દીકરાની માનો વેવાણને પત્ર
પ્રિય વેવાણ,
જય શ્રીકૃષ્ણ. મજામાં હશો. તમારી દીકરી સાથે મારા દીકરાનાં લગ્ન નક્કી થયાં તે બદલ અભિનંદન. દીકરીની મા હોવાને નાતે તમે સારું ઘર, સારો વર અને સજ્જન ( દેખાતાં!) સાસુ–સસરાને મેળવીને ધન્ય થઈ ગયાં હશો. જોકે, દીકરી જવાના ખ્યાલે દુ:ખી હશો પણ દીકરીના સુખના વિચારો આવતાં નિરાંત પણ અનુભવતાં હશો. લગ્નની તૈયારીઓ કરવા માંડી હશે અને દીકરીને પરીક્ષામાં અપાતાં M IMP ની જેમ છેલ્લી છેલ્લી સૂચનાઓ પણ આપવા માંડી હશે.
મારા પત્રથી ગભરાશો નહીં. મેં કોઈ પણ જાતની માગણી કે શરત માટે આ પત્ર નથી લખ્યો. તમે તમારી દીકરીને મારે ત્યાં 8–10 દિવસ રહેવા મોકલવાનું કે હું એને રહેવા બોલાવીશ એવું વિચારતાં હો તો માંડી વાળજો. મારે એને રહેવા બોલાવવાને બહાને ગભરાવવી નથી કે નથી કોઈ જ જાતની આવડતની પરીક્ષા લેવી. એ જેવી છે તેવી મારા ઘરમાં સ્વીકાર્ય છે. એની ખામીઓ અહીં ઢંકાઈ જશે અને ખૂબીઓ ઊભરી આવશે. એને નહીં આવડતાં કામકાજ એ તો અહીં આવીને પણ શીખી શકશે. એવી બધી ઝીણી ઝીણી બાબતોની ચિંતા કરશો નહીં.
ખાસ તો, હું નિયમોને ચાતરીને એક નવો દાખલો બેસાડવા માંગું છું. મને હંમેશાં વિચાર આવે કે, લગ્ન નક્કી થતાં જ છોકરીની પરીક્ષા જ શા માટે? હું તો ઈચ્છું છું કે, મારા દીકરાને તમે તમારા ઘરે 8–10 દિવસ દીકરાની જેમ રાખો–જમાઈની જેમ નહીં. જેમ છોકરીઓ પાસે અસલના જમાનામાં પાપડ શેકાવાતો, સોયમાં દોરો પરોવાતો, રોટલો ઘડાવાતો, એની સઘળી હિલચાલ પર નજર રખાતી અને બાકી હોય તેમ ટીકાટિપ્પણીઓનો પણ વરસાદ થતો, તેમ છોકરાઓને પણ આવા બધા અનુભવોમાંથી પસાર કરવા જોઈતા હતા!
ભલે ત્યારે કોઈએ કંઈ ન કર્યું પણ આજે હું ઈચ્છું છું કે, તમે તમારી રીતે મારા દીકરાની પરીક્ષા લો. મને ખબર છે કે, ગભરાટ અને સંકોચને કારણે આ પત્રને તમે સંતાડી દેશો. ‘આવું તે કંઈ હોતું હશે?’ એવું વિચારો એના કરતાં શાંતિથી વિચારો કે મેં લખેલી વાતો યોગ્ય છે કે નહીં. શું આ બધી પરીક્ષા છોકરાઓએ આપવી જરૂરી નથી? ફક્ત ડિગ્રી લઈને કમાવાની જવાબદારી સિવાય આ બધી જવાબદારીઓ કે કામકાજમાં એણે રસ લેવો જોઈએ કે નહીં? જેવાં કે ચા-પાણી કરવાં, મહેમાનોની આગતાસ્વાગતા કરવી, થોડી કે ઘણી રસોઈકામની અને રસોડાની પણ જાણકારી રાખવી, જેથી હાથમાં મળતી કોઈ વસ્તુ થોડી મોડી મળે ત્યારે અચાનક જ થતા ગભરાટ, ગુસ્સા કે લાચારીના ભાવને ઊગતાં જ ડામી શકાય. ભૂખે મરવાનો તો સવાલ જ નહીં આવે. માંદગી વખતે કુટુંબના સભ્યોની ચાકરી કરવી, માનસિક શાંતિ આપી ઘરમાં સ્વસ્થ વાતાવરણ રાખવું, બહારનાં કામો કરી લેવાં, બાળકો સાચવવા, માતાપિતાની સેવા લગ્ન પછી (પત્ની પર ન છોડી દેતાં) પોતે પણ કરવાની છે તે યાદ રાખવું, બાળકો કઈ સ્કૂલમાં ને કયા ક્લાસમાં ભણે છે તે યાદ રાખવું વગેરે વગેરે એવાં અસંખ્ય કામો છે, જે બીજાના ઘરમાં રહેવાથી જ ખબર પડી શકે કે, કોણ કેટલું કામ કરે છે! પોતાના ઘરમાં તો બધા જ બાદશાહ હોય.
તમને તો અનુભવ હશે જ કે, લગ્ન પછી આ જ બધી મુસીબતો સામે આવી આવીને અથડાયા કરે છે ને માથાં ફોડવામાં ભાગ ભજવે છે. હવે જો છોકરાઓ પણ પચાસ ટકા કામકાજ જાણતા હોય ને કરતા હોય તો આવા સંવાદોની બાદબાકી જ થઈ જશે ને?
‘તમને તો મારી કંઈ પડી જ નથી. આ ઘરમાં તો આવી તે દિવસથી કામવાળી જ બનીને રહી ગઈ છું.’
‘તું તારું કામ કરશે કે ચૂપચાપ? બધાં કામવાળાં જ છે. બે ઘડી શાંતિથી બેઠા હોય કે તારા લવારા ચાલુ.’
‘હું તો મારું કામ કરું જ છું પણ તમે આમ એદીની જેમ આખો દિવસ પડી રહો એના કરતાં કોઈ કામમાં થોડી મદદ કરતા હો તો?’
(બાળકોનું મનોરંજન જોકે બંધ થઈ જશે !)
હવે જો મેં કહ્યું તેમ છોકરાઓ ઘરકામમાં મદદ કરતા થઈ જશે તો, કેવા સંવાદો સાંભળવા મળશે?
‘અરે, મારે તો ઘરની બિલકુલ ફિકર જ નહીં કરવાની. મારી ગેરહાજરીમાં પણ મારું ઘર વ્યવસ્થિત જ ચાલતું હોય. ઘરની બધી જવાબદારી સાથે બાળકોની પણ કોઈ ચિંતા નહીં. બાળકો તો ઉલટાના પપ્પાથી ખુશ!’ જોયું? થોડીક જ મદદમાં આપણે કેટલાં ખુશ થઈ જઈએ?
આપણે સ્ત્રીઓ જ જો આપણું નહીં વિચારીએ તો પુરુષોને તો આવા વિચારો ક્યાંથી આવવાના? મેં તો મારા દીકરાને, નાનપણથી જ ઘરકામની નાની નાની ટેવો પાડીને હોશિયાર બનાવી દીધો છે. જે આપણે ભોગવ્યું તે આપણાં બાળકો કેમ ભોગવે? મને એટલી તો ખાતરી છે કે, મારો દીકરો કોઈ કામમાં થોડા ઓછા માર્કસ લાવશે તો પણ તમે એને ટોણો તો નહીં જ મારો કે, ‘તારી માએ કંઈ શીખવ્યું છે કે નહીં? અમારા ઘરમાં આવું બધું નહીં ચાલે. લગ્નને હજી મહિનાની વાર છે એટલામાં બધું શીખી લેજે. અમારે અમારું નામ નથી બોળવું. અમને તો બીજા ઘણાય મળતા ’તા.....વગેરે.’
આટલો કુશળ ને હોશિયાર જમાઈ મળવા બદલ તમે તો ખુશ થશો જ પણ ભૂલેચૂકેય તમે (ને તમારી દીકરી પણ) એવું નહીં વિચારી લેતાં કે મફતમાં પૂંછડી હલાવતો ટૉમી મળી ગયો. પછી તો ત્રીજું નેત્ર ખોલતાં મને ને મારા દીકરાને પણ આવડે છે. આ બધી કામકાજની આવડતો એકબીજાનો સંઘર્ષ ટાળવા ને એકબીજાનાં પૂરક બનવા માટે જરૂરી છે, નહીં કે જોહુકમી કરવા. હવે વધુ તો કંઈ લખવા જેવું રહ્યું નથી એટલે શુભેચ્છાઓ સહિત,
તમારી વેવાણના જય શ્રીકૃષ્ણ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર