સાપવાળા સાહેબ

05 Nov, 2016
12:00 AM

PC: onehdwallpaper.com

(વાર્તાકારઃ ઈશ્વર પેટલીકર)

 

મારી મેજિસ્ટ્રેટ તરીકે નિમણૂંક થઈ ત્યારે પ્રથમ ધ્રાસકો પડ્યો મકાન મેળવવાનો, અહીં વકીલાત કરવા આવ્યો ત્યારે મકાન મેળવતાં જે વીતેલું તે તાદૃશ થયું. જો બીજો કોઈ કમાણીનો રસ્તો હોત તો મકાનના ત્રાસથી મેં તે વખતે જ વકીલાત છોડી દીધી હોત. પરંતુ કરમ એવું કઠણ હતું કે વકીલાત કરવા પાંચેક વર્ષ પગ તો પછાડ્યા, પણ જેમ દમયંતીને વરદાન હતું તેથી એના હાથમાં આવતાં જ મરેલું માછલું જીવતું થઈ જતું હતું. તેમ મારા હાથમાં કેસ આવતા તે જીવતો-જિતાય એવો હોય છતાં મરેલો જ બની જતો! પરિણામે, મરનારી ઘો થાય ત્યારે વાઘરીવાડે જાય. તેમ હારનારો થયો હોય તે મને વકીલ તરીકે રોકે, એવી કહેવત પડી ગઈ. એ કહેવત મારા વકીલમિત્રોએ પાડેલી, ગુમાસ્તાઓએ વહેતી કરેલી કે મારી પાસેથી હારીને ગયેલા અસીલોએ ઉપજાવેલી, તેની આજ સુધી મને ખબર નથી. પરંતુ જેણે એ શોધ કરી હોય તેમાં વિરોધ કરવા જેવું નહોતું. એટલે મેં ખોટું લગાડ્યા વગર વકીલાત છોડી દેવાનો નિર્ણય કર્યો. સંસારનો બળ્યોઝળ્યો જેં સંન્યાસી થાય, તેમ વકીલાતમાં હારેલો મેજિસ્ટ્રેટ થાય છે, એ વ્યવહારમાર્ગ પ્રમાણે મેં મારી વકીલાતના પાંચ વર્ષના અનુભવને આગળ કરી મેજિસ્ટ્રેટની ઉમેદવારી નોંધાવી. હું પસંદ થયો અને મારી યેવલામાં નિમણૂંક થઈ.

યેવલા જેવું દૂરનું સ્થળ. મહારાષ્ટ્ર પ્રાંતનો નવો અનુભવ, ત્યાં મકાનની શી સ્થિતિ હશે તે હુકમ વાંચતાં પ્રથમ વિચાર આવ્યો. સાથે આશ્વાસન મેળવ્યું કે યેવલામાં ગુજરાતીઓની મોટી વસ્તી છે. ઘણાં કુટુંબો તો પેઢીઓથી ત્યાં વસતાં હોઈ મહારાષ્ટ્રીયન થઈ ગયાં છે, એટલે એવા બહોળા ગુજરાતી વસવાટવાળા સ્થળે મકાન મળી તો રહેશે માની હું બિસ્તરો લઈને મુસાફરીએ નીકળતો હોઉં તેમ ઊપડ્યો. ઘર મળતાં કુટુંબ-સરસામાન લઈ જવાની ગણતરી હતી. પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું થયું. મેં માનેલું કે હું જે જગાએ જાઉં છું તે ભાઈ જ્યાં રહેતા હશે તે મકાન ખાલી પડતાં એ જ મેળવવા પ્રયત્ન કરીશ, પરંતુ ત્યાંથી કોઈની બદલી થઈ ન હતી. કામ વધતાં એક જગા વધારવામાં આવી હતી અને મારી નિમણૂક નવી થઈ હતી.

મકાનની મુશ્કેલી પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી સરખી હોય તેમ યેવલામાં વિશેષ દેખાઈ. ગુજરાત એટલે પૈસાદાર-મહારાષ્ટ્ર એટલે ગરીબ એમ સામાન્ય છાપ હોય છે. એટલે મેં માનેલું કે સારું ભાડું ખર્ચતાં મકાન મેળવવામાં મુશ્કેલી નહિ આવે, પરંતુ ગુજરાતી મિત્રમંડળના મંત્રી મનહરભાઈએ ત્યાંની પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો ત્યારે ખબર પડી કે ગુજરાત કમાવવામાં આગળ છે, ખર્ચવામાં મહારાષ્ટ્ર આગળ છે. પરિણામે સામાન્ય જનનું જીવનધોરણ મહારાષ્ટ્રમાં ઊતરતું નથી કે સારા મકાન માટે ભાડું ખર્ચી ન શકે.

છેવટે મનહરભાઈએ કહ્યું : 'મકાન તો એક સરસ છે. યેવલામાં એ હવેલીના નામે ઓળખાય છે. નવાં નવાં મોટા મકાન હમણાં થયાં, પરંતુ અસલી મોટું મકાન તો એ હવેલી છે, આખી પથ્થરની ચણેલી છે...'

મેં વચ્ચે પૂછ્યું : 'એમાંથી થોડો ભાગ મળે એવો હોય તો ઘણું સારું.'

મનહરભાઈ : 'થોડો શું, આખી હવેલી ખાલી છે, પણ...'

જાણે એમનો કહેવાનો ભાવાર્થ ભાડું વધારે પડે તેમ ન હોય માની મેં કહ્યું : 'કેટલું ભાડું કહે છે?'

'ભાડાનો તો સવાલ નથી, કોઈ રહેવા તૈયાર હોય તો શેઠ વગર ભાડે આપે એવો છે...'

'ત્યારે વાંધો ક્યાં છે?'

'એમાં કાયમ સાપ રહે છે એટલે શેઠે પોતે ખાલી કરેલું...'

'કાયમ સાપ રહે છે તેનું કારણ?'

'એની તો એક આખી જૂની કથા છે.'

'શી?'

મનહરભાઈએ ચાલી આવતી દંતકથા કહી.

ગાંધીયુગ પહેલાંના યુગને આપણે અંગ્રેજીયુગ કહીએ તો એ યુગની શરૂઆતમાં જ્યારે જૂના યુગના સંસ્કાર પ્રજા ઉપર હતા અને નવા યુગ પ્રત્યે શંકાશીલતા હતી, તે કાળમાં યેવલાના ખાઈ-પી પરવારેલા ગંગાધર બ્રાહ્મણને કાશીએ જાત્રા કરવાનો વિચાર આવ્યો. પોતાની નજર તળે જ સંસાર ઉજ્જડ થઈ ગયો હતો. જીવનમાંથી આશા ચાલી ગઈ હતી. પૈસામાં જ જો સુખ હોત તો સામાન્ય બ્રાહ્મણના નિર્વાહના પ્રમાણમાં તેની કને ઠીક પૈસો હતો. છેવટે કાયાનું કલ્યાણ કરવા કાશીએ જાત્રા કરવાનું નક્કી કર્યું. વાટખર્ચી જેટલું પાસે નાણું લીધું. બાકીનું નાણું એક બરણી ભરી ઉપર રેતીનું મોઢિયું કરી, પોતાની ગેરહાજરીમાં ઘરમાંથી કોઈ ચોરી ન જાય તે માટે મુરલીધર શેઠને ત્યાં થાપણ તરીકે મૂકવા ગયો.

તે જમાનામાં આવી રીતે જાત્રાએ જનાર બીજાને ત્યાં થાપણ તરીકે પૈસા-ઘરેણાંગાંઠા મૂકી આવતા. થાપણ મૂકનારને એટલો વિશ્વાસ કે એનું કંઈ લખાણ થતું નહિ અને થાપણ સંગ્રહનારને એવો સામો વિશ્વાસ કે ઓછું હશે ને વધારે બોલશે એમ નહિ, એટલે થાપણમાં શું છે તે જાણવાની દરકાર કરે નહિ. થાપણ સંગ્રહનાર પોતાના ઘરમાં જ્યાં બતાવે ત્યાં થાપણ મૂકનાર પોતાના હાથે વસ્તુ મૂકે અને એ આવે ત્યારે તે જ જગ્યાએથી પોતાના હાથે લઈ લે, ગમે તેટલો વખત થાય પણ બીજું અડક્યું પણ ન હોય અને 'મારું ઓછું થયું' એવી મૂકનારે બૂમ પાડી હોય તેવો પ્રસંગ પણ ન બને!

મુરલીધર ગામના મોટા શરાફ ગણાય એટલું જ નહિ, આજુબાજુના પ્રદેશમાં એમના જેવો મોટો શરાફ કોઈ નહિ. એમના ભોંયરામાં ધનનો ભંડાર ભર્યો રહે એમ કહેવાતું. એ ભંડારને ગંગાધરે થાપણ મૂકવા ગયો ત્યારે નજરોનજર પણ જોયો. શેઠે કહ્યું કે તું તારી જાતે ભંડારમાં તને ફાવે ત્યાં બરણી મૂકી આવ. ગંગાધરે જીવનમાં પહેલી વખત આટલો બધો પૈસો જોયો. જુદા જુદા દરેક સિક્કાના ભંડારમાં ઢગલા કરેલા. જેમ ખેડૂત અનાજના જુદા જુદા ઢગલા કરે તેમ ચાંદીનાં નાણાંના ઢગલા તો હજુ ગંગાધર કલ્પી શકતો હતો, પરંતુ સોનાનાં નાણાં-ગિનીઓના પણ અંદર ઢગલા પડ્યા હતા.

એ પછી ગંગાધર જાત્રાએ ગયો. છ-આઠ મહિને આવવાની એની ગણતરી હતી. પરંતુ જેમ-જેમ એ તીર્થોની જાત્રા કરતો ગયો તેમ તેમ દેહનું વધુ ને વધુ કલ્યાણ કરવાની એની ભૂખ ઊઘડતી ગઈ. જન્મે બ્રાહ્મણ હતો એટલે વાટખર્ચીની ચિંતા કરવા જેવું ન હતું. લોકો પાસેથી એ જાત્રાળુ બ્રાહ્મણ તરીકે દાન સ્વીકારી શકતો. એમ ઠેઠ હિમાલયનો પ્રવાસ કરી આવ્યો. બે વરસ સુધી એ આવ્યો નહિ એટલે ગામલોકોએ માન્યું કે મરી ગયો હશે. એની વાટ જોનાર પણ કોઈ ન હતું, એટલે ચિંતાનું કારણ કોઈને ન હતું. પરંતુ અંદરોઅંદર લોકો વાતો કરતા હતા કે એ થાપણનું શેઠે હવે દાન કરી નાખવું જોઈએ. લોકોને આટલી બધી ચટપટી કેમ હતી એનું કારણ ન હતું. નવરા બેઠા લોકોને ફક્ત આવો કોઈ વિષય મળી રહે એટલે જીવન ખુટાડવામાં એ કામ આવતો. બાકી દાન કરી દીધા પછી ગંગાધર આવે તો એ વાતો કરવામાંથી કયો થાપણની મિલકત પાછી આપવાની બાંહેધરી લેવા તૈયાર હતો, એમ જો તે વખતે પૂછવામાં આવ્યું હોત તો કોઈ તૈયાર ન થાત.

હવે શું ધૂળ આવવાનો છે, એમ માની કોઈએ કદાચ ખોટી હિંમત કરી હોત તો બરાબર અઢી વરસ અને એક માસેએ આવ્યો ત્યારે થાપણનો જવાબ દેવો ભારે થઈ પડત ! પરંતુ એવી કોઈએ જવાબદારી નહોતી લીધી, છતાં શેઠને જ જવાબ આપવો ભારે થઈ પડ્યો. ગંગાધરે આવીને શેઠના ભંડારમાં જોયું તો પોતે જ્યાં બરણી મૂકી હતી ત્યાં જ હતી, રેતીથી મોં પણ એ જ રીતે ઢંકાયેલું હતું. એ જાતે જેમ બરણી મૂકી ગયો હતો તેમ ઉપાડી ગયો, પરંતુ ઘરમાં લઈ જઈ એણે જેવી એ ઊંધી વાળી તે સાથે એ ડઘાઈ ગયો. બધી રેતી હતી, અંદર પોતે મૂકેલાં નાણાંનો એક પણ સિક્કો ન હતો!

બેબાકળા બની જઈને એણે પડોશીને બૂમ પાડી. તમાશાને તેડું કંઈ જોઈએ? એક કહેતાં એક્યાશી પડોશીઓ થતા આવ્યા. બધાંને બરણી બતાવી. ઓરડા વચ્ચે ખાલી રેતીની ઢગલી થઈ હતી તે ફેંદીને બતાવતાં કહેવા લાગ્યો : "જુઓ, આમાં એક પણ સિક્કો સમ ખાવાનો છે?"

કોઈ બોલ્યું : 'દગો થયો છે જરૂર!'

એ વાતને બીજે, ત્રીજે, ચોથે એમ ટેકો આપ્યો. બધાના દેખતાં ગંગાધરે બરણીમાં રેતી ભરી દીધી અને એને ઉપાડી. એ મુરલીધરને ત્યાં ગયો. ટોળું તમાશો જોવાનું ચૂકે? સરઘસની માફક એ પણ ચાલ્યું એની પાછળ પાછળ.

શેઠે કહ્યું : 'તારી બરણીમાં શું હતું તે મેં ઓછું જોયું છે?'

ગંગાધર : 'ત્યારે શું હું એવો લુચ્ચો છું કે રેતી ભરીને તમારે ગળે પડું?'

આમ તો ગામમાં બંનેની શાખ હતી. શેઠ મોટા શરાફ હતા અને એમને ત્યાં આવી થાપણ આ પ્રથમ ન હતી, ઘણા લોકો અગાઉ મૂકી ગયાં હતાં. લઈ ગયાં હતાં, કોઈની બૂમ ન હતી. ગંગાધર પણ ભલો ગણાતો. કોઈનું હરામનું ખાવાની દાનત એની ન હતી. આમાં કોણ ખોટું ને કોણ સાચું, એનો નિર્ણય કરવો કઠણ હતો.

ઘણી રકઝક ચાલી પણ કોઈ પક્ષે નમતું ન મૂક્યું. બ્રાહ્મણ છેવટ જીવ ઉપર આવ્યો. એણે કહ્યું : 'મારી થાપણનો સીધો જવાબ નહિ આપો તો હું તમારે બારણે મરીશ.'

આટલા ટોળામાં કોઈ ડાહ્યું તો હોય ને? એણે શેઠને કહ્યું : 'તમે મોટા માણસ છો, પણ પૈસાનો હિસાબ નથી, સાચું-ખોટું તો ભગવાન જાણે છે, પણ તમારા જેવા સજ્જનને બારણે એક 'બ્રાહ્મણ આંતરડી કકળાવે તે સારું ન કહેવાય. ભગવાન તમને તો આપે છે અને આપી રહેશે, બ્રાહ્મણનો નિઃસાસો ન લો.''

શેઠ : 'આમાં રકમનો સવાલ નથી, આબરૂનો સવાલ છે. હું એ રીતે એના ત્રાગાને તાબે થાઉં એટલે એની થાપણ મેં ઓળવી હતી તેમ સાબિત થાય. અને એમ આબરૂ ઉપર માંખ ચાંદું પડે તો પછી ગમે તેટલી લક્ષ્મી હોય તેનો અર્થ પણ શો? એમ હોય તો, આજે નહિ પણ બીજે વખતે એના કરતાં બમણું દાન આપવા હું તૈયાર છું.'

ગંગાધર બોલ્યો : 'મારે એવું બમણું દાન નથી જોઈતું, મારી થાપણ આપો એટલે જ બસ. તમારે આબરૂ વહાલી છે ત્યારે મારે નાકની જગાએ ગળું નથી કે હું નાક જવા દઉં. દાન લઉં એનો અર્થ જ હું ખોટો ગળે પડતો હતો એમ થાય કે બીજું?'

છેવટે આ વાત પૈસાની ના રહી, પણ આબરૂની બની ગઈ. આબરૂ તો ગરીબ અને પૈસાદારની સરખી જ ગણાય. કોને એ જતી કરવાનું કહેવાય? છેવટે, બ્રાહ્મણ ખાલી બોલે છે, કંઈ એમ માથું વધેરવાનું રજપૂતી કામ ઓછું એનાથી બનવાનું છે? એમ માની એ વાતાને ત્રાગું માનતા હતા ત્યાં પ્રત્યક્ષ બ્રાહ્મણે શેઠના ઊમરા ઉપર જોરથી પોતાનું માથું પછાડી એને નાળીયેરની માફક વધેરી નાખ્યું! બધાંના અંતરમાં અરોરાટી છૂટી ગઈ અને એ બનાવથી શેઠ એકલા જ નહિ, પણ આખું ગામ કંપી ઊઠ્યું. જાત્રાએ જઈને આવેલા બ્રાહ્મણે આમ આત્મહત્યા કરી એનું શું પરિણામ આવશે એ કલ્પતાં જ સૌ ધ્રૂજી ઊઠતું હતું.

શેઠના પસ્તાવાનો પાર ન રહ્યો. બ્રાહ્મણે દેહ હોડમાં મૂક્યો એટલે એમને વસી ગયું કે જરૂર એની થાપણ અંગે કંઈક ગરબડ થયેલી. પોતે ઓછા ભંડારમાં જોવા બેસી રહ્યા હતા, કે મુનીમે કે કોઈએ ગોટાળો ન કર્યો? બે વરસ થયાં છતાં એ નહોતો આવ્યો એટલે લોકો જે વાતો કરતા, તે એમને કાને પણ આવેલી એટલે તે યાદ આવી. હવે એ નહિ આવે માની કદાચ મુનીમે કે બીજાએ એ થાપણ લઈને અંદર રેતી ભરી હોય તો પણ શું કહેવાય? પરંતુ એ બધું રાંડ્યા પછીનું ડહાપણ હતું. મુનીમ કે બીજાઓને ધમકાવી પૂછવાથી માને એવી સ્થિતિ રહી ન હતી, એમને છૂટા કરવાથી કંઈ બન્યું તે ન બન્યું થવાનું ન હતું. પોતાની જ ચોમેર શી શી વાતો થતી હશે તે કલ્પના કરતાં શેઠની બેચેનીનો પાર ન રહ્યો. કોઈ મેજિસ્ટ્રેટે ચુકાદો નહોતો આપ્યો છતાં સૌ કોઈને વસી ગયું કે બ્રાહ્મણ સાચો અને શેઠ જૂઠા! એ રીતે લોકોની જીભની કરવતીઓ શેઠને વહેરી રહી.

છ મહિના પછી પ્લેગ ચાલુ થયો, તેમાં મોટે ભાગે દરેક ઘરને ઓછાવત્તા ભોગ બનવું પડ્યું હતું. પરંતુ મુરલીધર શેઠની તો લીલીવાડી સાવ ઉજ્જડ થઈ ગઈ. ત્રણ દીકરા અને બે પૌત્ર આમ પાંચ જણ એ પ્લેગમાં સફાચટ થઈ ગયાં, વંશના વેલાની ડૂંખ જ કુદરતે મરડી નાખી, વેલાને વધવાની શક્યતા જ ન રહી. લોકોને વસી ગયું કે, બ્રહ્મહત્યાનું પાપ ફરી વળ્યું, શેઠને પણ વસી ગયું હતું એટલે એમના આત્માને પણ શાંતિ ન હતી. એના પ્રાયશ્ચિત તરીકે એ દરરોજ ગરીબ ગુરબાને અન્નવસ્ત્રનું દાન કરતા હતા. પરંતુ પાપનું ગૂમડું વધુ પાકતું જતું હોય તેમ ધનભંડાર ઉપર સાપ આવીને બેઠો, કોઈની અંદર જઈને ધન લઈ આવવાની તાકાત ન રહી. સાપ એવો ફૂંફાડો મારતો કે કોઈ નજીક જવાની હિંમત કરતું નહિ! લોકોને થયું કે બ્રાહ્મણ સાપ થઈને આવ્યો.

સાપને મારી નાખે તો જ ભંડારના ધનનો ઉપયોગ થાય. એવું રહ્યું, પરંતુ શેઠ પાપમાં હવે આગળ વધવા માગતા ન હતા. બ્રાહ્મણ જ સાપના અવતારે આવ્યો છે એમ એ દૃઢતાપૂર્વક માનતા, એટલે નવી હત્યાનું આળ વહોરવા એ તૈયાર ન હતા. જાણે ભંડારમાં ધન હોય નહિ તેમ શેઠે નાના પાયા પર ધંધો કરવા માંડ્યો અને ધનનો માલિક સાપ હોય તેમ તેને હવાલો સોંપી દીધો. પોતે આ રીતે સાપને સંતોષ આપી પાપનું પ્રાયશ્ચિત કરી રહ્યા છે એમ શેઠે સંતોષ માન્યો. આ રીતે છેવટે શેઠનો અંતકાળ આવ્યો. આટલી મોટી લક્ષ્મીનો માલિક નિર્વશ મરી જાય તે કોઈને ન ગમ્યું હોય તેમ એમને દત્તક લેવાની સલાહ આપી, બ્રાહ્મણને તમારી ઉપર વેર છે. કંઈ દત્તક આવનાર ઉપર ઓછું છે? એ તમારી પછી વેર છોડી ચાલ્યો જશે એમ પણ કોઈએ દીર્ઘદૃષ્ટિ દોડાવી. છેવટે શેઠ દત્તક લેવા તૈયાર થયા, અને દત્તકપુત્રને બધી મિલકત વારસામાં સોંપી શેઠે આ દુનિયામાંથી વિદાય લીધી.

પરંતુ દત્તકપુત્ર પાસે મિલકત આવી છતાં સાપે ભંડારનો કબજો છોડ્યો નહિ. મિલકત માટે પારકાનો પુત્ર થયેલા દત્તકને અને એ માટે પેટના પુત્રને દત્તક આપનાર માબાપને કોઈ ઉપાયે સાપનું શૂળ કાઢવું હતું. પરંતુ બધાંએ બ્રાહ્મણની કરુણ હત્યા નજરોનજર જોઈ હતી. એટલે સાપનો નાશ કરવાનો વિચાર દત્તકપુત્ર કેએના સગાં માબાપ કરી શકતાં નહિ. છેવટે વહારે આવ્યા મંતરજંતર, ભૂતભૂવા અને જ્યોતિષી, વારાફરતી દરેકને શરણે જવા માંડ્યું પણ કોઈની દવા દર્દને લાગુ પાડી નહિ.

છેવટે એક અઘોરીનો ટૂચકો કામ લાગ્યો. એણે કહ્યું : 'બ્રાહ્મણસાપને એનું કંઈ નામ દીધા વગર નસાડવો એ તો રમત વાત છે. જો બ્રાહ્મણ સાચે જ પવિત્ર હોય તો એ કસાઈનો પડછાયો ન લે, એટલે ભંડારમાં કસાઈને ઉતારો, જો એના પડછાયાથી એ દૂર નાસે તો જાણજો કે એ બ્રાહ્મણનો અવતાર છે, જો ન નાસે તો એ બ્રાહ્મણ નથી માની એનો સંહાર કરજો.'

અઘોરીનો આ ટૂચકો દત્તકપુત્રને આબાદ કામ લાગ્યો. કોઈને દેખતાં સાપ ધસીને ફૂંફાડા મારતો હતો, પરંતુ કસાઈના અંદર ઊતરતાં એણે ફૂંફાડો તો માર્યો પણ પાછળ હઠ્યો અને કસાઈ જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ સાપ વધુ ને વધુ ફૂંફાડા મારતો ગયો છતાં પાછળ હઠ્યા વગર એનો છૂટકો ન થયો. કસાઈનો પડછાયો પડવા દઈને એ બ્રાહ્મણના ખોળિયાને અપવિત્ર થવા દેવા માગતો ન હતો! એ રીતે કસાઈ દ્વારા આખો ભંડાર ખાલી કર્યો, બીજે એને બદલી નાખ્યો. અને સાપ લાચાર થઈને ચકળવકળ આંખો કરતો જોઈ રહ્યો!

લોકોએ માન્યું કે સાપ જ્યાં ભંડાર ભરશે ત્યાં ગયા વગર નહિ રહે અને શેઠની ઈચ્છા બર નહિ આવે. પરંતુ એવું કંઈ ન બન્યું. અત્યાર સુધી એ ભંડારના ધનની ચોકી કરતો બેસી રહેતો હતો એને બદલે આખા ઘરમાં ફરવા લાગ્યો. જોકે મુરલીધર શેઠના વખતથી હવેલી હવે રહેવા તરીકે ખાલી કરી હતી એટલે એ આખા ઘરમાં ફર્યા કરે તેનો કોઈને વાંધો ન હતો, ફક્ત ધનને સૂંઘતો પાછળ ન આવે એટલું જ શેઠ ઈચ્છતો હતો.

આ રીતે ધન તો છૂટું થયું, પરંતુ તે પછી ચાર પેઢી વહી ગઈ છતાં એ વંશનો વેલો આગળ વધતો ન હતો. દરેક નિર્વશ રહેતો અને ધનના ઢગલાને લીધે દત્તક આપવા કોઈ તૈયાર થતું. આ પાંચમી પેઢીએ પણ દત્તકથી વંશ ચાલતો હતો. અને હજુ સુધી પેલી હવેલીમાં કોઈનાથી રહેવા જવાતું ન હતું. એ સાપનો એમાં હંમેશ વાસ રહેતો હતો, જોકે આજ સુધી એણે કોઈને નુકસાન કર્યું ન હતું. લોકો કહેતા કે વાસાને લીધે સાપ અવગતિયો અવતાર ભોગવે છે, પરંતુ બ્રાહ્મણની પવિત્ર જાતને લીધે કોઈને નુકસાન કરતો નથી. આ કારણને લીધે ઘરની ઘણી તંગાશ હતી છતાં મોટી હવેલી ખાલી હતી.

વાત સાંભળી રહેતાં મેં કહ્યું : 'મનહરભાઈ ! મને એમાં રહેવામાં કંઈ વાંધો નથી. સાપ અહિંસક છે પછી બીવાની શી જરૂર છે?'

મનહરભાઈ : 'એમાં કોઈ રહેવા ગયું નથી માટે સાપ અહિંસક છે તેની શી ખાતરી?'

હું : 'પણ કોઈએ તો અખતરો કરવો જોઈએ ને?'

મનહરભાઈ : 'ના ના, સાહેબ! તમારા જેવાનું કામ નહિ. કંઈક બને તો અહીંના ગુજરાતીઓને માથે કાળી ટીલી ચોંટે કે આવું સાહસ શું કામ કરવા દીધું?'

પરંતુ હું આવું સાહસ ખેડવામાં પાછો પડું એવો ન હતો. નાનપણથી તોફાન, સાહસ વગેરેમાં હું જબરો હિંમતબાજ. હું મિત્રોને કહેતો કે જો હું કોઈ રજવાડામાં જન્મ્યો હોત તો ભારે શિકારી થયો હોત, જો હું અભણ રહ્યો હોત તો સાહસિક વેપારી થયો હોત. પરંતુ અંગ્રેજી કેળવણી લેવાથી હું અપંગ થઈ ગયો. સાહસ હણાયું, સગવડથી ચામડી આળી થઈ ગઈ, અને બેકારી શબ્દથી એવો બીવા લાગ્યો કે સાપ કે સિંહની બીક તો એની આગળ કોઈ વિસાતમાં નથી.

બાળપણનું આ સાહસિકપણું અચાનક મારામાં ઊછળી આવ્યું. તેમાં બુદ્ધિ વહારે આવી. બધા સાપ કંઈ ઝેરી હોતા નથી, ઝેરી હોય તેનું ઝેર દવાથી પણ ઉતારી શકાય છે. પ્રથમ તો આ સાપ ઝેરી હોવાનું પુરવાર થયું નથી, છતાં એવું કંઈક બને તો ઘરમાં જ ઝેર માટેનાં ઈન્જેકશન રાખી મૂકવાં કે ડૉક્ટર એનો તરત ઉપયોગ કરી શકે. આવું સાહસ કરવા પાછળ એક બીજી વૃત્તિ પણ જોર કરી રહી હતી. કોઈપણ ધંધામાં પહેલો ઘા રાણાનો હોય છે, વકીલાતમાં પીછેહઠ કરી તે અહીં કોઈ જાણતું નથી. મેજિસ્ટ્રેટ તરીકેની કીર્તિ અહીંથી શરૂ થાય છે. તો કોઈપણ રીતે અહીં ઓચિંતી કીર્તિ મેળવી લેવામાં આવે તો એ ઘા ઠેઠ સુધી રાણા તરીકે નામના કાઢશે. આ ઘરમાં રહેવા જવાથી જ ગામમાં એકીસાથે વાત ફેલાઈ જશે કે નવા મેજિસ્ટ્રેટ સાહેબ ભારે હિંમતવાળા માણસ છે. હવેલીમાં રહેવા ગયા ! અને આપણાં લોકોનું ઘેલું તો જાણો છો ને કે એક ક્ષેત્રમાં નામના મેળવી એટલે બધાં ક્ષેત્રમાં એને પારંગત કહેવામાં પણ વાંધો ન આવે!

આ બધા કારણે, મનહરભાઈ ના-ના કહેતા ગયા તેમ તેમ મને પાણી ચડતું ગયું અને છેવટે હું હવેલીમાં રહેવા પણ ગયો. આખું ઘર મેં સાફ કરાવ્યું પણ સાપનાં દર્શન ન થયાં. મજૂરોએ કહ્યું : 'નીચે ભોંયરામાં ભલો હશે તો પડ્યો હશે.'

મેં હિંમત બતાવતાં કહ્યું : 'એ એની જગાએ રહે, અને મને મારી જગાએ રહેવા દેશે તો બસ છે. નહિ તો એ છે ને હું છું?'

પહેલે દિવસે મને સાપનો મેળાપ થયો નહિ, પરંતુ એટલા બધાં લોકો ખબર કાઢવા આવ્યાં કે મંદિરમાં દર્શન કરવા લોક ઊમટ્યું હોય તેવો દેખાવ થઈ રહ્યો. ગમે તેટલો પુરુષાર્થ કર્યો હોત છતાં મારી કીર્તિ ન વધત તે રાતોરાત વધી ગઈ. એમાં સાહેબ પાસે સાધના જરૂર હોવી જોઈએ તેમ પણ વસી ગયું, અને એ વાતને જોર મળી ગયું, મેં આ સાપને પાળ્યો ત્યારે!

પાંચમે દિવસે હું રસોડામાં ચા પીતો હતો અને મારી નજર બારણા બહાર સાપ ઉપર ગઈ. પ્રથમ દ્રષ્ટિએ બીક લાગે તેવો સ્થૂળ એનો દેહ હતો. પરંતુ એ મારા તરફ આવતો ન હતો, જાણે ઘરમાં ફરવા નીકળ્યો હોય તેમ એ છટાથી ધીમેથી સરકતો હતો. મેં વાડકામાં દૂધ રેડ્યું અને એ લઈને બહાર નીકળ્યો. રક્ષણ માટે લાકડી રાખી હતી તે ખૂણામાંથી લીધી અને તળાવમાં રહેવું અને મગરની બીક રાખ્યે પાલવે નહિ માની મેં ધીમેથી કહ્યું : 'ગંગાધર!'

સાપે મારા બોલ સાથે મોં ફેરવ્યું. મારા તરફ નજર માંડી. મેં મારી ગુજરાતી મરાઠીમાં કહ્યું : 'ગંગાધર! દૂધ પીશો? અને એ સાથે એ જુએ તેમ મેં હાથમાંથી વાડકો નીચે મૂક્યો. એનો વગર પરિચયે કેટલો વિશ્વાસ કરવો તેમ માની હું થોડે દૂર હઠ્યો. સાપને પણ મારી બીક ન હોય તેમ ધીમેધીમે વાડકી નજીક આવ્યો. દૂધ પી ગયો અને તે બદલ 'આભાર' વ્યક્ત કરતો હોય તેમ ફેણ ઊંચી કરી, દૂધવાળા મોંને જીભ બહાર કાઢી એણે ચાટી અને દોસ્તીનો કોલકરાર કર્યાની ખાતરી આપતો હોય તેમ મારા ભણી આગળ વધ્યા વગર તે પાછો વળી ગયો અને ઘરમાં બીજે ન જતાં ભોંયરામાં ચાલ્યો ગયો.

હું પોતે ઘડીભર વિચારમાં પડી ગયો કે આ સ્વપ્ન કે સત્ય? બીજે દિવસે ગંગાધર એ જ વખતે બહાર આવ્યો. મેં હિંમત કરીને રસોડામાં બેસી રહ્યો, એને માટે ઊંમરા બહાર વાડકી મૂકી. મેં માન્યું કે એણે દૂધ જોયું છે એટલે ગટગટાવી જશે. પરંતુ વાટકી આગળ આવીને મારા હુકમની રાહ જોતો હોય તેમ તેણે મારા સામે ડોક ઊંચી કરીને નજર કરી. મેં હસી જતાં કહ્યું : 'ગંગાધર ! તમારા માટે જ મૂક્યું છે. પીઓ.' અને ગઈકાલની માફખ આભારની સલામ કરી એ ભોંયરામાં ચાલ્યો ગયો.

મને થયું : 'લોકો કૂતરા બિલાડી, પોપટ વગેરે જાનવર પાળે છે તેમ હું સાપ પાળું તો? એક નવીનતા ગણાશે અને બીજા પ્રાણીને પાળવા કરતાં વિશેષ ખર્ચ તો આવવાનું નથી. કેવળ હવેલીમાં રહેવા જવાથી કીર્તિ વધી ગઈ છે, તો એ પાળવાથી અનેકગણી વધી જશે. એ માટે થોડું ખર્ચ કરવું પડે તો કંઈ વધારે પણ નથી. એથી મને થયું કે ગંગાધરને સાંજે પણ દૂધ પાવું. મેં વાડકીમાં દૂધ કાઢી, ભોંયરા નજીક જીને બૂમ પાડી : 'ગંગાધર!' ભોંયરામાં એ સળવળ્યો હોય એમ મને અણસારો માલૂમ પડ્યો. મેં બીજી બૂમ પાડી : 'ગંગાધર ! દૂધ પીવા ચાલો. અને જાણે મારી બૂમ સાંભળી હોય તેમ ગંગાધર બહાર આવ્યો. મેં નજીક દૂધની વાટકી મૂકી હતી અને બૂમ પાડીને બોલાવ્યો હતો એટલે બીજા હુકમની રાહ ન જોતાં એ દૂધ પી ગયો અને આભારવશ થતો એ મારી સામે આ વખતે લાંબો વખત નજર માંડી રહ્યો. મેં એને કહ્યું : 'એમાં તમારે આભાર માનવાનો ન હોય. આ તમારું પ્રથમ ઘર છે, અને પછી મારું છે. હવે જાઓ, સવારમાં બોલાવું એટલે આવજો.'

સવારમાં મારી અજાયબી વચ્ચે, બે દિવસ એની મેળે એ આવ્યો હતો તેમ આજે પણ આવ્યો. મેં ચા પીધા પછી એની થોડી રાહ જોઈ પણ એ દેખાયો નહિ. મને યાદ આવ્યું કે મેં એને બોલાવવાનું કહ્યું છે એટલે એ ખાનદાન વગર હુકમે શું કામ આવે ? અને મેં 'ગંગાધર !' એમ બૂમ પાડી કે એ હાજર થઈ ગયો !

પાંચ-સાત દિવસ પછી મેં મારી કથા જાહેર કરી એટલે લોકોમાં અચંબાનો પાર ન રહ્યો. ઑફિસમાં કીર્તિ વધારવા મેં સ્ટાફના માણસોને અને બે-પાંચ વકીલોને સાંજે હવેલીએ આવવા કહ્યું. એ લોકો આવ્યા. મેં દૂધ વાડકીમાં મૂક્યું અને ગંગાધરને બૂમ પાડી કે સાપ આવ્યો. બધાંના મનમાં બીક હતી, પણ હું હતો, મારો અનુભવ હતો, એટલે એ ચૂપચાપ જોઈ રહ્યા અને રાતોરાત મારી કીર્તિ ઉપર કળશ ચડ્યો, રસ્તે જતો હોઉં તો દરેક આંગળા કરી મને બતાવે : 'જોયા, પેલા સાપવાળા સાહેબ?'

મને સંતોષ થયો કે મેજીસ્ટ્રેટ તરીકે આપણી કીર્તિ અહીં પૂરેપૂરી જામશે, ભલે વકીલ તરીકે નિષ્ફળ ગયો. કદાચ મેજિસ્ટ્રેટ થવા જન્મ્યો હોઈશ તો પણ કોને ખબર? અને વકીલાતમાં નિષ્ફળ ગયેલા સારા મેજિસ્ટ્રેટ નથી થઈ શકતા તેવું પણ ઓછું છે? મને બીજો પણ આનંદ હતો કે પત્ની અહીં આવશે તે સાથે મારું માન અને કીર્તિ જોઈને નવાઈ જ પામશે. ત્યાં વકીલાત નહોતી ચાલતી તેનો બળાપો કરતી હતી, તે અહીં આવતાં જ માનીતી સાહેબરાણી થઈ પડશે એટલે ફૂલી નહિં સમાય!

ત્યાં મને પત્નીનો જ અવાજ સંભળાયો : 'હવે ઊઠો, કેટલો દહાડો ચડ્યો તે તો જુઓ!' હું જાગ્યો. આંખ ઉઘાડી તો હું નિષ્ફળ નીવડેલો વકીલ જ હતો! આવું વિચિત્ર, ક્યારેય નહિ સાંભળેલું સ્વપ્ન ક્યાંથી આવ્યું એનો વિચાર કરતો હતો, ત્યાં ટપાલમાં હુકમ આવ્યો કે વધારાના મેજિસ્ટ્રેટ તરીકે મારી યેવલા નિમણૂક કરવામાં આવી છે!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.