જેલની ઊંચી તોતિંગ દીવાલો

03 Dec, 2016
12:00 AM

PC: luke3d.files.wordpress.com

સુબંધુએ બેગ અને થરમૉસ એક તરફ મૂક્યાં અને પંખો ચાલુ કર્યો. એની પાછળ જ રિંકુ દોડતી આવી અને આંખો ફાડીને નવા ઘરને જોતી રહી. સુબંધુએ ઊંચકીને છાતી સરસી ચાંપી દીધી. કેટલું સુખ લાગતું હતું! રિંકુએ પપ્પાના ગાલ પર બકી ભરી. પછી ફરીથી એ ઘર જોવા લાગી.

'ઘર ગમ્યું તને, રિંકુ?' સુબંધુએ જરા અચકાઈને પૂછ્યું. પછી તરત જવાબની રાહ જોયા વિના કહેવા માંડ્યું, 'દિલ્હીના બંગલા કરતાં બહુ નાનું છે, ખરું?'

રિંકુનો જવાબ કોઈ પણ હોત એ સાંભળવામાંથી એ બચી ગયો. રસોડામાંથી ધનુ બહાર આવ્યો અને વહાલથી રિંકુને ઊંચકીને ખભે બેસાડી દીધી.

'રિંકુ ! પાછળ તારા માટે હીંચકો બાંધ્યો છે મેં.'

રિંકુ ચીસો પાડીને ધનુને ખભે કૂદવા લાગી. બંને રસોડાના પાછલા ભાગમાં ચાલી ગયાં.

સુબંધુનું ગળું સૂકું થઈ ગયું. આમ પણ રિંકુની ચિંતા એને નહોતી. ખૂબ સમજાવ્યા પછી ચંદન અહીં આવવા તૈયાર થઈ હતી. એણે બારણાં તરફ નજર કરી. કશો જ અવાજ નહોતો આવતો. એ બહાર આવ્યો. ઘોડાગાડી ચાલી ગઈ હતી અને ચંદન આંગણામાં જ ઊભી હતી. ઉનાળાનો તડકો ઘટાદાર લીંબડાનાં પાનમાંથી ધીમે ધીમે ટપકતો હતો, અને તપેલી ધૂળની ડમરીઓથી હવા મલિન થઈ ગઈ હતી. ચંદન દૂર એકીટસે તાકતી ઊભી હતી, એ ઊંચી તોતિંગ જેલની દીવાલોને, જેણે એના જીવનને પણ ઘેરી લીધું હતું.

'અંદર આવ ચંદન ! બહાર કેમ ઊભી રહી?'

સુબંધુએ ધીમું હસીને કહ્યું. ચંદન ચમકી ગઈ અને ચૂપચાપ અંદર આવી. એ મહેમાનની જેમ એક તરફ ઊભી રહી અને ઘરને બરાબર જોવા લાગી. સફેદ ચૂનાથી ધોળેલી દીવાલો, ગાંધીજી અને રામકૃષ્ણ પરમહંસની તસવીરો, એમનાં લગ્ન વખતે સંબુધુએ ખરીદેલો રેડિયો, તેના પર એણે હાથ ભર્યો હતો એ રૂમાલ, અને એની બાજુમાં લગ્ન વખતનો ફોટો. કેટલી નાદાન અને ભોળી લાગતી હતી એ ! ના, કશું જ નહોતું બદલાયું. એનો પતિ... એની જિંદગી...

'અરે, તું તો એવી રીતે જુએ છે, ચંદન કે જાણે આ ઘર નહીં, જેલ હોય.'

જેલ શબ્દ બંદૂકની જેમ ફૂટ્યો હોય એમ ચંદન ચમકી ગઈ. 'મારો જીવ અહીં સાચે અકળાય છે સુબંધુ !'

'આ બધી વાતો આપણે ઘણી વાર થઈ ગઈ છે ચંદન ! તું જાણે છે જેલ જ મારી દુનિયા છે. પ્રતિષ્ઠાનાં, મોહનાં સઘળાં આવરણો ઉતારી અપરાધી આ ઊંચી પથ્થરની દીવાલોની અંદર દાખલ થાય છે કે એ સંજોગોએ ભિડાવેલો માણસ છે. મને જેલર તરીકે એ માણસમાં રસ છે.'

'તોય અપરાધી અપરાધી જ રહે છે.'

બાકીના શબ્દો ચંદન ગળી ગઈ. એ જ સંવાદો, એ જ શબ્દો, જે વડે એણે દસ વર્ષ પહેલાં પરિણીત જીવન શરૂ કર્યું હતું.

'મા.' રિંકુએ બે હાથે તાળી પાડી ધનુની પીઠ પર મારવા માંડ્યું. 'જો મા ! મારો ઘોડો.'

ચંદનના ગળામાંથી હળવી ચીસ નીકળી ગઈ. 'આ માણસ કોણ છે?' એણે રુક્ષ સ્વરે પૂછ્યું.

રિંકુને પીઠ પરથી ઉતારી, ધનુ ચંદનને પગે લાગી ઊભો રહી ગયો.

'હું.... મારું મન ધનુ. બહેન ! સાત વર્ષની જેલની સજા થઈ હતી. ત્રણ મહિના પહેલાં છૂટ્યો. સાહેબે દયા કરીને ઘરકામ માટે રાખી લીધો, બહેન !'

ચંદને રિંકુને નજીક ખેંચી લીધી. 'તું... તું... છૂટેલો કેદી છે?'

સુબંધુ ચંદનની નજીક આવ્યો. 'પહેલાં મારી વાત સાંભળ, ચંદન ! ધનુ જેલમાં હતો એ વાત સાચી, પણ ઘણો સારો માણસ છે. એની સારી ચાલચલગતથી એના ઘણા દિવસો પણ સજામાંથી કપાઈ ગયા હતા. અને એક તક આપ, ચંદન !'

ધનુ ચંદનના પગમાં પડી રડતો હતો... 'મને કાઢી ન મૂકીસ મારી મા... ધાડપાડુની ટોળીમાં હતો... બૈરી-છોકરાંને દુશ્મનોની ટોળીએ ખતમ કરી નાખ્યાં. ગામમાં જઈશ તો ગામલોકો મને પીંખી નાખશે, બહેન...'

રિંકુને છાતીસરસી ચાંપી ચંદન સ્તબ્ધ ઊભી છે. એકદમ એ રોષમાં પાછળ હટી ગઈ.

'એનો હિસાબ ચૂકતે કરી દેજો. હું હાથે કામ કરી લઈશ.'

છટપટી ઊઠેલી રિંકુને છાતીએ જડેલી જ રહેવા દઈ એ અંદર ચાલી ગઈ. રડતા-કકળતા ધનુ તરફ પીઠ ફેરવી સુબંધુ બારીમાંથી દેખાતી ઊંચી ભૂખરી દીવાલોને તાકી રહ્યો છે. એના એક એક પથ્થરને એ ઓળખે છે. આંગણાના ઘટાદાર વૃક્ષમાંથી પંખીનો ટહુકો ખરે છે, પણ એના કાનમાં ધનુનું રુદન સતત પડઘાયા કરે છે.

એ આખી બપોર આમતેમ નિષ્ક્રિય ફર્યા કરે છે. ઘણે વખતે ઘર ઘર જેવું લાગે છે. રિંકુ રમતી હોય, ચંદન ઘરનું કામ કરતી આમતેમ ફરતી હોય - એવું જ બની રહ્યું છે, છતાં આ ઘર નહીં, જેલરને મળતા ક્વાર્ટર જેવું લાગે છે. એ આ જેલની દીવાલો તોડી ચંદન સુધી ક્યારેય નથી પહોંચી શક્યો.

સાંજે અચાનક જોરથી, જેલની દિશામાંથી ઘંટ વાગે છે અને સુબંધુ ચાનો કપ મૂકી દોડી જાય છે. ચંદન અત્યંત ગભરાઈ ગઈ છે. શહેરની પિતાની સુંવાળી શ્રીમંતાઈ છોડી આવા ધૂળિયા ગામને છેવાડે જેલની દીવાલો સામે રહેવાનું જ ઓછું બન્યું છે.

કમલા દૂધનું પવાલું ભરતાં હસી પડે છે.

'ઘબરા ગયે, બહનજી? વો તો ખતરે કી ઘંટી હૈ. મુખ્તારામ યહાં હૈ ન !'

'ડાકુ મુખ્તારામ ?' ચંદનની છાતી ધડકી ઊઠી. 'મધ્યપ્રદેશનો નામચીન ડાકુ પકડાઈ ગયો હતો એ અહીં છે?'

'એમને તો કંઈ નહીં થાય ને?' એણે કમલાના હાથ પકડી લીધા.

કમલા હસી પડી : 'સાહબ કો ક્યા હોવે? વો તો દેવતા હું. નાઈટવૉચમેન રાજીન્દર મેરા આદમી. ઉસકો સબ કૈદિયોંને ઘેર લિયા. સાહબ ખાલી હાથ સબ કે બીચ કૂદ પડે થે, ઔર છુડાયા થા. હમકો ઈસ ધંધે મેં સાહબને લગાયા. તીન સાલ જેલ કાટી મૈંને.'

દૂધનું તપેલું હાથમાં પકડી રાખી ચંદન અવાક ઊભી હતી. પોતાની ચિરપરિચિત દુનિયાથી દૂર જંગલી પશુઓથી ભરેલા અઘોર વનમાં એ આવી ચડી હતી.

'તું... તું... જેલમાં હતી?'

'ઔમ નહીં તો ક્યા? અડ્ડે પરસે હમ દસ લડકિયોં કો પકડા થા, ખુદ માંને કોઠે પર બેચા થા તો કહાં જાવે?'

જાણે દૂધના તપેલામાં વિષ ઘોળાઈ ગયું હોય એમ ચંદન ધ્રૂજી ઊઠી. એ વેશ્યાના હાથનું દૂદ પીતી હતી?

'જેલસે છૂટકે હમ યે સામનેવાલે કૂએમેં પકડે મર જાત હોતી, સાહબને ભેંસ દિલવાયી. હરાજી-દરસે શાદી બનાઈ. અબ તો તીન બચ્ચે હૈં. ભગવાન કી કૃપા હૈ.'

ગામની એકમાત્ર સ્કૂલમાં રિંકુનું નામ લખાવ્યું છે, એમ સુબંધુ કહેતો હતો. કમલા તેડવા-મૂકવા જશે. આ એ જ કમલા.

ચંદન ઝડપથી ઘરમાં ગઈ. 'જો કમલા ! રિંકુને તેડવા-મૂકવા હું જઈશ. તને સાહેબે કહ્યું હોય તો ચિંતા ન કરીશ.'

કમલા નવાઈ પામી ગઈ. પણ એ કંઈ બોલે એ પહેલાં ચંદન અંદર ચાલી ગઈ હતી.

દિવસોની રજ થોડી થોડી ખરતી જાય છે. જેલની ઊંચી તોતિંગ દીવાલોની પાછળથી સૂર્ય ધીમે ધીમે ઊંચે આવે છે. ક્વાર્ટરના નાના આંગણામાં સોનેરી ખાબોચિયાં ભરાઈ જાય છે, ને સાંજે સૂરજ અસ્ત થતાં અચાનક જાદુગરની ફૂંકે સઘળું અદૃશ્ય થઈ જાય, એમ સોનેરી રંગ ઊડી જાય છે. અને આંગણાની રાતરાણીની સાથે રાત મહોરી ઊઠે છે.

પણ સુબંધુને રાતદિવસ ક્યાં છે? એને ગમે ત્યારે જવું પડે છે. કોઈ વાર રાત્રે થાકીને ઘેર આવે ત્યાં વહેલી સવારે ફાંસી હોય એટલે ફરી જવું પડે છે.

આજે રિંકુની સ્કૂલનો પહેલો દિવસ છે. અને ચંદન તેને સ્કૂલમાં મૂકીને પાછી ઘરે આવી. સુબંધુ ફાઈલોમાં મોં ખોસીને બેઠો હતો. ચંદનને જોઈ એ હસ્યો.

'રિંકુ વર્ગમાં બેસતાં રડી તો નથી ને?'

'આસપાસમાં કોઈ સારી બીજી સ્કૂલ નથી?'

ચંદનના શબ્દોની નીચેથી કશુંક ખૂંચે છે - ધારદાર, તીક્ષ્ણ.

'કેમ, આ સ્કૂલ શું ખોટી છે?'

'તમે સ્કૂલને ધ્યાનથી જોઈ હોત તો કદી રિંકુને ત્યાં દાખલ જ ન કરત. દિલ્હીની સારામાં સારી સ્કૂલમાં રિંકુ ભણતી હતી. મારાં પપ્પા-મમ્મી એના ઉછેર પર કેટલું ધ્યાન આપતાં હતાં... અને અહીં છે શું? સુબંધુ! મારું માનો, ચાલો દિલ્હી ચાલી જઈએ.'

સુબંધુ જાણે છે આ બધું. ઘણા સમયથી હવામાં એના ભણકારા સાંભળ્યા હતા. ચંદનને સંપૂર્ણ રીતે પોતાની કરવી શક્ય નથી. વચ્ચે છે જેલની તોતિંગ દીવાલો અને જેલની નાની-નાની કોટડીઓમાં ફેલાઈ જતું અંધારું.

'ચંદન ! તને એક પૂર્વગ્રહ છે. ચાલ મારી સાથે તું સ્ત્રીઓની જેલમાં. સોશ્યલ વર્કર તરીકે કામ કરજે. ખરું કહું છું તને....'

'પ્લીઝ, સુબંધુ ! એ બધી વાતો કદી ન ઉખેળશો. હું... મારી વાત માનો. મેં મારા પપ્પાને લખ્યું હતું. પપ્પા તમને બિઝનેસ સોંપી દેવા માગે છે. બંગલો બાંધવા માટે જમીન પણ ખરીદી લીધી છે. ચાલો, સુબંધુ ! જેલ છોડી દો.'

સુબંધુ આઘાત પામીને એને જોઈ રહ્યો. જેલની તોતિંગ દીવાલો વચ્ચેનો દરવાજો પણ આજે બંધ થઈ ગયો ! ના, એ ચંદન સુધી ક્યારેય નહીં પગોંચી શકે. એણે હલકે અવાજે કહ્યું : 'તું મારી પાસેથી શું માંગે છે જાણે છે ચંદન?'

'હા સુબંધુ. તમારી નોકરીમાં છે શું? મામૂલી પગાર. ઝૂંપડા જેવું ઘર, અને નજર સામે આ જેલની તોતિંગ દીવાલો. તમારા અપરાધીઓ વચ્ચે હું નહીં જીવી શકું.'

'તારી હાઈ સોસાયટીમાં અપરાધીઓ નથી હોતા? આ જેલની કોટડીઓમાં જેટલા ગરીબ અને નીચલા વર્ગના લોકો લોકો આવે છે, એટલા જ ઉપલા થરમાંથી પણ આવે છે.'

ચંદન ચૂપ છે. જાણે છે કે સુબંધુને દલીલથી જીતી શકાતો હોય તો લગ્નનાં આટલાં વર્ષોમાં ક્યારનો જીતી લીધો હોત અથવા પપ્પાના પૈસા વડે ખરીદી લીધો હોત. લગ્નનાં દશ વર્ષ પછી પણ એવું કશું જ ન બની શક્યું. આ જેલની દીવાલોના કાળા વજનદાર પથ્થરોએ એના એકેએક સ્વપ્નને ચગદી નાખ્યું હતું. હવે છેલ્લો પાસો હતો એની પાસે.

'હું રિંકુને માટે, એના ભવિષ્યને માટે કહું છું, સુબંધુ !'

સુબંધુએ ડોકું ધુણાવ્યું.

'નહીં, ચંદન ! સત્ય પર ઢાંકપિછોડો શું કામ કરે છે? ખરી રીતે તો આપણે એવા બિંદુ પર ઊભાં છીએ, જ્યાંથી આપણા રસ્તા અલગ પડે છે. હા ચંદન ! તેં રિંકુને લઈ દિલ્હી ચાલી જવાનું નક્કી કર્યું છે, જાણું છું. સૉરી, તારા પપ્પાનો પત્ર કાલે મેં વાંચી લીધો હતો.'

બારી પર ચીંચી કરતી ચકલીઓ બેઠી હતી. રિંકુ આંગણામાં બિલાડીનાં બચ્ચાં સાથે રમે છે. ચડતા સૂરજના પીળા તડકામાં સામેના કૂવા પર પાણી ભરતી સ્ત્રીઓનાં રંગીન કપડાં ચમકે છે. એની નજર સઘળાંને વીંધીને આરપાર સામે જેલની કાળી તોતિંગ દીવાલોની ખરબચડી સપાટી પર સ્થિર રહી શકતી નથી.

સુબંધુએ અચકાઈને પૂછ્યું :

'મારી વાત માનીશ ચંદન? અહીં સ્ત્રીઓની જેલમાંથી આજે સવારે જ એક યુવતીને રજા આપી છે. એને ત્રણ મહિના આપણા ઘરમાં આશરો આપવો પડશે. પ્લીઝ... કશું નહીં કહેતી. પહેલાં મારી વાત સાંભળી લે. પાંચ વર્ષ પછી આજે જ છૂટી છે. એનો વર તો એને લઈ જવા ઘણા આંટાફેરા મારી ગયો. પણ પાક્કો દારૂડિયો અને જુગારી છે. ઘરમાં શોક્ય પણ છે. આ બિચારી બહુ ગભરુ ને નાની છે. એ લોકોએ તો આ હાલત કરી છે. એ કસાઈવાડે મારે હવે નથી મોકલવી. નારી સુધારગૃહમાંથી પણ કાલે ના આવી ગઈ. તું... તું... ખુશીથી દિલ્હી જઈ શકે છે. માત્ર ત્રણ-ચાર મહિના પછી જાય તો આ છોકરી...'

'અને એ ત્રણ મહિનામાં શો ચમત્કાર થવાનો છે? પછી કોણ ઘરમાં રાખવાનું છે?'

'પપ્પા ! આ આન્ટી આવી છે.'

રિંકુ પેલી સ્ત્રીનો હાથ પકડી એને ખેંચતી અંદર લાવતી હતી. એ દૂબળી-પાતળી છોકરી નીચું જોઈ, દબાતે પગલે અંદર ઘસડાઈ.

બારીએ આવી ઊડી ગયેલી ચકલીઓ કરી ચીં ચીં કરે છે. ચંદને દાંત ભીંસીને ઉડાડી મૂકી.

'ચંદન ! મારી વાત સાંભળ. લીલાબહેન સોશ્યલ વર્કર અહીં રોજ આવે છે, એ એને ઘેર લઈ જવાનાં છે પણ એ આજથી જ ત્રણ મહિનાની રજા પર એનાં સાસુ પાસે દેશમાં જાય છે એટલે...'

ચંદન ધૂંધવાઈ ગઈ.

'હવે એને મારે માથે મારવા માગો છો? કેવાય ગંદવાડમાંથી આવતી કેદી જુવાન બાઈને ઘરમાં રાખું, એની સાથે મારી દીકરીને રમવા દઉં !....એ .... એ ખૂની છે. જાણો છો?'

'તને ક્યાંથી ખબર પડી?'

'હું... મેં એટલે કે કાલે પેલી લીલાબહેને તમને સ્ત્રીઓની જેલમાં મળવા બોલાવ્યા હતા એટલે હું સમજી ગઈ હતી કે આવી કંઈક બલા હશે. મેં... કમલાને....'

ઊંડો આઘાત પામી સુબંધુ ચંદનને તાકી રહ્યો.

'એનો અર્થ એ કે તું મારા પર ચોકી કરે છે?'

'જવા દો એ વાત, સુબંધુ ! અપરાધીઓને એની સજા ભોગવવા દો. તમે ચાલો મારી સાથે. આજે સાંજની ગાડીમાં જવાની મેં તૈયારી કરી દીધી છે.'

સુબંધુએ સ્પષ્ટ સ્વરે કહ્યું :

'તું પણ જાએ છે, એ ક્યારેય બનવાનું નથી. તું થોડો વખત રોકાઈ જા, ચંદન.'

'આવી ખૂની હલકી સ્ત્રી માટે મને રોકાવાનું કહો છો?'

'કંઈ નહીં તો મારી લાગણી ખાતર, ચંદન !'

સૂરજ હવે માથે આવી ગયો હતો. આંગણાનો તડકો ઘરમાં પ્રવેશતો હતો. લાગણીને ખાતર ! ચંદન સળગી ગઈ.

'લાગણી ખાતર ? તમે આજ દિન સુધી મારી લાગણી, ઈચ્છાનો ક્યારેય વિચાર કર્યો છે? આવી ખૂની, હલકી સ્ત્રી માટે મારી ઉપેક્ષા કરો છો? આવાં ગુનેગારને તો છોડવાં જ ન જોઈએ.'

'મા !' રિંકુ ચીસ પાડીને દોડતી આવી. 'પેલી... પેલી બાઈ તો જતી રહી. હા. સાચું કહું છું. પાછળથી જવાનો રસ્તો છે ને, ત્યાંથી ટ્રેનના પાટા પર દોડી ગઈ. મા ! બોલાવને એને.'

કમલા દોડતી શ્વાસભેર આવી, 'સાહેબ! માલૂમ હુઆ? વો લડકી ટ્રેન કે નીચે... ' અને સાડલાના છેડામાં મોં ખોસી રોઈ પડી. પાછળ એક પણ નજર કર્યા વિના સુબંધુ ઝડપથી ઘર બહાર નીકળી ગયો.

માટીની ઠીબને ચાંચો મારતી ચકલીઓનું ચીં ચીં આંગણામાં વેરાઈ ગયું. સ્તબ્ધ ચંદન બારણામાં જડાઈને ઊભી છે. રિંકુ સાડી ખેંચીને પૂછે છે, 'મા ! દિલ્હી ક્યારે જવાનું?'

અને ચંદન જેલની તોતિંગ દીવાલોને તાકી રહે છે. એના કાળા તપ ઊઠતા પથ્થરોમાંથી ધીમે ધીમે પેલી સ્ત્રીની તીવ્ર કરુણ ચીસ ઝમે છે, અને એ બંને કાને હાથ દાબી દે છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.