સ્ત્રી હૃદય
(વાર્તાકારઃ ધૂમકેતુ)
ટ્રેન ઊભી રહી. બીજી ગાડી સવારે દસે મળવાની એટલે રાત્રે સાડા અગિયારે ખુટાતાં, પિટાતાં અમે બે જણાં ધર્મશાળામાં જવા નીકળ્યાં. રસ્તા પરના દીવાનો ઝાંખો પ્રકાશ પડતો હતો. પણ રાત્રિ અંધારી હતી ન તેથી વારંવાર ખાડો કે ટેકરો સંભાળવો પડતો હતો. મારી સાથે આવનાર બાઈનું નાનું છોકરું ખભે માથું નાખીને ઊંઘી ગયું હતું, ને મન નહિ છતાં, વિવેકની ખાતર પણ મારે બાઈનાં પગલાં સાથે મેળ રાખવો પડતો હતો.
આખે રસ્તે કોઈ બોલ્યું નહિ. હું મારા વિચારમાં મશગૂલ હતો. બાઈના ચહેરા પર તો મેં ગાડીમાં જ ઘણા ભારે આઘાતની સ્પષ્ટ નિશાની દેખી હતી. હજી ચાલતાં ચાલતાં પણ ઘડીએ ઘડીએ તે ઊંડો નિઃશ્વાસ મૂકતી હતી. અંતે ધર્મશાળા આવી.
બુધવાર હોવાથી, કે કવખત હોવાથી ધર્મશાળામાં 'મા રાજ' સિવાય કોઈ ડેલીએ ફરકતું દેખાયું નહિ.
ધોતિયું ઓઢીને મા'રાજ હરીકેન ફાનસ પાસે બેઠા બેઠા તુલસીકૃત રામાયણ વાંચતા હતા.
'કોણ? કેવા છો ભાઈ?' મા'રાજે મારી સામે જોઈને પૂછ્યું. મા'રાજની એક આંખ મોટી ને ખોટી હતી. બીજી નાની ને નકશીદાર હતી. નકશીદાર એટલા માટે કે એનાં પોપચાં પર ઉઝરડો હતો. અવાજ મળે તે પહેલાં મા'રાજે નાની આંખ બાઈ ઉપર ઠેરવી : 'આ બાઈ કોણ છે?'
'મિયાણા છૈં બાપુ!'
'મિયાણાં !' મિયાણાનું નાં સાંભળીને મા'રાજ જરાક ચમક્યો. 'ક્યાંનો છે?'
'માળિયાનાં.'
'આમ ક્યાં જાવું છે?'
'કેશોદ.'
'શું.....'
'છોકરાના બાપ ત્યાં જમાદાર છે. જમાદારની નોકરી કરે છે.'
'અને તમે?'
'હું તો વાણિયો છું. બાઈ બિચારી ગાડીમાં ભેગી થઈ ગઈ. આખે રસ્તે લોચલી'તી કે ધર્મશાળામાં સથવારો મળે તો રાત રહેવાય.'
મા'રાજે તુલસીકૃત રામાયણ બંધ કર્યું, હરીકેન હાથમાં ઉપાડ્યું, અને આગળ ચાલ્યો.
'મસલમાનને રે'વાનો હકમ નથી, પણ અત્યારે બાઈ માણસ એકલું ક્યાં જાય એટલે મારે નાછૂટકે હકમ તોડવો પડે છે. આ ધરમશાળા હિંદુની છે.'
'અરે! મા'રાજ! હિંદુ-મુસલમાન સૌ માણસ તો છે નાં?'
'ઈ સાચું. તમારું કહેવું સોળ વાલ ને એક રતી. પણ આપણે હકમના દાસ.'
'હા, બાપુ હા.' બાઈએ ટેકો પુરાવ્યો.
'પાગરણબાગરણ નહિ મળે હોં.'
'અમથું ઘેર કે'દી પાથર્યું છે? બાપુ! ખેતરનાં ઢેફાંમાં પડ્યા રંઈ છંઈ.'
'ખેડ છે?'
'અરે માડી! હતું ત્યારે બધું હતું : ખેડ હતી, જમીન હતી, ઢોરઢાંખર હતાં, બધું હતું.'
મા'રાજે ધર્મશાળાનું એકઢાળિયાનું બારણું ઉઘાડ્યું. ખપાટની લીલી જાળીથી એકઢાળિયાને બંધ વાળ્યો હતો. સામે ચાર-પાંચ ઓરડા હતા. પણ દરેક ઓરડાને તાળું લગાવ્યું હતું.
'આમાં એક પડ્યો છે, કોળી જેવો એ... ખૂણામાં પડ્યો. કાલનો આવ્યો છે. તાવે ફફડતો'તો. આજે ઠીક છે. એ ખૂ...ણામાં પડ્યો.'
ખૂણામાં કોઈ માણસ માથે ઓઢીને સૂઈ ગયું હતું. પણ હરીકેનનું તેજ જોઈને તેણે જરાક કપડું ઊંચું કર્યું. અકસ્માત તે વખતે તેના પર મારી નજર પડી. ચહેરો કરડો હતો ને ચોર જેવો હતો. પોતે જાગતો જ નથી એવો ડોળ કરવા તેણે તરત કપડું પાછું માથે ઓઢી લીધું ને પડખું ફરી ગયો. અમે ઉતારો કર્યો. પેલી બાઈએ એક ખૂણામાં સાડલો પાથરી છોકરાને સુવાડી દીધું.
'પાવળુંક પાની આપો તો પી લઉં.'
મા'રાજ કાંઈક ઠીક લાગ્યો. પાણી લઈ આવ્યો.
'શેઠ, તમારે પાગરણ?'
'હોય તો લાવો.'
મા'રાજ લાવ્યો તે પાગરણ પાથર્યું. પોટલું ઓશીકે મૂકી લાંબો થઈને સૂતો. 'માલમતા સંભાળજો.' એમ કહીને હરીકેન લઈ મા'રાજ ચાલ્યો ગયો.
પેલી બાઈ હજી ક્યારેક ઊંડો નિઃશ્વાસ નાખીને કાંઈક બોલતી હતી. દરેક ધર્મશાળામાં હોય છે તેમ ભોંયતળિયે કેટલાક ખાડા હતા, ને એવો એક ખાડો મારી પથારી નીચે જ હતો, એટલે મેં પથારી બદલી.
'આંહીં પથારી કરું તો તમને વાંધો નથી નાં, બેન?'
'ના રે, મારા વીરા! મારે શો વાંધો હોય?'
મારી પથારી બાઈથી દૂર પણ પહેલાં હતી તેના કરતાં થોડીક જ વધારે પાસે થઈ. ત્યાં ઉપર બારી હતી. તેમાંથી પવન તો સરસ આવતો હતો. પણ બારીનાં મજાગરાં ઢીલાં પડી ગયાં હતાં ને સ્ટોપર હતી નહિ. એટલે તે વારંવાર ભટકાયા કરતી હતી. દૂરથી ઘુવડનો ભયાનક અવાજ પણ આવી રહ્યો હતો 'ઘૂ ઘૂ...ઘૂ...'
'અ રે રે ! માડી !'
બાઈ થોડી વાર પછી પોતાને સંભળાવતી હોય એમ બોલી. તેના મનમાં ઊંડું મંથન ચાલી રહ્યું હશે તેમ અવાજ ઉપરથી લાગ્યું.
આકાશમાં ચંદ્ર ઊગવાની તૈયારી કરતો હતો. તેના આછા ઉજાસમાં મેં બાઈ તરફ નજર કરી તો તે સૂતી સૂતી છાપરા તરફ તાકી રહી હતી. મને બીક લાગી કે સાળું વળગાડ જેવું હશે તો રાત આખી શે જશે.
'બાઈ!'
'કેમ?'
'તમને ઊંઘ નથી આવતી ભૂખે પેટે, તે કાંઈ ખાવું છે? મારી ભેગું ભાતું છે.'
'ના રે બાપુ! કાંઈ ખાવું નથી. પેટનાં જણ્યાં માર્યા છે તે ઊંઘ તે ક્યાંથી આવે?'
માર્યા ! આ તો નક્કી કાં ગાંડી ને વળગાડ ! દૂરથી પેલા ઘુવડનો હવે વધારે ભયંકર બનેલો અવાજ પણ આવ્યા કરતો : 'ઘૂ...ઘૂ...ઘૂ'
'મિયાણાં છો?'
'હા.'
'આમ કેશોદ જવું છે, કેશોદ?'
'ના. ના.'
'કેમ, તમે હમણાં કહ્યું નહિ? છોકરાના બાપ ત્યાં જમાદાર છે.'
'આ છોકરાના બાપે તો, માડી! ગજબ કર્યો છે. મોટું ગામતરું લીધું ને મને રખડાવી મૂકી. અમારી મિયાણાંની જાત!'
'છોકરાનો બાપ કેશોદ છે એમ તો તમે હમણાં કહ્યું ને?'
'તમે તો બાપુ, સારું માણસ છો, પણ ઠેકાણું ન આપીએ તો તો અમને મિયાણાને ઊતરવા જ કોણ દે?'
મિયાણા વિશે લોકોમાં સાધારણ રીતે ભય હોય છે એ મને યાદ આવ્યું. બાઈ સાચું કહેતી હતી.
'ત્યારે તમારે ક્યાં જવું છે?'
'જાવું છે ગરકાંઠે.'
'છોકરાના બાપ ત્યાં છે?'
'છોકરાના બાપે તો, માડી! મોટું ગામતરું સાધ્યું છે. હું તો હવે દુનિયામાં એકલી થઈ રહી છું! ક્યાં...ય નાખી નજર પહોંચતી નથી. મોટો છોકરો ગરમાં છે, એવા સમાચાર છે એટલે વળી ત્યાં જાઉં છું.'
'સાલ્લી! મિયાણાની જાત, પગથી માથા સુધી ખોટી, જોયું?' મનમાં ને મનમાં હું તો મૂંઝાયો. બીજું કાંઈ નહિ, સોનાની એક લગડી સાથે હતી, ને જો આ બાઈશ્રીને શંકા પડી ગઈ હશે, તો રાતે ગળાટૂંપો દઈ દેશે. આનીકોર ખૂણામાંય કોળો સૂતો છે! બે ચોર વચ્ચે એક શાહુકાર ! બહુ ખોટું થયું. લગડી લીધી હતી - દાણ ભરવું ન પડે ને ગુપચુપ ઘરમાં પેસી જાય માટે - દાણચોરી કરવા - ત્યાં આંહીં જ બે ચોર વચ્ચે મારું પનારું ક્યાંથી પડ્યું? કાં તો આખી રાત જાગવા દે. મનમાં વિચાર આવ્યો. મોટેથી બોલ્યો : 'તમારો છોકરો ગરમાં છે? ત્યાં શું કરે છે?'
'હા બાપુ! એવા વાવડ છે. આ નાના છોકરાના બાપને મારીને ભાગી ગયો છે!'
હું તો ચૂપ જ થઈ ગયો. કોઈ ખૂનમાં સંડોવાયેલ ઓરતની સાથે વાત કરું છું એ ભાનથી શરીર ધ્રૂજી ઊઠ્યું.
'ભરબજારે બંધૂકે દઈ દીધો!' 'બંધૂક' શબ્દ તો બાઈના મોંમાં મને ભરેલી ગોળી જેવો લાગ્યો અને તેમાં પણ 'દ'ને બદલે 'ધ', 'બંદૂક' નહિ પણ 'બંધૂક.' અને પાછી કચ્છી ભાષાની અસરવાળો ભારોચ્ચારણ. તોબા! આજ લગડી ઘેર પહોંચવાની નથી, બીજું શું?
'દીકરે ઊઠીને બાપને માર્યો? શી વાત કરો છો?'
'કોનો બાપ? આ નાના છોકરાનો બાપ. સમજ્યા નહિ? અમારે મિયાણામાં તો ઘરઘરણું થાય કે નહિ? એટલે હું પેલીવેલી ઘરભંગ થઈ તંઈ મારો મોટો છોકરો આઠનવ વરસનો જ હતો. ભાગી ગ્યો છે ઈ.'
'એને સગાંસાંઈમાં મૂકીને હું આ નાના છોકરાના બાપને ઘરઘી. આ છોકરાનો બાપ મારી વાંસે ગાંડો ગાંડો ફરે. ઈ વખતે મારું પણ જોબન. અમને બેયને એકબીજાની માયા લાગી. માયા તો શેઠ, તમે વાણિયાં, ભાંમણ, સુંવાળું વરણ, એટલે તમારે મોઢે શી વાત કરું? પણ જેમ પાણી ને મગરની પ્રીત લાગે એવી પ્રીત લાગી. હો ! છોકરાને મૂકીને ઘરઘી. તે દી કાંઈ મોટો રોયો છે, કાંઈ રોયો છે, માડી પથ્થર પીગળે એવું રોયો. આ ઈ છોકરો મોટો થયો. જોબન આવ્યું, કાઠું કર્યું. એ...ને શરીર જોયું હોય તો અલમસ્ત. સગાંએ ચડાવ્યો કે તારી માને ઉપાડી જાનાર તો ફલાણો મિયાણો. થઈ રહ્યું. એને પણ નાનપણ સાંભર્યું હશે કે કોણ જાણે શું, ભાઈ, ભરબજારે આ છોકરાના બાપને ગોળીએ દઈ દીધો.'
'ગોળીએ દઈ દીધો?'
'ધરાર દઈ દીધો!'
'પછી?'
'પછી શું? ભાગી ગ્યો. વાવડ છે કે ગરમાં છે એટલે ન્યાં જાઉં છું? એક વરસ થયાં હેરાન હેરાન થાઉં છું.'
'પછી શું કરવું છે ત્યાં જઈને?'
'મારે માડી! અમારી તે કાંઈ જિંદગી છે? જોતાં છાતી ઠરી જાય એવા જુવાનજોધ મિયાણા કૂતરાને મોતે માર્યા જાય છે, માડી! હવે તો આ જોવાતું નથી. હવે તો અમે બૈરાં ધરતી માર્ગ આપે તો સમાઈ જાઈં. મારા પડખામાં સૂતું છે પોટું, ઈ પાછું મોટું થઈને મોટા છોકરાને ગોળીએ દેશે. હવે આ બેય જણ્યા સલામત રહે, એટલા માટે આ દખ વેઠું છું!'
'તે તમે શું કરશો?'
'શું કરીએ અમે બાઈ માણસ? મોટાને ગોતીને નાનાને સોંપીશ ને બેયની રખેવાળી કરીશ. થવાનું હતું તે થઈ ગ્યું. હવે તો મોટો બચી જાય - બાપા, સરકારનો પણ લાગધાક છે - એમાંથી મોટાને બચાવવો છે.'
'જો છતો થાય તો મારા પીટ્યા સપાઈ પકડીને મારી નાખે, એટલે સંતાતો ફરે છે. વાવડ છે તે ગરમાં જાઉં છું : થાય ઈ ખરું. આ નાના સાથે એનો ભેટો કરાવવો છે. અમારે બાઈયુંને નસીબે આવા મિયાણા સાચવવાનું કરતારે લખ્યું હશે. જુઓ ને, આ પડખામાં સૂતો સૂતો ગોઠણિયાં મારે છે!'
ચંદ્રમાનો ઉજાસ હવે વધારે આવી રહ્યો હતો. મેં ધર્મશાળામાં ચારે તરફ નજર ફેરવી તો હું સૂતો હતો તેના કરતાં વધારે સારી જગ્યા બીજે ક્યાંય દેખાઈ નહિ. બોલ્યાચાલ્યા વિના ગુપચુપ સૂતો ને જાગતો પડ્યો રહ્યો.
બરાબર એકાદ કલાક વીતી હશે, એટલામાં પેલો બીજો માણસ ધીમેથી બેઠો થતો લાગ્યો. મારી છાતી થડકથડક થવા લાગી. પેલો માણસ નક્કી ચોરી કરવા બેઠો થયો હતો. લગડીને બરાબર સંભાળીને હું જાગતો સૂતો રહ્યો.
કોળી જેવો પેલો માણસ ધીમેથી બેઠો થયો. માથેથી લૂગડું કાઢીને નીચે મૂક્યું. થોડી વારમાં તો એના એક હાથમાં મોટી છરી દેખાઈ. ચંદ્રમાનો પ્રકાશ પડતાં તેનું પાનું ચળકી ઊઠ્યું.
મારો શ્વાસ થંભી ગયો. હમણાં આવીને છાતીએ ચડી બેસશે એ ભયમાં ને ભયમાં હું ફાટી આંખે એના તરફ જોઈ રહ્યો.
તે ઊઠ્યો ને ગુપચુપ આગળ વધ્યો.
વખતે બહાર જતો હશે એમ ધારીને હું એનું દરેક પગલું નિહાળી રહ્યો.
પણ તે તો મારી તરફ જ આગળ વધતો હતો ! મોટેથી બૂમ મારવાનું મન થયું પણ અવાજ નીકળ્યો નહિ. બાઈ તરફ નજર ફેરવી તો તે પડખું ફરીને સૂઈ ગઈ હતી.
તેના પગનો ઘસારો તીક્ષ્ણ ખંજરની ધાર નીકળતી હોય તેવો લાગ્યો. છેક પાસે, પથારી સાથે તેનો પગ દેખાયો. કપડાં સાથે તે પગ અથડાયો! મારી ઉપર નીચો વળીને તે જોઈ રહ્યો હતો. 'એ... લગડી ગઈ!' એવો મોટો અવાજ મારા મનમાં થઈ રહ્યો.
પણ થાય તેટલું જોર કરીને હું આંખો મીંચી ગયો. સહીસલામતીનો એ એક જ માર્ગ હતો. હું ભરનિંદ્રામાં હોઉં તેમ પડ્યો રહ્યો.
કેટલી વાર આંખો મીંચી રાખી તે માલૂમ રહ્યું નહિ. કારણ કે હરેક પળ કલાક જેડવી લાંબી લાગતી હતી. પણ જ્યારે આંખ ઊઘડી ત્યારે પેલા માણસને બાઈની પાસે બેઠેલો જોયો. આશ્ચર્ય થયું કે વખતે બંનેને ઓળખાણ તો નહિ હોય નાં?
મનમાં શંકા પણ થઈ : 'સાલો કોળો! મિયાણીમાં મોહ્યો તો નહિ હોય? હવે લગડી બચી ગઈ! પણ મિયાણી માથાની ફરેલ છે, ને જો કોળીને ફટકારશે તો મફતની સાક્ષી દેવી પડશે એનું શું?'
એટલામાં તો પેલા માણસે છરી નીચે મૂકી. મિયાણીનો હાથ પકડ્યો! મારું મન મનમાં ને મનમાં ધ્રૂજી ઊઠ્યું : 'અરે! ક્યાંક કોળો હમણાં મરશે.'
ભાગી જવાનું મન થયું, પણ એ શી રીતે બને? મૂંગા સાક્ષી થયા વિના બીજો ઉપાય ન હતો. લગડીને જરાક દબાવી જોઈ, સહીસલામત હતી. પણ કંચનમાં હું મોહ્યો હતો. કામિનીમાં પેલો મોહ્યો હતો.
એટલામાં તો જેમ અગ્નિ અડકે ને માણસ ઝબકે તેમ મિયાણી ઝબકીને બેઠી થઈ ગઈ હતી. 'એલા કોણ છે એ?' મિયાણીનું રૂપ કરી ગયું હતું.
'કેવો છો? બાઈ માણસને હાથ અડાડતાં શરમાતો નથી. એ... શેઠિયા... ભાઈ! આ જુઓ તો કોણ છે? ભા...ઈ!' બાઈનો અવાજ ફાટી જતો લાગ્યો.
પેલું ઘુવડ, હજી સાળું બોલ્યા કરતું હતું :
'ઘૂ... ઘૂ... ઘૂ...'
પેલા માણસે હાથમાં છરી લીધી.
'ઑય માડી રે! પેલી બાઈથી મોટેથી બોલાઈ ગયું. તેણે જોરથી પેલા પુરુષનો હાથ પકડી લીધો, ને મને બૂમ પાડી :'
'એ શેઠિયા ભાઈ!'
મેં હજી ભરનિંદ્રાનો પાઠ ચાલુ રાખ્યો હતો. એક ક્ષણ વહેલું થાય, તેમાં પણ જોખમ!
પણ એટલામાં એક શબ્દ સાંભળતાં આ જાગ્રત નિદ્રાવસ્થા જાણે ઊડી ગઈ. પેલો માણસ અત્યંત ધીમે ગળગળે અવાજે બોલી રહ્યો હતો : 'મા! એ મા! મને નથી ઓળખતી? હું કરીમ! કરીમને તું નથી ઓળખતી, મા?'
મિયાણી અવાક્ બનીને તેની તરફ જોઈ રહી : 'હેં! માડી કરીમ ! દીકરા ! દીકરા ! તું આંહીં ક્યાંથી?... મિયાણીનો અવાજ અત્યંત ધીમો થઈ ગયો હતો. છતાં એવો તે દર્દથી ભરેલો હતો, અને 'દીકરા' બોલતાં તેણે એવી કંપારી અનુભવેલી લાગી કે અવાજ ન થાય તેમ હું તરત પડખું ફરીને બાઈની સામે જોઈ રહ્યો. મિયાણી કે કરીમ બેમાંથી તો કોઈને મારા તરફ જોવાની અત્યારે ફુરસદ ન હોય તેમ લાગ્યું.'
આ અકસ્માતી મેળાપે બંને મારું અસ્તિત્વ જ જાણે ભૂલી ગયાં હોય તેમ લાગ્યું!
'દીકરા ! કરીમ ! માડી ! તું ક્યાં ઓળખાય જ છે? આ તારું શરીર છે? અરેરે માડી! તું આંહી ક્યાંથી?'
'મા ! જરાક ધીમે બોલજે હો. મારા ઉપર તો વારંટ ફરે છે. તને છેલ્લું છેલ્લું મળી તો લીધું ! હવે તો ગરમાં પણ રહેવાય એવું રહ્યું નથી. એટલે ભાગ્યો છું ! ને માથે વારંટ !'
'હેં માડી !' બાઈ વધુ કાંઈ બોલી શકી નહિ. કંઠ રૂંધાઈ ગયો હતો.
'હું ખૂની છું ને સિપાઈ પાછળ ફરે છે એ ખબર છે નાં? માડી ! ધીમે બોલ. ધીમે વાત કર. તું અહીંથી ક્યાં જવાની છે?'
'જ્યાં તું ત્યાં હું.'
'મારો તે શો ભરોસો? હું તો આવતી કાલે ન હોઉં. પણ હું તને એક વાત કહી દઉં.'
'શું?'
'મેં તારો ગનો કર્યો છે, માડી ! તું આ છરી લઈ લઈને મને મારી નાખ. સરકાર મને પકડે ને ફાંસીએ ચડાવે એના કરતાં તો તારે હાથે મરું તો મને નિરાંત તો થાય ! એટલે કહું છું, તારા ગનાનું વેર લે !'
મિયાણી છોકરાના જુવાન દેહ તરફ જોઈ રહી. તેની આખી કાયા ટટ્ટાર થઈ જતી લાગી. તેણે છરી ઉપાડી. મારા મનમાં મોટો ચિરાડો પડ્યો : 'અરર! આ બાઈ ગજબની ! ખરેખર મારશે કે શું? પણ એટલામાં મિયાણી બોલતી હતી :'
'કોને? તને મારું? દીકરા ! તારા સારુ તો આ ખોળિયાના જોડા સીવડાવું તો ઓછા ! અરે ! કે' તો ચામડું હમણાં ઊતરડી દઉં!'
'પણ હું ગનેગાર છું. મેં તારો ગનો કર્યો છે! સરકાર મારે એના કરતાં તું જ માર! સરકારના હાથ લાંબા છે. પાતાળમાંથી મને પકડ્યા વિના નહિ રહે!'
'પકડ્યાં પકડ્યાં હવે ! ને ગનો તેં ભલે કર્યો, પણ પેલો ગનો મેં કર્યો છે એનું શું?'
'તેં?'
'તંઈ નહિ દીકરા ! મારાથી વિખૂટો પડતાં તું કેવું રોયો'તો ! અરે! દીકરા, મારામાં એટલું રોવાનું બળ હોય!'
'મા ! તને એક વખત જોઈ લીધી, એટલે નિરાંત થઈ ગઈ ! હવે ભલે મને સરકાર ઘાણીમાં ઘાલીને તેલ કાઢે!'
'તેલ તો હવે નીકળી રહ્યું. જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તારી આડે જીવતા શરીરનો કિલ્લો બાંધી દે'શ.'
મિયાણો કાંઈ બોલ્યો નહિ પણ એનું માથું મિયાણીના પગ પાસે ઢળી પડ્યું. ઊંડાણમાંથી આવતો હોય તેમ ધીમો અવાજ સંભળાયો :
'મા !'
મિયાણીએ એનું માથું ખોળામાં લઈ લીધું. અત્યંત પ્રેમથી માથાના વાળ ઉપર હાથ ફેરવવા લાગી.
'મા !'
'શું છે બેટા? કરીમ ! કેમ મોળો પડી જાય છે?'
'મને... માડી, તારા ખોળામાં એક ઘડી - પછી ભાગી નીકળું... તેં -'
મિયાણીએ તેનું માથું બે હાથમાં લઈને ઊંચું કર્યું. મીઠું જીવનના રસબિંદુ જેવું પ્રેમભરેલું એક ચુંબન લઈ લીધું.
'બસ મા! બસ. હવે હું ભલે મરું. મને હવે ભાગવા દે માડી ! પણ અરે ! માડી...' મિયાણીને હવે સાંભર્યું લાગ્યું : 'આ શેઠ જાગતો હશે!'
તે બહુ ધીમેથી બોલ્યો : 'ભલે બિચારો સાંભળી લે. મારા તકદીરમાં નોંધ્યું હશે. એમ થાશે.'
'દીકરા ! પણ હવે તારે એકલું ક્યાં જાવું છે? હવે તો જ્યાં તું ન્યાં હું.'
મિયાણો ઊભો થતો જણાયો : 'તંઈ હવે મા...'
'શું? હાલ્ય મારી ભેગો. હું જીવું છું ત્યાં સુધી રાત-દી તારું રખોપું કરીશ. અને આ સૂતો ઈ તારો ભાઈ! બેય મોટા થઈ જાવ.'
સૂતેલા નાનકડા છોકરાનો હાથ કરીમે નીચા વળી હાથમાં લીધો. મીઠું ચુંબન કર્યું. તેની આંખમાં ઝળઝળિયાં ભરાઈ આવ્યાં.
'માડી ! માથે વારંટ ફરે છે.'
'ભલે ફરે ! મારી ભેગો હાલ. પાછાં આપણે ઘરભેગાં થઈ જાઈં.'
'પણ સપાઈને ખબર પડી ગઈ છે!'
'તો પછી ડરછ શું? આ છોકરાને મોટો કરજે. બેય ભાઈ સંપીને રે'જો. મોટો થાય તંઈ મારી વાત કે'જે ને આ છોકરાના બાપાને તો મેં માર્યો છે. તેં નથી માર્યો. સપાઈસપરાં મળે તો મારું નામ દઈ દેજે! એમાં તેં શું? ભલે ખબર પડી ગઈ, તોય શું? સમજ્યો?'
'અને મારે માટે તને જીવતી નરકમાં નાખું?' આ છોકરાના બાપાને માર્યો. હવે તુંને - માને પણ મારી નાખું? આ કામો મારે હાથે?
'અરે, પણ બેટા ! તું તે દી રોયો. મેં તને તરછોડ્યો ઈ દી મને સાંભરે છે ! ભૂલ મેં જ કરી. તને તરછોડીને મેં જાણે જીવતો અંગારો જ તને ખાવા આપ્યો. પણ તમે ભાયડા બંધૂક ખાઈ જાણો. કાંઈ જીવતા અંગારા ખાઈ જાણો? જીવતા અંગારા તો અમે બાઈ માણસ જ જીરવીએ.'
'બંધૂકમાં શું ખાવું'તું? બંધૂક તો જનાવર પણ ખાય છે : પણ તમે કોણ જાણે કઈ દુનિયાનાં માનવી છો. જીવતાં અંગારા ખાઈને જિવાડો છો!'
'ત્યારે, બેટા કરીમ! મારું કહ્યું માન. હાલ સોંસરવા નીકળી જાઈં તો સંધ ભેગાં થઈ જાઈં. ન નીકળાય ને વચ્ચે પકડાઈ જાઈં તો આ છોકરાને તું સાચવજે. ને ગુન હું માથે ઓઢી લે'શ!'
'માડી, તું નહિ ! તું આંહીંથી ઘેર પાછી જા, ને મારા ભાઈને મોટો કર.'
બાઈની આંખમાંથી આંસુ પડી રહ્યાં હતાં.
તે ગળગળે અવાજે બોલી : 'દીકરા! હવે હું તને નહિ છોડું. ભલે જે થવાનું હોય તે થાય.'
એટલામાં હું ધીમેથી પડખું ફર્યો. એટલે મિયાણો સજ્જ થઈ ગયો.
'આ કોણ છે?' તેણે મિયાણીને પૂછ્યું.
'શેઠિયો છે. સારું માણસ લાગે છે.'
મિયાણીએ ફરી મારો સંચળ સાંભળી આંગળી નાક ઉપર મૂકી એની માને છાના રહેવા કહ્યું. પણ થોડી વારમાં મિયાણી છોકરાને તેડી બેઠી થઈ ગઈ.
'ચાલ, ક્યાં જાશું? શેઠિયો થોડુંક જાગતો હતો તો લાગે છે, એને વધારે જગાડશું?'
મિયાણીએ નાક ઉપર આંગળી મૂકી.
થોડી વારમાં બન્ને જણાં બહાર નીકળવાની તૈયારીમાં પડ્યાં.
'માડી ! તું આંહીં પડી રહે, મને જાવા દે!' મિયાણો હજી કહેતો હતો.
'ના, ના, હવે તો જ્યાં તું ત્યાં હું, ને તમારું રખોપું હું કરું. પછી ગલઢી થાશ. એટલે પાછી આના બાપની કબર સંભાળીશ.'
કાંઈ બોલ્યા વિના એક વખત હું હજી ઊંઘું છું એની ખાતરી કરીને બન્ને મૂંગાં મૂંગાં એકદમ જ વંડી તરફ ગયાં. બહાર નીકળી મિયાણો ધર્મશાળાની વંડી ધીમેથી ઠેકી ઉપર ગયો. તેણે બે હાથે ટેકો આપી મિયાણીને પણ ઉપર લઈ લીધી. મારા મનમાં વિચાર તો આવ્યો : આમાં સપડાવા જેવું તો નહિ થાતું હોય? પણ આપણે બૂમ શું કરવા પાડવી? જાતાં હોય તો ભલે ને જાય!
બે મિનિટ પછી હું ઊઠ્યો. બારીમાંથી બહાર જોયું. ચંદ્રમાના અજવાળામાં રસ્તા ઉપર બે જણાંને દોડતી ચાલે જતાં દીઠાં. એકબીજાની પડખે રહીને આખી આલમ સામે લડી કાઢવાનું બળ એ વેગભર્યા પગલામાં આંહીંથી પણ જાણે સ્પષ્ટ દેખાઈ આવતું હતું.
આટલી થોડી ક્ષણો માટે મળેલાં આ માનવી વિશે હું વિચાર કરી રહ્યો હતો : આ કેવાં ગણાય !
પેલું ઘુવડ હજી બોલી રહ્યું હતું :
ઘૂઘૂ... ઘૂ... ઘૂઘૂ...
ઘૂઘૂ... ઘૂ...
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર