બૂટપૉલિશવાળો

10 Dec, 2017
07:01 AM

PC:

(વાર્તાકારઃ ઈશ્વર પેટલીકર)સ્ટેશન ઉપર, ગાડી મોડી હતી એટલે ભરત અને ગિરીશ બાંકડા ઉપર બેસી વાતો કરતા હતા તેમાંથી યાદ આવ્યું કે, અઠવાડિયા પછી પંચગની હવા ખાવા જવાનું ગોઠવ્યું હતું એટલે શું શું સાથે લઈ જવું તેની યાદી કરવા બેસીએ. ભરતે પેન કાઢી, ગિરીશે કાગળ કાઢ્યો, આપ્યો ને કહ્યું : 'પ્રથમ રસોઈ માટે કયા કયા સાધનો જોઈશે, તે નોંધો.'

ભરત : 'રસોઈનાં સાધનની ભાંજગડમાં પડીને આપણે શું કામ છે? એ તો લલિતા અને કાન્તા ફોડી લેશે.'

ગિરીશ એના સ્વભાવ પ્રમાણે ઘાંટો પાડીને બોલી ઊઠ્યો : 'બૈરાં ફોડી લેશે અને આપણો દહાડો વાળશે એ ભ્રમ આબુનો અનુભવ થયો છે છતાં તારો નથી ગયો? કેટલી ચીજો એમણે ઘેરથી નહોતી આણી? આપણે નાહક પૈસા ખર્ચી ખરીદવી પડી હતી! હજુ ફરી એનો એ અખતરો કરવો છે?'

ભરત કંઈ બોલે તે પહેલાં બૂટપૉલિશ કરનાર એક બારચૌદ વર્ષના છોકરાઓ વચ્ચે ઝુકાવ્યું : 'સાહેબ! બૂટપૉલિશ ! સરસ કરી દઈશ.'

ગિરીશે છાંછિયું કર્યું : 'જા ને હવે બૂટપૉલિશવાળો મોટો! સહેજ ઠરીને નિરાંતે વાત કરવા દે.'

પણ ભરતની નજર બૂટ ઉપર હતી એટલે છાંછિયાંથી ટેવાયેલ છોકરાએ એને ઉદ્દેશીને કહ્યું : 'સાહેબ! સરસ કરી દઉં તો પૈસા આપજો.'

બૂટપૉલિશ કરાવવા અંગે ભરતના દિલમાં કોઈ કોઈ વખત વૈરાગ આવી જતો, પણ આજ સુધી મોટે ભાગે એ સ્મશાનવૈરાગ્ય જ નીવડ્યો હતો. બૂટને પૉલિશ કરવી જોઈએ એમ એ માનતો પણ સ્ટેશન ઉપર ગમે તેવી હલકી પૉલિશ છોકરાઓ વાપરતા હોય છે એટલે ડાઘા પડી જાય છે, એ અનુભવ એણે ઘેર બૂટપૉલિશ કરવા કીવીની પૉલિશ આણી હતી તે પડી પડી સુકાઈ ગઈ પણ એકેય વખત કરી ન હતી. ઘેર હોય ત્યારે પૉલિશ કરવાનું યાદ ન આવે, બહાર જતી વખતે બૂટના દેદાર જોઈ એને થાય કે પૉલિશ ઘેર આવીને તરત જ કરી નાખીશ. પણ બૂટ પહેરતાં જેટલો મોહ હોય છે. તેટલો ઘરમાં આવી બૂટ કાઢતી વખતે વૈરાગ્ય હોય છે. તે વખતે પૉલિશ કરવાનું ભરતને ક્યારેય સૂઝતું નહિ. છેવટે સ્મશાનવૈરાગ્ય ઊડી જતો અને સ્ટેશન ઉપર બૂટપૉલિશની બૂમ પડે એટલે સારી પૉલિશ કરજે એમ ચેતવણી આપીને એ કરાવી લેતો. કઈ પૉલિશ છે તેમ પૂછતાં છોકરો કીવીની ડબ્બી બતાવી પૉલિશ કરવા બૂટ લેતો પણ બૂટ તૈયાર થતાં માલૂમ પડતું કે કીવીની ડબ્બીમાં બીજી પૉલિશ ભરેલી હતી, બાકી આવી ખરાબ પૉલિશ બને નહિ.

આવો કડવો અનુભવ એને છેલ્લી વખત વધારે થયો હતો એટલે એનો ઉલ્લેખ કરતાં બુટપૉલિશવાળા છોકરાને ભરતે કહ્યું : 'જો આ બૂટ. ગયે વખતે એના ઉપર ડાઘા પાડી નાખ્યા છે. એવું જો બનશે તો પૈસા નહિ આપું.'

છોકરાએ આમ ભરતનું કૂણું મન જોતાં સીધા પગમાંથી બૂટ કાઢી લીધા અને પોતે સારી પૉલિશ કરશે એની ખાતરી તરીકે ડબ્બી ખોલીને અંદરની લાલ પૉલિશ ભરતને બતાવી. એના તરફ નજર પણ કર્યા વગર એણે કહ્યું : 'હલકી પૉલિશ ઊંચી ડબીમાં ભરીને તમે લોકોને છેતરો છો એનો મને પૂરો અનુભવ છે.'

ભરતે બૂટ પૉલિશ કરવા આપ્યા તે ગિરીશને ગમ્યું ન હતું. એનું કારણ જોવા જાઓ તો કંઈ ન હતું. જો બૂટપૉલિશવાળો પૂછે તો એ ના પાડે અને એ બોલ્યા વગર ચાલ્યો જતો હોય તો એને બૂમ પાડીને બૂટ આપે! વળી એક વખત ના કહી તો હા ન પાડે. તેમાં વળી એ યાદી કરવાના કામમાં હતો, ત્યાં એણે ડખલ કરી એટલે એ છોકરા ઉપર ગુસ્સે થયેલો હતો. એ ભાવ વ્યક્ત કરતાં એણે ભરતને કહ્યું : 'સારી પૉલિશ નથી કરતાં તો શું ઝખ મારવા બૂટ આપ્યા?'

છોકરો બોલ્યો : 'સાહેબ! સારી પૉલિશ કરીશ એની ખાતરી રાખજો. હું એવી છેતરામણી કદી કરતો નથી, સારી પૉલિશ જ રાખું છું. મારી પાસે કીવીની પૉલિશ છે કે નહિ, તે તો હમણાં બૂટ તૈયાર થાય ત્યારે તમે કબૂલ કરશો.'

ગિરીશ : 'હજામત અને બૂટપૉલિશ બેનો શોખ જ નકામો છે. ગમે તેટલી સારી હજામત કરીએ પણ બીજે દિવસે ધૂળ! પૉલિશનું પણ એવું. હમણાં પગમાં બૂટ ઘાલ્યા કે ધૂલ ચોંટી સમજવી.'

ભરત : 'કાયમનું તો જગતમાં શું છે? દાતણ આજ કર્યું એટલે આવતીકાલે નહિ કરવું પડે? એક દિવસ નાહીએ એટલે બીજે દિવસે નહાવું નથી પડતું? એક ટંક ખાધું એટલે બીજે ટંક ખાવું નથી પડતું? બુટપૉલિશ અને હજામતનો દોષ શું કામ કાઢે છે?'

ગિરીશ : 'બધું તત્વજ્ઞાન ગાડીમાં બેસીએ ત્યારે ઉકેલજે, ગિરદીમાં એનો વાંધો નહિ આવે. તે પહેલાં એક વખત ચાલને યાદી બનાવી લઈએ?'

ભરત : 'પંચગનીમાં આબુ જેટલી સગવડ એટલે બનતાં લગી કોઈ વસ્તુ રહી ન જાય તે જોવાનું.'

ગિરીશ : 'બે મહિના જેટલો લાંબો ગાળો રહેવાનું એટલે ચલાવી પણ શાના વગર લેવાય?'

આમ કહી બંને જણ યાદી કરવાના કામમાં લાગી ગયા. સંભારી સંભારી બંને જણા વસ્તુઓનાં નામ બોલતા જતા હતા. જાજરૂના ટમ્બલરનું નામ આવ્યું એટલે બન્ને વચ્ચે મતભેદ ઊભો થયો. ગિરીશ એના સ્વભાવ પ્રમાણે એક વખત ના પાડે તો પછી દલીલ કરો તોય હા ન પાડે. એણે કહ્યું : 'એની શી જરૂર છે? લોટો ચાલશે.'

ભરત : 'લોટાને દર વખત ક્યાં માંજવા બેસવું? ટમ્બલર જ જોઈએ.'

ગિરીશ : 'માંજતા શાં વરસો જવાનાં હતાં? એવી બધી વસ્તુઓ લેવા બેસીએ તો આખું ઘર જ ત્યાં ઉપાડી જવું પડે.'

ભરત : 'ટમ્બલર તે એવું કયું મોટું હતું કે જગા રોકી પાડવાનું હતું? મારી યાદીમાં એનો સમાવેશ કરીશ. પછી છે?'

ચોર કોટવાળને દંડે તેમ ગિરિશ બોલ્યો : 'તું ખોટો જક્કી છે. તારીમારી યાદીની ક્યાં વાત છે? એના વગર ચાલશે એટલે એ જક શું કામ જોઈએ?'

પૉલિશવાળો છોકરો ભરતના પગ આગળ બૂટ મૂકી ક્યારનો ઊભો રહ્યો હતો. બે વખત એણે ધ્યાન ખેંચ્યું હતું. પરંતુ બંનેમાંથી કોઈએ ધ્યાન આપ્યું ન હતું. ત્રીજી વખત ધ્યાન ખેંચતાં એણે કહ્યું : 'સાહેબ! બૂટ.'

ગિરીશ ખિજાઈ જતાં બોલ્યો : 'હવે સહેજ તારો ઘોડો તાણી રાખને! જોયાં બૂટ હવે.'

છોકરો : 'સાહેબ! મને પૈસા આપો એટલે હું બીજે જાઉં ને!'

ભરત ખિસ્સામાં હાથ નાખવા જતો હતો. ત્યાં ગિરીશે એક આનો કાઢી છોકરાના પગ આગળ નાખ્યો અને કહ્યું : 'તું મોટો કામગરો છે તે જા અહીંથી.'

છોકરો : 'એક આનો નહિ સાહેબ, બે આના.'

ગિરીશ વધુ ખિજાઈ જતાં બોલ્યો : 'શું બોલ્યો અલ્યા? બોલ જોઉં ફરીથી?'

છોકરાએ ગિરીશને કંઈ જવાબ ન આપતાં ભરત સામે જોયું.

ભરત બોલ્યો : 'બધા એક આનો લે છે અને તું બે આના શાનો માગે છે?'

છોકરો : 'હું સારી પૉલિશ રાખું છું, એટલે મને એક આનો શી રીતે પોસાય?'

વચ્ચે ગિરીશ બોલી ઊઠ્યો : 'તો પહેલેથી તેં કહ્યું કેમ નહિં કે બે આના લઈશ? જા નહિ મળે! જોઈએ તો એક આનો લે, નહિ તો ચાલતી પકડ.'

છોકરે કંઈ બોલ્યા વગર ઊભો રહ્યો, એક આનો એમ ને એમ નીચે પડ્યો પડ્યો એ ત્રણેનો તમાશો જોઈ રહ્યો હતો.

ભરત નમતું મૂકીને કદાચ એક આનો આપી દેશે એ શંકાએ ગિરીશ બોલ્યો : 'એની હઠને તાબે થવાની જરૂર નથી. રેલવેના પોર્ટરો જેમ રકઝક કરી વધારે મજૂરી પડાવવા ટેવાઈ ગયા છે. તેમ આ છોકરાઓ પણ હરામી થઈ ગયા છે. સારી પૉલિશ રાખે એમાં આપણા ઉપર ઉપકાર કરે છે? વધારે ધંધો કરવો હોય તે બધા સારો માલ રાખે છે' અને બૂટ ઉપર નજર કરી ઉમેર્યું : 'એમાં શું સારી પૉલિશ તેં કરી નાખી છે? એક આનામાં આનાથી સારી મેં દર વખતે કરાવી છે.'

છોકરો નમ્ર થઈ બોલ્યો : 'સાહેબ! તમે સારા માણસ થઈને સારા કામની કદર નહિ કરો તો કોણ કરશે?'

ભરતને થયું કે પૉલિશ તો એણે સારી કરી હતી : બીજો એક આનો આપી દેવામાં વાંધો પણ ન હતો. પરંતુ ગિરીશનું ઊંહુ એ મિયાંભાઈના ઊંહું જેવું હતું. એક વખત ઊંહું થયું તેનું 'હા' ન થાય. વળી એની એક દલીલ ભરતને પણ વાજબી લાગી હતી કે જો એ બે આના લેતો હતો તો પહેલેથી એણે કહ્યું કેમ નહિ? જો કે એ મોટી વાત ન હતી, પરંતુ ગિરીશ લપ કરે ત્યારે વચ્ચે ન પડવું એમ માની ભરત યાદી આગળ કરવા લાગ્યો.

ગિરીશને વસ્તુઓ લખાવવા લાગ્યો. વચ્ચે ટમ્બલર જેવો મુદ્દે આવે તો ચર્ચા કરવા લાગે પણ ઊભેલા છોકરા તરફ કોઈ ધ્યાન ન આપે. છેવટે છોકરો બોલ્યો : 'સાહેબ...!'

ગિરીશે એને આગળ બોલતાં અટકાવીને કહ્યું : 'અહીંથી જાય છે કે નહિ? જા અહીંથી, નહિ તો એક તમાચો ચોડી દઈશ!'

ગિરીશનું ભલું પૂછવું. એ ગાડીમાં મુસાફરી કરતો હોય ત્યારે ભાગ્યે બાઝવાનું ન બને. રેલવેના નોકરો સાથે તો એ નાની બાબતમાં બાઝ્યા વગર ન રહે. એ લોકોને સીધા કરવામાં ન આવે તો એમની આંખ ન ઊઘડે એમ એ માનતો, એટલે એ કદાચ છોકરાને મારી બેસશે એમ માની ભરતે એને ખભે હાથ મૂક્યો.

પછી છોકરા તરફ નજર કરે છે તો એની આંખમાંથી દડદડ આંસુ વહ્યે જતાં હતાં! પહેલી જ વખત ભરતની નજર એ છોકરાના મોં ઉપર સ્થિર થઈ. ગોરું નહિ અને શ્યામ નહિ એવું એ કુમળું મોં હતું, આવા ધંધામાં પડેલા છોકરાઓ ખંધા થઈ જાય છે તેવો એ ખંધો ન હતો એમ એની થરથર ધ્રૂજતી કાયા કહેતી હતી. અને એવો ખંધો હોય તો આમ એ નિરાધાર જેવો બની રડે પણ નહિ. ભરતને એની દયા આવી. એક આનો આપવા એણે ખિસ્સામાં હાથ નાખ્યો.

ગિરીશે એ હાથને પકડી રાખતાં કહ્યું : 'નથી આપવાનો બીજો આનો!'

ભરત : 'મૂકશે હવે એ વાત.'

ગિરીશ : 'પણ એ રડ્યો શું કરવા? મેં એને માર્યો તો નથી ને? એમ રડી એ ઓશિયાળો બને એટલે વધારે મળે, એ ગિરીશ પાસે નહિ બને. દાદાગીરીનાં બે રૂપ છે. એક ડરામણી અને બીજું ઓશિયાળાપણું.'

છોકરો બોલ્યો : 'હું ઓશિયાળો બની કંઈ લેવા નથી માગતો, મારા ખરા હક્કનું માગું છું, આપવા હોય તો બે આના આપો, નહિ તો મારે કંઈ જોઈતું નથી.'

ગિરીશ : 'તો ચાલ્યો જા અહીંથી.'

છોકરો આમ તરત ચાલ્યો જશે એમ ભરતે નહિ કલ્પેલું. એને દૂર જતો જોઈ ભરતે ગિરીશને કહ્યું : 'શું કરવા આમ કરે છે?'

ગિરીશ : 'તમે વેવલા લોકો જ આમ કરીને આ પ્રજાને બગાડો છો. એ ક્યાંય મરવાનો નથી. ગાડી આવશે તે પહેલાં જોજે, બાપા કહીને એ જ પાછો એક આનો લઈ જશે.'

ગિરીશના કથન ઉપર ભરતે ભરોસો રાખ્યો અને છોકરો આવશે ત્યારે પોતે એને બે આની આપી દેશે માની બંને જણ વાતોએ વળગ્યા. ગાડી યાર્ડમાં આવી એટલે બંને ઊભા થયા. જગા મેળવવા પ્લેટફોર્મના આગળના ભાગમાં ઝડપથી પગ ઉપાડવા માંડ્યા અને પહેલા ડબ્બામાં જગા મળી ગઈ એટલે નિરાંતનો શ્વાસ લીધો. અધૂરી વાત ગિરીશે આગળ ચલાવી.

ગાડી ઊપડવાના ટકોરા પડ્યા. ગાર્ડે વ્હીસલ મારી, અને એ નાની વ્હીસલ કોઈએ સાંભળી ના સાંભળી માની એન્જિને મોટો બરાડો પાડ્યો. અને એ બરાડો જાણે પેલા બૂટપૉલિશવાળા છોકરાએ પાડ્યો હોય તેમ ભરતનો ધ્રાસ્કો પડ્યો. એ છોકરો યાદ આવ્યો. ગાડી ઊપડી ચૂકી હતી. ભરતે ઊભા થઈને બારી બહાર ડોકું કાઢી પ્લેટફોર્મ ઉપર નજર કરી તો છોકરો નજરે ન પડ્યો.

ગિરીશે પૂછ્યું : 'શું જુએ છે?'

ભરત : 'પેલો પૉલિસવાળો છોકરો જણાયો નહિ.'

ગિરીશ : 'ભોગ એના. એટલી બધી ચરબી રાખીને એણે શું કાંદો કાઢ્યો? એક આનો ખોયો એ જ કે બીજું?'

ભરત ચૂપ રહ્યો. એના હૈયામાં રડતા છોકરાનું દયામણું મોં લપાઈને બેસી ગયું હતું. એણે બૂટપૉલિશ સારી કરી હતી તેમાં શંકા ન હતી, કીવીની ડબીમાં હલકી પૉલિશ રાખી છેતરપિંડી કરી ન હતી, બીજા છોકરાઓની માફક ખંધાઈ બતાવી ન હતી, સહેજ ઊંચા સાદે બોલતાં રડી દીધું હતું. બે આના કરતાં પોતે ઓછું નહીં લે તેવો પોતાનો પ્રમાણિક ભાવ અને મક્કમ નિર્ણય જણાવ્યો હતો, પરિણામમાં એણે શું મેળવ્યું?'

સારી બૂટપૉલિશ થતી નથી એમ કાયમ બૂમ પાડનાર ભરતને થયા કરતું, કે એનો જવાબ આપે તેવો એકાદ છોકરો નીકળ્યો, ત્યારે પોતે એની કેવી કદર કરી? એને થયું, ગિરીશ ન હોત તો પોતે આવું વર્તન કદી આચરી શક્યો ન હોત. એક પ્યાલો પાણી પીધા બદલ એણે ક્યારેય પૈસા કે બે પૈસા છૂટા શોધ્યા નથી. પણ ગરમીમાં પાણી પાનારને એણે કાયમ એક આનો આપ્યો છે. શું કરવા? ખિસ્સામાં છૂટા બે પૈસા હોય છતાં ઓછું આપવાની વૃત્તિ બતાવી નથી, કારણ તાપમાં, સ્ટેશનોએ કૂવાની સગવડ ન હોય છતાં દૂરથી પાણી લાવી પાનારને શા માટે ઓછું આપવું? તો શા માટે પ્રમાણિક રીતે જીવવા પ્રયત્ન કરનાર છોકરાને એણે દુભાવ્યો?

વચ્ચે ગિરીશ દેખાયો. શા માટે એની ઈચ્છાને તાબે થયો? ગિરીશના હૃદયને આ લાગણીઓ ન સ્પર્શતી હોય, એને એમાં ન્યાય દેખાતો હોય. તો ભલે એ એવું વર્તન રાખે, પણ પોતાની લાગણીઓ પ્રમાણે પોતે કેમ ન વર્ત્યો? ગિરીશથી એ કંઈ દબાયેલો ન હતો, વળી એની ઈચ્છા વિરુદ્ધ એક આનો આપ્યો હોત તો એ કંઈ એને ના પાડી ન શકત. સ્વભાવ પ્રમાણે થોડું બોલત એટલું જ. અને એ ક્યારે નથી બોલતો? એના સ્વભાવ તરફ ધ્યાન આપવામાં આવે તો મૈત્રી ટકી પણ ક્યાંથી હોય? એ તો એના સ્વભાવનું એક લક્ષણ હતું એટલું જ, બાકી એ જ છોકરાને વગર પૉલિશ કરાવ્યે રૂપિયા આપવાનો હોય તો એ આપી દે. એણે કોને કોને કેટલી મદદ કરી છે, તે કોણ જાણે છે? એણે ક્યારે કોઈને જાણવા પણ દીધું છે? અને એણે તો આ ખોટું કર્યું છે એમ માન્યું પણ ક્યારે છે? એટલે એ ગમે તેમ વર્તે. પણ હું આ બધું અંતરમાં અનુભવ્યા છતાં શું કરી બેઠો?

ભરતના હૈયામાં આ ચટપટી ચાલી રહી હતી ત્યારે ગાડી ચાલી જતાં પ્લેટફૉર્મને એક છેડે, લીમડા નીચે પૉલિશવાળા પાંચ-સાત છોકરાઓ સહિયારી ત્રણ કપ ચા અને અર્ધો શેર ભજિયાં મંગાવી ખાતા-પીતા હતા. કેશવે એકલાએ પોતાને ચા નથી પીવી તેમ કહ્યું.

છગને કહ્યું : 'કેમ નથી પીવી?'

કેશવ : 'નથી પીવી વળી!'

મનોર : 'હું મારા ભાગના પૈસા આપીશ, પછી ના ભસ્યો એમાં તને નુકસાન નહિ જાય ને?'

છગન એ જવાબથી કેશવ તરફ તાકી રહ્યો. રડી રડીને એનું મોં ઊભર્યું હતું એમ એને તરત સમજાઈ ગયું. બોલ્યો : 'સાચું બોલજે, કકેશવ! તું રડ્યો છે ને?'

કેશવ : 'હું ક્યારેય જૂઠું બોલું છું તે સાચું બોલજે એમ તારે કહેવું પડે છે? હું કેમ રડ્યો તે જાણીને તમે બધા હસશો. દરેક વખતે મશ્કરી કરો છો તેમ મશ્કરી કરશો. એક વખત ચા ઠરી જાય છે પી લ્યો, પછી એ વાત જાણવી જ હશે તો કહીશ.'

બૂટપૉલિશવાળા છોકરાઓમાં કેશવ એની પ્રામાણિકતા અને સચ્ચાઈને લીધે માનીતો થઈ પડ્યો હતો. તેમ ધંધામાં એ અળખામણો પણ થઈ પડતો હતો. બધાં કરતાં એ સારી બૂટપૉલિશ કરતો એ બીજાઓથી ખમાતું નહિ, એને વધારે ઘરાકી મળે તે પણ વેઠાતું નહિ. બીજા એ કારણે એનો જીવ કાઢતા કે આમાં નથી તને ફાયદો કે નથી અમને ફાયદો, એક આનામાં તું સારી પૉલિશ વાપરે એટલે કંઈ કમાવાનું રહે નહિ. બીજાની ઘરાકી ઓછી થાય એટલે એમને પણ ગેરલાભ, એના કરતાં તું સૌના જેવી પૉલિશ રાખે તો શું ખોટું?

છેવટે કેશવે અપ્રામાણિક રીત તો ન સ્વીકારી, પણ પોતાનો ભાવ વધાર્યો. એ કારણે પોતાને ઘરાકી ઓછી થાય એ બીજાઓને મળે, અને પોતાને ઓછી ઘરાકીમાં પણ આવક સરખી થઈ રહે. આ કારણે બીજાઓને તો નિરાંત થઈ, પણ એને કપાળે મુશ્કેલી લખાઈ. બે આના કહે એટલે મોટો ભાગ બૂટપૉલિશ ન કરાવે, અને જે કરાવે એ પણ કામ પત્યા પછી કહે - 'બે આના શાના? એટલી બધા સારી તે કંઈ પૉલિશ કરી નથી. હજુ એક હાથ વધારે માર, વગેરે વગેરે. અને એને લીધે જે પ્રસંગો બનતા એ કેશવ પોતાની સાથે કામ કરનાર છોકરાઓને કહેતો ત્યારે એની મૂર્ખાઈ પર બધા હસતા અને મૂર્ખાઈ છોડી દેવા ઉપદેશ આપતા.'

કેશવે જે પ્રસંગ બન્યો હતો તે કહી જણાવ્યું : 'મને જે રડવું આવ્યા કર્યું તેનું કારણ મારા બે આના ગયા તે નહિ, પણ સારા માણસોય કેવી દાદાગીરી કરે છે તે.'

મનોર : 'પૈસાદાર પૂરતા એટલા એ માણસ, બાકી છેતરપિંડી તો સારા દેખાતા વધારે કરે છે. આપણે એક આનાની પૉલિશમાં છેતરી છેતરીને શું છેતરી લઈએ? અને એ તો હજારો લાખો રૂપિયા છેતરી લે છે.'

છગન : 'જેમ વધારે મોકો મળે તેમ એ વધારે છેતરપિંડી કરે.'

કેશવ : 'મને દુઃખ થયું તે એટલા માટે કે પંચગની હવા ખાવા જનાર બે મહિનામાં ગમે તેટલા રૂપિયા વાપરી નાખશે, પણ એક આનો મારા ખરા હક્કનો એમને આપવાનું દિલ ન થયું.'

રણછોડ : 'હક્કને ફક્ક. તને હજાર વખત તો કહ્યું કે તારા જેવો એક રઘો હતો. હરામીવેડા નહિ અને કોઈનાથી દબાવુંય નહિ. ફોજદાર સાહેબના બૂટ મફત પૉલિશ કરવાની ના પાડી પૈસા માગ્યા, ને ત્રીજે દિવસે રેલવેની ચોરીના કિસ્સામાં એનું નામ ઘાલી દીધું અને ગયો એક મહિનો જેલમાં!'

મનોર : 'એથી એ તો છૂટ્યો બૂટપૉલિશમાંથી. પહેલાં આપણા સ્ટેશને એ આપણા જેવો મેલોઘેલો રહેતો હતો, હવે રેલવેમાં ચોરીઓ કરતાં શીખી તે લીલાલહેર કરે છે ને?'

કેશવ : 'પણ ચોરીઓ કરવી સારી છે?'

રણછોડ : 'એમ તો બધા કહે છે કે સારી નથી. પણ બધા કરે છે તે ચોરીઓ કે બીજું? કાળું બજાર એ ચોરી છે કે બીજું? પછી રઘો ચોરી કરે છે એમાં એના એકલાનો શો દોષ? તને બે આના ન આપનાર શું ચોરી વગર માલદાર થયા હશે? પંચગની હવા ખાવાની વાત અમસ્તા કરતા હશે? આપણને ખાવાનું મળતું નથી અને એમને હવા ખાધા વગર ચાલતું નથી, એનું શું કારણ?'

છગન : 'આ બધું કહી કહીને શું કાઢવાનું છે? અને આવું બને છે ત્યારે દર વખતે આપણે કહીએ છીએ. કે હરિચંદર રાજા થવા જેવું તારું ભાગ્ય હોત તો કોઈ રાજા કે શેઠિયાને ત્યાં તારો જનમ થયો હતો આટલી નાની ઉંમરે બૂટપૉલિશ કરવાનો અવતાર મળ્યો છે, પછી પેટ માટે વેઠ કરવાની એમાં છેતરપિંડી અને સારું ખોટું કરવાનું શું? સારું કામ કરવાનો શો શિરપાવ મળે છે તે જોતો નથી?'

કેશવ માટે આ ચર્ચા નાનપણમાં મા મરી ગઈ ત્યારથી બાપે સાંભળીને બહેરા થઈ ગયા હતા. નાનપણમાં મા મરી ગઈ ત્યારથી બાપે એને ઉછેરીને મોટો કર્યો હતો. બાપ એક મિલમાં પટાવાળો હતો. આખી ઉંમર એક જ મિલમાં નેકીથી નોકરી કરી હતી. કેશવને રમાડતાં રમાડતાં પહેલાં એવાં સ્વપ્ન રચતો કે મોટો થતાં શેઠને બંગલે એને નોકરી ઉપર મૂકી દેવો. એ કારણે બંગલાંના નોકરો સાથે એ કોઈ વખત વાતો કરતો ત્યારે સુખદુઃખની વાત પૂછતો. એમાં સુખ કરતાં દુઃખની જ વાતો સાંભળવા મળતી, ત્યારે એને થતું કે શેઠિયા લોકોને દૂરથી સલામ ભરવી સારી. એટલે એણે વિચાર્યું કે મોટો થશે ત્યારે મિલમાં દાખલ કરાવવો. પરંતુ કેશવ દસ વર્ષનો થયો ત્યાં એણે પોતે ધંધો શોધી લીધો. એનો બાપ મિલની જે ઓરડીમાં રહેતો હતો તેની બાજુમાં વસતા લોકો મજૂરો હતા, કેશવથી પાંચેક વર્ષ મોટા છોકરા બૂટપૉલિશ કરવા સ્ટેશને જતા, કેશવને એ કામ ગમી ગયું. બાપાને કહ્યા વગર એક દિવસ એ એના દોસ્તારો સાથે ઊપડી ગયો. પહેલે દિવસે એક જણ સાથે સારું સહિયારું કામ કર્યું, ચાર આના એને મળ્યા.

ઘેર આવી એણે બાપાના હાથમાં પૈસા મૂક્યા. પૂંજાનો હાથ પૈસા દેવતા હોય તેમ ધ્રૂજી ઊઠ્યો. લાલ આંખ કરતાં એણે કેશવને પૂછ્યું : 'સાચું બોલ! ક્યાંથી ચોરી લાવ્યો?'

કેશવ : 'ચોરી નથી કરી, કમાઈ લાવ્યો છું.'

પૂંજાએ વાત જાણી, સાચી છે તેની ખાતરી કરી, ત્યારે એના હર્ષનો પાર ન રહ્યો. જે આનંદ થયો તે દસ વર્ષના દીકરાઓ કોઈની તાબેદારી નહિ તેવો ધંધો શોધી કાઢ્યો હતો. લડાઈ શરૂ થઈ ત્યારથી પહેરાવાળાની નોકરીમાં પણ પૂંજાનો જૂઠું કરવું પડતું. ચોરીછૂપીથી, સરકારને છેતરવા માલ મિલમાંથી લઈ જવામાં આવતો હતો અને તે પૂંજાએ ઝાંપામાંથી જવા દેવો પડતો હતો, એને આ ગમતું નહિ. જિંદગીમાં પોતે કશું ખોટું નથી કર્યું એ એનો શબ્દ રોજની વાતોમાં બંધ થઈ ગયો હતો, એને થતું કે શેઠને શું નથી કે આવું પાપ કોટે બાંધતા હશે? પરંતુ પૂંજાને ક્યાં ખબર હતી કે એના શેટ કરોડાધિપતિ થવાની તાલાવેલીમાં પડ્યા હતા?

પૂંજાએ નોકરીમાં આટલું ખોટું કરવું પડતું હતું, છતાં દીકરાને એ કોઈનો હરામનો પૈસો ન લેવાનો, કામ સારું કરવાનો અને ખરા પરસેવાનું ખાવાનો ઉપદેશ આપતો હતો. એક વખત ઝાંપામાંથી પસાર થતાં મોટરલૉરી પકડાઈ ગઈ, ત્યારે શેઠે જાણે એનો ગુનો હોય તેમ સરકારના ઈન્સ્પેક્ટરને બતાવવા પૂંજાની બધાના દેખતાં ધૂળ કાઢી નાકી હતી. તે વખતે પૂંજાને નોકરીમાંથી છૂટા થવાનું મન થઈ આવ્યું હતું. પરંતુ પાછલી ઉંમરે એ બીજું કરે પણ શું?

ગયે અઠવાડિયે જ મિલના એક હૉજમાંથી દારૂની બાટલીઓ પકડાઈ ગઈ હતી. એ હોજ વપરાતો ન હતો અને એ કારણે એનો એ ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોઈ જાણભેદુની કૂટ વગર એ પકડાય તેમ ન હતું. કોણ ફૂટ્યું તેની શોધ કરવાનો એ વખતે અવકાશ ન હતો, પહેરાવાળાએ પોતે મિલમાં દારૂ સંતાડ્યો હતો એમ જો કોઈ પહેરાવાળો કબૂલ કરે તો જે દંડ થાય તે દંડ આપવા શેઠ તૈયાર હતા, સજા થાય તે દરમિયાનનો પગાર મળવાનો હતો. આવો લાભ જૂના નોકરને આપવો માની શેઠ પ્રથમ પૂજાને બોલાવ્યો. એણે ચોખ્ખી ના સંભળાવી દીધી. ઉપરથી કહ્યું કે : 'મારા પહેલા વખતે કાપડની ચોરી થાય છે એ જ મને ગમતું નથી, ત્યાં આવું નામોશીભર્યું કામ હું કેવી રીતે માથે લઉં?'

શેઠ તો તે વખતે કંઈ બોલ્યા નહિ, બીજા પહેરાવાળાને એ લાભ આપ્યો. પરંતુ પૂંજો એમની ધ્યાન બહાર શેનો રહે? એનો શો ગુનો કાઢવો એની શોધમાં હતા. બાકી મજૂર મહાજનવાળા એને પડખે લડે એ બીક હતી. એટલે અઠવાડિયામાં વિચાર કરી, રાતની એની નોકરી વખતે એ ઊંઘતો હતો અને નાની ચોરી થઈ એવો કેસ કરી એને છૂટો કર્યો હતો.

કેશવ દિવસે ઘેર આવ્યો, ત્યારે એનો બાપ લમણે હાથ દઈને બેઠો હતો. મોં ઊતરી ગયું હતું. કેશવે કારણ પૂછ્યું તો જવાબ મળ્યો કે ચોવીસ કલાકમાં આપણે ઓરડી ખાલી કરવાની છે, શેઠે મિલમાંથી પોતાને છૂટો કર્યો હતો.

એ કેશવને શોધવા ભરતે સ્ટેશન ઉપર બીજી વખત આવવા ઘણો પ્રયત્ન કર્યો પણ એનો પત્તો મળ્યો નહિ. એની તપાસ કરતાં એક બૂટપૉલિશવાળા છોકરાને ભરતે પૂછી જોયું : 'ઘઉંવર્ણો, પંદરેક વર્ષનો, બૂટપૉલિશ કરતો છોકરો જોયો? તમે બધા એક આનો લ્યો છો ત્યારે એ બે આના લેતો હતો.'

છોકરો : 'કેશવની વાત કરો છો, શેઠ?'

ભરત : 'નામ હું નથી જાણતો, પણ મારે એનું કામ છે.'

છોકરો : 'એ તો હવે ક્યાં છે એની ખબર નથી.'

ભરત : 'ક્યારથી નથી?'

છોકરો : 'એ તો કોને ખબર છે? પણ છેલ્લે એક શેઠે પૉલિશ કરાવી એક આનો આપ્યો : એણે ન લીધો પછી ઘણું રડેલો. એ બધી વાત અમને કરીને એ ઘેર ગયો. ફરી બૂટપૉલિશ કરવા આવ્યો નથી, તમારે એનું શું કામ છે?'

ભરત : 'પૈસા ન આપનાર શેઠ હું જ!'

છોકરો : 'એવા તો એને ઘણા મળતા. તમે જ છેલ્લા હશો તેની શી ખબર? એ શેઠ તો તે દહાડે પંચગની જવાની વાત કરતા હતા એમ એ કહેતો હતો.'

ભરતથી નિશ્વાસ નાખતાં કહ્યું : 'હા ભાઈ! હા, એ જ પંચગનીવાળો શેઠ હું. પંચગની ગયો હતો ત્યાં મને કેશવ યાદ આવ્યા કર્યો છે. એ નહિ મળે અને તેનું લહેણું ચૂકતે નહિ કરું ત્યાં સુધી મને ચેન નહિ પડે.'

છોકરો ઘડીભર ભરત સામે તાકી રહ્યો. શેઠ ગાંડા થઈ ગયા છે કે શું? ગાંડા થયા ન હોય તો કોઈ કેશવ પાછળ ગાંડાં કાઢે?

ભરતને એ પછી જ્યારે જ્યારે એ સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર પગ મૂકવાનો થાય ત્યારે કેશવ યાદ આવે, તેની પૂછપરછ કરે પણ એનો પત્તો ન મળે.

છેવટે અચાનક ત્રણ વર્ષ પછી એક દિવસ સુરતના પ્લેટફોર્મ ઉપર એનો ભેટો થઈ ગયો. ભરત ગાડીમાં ચડતો હતો, ધક્કાધક્કી પુષ્કળ હતી અને કોઈએ એની પેન ખેંચી એની એને ખબર પડી. તરત જ એણે ખેંચનારનો હાથ પકડ્યો. આમ ખબર પડવાના તો આવી ચોરીમાં ઘણાં પ્રસંગ બનતા, પણ તે ઘડીએ ચોરી કરનાર હાથ ખેંચીને એવો આબાદ રીતે છટકી જતો હોય કે ન પૂછો વાત.

પરંતુ ભરત અખાડિયન. એનો હાથમાં જેનું કાંડું ગયું, તે હાડકું ભાંગે પણ છૂટે શાનું? 'શું છે, શું છે?' થઈ રહ્યું.

ભરત : 'આ મારી પેન ઉઠાવતો હતો.' એ સાથે જ બીજા ઉતારુઓએ મુષ્ટિપ્રહાર શરૂ કર્યો.

ભરતે અઢાર વર્ષના એ નવજુવાન સામે નજર ઠેરવી, ત્યાં બૂટપૉલિશવાળો?

અને કેશવ જવાબ આપે તે પહેલાં ભરત ઉતારુઓને સંબોધી બોલી ઊઠ્યો : 'કોઈ મારશો નહિ, એ મારો ઓળખીતો છે!'

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.