તમે એમના શું થાઓ?

12 Nov, 2015
12:00 AM

mamta ashok

PC:

‘પપ્પા, હું જીલને ત્યાં જાઉં છું.’

‘ઓ.કે. પણ વહેલો આવી જજે આજે વાતાવરણ સારું નથી.’

‘ઓકે... પપ્પા બાય....’

આજે તે ફરીથી જીલને ઘેર ગયો. ગૌતમ વિચારમાં પડી ગયો. ધ્રૂવને લગભગ બધી બુક્સ તેણે ખરીદી આપી છે અને છતાં તે દરરોજ જીલને ઘેર ‘નોટ્સ લેવા જઉં છું’ કહીને જાય છે.

ધ્રૂવ – ગૌતમ અને નિશાના લગ્નજીવનની એકમાત્ર નિશાની, તેમનો બંનેનો વહાલસોયો પુત્ર. હજુ ગયા જૂનમાં જ નવ વર્ષનો થયો. દસેક વર્ષ પહેલાનો એ સમય, જ્યારે ગૌતમ અને નિશાએ પ્રેમલગ્ન કરેલાં. ગૌતમનાં મમ્મીનો સખત વિરોધ હતો આ લગ્ન માટે. નિશા અલગ જ્ઞાતિની હતીને! તેમણે તો ફરમાન જ કરેલું કે ‘નિશા સાથે લગ્ન કરવા હોય તો તું આ ઘરમાં નહીં…’ જોકે ગોતમના પપ્પાને એની સામે કોઈ વિરોધ નહોતો. પણ ઉદારમતવાદી પપ્પાનું આવી બાબતોએ મમ્મી આગળ કશું ચાલતું નહીં.

પણ ગૌતમ અને નિશાના પ્રેમની આગળ મમ્મીની જીદ ઝાઝી ટકી ન શકી. અને મમ્મીની ઈચ્છાની વિરુદ્ધ જઈને ગૌતમ અને નિશાએ અલગ સંસાર શરૂ કર્યો. બંને અંદરથી ખૂબ જ દુઃખી હતા - ના કોઈ વિધિવિધાન કે નહીં સગાંવહાલાના આશીર્વાદ. બસ કોર્ટમાં પેપર્સ સાઈન કર્યા, એકબીજાને મંદિરના ફૂલહાર પહેરાવ્યા કે થઈ ગયાં લગ્ન.

આ એક બાબતને બાદ કરતા એમના જીવનમાં બીજી કોઈ તકલીફ ન હતી. આ કારણે બંને એકબીજા સાથે ખુશ રહેવાનો ને એકબીજાને ખુશ રાખવાનો પ્રયત્ન કરતાં. ખૂબ સુખેથી ચાલતું હતું તેમનું લગ્નજીવન. ખૂબ પ્રેમ કરતાં તેઓ એકબીજાને.

ગૌતમ એકાઉન્ટન્ટ તરીકે કામ કરે તો નિશાએ લગ્ન પછી એક સ્કૂલમાં શિક્ષિકાની નોકરી સ્વીકારી હતી. જોનારને ઈર્ષ્યા થાય એવો સંસાર ચાલતો હતો એમનો! નિશા સવારે બંનેનો સવારનો નાસ્તો બનાવે અને પછી સાથે નાસ્તો કરીને તેઓ પોતપોતાની દિશામાં દોડે. સવારે નીકળવાનો સમય એકસરખો એટલે ગૌતમ નિશાને સ્કૂલ પર મૂકીને તેની ઑફિસે જતો. નિશા બપોરે વહેલી આવી જતી.

ઘરનું કામ આટોપીને નિશા હજુ થોડી પરવારે નહીં ત્યાં તો સાંજ ઘરનાં ઉંબરે આવીને ઊભી પણ રહી જાય. છ વાગ્યે ગૌતમ આવે ત્યારે નિશા તેની રાહ જોતી વરંડામાં જ બેઠી હોય. પછી સાથે કોફી પીવાની. આથમા સૂરજને જોતા જોતા બંને અલકમલકની વાતો કરતાં અને જેમ દિવસને અંતે પક્ષીઓ માળામાં પાછા ફરે તેમ તેઓ તેમના આ નાનકડાં ઘરમાં ઢબુરાઈ જતાં.

                                                                             ***

‘સાહેબ, કૉફી ઠંડી થઈ જશે.’

ગૌતમ વિચારોમાં ખોવાઈ ગયો હતો. તેને યાદ આવ્યું કે હમણાં જ તેણે નોકર પાસે ગરમ કૉફી મગાવી હતી. સાંજની કૉફી એને હંમેશાં નિશાની યાદ અપાવતી.

એક આવી જ સાંજે નિશાએ તેને સરપ્રાઈઝ આપી હતી.

‘ગૌતમ, આજે હું ડૉક્ટર પાસે ગઈ હતી, ચેકઅપ કરાવવા. તમે પપ્પા બનવાના છો…’

પપ્પા શબ્દ સાંભળીને જ ગૌતમ ખુશીથી ઝૂમી ઉઠેલો. તેણે નિશાને ઊંચકી લીધેલી અને ગોળ-ગોળ ફેરવેલી. તે એટલો ખુશ થયો હતો કે એની આંખોમાં ઝળઝળિયાં આવી ગયેલા. તેમના ઘરમાં કલરવ ગુંજવાનો હતો. આ વાત જ ગૌતમને રોમાંચ કરાવતી. ત્યારથી એ નિશાની કંઈક વધારે જ કાળજી લેતો. તેણે નિશાની સ્કૂલ પણ છોડાવી દીધેલી. દિવસમાં એ ત્રણ-ચાર વાર કૉલ કરી લેતો ને નિશાના ખબર પૂછી લેતો. નિશાને ક્યારેય એકલું ન લાગવા દેતો. નિશાને આમ પણ વાંચવાનો શોખ હતો, તે પુસ્તકો વાંચતી, ક્યારેક ગૂંથણકામ કરતી.

ગૌતમ આવે પછી ફ્રેશ થવા બંને નજીકના બગીચામાં જતા. બાંકડે બેસીને કલાકો વાતો કરતાં. તેમની વાતોમાં અચાનક જ એક ત્રીજી વ્યક્તિ આવી ગઈ હતી, જેનું હજી ધરતી પર અવતરણ પણ નથી થયું! દરરોજ ગૌતમ કંઈક ને કંઈક વસ્તુ તેના માટે લાવતો. નિશા ક્યારેક તો એને ધમકાવી નાંખતી કે, ‘અત્યારથી આટલી બધી વસ્તુઓ લેવાની શી જરૂર છે?’

આમ આ આઠ મહિના વીતી ગયા. ખુશીનો સમય ખરેખર ઝડપથી જ પસાર થઈ જતો હોય છે. સાડા આઠ મહિને નિશાને વેણ ઉપડી. ગૌતમે તરત જ નિશાને સાવચેતીપૂર્વક હૉસ્પિટલમાં એડમિટ કરી દીધેલી ને જૂનની એ સાંજે ડૉક્ટરે વધાઈ દીધેલી કે પુત્ર આવ્યો છે અને બંને તંદુરસ્ત છે.

તે દિવસે ગૌતમને નાચવાનું મન થઈ આવેલું એટલો એ ખુશ હતો. ગૌતમના પપ્પા એમને હૉસ્પિટલમાં મળવા આવેલા. જોકે મમ્મી હજી નારાજ હતી. આનંદના એ દિવસો ક્યારે પસાર થઈ ગયા અને ધ્રૂવ ક્યારે મોટો થઈ ગયો એની એમને સરત સુદ્ધાં નહોતી રહી.

                                                                            ***

જીલના ઘરે ગયેલો ધ્રૂવ હજી આવ્યો નથી. દીકરા માટે ગૌતમ અત્યંત પસેઝિવ હતો અને આ કારણે એ બેચેન બનીને વરંડામાં આંટા મારતો હતો. એના મનમાં રહી રહીને એક જ સવાલ ઉઠતો કે, ‘ધ્રૂવ રોજ જીલના ઘરે કેમ જાય છે?’

આ ઉપરાંત ધ્રૂવ ઘરે સૂનમૂન પણ રહેતો હતો. તે વાત પણ ઓછી કરતો ને ચૂપચાપ પોતાનું હોમવર્ક કરીને ઉંઘી જતો.

ગૌતમને અચાનક યાદ આવી ગયો ધ્રૂવનો પ્રથમ જન્મદિવસ. આખો દિવસ એમણે ધમાલ મસ્તી કરેલી. એ દિવસે ઘરે પાર્ટી રાખેલી અને આખી સોસાયટીના બધા બાળકોને ઈનવાઈટ કરેલા. ખૂબ આનંદ અને ઉત્સાહથી ધ્રૂવનો પહેલો જન્મદિવસ મનાવેલો.

સમય વીતતો ગયો અને ચોથા વર્ષે ધ્રૂવને નર્સરીમાં મૂક્યો. પહેલીવાર તેના કુમળા હાથોથી પેન્સીલ પકડતાં એ શીખ્યો. નિશા રોજ તેને હાથમાં હાથ રાખીને કક્કો ઘૂંટાવતી. પાંચમાં વર્ષે એ બાળમંદિરમાં જવા લાગ્યો. રોજ તેને માટે નાસ્તો, વૉટરબેગ, બેગ તૈયાર કરવી, સ્કૂલે મૂકવા જવો, બપોરે લેવા જવો, હૉમવર્ક કરાવવું વગેરેમાં જ નિશા વ્યસ્ત રહેતી હતી. ધ્રૂવ હવે એની પ્રાથમિકતા બની ગયો હતો અને એને ધ્રૂવ સિવાય બીજું કશું સૂઝતું પણ નહીં.

                                                                           ****

અચાનક દરવાજો ખખડ્યો. ધ્રૂવ આવી ગયો હતો. બોઝિલ મૌન વચ્ચે બાપ-દીકરાએ ડિનર કર્યું.

ધ્રૂવ હોમવર્ક કરતો હતો.

ગૌતમના મનમાં દિવસોથી એક વાત ઘૂંટાતી હતી. ધ્રૂવ અચાનક ગુમસુમ રહેવા લાગ્યો હતો. રોજ સાંજે સ્કૂલે લેવા જતો ત્યારે ઘ્રૂવ આખા રસ્તે એની સ્કૂલની વાતો કરતો, પણ હમણાંથી તેણે સ્કૂલની વાતો કરવાનું બંધ કર્યું હતું.

ધ્રૂવ હોમવર્ક પૂરું કરીને ટી.વી. જોતો હતો. મોકો જોઈને ગૌતમે જરા ખચકાટ સાથે જ વાત શરૂ કરી, ‘બેટા, હમણા કેમ ચૂપચૂપ રહે છે?’

‘ના પપ્પા, એવું કંઈ નહીં.’

‘ઓહ, આ તો મને એવું લાગ્યું.’

‘ના, એવું કંઈ નથી.’

‘બેટા, એક વાત પૂછું?’

‘હં......’

‘હમણાથી તું જીલને ત્યાં કેમ બહુ જાય છે... ખોટું ન માનતો પણ, ખાલી પૂછું છું.’

‘પપ્પા, એ તો બસ નોટ્સ લેવા...’

‘પણ બેટા.’ - ગૌતમ થોડું ખચકાયો, ‘નોટ્સ તો લગભગ બધી છે તારી પાસે, ન આવડે તો મને પણ તું પૂછી શકે છે.’

‘પપ્પા, સાચું કહું તો મને કોઈ નોટ્સ નથી જોઈતી પણ મને જીલ અને એની મમ્મી સાથે સમય પસાર કરવો ગમે છે. મમ્મી વગર એકલું લાગે છે, મને મમ્મી જોઈએ છે.’

સ્તબ્ધ થઈ ગયો ગૌતમ!

જાણે સમય અટકી ગયો. ઘડિયાળના કાંટા જાણે થીજી ગયા. એને યાદ આવી ગયો એ દિવસ, જ્યારે ઑફિસે જ તેના પર એક ફોન આવેલો, જેમાં કોઈ અજાણ્યા અવાજે એને સમાચાર આપેલા કે, ‘રિક્ષાની અડફટે આવી જતાં નિશાબહેનનું અવસાન થયું છે. આ તો કૉલ લિસ્ટમાં લાસ્ટ કૉલ તમારો હતો એટલે તમને કૉલ કર્યો. તમે એમના શું થાઓ?’

પેલો અવાજ સાંભળીને ગૌતમની આંખો આગળનું એક દૃશ્ય અચાનક સંકેલાઈ ગયું હતું. ‘હું… હું… હું…’ બસ આટલું જ બોલી શક્યો હતો એ.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.