કરમાઈ રહેલો સંબંધ

21 Nov, 2015
12:00 AM

mamta ashok

PC:

ફરીથી એ જ થયું... નિશિથ પોતાની છાતી પર રાખેલો આરૂષીનો પ્રેમભર્યો હાથ ધીમેથી બાજુમાં સરકાવીને પડખું ફરીને સૂઈ ગયો અને આરૂષી નિરાશ થઈને રાત આખી ઓશીકુ ભીંજવતી રહી.

બે વર્ષ પહેલા સમાજની વિરુદ્ધ જઈને અને કુટુંબને નાખુશ કરીને પણ નિશિથ-આરૂષીએ ભાગીને પ્રેમલગ્ન કરેલા. શરૂઆતના દિવસોમાં બંને એકબીજામાં ઓતપ્રોત થઈને રહેતા પણ સમય વીતતો ગયો એમ જિંદગીની દોડધામમાં એમના પ્રેમની તીવ્રતા ઘટતી ચાલી. નિશિથનો ઘણો ખરો સમય ઑફિસમાં જ જતો, પણ જ્યારે જ્યારે એને મોકો મળતો ત્યારે એ આરૂષીને મનભરીને પ્રેમ કરતો અને ક્યારેક તે આરૂષીને સરપ્રાઈઝ પણ આપતો.

પણ ઘણા સમયથી આરૂષીને લાગવા લાગ્યું હતું કે હંમેશાં રોમેન્ટિક મૂડમાં રહેતા નિશિથનું વર્તન ધીમે ધીમે બદલાવા માંડ્યું છે. વાતવાતમાં લાડ કરતો. ઑફિસથી આવી સીધો એને આલિંગન આપતો, તક ઝડપીને ગાલ પર પ્રેમપૂર્વક ચુંબન કરતો નિશિથ અચાનકથી અજાણી વ્યક્તિની જેમ વર્તવા લાગ્યો હતો. શરૂઆતમાં તો આરૂષીને લાગ્યું કે કદાચ એને કામનું ટેન્શન હશે. એ થાકી જતો હોય તો નાહકની પૂછપરછ નહીં કરવી, નહીંતર એ વધારે બગડશે! એમ છતાંય એણે એક-બે વખત જાણવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જાણે નિશિથને રસ જ ના હોય એમ એણે વાતને ટાળી દીધી.

‘નિશિથ શું વાત છે? હમણાથી તું સૂનમૂન દેખાય છે.’ આરૂષીએ સહજતાથી પૂછ્યું.

‘બધું ઠીક જ છે. કંઈ ચિંતા કરવા જેવું નથી.’ ફરી એ જ ઠંડો જવાબ નિશિથ તરફથી મળ્યો.

‘તો આપણી વચ્ચે પહેલા જેવી સામાન્ય પરિસ્થિતિ કેમ નથી રહી? છેલ્લા ઘણા મહિનાઓથી આપણી વચ્ચે શારીરિક સંબંધો પણ રહ્યા નથી. તારા તરફથી મળતા પ્રેમમાં પણ જાણે ઓટ આવી ગઈ છે.’  આરૂષીની આંખમાંથી હવે પાણીની ધારા વહેવા લાગી.

‘શું સેક્સ એ જ પ્રેમ છે? મને કોઈ જ વાંધો નથી. બસ માત્ર ઈચ્છા થતી નથી. પણ એનો મતલબ એ નથી કે તને પ્રેમ નથી કરતો. પ્લીઝ હવે વધારે સવાલ ના પૂછતી.’ એમ કહી વાત પર નિશિથે પૂર્ણવિરામ મૂકી દીધું.

‘કદાચ એવું જ હશે.’ એમ સ્વગત બોલી આરૂષીએ જાતને સમજાવી લીધી. પણ શરીરની કુદરતી ઈચ્છાઓને કોણ સમજાવે? પરિસ્થિતિમાં સુધાર આણવા સમજદાર આરૂષીએ નવો રસ્તો અપનાવ્યો. તે દરરોજ નવા-નવા પકવાન બનાવવા લાગી. રાત્રે નવી નાઈટી, ધીમું સંગીત, નાટક, પરફ્યુમસ વગેરેનો ઉપયોગ કરી નિશિથને પહેલાની જેમ મૂડમાં લાવવા અને પરિસ્થિતિ-વાતાવરણ હળવું કરવાનો પ્રયત્ન કરવા લાગી. પણ, બધું જ વ્યર્થ નીવડ્યું. સમય વીતતો ગયો તેમ-તેમ આરૂષીના મનમાં પ્રેમનું સ્થાન સ્ત્રી સહજ શંકા, અપેક્ષા ને ઈચ્છાએ લેવા માંડ્યું. નિશિથ ઘરની બહાર જતો ત્યારે એના મનમાં અનેક શંકાઓ ઘેરાવા લાગતી.

‘કોઈ છોકરી સાથે સંબંધ બંધાઈ ગયો હશે?’

‘હવે મને પ્રેમ નહી કરતો હોય?’

‘કેમ મારી સાથે ખુલ્લા મને વાત નથી કરતો’

- આવા તો અનેક વિચારોના વમળમાં આરૂષી ફસાતી ગઈ.

હવે તો નિશિથ ઘરમાં વાઈન, બિયર જેવા આલ્કોહોલીક ડ્રિંક્સ પણ લેવા લાગ્યો હતો. એક-બે વાર તો નશામાં ભાન ભૂલી એણે આરૂષી પર ગુસ્સે થઈ થપ્પડ પણ ચોડી દીધી હતી. ધીમે ધીમે આરૂષી અંદરથી તૂટવા લાગી અને તેના કોમળ હૃદયમાં તિરાડ પડી ગઈ, પણ જેમ-તેમ કરીને એ જાતને સંભાળી લેતી હતી. પણ એકવાર નિશિથ અડધી રાત્રે દારૂના નશામાં બેડરૂમમાં આવ્યો અને એણે બળજબરીપૂર્વક આરૂષી સાથે શારીરિક સંબંધ બાંધ્યો. પછી તો આવું વારંવાર થવા માંડ્યું. આરૂષી ચૂપ રહેતી કારણ કે, બીજે દિવસે સવારે નિશિથને કંઈ યાદ પણ ન રહેતું.

એક દિવસ આરૂષીએ હરખાતા હરખાતા નિશિથને ખુશખબર આપ્યા કે ‘એ મા બનવાની છે.’ આટલું જાણતા જ નિશિથની આંખે અંધારા આવી ગયા અને એની સામે થોડા મહિનાઓ પહેલા ડૉ. અભિષેકના ક્લિનિકમાં થયેલી વાતચીતનું દૃશ્ય દેખાવા લાગ્યું.

‘મિ. નિશિથ, તમારા અને તમારી વાઈફનાં રૂટીન હેલ્થ ચેકઅપનો રિપોર્ટ આવી ગયો છે. તમારી વાઈફનો રિપોર્ટ તો નોર્મલ છે, પણ કહેતા દુ:ખ થાય છે કે તમને એઈડ્સનો રોગ લાગુ પડેલો છે. ઝીણો તાવ રહેવાની તેમજ થાક લાગવાની તમારી ફરિયાદનું કારણ આ જ છે, જે તમારા બ્લડ રિપોર્ટથી જાણવા મળ્યું છે. તમારી વાઈફને આ બાબતમાં જાણ કરજો અને શારીરિક સંબંધથી પ્લીઝ દૂર રહેજો. પ્રશ્ન હવે એ છે કે તમને આ રોગ લાગુ કેવી રીતે પડ્યો?' ડૉ. અભિષેકે શંકાભરી દૃષ્ટિએ જોયું હતું.

નિશિથ તો ત્યારે જાણે ભાન ગુમાવી બેઠો હતો અને હવે રહી રહીને એ આરૂષીનો વિશ્વાસઘાત કરીને અનેક લગ્નેત્તર સંબંધો રાખવા માટે પસ્તાતો હતો.

અને... આરૂષી વિચારમાં પડી ગઈ કે માં બનવાની આવી મોટી ખુશખબરી સાંભળીને નિશિથ હરખાવાને બદલે સોફા પર કેમ ફસડાઈ પડ્યો.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.