આનંદ
દક્ષિણ ગુજરાતને અડીને આવેલું એક નાનકડું શહેર એટલે દમણ. આ નાનકડા કેન્દ્રશાસિત પ્રદેશ દમણની એક અલાયદી ઓળખાણ પણ છે! સુરતીઓ માટે એવું કહેવાય કે તેઓ ભલે દુબઈ, સિંગાપોર કે બેંગકોક ફરવા જશે પણ એમને દમણનું આકર્ષણ છૂટતું નથી!
દમણમાં થોડા વર્ષો પહેલાં ઉદ્યોગો માટે ટેક્સ બેનિફિટની સ્કીમ નીકળી હતી અને ત્યાંના રહેવાસીઓ બિનખેતીલાયક જમીન વેચીને જેટલી માગે એટલી કિંમત મેળવીને આર્થિક રીતે સદ્ધર થયા હતા. ધીરે ધીરે ઈન્ડસ્ટ્રીઓ શરૂ થતાં દમણમાં અનેક લોકોને નાનાથી મોટા ધંધાનાં કામ મળ્યા. એમાં જે બાકી રહેલા એમને કમસે કમ ઘર ચાલી જાય એવી સામાન્ય નોકરીનાં ચાન્સ પણ મળ્યાં હતા.
અમને પણ જેવી વિદ્યાનગરમાં કોલેજ પૂરી કરી કે તરત જ દમણની એક કેમિકલ કંપનીમાં જોબ મળી. અમારી કંપનીમાં લગભગ ચારેક જણા, આજુબાજુનાં નાના ગામોમાંથી નોકરી કરવા માટે આવે. એમાનો જ એક ઓગણીસ વર્ષનો આનંદ, જે લેબોરેટરીમાં હેલ્પર તરીકે કામ કરે.
આનંદ એટલે જાણે હાલતો-ચાલતું બોલિવુડ. એને બોલિવુડના બધા તાજા ન્યૂઝ ખબર હોય. ફિલ્મો જોવાનો પણ એ એટલો જ શોખીન. નવી રિલીઝ થતી તમામ ફિલ્મો એ જોઈ આવે અને વળી, એ ફિલ્મોની નકલ પણ કરે. સ્ટાઈલિશ વાળ, પેન્ટ, ટી-શર્ટ કે શર્ટ, શૂઝ… બધુ જ એનું ફિલ્મો મુજબનું હોય. હંમેશાં હસતો-હસતો વાળમાં હાથ ફેરવતો એ લેબનાં સાધનો સાફ કરતો રહેતો અને બીજીબાજુ, ફિલ્મી ડાયલોગ્સ બોલતો રહે અથવા મંદ સ્વરે ફિલ્મી ગીતો ગાતો હોય! એની ખાસિયત એ પણ કે એનું કામ પણ એટલું જ ચોખ્ખું, અમુક નાની-નાની ટેસ્ટ પણ એને આવડે અને કોઈક વાર તો અમે બીજા કામમાં બિઝી હોઈએ તો એ જ અમુક પ્રોડક્ટ્સનાં ટેસ્ટ કરી નાંખે.
પણ એ આનંદની એક જ તકલીફ અને એ તકલીફ એટલે એની ગેરહાજરી! આનંદ ન આવે તો એકીસાથે બે-ત્રણ દિવસ ન આવે. અમને એમ કે એનું ત્યારે એક એના જ ગામની સ્કૂલમાં ભણતી છોકરી સાથે અફેર હતું એટલે કદાચ...!? તે એ છોકરીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો પણ એનાં પાકિટમાં રાખતો.
અમારા મેનેજર એને ઘણીવાર કહેતા કે, ‘આનંદ તું નોકરી કરવાનો છે કે? હવે જો આમ કરીશ તો તારી નોકરી જશે...’ પણ આનંદ એટલે આનંદ, એ ટાઈમ પૂરતો બે-ત્રણ અઠવાડિયા એકદમ બરાબર આવે અને પાછું એ નું એ જ.
એકવાર એવું બન્યું કે, આનંદ એકીસાથે દસ દિવસ ન આવ્યો અને હવે અમારા મેનેજર પણ એ પાછો આવે તો નોકરીએ રાખવાની ના પાડતા હતા. પ્રોડક્શનમાં કામ કરતા એક ભાઈએ એનું ઘર અને ગામ જોયું હતું, એટલે એને સમજાવી શકાય અને એની નોકરી બચી જાય એ આશયથી અમે ચાર જણા ઉપડ્યા, આનંદના નાનકડા ગામમાં.
એકદમ નાના સરખા ઘરે એના પિતા મળ્યા, જેમનાં દ્વારા જાણવા મળ્યું કે આનંદ હમણાં થોડીવાર પહેલા જ ઘણા દિવસો પછી ઘરે આવ્યો છે અને પાછો જરાક જ વારમાં ઘરમાંથી નીકળ્યો છે, કદાચ તળાવ કિનારે જુવાનિયાઓ જોડે બેઠો હોય! અમે ત્યાં ગયા તો આનંદ ત્યાં જ મળી ગયો.
અમે ત્યાં આનંદની વાતો સાંભળતા રહ્યા. એ આટલા દિવસો નવસારી જેલમાં હતો અને આજે જ રજનીશભાઈનાં વકીલે એમને બધાને છોડાવ્યા. ત્યાર પછી અમને બધી હકીકતો જાણવા મળી કે એ શું કામ એકી-સાથે બે-ત્રણ દિવસની રજા લઈ લેતો હતો.
તો એમની એક નાનકડી ગેંગ હતી. બધાને યામાહા બાઈક આપવામાં આવતી, જે બાઈક દારૂની બોટલોથી ભરી હોય. એટલે જે સમયે રજનીશભાઈ કહે ત્યારે કીક મારીને નીકળવાનું અને એમને ગુજરાતના કોઈ પણ સ્થળે સ્ટોક પહોંચાડવાનું કહેવામાં આવે ત્યારે એમને એ પહોંચાડી આવવાનું. પહેલો બાઈકર ફક્ત સુપરવિઝન માટે એનું બાઈક એકાદ કિલોમીટર આગળ હંકારતો હોય અને એને જો કંઈક એવું માલૂમ થાય કે પોલીસ કે કંઈ બીજું ચેકિંગ હોય તો એ તરત જ પાછો વળીને બધાને જણાવી દેતો.
નાનકડા ‘બગવાડા’ ગામની રેલવે ફાટકની સરહદ પાસેથી એકીસાથે એમના આ બાઈક્સ નીકળતા. લગભગ બધા જ છોકરાઓને રજનીશભાઈ ઉપર ભરપૂર, વિશ્વાસ અને આનંદ સહિત એમાંના ઘણાને એવું સપનું કે એમણે આ રજનીશભાઈ જેવા મોટા બુટલેગર બનવું છે!
આનંદ દ્વારા જાણવા મળ્યું કે રજનીશભાઈનું કનેક્શન ઘણા પોલીસવાળાથી માંડીને રેલવે ફાટક પર નોકરી કરતા રેલવેના કર્મચારીઓ સાથે પણ હતું. બે વર્ષમાં તેઓ પહેલી વાર પકડાયા હતા. જોકે એ પોલીસ પણ ગાંધીનગરના નશાબંધી ખાતાની હેડ ઓફિસની હતી.
આનંદની આ થ્રિલર સ્ટોરી સાંભળીને અમે એને ઘણો સમજાવ્યો પણ એ એની જીદ ઉપર અડી રહ્યો. ધીરે ધીરે અમે બધા પણ રૂટિન લાઈફમાં અને કામમાં વ્યસ્ત થતાં ગયા અને ચારેક વર્ષના ગાળામાં અમારામાંથી ઘણા ધીરે ધીરે એ કંપનીમાંથી સારા ચાન્સ મળતા છૂટા થતા ગયા.
પણ અમારા મેનેજર હજુ પણ ત્યાં જ છે અને અમારી દોસ્તોની ટીમ જ્યારે પણ ભેગી થાય છે ત્યારે અમે એ દિવસોને દિલથી યાદ કરીએ છીએ. આ દરમિયાન આનંદ પણ અમને અચૂક યાદ આવે જ આવે. અમારા મેનેજર દ્વારા આટલા વર્ષો પછી અમને ખબર પડી કે, આનંદ ન તો કોઈ મોટો બુટલેગર થઈ શક્યો કે ન કોઈ વાઈનશૉપ ખોલી શક્યો. પણ તે એક પ્રાઈવેટ સ્કૂલમાં પટાવાળાની નોકરી કરે છે અને લવમેરેજ કરીને એને એક નાની દીકરી છે.
એક વખત આ હેરાફેરીમાં પોલીસનાં સકંજામાં આવવાની બીકે બાઈક ઝડપભેર હંકારતા એનો અકસ્માત થયો અને એના પગમાં જોરદાર ફ્રેક્ચર થયેલું. સતત બે-ત્રણ વર્ષ પોલીસ-કોર્ટનાં ધક્કા ખાઈ ખાઈને કંટાળીને આખરે આનંદે એ કામ પડતું મૂક્યું હતું....!!
અને અમારામાંથી એક આનંદની સ્ટાઈલમાં વાળમાં હાથ નાંખતા નાંખતા બોલ્યું કે, ‘ચલો ભાઈ, યે ભી અચ્છા હુઆ’?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર