પાછળ રહી ગયેલું એક ઘર
એને જે થયું એ કંઈ કોઈને ખાસ સ્પર્શે એવું નથી. એમાં વેદનાનું કાવ્ય કે ઝુરાપો કે વતન માટે તલસાટ જેવા શબ્દોનો ઉપયોગ થાય એવુંય નથી. નોસ્તાલજિયા જેવું તો કહેવાય જ નહીં. વિખૂટા પડવાની કે એકલતાની કે નગર-સંસ્કૃતિના અભિશાપની કોઈ રંગદર્શી કલ્પનાને ફાવટ આવે એવી ઘટના જ મૂળમાં નથી. અહીં જે છે તે જરા વધારે નક્કર છે.
ઉદવાડાથી એ ટ્રેનમાં બેઠો ત્યારે એનું ઘર દેખાતું તો ક્યારનુંય બંધ થઈ ગયેલું. ઘર એટલે પડું પડું થઈ રહેલી બે-ત્રણ લાકડાને ટેકે ઊભેલી ભીંતો, તિરાડોવાળું ઊધઈખાધું બારણું, એક નાનો વાડો, એમાં બે ટગરી, એક લીમડો, તુલસી, પાણીનાં બે પીપડાં, ગોબા પડેલી એક કાણી ડોલ, સાદડીઓ અને છટિયાં ને જેમ-તેમ બાંધી ટકાવી રાખેલું નાવણિયું. બસ, આટલું જ. છતાં એણે ઊંચા થઈ થઈને પ્રયત્ન કરેલો. ત્યારે માધુકાકાએ જરા ખિજાઈને કહેલું, કે સરખો બેસ. એ બેસી પણ ગયેલો. પછી ટ્રેન ચાલુ થઈ ને ઉદવાડા પાછળ રહી ગયેલું.
એને જ્યાં રાખ્યો હતો તે જગ્યા માની ન શકાય એવી ચોખ્ખી હતી. રાત્રે તો સંકોચને કારણે એણે ખાસ કશું જોયું નહોતું, પણ સવારે આખું ઘર બરાબર જોયું. એકેએક ઓરડો જુદા જુદા રંગનો હતો. ચમકતું ગુલાબી રસોડું. આકાશ જેવો આગલો ઓરડો, આળોટી પડવાનું મન થાય એવી પોચી પોચી ગાદીઓ અને પગે પીંછું ફરતું હોય એવા સુંવાળા ગાલીચા - એની આંખો આશ્ચર્યને કારણે બંધ નહોતી થઈ. એટલે જ કદાચ એ થોડા દિવસ ઊંઘી ન શક્યો. એને માટે પણ એક અલગ ઓરડી કાઢી આપી હતી. સ્વચ્છ પથારીનો નવો નવો સ્પર્શ અજાણ્યો હોવાથી વારંવાર બેઠાં થઈ જવાતું હતું. આમ સાવ એકલો સૂવા એ ટેવાયો પણ નહોતો. ઉદવાડાના ઘરમાં રાત્રે આસપાસ કેટલા બધા શ્વાસ હરતાફરતા હોય! સુખલો ને કીકી માની આજુબાજુ હોય. બાપા ને રાજુ વાડામાં ખાટલી પર હોય અને પોતે ભીંત પાસે ઘોરતો હોય. વારંવાર હડસેલવા છતાં રવલો આળોટતો આળોટતો પોતાની પથારીમાં આવી ગયો હોય. અહીં તો આંખ ખોલે ત્યારે આસપાસ બધું ખાલીખમ. પહેલાં પહેલાં તો એ ભુલાવામાં પડતો કે હમણાં મા બાવડું તાણી ઉઠાડશે - પછી તો યાદ રહેવા માંડ્યું કે આ કંઈ ઉદવાડાનું ઘર નથી. રવલો ને બાપા ને મા બધાં અહીં ક્યાંથી હોય?
ત્રણ મહિનામાં ત્રણ વાર બાપા આવી ગયા અને પગારના પૈસામાંથી પચાસ રૂપિયા વાપરવા આપી બાકીના લેતા ગયા. બાપાએ ઘેર વાત કરી હશે કે હવે એની ચિંતા કરવા જેવી નથી. બરાબર ગોઠવાઈ ગયો છે. બે ટંક જમવાનું ને નાસ્તો, કપડાં, નાટક, સિનેમા બધું ઘરના છોકરા પેઠે. કામ ઝાઝું નથી અને સાહેબની મોટર પણ સાફ કરતો થઈ ગયો છે. એ તો કહેતા’તા કે મોટર ચલાવતાં પણ આવડી જશે. છોકરો તમારો ચબરાક છે.
અહીંની જાતજાતની વાતો રવલા - સુખલાને કહેવાનું બહુ મન હતું પણ ઉદવાડા જવાનું ચાર વાર નક્કી કર્યું અને ચારેય વાર રહી ગયું. કોઈ વાર સાહેબ બહારગામ ગયા, વળી રિક્ષાની હડતાળ પડી તે બાબાભાઈને સ્કૂલે લેવા-મૂકવા જવાનું થયું, પછી ઘરમાં મહેમાન આવ્યા-ગયા. કોઈ ને કોઈ કારણસર મેળ પડ્યો નહીં. આજ-કાલ કરતાં છ મહિના થઈ ગયા. પછી તો ઉદવાડાનું નામ હોઠે આવે ન આવે ત્યાં તો વાડાના લીમડાનો ફરફરાટ ને બપોરના પહોરે કકુભાઈની વાડીએ આંબલીના કાતરા પાડતી વેળાની ધીંગામસ્તી, વાળુ વખતે ટમટમિયાના ઝાંખા અજવાળે રોટલા ને ડુંગળીના શાકની સોડમ, સવારે આંગણા પાસેથી પસાર થતાં ઢોર, ઝાંપલી પાસે ભસતી ટીલવી આ બધું એને વળગી પડતું. એકની બાથ છોડાવે ત્યાં બીજી ભીંસ - એવી જબરી ભીંસ કે શ્વાસ પણ અટકી પડે.
એટલે જ એણે કહ્યું કે બે દહાડા ઘેર જઈ આવું. રજા તરત મળી ગઈ. કપડાં લીધાં, ઠંડી ખાસ નહોતી છતાં અહીંથી સ્વેટર મળેલું તે પહેરી લીધું - રવલા - સુખલાને બતાવવા માટે. વાળ મઝાના ઓળી કરી ગજવામાં કાંસકી રાખી - બહાર દેખાય તેમ. શું લઈ જવું તે નક્કી ન કરી શકવાથી એણે બિસ્કિટનાં પડીકાં લીધાં. આમ ઓચિંતો આવેલો જોઈ બધાંને શું થશે એ વિચારથી એને હરખનો ડૂમો ભરાઈ જતો હતો. કઈ કઈ વાત કેવી કેવી રીતે કરવી તે ગોઠવતાં ગોઠવતાં ઉદવાડા ક્યારે આવ્યું તેની ખબર ન પડી.
ઝોળી સાચવતો સાચવતો ઊતર્યો. સાંજનો વખત હતો એટલે કાચા રસ્તા પર ધીમે ધીમે ચાલવાની મઝા આવી. કૂવો આવ્યો એટલે પછી કકુભાઈની વાડી ને ત્યાંથી તો ચાર ડગલામાં ઘર. પગની ઝડપ આપોઆપ વધી ગઈ. બહાર ઊભેલી કીકી મોટેથી બોલી પડી કે ભાઈ આવતો છે. બધાં આસપાસ ફરી વળ્યાં. બાપા ઘેર નહોતા. માએ બાઝવા જેવું કર્યું પણ એના હાથ લોટવાળા હતા અને નવું સ્વેટર જોયું એટલે કે ગમે તેમ, પણ વચ્ચે જ અટકી ગઈ. બાપાએ જોતાંવેંત પૂછ્યું કે કેમ એકાએક? કંઈ નવાજૂની તો નથી કરીને?
પછી જાણ્યું કે ખાલી મળવા જ આવ્યો છે, બે દહાડા માટે. એટલે નિરાંતે વાડામાં પગ ધોવા ગયા. બધાં જમવા બેઠાં, પહેલાં બેસતાં તેમ જ ગોળાકારમાં. મા વારેવારે પૂછ્યા કરતી હતી કે તને રોટલો ફાવશે ભઈ, કાંદાનું શાક ચાલશે તને, ખીચડી મૂકી દઉં, રોટલી કરી આપું? ત્યાં ઘરનાં બધાં જોડે સવારે બ્રેડ-બટર દૂધ મળતાં તેની ગુલાબી ઝાંય એના ઊઘડતા જતા ઘઊંવર્ણા ગાલ પર સ્પષ્ટ જણાતી હતી. બિસ્કિટનું પડીકું આપ્યું ત્યારે માએ કહ્યું, કે આની શી જરૂર હતી? આ છોકરાંવને તો એવી કંઈ ટેવ નથી. રવલો એના નવા ખમીસને બહુ વિચિત્ર નજરે જોઈ રહ્યો હતો. રાજુ પહેલેથી જરા ભારેખમ એટલે બોલતો નહોતો પણ રવલો-સુખલો અને કીકી તો જાતજાતના સવાલો પૂછ્યા કરતાં હતાં. માને આ બધી વાત બહુ નહોતી ગમતી એવું લાગ્યું. ખબર નહીં શેનાથી, પણ એ કશાકથી ડરતી હતી. વાડામાં ગલકીનો વેલો બહુ ફાલે અને જ્યાં ત્યાં વળગે તો મા દાતરડું લઈને મંડી પડતી. કૂણી કૂણી રેશમ જેવી વેલ ખચખચ કપાઈ નીચે પડતી. એની વાતોનું પણ એમ જ થતું હતું. મા અધવચ્ચે કાપી નાંખતી હતી.
સૂતી વખતે એણે ઘરમાં બેઠાં બેઠાં જોવાય એવા સિનેમાની વાત કરી. બધાં ભારે અચરજથી સાંભળી રહ્યાં હતાં. મા જંપી ગઈ હોય એમ લાગતું હતું. ત્યાં તો માનો જરા કંટાળેલો અવાજ આવ્યો. બસ કરો હવે બધી વાતો. મોટાના ચાળા બધા, એની હંગાથે આપણે શી પંચાત? છાનામાનાં પડ્યાં રો. અહીં તો ઊઠતાંવેંત કામે લાગવાનું છે. પછી વાત આગળ ચાલી નહીં. રસ સુકાઈ ગયો અનો પોપડા થઈ ઊખડી પણ ગયો.
સવારે બાપા બોલ્યા કે ઠરીને રે‘જે. ઘડી ઘડી અહીં દોડી આવવાની જરૂર નથી. અમારે કામ હશે તો ખબર આપશું. આવી જગા વારેવારે મળતી નથી. એમને તો એક કહો ત્યાં એકવીસ હાજર થાય. ખપ આપણને છે. કેટલી મહેનતથી માધુએ ઘર શોધી આપ્યું છે અને માણસો પણ લાખ રૂપિયાના. એટલે ડાહ્યો થઈ વરતજે. આમેય મહિને બે મહિને હું ત્યાં આવું છું. પૈસા તો નિયમિત માધુ જોડે મોકલી શકાય. બાપા આ બધું બોલતા હતા ત્યારે એ પોતાને ઊંઘમાં કેવી ભ્રમણા થતી હતી તેનો વિચાર કરતો હતો. ત્રણેક વાર એને લાગેલું કે રવલો ગબડતો આળોટતો પોતાની પથારીમાં આવી લાગ્યો છે, પણ પછી ઊંઘરેટી આંખે જોયું કે રવલો તો હવે ડાહ્યોડમરો થઈ સીધો સટાક પોતાની પથારીમાં સૂતો હતો. એની આળોટવાની ટેવ જ છૂટી ગઈ હતી.
ઝોળી ખભે ભરાવી એણે ઝાંપલી બહાર પગ મૂક્યો. મા કશું બોલી નહીં. ખાલી તબિયત સાચવજે એટલું જ કહ્યું. બાપાના હાથમાં એ લાવેલો તે પૈસા મૂક્યા ત્યારે બાપા હસ્યા. એમની થાકેલી આંખો ચમકતી હતી. કીકી, સુખલો, રવલો, રાજુ હાથ હલાવતાં રહ્યાં. થોડું આગળ જઈ એણે પાછળ જોયું તો ઘર પાસે કોઈ જ દેખાતું નહોતું. ડબ્બામાં બેઠો ત્યારે ઊંચા થઈને વાડાનો લીમડો જોવાની ઈચ્છા એને થઈ નહીં. ટ્રેન ઊપડી તે પહેલાં જ એનું ઘર પાછળ, ખૂબ જ પાછળ રહી ગયું હતું. એ ક્યારેય પહોંચી ન શકે એટલું દૂર.
(વાર્તાકારઃ હિમાંશી શેલત)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર