ખેલાડી

27 Aug, 2016
12:00 AM

PC:

(વાર્તાકારઃ વર્ષા અડાલજા)

મીરાં ધીમેથી પડખું ફરી અને થાકથી હાંફી ગઈ.

વેદનાનો એક સણકો હોઠ બંધ કરીને એ પી ગઈ. અસિતને શોધતી એની નજર ફરતી ફરતી અટકી - એ આતુર, સહેજ શ્રમિત ચહેરા પર દૃષ્ટિથી એને સ્પર્શતી હોય એમ અસિતની આંખો હસી પડી. પછી શબ્દોને પંપાળીને એની સાથે ખેલતો હોય એમ એનો અવાજ એકદમ મૃદુ બની ગયો.

'આજે તારા ગાલ પર ચમક છે. પિન્ક ગાઉનમાં યૂ લુક સો બ્યૂટિફુલ!'

એકદમ નીચા નમીને એણે મીરાંના હોઠને ચૂમી લીધા, કુરકુરિયાંને પંપાળતો હોય, રમાડતો હોય એમ એણે શબ્દોને લાડ લડાવ્યા. ખૂબ ફાવટ હતી એને એમ કરવાની, શ્વાસ લેવાની ક્રિયા જેટલું જ સહજ હતું આ બધું એને માટે.

'જો મીરાં! મારે ડૉક્ટર ગોયલ જોડે વાત થઈ ગઈ છે. આ નવી ટ્રીટમેન્ટથી મહિનામાં તો તું ખૂબ સારી થઈ જશે. તું માનશે, આ ફ્લેટ જ હું વેચી નાંખવાનો છું. જૂહુ સ્કીમમાં બંગલા માટે મેં પ્લોટ પણ લઈ લીધો છે. આ જગ્યા જ અપશુકનિયાળ છે.'

ધીમું હસતી મીરાંના વાળમાં એણે હાથ પસવાર્યો. ખૂબ મુલાયમ અને ઘટ્ટ વાળ હતા મીરાંના. એને પહેલી વાર મળ્યો ત્યારે એણે તરત જ કહ્યું હતું - તમારા વાળ ખૂબ સરસ છે. મીરાં જરા ચમકીને પછી હસી પડેલી. ધડકતા હૃદયે એનાથી કહેવાઈ ગયેલું - પણ તમારા જેટલા તો સુંદર નહીં જ. શબ્દોને રમાડવાની, જાદુગરની જેમ એમની પાસેથી ધાર્યું કામ કરવાની તો એને પહેલેથી જ ફાવટ હતી.

ચાલી જવા પીઠ ફેરવેલી મીરાં એકદમ થંભી ગયેલી. અસિતના મીઠા શબ્દોની દોરી ખેંચાતી હોય એમ અચકાતી પાછી ફરી. ધ્રૂજતા હોઠે બોલી, 'થેંક યૂ' અને ઝડપથી ચાલી ગઈ. અચાનક સુગંધિત જૂઈનું ફૂલ એની હથેલીમાં મૂકી દીધું હોય એમ એ સ્તબ્ધ બની ગયો હતો.

મીરાં વિના હવે નહીં ચાલે. એણે શાંતિથી થોડા દિવસ વિચાર કરી નક્કી કરી લીધું. જે જોઈએ તે મેળવી લેવાની પહેલેથી જ એનામાં આવડત હતી અને એ આવડત પર એ ખૂબ મુસ્તાક હતો. નાનપણથી જે પેન્સિલ, રમકડું, ચોપડી પપ્પા, કાકી કે ફોઈ પાસેથી આસાનીથી મેળવી લેતો. ક્યારેય કોઈ વસ્તુ માટે એને રડ્યાનું સ્મરણ નહોતું. મમ્મી ગર્વથી કહેતી - અસિત બહુ ઉસ્તાદ છે. બધાંને બનાવતા આવડે.

જેમ જેમ એ મોટો થતો ગયો એમ એમ આ કળાને વિકસાવતો ગયો. શબ્દોથી, વર્તનથી. અરે, આંખોથી પણ એ બીજા પાસે ધાર્યું કરાવી શકતો હતો. એક ચાલાક ખેલાડીની જેમ, સામી વ્યક્તિના વિચારોને અક્ષરોની જેમ વાંચી લઈ, એ એવી રીતે ચાલ ચાલતો કે પ્રતિસ્પર્ધી આપોઆપ હારે જ.

મીરાં.

મીરાં હવે જોઈએ જ. પદ્મા, સરિતા કે લોપા માટે એને ક્યારેય આવો વિચાર નહોતો આવ્યો. મીરાંની વાત સાવ નિરાળી હતી. મીરાં સાવ ભોળી હતી, ખૂબસૂરત હતી અને... અને... શ્રીમંત હતી. રૂપ અને પૈસાની બન્ને ભૂખ મીરાં પૂરી પાડી શકે એમ હતી.

પણ હરવખત કરતાં આ વખતે દાવ મોટો હતો. મીરાંના પપ્પા કલેક્ટર હતા. લશ્કરી અમલદાર જેવો મિજાજ હતો. મા વિનાની એકલવાયી મીરાંને ખૂબ જતનથી સોનાની દીવાલોમાં કેદ કરી ઉછેરી હતી. એમના પંજામાંથી પુત્રી અને પૈસો બન્ને મેળવી લેવાનાં હતાં. પણ એ હાર સ્વીકારે એમ નહોતો. આજ તો એની અભિનયકળાની અંતિમ કસોટી હતી!

એ જ્યારે મીરાંને પહેલી વાર પિક્ચરમાં લઈ ગયો હતો... માય ગૉડ ! પિક્ચરનો સમય થઈ ગયો હતો. અંજલિ થિયેટર પાસે ઊભી રહીને ચિડાઈ ગઈ હશે. હંમેશની જેમ ડૉક્યુમેન્ટરી પણ ચાલી જશે.

મીરાં એનો હાથ પકડીને સૂતી હતી. ઊંઘમાંય એના ચહેરા પર ચીતરાયેલી વેદના જોઈ એ છળી ગયો. જાણે પોતે માર્ગમાં ઊભો હોય, અને મીરાંના ઠંડા મુડદાને સ્પર્શી રહ્યો છે! ઝટકા સાથે એણે હાથ પાછો ખેંચી લીધો. મીરાં થડકી ગઈ. એણે અસિત સામે જોઈ લથડતા સ્વરે પૂછ્યું - શું થયું? કેમ ચમકી ગયા?

'સૉરી... તું ડિસ્ટર્બ થઈ ગઈ, મીરાં ! મારે... મારે એક એપૉઈન્ટમેન્ટ છે.'

'જાઓ તમે અસિત, પ્લીઝ.' મીરાંએ ફરી અસિતનો હાથ પકડી લીધો.

'ના, ના. આજે તારી પાસેથી ઊઠવાનું મન નથી થતું. જ્યારે તને મારી જરૂર છે ત્યારે જ...' એક નિઃશ્વાસ સાથે એણે વાક્ય અધૂરું છોડી દીધું. હાથ જરા આડો રાખી ઘડિયાળ તરફ નજર ચોરી લીધી. અંજલિ ખૂબ અકળાઈ ગઈ હશે, પણ કંઈ નહીં. વધુમાં વધુ દસ મિનિટ, મીરાં હમણાં સમ આપશે.

મીરાંએ અસિતની હથેળી ચૂમીને છોડી દીધી. 'મારા સમ છે તમને, ન જાઓ તો. હું તો અભાગણી. તમારે ગળે ઘંટીનું પડ...' મીરાંની આંખો આંસુથી છલકાઈ ગઈ. એણે ઓશીકામાં મોં છુપાવી દીધું. આવેગથી એનું શરીર ધ્રૂજતું હતું.

જિંદગીમાં પહેલી વાર અસિત હલી ઊઠ્યો. ક્ષણભર જ. એ ઝડપથી મીરાં પાસેથી થોડું ખસી ગયો. અવાજ ગળગળો કરી નાંખ્યો. આંખો ભીની થઈ ગઈ. શબ્દોને પંપાળી, બુચકારી મીરાં પર છોડી મૂક્યા... ના, ના. આમ ઓછું શું આપણે છે, મીરાં? તારા વિનાની જિંદગીની હું કલ્પના પણ નથી કરી શકતો. આ તો બિઝનેસ એપૉઈન્ટમેન્ટ છે એટલે... પણ ના, ના.આજે તો...

બસ હવે પાંચ મિનિટ. બબૂચક ડૉ. ગોયલ જાતજાતના રિપોર્ટ્સ લઈને આવી પહોંચે એની પહેલાં જ જવું જોઈએ.

'ના, ના. તમે જાઓ. હું સારી છું.' મીરાંએ આંસુના ધૂંધળા પડદાની પેલે પાર અસિતને હાથ ઊંચો કર્યો.

ભર્યા ટ્રાફિકમાંથી પણ ગાડી ઝડપથી ચલાવી એ થિયેટર પર પહોંચ્યો ત્યારે શો શરૂ થઈ ગયો હતો. થિયેટરની બહારની ભીડ છેક પાંખી થઈ ગઈ હતી. નસીબ એક વાતમાં તો પાધરું હતું. ગાડી પાર્ક કરવાની જગ્યા તરત મળી ગઈ. થિયેટર પાસે આવતાં અંજલિને શોધવી ન પડી. ટાઈટફીટિંગ બેલબૉટમ સૂટમાં અંજલિ ભીડમાં ય આસાનીથી શોધી શકાય.

'તું તો કંઈ બોલતો જ નહીં, અસિત ! મોં બગાડી હમણાં કહેશે... મીરાંની માંદગી...'

'પણ આજે તો એ ખરેખર ખૂબ બીમાર હતી. ચલ, હવે મજા ન બગાડ. લેટ અસ રન.'

બંને હાથ પકડી જલદી થિયેટરમાં ઘૂસ્યાં. રાત્રે શો છૂટ્યો અને ભીડમાં એકબીજા જોડે ભીંસાતાં બહાર નીકળ્યાં ત્યારે બન્નેનો મૂડ બદલાઈ ગયો હતો. ભીડનો કોલાહલ ઓટનાં પાણીની જેમ દૂર ખેંચાતો ગયો અને સૂના નિર્જન રસ્તા પર ગાડી દોડવા માંડી. અંજલિ આંખો મીંચી અસિતને ખભે માથું ઢાળીને કશુંક ગણગણતી રહી.

એક સ્કાયસ્ક્રેપરના કમ્પાઉન્ડમાં ગાડી પાર્ક કરી બંને લિફ્ટમાં તેરમે માળ આવ્યાં. ફ્લેટનો દરવાજો ખોલીને ઘરમાં દાખલ થતાં જ અંજલિ અસિતને વળગી પડી. આઈ લવ યૂ ડાર્લિંગ... લવ યૂ સો મચ... હવાની જેમ અંધારામાંથી શબ્દો વહી આવ્યા. અનુભવીની ઢબે અસિત હસી પડ્યો. અંજલિને અળગી કરી એણે બત્તી કરી. મ્યુઝિક ચાલુ કર્યું. અંજલિ થોડો નાસ્તો અને ડ્રિંક્સ લઈ આવી. અંજલિને બાથમાં લઈ એ ખૂબ નાચ્યો. અંતે થાકીને બન્ને પલંગમાં લેટી પડ્યાં.

'તું મારી મિ. સકસેના છે.' અસિતે અંજલિને થોડી વધુ નજીક ખેંચી.

'એટલે?'

'મેં મીરાંને કહ્યું, મારે અગત્યની બિઝનેસ એપૉઈન્ટમેન્ટ છે, મિ. સકસેના સાથે.'

'સ્ટુપિડ લેડી ! અસિત, મને ઘણી વાર થાય છે કે, એને આપણા ગાઢ સંબંધની જાણ છતાં વહેમ નહીં આવ્યો હોય?'

અસિતે ગ્લાસ ખતમ કર્યો. અંજલિએ બીજો પેગ ભર્યો. દિવસભરનો થાક ગ્લાસમાંના બરફની જેમ ઓગળતો હતો.

'તુ મીરાંને ઓળખતી નથી. અત્યંત ભોળી અને નિખાલસ છે. ક્યારેક તો મૂરખ લાગે એટલું ભોળપણ હોય છે એનામાં.'

'ઑહ ગૉડ ! એવી સ્ટુપિડ સાથે ચોવીસ કલાક રહેતાં હું બોર નથી થઈ જતો?'

'આ બધો એશઆરામ, તારો ફ્લેટ, મોજશોખ એના પૈસા પર નભે છે.' અસિતે છેલ્લો ઘૂંટ ભરી અંજલિને છેક જ પોતાની ઉપર ખેંચી લીધી.

અંજલિએ માથું અસિતની છાતી પર ઢાળી લીધું. ખૂબ ઋજુતાથી કહ્યું - 'આ બધાનો શું કશો ઉપાય નથી?'

'એટલે?'

'આપણે... આપણે... લગ્ન ન કરી શકીએ?'

'એથી શો ફેર પડવાનો હતો?' બેફિકરાઈથી વાળ ઉછાળી એણે થોડાં કાજુ ખાધાં, પણ એ સાવધાન હતો. હર સંબંધમાં આવો એક તબક્કો આવતો જ. ચીકણી શેવાળ પરથી ચાલતો હોય એમ એ પગલાં ભરતો.

'લગ્ન એટલે લગ્ન.  એમાં ફેર પડવાનું કંઈ સમજાયું નહીં.' અંજલિ જરા નારાજ થઈ ગઈ હોય એમ લાગ્યું. 

'અરે ભાઈ ! સ્પષ્ટ વાત છે. આપણે હરીફે-ફરીએ છીએ, મઝા કરીએ છીએ એમાં લગ્નથી શું વિશેષ થઈ જવાનું હતું? અને ખરું તો, જે જોઈએ તે તને મળે છે. અસિતે ખિસ્સામાંથી એક નાનું બૉક્સ કાઢી ખોલ્યું. લાલ મખમલની ડબ્બીમાંથી ચમકતા હીરાનું પેન્ડન્ટ અંજલિ સામે હસી ઊઠ્યું.

'હાઉ લવ્લી!' ચમકતા હીરાનું તેજ આંખમાં આંજી અંજલિ અસિત પર ઢળી પડી.

બરાબર ધાર્યા પ્રમાણે જ રમત ચાલતી હતી. ખુશ હતો એ પોતાની ઉપર.

'મીરાંને છૂટાછેડા ન આપી શકાય?'

અસિતના ચહેરાનો રંગ બદલાઈ ગયો. હોઠ દાંત વચ્ચે ભીંસાયો. વિધાતા. એક વિધાતાને જ એ હરાવી શક્યો નહોતો. ભલભલી વ્યક્તિઓને એણે મહાત કરી હતી. અદૃશ્યને એ ન પહોંચી શક્યો. મીરાંની મિલકત પોતાને નામે કરી લેવામાં એ ફાવ્યો નહોતો.

લગ્ન પછી એ અને મીરાં હનિમૂન કરવા કાશ્મીર ગયાં હતાં. મીરાંના પપ્પાની એ લગ્નભેટ હતી. ખૂબ ખૂબ રખડીને એ લોકો બે-ત્રણ મહિને મુંબઈ પાછા ફર્યા ત્યારે મીરાંના પપ્પા મૃત્યુ પામ્યા હતા. એમને તરત ખબર મોકલવામાં આવી હતી પણ ખબર પહોંચી નહોતી. અસિતને મનમાં નિરાંત થઈ ગઈ હતી. પ્રતિસ્પર્ધી એની મેળે જ દાવમાંથી ખસી ગયો હતો. મીરાંની મિલકત તો હવે એની મેળે જ ખરી પડેલા પાકા ફળની જેમ હાથમાં આવી પડવાની હતી - અને જિંદગીમાં પહેલીવાર એનું અનુમાન ખોટું પડ્યું.

પપ્પાના અચાનક મૃત્યુના આઘાતે મીરાં બીમાર પડી ગઈ. એક ઊંડા ઘેરા શોકે એને ગ્રસી લીધી. એવી હાલતમાં મિલકતની વાત કરવી... પણ ઉતાવળ કરવાની જરૂરે ય શી હતી? મીરાં ફરીથી જિંદગી ભરપૂર જીવવા લાગે, મોતનો પડછાયો ખસી જાય, મીરાંને પ્રેમ કરી કરીને એ છેક ઓગાળી નાંખે અને પછી -

પણ એ બીમારી મમત્વથી મૂળિયાં નાંખી ફેલાતી ગઈ. મીરાંને લ્યૂકેમિયા થયો. ગંભીર માંદગીએ એને શેરડી સાંઠાની જેમ પીલી નાંખી. એક પછી એક એના ખરાબ રિપોર્ટ્સ આવતા ગયા. છેલ્લે ડૉ. ગોયેલે અચકાતા, મૂંઝાતા કહી દીધેલું... મિ. અસિત ! મુઝે ડૉક્ટર હો કે નહીં કહેના ચાહિયે લેકિન તુમ્હારી વાઈફ...

અસિતે પોતાના મનમાં તો ક્યારનો અંદાજ બાંધી લીધો હતો - બહુ બહુ તો મીરાં એક કે બે જ મહિના. ત્યાર પછી કાયદાની કંટાળાજનક વિધિ અને શોકનો ભાર ઊંચકીને જીવવાનું - બીજા ત્રણ મહિના. બસ અઢળક દોલત સાથે એ મુક્તામા બની જશે!

પણ ડૉ. ગોયેલના શબ્દો સાંભળતાં આજે એણે એની તમામ અભિનયશક્તિ કામે લગાડી દીધી. અસિતનો ચહેરો ઝાંખો ધબ્બ થઈ ગયો, ગળું રૂંધાઈ ગયું. આંખો છલબલી પડી. સખત ચક્કર આવતાં એ ફસડાઈ પડ્યો.

હવે એ મીરાંના ખંડમાં રોજ સવારે જતો ત્યારે બરફની લાદીઓ ભરેલા શબઘરમાં જતો હોય એમ એ ધ્રૂજી જતો. પછી સ્વસ્થ બની ચહેરા પર સ્મિત પહેરી લઈ, 'હાય મીરાં, ગુડ મૉર્નિંગ !' કહેતો મીરાં પાસે બેસી જતો. એને જોતાં મીરાંની ફિક્કી આંખોમાં હાસ્ય ઊભરાઈ જતું. એ બળપૂર્વક ચહેરો ઊંચો કરવા જતી અને અસિત ઝૂકી પડીને અત્યંત નાજુકાઈથી એના હોઠ ચૂમી લેતો. પછી ખૂબ અલકમલકની વાતો કરતો. મીરાં અસિતનો હાથ પકડી રાખી અસિતને આંખોથી પી જતી. ખૂબ હસી, હસાવીને અસિત જવા ઊઠતો ત્યારે, મીરાંની આંખો ફરી ખાલી ખાલી થઈ જતી. એના રોમરોમમાંથી વ્યાકુળતાનો એક આર્તનાદ ઊઠતો. ક્ષણભર તો અસિત પણ ક્યારેક ચલિત થઈ જતો. પણ ક્ષણભર જ. એવી નબળાઈની ક્ષણો અસિતના જીવનમાં નહિવત્ જ રહેતી. તરત એનું મન હવે પછીની રમતની તૈયારી કરવા લાગતું - જીવનનાં સઘળાં સુખોથી સંચિત હવા જેવું નિર્બન્દ જીવન.

- અંજલિને ખસેડી એ પલંગમાંથી ઊભો થઈ ગયો. પોતાને હાથે એણે ત્રીજો પેગ ભર્યો. વિધાતા એની મેળે જ હારવાની હતી. મીરાંને પોતાની પાસેથી હવે એને લઈ લીધા વિના છૂટકો જ નહોતો. આખરે અદૃશ્યને એણે હરાવ્યું હતું. એ અંતિમ વિજેતા હતો.

'હીયર ઈઝ ટુ વિક્ટરી.'

એણે નશાભરી આંખે, ગર્વતી ટટ્ટાર છાતીએ શબ્દોને જાણે અંતરિક્ષમાં ફેંક્યા. અંજલિ આંખો ફાડીને એને જોઈ રહી હતી. '....તું ... તું વધુ ન પી.' ડરથી એ માંડ બોલી શકી.

'તું છૂટાછેડાની વાત કરે છે ને? મીરાં જ છૂટાછેડા લેશે જિંદગીથી.'

અને વિજયના ઉન્માદમાં એ ખડખડાટ હસી પડ્યો. એક ઘૂંટડે ગ્લાસ પૂરો ભરી, અંજલિને પોતાની તમામ તાકાતથી એણે ભીંસી નાંખી.

મોડી સવારે એ ઘરે પહોંચ્યો ત્યારે ચંદાએ કહ્યું કે મીરાં હજી ઊઠી નહોતી. રાત્રે એની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ હતી...

તમને ક્યાં ફોન કરે? .... બહેન બિચારાં રડતાં હતાં...

મીરાં પાસે રાતનું શું બચાવનામું રજૂ કરવું, એ સમયે ચહેરાના હાવભાવ અને શબ્દોની પસંદગી એણે મનોમન કરવા માંડી. મીરાં ચિડાવાની તો નહીં જ. હંમેશા એ ધરતીની જેમ અસિતના પ્રેમને આકંઠ પી જતી અને છતાં એ તરસી રહેતી. હજી એને ખુશ રાખવાની હતી. થોડો સમય. મીરાં પાસે ક્યાં વધુ સમય હતો? શબ્દો પાળેલા પ્રાણી પેઠે પૂંછડી પટપટાવીને તૈયાર થઈ ગયા. ચહેરા પર ચિંતા ચીતરી લીધી. આંખોમાં આતુરતા ભરી લીધી અને ઝડપથી, લગભગ દોડતો જ એ મીરાંના ખંડમાં આવ્યો.

મીરા પલંગમાં નહોતી.

એ કશું સમજી ન શક્યો. મીરાં પલંગમાં ન હોય એવું ઘણા સમયથી બન્યું નહોતું. એ ખાલી પલંગને તાકતો ઊભો રહ્યો. આજુબાજુના ખંડમાં કે પછી બાથરૂમમાં...એ પલંગ પાસે આવ્યો. રેશમી સુંવાળા ઓશીકા પર પિનથી લગાવેલી ચિઠ્ઠી પવનમાં આછું ફરફરતી હતી.

અસિત,

તું આ ચિઠ્ઠી વાંચશે ત્યારે હું અને ડૉ. ગોયેલ તારાથી ઘણા દૂર નીકળી ગયા હોઈશું. બીમારીના નાટકથી હું તંગ આવી ગઈ હતી. સોલિસિટર સાથે મિલકતની વ્યવસ્થા મેં કરી લીધી છે. તું કશી ફિકર ન કરતો. અંજલિને સ્મરણ.

મીરાં.

હાથમાં ફરકતા કાગળને નિર્જીવ ચહેરે અસિત તાકી રહ્યો.

* * * * 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.