જબરું ટેલેન્ટ હોવા છતાં આ ખેલાડીઓને ખોટા સમયે ક્રિકેટ રમવાની સજા મળી

02 Jan, 2016
12:00 AM

mamta ashok

PC:

ઘણીવાર એક જ ઓફિસમાં બે કે એથી વધુ અતિશય યોગ્ય વ્યક્તિઓ કામ કરતી હોય છે. જ્યારે પ્રમોશન આપવાનો સમય આવે છે ત્યારે બોસને રીતસર એ નક્કી કરવું મુશ્કેલ બની જાય છે કે કયો કર્મચારી પસંદ કરે અને કયા ન કરે. ક્રિકેટમાં પણ ઘણીવાર એક જ દેશમાં ઘણા બધા ખેલાડીઓ અતિશય ટેલેન્ટેડ હોય છે, પરંતુ કોઈ એક ખેલાડી સહેજ વધુ ટેલેન્ટેડ હોવાને લીધે અથવા તો પોતાનાથી પહેલા રાષ્ટ્રીય ટીમમાં પસંદ થઇ જવાને લીધે આ ખેલાડીની જીવનભર નોંધ લેવામાં આવતી નથી. કોઈકવાર તો એવું પણ બને છે કે એક-બે મેચમાં ઈજા થઇ હોય કે અમુક જ સમય નબળું ફોર્મ હોય તો કોઈ અન્ય ખેલાડીને ટેમ્પરરી ટીમમાં લેવામાં આવે અને આ ખેલાડી એવું જોરદાર પરફોર્મન્સ કરે કે પેલા કાયમી ખેલાડીને તો ભૂલી જ જવો પડે.

આપણા ગુજરાતના પાર્થિવ પટેલની જ વાત કરીએ તો 2003માં હજી પોતાની ટીનએજમાં હોવા છતાં ભવિષ્યના મોટા વિકેટકીપર તરીકે પાર્થિવની ગણના થઇ હતી. ઓસ્ટ્રેલિયા અને પછી ઇંગ્લેન્ડમાં બે મહત્ત્વની ઇનિંગ રમીને પાર્થિવે વિરોધી કપ્તાનો સ્ટીવ વો અને નાસર હુસૈનની શાબાશી પણ મેળવી હતી. આટલું જ નહીં ત્યારબાદની પાકિસ્તાનની ટૂરમાં પણ પાર્થિવ ખીલી ઉઠ્યો હતો. ત્યાં જ અચાનક એક વન-ડે સિરીઝ માટે મહેન્દ્ર સિંઘ ધોનીની પસંદગી થઇ અને પાર્થિવ પટેલ આજે માત્ર ગુજરાત માટે જ રમે છે. પહેલા તો જ્યારે-જ્યારે ધોની બ્રેક લેતો ત્યારે પણ પાર્થિવને બોલાવવામાં આવતો,પણ હવે તો યુવા વિકેટકીપરોની પસંદગી થતા પાર્થિવને લગભગ ભૂલી જવાયો છે. પાર્થિવની બદનસીબી તો જુઓ, તેણે અમુક વર્ષ તો IPLમાં પણ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમવું પડ્યું જેનો કપ્તાન અને કાયમી વિકેટકીપર ધોની હતો.

તામિલનાડુના સુબ્રમણ્યમ બદ્રીનાથે પણ જ્યારે સચિન, દ્રવિડ, ગાંગુલી અને લક્ષ્મણ પોતાની કારકિર્દીની ટોચ ઉપર હતા ત્યારે જ પોતાનું ડેબ્યુ કર્યું અને જેને લીધે રણજી ટ્રોફીમાં ઉપરાંત અન્ય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં દસ હજાર રનથી પણ વધુ રન બનાવવા છતાં બદ્રીનાથને ભારત તરફથી માત્ર બે ટેસ્ટ અને સાત વન-ડે રમવાનો જ મોકો મળ્યો. બદ્રીનાથ જેવી જ હાલત ઓસ્ટ્રેલિયાના બ્રેડ હોજની થઇ હતી. ઓસ્ટ્રેલિયાની અત્યંત મજબૂત ટીમોના કાળમાં બ્રેડ હોજ પણ ટીમમાં રમવાને લાયક હતો, પરંતુ મિડલ ઓર્ડરમાં રિકી પોન્ટિંગ, ડેમિયન માર્ટિન અને અન્ય ખેલાડીઓની જગ્યા મજબૂત હોવાથી બ્રેડ હોજને ઓસ્ટ્રેલિયા તરફથી માત્ર છ ટેસ્ટ અને પચ્ચીસ વન-ડે રમવાનો જ ચાન્સ મળ્યો. ત્યારબાદ બ્રેડ હોજે ટ્વેન્ટી20ની લીગ રમીને ખૂબ નામ કમાવ્યું.

ઇંગ્લેન્ડના સિલેક્ટરો આમ તો ટીમમાં બહુ ચેન્જિસ કરતાં રહેતા હોય છે, પરંતુ કોણ જાણે કેમ તેઓએ કાયમ ગ્રેહામ ઓનિયન્સ અને જેમ્સ એન્ડરસનમાંથી કોઈ એકને જ ટીમમાં લેવાનું પસંદ કર્યું. આથી કાઉન્ટી ક્રિકેટમાં ચારસોથી પણ વધુ વિકેટો લેવા છતાં ગ્રેહામ ઓનિયન્સને ઇંગ્લેન્ડે માત્ર નવ ટેસ્ટ અને ચાર વન-ડે રમાડી જે તેના ટેલેન્ટને સંપૂર્ણ અન્યાય સમાન હતું. પરંતુ સૌથી બદનસીબ ખેલાડી જો હોય તો તે છે ઓસ્ટ્રેલિયાનો સ્ટુઅર્ટ મેકગીલ. શેન વોર્નના સમયમાં જ એક લેગસ્પિનર તરીકે પોતાનું પદાર્પણ કરનાર મેકગીલને અન્ય ખેલાડીઓ કરતાં તો સારી એવી ટેસ્ટ મેચો રમવા મળી, પરંતુ તે કાયમ વોર્નની ગેરહાજરીમાં જ વધુ રમ્યો. શેન વોર્નની ગેરહાજરીમાં મેકગીલે તેની ખોટ બિલકુલ સાલવા નહોતી દીધી અને 44 ટેસ્ટ રમીને તેણે 208 વિકેટો લીધી હતી. એક ટીમમાં બે-બે લેગસ્પિનર હોય તેવું ઓસ્ટ્રેલિયન કપ્તાનો બિલકુલ પસંદ નહોતા કરતા નહીંતો મેકગીલને વધુ ટેસ્ટ રમવાનો મોકો જરૂરથી મળત.

તો સામેપક્ષે ભારતીય કપ્તાનો ઓફસ્પિનર અને લેગસ્પિનરની જોડી બનાવીને બોલિંગ કરાવવાનું વધુ પસંદ કરતાં. મોહમ્મદ અઝહરુદ્દીનના સમયમાં રાજેશ ચૌહાણ અને અનિલ કુંબલેની ઓફસ્પીન-લેગસ્પિન જોડી ચાલતી તો કોઈવાર વેંકટપથી રાજુની લેફ્ટઆર્મ બોલિંગ પણ રંગ લાવતી. પણ રાજુની સાથે જ લેફ્ટઆર્મ બોલિંગ કરતો મુરલી કાર્તિક કાયમ રાજુની છાયામાં જ રહ્યો. ડોમેસ્ટિક ક્રિકેટમાં છસ્સોથી પણ વધુ વિકેટ લેવા છતાં અને રેલવેને રણજી ટ્રોફી જીતાડવામાં મદદ પણ કરવા છતાં કાર્તિકને ભારતની ટીમના કપ્તાનોએ બહુ ઓછો પસંદ કર્યો. ત્યારબાદ કાર્તિકે ઇંગ્લેન્ડની કાઉન્ટીમાં પણ જબરું પરફોર્મન્સ કર્યું, પણ ભારત માટે તો એ માત્ર આઠ ટેસ્ટ અને સાડત્રીસ વન-ડે જ રમી શક્યો.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.