તિલકા

18 Mar, 2017
12:00 AM

PC: shutterstock.com

(વાર્તાકારઃ ધૂમકેતુ)

મોતીરામને પહેલાં તો નવાઈ જ લાગી. કોઈ દિવસ બે શુકન વિના ગોપાળની વાત ન કરનારી તિલકા આજે આ શું બોલી રહી હતી?

એમણે એક પળભર તિલકા સામે જોયું. એના ચહેરામાં ખરેખર કાંઈક ફેરફાર હતા. એણે જે કહ્યું તેની સચ્ચાઈ ત્યાં બેઠી હતી. પણ એ તિલકાનું ભલું પૂછવું ! ઘડી ઘડીના રંગ બતાવનારને હાથે પાછો પોતે મૂરખ ન બની જાય માટે મોતીરામ સંભાળથી બોલ્યા : 'લે, આજ તો તારી રસોઈ પણ કાંઈ ઓર બની છે! કાંઈ થયું છે કે શું?'

'થાય શું? મારી રસોઈ તો હંમેશાં આવી હોય છે. પણ તમારું મન ઠેકાણે હોય તો ને? પણ મેં કહ્યું એ વાત કેમ ખાઈ ગયા? ગોપાળને ક્યારે બોલાવવો છે?'

'બોલાવીશું, બોલાવીશું. હજી તો હમણાં જ ગયો છે!'

'હમણાં શેણે ગયો છે? આજ દિવસ થાશે પંદર!'

'પણ એક-બે મહિનો રહેવા તો દે. મામી જરાક ખોખરો કરશે, તો તારો જીવ લેતો આળસશે! હું એને બોલાવું તો આંહીં આવશે કે પાછી તારે એની એ પંચાત ! નહાતાં, ખાતાં, વાત કરતાં, રમકડાં આપતાં રડ રડ ને રડ ! ને મહિનો ભલે ત્યાં રહ્યો !'

'પણ મને સૌ ખાઈ જાય છે!'

'એ તો બોલે સૌ. બે દિ' બોલશે. એમને વીતે તો ન બોલે!'

તિલકાની આંખમાંથી દડદડ આંસુ પડવા લાગ્યાં.

મોતીરામ બોલ્યા : 'અરે! પણ એમાં રડે છે શાની? બીજાં બોલે છે, પણ મેં કહ્યું છે તને કાંઈ?'

'તમે કહ્યું નથી, પણ મને હવે તો જાણે સૌ કહી રહ્યાં છે!'

'સૌ એટલે કોણકોણ? એક તો આપણાં ઝમકુકાકી હશે, એ ચોવીશે કલાક નવરાં છે!'

તિલકા આંખ લૂછીને ગંભીર થઈ ગઈ. 'મને સૌ કહી રહ્યાં છે. ઝમકુકાકી પણ નહિ. ને જડાવમામી પણ નહિ. એ કોઈ કાંઈ બોલતાં નથી ! પણ બીજાં મને બોલી રહ્યાં છે !'

'એકનું નામ લે ને!'

'એક તો જાણે, આ તમારી જૂઈની વેલી!'

'જૂઈ વેલી?' મોતીરામ, સાંભળીને નવાઈ ન પામી ગયા. પહેલાં તો એ કાંઈ સમજ્યા નહિ. પોતાની બીજી વહુ પણ, ગાંડી થઈ ગઈ કે શું? એવું એમના મનમાં લાગતાં એ ગભરાટમાં પડી ગયો. એમની પહેલી વહુ નર્મદા સુવાવડમાં ગાંડી થઈને મરી ગઈ હતી. ને છ વરસના ગોપાળને સાચવવાનું એમના માથા ઉપર આવ્યું હતું. એમણે માન્યું હતું કે તિલકા એ છોકરાને જાળવી લેશે. પણ તિલકા તો દિવસના એક હજાર રંગ દેખાડનારી અજબની બાઈ નીકળી. ગોપાળને સાચવવાનો તો એક બાજુ રહ્યો. પણ ગોપાલના વાંક વિનાની એક વાત એની પાસે ન હોય! તેલ ગોપાળે ઢોળ્યું હોય. પ્યાલો ગોપાળને સંભાળતાં ફૂટી ગયો હોય.દાળ દાઝી હોય તો પ્રતાપ ગોપાળનો હોય. દૂધ ઊભરાઈ ગયું હોય, પણ એ તો ગોપાળ કૂતરાની પાછળ દોડતો હતો, ને પોતે એને લેવા દોડી તેમાં એમ થયું હોય !

આખા ઘરની ગેરવ્યવસ્થા ગોપાળને નામે ચડતી. ગોપાળને નામે બધી જ વાત બનતી. અને હંમેશાં સાંજે તો આ છોકરાથી થાકીને તિલકાએ રોવાનું જ બાકી રાખ્યું હોય! ને તે પણ મોતીરામને દેખતાં જ શરૂ થાય! એટલે મોતીરામ થાકીને ગોપાળને એના મામાને ત્યાં મૂકી આવ્યા હતા. ત્યાર પછી ઘરમાં શાંતિ હતી. પણ આજે તિલકાને આવી વાત કરતી જોઈને મોતીરામ આશ્ચર્યમાં પડી ગયા ! એમને પહેલાં લાગ્યું કે સૂરજ પશ્ચિમમાં ઊગવાનો કે શું?

પણ જૂઈની વાત સાંભળીને તો એ ગભરાટમાં પડી ગયા! એમને થયું કે, તિલકા પણ ગાંડપણને પંથે વળી કે શું? તેમણે તેની સામે જોઈને કહ્યું : 'આવી ગાંડી વાત શું કરે છે? જૂઈની વેલી ક્યાંય બોલતી હશે?'

'જૂઈની વેલી તો બોલે છે. પણ પેલો કરેણનો છોડ પણ બોલે છે! એ પણ કહે છે, બાઈ! તારો દીકરો તેં ક્યાં મૂક્યો?' તિલકા કાંઈક આવેશથી બોલી.

'લે હવે ગાંડાં કાઢ મા, ગાંડા. બોલ, આજ આપણે જાવું છે સિનેમામાં?'

'ગોપાળ વિના નહિ!' તિલકા બોલી.

'પણ તને થયું છે શું તિલકા? કેમ આમ અચાનક ગોપાલની વાત કરવા મંડી છે? એક મહિનો એ ભલે ત્યાં રહ્યો!'

'પણ મને જાણે તમારું આખું ફળી ઠપકો આપતું સંભળાય છે!'

'હવે ઘેલાં કાઢ મા, ઘેલાં!'

મોતીરામ સમજી શક્યા નહિ કે આવો અચાનક ફેરફાર તિલકામાં ક્યાં આવી ગયો? એણે ક્યાંક પુસ્તકમાં વાંચ્યું હતું કે, આવા અચાનક ફેરફારો ગાંડપણની આગાહી કરે છે!

આ તિલકા પણ ગાંડી થઈ જશે તો દુનિયા આખી એને હસશે! 'ભૂલી ગયો' તે પ્રેમથી બોલ્યા : આપણા ફોટા આવ્યા છે?' તે બહાર જઈને કોટના ખિસ્સામાંથી ફોટા લઈ આવ્યા.

પણ તિલકાએ તો તેની સામે પણ જોયું નહિ!

મોતીરામને આ ફેરફારનું મૂળ સમજાયું નહિ.

એટલામાં ત્યાં ફળીમાં રહેનારી કાળવી કૂતરી બારણે આવી ચડી. મોતીરામને નવાઈ લાગી. તિલકા આ કૂતરી સામે જોઈ રહી હતી. એમને લાગ્યું કે ખરેખર! આ તો ગાંડપણની શરૂઆત લાગે છે. તેની પછવાડે ચાર નાનાં ગલૂડિયાંની લંગર લાગી હતી. એટલામાં તો 'બિચારાં!' એમ બોલીને તિલકા તરત ત્યાંથી ઊભી થઈ ગઈ.

મોતીરામને એની વાતમાં કાંઈ સમજણ પડી નહિ. કૂતરીનાં ચાર ગલૂડિયાં તરફ જોઈને એમને કાંઈક સાંભરી આવ્યું હોય તેમ બોલ્યા : 'આની ભેગાં બે બીજા બચ્ચાં કોનાં આવ્યાં છે? આ પણ આખા મલકનાં ભેગાં કરે છે!' તિલકા મોતીરામને જવાબ આપતી હોય તેમ ધીમેથી બોલી : 'હું પશુમાંથી પણ ગઈ એમ?'

'શાની વાત છે?' મોતીરામે ઉતાવળે પૂછ્યું.

'આ બધાં બચ્ચાં આનાં નથી, એ તમને ખબર છે?'

મોતીરામને નવાઈ લાગી. તેણે વાત આગળ વધારવા માટે જ કહેવાની ખાતર કહ્યું : 'ના.'

'ત્યારે જુઓ. પેલી આપણી લાલ કૂતરી બે દિવસ પહેલાં, મોટરમાં આવી ગઈ! અને એના ફુડકેફુડદા થઈ ગયા!'

'અરર ! પણ એને તો બિચારીને બે વચ્ચાં હતાં!'

'તે બે દિ તરફડતાં રહ્યાં હોતાં ફર્યા. ત્રીજે દિવસે આ કાળવીએ પોતાનાં બે બચ્ચાં સાથે એમને જાળવી લીધાં છે! આજ બે દિવસ થયાં હું એ જ જોયા કરું છું. એના બચ્ચાં પેલી મરેલી માનાં બચ્ચાંને લડે છે, તો આ પક્ષ, નમાયાંનો ખેંચે છે ! અને આ તો પશુ છે! મને લાગે છે. મને આ આખું ફળી જાણે એકલી બેઠી હોઉં ત્યારે ઠપકો આપે છે! તું પશુમાંથી પણ ગઈ?' અને તિલકા રોટલો લાવીને પેલાં બચ્ચાં પાસે ભૂકો કરવા બેસી ગઈ. મોતીરામ એ જોઈ રહ્યો. એટલામાં તિલકાની આંખમાંથી દડદડ આંસુ પડવા મંડ્યાં. તે પોતાના પાલવથી આંસુ લો'તી બોલી : 'તમારે મને પશુમાંથી પણ કાઢવી ન હોય તો ગોપાલને તેડાવી લ્યો! આ તમામ વૃક્ષો ને વેલી ને ફળી પણ જાણે મને કાંઈક કહી રહ્યાં હોય તેવું લાગે છે! હું પશુથી પણ નપાવટ થઈ ગઈ એમ?'

મોતીરામ તો વાતનો આવો અંત જોઈને એક પળભર સ્તબ્ધ જ થઈ ગયા!

એટલામાં તિલકા બોલી : 'તમે ગોપાલને બોલાવવાનું કરશો તે પછી જ મારે ઘી ખપે તેમ છે!'

'આ પશુને કોણ કહેવા આવ્યું છે કે, તું નમાયાંને સંભાળી લેજે! એને કોણે કહ્યું. કહો?'

'અરે! આવી વાતમાં તે શું જીવ રાખે છે?' મોતીરામ બોલ્યા.

'તમે મને પેલી વાત કહી હતી તે મને સાંભરે છે. પેલા એક સાધુ હિંદ છોડી જતા હતા ત્યાં ત્રણ નમાયાં કૂતરાનાં બચ્ચાંને જોઈને પોતાના અંચળામાં એમને રાખી લીધાં. એ કોની વાત છે?'

'એક સાધુ હતા. અતીશા એનું નામ.'

'એ હૃદય કેવું હશે? જેણે પેલાં ત્રણ નમાયાં બચ્ચાંને પોતાનાં કરી લીધાં!'

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.