'એ'
(વાર્તાકારઃ વર્ષા અડાલજા)
એક હળવા આંચકા સાથે ટ્રેન ઊપડી.
ધાંધલધમાલ મચાવતા સૈનિકોના ટોળામાંથી રસ્તો કરતો એ ડબ્બાની છેક છેવાડેની બારીએ જઈને બેઠો. બધા સૈનિકો ખૂબ આનંદમાં હતા. હોહા અને બૂમોના કાન ફાડી નાખતા અવાજો, ઝડપથી ધસી જતી ગાડીના ખુલ્લા બારણામાંથી બહાર ફેંકાઈ જતા હતા. કોઈ બેસૂરા અવાજે ગાતું હતું, એની સાથે તાળીઓ પાડતા બે-ચાર જણા નાચતા હતા. અને બાકીના બધા કૂંડાળું કરી, ભારે વજનદાર બૂટના ઠપકારા અને તીણી સીટીઓથી તાલ પુરાવતા હતા.
આખરે લાંબી લડાઈ ખતમ થઈ ગઈ હતી.
સતત પાંચ વર્ષના ભયંકર ખૂનખાર લોહિયાળ જંગ પછી દુશ્મનો પર વિજય મેળવી સૈનિકો વતન પાછા ફરતા હતા. સાક્ષાત્ મૃત્યુને બાથ ભીડી લઈ, હવે એ લોકો જિંદગીની ઉજાણી કરતા હતા.
છેવાડેની બારીએથી એણે ચુપચાપ આ ટોળા સામે જોયું પછી નજર ફેરવી લઈ એ બારીની બહાર જોવા લાગ્યો. ઝગમગતા તારાઓથી આકાશ છલોછલ ભર્યું હતું. રાત સોહામણી હતી - પોતાની પત્ની જેવી જ. બહાર ઝડપથી સરી જતાં શાંત અને સુંદર દૃશ્યોમાં પત્નીનું મુખ, એની સામે સ્થિરતાથી જોઈ રહ્યું હતું.
આંખો બંધ કરી એણે માથું ઢાળી દીધું. પત્નીની સ્થિર તેજસ્વી આંખો ફેલાતી ઝગમગતા તારા ઉપર છવાઈ ગઈ.
પાંચ વર્ષ પહેલાં, આવી જ ઉજાસભરી રાત્રે, સૈનિકના ગણવેશમાં પોતાના ગામના નાનકડા સ્ટેશને જવા એ નીકળ્યો હતો. છેલ્લી વિદાય વખત એની પત્ની આંસુથી છલકાતી આંખે એને આમ જ જોઈ રહી હતી. એ આંખોમાં શું હતું? ભય... નિરાશા... શ્રદ્ધા... આજે ય એ નક્કી નહોતો કરી શક્યો. માત્ર એટલું જાણતો હતો, એ આંસુભરી નજરની ભીનાશ હજીયે એના અંતરમાં હતી.
પ્લેનની ભયાનક ઘરઘરાટીમાં બૉમ્બમારાથી ઉજ્જડ થયેલા ગામની ભેંકાર શૂન્યતામાં, બંદૂકની ગોળીની બેફામ રમઝટમાં અને ભૂક્યા, તરસ્યા, લોહીનીતરતા શરીરે જંગલમાં લપાતા છુપાતા જતાં એ છેલ્લી નજર એનામાં બળ પ્રેરતી. નહીં જોયેલા પોતાના બાળક માટે એ વિહવળ બની જતો. વિદાય આપવા આવેલી પત્નીએ શરમાઈને એનો હાથ પકડી, મૃદુતાથી પોતાના ઊપસી આવેલા પેટ પર મૂક્યો હતો. પાંગરતા બીજના સ્પંદનથી એ પુલકિત થઈ ગયો હતો.
ઓહ ! કેવું હશે એ બાળક ! પોતાની પત્ની જેવી ચમકતી આંખો અને ભોળું હાસ્ય કે... કે પછી રેખાઓ એના નાનકડા ચહેરામાં અંકાઈ હશે?
પોતાના પિતાને એ ઓળખશે?
ઉફ... આ ગાડી કેટલી ધીમી ચાલે છે? એની પત્ની કિલકિલાટ કરતા ગોળમટોળ બાળકને તેડી સ્ટેશન ઉપર ક્યારની ઊભી હશે. સ્ટેશન ઊતરતાંવેંત જ એ પોતાના બાળકને ઊંચકી લેશે, ભીંસી નાખશે. ચૂમીઓથી ગૂંગળાવી નાખશે. એ રડશે, છટકવા જશે તો ય એ નહીં છોડે. નાનો ભાઈ ઊંચો થઈ ગયો હશે. અને મા ! માના વિચારથી જ એનું અધીર મન એક મધુર પ્રસન્નતાથી ભરાઈ ગયું. માએ તો એને ભાવતું જમવાનું કંઈ-કેટલું ય રાંધી રાખ્યું હશે. અત્યાર સુધી સુકાયેલા બ્રેડ અને ચૉકલેટ... એ આંખો ખોલી હસી પડ્યો.
'કેમ દોસ્ત? પત્નીનો વિચાર કરે છે ને !'
એ ઝબકી ગયો.
સામે એનો મિત્ર હાથમાં શરાબની બાટલી લઈને ઊભો હતો.
એનું હાસ્ય છલકાઈ ગયું. એણે માત્ર માથું હલાવીને હા પાડી. એનો મિત્ર બાટલીમાંથી ઘૂંટ ભરતો સામેની પાટલી પર બેસી ગયો. એના હોઠ પર શરાબના તાજા ઘૂંટના રેલા ઊતર્યા. ખમીસની ગંદી બાંયથી એણે અછડતું લૂછી નાખ્યું.
'પણ તારી પત્નીનું મુખ તને યાદ છે ખરું?'
એ હજી હસ્યા કરતો હતો. કોટના અંદરના ખિસ્સામાંથી, સાચવીને એક પાકીટ બહાર કાઢ્યું. પત્ની અને બાળકનો ફોટો કાઢી અધીરાઈથી તાકી રહેલા મિત્રના હાથમાં મૂક્યો. ફરી એક ઘૂંટ ભરી મિત્ર એ ફોટા સામે ક્યાંય સુધી તાકી રહ્યો. એક હલકો, પીંછા જેવો નિશ્વાસ મૂકી ફોટો પાછો આપ્યો.
'નસીબદાર છે દોસ્ત, તું ! આવી સુંદર સાલસ પત્ની, મઝાનું બાળક, પ્રેમાળ વૃદ્ધ મા અને નાનો ભાઈ.'
બાટલીની ઊપસેલી કિનારે આંગળી ફેરવતો શરાબ જેવું કડવું કડવું હસ્યો. 'આવી ઘૃણાજનક લડાઈ પણ મીઠી લાગે એવા વહાલસોયા સ્વજનો. અને હું? હું શું કામ પાછો જાઉં છું, એ મને નથી સમજાતું. સાવકી મા અને એનો નઠારો દીકરો, મારા ખતમ થઈ જવાની રાહ જોતા હસે એને બદલે હું જીવતો જાગતો.....'
બારીમાંથી ધસી આવતા પવનમાં એના શબ્દો વેરાઈ ગયા.
પ્રેમાળ કુટુંબના વિચારે પ્રસન્ન થયેલું એનું હૃદય અનુકંપાથી ભરાઈ ગયું. ટ્રેનમાં ધમાલ વધતી હતી. અવાજોની આરપાર એ શબ્દો પહોંચાડવા મિત્ર તરફ ઝૂકીને બોલ્યો : 'મારી સાથે મારે ઘેર ચાલ દોસ્ત ! મારી મા અને પત્ની તને જોઈને ખુશ થઈ જશે.'
શરાબનો છેલ્લો ઘૂંટ ભરી બહાર બાટલી ફેંકી દઈ, મિત્ર પાટલી પરથી ઊભો થઈ ગયો.
'ના ના દોસ્ત ! તારો આભાર.' અને ઝડપથી મોં ફેરવી લઈ એ નાચતા સૈનિકોના ટોળામાં ઘૂસી તાળીઓ પાડવા લાગ્યો. એના લંબાયેલા હાથ પરથી મિત્રનું આંસુનું ટીપું સરકી ગયું.
એક પછી એક સ્ટેશન આવતાં ગાડી ઊભી રહેતી હતી. સૌ પોતપોતાને ઘરે જવા ઊતરી પડતા હતા. બધા છેલ્લું હળીમળી લેતા હતા. વજનદાર બંદૂક ઉઠાવનાર હાથ સાથીઓના હાથના સ્પર્શથી પીગળતા હતા. યુદ્ધના ભંગારનો બોજ ખભેથી ફેંકી દેતા હોય એમ બગલથેલા ગાડીમાંથી ફેંકી દઈ સૌ ટપોટપ ઊતરી પડતા હતા.
એનો મિત્ર એની નજીક આવ્યો. 'ચાલ દોસ્ત ! હું જાઉં છું.' બારણા પાસે અટકીને એણે પાછું જોયું, 'તારી પત્નીને સલામ અને બાળકને રમાડજે.'
એ કશું કહી શકે ત્યાં તો ઉષ્માથી હાથ દબાવી એનો મિત્ર ઊતરી પડ્યો. ભારે હૈયે એ તેની ઝૂકેલી અદૃશ્ય થતી પીઠને તાકી રહ્યો.
એ ત્યાં જ ઊભો રહ્યો. હવે ઊતરી જવાનું હતું. ગાડી એકશ્વાસે દોડી જતી હતી. શ્યામ યુવાન રાતના શરીરની ફૂટતી સુગંધથી એનાં નસકોરાં ફાટી ગયાં. મદભર ફોરમ... પત્ની... બાળક ઘર... મા. એણે સખત મુઠ્ઠી ભીડી દીધી. નખ હથેળીમાં ખૂંપી ગયા. સાચે જ ગાડી ધીમી ચાલે છે. એ બધું જ ભૂલવા માગતો હતો. યુદ્ધે એના હૃદય પર કરેલ ઊંડા ઘાવ હવે એ ભરી દેવા માગતો હતો. પત્ની પ્રેમ કરશે, બાળકને રમાડશે, નાનાભાઈને ખેતીમાં મદદ કરશે. રાત્રે મા એના કપાળે હાથ ફેરવશે...
તીણી વ્હિસલ સાથે ગાડી ધીમી પડી. ભૂતકાળને શરીરથી અલગ કરતો હોય એમ એ ઝટકા સાથે ખસ્યો. અને કૂદકો મારી સ્ટેશન ઉપર ઊતરી પડ્યો.
એની ઉતાવળી, અધૂરી નજર પ્લેટફૉર્મ પર ફરી વળી. ફરી ફરીને નજર ભટકાતી રહી. અહીં... ત્યાં ના, એની પત્ની સ્ટેશન પર નહોતી, એક ક્ષણ એ ઠીંગરાઈ ગયો.
ટ્રેન ચાલુ થઈ ગઈ હતી. સાથીઓ બૂમ પાડતા હતા, હાથ હલાવતા હતા. ઝૂકેલી નજરે એણે ધીમે ધીમે ગામ તરફની કેડી પર ચાલવા માંડ્યું. અંધારામાં દોડતા આકાર સાથે એ ભટકાઈ જ પડ્યો. આ જ તો... આ જ તો એ હતી, જેની છેલ્લી નજર એને સદા પીડતી. શાતા દેતી.
એક ઘેલી ચીસ સાથે એણે હેબતાઈ ગયેલા બાળકને ઊંચકી લઈ છાતીસરસું ભીંસી નાખ્યું. તરત એણે લગોલગ ઊભેલી પત્નીને નજીક ખેંચી લીધી. ખીલી ગયેલા ચંદ્રના આછા ઉજાસમાં એણે પત્નીને ધ્યાનથી જોઈ. એના હોઠ પત્નીના હોઠ પર ઝૂલતા રહી ગયા. આ જ, આ જ તેની પત્ની!
ધૂળમાં ખરી પડેલા, કરમાયેલા ફૂલનો મલિન નિસ્તેજ ચહેરો, આંખોમાં બુઝાયેલું તેજ અને છેક જ કૃશ કાયા... ઝાડની સુકાયેલી ડાળી જેવો એનો હાથ લંબાવી એ ભરાયેલા અવાજે બોલી :
'ઈશ્વરનો આભાર તમે સલામત છો.' એ જ કંઠ, એ જ માધુર્ય. એની આંખોમાં પાણી ભરાઈ આવ્યાં. પત્નીને વળગી પડી એ મુક્ત મને રડી પડ્યો... ચૂપચાપ એનું મુખ ઊંચું કરી પત્નીએ આંસુ લૂછ્યાં, બાળકને તેડી લીધું અને એનો હાથ પકડી એ નાના બાળકની જેમ ચાલતો રહ્યો.
બન્ને ઘરે આવ્યાં ત્યારે એનો નાનો ભાઈ અને બીજા કેટલાય લોકો એના ઘર આગળ એકઠા થઈ ગયા હતા. ટોળામાંથી રસ્તો કરતો એ સીધો ઝૂંપડામાં દોડ્યો, 'મા... મા, હું આવી ગયો છું.'
એના નાના ભાઈએ એના ખભે હાથ મૂકી ધીમેથી કહ્યું, 'મા તો બે વર્ષથી મૃત્યુ પામ્યાં છે. તમને દુઃખ ન થાય એટલે ન લખ્યું.'
હતપ્રભ બની માના ખાલી ખાટલાને તાકી રહ્યો. પરિચિતતાના અણસાર ખોજતી એની નજર ઘરમાં ફરતી હતી. બાકોરાં પડેલા છાપરામાંથી આછો પ્રકાશ નીચે પોપડાં ઊખડેલી ભોંય પર ચાંદરણું પાડી રહ્યો. ઘર ખાલી ઉજ્જડ અને ભેંકાર લાગતું હતું, પણ... પણ... આમ કેમ બન્યું? એનું ઘર તો ભરેલું ભરેલું અને સુખી હતું. ઘરની સમૃદ્ધિ ગારમાટીનાં પોપડાંની જેમ ઊખડી ગઈ હતી. બચી હતી વરવી દીવાલો માત્ર.
ધીમે પગલે એ ખાટલા તરફ ગયો. રાતોની રાતો જેનાં સ્વપ્નામાં વિતાવી હતી એ આ ઘર નહોતું, પત્ની નહોતી. મા નહોતી ! તૂટેલા સ્વપ્નનો ભંગાર પોપચાં પર લઈ એ સૂતો રહ્યો.
રાત ખૂબ વીતી ગઈ હતી. ઘેરી નિસ્તબ્ધતાને ચૂપચાપ પગ તળે દાબતો એ ઘરની બહાર નીકળ્યો. વાદળોએ ઝગમગતા આકાશને ઝાંખું કરી નાખ્યું હતું. કૂવાના થાળ પર પગ ટેકવી એ ઝૂકેલી હવાની પેઠ તાકતો ઊભો રહ્યો.
એને સાંભર્યું એ રાત પણ આવી જ ભૂખરી અને ઝાંખી હતી.
ચાલીસ સાથીદારોની ટુકડી લઈ, પહાડની ઘાટી પાર કરી સામી બાજુના જંગલમાં પહોંચી જવાનું હતું. ચોક્કસ બાતમી મળી હતી કે ત્યાં દુશ્મનો છુપાયા છે. એ લોકો સામે મોરચો માંડે તે પહેલાં જ અણધાર્યો ગેરીલા હલ્લો કરી દુશ્મનોને સાફ કરી નાખવાના હતા. ચુનંદા સૈનિકોની ટુકડીમાં એ પણ સામેલ હતો. ચિત્તાના જેવી ચપળતાથી સૌ સૂતેલા ગામ સુધી પહોંચી ગયા. મેજરે ફટાફટ હુકમો છોડવા માંડ્યા.
'ફાયર ! બધાં જ ઝૂંપડાંને આગ ચાંપી દો. દુશ્મનો એમાં જ છુપાયેલા છે.'
કંપતા હાથે બીજા સૈનિકો જોડે મળીને એણે ઝૂંપડાંઓને આગ ચાંપી. ક્ષણભર લાલપીળી, કેસરી આગની ભડભડતી જવાળાઓ આકાશને આંબવા મથી રહી. એ સાથે જ અત્યંત કરુણ ચીસો અને હૃદયદ્રાવક આર્તનાદોનો ભયાનક શોર ઊઠ્યો. એ ફાટી આંખે તાકી રહ્યો. ભડકે બળતા ઝૂંપડાંઓમાંથી બળતી સ્ત્રીઓ, નિઃસહાય અપંગો અને વૃદ્ધો અને માસૂમ બાળકો પડતાં-આખડતાં નીકળવાની કોશિશ કરતાં હતાં. દુશ્મન દળનો કોઈ સૈનિક નહોતો !
થોડી ક્ષણોમાં જ બધું પૂરું થઈ ગયું. કશું જ ન બચ્યું. અગ્નિમાં હોમેલા બલિદાનની જેમ બળીને ભડથું થઈ ગયેલી લાશોનો ખડકલો હતો. માંસ બળવાની તીવ્ર વાસથી એનું માથું ફાટતું હતું. અર્ધબળેલાની વેદનાની ચીસો ફાંસીના ગાળિયાની જેમ એના ગળાને ભીંસતી હતી.
એ મેજર પાસે દોડી ગયો. પાગલની જેમ એ બૂમો પાડવા લાગ્યો.
'સર... સર... કેવી ભયંકર ભૂલ ! આ તો બધા નિર્દોષ નાગરિકો છે.'
એક બળી ગયેલા હાથને લાત મારી, ગાળો ઓકતો મેજર ચાલવા માંડ્યો.
એ રાત્રે બેરેકની નરમ પથારીમાંયે એ ન ઊંઘી શક્યો. કપાયેલો હાથ એને ખેંચીને ચીસો પાડતો હતો... તું હત્યારો છે.. હત્યારો....
- કૂવાના થાળા પાસેથી હટી જઈ એ ઝૂંપડીમાં પાછો આવ્યો. ખાટલામાં પડતાં જ છાપરાના બાકોરામાંથી કપાયેલો લોહિયાળ હાથ લટકવા લાગ્યો.
ધીમે, ખૂબ ધીમે, અસહ્ય બોજ ખેંચી જતા વૃદ્ધની જેમ દિવસો ઘસડાતા જતા હતા. એ ભાવવિહીન, સુક્કી આંખે રખડ્યા કરતો, જોયા કરતો. ગામમાં બધે જ ગરીબી હતી. લાંબી લડાઈને લીધે વસ્તુની અછત હતી. ભાવો વધી ગયા હતા. ગામનો યુવાનવર્ગ લડાઈમાં કાં તો ખપી ગયો હતો યા તો અપંગ બની બોજ બની ગયો હતો.
એની પત્ની અને નાનો ભાઈ દિવસ-રાત ઢસરડો કરતાં ત્યારે માંડ નભી શકતું. એ કૂવાના થાળા પર બેસી ઉજ્જડ ચહેરે સૌને જોયા કરતો. પોતાના પર ખુન્નસે ભરાતો. હા, એ જ ગુનેગાર હતો. સૌનાં સુખ-શાંતિ એણે હણી નાખ્યાં છે. જે દેશને એ પરાભવ આપીને આવ્યો એ દેશનું જીવન છિન્નભિન્ન થઈ ગયું અને જે દેશને માટે એ જ્વલંત વિજય લઈ આવ્યો છે એ દેશનાં લોકોનું ય જીવન છિન્નભિન્ન છે ! સાચે જ, એ કાતિલ છે. પોતાની પત્નીને પૂરું ખવડાવી નથી શકતો. એ વિજયની ફૂલમાળાને એ શું કરે? છતાં નવાઈની વાત હતી કે લોકો એની પર રોષે ભરાતા નહોતા ! એ બહાદુર ગણાતો હતો.
એ વસ્તીથી ડરતો હોય એમ સૌથી દૂર ભાગતો... જંગલોમાં આથડતો, નદી કિનારે બેસી ઘાસને હાથથી ખેંચ્યા કરતો.
એનું બાળક એની પાસે દોડી આવતું અને એ છળીને નાસતો. એના લંબાયેલા ટચૂકડા હાથ, એની આંખોના ખૂણામાંથી ઝમી જતું હાસ્ય.... જમીનમાં ઊંડા ખોદેલા ભોંયરામાં એણે બૉમ્બ ફેમક્યો હતો. અંદર આરામ કરતા દુશ્મન સૈનિકો અને એમનો પુરવઠો બધું તત્ક્ષણ ખતમ થઈ ગયું હતું. વિજયના ઉન્માદમાં ગાતા-નાચતા સાથીદારોથી છેલ્લે એ જતો હતો, ત્યાં એના કાને રૂંધાતો, કણસવાનો અવાજ આવ્યો... 'પાણી.' એ અવાજે પગમાં દોરી નાખી. એ અટકી ગયો. પોતાની બાટલીમાંથી થોડું પાણી એ મરતા માણસના અધખુલ્લા મોંમાં રેડ્યું. હોઠ ખુલ્લા જ રહ્યા. પાણી વહી ગયું. છાતી પરના હાથમાં કશુંક સજ્જડ પકડ્યું હતું. એણે હાથ ખોલી નાખ્યો. એક નાનકડો પત્ર હતો :
પૂજ્ય પિતાજી,
તમે કુશળ હશો. હવે તહેવારો નજીક આવે છે. મારો જન્મદિવસ પણ. તમે જલદી ઘરે આવો. મારા માટે રમકડાં લાવજો અને મા માટે કપડાં. અમે તમારી રાહ જોઈએ છીએ.
તમારા વહાલા
પુત્રના પ્રણામ
નાના પત્રને તાકતો ક્યાયં સુધી એ બેસી રહ્યો. ધીમેથી ઊઠી ભીના ગાલને લૂછ્યા વિના એ પાછો વળી ગયો.
એની પત્ની એને રાત્રે પ્રેમ કરતી અને એની છાતીમાં મૂંઝારો થઈ જતો. એના સાથીદારો મોજ ઉડાવવા સ્ત્રીઓને ખેંચી જતા, એમનાં અટ્ટહાસ્યથી એના કાન ભરાઈ જતા. એ પત્નીને હડસેલી પરસેવે રેબઝેબ ઊભો થતો. પત્નીના રુદનમાં મડદાને ફોલતા ગીધનો અવાજ સંભળાતો ઠક... ઠક...
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર