એક વિયોગી વેલેનટાઈન...

14 Feb, 2016
12:00 AM

mamta ashok

PC:

‘બી માય વેલેનટાઈન...’ આ કોઈ વળગણ કે ઘેલછા નથી. કે નથી તો કોઈ વાસના સંતોષવાનો ઉત્સવ. આ તો નખશિખ પ્રેમ જાહેર કરવાનો અવસર છે. કોઈ રખેને એવું ન માની લે કે વેલેનટાઈન ડે એટલે છોકરા-છોકરી કે સ્ત્રી-પુરુષે ગળે મળી, ચૂમ્મા-ચાટી કરવાનો દિવસ છે. આ બધાની વચ્ચે કોઈ વિરહી-વિયોગી આત્મા ક્યાંક પોતાના ભાતીગળ અને ખોવાયેલા પ્રેમને શોધવા તડપે તેનું નામ પણ વેલેનટાઈન ડે હોઈ શકે છે. જગતમાં કંઈ કેટલાય વિયોગી પ્રેમીઓ હશે કે જેમનો પ્રેમ સ્વર્ગારોહણે હશે. આવા પ્રેમીઓ માટે વેલેનટાઈન વિયોગી બની જાય તો કુદરતની આંખમાં આંસુ આવી જાય છે. આવા પ્રેમ માટે તો સૃષ્ટિ પણ સંતાપ કરે છે અને લાગણીઓ ડૂસકે ચઢે છે.

આમ તો બધું સમુંસૂતરું ચાલતું હતું, છતાં સાવ અચાનક વિનયને પોતાનો વિનય ભંગ થતો હોય એવું જણાયું. આકાશેથી અપ્સરાઓ હેતની હેલી વરસાવી રહી હતી પણ કોણ જાણે કેમ વિનયને તો બસ પ્રિયાનો સહવાસ જોઈતો હતો. તે ઊભો થયો. તેને થયું કે લાવ પ્રિયાને જરા જોઈ લઉં. તેણે મોબાઈલમાં ફોટો ગેલેરી ખોલી. પ્રિયાનો ફોટો જોયો. પ્રિયા હજુ પણ હસી રહી હતી. તે પણ મનોમન હસી ઉઠ્યો. ગાંડી, શું હસ્યા કરે છે? એમ કહી ફોટો સાથે વાતો કરવા લાગ્યો. પ્રિયાને જોતો જાય ને અમથો અમથો મલકાતો જાય. થોડી વારે તેને થયું કે લાવ ફોન જ જોડી લઉં તો પ્રિયાને....

તેણે પ્રિયાને ફોન કર્યો. પ્રિયાનો અવાજ સાંભળી તે ક્ષણાર્ધ ક્ષુબ્ધ થયો. તેની ક્ષુબ્ધતામાં આનંદ હતો. ખુશી હતી.

‘હાય, પ્રિયા… બહુ યાદ આવે છે તારી, ક્યાં છે? જલદી ઘરે આવ. મોડું ન કરતી. આમ પણ વેલેનટાઈન ડે હોય તો તે દિવસે તારે સ્કૂલેથી રજા જ લઈ લેવાની. તને ખબર છે ને હું તારા માટે વેલેનટાઈડ ડે સ્પેશિયલ બનાઉં છું.’

સામે છેડેથી જવાબ આવી રહ્યો હતો.

‘વિનુ… ધીરજ ધર આપણે વેલેનટાઈન ડે ઉજવીશું... ચોક્કસ ઉજવીશું. તું અને હું, આપણે બંને એકમેકમાં ખોવાઈ જઈશું. તને ખબર છે ને જ્યારે આપણે માઉન્ટ આબુ ફરવા ગયા ત્યારે આપણે વેલેનટાઈન ડે ઉજવ્યો હતો. બસ તેવી જ રીતે આ વખતનાં વેલેનટાઈન ડેને પણ આપણે ઉજવીશું.

‘હા… પ્રિયા, યાદ છે. કેટલા મસ્ત મજાનાં દિવસો હતા. તું અને હું, આપણે બંને જાણે બે શરીર એક આત્મા. તું કહ્યા કરતી હતી કે પામવા માટે નહીં પણ કરવા માટેના તલસાટને પ્રેમ કહેવાય છે. બસ એક જ મન ગમતાના સાથને પ્રેમ કહેવાય છે. પ્રેમને શોધવાનો નહીં પણ તેનો અહેસાસ કરવાનો હોય છે.

એ ક્યાંથી મળે છે કેવી રીતે મળે છે તેનાં કરતાં સારું તો એ છે કે કોઈ પણ સ્વરૂપે બસ પ્રેમ મળવો જોઈએ.

પ્રિયા, તે કહેલાં શબ્દો આજે પણ હું ભૂલ્યો નથી. ચાલ વહેલી આવ. હું તારી રાહ જોઈ રહ્યો છું.’

વિનયનું ચિત્ત કોઈ કામમાં લાગી રહ્યું ન હતું. તેને મગજ પર ભાર લાગવા માંડ્યો. ત્યાં જ વળી કાન્તાબાઈ આવી.

‘સાહેબ, સાફ-સફાઈ કરી લઉં...?’

વિનય બેધ્યાન અવસ્થામાં હતો. કાન્તાબાઈએ નજીક આવી ઢંઢોળ્યો. ‘સાહેબ...’

વિનયે સફાળા થઈને કહ્યું, ‘એ… હા… કરી લે. જલદી કરજે. પ્રિયા આવે તે પહેલા સફાઈ થઈ જવી જોઈએ.’

કાન્તાબાઈએ કશું કહેવાનો પ્રયત્ન કર્યો. પણ વિનયની દશા જોઈ ચૂપ રહી.

વિનયને પ્રિયાની તડપ હતી. પ્રિયા ક્યારે આવશે તેની એ રાહ જોતો હતો. કાન્તા બાઈ સફાઈ કર્યા બાદ વિનયની પાસે આવી. તેણે વિનયને જાગૃત કરવાની કોશિશ કરી. પણ વિનય ઊભો થયો નહીં. ‘સાહેબ…’ કહીને બેથી ત્રણ વાર હાક મારી. પણ વિનય ટસથી મસ થયો નહીં.

કાન્તાનાં મોંમાંથી ચિચિયારી નીકળી ગઈ. વિનયનો દેહ નિષ્પ્રાણ થઈ ગયો.

બીજા દિવસે કાન્તા વિનયનાં ઘરે પહોંચી. તેણે જોયું તો દિલ્હીથી દીકરા અને વહુ આવ્યા હતા. વિનયના દીકરાએ કાન્તાને વિનયની તસવીર આપી.

કાન્તાએ વિનયની એ તસવીર પ્રિયાની તસ્વીર સાથે દીવાલ પર ટીંગાડી દીધી.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.