ખોળો ખૂંદવાની ઈચ્છા

19 Jun, 2016
02:00 PM

mamta ashok

PC:

(કૃપાલી શાહ)

પ્રીત પ્રારબ્ધ અને પુરુષાર્થ જે છેડે મળે એ ત્રિભેટા એક 'પ' આવે અને આપણી લાઈફમાં એ ‘પ’ એટલે પપ્પા. સુરસપ્તકમાંનો પાંચમો સ્વર પંચમ અને એ સપ્તકની સમજણ આપનાર દુનિયાની દરેક નવી કેડીમાં ગૂંચ તો આવે જ પણ એ ગૂંચ ને ખૂબ સહજતાથી ઉકેલી લેવાની ચાવી એટલે પપ્પા, પ્રિય બાપુ… ખૂબ પ્રેમ ઉભરાય ત્યારે પપ્પાને બાપુ કેહવું ખૂબ ગમે!

મારા પપ્પા એટલે કદાવર બાંધો, શાંત ચેહરો અને મહોરા વિનાના માણસ. સ્વભાવે થોડા અલ્લડ, જિદ્દી પણ પોતાના જ મિજાજમાં સદા મસ્ત, રહે કામમાં વ્યસ્ત અને કોઈનેય ના કરે ત્રસ્ત! છતાંય મિજાજ એવો કે દુનિયા ને લાગે ‘બડો શેતાન માણસ છે…’  આવું પપ્પાના જ મોઢે ઘણી વાર સાંભળ્યું છે. પણ એ જેવો હોય એવો મને ખૂબ ખૂબ ખૂબ વહાલો છે. પપ્પા હોવા છતાં પ્રેમ દર્શાવવા તુંકારો કરી શકાય એટલા સરળ અને સહજ!                                                      

મારા માવતરના ચાર સંતાનોમાં હું પ્રથમ સંતાન એટલે ખૂબ જ લાડથી ઉછેરેલી. હોસ્પિટલથી મને ને મમ્મીને ઘેર લઈ ગયા ત્યારે ખીસામાંના પૈસાય ઉછીના, જ્યાં નોકરી કરે એ શેઠ પાસેથી લીધેલા. પરંતુ હિસાબ પાઈનો ને બક્ષિસ લાખની સૂત્રને જીવનમાં આત્મચરિતાર્થ કરી રહ્યા ને અમનેય એ જ શીખવ્યું!

પપ્પા એટલે આંગળી પકડીને સ્કૂલમાં મૂકવા આવે ને ચાર વર્ષની થાઉં ત્યાં તો સામે ઊભા રહી રોડ ક્રોસિંગ પણ શીખવી દે. જન્મે અમે જૈન  હોવા છતાંય પોતે કંદમૂળ ખાય, પરંતુ મમ્મીની આસ્થાને ઠેસ ના પહોંચે એ હેતુથી અમને ક્યારેય ના ચખાડ્યું  કે ના કદીએ ખાવું જોઈએ એવો ફોર્સ કર્યો. પણ હા પાઉંભાજી જેવું કંક સ્પેશિયલ મેનુ હોય તો પાડોશી કામત આંટીના ઘરેથી કાંદો લાવી દેવો પડે ચાર ચોકલેટના સોદા સાથે! ત્યારે મમ્મીની નારાજગી વહોરી લેવાની, પરંતુ પપ્પાને ભાવતું કરી દેવાનું! પપ્પાય ખુશ અને અપુનભી ખુશ.

મેટ્રિકનું રિઝલ્ટ આવવાનું હોય એના આગલા દિવસે તો ઘરમાં 10 કિલો પેંડા આવી જાય ગામને વહેંચવા ઠેડ ભાવનગરથી! એટલો વિશ્વાસ પપ્પાને એની કૃપાલી પર. કહે છે ‘આપ કે આને સે હમારે ગૃહ મંદિર પે કૃપા આલી ઉસ ઈશ્વર કી’ એટલે જ તારું નામ પડી દીધું કૃપાલી!

ઇન્ટર કોલેજ કે ઇન્ટર સ્કૂલ હરિફાઇ માટે બહાર જવાનું હોય ત્યારે સૌથી પહેલા પપ્પા જ ઢાલ બની ને ઊભા રહે કોઈના બાપથી ય ડરવાનું નહીં ને જરૂર પડે તો કોઈને ભાઈબાપા કરવામાંય ઉણા ઉતરવું નહીં એવી શીખ તો રમતા રમતા એમણે શીખવી દીધી. પણ હવે તો પપ્પા જ કહે ‘મેરી બિલ્લી મૂજે હી મ્યાઉં’

આખો પરિવાર જેમની સામે એલફેલ કે પાયા વિનાની વાતો કરતા ડરે એ બાપા સાથે બિંધાસ્ત બધી જ વાતો હું કરી શકું. એ વાતોમાં રમત, રાજકારણ, ઘરથી લઈ સંસાર, સંયમથી લઈ મુક્તિ, સંતાનથી લઈ પરિવર્તન, મધુબાલાથી લઈ માધુરી, ઝીનત અમાનથી લઈ સની લિયોની અને ગુરુદત્તથી લઈ નવાઝુદ્દીન ને મોરારી બાપુથી લઈ મોદી સુધીનું બધું જ સમાઈ જાય.

આ રીતે લાગણીઓ અભિવ્યક્ત કરી શકું એય એમની પાસેથી જ મળ્યું વારસામાં. લખતી જ જાઉં લખતી જ જાઉં હરિબાપુ, પણ શબ્દો ખૂટી જાય પણ તમારા વિશેની વાતો નહીં! હરેશકુમાર દામોદરદાસ વોરા એમનું નામ, જેમને પ્રેમથી અમે હરિબાપુ કહીએ. એમના મિત્રો બોલાવે એ નામે! જેમણે ઘરમાં આજની તારીખે પણ ઈડિયટબોક્ષ વસાવ્યું નથી પણ અડધી રાત સુધી જૂના મૂવી જોઈ શકે.

પોતાના મનનું જ કરનારા પપ્પા દેરાસરની અંદર રાખેલા ભંડારમાં કે બહાર બેઠેલા ભિક્ષુકોને એક રૂપિયો પણ ના ધરે, પણ એમની ઓફિસમાં એમની નીચે કામ કરતા જુનિયર  સ્ટાફ, મકાનના રાખતા ગુરખાજી, ઘરમાં કામ કરવા આવતી કામવાળી બહેન જેવા ઘણા બધાને ઘેર પપ્પાએ દીધેલી કેરી પહેલા પહોંચી જાય. આપણાથી મોટા હોય અને ખોટું કરે તો ચોપડાવી દેતા ગભરાવું નહીં, પણ આપણાથી નાના માણસને ક્યારેય હડધૂત ના કરવો એ શીખવાડી દે એમના વર્તનથી. જમાનો ખરાબ છે અને રહેવાનો જ પણ એ આપણને ચાઉં કરવા આવે એ પહેલા જ આપણે એને ઓહિયાં કરી જવું… સ્વભાવમાં કડકાઈ સાથેની સાલસતા, સ્પષ્ટ વક્તાપણું અને સંબંધમાં સાપેક્ષતા જેવું બધું એમના થકી મળ્યું.

આ થઈ જન્મદાતા તથા જીવનદાતા પિતાની વાત! સપ્તપદીના ફેરા ફર્યા બાદ પણ મને મળ્યા નવા પિતા કીર્તિકુમાર ધીરજલાલ શાહ. જેમણે ફક્ત છ વર્ષનો સાથ આપી અમારી વચ્ચેથી વિદાય લીધી. એમની સાથે પણ ખૂબ જ નિખાલસ તથા મોકળાશભર્યો સંબંધ માણવા મળ્યો.

અગમ્ય કારણોસર પ્રથમ પ્રસુતિની પીડા ઉપડી એ સમયે પરણેતર બહારગામ હોય ને કહેવાય નહીં સહેવાય પણ નહીં એવી પીડામાં સાસુમા તો સ્ત્રી તરીકેની ફરજ નિભાવે જ, પરંતુ એ પપ્પાજીય કોઈની શરમ રાખ્યા વિના હાથ પકડી હોસ્પિટલ લઈ ગયા. ઘર અને ટયુશન વ્યવહાર બધું સાચવવામાં ક્યાંક મોડી પડું તો પપ્પા શાક પણ સમારી દે અને કુકર પણ ચડાવી દે. વરને કોઈ કામ ના સોંપી શકું, પણ પપ્પાજીને કંઈ સોંપતા ડર નહીં લાગ્યો એટલી નિખાલસતા કેળવવામાં વાર નહીં લાગી. કારણ કે એમણે મને પુત્રવધુ કરતા દીકરી તરીકે વિશેષ સ્વીકારી.

બોલે કઈ નહીં પરંતુ જાણે બધું એવા સસરાજી મારા સંતાનો પર અસીમ પ્રેમ વરસાવી ચાલ્યા ગયા. મને એક જ અફસોસ રહી ગયો કે, મારો મોક્ષ એના દાદાની હાજરીમાં મોટો ના થઈ શક્યો. ક્યારેક હું કેહત,  ‘પપ્પા તમે બહુ ખંધુ હસો છો.’ ત્યારેય કંઈ બોલ્યા વગર સ્વીકાર સાથે પાછું ઉત્તરમાં એક સ્મિત આપતા જાય. થોડું ઝાઝું રહ્યા હોત તો પપ્પા?

મિસ્ટર હરિ બાપુ આ માધ્યમથી આજ કહેવી છે એક છેલ્લી વાત. હવે સમય આવ્યો છે વાન પ્રસ્થાશ્રમને માણવાનો. ના કરવા જેવી નોકરી તો આખી જિંદગી કરી પણ હવે સમય છે મા સાથે વીતાવેલી દરેક ક્ષણોને યાદ કરી તમારા બેમાં જ એકબીજાનો સાથ શોધી સંસ્મરણોને સાદ દઈ આનંદનો ઉત્સવ મનાવવાનો. આખી જિંદગી જે માએ તમને સારું લાગતું બધું કર્યું એને ગમતું કરવાનો, જે લાગણી છે અને અભિવ્યક્તિને વાચા આપવાનો.

આજે બે છોકરાની મા બની ગઈ છું તોયે તમારા ખોળામાં પાછી નાનકડી ઢીંગલી બની સૂઈ જાઉં એવું મન થાય છે. એ ચંપક, ચાંદામામાની વાતો, પહેલી વખત વિજાતીય વ્યક્તિ માટે આવેલ આકર્ષણની વાતો, જિંદગીના વિસ્મયકારી અનુભવની વાતો, સંસાર માંડ્યા પછી કહેવાતા સગાઓ દ્વારામજ લેવામાં આવતા પારખા, હર ઘડી અસ્તિત્વ માટે લડવાની વાતો… બધું જ પાછું ઠાલવી દેવું છે એ ખોળામાં. એ ખોળો મળશે ને પપ્પા??? Love You alot

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.