નોસ્તાલ્જિયા: ભૂતકાળને પ્રેમ કરવાની આદત!

01 May, 2016
12:00 AM

mamta ashok

PC:

ગામડામાં ચોરે બેઠેલા છ સાત ભાભાઓ હોય કે અમદાવાદ જેવા મોટા સિટીમાં કોઈ મ્યુનિસિપલ ગાર્ડનમાં ઢળતી સાંજે બેઠેલા ચાર વૃદ્ધો હોય, અવસ્થા ઉપરાંત માનસિકતા અને વાતોના વિષયમાં પણ ઝાઝો ફર્ક હોતો નથી! અપવાદોને બાદ કરતાં મોટે ભાગે યંગ જનરેશન, સ્માર્ટફોન, ટેકનોલોજી અને મોડર્નિઝમને ભાંડવાની જ વાતો ચાલતી રહે છે. સામે છેડે ભૂતકાળ કેટલો ભવ્ય અને મહાન હતો અને અત્યારે નૈતિક મૂલ્યો કેટલા તળિયે ગયા છે એની જ ખણખોદ!

શો મેન દિગ્દર્શક રાજ કપૂર સાહેબ ભલે 1955માં કહી ગયા કે 'મૂડ મૂડ કે ન દેખ, મૂડ મૂડ કે, ઝિંદગાની કે સફરમેં તું અકેલા હી નહિ હૈ, હમ ભી તેરે હમ સફર હૈ', પણ હકીકત એ છે કે ઝિંદગાનીમાં કોઈ એકલું ન હોવા છતાં બધા જિંદગીમાં કાયમ ક્યારેક ને ક્યારેક પાછળ વળી વળીને ભૂતકાળને જ યાદ કરે રાખે છે. નોસ્તાલજિયા બહુ ઇમોશનલ શબ્દ છે, ગ્રીક શબ્દ 'નોસ્તોસ' એટલે કે પોતાના ઘરે પરત ફરવું એવા અર્થ પરથી ટ્રાવેલ કરતો અસ્તિત્વમાં આવ્યો છે! હાર્ટબ્રેક અવસ્થા ડિપ્રેશન સુધી લઈ જાય છે. બ્રેકઅપ થાય, કોઈ સ્વજનનું મરણ થાય, વર્ષોનો સંબંધ કે વર્ષોની લાગણીનો વિચ્છેદ થાય એટલે સ્વાભાવિક છે કે માણસ પડી ભાંગે! બસ, પછી શરૂ થાય છે ભૂતકાળને વાગોળ્યા કરવાની આદત અને સતત જૂની યાદોને વાગોળતું માનવ મન!

એવું કહેવાય છે કે સતત અગર જો તમે ભૂતકાળને જ સાંભર્યા કરો તો સમજવું કે તમે ઘરડા થઈ રહ્યા છો! યસ, ગામડું વર્સિસ શહેર કે ગર્લફ્રેન્ડ વર્સિસ પત્ની કે પછી બે નોકરી, બે શહેર બસ સરખામણીઓનો અંત આવતો નથી. સતત દિલોદિમાગમાં કમ્પેરિઝન ચાર્ટ જ બનતા રહે છે. એમાં ને એમાં માણસ દુઃખી થયા કરે છે, એ પોતાના વર્તમાનને પણ જીવી નથી શકતો અને પોતાની આજુબાજુનાં લોકોને પણ દુઃખી કરે છે! એમ તો સૌરાષ્ટ્રથી અમદાવાદ કે સુરત માઇગ્રેટ કરતા લોકો પોતાના વતનને યાદ કરે રાખે છે એ પરિસ્થિતિ માટે પણ અંગ્રેજીમાં સોલાસ્તાલ્જીયા જેવો સુંદર શબ્દ છે! લેકિન-કિન્તુ-પરંતુ, શું જિંદગીમાં સતત 'ચિઠ્ઠી આયી હૈ, આયી હૈ, ચિઠ્ઠી આયી હૈ' જ ગાતા રહેવાનું? શું 'અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈ' ન ગાઈ શકાય?

બ્રાઝિલથી પોર્ટુગલ થઈને આવેલો શબ્દ છે 'સૌદાદી', એટલે કે કોઈના માટે એકદમ તીવ્ર ઇમોશનલ ખેંચાણ! પહેલી મે 2015ના રોજ ગુજરાત રાજ્ય પોતાના અસ્તિત્વની પંચાવનમી વર્ષગાંઠ ઊજવી રહ્યું હતું ત્યારે સુરતના એક ખૂણે એક ગુજરાતી ન્યુઝ અને વાચન ક્ષેત્રે જૂની અને નવી બંને પેઢીને સાંકળી શકે એવી એક ક્રાંતિ જન્મ લઈ રહી હતી. આજે પા પા પગલી કરતાં કરતાં એક વર્ષનું થઈ ગયેલું Khabarchhe.com ઇન્ટરનેટની દુનિયામાં અવતરી ચૂક્યું હતું! કોઈ જ પ્રશસ્તિગાન કે વાતમાં મોણ નાંખ્યા વગર અગર કહું તો આપણે ત્યાં ગુજરાતી છાપાઓમાં પૂર્તિઓમાં જે રૂટિન વાંચન સામગ્રી વાંચવા મળે છે એ ચીલાને ન અનુસરી રોજ્જે એવું તો શું આપી શકાય કે વાચકોની આંગળીઓનાં ટેરવાંઓ સુધી પહોંચી જઈને એને 'કિન્ડલ' સ્ટાઇલમાં 56 ભોગ જેવી ગુજરાતી થાળીની વાચનસામગ્રી આપે! વાતને વધુ પર્સનલ અને વિગતે કરી શકવા માટે અહીં આ લખનાર 'હોરર કાફે' કેમ જન્મ્યું અને એની સફર કેવી રહી એના વિષે વાત કરવા માંગે છે.

ગુજરાતી સાહિત્યમાં કનુ ભગદેવની રહસ્યથી ભરેલી નવલકથાઓ અને બીજી અમુક છૂટક કૃતિઓ સિવાય ભૂતપ્રેત પર ખાસ કંઈ લખાયું જ નથી. ગુજરાતી અખબારોમાં આવતી અગોચર દુનિયા કે ભૂતપ્રેતના અનુભવોની કોલ્મ્સ પણ વિદેશની ઘટનાઓ અને અહેવાલોનું જ ભાષાંતર કરાતું હોવાથી એક પોતીકી લોકલ ફ્લેવર આપતું હોરર જોનરાનું કોઈ ઠેકાણું નહોતું જ્યાં X-Files કે આહટ જેવી સિરીઝ કે હિચકોકિયન ફિલ્મો જેવી તીવ્ર બીક લાગે અને વિચારતા કરી મૂકે! બસ અને એટલે જ આવા વિચારથી પાંચ ઓગસ્ટે જન્મ થયો હોરર કાફેનો!

હોરરના મામલે ગુજરાતીમાં જ નહિ પણ ભારતમાં પણ સ્થિતિ એટલી કંગાળ છે કે હોરર ફિલ્મો માટે પણ આપણે હોલિવુડ પર જ આધાર રાખવો પડે છે! હિન્દીમાં તો વિક્રમ ભટ્ટની 'ક્રીચર' કે 'હોન્ટેડ' જ બનતી રહે છે. હોરરના નામે સસ્તું મનોરંજન અને સેક્સથી ભરપૂર સીન્સથી ભરપૂર ફિલ્મો આવતી રહે છે ત્યારે મનોજ શ્યામલન-હિચકોક જેવા ધૂરંધરોની મિસ્ટિક ફિલ્મો જેવી જ વાત સાહિત્યમાં કેવી રીતે લાવી શકાય? ગુજરાતમાં કે ભારતમાં જ કેટલાય ટાપુઓ, અજાણી જગ્યાઓની એવી વારદાતો, ઘટનાઓ અને માન્યતાઓ છે કે એ વાંચીને વિચાર થાય કે આ બધું પહેલાં કેમ નહોતી ખબર? આજની તારીખે જે રીતે વાચકો એ હોરર કાફેને વધાવી છે અને રિસ્પોન્સ આપ્યો છે એ જોતા જ ખ્યાલ આવે છે કે આ ક્ષેત્રે હજુ ઘણું ખેડાણ કરવાનું છે! આવનારા અઠવાડિયાઓમાં સરસ લઘુ નવલ સ્વરૂપે, વધુ લોકલ ફ્લેવર્સની ઘટનાઓ લાવવી છે.

પૂરતી મોકળાશ, ક્રિયેટીવ લિબર્ટી સાથે પૂરતું રિસર્ચ હોરર સ્ટોરીઝને એક નવી ઉંચાઈ બક્ષે છે! અત્યાર સુધીમાં આંદામાન અને લક્ષદ્વીપ ટાપુઓથી લઈને સૌરાષ્ટ્ર, રાજસ્થાન, દાર્જીલિંગ અને સુરતના ફ્લાયઓવર કે દમણના બીચ પર થતી આત્માઓના ભેદી અનુભવોની વાતો આપણે કરતા આવ્યા છે! આજે khabrchhe.comના જન્મદિન પર ખૂબ બધી શુભેચ્છાઓ સાથે એટલો જ મેસેજ આપવાનો કે નવું નવું લખાતું રહે, વાચકોની વાચનની ભૂખ વધુ સારી રીતે સંતોષતા રહીએ અને એ યાદ રહે કે વાચક છે તો લેખક છે, વાચકને ગમે એવું લખવું એ લેખકની ફરજ છે! આત્મષ્લાઘા અને શુદ્ધ વાચનમાં જોજનોનું અંતર હોય છે!

શરૂઆતમાં કરેલી વાત થી એકદમ વિરુદ્ધની વાત કરીએ તો ભૂતકાળને અલગ દૃષ્ટિકોણથી યાદ કરીએ તો એ સુખ આપે છે, એ વાતની ખાતરી કરાવે છે કે જે ગયું છે, જે વીત્યું છે, જે લખ્યું છે એ શ્રેષ્ઠ હતું અને આવનારા ભવિષ્યમાં જે આવશે એ પણ શ્રેષ્ઠ જ આવશે એવો વિશ્વાસ છે!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.