રતિનો શાપ
સૃષ્ટિમાં જાણે ક્યાંય ચેતન ન હોય એવી નિઃસ્તબ્ધતા પ્રસરી ગઈ હતી. બરફના પહાડો તદ્દન શાંત ઊભા હતા, દેવદારનાં વૃક્ષો પર ભીનાં પાન સ્થિર થઈ ગયાં હતાં. ખીણો, ડુંગરાઓ, પર્વતમાળાઓ બધાં ગુપચુપ ઊભાં હતાં. પક્ષીઓ ચાંચ બીડીને એક દૃષ્ટિથી બરફના પહાડો તરફ જોઈ રહ્યાં હતાં. જલબિંદુઓ નિરાધાર વાદળાં પર બેસી ગયાં હતાં. ફૂલો નીચે નમીને પૃથ્વી પર મોં છુપાવી ગયાં હતાં. આકાશ, પૃથ્વી ને પર્વતમાળા સર્વ સ્થળમાં, ન વીંધી શકાય, ન જાગ્રત કરી શકાય, ન સહન કરી શકાય, એવી એકધારી અખંડ નિઃશબ્દતા વ્યાપી ગઈ હતી.
પાંખ પર પાંખ ચઢાવીને સૂતેલા નાના પંખીની માફક સમય ને આકાશ બન્ને નિદ્રાધીન થયાં હતાં. એક પણ વાદળાને રંગ્યા વિના, એક પણ કિરણનો પ્રતાપ બતાવ્યા વિના સૂર્ય આથમી જતો હતો, અને ચારેતરફની દિશાઓ લાંબાલાંબા એકલા શૂન્ય માર્ગની જેમ કૈલાસ પર્વતની સામે પથરાયેલી પડી હતી. ધોળા બરફમાંથી કોતરેલી સુંદર નૌકાઓ જેવાં દેવોનાં વિમાનો શૂન્યતાના સાગરમાંથી નીરવ વહી જતાં હતાં. કંકણનો પણ અવાજ ન થાય માટે દેવોની સ્ત્રીઓએ કંકણને હાથ પર ચડાવી લીધાં હતાં. હંમેશના ગાવાવાળા ગંધર્વો ભારે હૈયે એકલી આંગળી ચલાવી રહ્યા હતા. મૂંગા મૂંગા ડોકિયું કરીને દેવો ગુપચુપ નીચે હિમાલય તરફ જોઈ રહ્યા હતા. નીચે એક પર્વતની ટોચ પર, હડપચીએ હાથ મૂકીને, એકલો નંદી બેઠો હતો - શાંત, સ્થિર, સ્વામીની આજ્ઞા સાંભળવા કાન માંડીને બેઠેલો પોઠિયો, પથ્થરની કોતરેલી મૂર્તિ હોય તેવો, તદ્દન અચેતન બન્યો હતો. તેની પાસે નિદ્રા લેતી સ્ફૂર્તિ હોય તેવો શંકરનો ગળાનો હાર સર્પ ફેણ ચડાવીને સ્થિર થઈ ગયો. અને ત્યાં - બરફના ધોળા પહાડ ઉપર - જેના ખોળામાં દક્ષયજ્ઞમાંથી અચેતન બનેલું સતીનું શબ પડ્યું છે. જેનાં નિષ્પન્દ નેત્રો સતીની માનસી છબી નિહાળી રહ્યાં છે. અગાધ અને તેથી જ શાંત વિરહની વેદના જેના મોં પર જોવાતી નથી પણ જણાય છે. કોઈ નિર્વિકલ્પ સમાધિમાં હોય તેમ જેની દૃષ્ટિ શાંત ને સ્થિર બની ગઈ છે. - તેવા કૈલાસ પર્વતના રાજા શંકર, કોઈ જુગજુગનો સાથ છોડીને, ચાલી જતી સતીની અદેહી પ્રતિમાને નિહાળી રહ્યા હતા. અને આવી મહાશક્તિ શાંત બનતાં તેનો પડઘો પડતો હોય તેમ, સર્વત્ર શોક પથરાઈ ગયો હતો. આ શોકસાગરમાં પસાર થતાં દેવો, ગંધર્વો, કિન્નરો ને દેવોની સ્ત્રીઓએ એક ક્ષણ નીચે જોયું અને શંકરની પ્રેમસમાધિ નિહાળીને તેમની આંખ ભીની થઈ ગઈ.
પણ આ શૂન્યતાના સાગર સિવાયનો હિમાલયનો બધો પ્રદેશ ગગનભેદી અવાજોથી ભરપૂર રહેતો હતો. વિશ્વકર્માએ ચાંદનીથી લીંપીને ધોળી બનાવી હતી તેવી ઈન્દ્રથી વિહારનૌકા માનસરોવરમાં સોનેરી જળ પર ચાલી રહી હતી. ઈન્દ્ર તથા તેની માનીતી અપ્સરા સંધ્યાના રંગમાંથી સરજાવેલાં સોનેરી ફૂલો પાણીમાં નાખતાં હતાં. અને તેમને લેવા રૂપેરી માછલીઓ દોડી રહી હતી. તે વખતે કિનારા પર ભયંકર અવાજો દેતા તારકાસુરના રાક્ષસો આવ્યા, અને તેમનો સ્વામી જલવિહાર કરવા આવે છે એ સમાચાર ઈન્દ્રને આપ્યા. અવનત મુખ કરીને ઈન્દ્ર બહાર નીકળી ગયો અને રાક્ષસોના મશ્કરી ભરેલા અવાજ વચ્ચે થઈને ગુલામની માફક ચાલ્યો ગયો. હિમાલયનો કોઈ પ્રદેશ દેવો માટે નહિ હતો, સર્વત્ર તારકાસુરની આણ વર્તાતી હતી, અને એના નામમાત્રથી દેવોનાં બાળકો ધ્રૂજતાં હતાં. તારકાસુરે દેવો પાસેથી સારાસારા રસાળ મુલકો પડાવીને પોતાના રાક્ષસોને તેમાં ખેતી કરવા મૂક્યા હતા.
રાક્ષસો માટે હિમાલયની વિશાળ પર્વતમાળા ફરવાના મેદાન જેવી બની રહી હતી. માનસરોવરમાંથી નીકળતાં મોતી માત્ર તારકાસુર જ પહેરી શકતો. આકાશમાં વિમાનના માર્ગ નક્કી કર્યા હતા, રમણીય અને ઠંડા મુલક ઉપર માત્ર તારકાસુરનાં જ વિમાનો ફરકતાં. દેવો પરાધીન બન્યા હતા. સર્વત્ર પરાધીનતામાંથી જન્મેલી ગુલામી મનોદશા, ઈર્ષા અને કુસંપ ફેલાવી રહ્યાં હતાં.
*
પોતાની ધોળી રૂપેરી લાંબા વાળની દાઢીને હાથથી સમારતાં સમારતાં ઊંડા ચિતંનમાં હોય તેમ બ્રહ્મદેવ આંખો મીંચીને એક ગુફામાં બેઠા હતા. આજે ઈન્દ્રનું વિમાન તારકાસુરે મંગાવ્યું હતું. અપ્સરાઓને પોતાને ત્યાં નૃત્ય કરવા બોલાવી હતી. અને આવતી કાલથી દેવોનાં બાળકો તારકાસુરને પગે લાગવા જવાનાં હતાં. તારકાસુર તેમને દરેકને એક-એક મોતી ઈનામમાં આપવાનો હતો.
સર્જનનું સઘળું રહસ્ય જેના અનુભવમાં હતું, એવા બ્રહ્મદેવ, તારકાસુરને હણે તેવું સર્જન કરાવવા માટે ઊંડું ચિંતન કરી રહ્યા હતા ; તેમણે દેવોનાં મંડળોમાંથી એક પછી એક નામ શોધી જોયાં. નાનાં બાળકોનું તેજ માપી જોયું, અપ્સરાઓમાંથી કોઈ અદ્દભુત સત્વ જન્મવાની શક્યતા વિચારી જોઈ. ઋષિઓનાં મંડળ ગણી જોયાં, અને અત્યંત નિરાશાથી તેમણે એકલાંએકલાં માથું ધુણાવ્યું : તારકાસુરને હણે એવા નરપુંગવને જન્મ આપનાર કોઈ પણ સ્ત્રી દેવજાતિમાં હતી નહિ, તારકાસુરને હણે એવા બાળકનો પિતા થનાર કોઈ પણ પુરુષ દેવજાતિમાં હતો નહિ. દેવજાતિએ પોતાનું હીર ગુમાવી દીધું હતું. કોઈ નિષ્કલંક, મહાઆદર્શધારી, તારકાસુરને હણી શકાય એવી મનમાં પણ હિમ્મત રાખનાર યુગલ મળી આવે એ માટે દેવજાતિનાં એક પછી એક બધાં કુટુંબો, તેમણે ફરી વાર મનમાં ગોઠવ્યાં : ઈન્દ્ર - એના કુટુંબનાં બધાં માણસો પાણી જેવી આછી રેશમી ઓઢણીમાં શણગારાયેલી અપ્સરાઓ સાથે જલનૌકામાં વિહાર કરવા જેટલી જ યોગ્યતા ધરાવતાં હતાં, અને એ પ્રમાણે ઘણાં કુટુંબો પોતાનું તેજ ખોઈ બેઠાં હતાં, બ્રહ્મદેવે નવા સર્જન માટે નિરાશા બતાવી, અને ઊંડી વેદનાથી માથું ધુણાવ્યું.
અને અચાનક તેમના મનમાં શંકરનું નામ ઊગી નીકળ્યું. સતી જો ફરી સચેતન થાય. અને શંકર જો પ્રેમસમાધિમાંથી જાગે, તો આ એક તો શું પણ દશ હજાર તારકાસુરને હણે તેવો નરપુંગવ દેવજાતિમાં જન્મે. તે ઊભા થઈને જોરથી પોતાની ગુફામાં આંટા મારવા લાગ્યા. અમૃતનો કુંભ ઉઘાડીને જોયો તો તે છલોછલ અમૃતથી છલકાતો હતો : સતી તો સચેતન થાય. પણ શંકરને એની પ્રેમસમાધિમાંથી કોણ જગાડે? એ શોકસાગરને કાંઠે ઊભા રહેવાની હિમ્મત પણ કોણ કરે? એ નીરવ પ્રદેશમાં ગયા પછી શિલા જેવો જડ થઈને ઊભો ન રહે એવો કોણ હોય? જે પ્રદેશમાં અવાજ કરવાની તારકાસુરની પણ હિંમ્મત નથી, તે પ્રદેશમાં જઈને શંકરને કોણ જગાડે?
અને તેમને એક અત્યંત સુખી યુગલ યાદ આવ્યું : દેવજાતિમાં એ યુગલ જેવું કોઈ હતું નહિ, ખીલતા ફૂલ જેવું તાજગીભર્યું જીવન એ ગાળતું. જ્યારે જુઓ ત્યારે એ આનંદથી મલકાતું હોય, બીજા દેવોમાં નિત્યયૌવન હતું. આ યુગલમાં નિત્યપ્રેમ હતો. શૂન્યતાને તો આવા અમર પ્રેમના સ્પર્શ વિના બીજું કોણ જગાડે? - નીરવતાને તો આવા નિત્યપ્રેમ વિના બીજું કોણ બોલાવે? પણ એ વિચાર આવ્યો ન આવ્યો અને તરત જ દેવજાતિના ઉદ્ધાર માટે નવા સર્જનની આશા રાખનાર વૃદ્ધ પુરુષના પગ પણ ઢીલા પડ્યા, હાથ ધ્રૂજવા લાગ્યો. ઉત્સાહ ઊડી ગયો. અને જાણે કોઈ ભયંકર દોષ કર્યો હોય તેમ ઘડીભર સ્થિર થઈ ગયા. અત્યંત દુઃખથી માથે હાથ દઈ તે બેસી ગયા. અને વેદનામાં ને વેદનામાં તેમનાથી બોલાઈ ગયું : 'ઓ દેવજાતિ! તારા ઉદ્ધાર માટે આવો મોંઘો બલિ - અરે! મને પ્રાણથી પણ વહાલા એવા યુગલનો બલિ - દેવો પડશે એ દુઃખ સહ્યું જાતું નથી. દેવજાતિમાં એક નરપુંગવ જન્મશે, પણ દુનિયાએ ક્યારેય નહિ નિહાળેલું એવું એક સુખી યુગલ હંમેશને માટે વિખૂટું પડશે.'
પોતે સર્જેલી કોઈ ઉત્તમ કૃતિને બાળતાં જે દુઃખ કલાકારને થાય તેવા દુઃખથી બ્રહ્મદેવ ઘડીભર મૂર્છિત જેવા થઈ ગયા. શંકરને પ્રેમસમાધિમાંથી જગાડનાર બીજું કોઈ જ એમને મળ્યું નહિ. પાદુકા પર ચડીને ગુફાની બહાર નીકળ્યા ત્યારે તેમના ચહેરામાં અકથ્ય દુઃખની છાયા છવાઈ રહી હતી. આડેઅવળે માર્ગે થઈને તે એક સુંદર વાડી પાસે આવીને ઊભા.
*
હરઘડીએ કાતરી કાતરીને નિયમિત બનાવેલા બગીચા જેવી એ વાડી ન હતી. મોટામોટાં લાંબાં વૃક્ષોથી શણગારાયેલો વિશાળ બાગ પણ ન હતો, પરંતુ ગુલાબની પાંખડીથી ઢંકાયેલું ડોલરનું ફૂલ હોય, જાણે છીપમાં બેસી હસતું મોતી હોય. જાણે રજનીરાણીએ પાડેલું પ્રેમનું આંસુ હોય. તેવું સુંદર નાનું સરખું એ ઉદ્યાન હતું. એ સ્થળમાં જાણે અકાલે વસંત ખીલતી હોય તેમ ફૂલેફૂલમાં કળીએ કળીમાં,પાનેપાનમાં તાજગી ભરી હતી. બધી ઋતુનાં ફૂલ એકસાથે ખીલ્યાં હતાં : પ્રેમનું જ સામ્રાજ્ય હોય તેમ મયૂર નાચતા હતા. અને સામે સર્પ એ નૃત્ય પ્રમાણે ડોલી રહ્યા હતા. અંદર કિલકિલાટ હસતાં, ઘડીક ગુલાબના ક્યારામાં, તો ઘડીક ડોલરનાં પૂલોમાં દોડી દોડીને એકબીજાને પકડવા મથતાં, સ્ત્રી અને પુરુષ ખેલી રહ્યાં હતાં. બન્નેમાં કોણ રૂપાળું હતું એ કળવું મુશ્કેલ હતું. પરંતુ બન્નેના ચહેરા પર એટલો નિર્દોષ આનંદ હતો. એવી રમણીય છટા હતી કે જાણે એમને જોતાં જોતાં જ થંભી જઈએ, અને એ સુખદ અનુભવમાંથી ફરી જાગીએ જ નહિ : જ્યાં જ્યાં એ દોડતાં હતાં ત્યાં ત્યાં જાણે પાન, કળી અને ફૂલ, પથ્થર, ઝાડ ને પાણી, પંખી, પશુ ને સજીવ સૃષ્ટિ નવા રંગે રંગાઈ જતાં હતાં. કામદેવ અને રતિનું આવું સુંદર અનુપમ યુગલ બ્રહ્મદેવ નિહાળી રહ્યા : અને બેમાંથી એક હોમાશે ત્યારે જ દેવજાતિનો ઉદ્ધાર થશે. એ વિચાર આવતાં, વૃદ્ધ બ્રહ્મદેવની આંખમાંથી પણ આંસુ ખર્યા.
*
બ્રહ્મદેવની પાદુકાનો અવાજ સાંભળીને બન્ને થંભી ગયાં. જાણે કોઈ ભયંકર ભવિષ્યની આગાહી થતી હોય તેમ રતિ, કામદેવને ખભે માથું મૂકીને, ડુંગરામાંથી આવતો એમની પાદુકાનો પડઘો સાંભળી રહી : કામદેવ પોતાના પિતાને આવતા નિહાળી, જરાક ઠાવકો થઈને સામે ચાલ્યો : રતિ તેની સાથે સાથે ચાલી. આવું સુંદર નિત્યયૌવનભર્યું. નિત્યપ્રેમભર્યું. માત્ર કલ્પનામાં જ જન્મે તેવું, સુખી યુગલ નિહાળીને બ્રહ્મદેવ ઘડીભર ડગ્યા : અને દેવજાતિના ઉદ્ધારનું સ્વપ્ન વીસરી જવા લાગ્યા.
કમળપત્રમાં અમૃત જેવો સોમરસ લઈને કામદેવ આગળ આવ્યો. એક જગ્યાએ પારિજાતનાં ફૂલની બિછાત હતી, ત્યાં ત્રણે જણાં બેઠાં.
ગુલાબની પાંખડીના બનાવેલા સુંદર પાત્રમાં કામદેવે સોમરસ રેડ્યો અને પાસે મૂક્યો.
આજે આ સુખી યુગલનો છેલ્લો દિવસ છે એ વિચાર આવતાં બ્રહ્મદેવ ફિક્કા પડી ગયા, અને પેલા પાત્રમાંથી થોડો સોમરસ લઈને પોતે પીવા લાગ્યા, પણ તેમનું મન એટલું બધું વિહવળ હતું કે ભવિષ્યના ભયને લીધે તેમની ધોળી દાઢીના વાળ ધ્રૂજતા.
'કામદેવ,' મન કઠણ કરીને સોમરસ પીતા પીતા તે બોલ્યા, 'તારો ખપ પડ્યો છે.'
'શું?'
સતી અચેતન થયાં છે, શંકર પ્રેમસમાધિમાં પડ્યા છે, તારકાસુર દેવોને હણે છે. અને દેવો તેને હણનાર એક નરપુંગવની રાહ જુએ છે.
કામદેવ સાંભળી રહ્યો : ભયથી ધ્રૂજતી રતિ કામદેવ પાસે સરી, અને તેણે કંઠમાં ધારેલી ડોલરની કળીની માળા, કામદેવના સ્પર્શથી, ફૂલની માળા બની ગઈ. રતિ પોતાના રસભરેલા હાથથી કામદેવના કેશ સમારી રહી.
'અને આ હિમાલય જેવી દેવભૂમિ આજે અસુરોના હાથમાં જઈ પડી છે. કામદેવ, બેટા! તારા જેવો રૂપરૂપનો સાગર પુત્ર ફરી જન્મશે નહિ : રતિના જેવી સુંદર સ્ત્રી ફરી જન્મશે નહિ : પણ દેવભૂમિ ભોગ માગે છે.'
'કોનો?' રતિએ અધીરતાથી પૂછ્યું.
નીચાં નેણ ઢાળીને બ્રહ્મદેવે વેદના દબાવી. મંદ સ્વરે જવાબ વાળ્યો :
'કામદેવનો!'
એક તીક્ષ્ણ ચીસ પાડીને રતિ નીચે ઢળી પડી. કમળના પાનથી કામદેવ તેને પવન નાખવા લાગ્યો, મોતીની પ્યાલીમાં સોમરસ રેડીને ગુલાબની પાંખડીથી તેના હોઠ ભીંજવવા લાગ્યો.
રતિએ થોડી વારમાં નેણ ઉઘાડ્યાં, અને જાણે અમૃતનો સાગર પીતી હોય તેમ કામદેવના રૂપને પીવા લાગી, નિષ્પનદ નેણે કામદેવને નિહાળી રહી, નિહાળી રહી, નિહાળી રહી, નિહાળી જ રહી! કેટલો સુંદર, રૂપરૂપના સાગર જેવો, તાજો યૌવનભરેલો એ ચહેરો હતો!
બ્રહ્મદેવ ફરી બોલ્યા : 'દેવનાં સંતાનો. તમારી પાસેથી હું શ્રેષ્ઠ બલિદાન યાચું છું. અણસમજીને તમે આપેલું નહિ - સમજીને આનંદથી તમે આપેલું. જુઓ -' અને તે પુરુષની નિશ્ચલતા સરવા લાગી. તેની આંખો ભીની થઈ ગઈ. રતિ અવાજ વિનાનું શાંત રુદન કરવા લાગી. કામદેવ જરાક ફિક્કો પડી ગયો : તે પોતે રતિનાં આંસુ લૂછવા લાગ્યો.
બ્રહ્મદેવ ફરી સ્થિર થયા : 'જુઓ, શંકરની પ્રેમસમાધિ છોડાવવા કામદેવ, તારે પોતાને જ જવું પડશે. અને જ્યારે ત્યાં ઠરી ગયેલી સૃષ્ટિ તારા પ્રભાવથી જરાક હાલવા માંડશે. જ્યારે બધે ગતિ થશે, જ્યારે કળીમાંથી ફૂલ ખીલવા માંડશે. પક્ષીઓ સંચાર કરશે, પોઠિયો કાન ફફડાવશે, પેલો સર્પ જરાક હાલશે, ત્યારે સૃષ્ટિમાં આ પ્રાણસંચાર ક્યાંથી થયો તે જોવા માટે શંકરનું ત્રીજું નેત્ર ખૂલશે. અને.....'
'અને શું?'
'અને તું એ અગ્નિમાં ભસ્મ થશે! તારી ભસ્મમાંથી જન્મેલું નવું જીવન દેવજાતિનો ઉદ્ધાર કરશે!'
રતિની આંખમાંથી ખરખર આંસુ ચાલવા લાગ્યાં!
'અને આ મારો રસિક કંથ મને પાછો ક્યારે મળશે?'
તેણે બ્રહ્મદેવને અધીરાઈથી પૂછ્યું, એ મને પાછો ક્યાં મળશે? અરે, આવું અમારું અખંડ યુગલ તમે કેમ તોડો છો?
વજ્રનો ઘા પડ્યો હોય તેમ બ્રહ્મદેવ આંખો મીંચી ગયા : 'એ વિયોગ, રતિ! એક-બે ઘડીનો નથી, એક બે દિવસનો નથી, બે પાંચ વરસનો નથી. એક બે યુગનો નથી : સનાતન અને અખંડ છે, તમારું આ યુગલ પાછું સદેહે કોઈ દિવસ મળી શકશે નહિ!' અને તે પોતે પોતાના શબ્દોથી વીંધાઈ ગયા હોય તેમ આગળ બોલી શક્યા નહિ.
'હેં! અમારે પાછું ક્યારેક મળવાનું પણ નહિ!' એટલું બોલતી રતિ કામદેવના કંઠે વળગી પડી, અને તેના ખોળામાં ઢળી પડી. 'ઓ મારા કામદેવ!' તેણે હૃદય વીંધી નાંખે તેવો મૂંગો વિલાપ શરૂ કર્યો.
કામદેવે તેના સોનેરી વાળ હાથમાં લઈને પોતાની આંખો ઢાંકી દીધી. એક ઘડીભર એ બોલી શક્યો નહિ. હાથથી પોતાના કેશ સમાર્યા. પણ હવે ઘડી બે ઘડી પછી જેની સાથે જુગજુગનો અખંડ વિયોગ થવાનો છે તે રતિને સ્પર્શ કરતાં તેની આંખમાંથી એક-બે આંસુ જોર કરીને નીકળી પડ્યાં. તેણે અત્યંત કોમળતાથી રતિના સુંદર હોઠને અમૃતબિંદુથી ભીંજવ્યા : અને પોતાના ખોળામાં તેના રૂપના સાગર જેવી મૂર્તિ બેઠી કરી : કદાચ આ છેલ્લો-છેલ્લો જ સ્પર્શ હશે!
'બ્રહ્મદેવ ! બ્રહ્મદેવ?' - રતિ બેઠી થઈને બોલી, તેણે તેને સંબોધવા લાંબો કરેલો કમળ જેવો હાથ ચિતરામણ જેવો શોભી રહ્યો - 'મારા કામદેવને લઈ લેવો હોય તો મને પણ લઈ જાઓ. અરે કામદેવ વિનાના જીવનને હું શું કરું? અને તે પણ પાછું અમર જીવન. મારે કોઈ દિવસ મરવાનું પણ નહિ. અને મારા કામદેવને મળવાનું પણ નહિ - આવો અખંડ તાપ શે સહેવાય?'
'મને દેવ મટાડીને મનુષ્ય તો કરો - છેવટે એટલું તો કરો, એટલું તો કરો - કે જેથી હું ક્યારેક પણ મરું તો ખરી! બ્રહ્મદેવ મને મરવાનો આનંદ આપો.'
રડતું સૌંદર્ય નહિ જોવાયાથી જેણે આંખો મીંચી હતી, આવું યુગલ ખંડિત થાય એ નહિ ખમાયાથી જેણે નેત્રો બંધ કર્યા હતાં, તે બ્રહ્મદેવે એક ઊંડો નિઃશ્વાસ મૂક્યો : 'અરેરે! રતિ, હું પોતે પણ શું કરું? કોણ જાણે શું છે, નવા સર્જન માટે જ્યારે જ્યારે ભોગ જોઈએ છે, ત્યારે ત્યારે તે ભોગ તદ્દન નિષ્કલંક - ચાંદની જેવો ઊજળો ને ફૂલ જેવો તાજો - જોઈએ છે. તું પોતે અખંડ વિરહ સહન કરે અને બલિદાનની ઉગ્રતાથી ગભરાઈ જઈને દુઃખને ટૂંકાવવાનો માર્ગ ન શોધે તો આ શ્રેષ્ઠ બલિદાન દેવોને ખપે - તો જ પેલી નિશ્ચેષ્ટતા હાલે, તો જ આ ભૂમિમાં નરપુંગવ જન્મે. તારે તો આ અખંડ વિયોગ જ રહેશે.'
અને બ્રહ્મદેવ વધુ બોલે તે પહેલાં જેમ માનસસરની હંસી ઢળી પડે તેમ રતિ ઢળી પડી હતી. 'બ્રહ્મદેવ! અમારું યુગલ તોડો મા! મારા કામદેવથી મને છૂટી પાડો મા' - એટલું જ એ બોલી શકી.
બ્રહ્મદેવે કામદેવ સામે જોયું. અત્યંત ઉગ્ર સંયમથી તે બેઠા જેવો થઈ ગયો. દૂધિયા બાળકના શ્વાસ જેવો સુગંધી શ્વાસ જેના મોંમાંથી આવી રહ્યો છે, તેવી રતિના શ્વાસનો સ્પર્શ તેના શરીરને થઈ રહ્યો. તે અત્યંત બળથી બેઠો થયો.
બ્રહ્મદેવ કાંઈ બોલ્યા નહિ, તેને નિહાળી રહ્યા.
આવું અનુપમ સૌંદર્યવાળું શરીર હવે પૃથ્વી પર ફરીને ક્યારેય નહિ દેખાય - એ વિચાર આવતાં તે પોતે પણ આવા શ્રેષ્ઠ બલિદાનના વિચારથી મૂઢ જેવા બની ગયા. કોઈ રસની - કલ્પનાની તદ્દન અસ્પર્શ્ય સુંદર મૂર્તિ હોય તેવો કામદેવ સ્મિત કરી રહ્યો હતો. બ્રહ્મદેવે પોતે એવું સુંદર હસતું, શ્રેષ્ઠ બલિદાન ક્યારેય નિહાળ્યું નહોતું. તેણે કામદેવને ફરીફરીને જોયો - અને બે હાથથી પોતાનું મોં ઢાંકી દીધું. 'કામદેવ!' એટલું જ તે બોલી શક્યા, હવે તું જા. એમ બોલતાં તો તેમનું હૃદય વીંધાઈ જશે તેમ લાગ્યું. તે વધુ બોલી શક્યા નહિ.
પણ અત્યંત દૃઢ સ્વરે કામદેવે જવાબ વાળ્યો : 'પિતા! સર્વશ્રેષ્ઠ બલિદાન તરીકે મને સ્વીકારીને મારી કોમળ દેહ તમે વજ્ર જેવી અભેદ્ય અને અખંડ કરી દીધી. આ બલિદાનથી દેવજાતિનો ઉદ્ધાર થાઓ!'
એક વખત રતિ તરફ ફરીને તેણે તેને નિહાળી : ફરી નિહાળી. વળી નિહાળી : હજી નિહાળી - અરે, મૂર્ચ્છિત સૌન્દર્યને અને સૂતેલા જીવનને જોઈને કોણ રડ્યું નથી?'
અને તે ત્યાંથી ચાલી નીકળ્યો... તદ્દન ધીમે પગલે, પણ દૃઢતાથી, અને બ્રહ્મદેવને નમીને. એ જતાં જાણે જીવન ચાલ્યું ગયું હોય તેમ એ વાડીનાં ફૂલ કરમાવા લાગ્યાં, તરત પાનેપાનમાં ભરેલી તાજગી સરી ગઈ, મયૂરને નાચતો જોઈ સર્પ એકદમ દોડી ગયો. પોતાના છોકરાને હણીને, કોઈ યુગયુગની કલ્પનામાંથી જન્મેલી રસિક જોડ પોતે ખંડિત કરી એ ભયંકર પશ્ચાત્તાપથી બ્રહ્મદેવ સળગી ઊઠ્યા : 'અરેરે! હવે એવું સર્જન - એવી મૂર્તિ - એવી રસિકતા ફરી ક્યારે જન્મશે?'
ડુંગરાઓ પડઘા પાડતા હોય તેમ ઉત્તર મળ્યો :
'ક્યારેય નહિ, ક્યારેય નહિ!'
રતિના સોનેરી વાળથી તેનાં પોપચાં ઢાંકી અને સંધ્યાના રંગોમાંથી વિશ્વકર્માએ ઘડેલી એક પ્યાલીમાં અમૃતરસ મૂકીને તે પોતે પણ મંદ પગલે ચાલી નીકળ્યા.
અત્યંત શોકભારથી જર્જરિત થયેલા તે પોતાની ગુફામાં એકલા પાછા ફર્યા, પણ હણાવા માટે આગળ વધતો કામદેવ તેમની કલ્પના સામે ખડો થઈને તેમને તીવ્ર વેદનાથી વીંધી નાખવા લાગ્યો.
*
જ્યારે બરફના ડુંગરા સળગી ઊઠે તેવો ભયંકર અગ્નિ પ્રગટ્યો, જ્યારે આકાશ ને પૃથ્વી તેજથી લીંપાઈ ગયાં, અને જ્યારે 'આ શંકરના ત્રીજા નેત્રનો અગ્નિ છે,' એમ બોલતા દેવો, ઉપર વિમાનોમાંથી ધ્રૂજવા લાગ્યા, ત્યારે રતિ બેબાકળી બેઠી થઈ ગઈ, ગાંડાની જેમ જે દિશામાં અગ્નિ દેખાતો હતો તે તરફ દોડી : 'કામદેવ! કામદેવ!'
હિમાલયના પહાડો ભયંકર પડઘામાં ગાજી રહ્યા : 'કામદેવ ! કામદેવ!'
અને તે અત્યંત તીવ્ર વેદનાથી ઊંચે ઊછળી - જાણે પોતે અગ્નિનો ભયંકર સ્પર્શ અનુભવતી હોય તેમ - જાણે કામદેવને બળતો નિહાળતી હોય તેમ, 'અરે નહિ, અરે નહિ, એનો બાળો મા, અને બાળો મા ! એમ કહેતી ગાંડાની જેમ દોડી.
પણ થોડેક દૂર ગઈ ન ગઈ, ત્યાં ઉપર વિમાનોમાં ગંધર્વોને 'અનંગભસ્મ'ની પ્રશસ્તિ ગાતા તેણે સાંભળ્યા, તે એકદમ સ્થિર થઈ ગઈ. બરફના સળગતા ડુંગરાઓ જોઈ રહી, અને જાણે પોતાનું જિગર કાઢી નાખતી હોય તેમ અત્યંત વેદનાથી બોલી ઊઠી : 'બ્રહ્મદેવ ! બુઢ્ઢા ! બીજું તો શું પણ જા, આ રતિનો શાપ છે કે તું કલ્પનાની - રસની - કલાની સર્જનની મૂર્તિ ઘડનારો, દેવ જેવો મનુષ્ય એક હજાર વર્ષે માંડ એક આપી શકશે. તારી ગરીબીથી હંમેશાં તું શરમાયા કરજે. અને જો, તેં નવા સર્જન માટે કામદેવને બાળ્યો છે, માટે હવે પછી નવાં સર્જન કામદેવ જ કરશે, તને તો કોઈ ઓળખશે પણ નહિ, અને મને કોઈ જાણશે નહિ! સૌ કામદેવને જ ભજશે, અમારું યુગલ તેં ખંડિત કર્યું છે, માટે હવે સર્જનમાત્ર અકસ્માતથી જ થશે, અને શ્રેષ્ઠ સર્જનની પળ હજાર બે હજાર વર્ષે ક્યારેક જ આવશે!'
*
નિઃસત્વ સર્જનોથી જાણે પોતાની ગુફા રૂંધાતી હોય તેમ જણાતાં બ્રહ્મદેવે અચાનક આંખ ઉઘાડી. કામદેવનું દહન તેમણે કલ્પનામાં દીઠું ન દીઠું ને ભવિષ્યના નરપુંગવની કલ્પનાથી હસ્યા - ન હસ્યા, ત્યાં રતિનો મૂર્તિમંત શાપ નિહાળીને તે થંભી ગયા. વેંતિયાં, દોઢ વેંતિયાં. નિઃસત્વ પરમાણુઓ 'અમને સરજો, અમને સરજો' કહેતાં તેમની સામે કૂદવા લાગ્યાં. અને પોતાની ગરીબીથી પોતે શરમાતા હોય તેમ, નીચે મોંએ નેણ ઢાળીને, પોતાના અંતરમાં અખંડ વેદના પામતી રતિની છબી નિહાળી રહ્યા.
* * * *
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર