મમ્મા તૂજે સલામ
દંભીઓનો સામ્યવાદ, જૂજ લોકોનો મૂડીવાદ, અંતિમવાદીઓના નકસલવાદ અને આતંકવાદ, તકવાદીઓનો સમાજવાદ કે રાજકીય પક્ષોના પોકળ રાષ્ટ્રવાદની જેમ છેલ્લા બે-અઢી દાયકાથી આપણા વિશ્વમાં નારીવાદની પણ બોલબાલા છે. વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં સદીઓથી સ્ત્રીઓને વત્તે-ઓછે અંશે અન્યાય થતાં રહ્યા હોય ત્યારે નારીવાદનું અસ્તિત્વમાં આવવું કે એનું અસ્તિત્વ ટકી રહેવું અત્યંત જરૂરી છે. પણ સાથે જ એ વાદમાં પ્યોરિટી અને ઈક્વાલિટીનું પણ એટલું જ મહત્ત્વ છે.
ઉપર વર્ણવેલા તમામ વાદોની જેમ નારીવાદને પણ તોડીમરોડીને પોતાની સવલત અને જરૂરિયાત મુજબ રજૂ કરાતો રહ્યો છે અને એનો લાભ લેવાતો રહ્યો છે. જોકે નારીવાદની સાર્થકતા ત્યારે જ સિદ્ધ થાય, જ્યારે સ્ત્રીઓ કરતા પુરુષો નારીવાદી બને. પુરુષ જો નારીવાદની મહત્તા સમજતો થાય, એના દિલ અને દિમાગમાં સ્ત્રીઓ પ્રત્યે સન્માન જાગે કે એને સ્ત્રીઓની કાબેલિયત કે પોતાના જીવનમાં સ્ત્રીનું સ્થાન અને મહત્ત્વ સમજાય તો જાહેર રસ્તાઓ પર થતું ઈવ ટિઝિંગ, છેડતીઓ કે બળાત્કારો સમૂળગા બંધ થઈ જાય અને સ્ત્રીઓને સમાજમાં મુક્ત વાતાવરણ પ્રાપ્ત થાય. પણ મોટાભાગના પુરુષોની તકલીફ એ છે કે, તેઓ પોતાના ઘરની સ્ત્રીઓને જેટલું માન-સન્માન આપે છે, કે એને પોતાની મા-બહેન-પત્ની કે દીકરીની સુરક્ષાની જેટલી ચિંતા હોય છે એટલી ચિંતા એને બીજાના ઘરની સ્ત્રીઓની નથી હોતી. કદાચ એટલે જ એ બીજાની મા-બહેન-પત્ની કે દીકરીને ‘માલ’, ‘આઈટમ’, ‘ટોટ્ટા’ કે ‘પપ્પલુ’ કહેતો હશે. આ વાતે અપવાદ હશે જ, એટલે ‘અમે આવા નથી’ કે ‘અમે આવું વાહિયાત કૃત્ય નથી કરતા’ના દાવા કરનારાઓની પણ કમી નહીં હોય. પરંતુ સમાજનો બૃહત્ પુરુષ વર્ગ આવી કોઈક પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોય ત્યારે લઘુમતી વર્ગના દાવા ઝાઝા અસરકારક સાબિત નથી થતાં. આવી કન્ડિશનમાં દાવા નહીં, પણ એક્શન મહત્ત્વની બની જાય છે. અને એટલે જ સમજુ પુરુષોએ એક્શનને વધુ મહત્ત્વ આપવું જોઈએ.
આજે વિશ્વ મહિલા દિને આપણે મહિલાઓની નહીં, પણ ત્રણ પુરુષોની વાત કરવાના છીએ અને એમના એક્શનને બિરદાવાના છીએ. એ ત્રણ પુરુષોએ નવો ચિલો ચાતર્યો છે એમ તો નહીં કહીએ, પણ સામાન્ય પુરુષો જે નથી કરતા એ કામ એમણે ગર્વભેર કર્યું છે એમ જરૂર કહી શકાય. આ ત્રણ પુરુષો એટલે મેહુલ મંગુબેન, રવિ ઈલા ભટ્ટ અને વૈશાખ રતનબેન! આ ત્રણેયમાં ત્રણ સામ્યતા છે. પહેલી સામ્યતા એ કે, એ ત્રણેય લેખન-પત્રકારત્વ સાથે સંકળાયેલા છે, બીજી સામ્યતા એ કે આ ત્રણેય જણે પોતાના નામની પાછળ એમની માતાનું નામ જોડ્યું છે અને ત્રીજી સામ્યતા જે સૌથી અગત્યની છે તે એ કે, એ ત્રણેય પુરુષ છે, જેઓ પોતાના અસ્તિત્વ અને પોતાની સફળતાનો તમામ શ્રેય એમની માતાને- સ્ત્રીઓને આપે છે.
[caption id="attachment_59441" align="alignnone" width="1920"] khabarchhe.com[/caption]ગુજરાતી અખબાર વાંચતા લોકો હવે મેહુલ મકવાણાને ઓળખતા નથી. ગુજરાતી વાચકો, જેમને ઓળખે છે એ છે મેહુલ મંગુબેન! તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી પત્રકારત્વ અને કટાર લેખન સાથે સંકળયેલા છે અને ભિષ્મની જેમ મરણશૈયા પર સૂતેલા ગુજરાતી બાળ સાહિત્યને પાણી સિંચવાનો ભગીરથ પ્રયત્ન પણ કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ નાટકો પણ લખે-ભજવે છે અને ઈનામો પણ મેળવે છે.
એમનું લેખન હોય કે પત્રકારત્વ હોય કે પછી નાટક હોય, એ બધામાં સમાજ, સમાજનું સત્ય અને વાસ્તવિકતા ધબકે છે. વાસ્તવમાં સત્ય થોડું કડવું હોય છે અને એટલે જ મેહુલ મંગુબેનના લેખનની સતહ થોડી ખરબચડી હોય છે. સામાજિક નિસ્બત વિના આવી ખરબચડાઈ આવી શકે નહીં એ આપણે સૌએ અંકે કરવું રહ્યું!
મેહુલ મંગુબેન અને એમના ભાઈએ બાળપણમાં અત્યંત સંઘર્ષ કર્યો છે. ઘરની નબળી આર્થિક પરસ્થિતિમાં પતિને કંઈક મદદ કરી શકાય એ આશયથી મેહુલભાઈના માતા મંગુબેને પણ કારખાનામાં કામ કરવાની શરૂઆત કરી અને વર્ષો સુધી દૈનિક આઠ રૂપિયાની કમાણીએ નોકરી કરી.
મેહુલભાઈ એ વાતને યાદ કરતા કહે છે કે, ‘પપ્પાને કે અમને બે ભાઈઓને ટકાવી રાખનારું મુખ્ય પરિબળ મારી મમ્મી છે. એના જીવનનો બે દાયકાનો સમય એણે અમારી પાછળ ખર્ચ્યો છે અને કોઈ પણ જાતની ફરિયાદ કે કંટાળા વિના સાવ નજીવી કમાણી માટે એ નિયમિત કારખાને ગઈ છે. પાછળથી મમ્મીના સંઘર્ષે અમને પણ કામ કરવા પ્રેર્યા. અમે બંને ભાઈ સતત એવું વિચારતા રહેતા કે મમ્મીને કઈ રીતે મદદ મળી રહે. આના વિકલ્પરૂપે અમે બંનેએ ઘણી નાની ઉંમરથી નાના-મોટા કામ કરીને કમાવાનું તો શરૂ કરી જ દીધેલું, પરંતુ ઘરમાં પણ મમ્મીને થોડી રાહત મળે એ આશયથી અમે નાની ઉંમરમાં રસોઈ અને ઘરના કામો શીખી ગયેલા.’
મંગુબેને લગભગ અઢી દાયકા સુધી આ રીતે કામ ચાલુ રાખ્યું અને પોતાના જીવન અને સંઘર્ષ દ્વારા બંને દીકરાઓને જીવનની સાચી કેળવણી આપી. બંને દીકરાઓ જ્યારે નોકરી કરતા થયાં અને ઘરની સ્થિતિ કંઈક અંશે સુધરવા માંડી ત્યારે દીકરાઓએ માતાને નોકરી છોડી દેવાનું કહ્યું અને થોડા વર્ષોની સમજાવટ બાદ મંગુબેન પાસે નિવૃત્ત થવાનો નિર્ણય લેવડાવ્યો.
માતાની નિવૃત્તિની વાત કરતી વખતે મેહુલભાઈ જણાવે છે કે, ‘મમ્મીની નિવૃત્તિનો સમય મારા માટે અત્યંત ઈમોશનલ પ્રસંગ હતો. એની નિવૃત્તિ ટાણે એનો આભાર માનવા અમે એક નાનકડો પ્રસંગ રાખેલો, પરંતુ એના ઋણની સામે એ પૂરતું ન હતું. મને એવું થયાં કરતું હતું કે, મમ્મી માટે હજુ કંઈક વધુ કરવું જોઈએ. એટલે મેં નક્કી કર્યું કે, હવે મારે મારા નામની પાછળ મારી સરનેમની જગ્યાએ મમ્મીનું નામ જોડવું છે અને એ રીતે મમ્મીના સંઘર્ષને સન્માન આપવું છે.’
મેહુલભાઈએ એમની મમ્મીનો સંઘર્ષ નજીકથી જોયો છે, એટલે એમને વિશ્વની તમામ સ્ત્રીઓના સંઘર્ષ કે એમની મથામણ માટે માન છે. તેઓ કહે છે કે, એમની જેમ અન્ય દીકરા પણ પોતાના નામની પાછળ એમની માતાનું નામ જોડે અને કંઈક એ રીતે અસમાનતાથી ભરપૂર આપણી સમાજવ્યવસ્થામાં સ્ત્રીઓને સ્થાન મળે!
મેહુલ મંગુબેને અગ્રગણ્ય અખબાર ‘સંદેશ’માં પત્રકાર તરીકે ફરજ બજાવી છે અને હાલમાં તેઓ આ અખબારમાં કૉલમ લેખન કરી રહ્યા છે. આ જ અખબારનું બીજું રતન એટલે રવિ ઈલા ભટ્ટ, જેમણે પણ એમની માતાના જીવન સંઘર્ષને આવી નોખી રીતે નવાજ્યો છે.
જોકે, રવિ ઈલા ભટ્ટની વાત જરા જુદી છે. નાનપણમાં તેઓ હજુ દસમાં ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યાં એમણે એમના પિતા ગુમાવવા પડેલા. પિતાનો પ્રેમ કેવો હોય કે એમની હૂંફ કેવી હોય એ માણે એ પહેલા પિતાની વિદાય થવાથી જીવનની જે કોઈ તડકી-છાંયડી જોવાની આવી એ એમણે માતા જોડે જ જોઈ.
એમના માતા ઈલાબેન ભટ્ટ અમદાવાદમાં શિક્ષક હતા અને પોતાની એકની કમાણીથી એમણે બે દીકરાઓને ભણાવ્યા. ઈલાબેનને એવી ઈચ્છા હતી રવિ ભટ્ટ પોતાની જેમ શિક્ષક બને, પરંતુ રવિભાઈને પત્રકાર બનવાની ઈચ્છા હતી. અલબત્ત, માતા એ બાબતે પણ અવરોધ નહીં બન્યાં અને દીકરાની ઈચ્છા પૂરી કરવામાં એની મદદ કરી.
પછી તો રવિભાઈએ આ ક્ષેત્રમાં ઘણું સારું કામ પણ કર્યું અને દીકરાની પ્રગતિથી માતાને ઘણો સંતોષ પણ થયો. પણ, દીકરાઓને ભણાવવું કે ઠરીઠામ કરવું એ જ એમનું જીવન ધ્યેય હોય એમ દીકરાઓને બે પાંદડે કરીને 2011ની એક સાંજે ઈલા ભટ્ટે પણ દુનિયામાંથી વિદાય લીધી.
રવિ ભટ્ટ કહે છે કે, ‘મમ્મીને ખૂબ ઈચ્છા હતી કે, હું શિક્ષક બનું. જોકે હું પત્રકાર થયો તોય મારી કારકિર્દીમાં મમ્મીનો મહત્ત્વનો ફાળો છે. એટલે એમની વિદાયના દિવસે જ મેં નક્કી કર્યું કે, મમ્મીની યાદગીરી માટે હવેથી મારી કારકિર્દીના ક્ષેત્રમાં હું મારા નામની પાછળ મમ્મીનું નામ જોડીશ.’
વાત આગળ વધારતા રવિભાઈ કહે છે કે, ‘મારી કારકિર્દી ઘડવામાં મમ્મીનો જેટલો ફાળો છે એટલો જ ફાળો મારી પત્ની અને જાણીતા નવલકથાકાર કાજલ ઓઝા-વૈદ્યનો પણ છે. જીવનમાં હું ઘણો અનસ્ટેબલ હતો, પરંતુ આ ત્રણ સ્ત્રીઓએ મને સ્ટેબલ કર્યો અને મને રવિ ઈલા ભટ્ટ બનાવ્યો.’ પેલી કહેવતમાં તો એમ કહેવાયું છે કે, દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ રહેલો હોય છે. પરંતુ રવિ ભટ્ટ એટલા નસીબદાર છે કે, એમની સફળતામાં ત્રણ સ્ત્રીઓએ ભાગ ભજવ્યો છે. સલામ છે એ ત્રણેય સ્ત્રીઓને!
હવે વારો આવે છે વૈશાખ રતનબેનનો. અમદાવાદમાં અંગ્રેજીના શિક્ષક તરીકે ફરજ બજાવતા વૈશાખ કવિતાઓ પણ લખે છે. એમના નામની જેમ એમના અછાંદસો પણ ધગધગતા હોય છે. તાજેતરમાં જ એમનો ‘સરનેમ’ નામનો કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો છે, જેની મેન્યુસ્ક્રીપ્ટને મુંબઈના લિટો ફેસ્ટિવલમાં રાષ્ટ્રીય સન્માન એનાયત થયું છે. કવિતા અને શિક્ષણકાર્ય ઉપરાંત વૈશાખે તખતો પણ ગજાવ્યો છે.
[caption id="attachment_59438" align="alignnone" width="1920"] khabarchhe.com[/caption]દુનિયાના દરેક દીકરાની જેમ વૈશાખને પણ એમની માતા ખૂબ વહાલી છે અને એમણે એમના નાનપણ અને યુવાનીનો ક્વોલિટી ટાઈમ એમની માતા સાથે પસાર કર્યો છે. તેઓ કહે છે કે, ‘પપ્પાને પણ આપણે ઘણા ચાહતા હોઈએ છીએ, પણ મમ્મીનો પ્રેમ મને હંમેશાં કવિતા જેવો લાગ્યો છે. જોકે લાગણીઓ પ્રદર્શિત કરવાની બાબતે હું થોડો અંતર્મુખી છું. અલબત્ત મમ્મી પ્રત્યેનો પ્રેમ મેં મારી રચનાઓમાં પ્રકટ કર્યો જ છે, પરંતુ મમ્મીએ બધુ સહેલાઈથી સમજી શકે નહીં. એટલે મેં નક્કી કર્યું કે, સોશિયલ મીડિયામાં હું મારું નામ વૈશાખ રતનબેન રાખું અને મમ્મી પ્રત્યેનો મારો પ્રેમ વ્યક્ત કરું.’ કવિતાની સાથે વૈશાખને ઘરે ભજિયાં બનાવવાનું પણ બહુ ગમે છે એટલે એમના ઘરે જ્યારે પણ ભજિયાં બનાવવાના હોય તો રતનબહેન વૈશાખ પાસે જ ભજિયાં બનાવડાવે છે. જોકે વૈશાખ માટે ભજિયાં બનાવવાની પ્રક્રિયા ઉત્સવ જેવી બની જતી હોય છે. કારણ કે ભજિયાં બનાવતી વખતે તેઓ એમની માતા સાથે રસોડામાં ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે અને આ સમયમાં બંને મા-દીકરા અલકમલકની વાતો કરીને રાજી થાય છે.
સોશિયલ મીડિયામાં વૈશાખે એમના નામની પાછળ એમની મમ્મીનું નામ જોડ્યું છે તો સર્જક તરીકે તેઓ એમના નામની પાછળ કોઈ અટક લગાવતા નથી. તાજેતરમાં પ્રકાશિત થયેલા એમના કાવ્યસંગ્રહ ‘સરનેમ’માં એમણે એમની સરનેમ યુઝ નથી કરી. માત્ર વૈશાખ જ લખાયું છે! એ પાછળનું એમનું કારણ એ છે કે, આપણો સમાજને સામેના માણસ સાથે એની અટક પ્રમાણે વર્તાવ કરવાની આદત છે, જેમાં કેટલીય વખત માત્ર અટકને કારણે કેટલાય નિર્દોષોએ ભદ્દી મજાક કે અપમાનના ભોગ બનવું પડ્યું છે. આવું ન થાય અને લોકોને એક સારો સંદેશ મળી રહે એ માટે એમણે એમના નામની અટકનું લટકણિયું પણ ખેરવી પાડ્યું છે અને પોતાના કામથી પોતાની ઓળખાણ રળવાની કવાયત હાથ ધરી છે. વોટ અ નોબલ થૉટ! વાહ બહોત અચ્છે!
આવા માણસો જ આપણને પ્રેરણા આપી જાય છે, જેમનું જીવન અને એમના કર્મો આપણને જીવનની અનેક નાનીમોટી બાબત શીખવી જાય છે. પણ, પ્રેરણાની પડીકીઓ લેવા સેમિનાર્સમાં દોડતો રહેતો સમાજ જો સહેજ પોતાની આંખો અને કાન ખૂલ્લા રાખે તો પ્રેરણા લેવા માટે સેમિનાર્સના પૈસા ખરચવા નહીં પડે.
ખૈર, આ ત્રણેય પુરુષોને સલામ છે, જેમણે સ્ત્રીઓને અને સ્ત્રીઓના સંઘર્ષને યોગ્ય સન્માન આપ્યું છે. આ ત્રણેય પુરુષો બળપૂર્વક એમ નથી કહેતા કે, અમારી જેમ તમે પણ સોશિયલ મીડિયામાં તમારા નામની પાછળ તમારી માતાનું નામ જોડી દો. પરંતુ એમનું જીવન અને એમની વિચારસરણી આપણને એમ જરૂર સંદેશ આપે છે કે, આપણી સાથે કે આપણા માટે જીવતી સ્ત્રીઓને એમના હકનો જશ આપીએ અને એમનું આત્મસન્માન જાળવીએ. આખરે જે પુરુષ પોતાના ઘરની સ્ત્રીઓનું ગૌરવ કરશે એ જ પુરુષ બીજાના ઘરની સ્ત્રીને માન આપી શકશે. તો શરૂઆત ઘરથી જ કરાયને?
કાલે આપણે શિવની ઉપાસના કરી. આજે વિશ્વ મહિલા દિવસ છે તો આજે શક્તિની ઉપાસના કરીએ અને પ્રતિજ્ઞા લઈએ કે સમાજમાં સ્ત્રીઓ ગર્વભેર જીવી શકે અને એમને પૂરતી સ્વતંત્રતા મળી રહે એ પ્રકારનું એમને વાતાવરણ રચી આપીએ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર