એક વાટકી કેરીનો રસ બરાબર બે કિલોમીટર!

23 Jun, 2017
06:00 AM

કલ્પના દેસાઈ

PC: mitholimdo.com

દુનિયાના કોઈ પણ પાકશાસ્ત્રમાં કે માપશાસ્ત્રમાં તમને આ સમીકરણ જોવા નહીં મળે. એક વાટકી કેરીનો રસ=પચાસ રૂપિયા અથવા એક વાટકી કેરીનો રસ=પપૈયાનો માવો+પાણી+કેરીનું એસેન્સ, એવું કંઈક જાણવા મળે. બાકી, કેરીના રસને કિલોમીટર સાથે શી લેવાદેવા?

લેવાદેવા છે ભાઈ, આજના જમાનામાં તો કંઈ પણ ખાઓ પીઓ, એની સામે ગણતરી માંડતાં જ રહેવાનું. પૈસા ખર્ચીને ખાવાપીવાનું અને પછી જીવ બાળીને ખાધેલું ખર્ચી નાંખવાનું. કેવી રીતે? તો કે...નહીં નહીં, એમ તરત તરત વાત પતાવવામાં મજા નહીં આવે. આપણે વાતના મૂળમાં જઈએ.

આપણે ગુજરાતીઓ ગળપણની  શોખીન પ્રજા તરીકે, કુખ્યાત કે સુખ્યાત. દાળ અને શાકના ગળપણથી આગળ વધીને, વાતે વાતે મોં મીઠું કરનારા. આપણા માટે ગર્વની વાત કહેવાય, કે ભારતભરમાં મધુપ્રમેહના દર્દીઓ ધરાવવામાં આપણે અગ્રેસર છીએ. એ જ વાત પર ચાલો, કુછ મીઠા હો જાએ. મીઠી મીઠી મીઠાઈની વાતો. 

જ્યાં કશે પણ જમણવાર હોય કે કોઈના ઘેર જમવાનું હોય, જો ત્યાં મીઠાઈ ન હોય તો આપણું મોં કટાણું થઈ જાય. અરે! જમવાની વાત છોડો, જો કોઈ ખાંડ વગરની ચા પીવડાવે તો પણ આપણું મોં દિવેલીયું થઈ જાય.. જલેબી વગર ફાફડા કે જલેબી વગર પાતરાંની મજા નથી. હું તો જ્યાં દાળ, ભાત, શાક ને ભજિયાં હોય પણ જો લાપસી ન હોય તો ઉપવાસ કરી લઉં છું. દૂધપાક કે બાસુંદીની મને એલર્જી નથી ને લાડવા ખાતી વખતે હું ગણતી નથી. એમ ગણી ગણીને શું ખાવાનું? ગુલાબજાંબુ તો ગરમ જ ભાવે ને રસગુલ્લાં તો હરતાંફરતાં જ ખાવાની મજા છે. ચાસણીમાં ડૂબેલા ગુલાબજાંબુ કે રસગુલ્લાં ખાતાં મને કોઈ શરમ કે ગભરાટનો અનુભવ થતો નથી. મને ઓળખનારા જાણે છે, કે મને ગળપણ ભાવે છે ને અજાણ્યાંઓની પરવા કેમ કરવી? ગળપણ વગરના જીવનની હું કલ્પના કરી શકતી નથી.

એક સમય એવો પણ હતો, જ્યારે મારી ગળપણની આદતને યાદ રાખનારાં, યાદ રાખીને મારા માટે ખાસ મીઠાઈ રાખી મૂકતાં અથવા લાવતાં અથવા મોકલતાં. જમણવારમાં ખાસ મને યાદ રાખીને પીરસણિયાઓને ઊભા રાખી, મારી થાળીમાં આગ્રહ કરીને મીઠાઈ મૂકાવતાં. ‘લે, લે. તને ગળ્યું ભાવે છે ને?’ અને પછી ખવડાવીને ખુશ થતાં. હું તો એમના પ્રતિ આભારની નજરે જોઈ રહેતી. ઘડી ઘડી માગતાં, એમ મને તો શરમ જ આવે ને? કેટલુંક ખાવું?

પ...ણ હવે લાગે છે, કે ‘મને ગળ્યું ભાવે છે’ કે ‘મને ગળ્યું ખાવાની ટેવ છે’ એ વાતો હવે ભૂતકાળ બની જશે કે શું? મારે મારા મનને જ મનાવવું પડશે. ગળપણની આદતે મને લોકોમાં ખાસ્સી પ્રખ્યાત કરી મૂકી છે. કંઈ ના આવડે તો કોઈ પણ રીતે પ્રખ્યાત થવાનું વિચારેલું તે આવી રીતે સાચું પડ્યું. હોંશમાં ને હોંશમાં મેં કેટલું ગળ્યું ખાઈ કાઢ્યું! જોકે, આજકાલ હું અવઢવમાં રહું છું. જમણવારનું આમંત્રણ જોતાં જ મને મીઠાઈની યાદ આવે પણ હું દ્વિધામાં પડી જાઉં, જાઉં કે ન જાઉં? જો જાઉં, તો ખાઉં કે ન ખાઉં? કારણ શું, કે જમણવારમાં મીઠાઈ પીરસનારા એક તો મારી સામે ઘડી ઘડી આંટા મારતા રહે અને જો બૂફે હોય તો હું ઘડી ઘડી મીઠાઈ પાસે પહોંચી જાઉં! મારી સાથેવાળા તો પોતે ખાવાનું બાજુએ મૂકીને પણ મને આગ્રહ કરવા પર મંડેલા હોય.

‘ખાઓ, ખાઓ. તમને તો ગળ્યું ભાવે છે ને?‘

‘હા, ભાવે તો છે, પણ તેથી કંઈ...’(હું તો પહેલેથી જ ઢીલી પડવા માંડું.)

‘અરે ચાલે હવે, ખાઈ લો. આટલામાં કંઈ વજન નથી વધી જવાનું કે ડાયાબિટિસ પણ નથી થઈ જવાનો. રસમલાઈ તો તમારી પ્રિય છે. ખાઈ નાંખો આજે. કાલની વાત કાલે.’

‘ના ના, પણ સાચવવું તો જોઈએ ને?’( ખોટાં બહાનાં ચાલુ!)

‘હવે સાચવ્યાં જ છે. તમે ક્યાં એટલા જાડા છો?(ખરેખર?) આજે મારું આટલું માન રાખી લો, પછી નહીં ખાતાં બસ?’(યજમાનને બદલે આ લોકો જ પારકે ભાણે...!) ખેર, એમનું માન રાખવા આખરે હું થોડુંક વધારે ખાઈ જ નાંખું. પણ મનમાં તો સવાલ ખટકે જ, કે મારે શું ખાવું, કેટલું ખાવું, ક્યારે ખાવું તે બધું આ લોકો જ નક્કી કરશે? ના ના, એમ કોઈને મારું ભોજન(કે વજન) વધારવાનો હક નથી. હવે તો કોઈના આગ્રહ આગળ ઝૂકવું જ નથી.

કોઈના આગ્રહની વાત તો આવે ત્યારે આવે, પણ મારું મન જ્યારે આગ્રહ કે દુરાગ્રહ કરે ત્યારે? ખરો પ્રશ્ન તો એ જ આવે, કે ત્યારે મારે શું કરવું? મેં ડૉક્ટરની સલાહ લેવા વિચાર્યું. 

‘ડૉક્ટર સાહેબ,(ડૉક્ટરને સાહેબ કહેવું પડે. એમનો વટ પડે ને આપણું સારું દેખાય) મારે મીઠાઈ છોડવી છે.’

‘છોડવી તો મારે પણ છે, પણ શું થાય? આદતથી મજબૂર.’

‘એમ? તમને પણ ગળ્યું બહુ ભાવે?’(કેમ ડૉક્ટર માણસ નથી?)

‘તમે માનશો નહીં, પણ મને દિવસમાં પાંચથી છ વાર, કંઈ કંઈ ગળ્યું ખાવા જોઈએ જ.(મને તો આશ્ચર્યનો એટેક આવ્યો. શું હું ખોટી જગ્યાએ આવી?)

મારે ખુશ થવું કે દુ:ખી થવું તે સમજાયું નહીં. આ ડૉક્ટર તો મારા પણ ગુરુ નીકળ્યા! હું ત્યાંથી બહાર નીકળી જવાનું જ વિચારતી હતી, કે એમણે કહ્યું, ‘જુઓ, તમે બિલકુલ ગભરાશો નહીં. મેં હાલમાં જ એક નવું ગણિત શોધ્યું છે. તમારે જે ખાવું હોય તે ખાવાનું, પણ બદલામાં એટલું ચાલી નાંખવાનું.’

‘એટલે? એ કેવી રીતે ખબર પડે કે કેટલું ખાતાં કેટલું ચાલવું પડે?’

‘જુઓ, ધારો કે તમારે એક વેઢમી ખાવી છે, એટલે જો બે કિલોમીટર તમે ચાલવાનાં હો, તો જ વેઢમી ખાવી, એવું રાખવું. એકદમ સિમ્પલ છે. કેરીનો રસ ખાવો છે? તો બે કિલોમીટર ચાલીને પછી શોખથી એક વાટકી રસ ખાઈ લો.’

મેં તો મનોમન ગણિત માંડ્યું. સવારે બે વેઢમી અથવા બે વાટકી રસ અને સાંજે બે વેઢમી અથવા બે વાટકી રસ, તો મારે કેટલા કિલોમીટર ચાલવું પડે? એ મને પોસાય? કે ખાવું પોસાય? આ તો શિક્ષા જ કહેવાય ને? ખાવા માટે ચાલવું? એ વળી ક્યાંનો ન્યાય? તો પછી, શું બધા ખાતા હોય ત્યારે મારે જોયા કરવાનું? ના, ના. ખાવું તો ખરું જ. આટલાં વરસો ખાધું ને હવે એક ઝાટકે બધું છોડી દેવાનું? તો પછી શું કરું? ચાલવાનું શરૂ કરું? એમ જ? કોઈ કારણ વગર? મને શું થયું છે?

હે કોઈ! મને રસ્તો સૂઝાડો. ખાઉં કે ન ખાઉં? ચાલું કે ન ચાલું? ખાઈને ચાલું કે ચાલીને ખાઉં? પેલું શીરા સારુ શ્રાવક થવા જેવું છે. એક વાટકી રસને ખાતર બે કિલો...મીટ...ર? ના ભાઈ ના. 

ડૉક્ટરે છેલ્લે કહ્યું, ‘એવું નહીં સમજવાનું, કે કંઈ નથી થયું એટલે કંઈ થાય નહીં.’

આમાં મારે શું સમજવાનું? ચાલવા ને ખાવાને દોસ્તી કરાવી દેવી કે દુશ્મની? ભલે ત્યારે, એમ રાખો. કાલથી ચાલતાં ચાલતાં ખાવાનું શરૂ., પણ ખાવાનું ખરું.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.