હાજરાહજૂર દેવ
(વાર્તાકારઃ ઈશ્વર પેટલીકર)
હિમ પડે એવો ઠંડીનો ચમકારો સાંજથી હતો, એટલે વહેલી સવારમાં હૂંફાળી સેજ છોડતાં શિવાનંદ મહારાજ પણ આળસી ગયા. પરંતુ સવારમાં નિયમિત દર્શનાર્થે આવતા પાંચ-સાત ભક્તો તો એવા હતા કે હિમ કરતાંય વિશેષ ઠંડી હોય તો પણ સમયસર મંદિરમાં આવી ખડા થઈ જાય, એટલે ઊઠવામાં શિવાનંદે જે વિલંબ કર્યો હતો તે શૌચ-સ્નાન નિત્યકર્મમાં ઝડપ કરીને મોટે ભાગે પૂરી દીધો હતો. થોડી ખાધ બાકી હતી તે પ્રભુની સ્નાનવિધિ અને શણગાર સજાવવામાં ઝડપ કરીને પૂરી દેવાની ઉમેદે મહારાજ ઉતાવળા ઉતાવળા મંદિરના ગભારામાં ગયા. પણ જુએ છે તો પ્રભુ અલોપ! રણછોડજી અને લક્ષ્મીજીને મૂર્તિઓ જ ન મળે!
મહારાજને થયું કે પોતે સ્વપ્નમાં તો નથી ને? એમણે આંખોથી પાંપણો પલકાવી જોઈ, જમણા હાથે હાથને ચૂંટી ખણી જોઈ અને પોતે જે જુએ છે તે જાગ્રત અવસ્થામાં જુએ છે એની ખાતરી થઈ. પોતે જાણે હમણાં ગબડી પડશે એમ લાગતાં મહારાજે પ્રભુની જે બેઠક હતી તે ઉપર બંને હાથ ટેકવ્યા. બેઠક ઉપર પ્રભુના અને લક્ષ્મીજીના વાઘા અને શણગાર પડ્યા હતા. મહારાજે આ પણ ભ્રમ તો નથી તેની ખાતરી કરવા એ દરેક ઉપર હાથ ફેરવી જોયો. એકેએક વસ્તુ બેઠક ઉપર પડેલી હતી. મહારાજે એ બધી ત્યાં ને ત્યાં રહેવા દીધી. એમના હાથ જાણે બેઠક સાથે જડાઈ ગયા હોય તેમ એ મૂર્તિ શા બની ગયા. ગોરાણી બાજુના ખંડમાં હજુ સૂઈ રહ્યાં હતાં. બૂમ પાડીને પત્નીને બોલાવવાની ઈચ્છા થઈ પણ જાણે એમની વાચા બંધાઈ ગઈ હોય તેમ મહારાજ બોલી શક્યા નહિ.
મંદિરની ખડકીનાં બારણાંનો ઉલાળો ખેંચાયો. તેના અવાજ સાથે મહારાજ ફફડી ઊઠ્યા: ભક્ત આવ્યા!
રવિશંકર અને રામભાઈ મોટા આટલી ઠંડીમાંય મોડા ન થતાં સહેજ વહેલા હતા. મંદિરનું દ્વાર ઉઘાડ્યું ન હતું એ તો ઠીક પણ અંદર હિલચાલ ન લાગી એટલે રવિશંકર બોલી ઊઠ્યા: 'મહારાજ! આકરી ઠંડીને લીધે મોડા પડ્યા છો કે શું?'
મહારાજમાં જાણે જીવમાં જીવ આવ્યો હોય તેમ અંદરથી બોલી ઊઠ્યા : 'હું તો ક્યારનોય ઊઠ્યો છું પણ ગજબ થયો છે!' એમ કહેતાં એમણે મંદિરનું દ્વાર ખોલી નાખ્યું.
હજુ અંદર નજર ન ગઈ હોય તેમ એના અનુસંધાનમાં રામભાઈ મોટા બોલ્યા : 'શો ગજબ થયો છે. હિમ પડ્યું એમ?'
રવિશંકર : 'હું તો સાંજનો કહેતો કે હિમ 99 ટકા પડવું જોઈએ.'
મહારાજ બંનેનું ધ્યાન ખેંચતાં બોલ્યા : 'આ અંદર તો જુઓ!'
બંને જોતાંની સાથે એકીઅવાજે બોલી ઊઠ્યા : 'મૂર્તિઓ ક્યાં?'
અને એ સાથે રવિશંકરે ઊમરો ઓળંગી ગભારામાં પગ મૂક્યો અને હજુ બહાર ઊભા રહેલા રામભાઈ મોટાને કહ્યું : 'આવો ને અંદર ! આ તો ગજબ થયો કહેવાય !'
ગોરાણી પણ વાત સાંભળતાં ઊછળીને પથારીમાંથી ઊભાં થઈ ગયાં હતાં. પોતે મોડાં ઊઠતાં : ભક્તો દર્શન કરવા આવે છતાં અંદર રહેનાર ઘોર્યા કરે તેની ગામમાં ટીકા પણ થતી હતી. મહારાજ પણ લોકાપવાદથી બચવા ગોરાણીને કુટેવ છોડવા કહેતા. પણ આ એક બાબતમાં જ નહિ પણ કોઈપણ બાબતમાં એ મહારાજનું કહ્યું કરતી નહિ. છતાં અત્યારે પોતે ગુનેગાર હોઈ મૂર્તિઓ અલોપ થયેલી નજરોનજર જોઈ છતાં કંઈ બોલી શકી નહિ. સ્નાનાદિ નિત્યક્રમ કર્યું નહોતું એટલે અંદર જઈ શકે તેમ પણ ન હતી.
રામભાઈ મોટા બોલ્યા : 'આ તો ગજબ કહેવાય! કપડાં શણગાર એમ ને એમ પડ્યાં છે અને કેવળ મૂર્તિ અલોપ થઈ ગઈ! આને શું સમજવું?'
નિત્યક્રમ પ્રમાણે વખતસર દર્શને આવતા ચાર-પાંચ ભક્તો આવી પહોંચ્યા અને તે સાથે એ સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા. ઠંડીમાં હજુ ઘણા કેટલાય મોડા ઊઠતા, પણ સમાચાર સાથે મંદિર ઉપર દરોડો પડ્યો. જાણે મંદિર કોઈ દિવસ જોયું ન હોય અને તે ખાસ જોવાલાયક પ્રદર્શનની વસ્તુ હોય તેમ અંદર જવા ધક્કાધક્કી શરૂ થઈ ગઈ. રામભાઈ મોટા ગભારાની બહાર નીકળી ગયા હતા, પણ જે ચીજો જ્યાં છે ત્યાં એમ ને એમ રહે, લોકો એને આઘીપાછી કરી નાખે નહિ, માટે રવિશંકરને બેઠક પાસે ઊભા રહેવાની સૂચના એમણે આપી હતી.
મંદિરમાંથી ચોરી થવાના અવારનવાર છાપામાં સમાચાર આવતા હતા, એવા આ જો ચોરીના સમાચાર હોત તો લોકો આટલો ધસારો ન કરત. પણ મૂર્તિઓ અલોપ થવા છતાં વાલની વીંટી સરખી કે કપડાંની એક ચીંદરડી સરખી ગઈ ન હતી, એટલે ચોર હોત તો મૂર્તિ ન ચોરે-શણગાર ચોરે. વળી મૂર્તિઓ એવી રીતે અલોપ થઈ હતી કે, એ જગ્યાએ બેઠકમાં બે ખાડા પડી ગયા હતા. કોઈએ તોડી હોય તો જે જાતનો કચરો પડે તેનું નામનિશાન ન હતું. કોઈ માનવીનું અપકૃત્ય હોય તેમ લાગતું ન હતું. વળી આવું અપકૃત્ય કરે કોણ? અને શા માટે?
એનો કોઈ ઉકેલ જણાતો ન હતો. આજુબાજુનાં ગામલોકોએ આ વાત જાણી એટલે એ પણ ચમત્કારની લીલા નજરે જોવા આવવા લાગ્યા. તેમાંય વળી છાપાંના કોઈ ખબરપત્રીને કાને વાત પડી એટલે એણે એ સમાચાર જુદાં જુદાં છાપાંને મોકલ્યા. પોતાના વાચકોને રોજ રોજ ચમકદાર અને ચમત્કારવાળા સમાચાર આપવાના વ્યસનવાળાં છાપાંએ સમાચારને રૂપરંગ ભરીને એવા ચમકાવ્યા કે દૂરથી પણ લોકો આવવા લાગ્યાં.
આ બધાંને અંતે કોઈએ ચુકાદો આપ્યો ન હતો, છતાં એક નિર્ણય તો નક્કી થઈ ગયો કે આ કંઈ જેવો તેવો પ્રસંગ ન હતો. દ્વારકામાંથી જેમ રણછોડજી ડાકોર જવા અલોપ થઈ ગયા હતા. તેમ કાશીપુરમાંથી પણ એ અલોપ થયા હતા, પરંતુ એ બંનેની બાબતમાં બીજું કાંઈ સામ્ય ન હતું. ડાકોરના બોડાણાની જેમ કોઈ બોડાણો કાશીપુરમાં જાત્રાએ આવતો ન હતો. પછી એ ઘરડો થાય ને એનાથી ન આવી શકાય તેવી અવસ્થા થાય અને રણછોડરાયને એને ગામ જવા અલોપ થવું પડે તેવી વાત જ ક્યાં હતી? છતાં એ અલોપ થયા હતા એ હકીકત હતી, તો એનું કારણ શું?
આમ તો કાશીપુરના રામજી મંદિરની બહાર ખ્યાતિ ન હતી, પરંતુ ગામના લોકોને ડાકોરના રણછોડરાય જેટલી એના ઉપર શ્રદ્ધા હતી, એનો પુરાવો શોધવા જવો પડે તેમ ન હતો. પાંચસો ઘરના ખેડૂત ગામની વસ્તીએ મંદિર બાંધવા પાછળ પોતાનું ઘર બંધાતું હોય તેટલી મહેનત કરી હતી, અને દરેક ઘરે ગજા ઉપરવટ પૈસા પણ આપ્યા હતા. પોણોસો વરસ ઉપર આ મંદિર બંધાયું ત્યારે એમાં મજૂરી કરેલા લોકો હજી જીવતા હતા તે આજે પણ વાતો કરતા હતા. કે મંદિર બાંધવા રાતદહાડો કામ કરીએ તો પણ થાક લાગવાનું તો નામ જ ન મળે! ડાકોરનું મંદિર બંધાયું ત્યારે એમ કહેવાય છે કે, રણછોડરાય પોતે એમાં કામ કરતા, તેમ આ મંદિર વખતે પણ થયું હતું. કામ કરતા માણસને ગણી જુએ ત્યારે એક વધારે થાય અને સાંજે હાજરી લે ત્યારે એક ઓછું થાય! જ્યારે જ્યારે ગણે ત્યારે ત્યારે આવો ચમત્કાર થાય, પણ કોણ વધારે છે તે પકડાય નહિ. તે વખતનો સૌથી મોટો ચમત્કાર તો એ ગણાતો હતો કે મંદિર માટે માટીખાણમાં માટી ખોદવા ગયેલો નાથો કુંભાર ઉપરથી ભેખડ પડી ને દબાયો. સારી માટી મંદિરના કામમાં વપરાય તે કારણે ખાણ ઊંડી ને ઊંડી ખોદાતી જતી હતી અને ઉપર ભેખડ એવી ઝઝૂમવા લાગી હતી, કે જે હોય તે એમ કહેતું કે આ મોટું જોખમ છે. પણ નાથો ભગત કહેતો હતો : 'ભગવાનનું કામ કરતાં મોત આવે તેના જેવું રૂડું શું? લખચોરાશીના ફેરા ટળે!' છેવટે એણે કોઈને ન માન્યું ને પરિણામે દટાયો. દોઢ કલાકે બધી માટી ખોદી કાઢ્યા પછી એ નીકળ્યો. લોકોએ એને મરી ગયેલો માનેલો, પણ ભેખડ એવી અંદર ગુફા જેવી બની ગઈ હતી કે એને શ્વાસ લેવાની પણ મુશ્કેલી પડેલી નહિ. લોકોને ત્યારથી રણછોડરાય ઉપર પાકી શ્રદ્ધા બેસી ગયેલી. અને નાથા કુંભારના સ્વમુખે એ વાત સાંભળનાર નવતર પેઢી, ડોસો પાંચ વરસ ઉપર મરી ગયો ત્યાં સુધી એ શ્રદ્ધા પીધા કરતી હતી.
આવા હાજરાહજૂર રણછોડરાય અલોપ થાય એમાં ગામને માથે કંઈ કલંક હોવું જોઈએ. બાકી આટલાં વરસોથી ગામલોકોની વહારે ધાનાર પ્રભુ એમને મૂકીને ચાલ્યા શું કામ જાય? જ્યારે જ્યારે ગામમાં કોઈની ભેંસ માંદી થઈ હશે, બળદ ચોરાઈ ગયો હશે, દીકરીને વર કનડતો હશે કે અધૂરે મહિને કસુવાવડ થઈ જાય તેવાં ચિહ્ન થયાં હશે, ત્યારે રણછોડજીને પાકો થાળ માન્યો હશે, ભજન બેસાડવાનું માન્યું હશે કે લક્ષ્મીજીને નવા વાઘા સિવડાવી આપવાની બાધા રાખી હશે. ત્યારે રણછોડજીએ હૂંડી ન સ્વીકારી હોય તેમ કોઈ ફરિયાદ કરતું સાંભળ્યું ન હતું. ઊલટું, જેને હોય તેને મોંએ પોતાની કામ થયાની વાત જ સંભળાતી.
આવા હાજરાહજૂર પ્રભુ અલોપ થાય તેથી લોકોને ચેન પણ કેમ પડે? પોતાનો દોષ હોય તો એ કાઢી નાખવા પણ સૌ ખડે પગે તૈયાર હતાં, પરંતુ વરસોથી પ્રભુ લોકો સાથે વસતા હતા છતાં ક્યારેય આવું બન્યું ન હતું. અટાણે લોકોને થયું કે, આપણો દોષ હોવાનો સંભવ ન હતો. જે કલંક હોય તે મંદિરમાં હતું. મંદિરમાંએટલે ગોરાણીમાં. મહારાજ તો બિચારા ભગવાનના માણસ! આમ ગુનાનું પગેરું મંદિરમાં આવી પહોંચતાં ગોરાણી ઉપર જ લોકોનો વહેમ પાકો થયો.
ગોરાણી કુવડ હતી એમ સ્ત્રીઓની ફરિયાદ ત્રણ વરસ ઉપર મહારાજ આવ્યા ત્યારની કાયમ હતી. એ ફરિયાદ દિવસે દિવસે ઓછી થવાને બદલે વધતી જતી હતી. એ ઉપરથી ગામના અમુક લોકો એમ પણ કહેતા થયા હતા કે ખરી રીતે દેવસ્થાનોમાં સંસારી પૂજારી ન જોઈએ. અગાઉના પૂજારીએ મંદિર બાંધવામાં મુખ્ય ભાગ ભજવેલો એટલે એમના દીકરાને સંસારી હોવા છતાંય કાયમ રાખ્યો હતો, પરંતુ એના ગુજરી ગયા પછી આ સંસારી મહારાજને પસંદ કરવામાં મોટી ભૂલ થઈ ગઈ હતી એમ લોકોને લાગવા માંડ્યું હતું.
આ ભૂલનો ભોગ ગામ થઈ રહ્યું હતું, એમ ઉલ્લેખ કરી ત્રણ વરસમાં ગામ ઉપર જે આફતો આવી પડી હતી તેનું નિમિત્ત કોઈ કોઈ ગોરાણીને બનાવતા. એણે મંદિરમાં પગ મૂક્યો એ સાલ ઢોરનો રોગ ચાલ્યો ને સરેરાશ ઘરદીઠ એક એક ઢોર મરી ગયું. બીજી સાલ અતિવૃષ્ટિ : અને આ સાલ હિમ પડ્યું. અને તેથીય ઊંઘ ન ઊડી તે છેવટે થાકીને પ્રભુએ ગામ છોડ્યું!
ગામમાં બે વાર ગોરાણી સામે વંટોળ ઊભો થયો હતો. એક વાર દર્શન કરવા આવેલી બે સ્ત્રીઓએ ગોરાણીનો હાથ ચોખ્ખો નથી. તેમ સાલ્લાને ડાઘા પડેલા તે ઉપરથી સ્પષ્ટ જોયું. છતાં એ ગાયને ઘાસ નીરી એની પીઠે હાથ ફેરવતી હતી. આ વાતથી ગામમાં ભારે ચકચાર થઈ. હાથ ચોખ્ખો ન હોય ત્યારે કોઈને અડાય નહિ, છતાં ગાયમાતા જેવા પવિત્ર પ્રાણીને ગોરાણી નીરે-અડે એ કંઈ ઓછો અનાચાર કહેવાય? ગોરાણીએ બચાવ કર્યો, કે ગાયને અડવામાં બાધ આવે એવું મેં તો આજ સુધી જાણ્યું નથી. અમારા ગામમાં બ્રાહ્મણવાડામાં પાંચ ગાયો હતી, પણ સૌ અડતા, પરંતુ કાશીપુરામાં ચાર ઘર બ્રાહ્મણનાં હતાં પણ કોઈ ગાય રાખતું ન હતું, ફક્ત મંદિરમાં કાયમ ગાય રહેતી, અને પહેલાંનાં ગોરાણી એ પાળતાં એ સૌ ગામલોકો જાણતું. એટલે મહારાજે ભવિષ્યમાં એવો અનાચાર નહિ થાય તેમ લાચારી બતાવી એ વંટોળ સમાવ્યો હતો.
બીજો વંટોળ આથી ભારે થયેલો હતો. ગામ પૂજારીને પોષતું હતું, પ્રભુની સેવાચાકરી કરવા. બાકી તે ઉપરાંત મહારાજ કથાવાર્તા કરતાં તે કોઈ મફતમાં સાંભળતું નહિ. જે એ સાંભળવા જતું તે એની શ્રદ્ધા-શક્તિ પ્રમાણે રોકડ, સીધું-સામાન અને વસ્ત્ર આપતું હતું. વળી પ્રભુના દીવા માટેનું ઘી તો દર્શને આવતા નિયમિત લાવતા અને બીજા પણ વાર તહેવારે મોકલતા-જાતે આવતા કે બાળકોને મોકલતા. છતાં પ્રભુના દીવામાં વેજીટેબલ ઘી વપરાય છે એ ગુપ્ત બાતમી જ્યારે ફૂટી ગઈ ત્યારે ગામમાં હાહાકાર થવામાં બાકી ન રહ્યો. શહેરના બજારમાં ગોરાણી વેજીટેબલવાળાની દુકાને ઊભાં રહ્યાં હતાં તે એક જણે નજરોનજર જોયું એટલે એ છુપાઈને ઊભો રહ્યો. ગોરાણીએ બરણી આપી, ગુમાસ્તો અંદરથી ભરી લાવ્યો અને વેપારીએ ગલ્લા ઉપર બેસીને તોલ કર્યો તે પેલાએ નજરે જોયો. પણ પેલો એટલો કાચો કે ગોરાણીની બરણી જપ્ત ન કરી. ઘેર આવીને એણે આ વાત જાહેર કરી ત્યારે ઉહાપોહ તો ભારે થયો. પણ પરિણામ કંઈ ન આવ્યું, એની વાત સાબિત ન થઈ. ગોરાણીએ કહ્યું કે, હું તો તેલ લાવી છું, પેલો વેપારી તેલનો પણ વેપાર કરતો હતો, એના દાખલ પુરાવા થયા અને વેપારીએ કહ્યું કે ગોરાણી મારે ત્યાંથી તેલ લઈ ગયાં છે.
છતાં વહેમનું ઓસડ નહિ એટલે લોકોને સંશય રહ્યો કે વેપારી અને ગોરાણી જૂઠું બોલ્યાં. એમાંથી એવો પણ એક સૂર નીકળ્યો કે, આ બધા ઝઘડા અને પ્રભુના ધામમાં અનાચાર કરતા પૂજારીને બદલી નાખવો જોઈએ, પરંતુ એ બાબતમાં મતભેદ હતો. જે ફરિયાદ હતી તે ગોરાણીની હતી, મહારાજની હતી નહિ, મહારાજ પોતે શુદ્ધ, ભોળો, નિર્મળ અને ભગવાનનો માણસ હતો. એવા પવિત્ર માણસને એક વખત રાખ્યા પછી કાઢી મૂકવાથી નિઃસાસો લાગે કે બીજું? બાઈ માણસ કજાત હોય તેમાં પુરુષનો બિચારાનો શો દોષ? બધાંના ઘરમાં કેટલી સુપાત્ર સ્ત્રીઓ છે તે કોઈનું અજાણ્યું ન હતું. પણ પૂજારીને ગામનું ખાવાનું તેથી સૌ એનાં છિદ્ર સામે આંગળી ચીંધે ને કાગનો વાઘ કરે, આમ બે પક્ષના વિવિધ સૂરો નીકળતા હતા એટલે થોડા વખતમાં વાત વિસારે પડી હતી.
પરંતુ બે મહિના ઉપર ગામમાં એક સાદુ ફરતા ફરતા આવી ચડ્યા ત્યારથી ફરી પૂજારી બદલવાની વાતે ગામમાં ઉગ્ર વાતાવરણ ઊભું કર્યું હતું. સાધુ પોતે આધેડ ઉંમરના, વિદ્વાન, સંતોષી અને સત્સંગી હતા. એમની કથાવાર્તા સાંભળનાર ભક્તોને થયું, કે આ સાધુ પૂજારીને યોગ્ય છે. બીજો વર્ગ જે શિવાનંદ મહારાજનો પક્ષ કરતો હતો તેને દિલમાં એક જ હતું કે કોઈ બ્રાહ્મણની આંતરડી કકળાવવાનું પાતક ગામે લેવું જોઈએ નહિ. વિરોધ કરનારને પણ મહારાજ સામે ફરિયાદ ન હતી, એટલે આ પ્રશ્ન ફરી ફરી ઊભો ન થાય તે માટે મહારાજે મંદિરમાં ન રહેવું, પણ ગામમાં જુદું ઘર રાખવું અને ગોરાણીને મંદિરથી અલગ કરવાં એ વચલો માર્ગ કાઢ્યો. મહારાજે એ સ્વીકાર્યો. આવતી કાલથી એ પ્રમાણએ ગોરાણી મંદિર છોડી બીજે રહેવા જવાનાં હતાં ત્યાં મૂર્તિઓ અલોપ થયાનો ચમત્કાર બન્યો!
શિવાનંદ મહારાજ પૂજારી તરીકે ચાલુ રહે તેવો પક્ષ લેનારના હાથ હેઠા પડ્યા. આખા ગામને એક જ વસ્તુ ઠસી ગઈ કે જે દેવસ્થાનમાં દેવ હાજરાહજૂર હોય ત્યાં જ આવો ચમત્કાર થાય. રણછોડરાય પોતે જો સેવામાં ભ્રષ્ટતા જોઈને થાકી ગયા હશે તો શિવાનંદને રજા આપવી જોઈએ. એમાંથી એ હવા ઊભી થઈ કે જો એ જ સાચું કારણ હશે તો પૂજારીને બદલતાં મૂર્તિઓ હાજર થઈ જશે. એમ ન બને તો માનવું કે બીજું કંઈ કારણ છે. એટલે નવા આવનાર પૂજારી માટે આ કપરી કસોટીનો સવાલ હતો.
જે લોકો શિવાનંદનો પહેલાં પક્ષ કરતા હતા તે પણ સાધુ મહારાજને હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા કે 'બાપજી! તમે હવે મંદિર સંભાળો. અમે ખોટો મમત કરી આગ્રહ પકડી રાખ્યો એના પરિણામે આજે તો અમે પ્રભુ ખોઈ બેઠા. હવે આપનાં પગલાંએ પ્રભુ પાછા આવે એટલે બસ.' લોકોના અંતરમાં એ પણ ઊંડે ઊંડે વસી ગયું હતું, કે બાપજીએ જ કોઈ સિદ્ધિના પ્રતાપે આ ચમત્કાર કર્યો હોય તો પણ કોને ખબર? એ તાવના દોરા મંત્રી આપતા હતા, એટલે એમની પાસે મંત્રની સિદ્ધી હતી એમ એ આવ્યા ત્યાંથી ખબર પડી હતી, એટલે જે વર્ગ શિવાનંદને બળજબરીથી કાઢવામાં આવે તો પોતાનો પણ મંદિરમાં હિસ્સો છે એટલે છેવટ સુધી લડી લેવા માગતો હતો, એ ધ્રૂજવા લાગ્યો કે બાપજી જો સિદ્ધિની શક્તિ આપણી ઉપર અજમાવશે તો બાર વાગી જશે. એ આપત્તિમાંથી બચી જવા માટે પણ એ બાપજી મંદિરમાં બેસી જાય તેમ વિશેષ આગ્રહ કરતો હતો.
બાપજી કહેતા : 'અમને કંઈ મંદિરમાં ગાદી જમાવવાનો મોહ નથી. પ્રથમ અમે હા પાડેલી તે લાલચથી નહિ, પણ મંદિરમાં સંસારી પૂજારી શોભે નહિ એટલે તમારી સૌની ઈચ્છા હોય તો પ્રભુસેવા કરીએ એટલું જ. પણ જ્યારે જોયું કે અમુક લોકોને એ રૂચતું નથી, એટલે અમારી વાત જતી કરવા ભક્તોને અમે સ્પષ્ટ કહી દીધું હતું.'
અગ્રહ કરનાર કહેતા : 'પણ અમે રાજીખુશીથી કહીએ છીએ.'
બાપુજી : 'ભગવાન ગામ ઉપર રૂઠ્યા છે અને ચાલ્યા ગયા છે. કદાચ એ અમારા મંદિરમાં બેસવાથી પણ પાછા ન આવે તો અમારે વગોવાવું પડે.'
'નહિ બાપુજી! તમારો અમે દોષ નહિ કાઢીએ. જો પ્રભુ પાછા આવશે તો માનીશું કે એમણે અમારો ગુનો માફ કર્યો છે, નહિ આવે તો માનીશું કે એમણે ગુનો માપ કર્યો નથી. નવી મૂર્તિઓ પધરાવી અમે તેમાં દેવનો વાસ થાય તેવી પ્રતિષ્ઠા કરાવીશું. અમારો ગુનો તમારે માથે નહિ નાખીએ.'
લોકોનો ઘણો આગ્રહ હતો, શિવાનંદ મહારાજ ગામ છોડીને પોતાના વતન ચાલ્યા ગયા એટલે બાપજી મહારાજે મંદિરમાં બેસવાનું સ્વીકાર્યું. મોટો ઉત્સવ હોય તેમ વરઘોડો કાઢી લોકોએ મોટી ધામધૂમ કરી. દિવાળી હોય તેમ ઘેર ઘેર રોશનાઈ કરવામાં આવી. મંદિરને પણ હાંડી ઝુમ્મરના દીવાઓનો પ્રકાશ લીંપી રહ્યો. આનંદ આનંદ વર્તાઈ રહ્યો હતો. ફક્ત એમાં અધૂરપ હતી, મૂર્તિઓ વિનાનું મંદિર હતું તેટલી. જો કે મોટા ભાગને શ્રદ્ધા હતી, કે પ્રભુ હાજરાહજૂર છે એટલે લાયક પૂજારી મળતાં આવીને હાજર થઈ જવાના. એ રાત્રે ભજનઓચ્છવ કરી લોકો રાતના એક વાગે વેરાયા.
અને નિત્યક્રમ પ્રમાણે સવારમાં દર્શન થતાં તે સમયે જે શ્રદ્ધાભરી આશા રાખી રહ્યા હતા તે ફળ્યાના સમાચાર ગામમાં ફરી વળ્યા : 'મૂર્તિઓ આપોઆપ અલોપ થઈ હતી તેમ જાતે હાજર થઈ ગઈ! પડે એના કકડાની દોટે લોકો પ્રભુનાં દર્શન કરવા ઊમટ્યાં. એના એ જ વાઘા અને શણગારથી મૂર્તિઓ શોભતી હતી, જાણે લોકોને મીઠો ઠપકો આપતી હોય તેમ એ હસતી પણ દેખાતી હતી.
કળિયુગમાં પણ દેવ કેટલા હાજરાહજૂર છે તેની અનેકવિધ વાતો કરતા લોકો થાકતા ન હતા ત્યારે દૂર મોઢામાં મોઢું ઘાલી પ્રભુના દરરોજના નિયમિત ભક્તો રામભાઈ મોટા અને શિવશંકર વાત કરતા હતા : 'નાગજીનું નામ ખાપરો ઝવેરી પાડ્યું પ્રમાણ છે. એવી ચાલાકીથી મૂર્તિઓ ઉપાડી લાવ્યો અને મૂકી આવ્યો કે કોઈને ચોરી કર્યાની શંકા આવી નહિ!'
'આમ ન કર્યું હોત તો બાપજીને પૂજારી તરીકે લાવતાં નાહકનો ગામમાં વિખવાદ થાત અને કાયમની ગામમાં પાર્ટીઓ પડી જાત.'
'આથી બાપજીની પણ ભારે પ્રતિષ્ઠા વધી ગઈ તે મોટો ફાયદો થયો.'
એટલામાં ટોળે વળેલા લોકોએ જય બોલાવી : 'બાપજી મહારાજ કી જે!'
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર