એક પ્રસંગચિત્ર

17 Dec, 2016
12:00 AM

PC: irctc-co.in

(વાર્તાકારઃ ધૂમકેતુ)

સાધારણ રીતે થર્ડ ક્લાસના ડબ્બા પ્રજાની સાચી કસોટી આપે છે. એમાં હાલતાં ને ચાલતાં હકની વાત થાય : એમાં પોતાને જગ્યા ન મળે એટલામાં તો 'આપણને સ્વરાજ ક્યાંથી મળે?' એમ કહેનારા નીકળે. એમાં શરમાળ સુંદર સ્ત્રીઓ ને પ્રૌઢ સાસુઓ નીકળી આવે. એમાં અર્થશાસ્ત્ર વાંચતો વિદ્યાર્થી ને ગઝલેસાગર લલકારતો છેલબટાઉ નીકળે. એમાં ડાંગ, ધાબળો, બેગ, ટ્રંક ને ટેનીસનું રેકેટ - એવી વિચિત્ર વસ્તુઓ સાથે મળે. એમાં દોઢ પાઈમાં ખરજવું મટાડનારા ને અઢી ફદિયામાં વીંછી ઉતારનારા નીકળે. એમાં 'બલોયાં મટીને થયું બંગડિયું' એવી બલોયાબંગડી પર કરુણપ્રશસ્તિ કરનારા નીકળે. એમાં આંધળાં, લંગડાં, લૂલાં, દ્વારકાં જનારાં, દ્વારકાંથી પાછાં ફરનારાં, ગંભીર ગરવા વેપારી, લફંગા, દેશાભિમાની, દેશદ્રોહી, હિંદુને ધિક્કારનારા, મુસ્લિમને ધિક્કારનારા, લજપતરાયની વાત કરનારા, વિમાનની વાતો કરનારા, 'જરમર'ને વખાણનારા, હિંસાવાદી, અહિંસાવાદી, સમાનવાદી અને શ્રીમંતને ધિક્કારનારા સઘળા મળે. એમાં જાદુઈ ખેલ મળે. લગ્નની વાતો મળે. સાપ ઉતારનારા નીકળે. ગંજીફો કૂટનારા તો હોય જ. એક રીતે થર્ડ ક્લાસના ડબ્બા પ્રજાકીય પ્રવૃત્તિના પ્રદર્શન જેવા છે. અને અમારો ડબ્બો તો ખાસ એવો હતો. એમાં મુંબઈથી આવતાં ફૂલકુંવર શેઠાણી બેઠાં હતાં.

ફૂલકુંવર આ ત્રીજો વિવાહ કરવા જતાં હતાં એ ખોટું છે. તેમણે પોતાની દોઢ વર્ષથી માંડીને આજની સાડીસાડત્રીસ વર્ષની વુય સુધીમાં બરાબર દોઢેક ડઝન વિવાહમાં હાજરી આપી હતી. ફઈજીનો દીકરો, મામીજીની દકરી, ભત્રીજાનો ભાણેજ, ભાણિયાનો ભાણેજ, કાકાના દીકરાના કાકાજીનો દીકરો, ઈત્યાદિ ઘણા વિવાહ ગણાવી શકાય. પોતે દરેક વિવાહનું વર્ણન આપી શકતાં.

એટલે જ મેં કહ્યું કે તમે ફૂલકુંવર વિશે, આ ત્રીજા વિવાહમાં તે હાજરી આપવા જાય છે એવો ખોટો દોષ ન મૂકતા. મુંબઈથી આવતાં એવાં ફૂલકુંવર શેઠાણી અમારા ડબ્બામાં હતાં.

આવે પ્રસંગે ઘણી વખત બને છે તેમ આજે ફૂલકુંવર જરા હરખઘેલાં હતાં. તેમનો વાર્તાનો રસ એવો જામ્યો હતો કે તેમનો નાનો અઢી વર્ષનો છોકરો. 'બા, પાણી, બા, પાણી,' એમ બરાબર વિષ્ણુસહસ્ત્રનામાવલિની માફક જલનામાવલિ પઢ્યા પછી જ પાણી પામ્યો હતો. પણ નિયમરૂપે આવી ગાડીની મુસાફરીમાં ફૂલકુંવર એમ 'ઢેઢઢેઢાં'ના દેખતાં પાણી કાઢે જ નહિ, અને વાર્તાના રસમાં ધ્યાન ન રહ્યું એટલે જ નીકળ્યું હશે.

ફૂલકુંવરની સાથે જયા મળ્યાં હતાં. જયા તેમના વેવાઈ પક્ષનાં, અને 'વેવાણ તમે જરૂર આવજો હો' ત્યાંથી વાત શરૂ થયેલી. તે મેં જરા જરા સાંભળેલી તેથી જ ફૂલકુંવર વિશે કાંઈક કહી શકું.

વાત એવી હતી કે લગભગ સાઠ વર્ષના મયાચંદ શેઠ, 37 વર્ષના ફૂલકુંવર શેઠાણી, તેનો મોટો છોકરો નરોત્તમ. નાનો છોકરો કેશવલાલ, વગેરે આ આખું મંડળ મુંબઈથી લગ્નપ્રસંગ પર દેશમાં ઊપડ્યું હતું. રસ્તામાં જયા વેવાણ મળી ગયાં, ને બંને વેવાણો વચ્ચે વાતચીત થઈ ત્યારે જ ખબર પડી કે ફૂલકુંવર શેઠાણીને આ વિવાહ નવાઈના નથી. તેમણે આવા વીશ તો જોઈ નાખ્યા છે.

રિદ્ધિવાળી વાણિયણની માફક ફૂલકુંવર ડોકમાં, પગમાં, હાથમાં, કાનમાં ચારે તરફ રૂડી રીતે મઢાઈને બેઠાં હતાં.

એટલામાં ફૂલકુંવરની નજર કોઈ છાપું વાંચતું હશે તેના પર ગઈ. મોટો છોકરો નરોત્તમ ત્રીજી અંગ્રેજીમાં હતો. તે 'ટાઈમ્સ'ના છેલ્લા પાના પરની 'લીપ્ટન ટી'ની એવી જાહેરખબર વાંચતો હતો, ત્યાં ફૂલકુંવર શેઠામી બોલ્યાં :

'ગગા, તને આ છાપું વાંચતાં આવડે છે?'

ગગો પણ માને આંટી દે તેવો હતો.

'એવું ન આવડે? આખું વાંચી જવાય. આ જાહેરખબર છે.'

'શું ભણતર વધ્યાં છે, જ્યા !'

'અરે, વેવાણ, મારો ભાઈ, આ તમારા નરોત્તમ જેવડો હશે પણ અંગ્રેજી કડકડાટ બોલ્યે જાય છે.'

'હા, માડી, ભણતર બહુ વધ્યાં. આ અમારો નરોત્તમ ત્રીજીમાં પાસ પડ્યો.'

મૂછનો દોર ફૂટેલો નરોત્તમ માથા ઉપરની ટોપી હાથમાં લઈને ઊભોઊભો બાબરી સરકી કરતો હતો, તેને આ વાક્યથી પ્રોત્સાહન ચડ્યું હોય કે ગમે તેમ પણ તે વાંચવા લાગ્યો - જરા મોટેથી સંભાળવવા લાગ્યો.

'Invalid's Port' અને ઘડીએ-ઘડીએ તેની માની સામું જોવા લાગ્યો.

'કાંઈ તું સમજી?'

'ના.'

'બંદર ઉપરની જાહેરખબર છે. બંદર ઉપર માંદાં માણસો પડ્યાં છે.'

'હા, તે પડ્યાં હશે. શું પણ વેવાણ, હમણાં તો તડકા પડે છે !'

એટલામાં પેલા ગૃહસ્થે છાપું બંધ કર્યું ને મયાચંદ શેઠ ઝોકું આવવાથી તેમના ખોળામાં માથું ઝુકાવતા રહી ગયા. 'હવે ઘડીક વાર જાગો.' કહેતાં ને ફૂલકુંવર શેઠાણીએ મયાચંદને ખભો ઝાલીને હલાવ્યા.

'તમારે વેવાણ, આ કેટલામી સુવાવડ? ચોથી સુવાવડ?'

'ના રે, માડી. મારો તો ઉવેલ બહુ ખરાબ છે. હું અગિયારમે વર્ષે પરણી હતી. તે દી તો સાવ નાની હો. આ પેલી છોકરી જેવડી.' થોડે દૂર એક છોકરી બેઠી હતી તેને બતાવીને ફૂલકુંવર બોલ્યાં.

'એમ?'

'પછી તો સાસરે જાવું ગમે નહિ. મારી મા વળી મૂકવા આવે. પણ આને દેખું ને ભડકું.'

ફૂલકુંવર શેઠાણી મયાચંદ શેઠ સામે જોઈને હસ્યાં. પણ સાઠ વર્ષનો પુરુષ હજી નિંદ્રસ્થ હતો.

'પછી તો આણે મને કેટલાંય વાનાં કર્યાં. ઘરેણાં કરાવ્યાં - લૂગડાં -'

બંને સ્ત્રીઓ છાપામાંથી પેલા ગૃહસ્થે બહાર જોયું તે જોઈને હસી પડી.

'- ટ્રંકનાં ટ્રંક. પણ તે દિવસે હજી અણસમજુ તે મને કાંઈ ન ગમે. પછી તો સાસરે આવતીજાતી થઈ, પહેલી સુવાવડ-કસુવાવડ થઈ ગઈ. તે દિવસે હું તેર વરસની, અને મારો વેવાણ, ઉવેલ બહુ ટૂંકો. સવા વરસનો. એટલે મને પછી નાની-મોટી પંદર સુવાવડ થઈ ગઈ ! પણ ઈશ્વરની માયા, ને તમારા ગલઢેરાના પુણ્યે ત્રણ બચ્ચાં જીવ્યાં.'

'સારું, સારું, એ તો બધી ઈશ્વરની માયા છે. કહેવત છે ને કે દાણા હોય ત્યાં ખાનાર મળે નહિ ને ખાનાર હોય ત્યાં દાણા મળે નહિ. આપણું કાંઈ કામ આવતું નથી. આ મારે પાંચ વર્ષ થયાં. પરણ્યાં. ખોળો જ નથી ભરાતો. ને મારી જેઠાણીને ત્રણ છોકરાં થઈ ગયાં.'

છાપું વાંચનારા ગૃહસ્થ છાપું બંધ કરી બેઠાબેઠા સાંભળે છે તે જોઈને બંને સ્ત્રીઓએ પોતાની વાત બદલી.

'મુંબઈના ઘાટ બહુ સારા હો.'

'ત્યારે, અમારે મુંબઈમાં તો જોઈએ તેવા ઘાટ મળે, ને પાછા સસ્તા. આ ચેઈન સાડાચાર તોલાની છે.'

'સાડા છ'. મયાચંદ શેઠ ઊંઘતાં ઊંઘતાં આંક ઉઘાડ્યા વિના જ બોલ્યા. સાડા છ તોલાની ચેઈનને કલ્પનામાં પણ સાડાચાર તોલાની થઈ જતી તેમનાથી સહન થઈ શકી નહિ.

'તે હવે તમને ખબર ક્યાં છે? રાખો, રાખો, સાડાછની તો નરોત્તમની વહુને ચડાવી નહિ?'

ડોસો હાર્યા હતા એટલે હાર કબૂલ કરવા કરતાં પડખું જ કરી ગયા.

એટલામાં સ્ટેશન આવ્યું. બહારથી આવનારની મોટી ધમાલ થઈ રહી. ફૂલકુંવર શેઠાણી ઊલળી ઊલળીને બારણામાં ઊભાંઊભાં 'મુંબઈથી આવીએ છીએ, નથી તમારી પેઠે ટૂંકી મુસાફરી. બીજે જાઓ'ના પોકાર પાડવા લાગ્યા. પણ એક માણસ તો એમ છતાં પણ ચડી બેઠો.'

ગાડી ચાલી ને ફૂલકુંવર શેઠાણી નવી વાત ઉપાડે તે પહેલાં આવનારને ટ્રંક પાસે ઊભેલો જોઈને તેને ધમકાવવા માંડ્યો.

'કેવો છે? દેખતો નથી. ભાતું છે. કોળી જેવો લાગે છે.'

'ના ભાઈશા'બ ! કોળી નથી. મેઘવાળ છું !'

'અરરર ! - હાય, હાય ! મારો સોનાની વીંટી જેવો ગોળ ને અથાણું મુરબ્બો - હવે તમે શું સૂતા છો?' મયાચંદ શેઠ બોલવાની હિંમત નહોતા કરતા પણ હવે તે ગાજી ઊઠ્યા : 'કોણ છો?' સા-લ્લા-કોના ડબામાં આવ્યો છે?'

'અરે પણ ફિકર નહિ, શેઠસા'બ, હું સાથે છું નાં?' દૂર બેઠેલા એક વોરા ગૃહસ્થ બોલી ઊઠ્યા.

'ઊઠ ત્યાંથી, ઊઠ - '

પેલો મેઘવાળ ઊઠીને છેક પાયખાના પાસે ઊભો રહ્યો ને તેણે ત્યાં ઊભાંઊભાં 'અમેય ભાઈ'શાબ માણસ છીએ નાં? મનખો તો સૌ સરખો નાં?' એમ પોતાની ફિલસૂફી શરૂ કરી. પણ થાક્યાપાક્યા મયાચંદ શેઠે 'લે હવે રાખરાખ, વાણિયાબ્રાહ્મણ ભેગાં બેસતાં, અને એની સામે બોલતાં જરાક સંભાળ' એમ કહીને નિરાંતે ફરી વાર પડખું ફેરવ્યું. ત્યાં 'લ્યો હવે તમે આવો છો ? - પછી આગળનાં સ્ટેશન ઉપર કોણ જાણે કેવાં માણસ આવશે, તે કટકબટક જે ભાવે તે ખાઈ લઈએ.' એમ બોલીને ફૂલકુંવર શેઠાણી મેઘવાળને દૂર ગયેલો જોઈને ભાતું છોડવાનો વિચાર કરવા લાગ્યાં. પણ છેવટે એ વિચાર માંડી વાળ્યો. મેઘવાળ અડ્યો એ પાટિયાં તો બધાં એક જ નાં?

એટલામાં તો સ્ટેશન આવ્યું ને નરોત્તમે બહાર ડોકું કાઢ્યું.

'કાં મયાચંદશેઠ ! શું કરો છો? કંઈ ખાશોપીશો કે ઊંઘ જ લેવી છે? ક્યાં ગયાં અમારાં વેવાણ?' કરતા બીજા બે-ત્રણ જણા દેખાયા. એક જણ પાન ચાવતો હતો. બીજાના હાથમાં ચાનો કપ હતો અને ત્રીજાએ હાથમાં રકેબી લીધી હતી.

'આને પણ મજા છે હોં, પારકે બૈરે સેકંડ ક્લાસ, ને વળી ઊનુંઊનું ખાવાનું મળે તે જુદું.' મયાચંદ શેઠ બેઠા થઈ ગયાને બોલ્યા : 'ક્યાં જમ્યા?'

'ડબ્બામાં જ, મારા જ પાસે ભાણું મંગાવ્યું.'

'લે' નરોત્તમ બોલ્યો.

'લે શું ગગા, સગપણ કરવા નીકળ્યા છે કે વાતો?'

'પણ એવડાને કોણ આપશે?' શેઠાણીએ ટોણો માર્યો.

'હવે તમે જોઈ રહેજો. આજથી પંદરમે દિવસે જાન જોડવી છે. હજી એવડા તે કેવડા થયા છે?'

'પંચાવનની આસપાસ છે. વધુ તો નથી. જૂના જમાનાનું માણસ છે. સિત્તેર વર્ષ સુધી જાય તેમ નથી. પણ છોકરીનો ભવ સુધરી જાય નાં? - એને માગવા જવું પડે તેમ છે?' શેઠ બોલ્યા.

ગાડીએ સિસોટી મારી ને ત્રણ જણા રકાબી-પ્યાલા નીચે મૂકી તેમાં જ પૈસા નાખીને દોડ્યા.

પાછો નરોત્તમ બોલ્યો : 'આ ત્રણે જણા મજો કરે છે હોં. પારકે પૈસે લહેર ઉડાવે છે.'

'ગગા ! દલાલીનાં કામ તો એવાં જ નાં? એમાં પણ આ તો નેમચંદ શેઠ જેવું ઘર - છોકરીનાં ભાગ્ય.'

'પણ મોઢામાં દાંત નથી ને?' શેઠાણી બોલ્યાં.

'અરે, હવે તો જુવાનિયા પણ દાંત પડાવી નાખે છે. દાંત ન હોય તો જુવાન ન કહેવાય એવું હવે નથી રહ્યું.'

'અમારા માસ્તરે હમણાં નવા લીધા, નહિતર એ તો બત્રીસ વર્ષના છે.'

'શું હવે તો હુન્નર વધ્યા છે, જયા !' શેઠાણી પોતાની મૂળ કથા ઉપર આવ્યાં.

'ભાઈસા'બ, મારે બીજે સ્ટેશને ઊતરવું છે. તમે તમારું ભાતું સંભાળજો હોં.' પેલો મેઘવાળ બોલ્યો.

'હવે એ તો સંભાળ્યાં જ છે', શેઠે જવાબ વાળ્યો.

'લ્યો, રાખો, રાખો, ભાતું અભડાવશો તો પછી ખાશો શું?'

'અને આમ નહિ અભડાય?'

એટલામાં વળી 'કળજુગ નહિ કરજુગ હે' કરતો એક ભિખારી ડબ્બામાં આવ્યો, એણે લાંબે રાગડે ગાવાનું શરૂ કર્યું :

પાંચમની જોવાય વીજળી, અખાતરીનો જોવાય વા.

શિરામણી મલકમાં ટળી ગઈ વધી ગયો ચા.

બલોયાં મટીને મલકમાં થ્યું બંગડીયું. નકલું ગયું વધી,

બાપનું કહ્યું દીકરો ન કરે, આવી છે વીસમી સદી

સુખિયાં હોય તે સુખને ચાખે, અમારે રાંકને રાબ ને રેડું.

પૃથ્વી કોણે જન્મી, કોણ લઈ આવ્યું એનું બી,

ચાંદો ને નો'તો સૂરજ ત્યારે. ક્યાં ઊગતો'તો દી.

એ કહો, આવડતો હોય તો જવાબ દીઓ,

સાયર રૂપી આ છે સમુદર પિવાય તે પી.

શેઠાણી ફૂલકુંવરે મોટા લટકા સાથે અરધું ફદિયું તેના હાથમાં મૂક્યું. 'સારું ગાય છે હો, સાચું કહે છે વેવાણ ! જમાનો તો બહુ બદલાયો.'

'એણે શું કોઈ દિવસ ટાઢતડકો વેઠ્યાં છે? આ તો દેશને ખાતર સહન કરે છે.' છેક દૂરના ખૂણામાં મોટેથી બોલાયેલા શબ્દોએ બંને બૈરાંનું ધ્યાન ખેંચ્યું. નરોત્તમ આંખો ખેંચીને દૂરથી છાપાનું છેલ્લું પાનું વાંચવા લાગ્યો. 'સમજી? કોણ પકડાયું?'

'ના.'

'જવાહરલાલ નહેરુ'

'આ મારા પીટ્યા છાપાવાળા, પણ આવા જ સમાચાર આપ્યા કરે છે, કામધંધા વિનાના.'

'પણ ન છાપે તો એકનું નાક જાય.'

નરોત્તમે પોતાના ત્રણ ઇંગ્લિશના જ્ઞાનના આધારે સમજણ પાડી.

એટલામાં પાછું મયાચંદને કોણ જાણે શું શૂરાતન ચડ્યું તે વળી, 'નરોત્તમની વહુને સાડાચારની ચેઈન ચડાવી છે. હોં', કરતાંકને બેઠા થયા.

શ્રી નરોત્તમની હાજરીમાં જ તકરાર શરૂ થઈ. દરેકેદરેક ઘરેણું સંભારીને તારવણી કાઢી, પણ અંતે સાડાચાર કે સાડાછ એ નક્કી થઈ શક્યું નહિ.

થોડી વારમાં સ્ટેશન આવ્યું ને ત્યાં પેલો ઢેઢ ઊતરવાનો હતો. એટલે ફૂલકુંવર શેઠાણી સંભાળીને ભાતું દૂર મૂકવામાં રોકાયાં, તેટલામાં એમને ધક્કો મારીને બીજા બે-ચાર જણાં અંદર ઘૂસી આવ્યાં.

પણ ઢેઢના જવાથી ફૂલકુંવર શેઠાણી કાંઈક પ્રસન્નચિત્ત હતાં. છેવટે ભાતું. બરાબર પલાંઠી વાળીને ખાવાનો જોગ આવશે એટલે કાંઈ બોલ્યાં નહિ. ભાતું છોડીને મા-દીકરો ને જયા વેવાણ ખાવા બેઠાં. મયાચંદ પણ વખતે બટકું-બટકું લેતા હતા. ખાતાં ખાતાં નરોત્તમના વિવાહ વખતે શી તૈયારી કરવી તેની ભવિષ્યગાથા થઈ રહી હતી. એટલામાં કમબખ્ત પેપરવાળો 'અમુક જગ્યાએ ગોળીબાર !' કરતો નીકળ્યો.

'અરરર ! શું માડી માણસ મરે છે ? હવે વેવાણ, સૌ સૌનાં નસીબનું ખાતા હોય તો શું થાય? પણ માડી, માણસના લોભને કાંઈ થોભ છે? આ વળી સવરાજવાળા રાજ લેવા નીકળ્યા છે!'

'અરે માડી.' કહીને વેવાણે પૂરી ઉઠાવી.

'પૂરી આકરી થઈ છે.' નરોત્તમ ચાવતાં-ચાવતાં બોલ્યો.

'તે તારી વહુને કહેજે, કૂંણી કરી દે. ડાહ્યલો.'

બીજું સ્ટેશન આવતાં સુધીમાં ભાતું તો ખવાઈ રહ્યું, પણ કાગળના ડૂચા, પૂરીનાં બટકાં, ચવેણું, અથાણાનો રસો એ સઘળી ચીજો નીચે વેરાવાથી એક પ્રકારનું પ્રદર્શન થઈ રહ્યું હતું. એમાં પાછું સંડાસનું બારણું સામે હોવાથી, જ્યારેજ્યારે એ ઊઘડતું ત્યારે ધીમી મીઠી સુગંધ આવી જતી હતી.

બીજું સ્ટેશન આવતાં જયા વેવાણ ઊતરવા માટે તૈયાર થઈ રહ્યાં હતાં. અને ફૂલકુંવર શેઠાણી, રિવાજ મુજબ, 'અમે મુંબઈથી આવીએ છીએ' વગેરે કહેવા માટે તૈયાર થઈ રહ્યાં હતાં. પણ એટલામાં 'એ વેવાણ ! એવા લાંબા અવાજે એમનું ધ્યાન ખેંચ્યું. બારણું ઉઘાડીને એક આધેડ વયની કાંઈક રૂપાળી વિધવા બાઈ ને તેની છોકરી બે જણાં દાખલ થયાં. છોકરીએ ડબ્બામાં પેસતાં પહેલાં ઓઢણીથી લાજ કાઢી, પણ કપડું પાતળું હોવાથી તેની તેજસ્વી આંખો ને રસિક ચહેરો દેખાતાં હતાં.

મયાચંદ શેઠ સાસરા કે સાસરા પક્ષના હશે માટે છોકરીએ લાજ કાઢી છે. એમ માનીને બીજા વિષયમાં તલ્લીન થવા, ગાલ્સવર્ધીનું 'સ્વાનસોંગ' કાઢ્યું ત્યાં ફૂલકુંવર શેઠાણી બોલ્યાં :'

'વેવાણ ! આ તમારા જમાઈ, જુઓ, કેવડા મોટા થઈ ગયા છે?'

એટલું બોલીને ફૂલકુંવરે છોકરીની લાજમાં મોં નાખ્યું :

'કેમ બોલતાં નથી? ચંપા, કાંઈ ખાવું છે?'

છોકરી રૂપાળી તો હતી જ. પણ ચતુર ને વ્યવસ્થિત પણ લાગી. એની બેસવાની ઢબ પણ એવી આકર્ષ હતી. નાની હોવા છતાં એનામાં સુઘડતાભરેલું ડહાપણ દેખાઈ આવતું હતું.

જયા વેવાણે ધીમેથી એના માથા પર વહાલભર્યો હાથ મૂક્યો ને ગાડીની સિસોટી વાગવાથી તે એકદમ નીચે ઊતરી ગયાં. ફૂલકુંવર શેઠાણીને તો એક વેવાણ ગયાં ને બીજા આવ્યાં એટલે નવાજૂની સાંભળવાની તાલાવેલી થઈ રહી હતી. છોકરીને દુખણાં લઈ પોતાની પાસે બેસાડી વળી પૂછ્યું : 'ચંપા, કાંઈ ખાશો?' ચંપાએ માથું ધુણાવીને ના પાડી. એટલામાં નરોત્તમને કોણ જાણે શો સોલો ચડ્યો તે અંગ્રેજી પેપર મોટેથી વાંચવા લાગ્યો!

'વેવાણ શું ભણતર વધ્યાં છે !' ફૂલકુંવર શેઠાણીએ નવાં વેવાણ સાથે વાત શરૂ કરી.

વેવાણે 'હા પાડી' એટલો જ જવાબ વાળ્યો, પણ સમજતી હોય તેથી કે ગમે તેમ નીચાં નેણ ઢાળીને ચંપા પોતાનું હાસ્ય દબાવી રહી હતી. નરોત્તમના શબ્દેશબ્દે એને હસવું આવતું હતું. જેમ ચહેરામાં તેમ શરીરમાં પણ બંને વચ્ચે ખૂબ અસમાનતા હતી - એકદમ દેખાઈ આવે એટલી. છોકરો પાતળો, કદરૂપો, કાંઈક કાળો ને ચોવટિયા જેવો હતો. ચંપા શરીરે સુઘટ્ટ, ગોરી ને ગંભીર હતી. નરોત્તમ કરતાં એનું શરીર દોઢું તો હશે જ.

'ચંપા ! તમે તો અંગ્રેજી સમજતાં હશો?'

ચંપા બોલી : બહુ ધીમેથી : પણ એના શબ્દો સ્પષ્ટ સંભળાયા : 'થોડું થોડું સમજાય.'

એટલામાં નરોત્તમ વાંચતો બંધ થઈ ગયો અને ફૂલકુંવર શેઠાણીએ મયાચંદને ને નરોત્તમને બંનેને કહ્યું :' 'તમે આમ બેસો, ચંપા શરમાય છે !' મયાચંદ શેઠ આરામસ્થળ છોડીને બીજી બાજુ બેઠા.

થોડી વાર પછી જ્યારે સૌને ઊતરવાનું આવ્યું ત્યારે પાછી ધમાલ મચી. મયાચંદ શેઠ નીચે ઊતરી ગયા હતા. ને નરોત્તમ તથા ફૂલકુંવર સામાન આપતાં હતાં. ચંપાની મા પણ પોટલું બગલમાં મારી એક તરફ ઊભી રહી હતી.

સામાન લેતાંલેતાં નરોત્તમે ચંપા તરફ ત્રણ વખત જોયું. પણ ચંપાએ ત્રણે વખત નીચાં નેણ ઢાળી નાખ્યાં. ન કળી શકાય એવી છાની ઉદાસીનતા છોકરીના ચહેરા પર પથરાઈ ગઈ હતી. અંતે સામાન થઈ રહ્યો. ફૂલકુંવર ને ચંપા સાથે ચાલ્યાં.

નરોત્તમ પાછળ ચાલ્યો. તેણે જાણી જાણીને ચંપા સાથે થવા માટે સાંકડા માર્ગમાંથી રસ્તો કર્યો પણ ચંપા એક તરફ ઊભી રહી. આ વખતે એણે નરોત્મ સામે જરાક દૃષ્ટિ માંડી, એ દૃષ્ટિમાં ઉદાસીનતા, ઉપેક્ષા ને ક્રોધ ત્રણે હતાં.

સામેનું ખાનું ખાલી થયું એ જોઈ મેં નિરાંતે લંબાવ્યું. પણ વિચાર તો એ જ આવતા હતા : 'આ છોકરો પૈસાને બળે આવી સુંદર છોકરી તો મેળવશે. કદાચ એને ઢીંગલીની પેઠે શણગારશે પણ.... એ આખી પ્રજા કેટલી ગરીબ બનશે? આ છોકરો આવી સુંદર વહુ છતાં પોતાની પાછળ કેવી કઢંગી પ્રજૂ મૂકી જાશે? કલ્પનાહીન ને રસહીન પરદેશી વસ્તુઓની એજન્સી જ લઈ શકે તેવી' - વિચારમાળા તો આગળ વધત પણ એટલામાં 'એ મે'રબાન કોઈ બેસવા દેતું નથી ને હમણાં ગાડી ઉપડશે' કહેતોકને એક મેઘવાળ દાખલ થયો.

એને જરા નિરાંતે બેસારી કાંઈક વાત કરવા પ્રયત્ન કરું છું. એટલામાં પ્લેટફૉર્મ પર 'એય છોરા ખસી જા' એવો પોલીસનો હુકમ આવ્યો ને તેની પાછળ જ ધબ કરતો અવાજ સંભળાયો. ઊભા થઈને જોતાં, નરોત્તમને જમીન પરથી ઊઠીને કપડાં ખંખેરતો દીઠો. પરાણે રોકી રાખેલું ચંપાનું હાસ્ય એની આંખમાં જોયું ન જોયું ત્યાં તો સિસોટી મારતી ટ્રેન ઊપડી.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.