RSSને પૂછવા જેવા દસ સવાલો

22 Oct, 2015
03:37 PM

mamta ashok

PC:

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના વર્ષ 1925માં દશેરાના દિવસે નાગપુર ખાતે થઈ હતી. ત્યારથી લઈને આજ સુધી આ સંગઠન ભારતને હિન્દુ રાષ્ટ્ર તરીકે તબદીલ કરવાના મિશનમાં કાર્યરત છે. દુનિયા ભલે હિન્દુત્વને ધર્મ તરીકે ઓળખાવતી હોય પરંતુ આરએસએસ કાગળ પર હિન્દુત્વને ધર્મ તરીકે નહીં પરંતુ જીવનશૈલી તરીકે ઓળખાવે છે. જોકે વ્યવહારમાં આ સંગઠન મુસ્લિમ તુષ્ટિકરણ, ધર્માંતરણ, ગૌહત્યા, રામ મંદિર અને કોમન સિવિલ કોડ જેવા નક્કર ધાર્મિક મુદ્દા પર સક્રિય રહે છે, જે પાછળથી દેશમાં સાંપ્રદાયિક તણાવનું કારણ બને છે.

આ તો ઠીક અનેક અહેવાલો વિવિધ રમખાણોમાં સંઘની ભાગીદારીના આરોપો પણ લગાવતા રહ્યા છે. જોકે આ જ વિરોધાભાસ આજે આરએસએસની વિશેષતા બની ગયું છે.

છેલ્લા નેવું વર્ષના ઈતિહાસ પર નજર કરીએ તો આરએસએસ દ્વારા ઉઠાવાયેલા મુદ્દા અને સંઘની ગતિવિધિઓ ભલે રક્તરંજીત, ચૂંટણીઓ ટાણે ધાર્મિક ધ્રુવીકરણ અને વિવિધ સંપ્રદાયો વચ્ચે નફરતનું કારણ બની હોય. પરંતુ આ નવ દાયકાના સમયમાં આ સંગઠન ક્યારેય પોતાના લક્ષ્યની દિશામાં નિર્ણાયક મુકામ પર પહોંચી શક્યું નથી.

આનું મુખ્ય કારણ એ જ છે કે, આરએસએસનું એક અલાયદુ હિન્દુત્વ છે, જે હિન્દુત્વ તેંત્રીસ કરોડ દેવી દેવતા, અનેક જાતિઓમાં વહેંચાયેલો ભારતીય સમાજ તેમજ વિવિધ ભાષા, રીત-રિવાજ, પરંપરાઓ અને અલગ અલગ ધાર્મિક માન્યતા ધરાવતા ઉદાર બહુધા સમાજની જીવનશૈલી સાથે મેળ નથી ખાતું. આ ઉપરાંત આદિવાસીઓ અને દલિતો પણ આરએસએસની હિન્દુત્વની વ્યાખ્યામાં બંધબેસતા નથી, જેઓ વારંવાર આ સંગઠનને પૂછતા રહ્યા છે કે, જો અમે પણ હિન્દુ છીએ તો પછી અમે અછૂત અને ત્યાજ્ય કેમ?

આરએસએસની બીજી એક મોટી સમસ્યા એ છે કે, આ સંગઠનનો ઈતિહાસ, એમના નેતાઓની વિચારધારા અને એમનો વ્યવહાર લોકતાંત્રીક વ્યવસ્થા ધરાવતા આજના આધુનિક ભારતના ધર્મનિરપેક્ષ બંધારણ, દેશના કાયદા અને અનોખી સાંસ્કૃતિક વિવિધતા સાથે મેળ નથી બેસતી. એના કારણે જ હાલના સમયમાં વધતી જતી પશ્ચિમી પ્રભાવવાળી જીવન શૈલી તેમજ આધુનિક સમાજના નવા મૂલ્યો સાથે આ સંગઠન વારંવાર ટકરાતું રહ્યું છે.

સમયાંતરે થતી રહેલી આવી ટક્કરોને કારણે જ કેટલાક સવાલો ઊભા થાય છે. જેનો જવાબ આરએસએસના વિચારકો અને પ્રચારકો ક્યારેય આપી શક્યા નથી. તો જોઈએ એવા કેટલાક સવાલો, જેમને લઈને આરએસએસના લોકો સહજ નથી.

1) આરએસએસના પ્રમુખ હંમેશાં કોઈ બ્રહ્મણને જ કેમ બનાવવામાં આવે છે? જોકે આમાં રાજેન્દ્ર ભૈયા એટકે રજ્જુ ભૈયા એક ‘સવર્ણ’ અપવાદ હતા! પરંતુ આ સંગઠનની સ્થાપનાને એક સદી થવા આવી હોવા છતાં અત્યાર સુધીમાં ક્યારેય કોઈ ઓબીસી, કોઈ દલિત કે કોઈ મહિલાને આ સંગઠનના પ્રમુખ બનાવાયા નથી. શું આ બ્રાહ્મણઓના વર્ચસ્વવાળું સામંતી સંગઠન છે?

2) આરએસએસ જાતિગત અનામતની સમીક્ષા કેમ કરવા ઈચ્છે છે? જાતિવાદની સમીક્ષા કેમ નહીં? શું અનામત મેળવી રહેલી જ્ઞાતિઓ હિન્દુ નથી?

3) આરએસએસની મહત્ત્વની વ્યક્તિઓમાંના એક વિનાયક દામોદર સાવરકર એટલે કે વીર સાવરકરે જેલમાંથી છૂટવા માટે અંગ્રેજો સામે માફી માગેલી? કારણ કે એક માફીનામું દસ્તાવેજના રૂપમા મોજૂદ છે.

4) ગાંધીના હત્યારા નથુરામ ગોડસેનો આરએસએસ સાથે સંબંધ શું હતો? (આ બાબતને આરએસએસ જે-તે સમયની રાજનૈતિક પરિસ્થિતિઓમાં પોતાની સુવિધા અનુસાર સ્વીકારતું/નકારતુ રહ્યું છે.)

5) શું પંચજન્ય આરએસએસનું મુખપત્ર છે? (કારણ કે તાજેતરમાં જ દાદરીની ઘટના બાદ ‘પંચજન્ય’માં તથ્યહીન, ભડકાઉ અહેવાલ છપાયા બાદ સંઘ પ્રમુખે આ બાબતને નકારી હતી.)

6) શું આરએસએસને ભારતનો રાષ્ટ્રીય ધ્વજ સ્વીકાર્ય નથી? (14 ઓગસ્ટ 1947ના રોજ આરએસએસના મુખપત્રમાં છપાયેલું કે – ભારતના ઝંડામાંના ત્રણ રંગ અશુભ છે, જેનાથી ખરાબ મનોવૈજ્ઞાનિક અસરો થાય છે. આ બાબત ભારત દેશ માટે નુકશાનકારક છે, જેનો હિન્દુઓ ક્યારેય સ્વીકાર નહીં કરશે.)

7) તમે મકરસંક્રાંતિના દિવસે દલિત વસ્તીઓમાં સમરસતા ભોજનનું આયોજન તો કરો છો. પરંતુ ભારતમાં વ્યાપ્ત અસ્પૃશ્યતા અને શોષણની તરફદારી કરનારી વર્ણવ્યવસ્થાની વિરુદ્ધમાં તમે ચૂપ રહો છો. કેમ?

8) જો રામમંદિર એ આસ્થાનો પ્રશ્ન છે તો ભાજપને પોતાની રાજનૈતિક સરળતાના હિસાબે વારંવાર આ પ્રશ્ન ઉઠાવવા કે દફનાવવા કેમ દો છો?

9) ભારત માત્ર હિન્દુ રાષ્ટ્ર જ કેમ બને? ભારતીય રાષ્ટ્ર કેમ નહીં? જેમાં બિનહિન્દુ જીવનપદ્ધતિ ધરાવતા લોકો પણ રહી શકે.

10) તમે ભારતીય ફિલોસોફી મુજબ ઉદાર, તાર્કિક, નાસ્તિક અને સર્વસમાવેશી પરંપરાઓનું સન્માન ક્યારે કરશો?

આ ઉપરાંત પણ વ્યક્તિવાદના પ્રબળ વિરોધી આરએસએસએ ગઈ લોકસભાની ચૂંટણીમાં પહેલી વાર ચૂંટણી પહેલા, નરેન્દ્ર મોદીનું નામ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર તો કર્યું જ, પરંતુ પ્રચંડ બહુમત મેળવવા માટે પોતાના પ્રચારકોને પણ કામે લગાડ્યાં. અને નરેન્દ્ર મોદી સત્તારૂઢ થતાં જ આ સંગઠને હિન્દુ રાષ્ટ્રની પોતાની જૂની વિચારધારાને અમલમાં મૂકવાની ગતિવિધિઓ શરૂ કરી દીધી.

આજના સમયમાં ઉપરના સવાલોના જવાબ મેળવવા એટલા માટે પણ જરૂરી બની જાય છે કે, આ બધા સવાલોને કારણે આરએસએસની વિશ્વનિયતા ખંડિત થઈ રહી છે અને આ સંગઠનની છબિ તકવાદી અને ડબલ સ્ટાન્ડર્ડ ધરાવતા સંગઠન તરીકેની બની રહી છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.