કમુની મા

12 Nov, 2015
12:00 AM

mamta ashok

PC:

ધરતીએ કોઈ ભૂલ કરી હોય અને સૂર્યદેવ એની સજા આપતા હોય એમ ધરતી પર અગ્નિ વરસી રહ્યો હતો. એવા ટાણે વળી સવિતાકાકીને ગામના મોટા મંદિર પાસે તેડવામાં આવી હતી. ગામમાં રોજની જેમ આજે પણ મહિલાઓની પંચાત મંડળી ભેગી થઈને બેઠી હતી. મંદિરે પહોંચતા સવિતાકાકીને થોડું મોડું થયું. મહિલાઓએ કમુને પાગલખાનામાં મૂકી આવવાની સલાહ આપી. આ સલાહે કમુકાકીની આંખમાં ઝળઝળિયાં લાવી દીધાં. એના ગળાનો સ્વર જાણે હણાઈ ગયો, પણ મન મક્કમ કરી એણે એટલો જ જવાબ આપ્યો, ‘મા ચાકરી ન કરી શકે તો દવાખાનાવાળા પાસે શી આશા રાખવી?’

સવિતાકાકીની આવી વાત સાંભળ્યા પછી કોઈ તેની પાસે કમુની ફરિયાદ લઈને જતું નહીં. કમુ નાનપણથી કાન અને મોઢાની ઈન્દ્રિયથી વંચિત હતી. વળી, કમુનું નસીબ માત્ર શરીર પૂરતું જ સીમિત હોય તેમ એની મગજની ઈન્દ્રિય પણ કામ ન કરે. આવી ગાંડી છોકરીને એકલે હાથે વિધવા સ્ત્રી સંભાળે તોય એના ચહેરા પર ક્યારેય લગીર થાક જોવા ન મળે. દીકરી પ્રત્યેની આ નિષ્ઠાને કારણે ગામના લોકો સવિતાકાકીને ખરાં માતૃત્વનું ઉદાહરણ માનતા.

કમુ તો સવિતાકાકીનો આધાર હતી. બાકી ત્રણ દીકરાઓને પણ ઉછેરીને મોટા કર્યા. ભણાવ્યાં, ગણાવ્યાં અને પિતાના પ્રેમની ઉણપ પણ ક્યારેય થવા ન દીધી. દીકરાઓના લગ્ન થતા ગયા એમ તેઓ વારાફરતી પોતપોતાની વહુઓ સાથે શહેરમાં જઈને વસવા લાગ્યાં. રજાના દહાડામાં છોકરાઓ, વહુઓ અને પૌત્રો ઘરે આવે. વહુઓ ગાંડી નણંદના વર્તનથી દૂર ભાગે. એમના નાના બાળકોને પણ ક્યારેય ફઈ પાસે ફરકવા ન દે.

સામેની તરફ સવિતાકાકી પણ પૌત્રો કરતાં પોતાની કમુનો ખ્યાલ પહેલા કરે. માના આ વર્તન સામે દીકરા તો માઠું ન લગાડે, પણ વહુઓ કાંઈ ચૂપ બેસે? પોતાના પતિઓને ફરિયાદ કરતી જાય અને મહેણાં મારતી જાય, ‘આ ડોસીને હીરાની કદર નથી અને આ કોલસો હાથમાં ફેરવે છે.’

‘ગાંડીને ક્યાં સંડાસ-પેશાબ ક્યાં કરવા તેનુંય ભાન નથી. જો બે થપ્પડ મારી હોય તો સાન ઠેકાણે આવી જાય. હથેળીમાં ફેરવી ફેરવીને જ કઈ રીતભાત શીખી નથી. મા તો અમે પણ છીએ, પણ માતૃત્વ એટલું બધું ન છલકાવાય કે તેની કદર ન થાય.’ વહુઓના આવા ટોણા સાંભળીને સવિતાકાકી છાના ખૂણામાં જઈને આંખના ખૂણા ભીના કરી લેતા. છતાં દીકરાઓ સામે કોઈ ફરિયાદ કરતાં નહીં. એમ માની લેતા કે નસીબમાં લખ્યું છે તો ભોગવવું તો પડશે જ. આ તો ઠીક, પાડોશમાં રહેતી સવિતાકાકીની જેઠાણી શાંતા પણ એમને ટોણા મારે. શાંતા જો ફળિયાની ડંકીએ પાણી ભરવા આવે અને કમુ ડંકી પાસે આવે તો એને ધક્કો મારીને હડધૂત કરે. વળી, કહેતી જાય, ‘સવિતા, દીકરીને વહુઓના હાથમાં સોંપી દે. એને એકાદ મહિનામાં જ બધી રીતભાત શીખવી દેશે. આ તો તું જીવે છે ત્યાં લગી, બાકી વહુઓના પનારે પડે એટલે ગાંડાઓએ પણ અક્કલ ઠેકાણે રાખવી પડે.’

મોટા દીકરા ધનસુખે કમુને દવાખાનામાં મોકલવાની સંમતિ આપવા સવિતાકાકીને સમજાવી. કમુનો ત્યાં ઈલાજ કરાવીએ તો તે સારી થઈ શકશે તેવો દિલાસો પણ આપ્યો. પરંતુ દીકરાની વાત પૂરી થાય એ પહેલા તો સવિતાકાકીની આંખમાંથી ઝળઝળિયાં સરી પડ્યા. ‘દીકરા, માની મમતાના આવા પારખા ભગવાન મારી પાસે જ કેમ કરાવે છે? દવાખાનામાં લોકો મારી કમુને બરાબર સાચવી નહીં શકે.’ સવિતાકાકીના ગળે ડૂમો બાઝી ગયો.

જોકે, દીકરાના લાખ સમજાવ્યા બાદ સવિતાકાકીએ કમુને પોતાનાથી અળગી કરવાની હા ભણી. દીકરીને વિખૂટી કરતાં મન તો કચવાટ કરતું હતું, પણ કોઈની આગળ સવિતાકાકીનું કંઈ ચાલે એમ ન હતું. સવિતાકાકીએ પણ મન વાળી લીધું કે પરિવારની જીદ સામે હવે મારી જીદ ચાલશે નહીં. મનમાં તો કમુ દવાખાનામાં કેવી રીતે દિવસો વીતાવશે તે વિચાર જ ભમતો રહેતો.

પરિવારની વાત માનવા સિવાય કોઈ વિકલ્પ ન બચતા ઘરમાં કમુના દિવસો ઓછા થવા માંડ્યા હતા. સવિતાકાકી પણ કમુ ઘરમાં છે તેટલા દિવસનું જ પોતાનું આયખું રહ્યું હોય એમ કમુની આગળપાછળ ફર્યા કરતા. કમુ જે વર્તન કરે એ તેઓ સહી લેતા. કમુ ગમે ત્યાં ગંદુ કરે તોય સવિતાકાકી એને એક શબ્દ પણ ન કહે.

આખરે એ રાત્રી આવી ગઈ, જેના બીજા દિવસનો સૂર્યોદય સવિતાકાકીના જીવનમાં કાયમ માટે અંધારું પાથરી દેવાનો હતો. રાત્રે સૂતી વખતે નિત્યક્રમ મુજબ કમુને સાથે સૂવડાવીને તેના ડિલે હળવો હાથ ફેરવતા તેઓ આંખમાંથી આંસુ વહેડાવતા ગયા. ઘડિયાળના ટકોરા જેમ જેમ સવાર તરફ જતા જાય તેમ સવિતાકાકી પડખાં ફેરવતા જાય. આંખો મીંચવાની કોશિશ કરે પણ કમુનો ચહેરો સામે આવે અને દવાખાનું સામે આવે. આ ચક્રવાત ચાલ્યા કરે અને સવિતાકાકી જરાજરા વારે ઝબકીને જાગી જાય.

આખી રાત આંસુથી પથારી ભીની કરી હતી. સવારે તબિયત પણ થોડી નાજુક લાગવા માંડી હતી. પણ મનને મક્કમ કરીને સવિતાકાકી દીકરીને વિદાય કરવાની ઘડીને જોઈ શકવાની તાકાત ભેગી કરી રહ્યા હતા. એમને તો દીકરીને સાસરે વળાવવાના કોડ હતાં, પણ ઈશ્વરે એને કયાં જન્મનો શાપ આપ્યો હતો કે, સવિતાકાકીએ કમુને પાગલખાનામાં ઘકેલવાની નોબત આવી હતી.

કમુને લેવા માટે ગાડી ફળિયા સુધી આવીને ઊભી રહી. દીકરીનો વિરહ એટલો આઘાતજનક હતો કે, સવિતાકાકીની આંખમાં દરિયો હિલ્લોળા લેવા માંડેલો. કમુને તો શું થઈ રહ્યું છે એનો કોઈ અણસાર સુદ્ધાં નહીં! પણ પોતાની માની આંખમાં આંસુ જોઈને કમુએ પોતાની માનો પાલવ પકડ્યો. સવિતાકાકીએ દીકરા ધનસુખની સામે જોઈ એટલું કહ્યું, ‘હવે, મોડું કરીશ તો દીકરીની સાથે માએ પણ પાગલખાનું જોવું પડશે.’ દીકરાનું હૈયું પણ ભરાઈ આવ્યું. મા સામે આંખ મેળવી શકવાની પણ હિંમત ન કરી શક્યો.

થોડા દિવસના વહાણા વીતી ગયા. દીકરાઓ અને વહુઓ શહેરમાં જતા રહ્યા. સવિતાકાકી ઘરમાં અને ફળિયામાં કમુના અવાજો અને તેની ભાગમભાગના ભ્રમને સહારે જીવન વીતાવવા લાગ્યાં. પણ સવિતાકાકીનું મન ક્યાંય ગોઠતું નહીં. તેમનું શરીર ગામમાં હોય પણ મન તો કમુ પાસે જ!

કમુની ગેરહાજરીને કારણે એમની તબિયત લથવા માંડેલી, એટલે થોડા દિવસો બાદ દીકરાઓ માને શહેરમાં લઈ ગયા. જેથી તેને એકલવાયું પણ ન લાગે અને કમુનો વિરહ પણ હળવો લાગે. પણ માતાની આંખો તો સોસાયટીની દરેક છોકરીમાં પોતાની કમુને જ શોધતી હતી.

એક દિવસ સવિતાકાકીએ દીકરા આગળ કમુને મળવા જવાની વાત કરી. સવિતાકાકીની તબિયત હવે ઘણી નાજુક થવા લાગી હતી. એમનું જીવન તૂટવા લાગ્યું હતું. સવિતાકાકીએ દીકરાને કહ્યું, ‘બેટા, મારે કમુને મળવા જવું છે. આજ સુધી તમારી દરેક વાતમાં મેં સાથ આપ્યો છે. આજે આ છેલ્લી ઈચ્છા તું પૂરી કરીશ એવી આશા છે. એટલે તારી પાસે આટલી દયાની ભીખ માગું છું.’

માની વિનંતી સાંભળી દીકરાએ માથું ધૂણાવ્યું. પાગલખાનાના અધિકારીઓ પાસેથી મંજૂરી પણ મળી. સવિતાકાકી અને ધનસુખ કમુને મળવા તેના રૂમ સુધી ગયા. સવિતાકાકી કમુને જોઈને રડી પડી. કમુ પણ સવિતાકાકીને જોઈને ઊછળી પડી. સવિતાકાકી માંડ દસ મિનિટ કમુ પાસે બેઠા ત્યાં જ નર્સ આવી અને કમુને લઈ ગઈ. સવિતાકાકીએ નર્સને કહ્યું, ‘મારી દીકરીને બરાબર સાચવજો.’

‘તમે ચિંતા નહીં કરો.’ એવો ટૂંકો જવાબ આપી નર્સ કમુને લઈને ચાલી ગઈ. ધનસુખે પાગલખાનાના ડોકટરો સાથે વાત કરીને કમુની સારવાર વિશે સવાલ પૂછ્યો. ધનસુખને ડોક્ટરોએ કહ્યું, ‘તમારી બહેન હવે સારી થઈ શકશે નહીં. કારણ કે અમારી ઘણી મહેનત બાદ પણ તેમાં કોઈ સુધારો દેખાતો નથી.’ એટલામાં સવિતાકાકી ત્યાં આવી ચડ્યા. દીકરાને પૂછ્યું કે, ‘ડોક્ટરોએ શું કહ્યું?’ ધનસુખે મોઢું નીચું કર્યું. સવિતાકાકીએ ધનસુખના ચહેરા પરથી જવાબ વાંચી લીધો.

નિરાશ ચહેરે થાક્યાપાક્યા મા-દીકરો ઘરે આવ્યા. મા-દીકરા બંનેના મનમાં ડોક્ટરોનો જવાબ ભમતો રહ્યો. તે રાત પણ સવિતાકાકી માટે ખૂબ લાંબી પડી ગઈ. આખી રાત આંખ પાણી જ ઓકતું રહ્યું. ન તો ધનસુખ આંખ મીંચી શક્યો કે ન તો સવિતાકાકી. માની આંખના આંસુ ધનસુખના દિલમાં ઘા મારી રહ્યા હતા. પણ ધનસુખ પાસે માની પરેશાનીનો ઈલાજ પણ ન હતો. ધનસુખે મનોમન નક્કી કર્યું કે, માની આંખને છાની રાખવા હું કમુને પાછી લઈ આવીશ. તેની અહીં ઘરે જ સારસંભાળ રાખીશું.

રાત્રીના છેલ્લાં પ્રહરે ધનસુખ સવિતાકાકીના ઓરડા પાસે ગયો. તેને થયું કે, લાવ માને ધરપત આપી આવું કે, આપણે કમુને ઘરે લઈ આવવી છે! ધનસુખ માને કંઈ કહે તે પહેલા સવિતાકાકીએ પડખું ફેરવ્યું. અચાનક જ તેમણે એક ઊંડો શ્વાસ લીધો. ધનસુખ કંઈ સમજે તે પહેલાં સવિતાકાકી ખાટલા પરથી નીચે પડી ગયા. દીકરો ઘરના દરવાજેથી દોડીને મા પાસે આવ્યો. સવિતાકાકીએ છેલ્લાં શ્વાસ લેતા એટલું જ કહ્યું, ‘મારી કમુને દવાખાનાંવાળાએ મારી નાખી.’ આટલા શબ્દો સાથે સવિતાકાકીની આંખો મીંચાઈ અને ધનસુખ ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યો.

(આ વાર્તા લેખકની કલ્પના છે, જેની જવાબદારી લેખકની પોતાની છે. ‘khabarchhe.com’ મૌલિકતા અંગેની કોઈ જવાબદારી લેતું નથી.)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.