ભીખુ

21 May, 2016
12:00 AM

PC:

(વાર્તાકારઃ ધૂમકેતુ)

સાંજના સાત થવા આવ્યા હતા અને ઊંચે ચડેલા મિલના ધુમાડા નીચે ઊતરીને વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા. મોટર, ગાડી, સાઈકલ અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતું. અકસ્માતમાંથી બચવા માટે હું ફૂટપાથ પર ચાલતો હતો.

મગજમાં આટલી ધૂન હતી કે આજે બને તો 'પ્રતિભા' વિષે જુદા જુદા લેખકોએ દર્શાવેલા મતનો અભ્યાસ કરી લેવો, એ જ ધૂનમાં હું આગળ વધ્યે જતો હતો.

'એક કંગાલ પર ઈતની રહમ કરો!'

દર્દથી બોલાયેલા આટલા શબ્દોએ પગને આગળ જતા થંભાવ્યા. પાછા ફરીને જોયું તો હું ત્રણ દરવાજા પાસે ઊભો હતો. ફરી એ જ શબ્દો સંભળાયા. મેં ડોકું જરાક ખેંચ્યું. તો બે દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં એક અત્યંત કંગાલ સ્ત્રી બેઠી હતી. એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઊભેલો જોઈને કેટલાક માણસો ધક્કા મારીને આગળ ચાલ્યા ગયા હતા.

એવામાં વચ્ચેના સરિયામ માર્ગ પર એક નાના છોકરાને રસ્તો ઓળંગતા મોટરના મોંમાં- મૃત્યુના મુખમાં જતો જોઈ મારી રાડ ફાટી ગઈ. સહજ જ એ તરફ હું દોડ્યો. પણ તે પહેલાં શોફરે અત્યંત ચાલાકીથી છોકરાને ઉગારી લીધો. ને તેની મા આગળ વધીને હાંફળી ફાંફળી દોડતી હતી તેના તરફ એક ઠપકાભરી નજર નાંકી હૉર્ન વગાડી મોટર આગળ ચલાવી મૂકી. હું પાછો હઠ્યો ત્યાં એક જણ સાથે ભટકાયો : 'માફ કરજો. માસ્તર.' કહીને એક જણો ભટકાતો ચાલ્યો ગયો. ને એટલામાં તો પેલી કંગાલ સ્ત્રીના એના એ શબ્દો ત્રીજી વખત સંભળાયા : 'એક કંગાલ પર ઈતની રહમ કરો!'

* * *

એક સ્ત્રી બેઠી હતી તે ખૂણામાં અંધારામાં મેં નજર ફેરવી. તેના પગ પાસે ઉઘાડે શરીરે ત્રણ છોકરાં સૂતાં હતાં. ને તેના ખોળામાં એક નાનું બચ્ચું દયામણું મોં રાખીને આવનાર-જનારની સામે જોયા કરતું હતું. બાઈ અશક્ત હતી, ને ગરીબી તેના પર અસહ્ય જુલમ કરી રહી હતી. ઊંડા ખાડા જેવી આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું. પોતે છોકરાં માટે જ જીવનદોરી લંબાવતી હોય એમ તેના મોં પરથી દેખાતું હતું. મારો હાથ એકદમ કોટના ખીસામાં પડ્યો. એ ખીસાએ બે કલાક પહેલાં જ કલદાર રાણીછાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી. પણ અત્યારે તે ભોંઠો પડ્યો. માત્ર ત્રણ પૈસા જ હાથે ચડ્યા! નવ આના સિનેમાએ ને રોકડા સવા છ આના લક્ષ્મીવિલાસ હોટલે ઉપાડી લીધા હતા! 'સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણાં જણ પોષી શકાય તેમ છે.' એ પસાર થઈ જતા વિચારની સાથે હાથ ખીસામાંથી બહાર આવ્યો. ત્રણ પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા ને પૈસાના ખખડાટથી જાગેલું એક છોકરું મને ફરી સતાવે તે પહેલાં જ હું દૂર થઈ ગયો. પણ અનાયાસે જ છોકરાના શબ્દો કાન પર પડ્યા : 'મા! કાંઈ ખાવાનું છે? શું છે લાવ, જોઉં!'

'ખાવાનું તો ભાઈ લાવે ત્યારે... પણ એ ગયો ક્યાં? ક્યારનો ગયો છે?'

પાછળથી લારીવાળાનો 'હટો ભાઈ હટો'નો અવાજ આવતાં હું એક તરફ ખસ્યો, ને 'લ્યો શિંગોડે'વાળાના એ એક જ જાતના સ્વરોથી જાગ્રત થઈ પગથી પર ચડી ગયો.

* * *

ફૂલોની છાબડીઓ પર, નાળિયેર પર, સાબુ પર, ગોળ પર એમ અનેક પદાર્થો પર ફરતી દૃષ્ટિ સામેના રસ્તા પર મીઠાઈની બે દુકાનો છે તેની આગળ જામેલી લોકોની ઠઠ તરફ ખેંચાઈ. કાંઈક તહેવાર હતો ને બંને દુકાનદારોએ રોશની કરી હતી. મારાં પગલાં સહજ તે તરફ વળ્યાં.

દુકાનમાં ગોઠવેલી મીઠાઈને જોવા માટે જ ઘણા ખરા ઊભા હતા. ઘડીમાં રોશની થાય ને હોલાય એવી દુકાનના પાટિયા પર ગોઠવેલી વીજળીની બત્તીઓ પર કેટલાકની નજર ચોંટી હતી. ત્યાં વળી એક નાની સરખી આગગાડી આવ-જા કરી રહી હતી. કેટલીક પારસી બાઈઓ મીઠાઈની ખરીદી કરતી હતી, પણ સૌથી દૂર ખૂણામાં, નાનો દસ-બાર વર્ષનો એક છોકરો અત્યંત તૃષ્ણાથી અનિમેષ દૃષ્ટિએ મીઠાઈના થાળ તરફ - ખાસ કરીને, સૌથી આગળ પડેલાં પીળી જલેબીનાં ચકચકિત ગૂંચળાંઓ જોઈ રહ્યો હતો. અચાનક મેં એને જોયો. ભક્તિભાવથી જાણે એની દૃષ્ટિ ત્યાં છોંટી રહી હતી.

એના અંગ પર એકે સાજું લૂગડું ન હતું કે એના ચહેરા પર આશા, નિરાશા કે એવા કોઈ જાતના ભાવ ન હતા. એની પાછળના અંધારામાં બે મિયાંભાઈ ઊભા ઊભા વીજળીની આ ગોઠવણ પર કંઈ તર્ક ચલાવતા હોય તેમ લાગ્યું. હું ધીમેથી ગોળ ચકરાવો ખાઈ પેલા છોકરાની પડખે પણ જરા દૂર અંધારામાં જઈ ઊભો ને એના પર નજર ઠેરવી. તે શાંત-લીન બનીને જલેબી નીરખી રહ્યો હતો.

અચાનક રોશની જરા મંદ થઈ. જુગજુગની સમાધિ પછી પ્રાપ્ત થયેલું કોઈ પ્રિયદર્શન લુપ્ત થવાનો ભય હોય તેમ એ રોશની મંદ થતાં જ દુકાન તરફ જરા ખસ્યો. એની આ સમાધિથી આકર્ષાયેલા એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું, પણ મારા તરફથી કશો જવાબ ન મળતાં તે દુકાન તરફ વળ્યો. પાશેર જલેબીનું પડીકું બંધાવ્યું ને તેમાંથી એકાદ કાઢીને ખાતો પેલા છોકરા પાસેતી પસાર થયો. અરધી આશામાં, અરધી ઘેલછામાં પેલા છોકરાએ જરાક હથેળી લંબાવી. સુગંધ લઈ શકાય એટલે નજીકથી પડીકાવાળા જુવાન સાથે જ જલેબીને પસાર થતી જોઈ તેનું મોં પાણીપાણી થઈ ગયું, તે પગના અંગૂઠા પર જરાક ઊભો થયો, નીચો થયો, ફરી શરીર ઊંચક્યું. અને તરત જ નીચા થઈ પોતાનો ભોંઠો પડેલો હાથ તેણે પોતાના લઘરવઘર કંગાલ પહેરણમાં છુપાવી દીધો.

પણ એ અરધી મિનિટમાં તો તેનો ચહેરો ભારે દુઃખની, લાલસાની ને જબરદસ્ત યાતનાની પરાકાષ્ઠા અનુભવી ચૂક્યો હતો.

પાછળથી મોટરના ભૂંગળાનો અવાજ થયો. આગળથી 'એઈ, આંખ પણ નથી કે શું?' એમ કોઈ પારસી બાનુની સાથે આવેલા પટાવાળાએ ધમકાવ્યો ને પાસે ઊભેલા કોઈએ ''જા-જા-જા, અહીં કેમ ઊભો છે? તારે શું લેવાનું છે? ભિખારચટા! તારે શું લેવાનું હોય? એમ કહી તેને ધિક્કાર્યો. બધા વેગને દાબતો હોય તેમ તે ધીમે, દૃઢ પગલે પાછો હઠ્યો, એકદમ દુકાન પરથી નજર ખેંચી લીધી, ને અત્યંત આર્તસ્વરે ફિક્કા હાસ્ય સહ બોલ્યો : 'હા ભાઈ, સાચું! હું સવારનો ભૂખ્યો છું : પણ મારે ભિખારીને શું લેવાનું હોય?' તેણે જોરથી મૂઠી વાળી. અંદર ખખડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો. એક પણ દૃષ્ટિ પાછળ ફેંક્યા વગર ચાલ્યો ગયો.

આ બધા વ્યવહારથી ખિન્ન થઈને 'આ મનુષ્યત્વનું ભારે અપમાન છે. શ્રીમંતોએ...' એવી વિચારશ્રેણીમાં હું સમાજવાદનું મૂળ શોધતો હતો, ત્યાં તો તેને એટલી વારમાં મેં સામેની બજાર પર ઉતાવળે પસાર થતો જોયો.

ધુમાડા વધારે નીચે ઊતર્યા હતા ને ઘાટા થયા હતા. વીજળીનો પ્રકાશ ધૂળની ડમરીમાં ઢંકાતો હોય તેવું લાગતું હતું. પ્રેમાભાઈ હૉલની સભામાંથી પાછા વળનારા, ભાષણ વિશે રાખેલી આશા અને પરિણામની નિરાશા વચ્ચેના તફાવતને સાંધવા યત્ન કરતા જતા હતા, અને 'એ ભાઈ, ઓ બાઈ'ના ગાડીવાળાના લહેકાઓ મોટરના અવાજમાં ઢંકાઈ જતા હતા, ત્યારે એ બધાની પર થઈ. આ ભિખારી એક દુકાને ઊભો રહી છ પૈસાના દાળિયા જોખાવતો હતો. અચાનક મને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યા. અરે, કદાચ એ દરવાજાની સાંકડી નેળમાં સડતા કુટુંબનો આ છોકરો સ્તંભ હશે! કદાચ શું? એમ જ હશે. સામેની દુકાને નીચે બેસીને. ધૂળમાં પોતાનું ચીથરું પાથરી તેમાં એ દાળિયા બાંધી રહ્યો હતો. એણે એક મૂઠી તેમાંથી ભરી, વીજળીના પ્રકાશમાં એ મૂઠીને અધ્ધર જતી મેં જોઈ અને એને ઝડપી લેવા આતુર મોં પહોળું થતું દેખાયું.

* * *

'એક... આઈસક્રીમ....' પાસેની દુકાન પર કૉલેજના વિદ્યાર્થી જેવા કોઈ ભાઈએ ઑર્ડર મૂક્યો. ને એટલામાં તો સામેથી તેના બેએક મિત્રોએ હસતાં હસતાં આવીને વાંસામાં ધબાક, ધબાક, પોલા હાથની થપાટો લગાવી.

'ભાઈ, બીજી ત્રણ આપજો.' કહીને તે એમની સાથે વાતે વળગ્યો. એમના પરથી ફરેલી મારી નજરે પેલા ભિખારીના મોંને બંધ થઈને નીચે આવતું જોયું. તેનું વદન કરમાઈ ગયું હતું, તે તેણે ભરેલી દાળિયાની મૂઠી એમ ને એમ ચીંથરામાં પેસી જતી હતી! ભૂખનું દુઃખ ગળી જઈને ચીંથરું વીંટાળી તે ત્રણ દરવાજા તરફ ચાલ્યો.
અને પેલી સ્ત્રી પાસે જ ગયો. પેલાં છોકરાં એને વળગી જ પડ્યાં. ને સ્ત્રીએ પોતાની ફાટેલતૂટેલ ગોદડી પર તેને બેસાડીને પૂછ્યું : 'બેટા! તેં કાંઈ ખાધું?'

મારા અંગેઅંગમાંથી ટાઢની ચમકારી પસાર થઈ ગઈ.

'હા મા!' તે શાંતિથી બોલ્યો. 'મેં તો બહુ દાળિયા ખાધા, ખૂબ પાણી પીધું ને પછી આવ્યો.'

'અત્યાર સુધી ક્યાં રોકાણો'તો, ભાઈ?'

'મા! પેલી જલેબીની દુકાન છે નાં, ત્યાં એક શેઠિયે મને જલેબી ખવડાવી!'

'હેં!'

'હા, મા.'

'અમારો ભાગ - અમારો ભાગ.' કહેતાં છોકરાં કૂદી પડ્યાં. છોકરો શરમિંદો થઈ ગયો. માએ તેની સામે ઠપકાથી ને સંતોષથી જોયા કર્યું.

'બેટા! આવું હોય તો પોતાનાં ભાંડરડાંને માટે થોડુંક રાખીએ! તું તો મોટો, તારાં પાળ્યાં આ મોટાં થાય તેમ છે. દાળિયા ક્યાંથી કાઢ્યા?'

'બરફ સાર્યો તેના દસ પૈસા આવ્યા ને?'

'હા.... કેટલા પૈસાના દાળિયા લાવ્યો?'

'છ...છ...છ...' એમ બોલતાં બોલતાં તેણે છેવટે કહી નાખ્યું, 'દસ'

આના જીવનને જરાક ટેકો આપ્યો હોય! બધાને જ ભિખારી ગણી ઘણી વખત આપણે ઉદ્યોગ કરવાનો ઉપદેશ આપીએ છીએ. પણ આ છોકરાએ ભાંડુ માટે જલેબી જતી કરી, દાળિયા ન ખાધા અને ખોટું બોલ્યો, એને મદદ....

ઉતાવળથી ખીસામાં ગયેલો હાથ પાછો ફર્યો. ધોબીનો ધોયેલ કોટ આજે જ પહેરેલો હોવાથી સાબરમતીની થોડીક ઝીણી રેતી જ હાથ સામે ચોંટી. મેં હોટલ ને સિનેમાને આજે બીજી વખત સંભાર્યા!

છેક એમની પાસે સરીને કહ્યું : 'છોકરા, તારું નામ?'

અવિશ્વાસભરી રીતે, એ મારી સામે જોઈ રહ્યો. મેં તેનો હાથ હાથમાં લેતાં કહ્યું : 'છોકરા, તેં જલેબી ખાધી એ મેં જોઈ, દાળિયા ખાધા એ પણ મેં જોયું, પણ તારું નામ તો બોલ!'

પોતાની વાત કળાઈ ગઈ જાણીને તેણે લુચ્ચાઈમાં જરાક મોં મલકાવ્યું ને નીચું જોઈને બોલ્યો : 'મારું નામ ભીખુ, સા'બ!'

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.