસાદને ખોબામાં ઝીલવા દોડતા શિશુની જેમ હું આ સ્મરણોની ઝરમરથી વિહવળ થઈ ગયો.

મને અચાનક થયું, નદીપારના જંગલમાં જતી આ કેડી મને વારસામાં મળી છે અને મારે મારા જીવનના અર્થની અંગત શોધ કરવાની છે.

અવશપણે ક્યારે વરંડાના પગથિયાં ઊતરી, હું એ કેડી પર ચાલવા લાગ્યો તેની જાણ સુધ્ધાં મને ન થઈ. રાત્રે વરસી ગયેલા વરસાદે ધૂળભર્યા રસ્તાની માટીને મઘમઘતી કરી મૂકી હતી. મારા બૂટ કાદવમાં ખૂંપી જતા હતા. અને તેને જરા જોરથી પાછા ખેંચતોહતો ત્યારે પાણીના પરપોટાનો એક વિચિત્ર અવાજ આવતો હતો, જે મેં શહેરના ડામરના કર્કશ રસ્તાઓ પર ક્યારેય સાંભળ્યો ન હતો.

ઝાડી જરા વધુ ગીચ બની ગઈ. હું લીલોતરીને શ્વાસતો ધીમે ધીમે ચાલતો હતો. સઘળું જ નીરવ હતું. વહેલી સવારે વરસી ગયેલા વરસાદની ધુસરતા હજી પણ હવામાં છે. તેથી દૃશ્યો થોડાં આછાં તો ક્યાંક પ્રગલ્ભતાથી સ્પષ્ટ થતા જોઉં છું. અવાચક બનીને હું ધીમે બેસું છું. પછી મને ખ્યાલ આવે છે, એ કોઈ વૃક્ષનું કપાયેલું થડ છે.

કાન માંડીને હું સાંભળું છું. નીરવતાની વાચા વડે કોઈ મને અદ્દભુત વાતો કહેતું હતું... એ સ્થિર અને સ્તબ્ધ લીમડામાં સમાઈ ગયેલા સમયની સળો... આ... જંગલી ફૂલોની વેલનાં નાનાં પાન પરથી સરતાં જતાં વરસાદનાં ટીપાં... કોઈ અજાણ્યા પક્ષીની ચહક... મારો હાથ થડની સપાટી પર ફરતો હતો. એની ખરબચડી સૂકી તિરાડોમાં લીલી કૂંપળો ફૂટી નીકળી હતી.

હું ઊભો થયો અને ચાલવા લાગ્યો. હવે કેડી નહોતી. જ્યાં જવું હોય તે તરફ વળી જઈ શકતો. મારા સ્પર્શથી હલી ગયેલી ડાળીઓમાંથી છુપાયેલાં ફોરાં, નાના બાળકની જેમ મારા પર વહાલથી કૂદી પડતાં હતાં. એક આહલાદક અનુભૂતિથી મન સભર થઈ ગયું. હું નદીકિનારે આવીને ઊભો. વરસાદથી ધીંગી અને મસ્ત બનેલી નદી તોફાની બની હતી. ધીમે ધીમે સૂર્ય, આકાશના ખુલ્લા દરવાજામાંથી કોઈ ભવ્ય પ્રતાપી શહેનશાહની જેમ પૃથ્વીના દરબારમાં પધારતો હતો. એના સંચારસ્પર્શથી સઘળું જ જીવંત બની ગયું. બાળકોનો કિલ્લોલ... લીલીછમ્મ વનરાજીનું પવનનું ઝૂલવું... આ પ્રેમવિહવળ નાયિકા શી નદીનો આવેગ... ખરી જતાં ને ફરી ખીલી ઊઠતાં ફૂલો... અને કાળા, ખરબચડા ખડકો પરની આ લીલી કુંજાર રેશમી શેવાળ... અને પોતાના સામ્રાજ્ય પર તેજભરી દૃષ્ટિથી જોતો સૂરજનો આ પ્રચંડ લાલ ગોળો...

હું નિષ્પલક જોઈ રહ્યો હતો. ઓહ ! આ નદીનાં જળ સાથે હું વહેતો હતો... આ વૃક્ષ સાથે હું ઊગતો હતો... હવાની પાંખે દૂર-સુદૂર ઊડી જતો હતો... અચાનક તીવ્રતાથી મને થઈ આવ્યું : આ જ દૃશ્યનો, આ જ અનુભૂતિનો મને દાદાજીએ વારસો આપ્યો હતો! મેં અંગત શોધના પ્રદેશને આખરે શોધી કાઢ્યો હતો.

અત્યંત કોમળતાથી આ ક્ષણને મારા ચિત્તમાં મુદ્રિત કરી. અંતે મારે પણ આ ક્ષણનો વારસો મારા સંતાનને આપવાનો હતો ત્યાં સુધી એની મુગ્ધતા લગીરે ઓછી ન થાય એમ હું ઈચ્છતો હતો.

છેલ્લી નજર પાછળ કરી, ઉતાવળે પગલે મેં કેડી તરફ ચાલવા માંડ્યું. 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.