રેશમી રજાઈમાં બાકોરું

20 Feb, 2016
12:00 AM

mamta ashok

PC:

દેશના ભાગલા વખતે ફાટી નીકળેલાં પેલાં ભયાનક હુલ્લડોની ભૂતાવળથી એ ડરતી. મન્ટોની વાર્તાઓ વાંચ્યા પછી તો એવાં ડરામણાં દૃશ્યો એને લગભગ આંખ સામે દેખાતાં. સ્ત્રીઓ પર થયેલા અત્યાચારોની હકીકતો જાણી જ ન હોત તો સારું થાત એમ લાગતું અને રોજ રાતે એ ચાદરમાં માથું ખોસીને ઊંઘતી. ગમે તેવી ગરમી થાય તોયે માથું બહાર કાઢવાનું નહીં, એ અંધારું સુરક્ષિત લાગતું.

દાદી કહેતાં કે આપણે ઈતિહાસ પાસેથી કશું જ શીખ્યા નહીં. ઓગણીસસો સુડતાળીસ પછી આવું એમણે કેટલીયે વાર કહ્યું હશે. કોમી રમખાણ ફાટી નીકળે કે એ આવું અચૂક બોલવાનાં, પછી એ અમદાવાદમાં થયાં હોય કે કાનપુરમાં, લખનઉમાં ફાટ્યાં હોય કે હૈદરાબાદમાં. ઈતિહાસ પાસે શું શીખવાનું છે એની દાદીને ખબર હોય તો ભગવાન જાણે, એને પોતાને તો ખબર નહોતી. ખબર માત્ર એટલી જ કે લોહીથી લથ બથ, હિંસાચારથી ખદબદતા એ દિવસો પસાર થઈ ગયા પછી જ પોતે જન્મી એ મોટામાં મોટી રાહત. એ દિવસોમાં જન્મીને સમજદાર થઈ ચૂકેલી સ્ત્રીઓ ગાંડી કેમ ન થઈ ગઈ! જોકે ફોઈ કોલકતામાં ભટકતી ગાંડી બાઈઓની વાત ઘણી વાર કરતાં.

- એક તો અમારા ઘરની સામે જ ઓટલા પર પડી રહેતી. ગોટમોટ, હાથે સરખો બહાર ન કાઢે. ખાવાનું આપીએ તો હાથ લૂગડાથી ઢાંકીને લંબાવે. ગલીમાં અજાણ્યો પુરૂષ દેખાય કે મોટી મોટી ચીસો પાડીને રડે! આદમીની જાતનો બિચારીને એવો અનુભવ થયો હશે કે મરદ દેખાય કે તરત ભડકે...

પેલી ગાંડી સ્ત્રીનો ભય અનુભવતા એ પ્રયત્ન કરતી. ઘર-પરિવારથી ઉતરડાઈ ગયેલી એક થાકેલી અને લાચાર સ્ત્રી. એ ફોઈને પૂછતી કે આ સ્ત્રીઓને શોધતાં શોધતાં એમના ઘરના પુરૂષો આવે નહીં? ફોઈ એમનું કપાળ કૂટીને કહેતાં કે એવી અભાગણીઓને વળી ઘેર પાછી લઈ જવા કોણ આવે! હોય કોઈ એકલદોકલ અપવાદ...

અત્યાચારનો અર્થ ત્યારે એ સ્પષ્ટપણે નહોતી જાણતી. બળાત્કાર જેવો શબ્દ તો ત્યારે ઓછો જ વપરાતો. એક વાર બાને પૂછ્યું, ત્યારે કહે કે સ્ત્રીની મરજી વિરુદ્ધ એને કોઈ કનડે એ અત્યાચાર, ને એ જ બળાત્કાર. એટલે સ્ત્રીની મરજી હોય, ને એને કોઈ કનડે, એવુંય પાછું હોય? માસી વળી જૂદું જ કહેતાં. એ કંઈક સ્ત્રીનું શરીર ખરાબ કરે એવો શબ્દપ્રયોગ કરતાં. શરીર ખરાબ થવા વિશે એ સમયે ઝાઝી ખબર નહોતી. મન્ટોની વાર્તાઓ વાંચી એ પહેલાંનું આ બધું.

એ બાર-તેર વરસની હતી ત્યારની એક ઘટના સમયની ધૂળ હેઠળ દટાઈને પડી હતી. છાપામાં કે બીજે ક્યાંક બળાત્કાર કે સ્ત્રી પર અત્યાચારની બાબતના ઉલ્લેખ સાથે જ એ ધૂળના થર ખસી જતા અને તે દિવસે એના શરીરે અનુભવેલો પેલો તપાવેલી ખૂરપી જેવો સ્પર્શ એની ચામડીને બાળતો. ઘટના હતી તો સાવ મામૂલી.

સ્કૂલના વાર્ષિકોત્સવમાં એણે ભાગ લીધેલો. ગામઠી પોશાક પહેરવાનો હતો અને આભલાં ભરેલું બ્લાઉઝ ડ્રેસવાળાને ત્યાંથી આગલે દિવસે જ મળી ગયેલું. બહેને કહેલું કે ઘેર પહેરી, સરખા દોરા ભરીને પાછું લાવજો. બહેનપણી નયનાનું ઘર નજીક. બેયનાં બ્લાઉઝ ત્યાં જ રાખ્યાં, પણ કાર્યક્રમને દહાડે ધમાલમાં બંને ખાલી હાથે જ રંગભવન પહોંચ્યાં. બહેન તો બરાબરનાં ગુસ્સે થયાં. સાવ ભાન વિનાનાં છો! જાઓ અબ ઘડી અને બ્લાઉઝ લઈને પાછાં આવો તરત. રંગભવનથી નયનાને ઘેર જતાં એક બગીચો આવે. પછી ચાર રસ્તા અને જમણી બાજુ વળી જતાં ચોથું જ ઘર. માંડ દસ મિનિટનો રસ્તો, વાતો કરતાં કરતાં ને ઉતાવળાં, લગભગ દોડતાં જ હોય એમ એ જતાં હતાં, કાર્યક્રમની ઉત્તેજનામાં, એના રોમાંચમાં અને સામેથી એક માણસ આવ્યો, સામાન્ય દેખાવનો અને જરાયે ડરવા જેવો નહીં એવો માણસ. એ નજીક આવ્યો ત્યાં સુધી તો એની નોંધ પણ લેવાયેલી નહીં. પડખેથી પસાર થતી વેળા એણે એકદમ હાથ લંબાવ્યો અને કશી ખબર પડે તે પહેલાં તો એનો જાડો પંજો છાતી પર ચોંટી ગયો, ક્ષણાર્ધમાં-તરત-ઊંખડીયે ગયો. એ અડધી ઘડીમાંયે એ એવી તો છળી મરી કે એણે મોટી ચીસ પાડી. નયના ખાસ્સી સાવધ હતી એટલે એણે પેલાને ઘાંટો પાડ્યો. એવો એ તો જાણે કશું થયું જ ન હોય એમ દોડતો બાગમાં પેસી ગયો. પછી તો બ્લાઉઝ લઈને બેય રંગભવન પહોંચી ગયાં. છતાં મનમાં બીકે ઘર કર્યું. રસ્તે ચાલી જતો અને એકદમ નિર્દોષ દેખાતો માણસ સુદ્ધાં આવો આતંક ફેલાવી શકે, આપણા શરીર પર ફાવે ત્યાં હાથ નાખી શકે એ હકીકતથી એને ઊબકા આવતા રહ્યા.

બાએ અને માસીએ જ્યારે બળાત્કારનો અર્થ સમજાવવાની કોશિશ કરેલી ત્યારે આ ઘટના તાજી થયેલી. માત્ર પાણીવાળી પીંછી કાગળ પર ફેરવતાં અદૃશ્ય રંગો જેમ આલેખાતા જાય એ રીતે. પહેલાં દાદી અને પછી બા અમુક રસ્તાઓ પર જવાની કેમ ના પાડતાં હતાં અને મોડી સાંજે એને એકલી મોકલતાં કેમ ખચકાતાં હતાં એ ધીમે ધીમે સમજાતું ગયું. એની પાસે કશુંક એવું હતું જે ઝૂંટવી લેવા ગમે તે ખૂણેથી કોઈ ફૂટી નીકળે એવી દહેશત આમ તો એને વાહિયાત લાગતી, પણ એ એવું ખાતરીથી અને ભારપૂર્વક કોઈને કહી શકતી નહીં.

જો દાદી ગભરાતાં હોય, જો બા ડરતી હોય, જો ફોઈ બીતાં હોય અને જો માસીયે ભય અનુભવતાં હોય, તો આ બાબત છે ફેંકી દેવા જેવી નહીં હોય. ક્યારેક ભીડમાં ઘેરાઈ જવાનું આવે તો એ એક કવચ ધારણ કરવા મથતી. એવું કવચ જે એને સુરક્ષિત રાખે અને બધીયે આંખોથી બચાવી લે, સંતાડી દે. કોઈક વખત અમસ્તોયે એકાદ પુરુષનો ધક્કો લાગી જાય તો એ સંકોચાઈને કોકડું વળી જતી. શેળાની જેમ સ્ત્રીઓને પણ કાંટા ફૂટી નીકળતા હોય તો કેવી રાહત થાય એમ એ વિચારતી હતી, પણ આ બધી તો કાચી ઉંમરની ભૂતાવળ. પછી તો કૉલેજ અને ભણતર, નોકરી અને આત્મનિર્ભરતા, ગમે તે સમયે ઘરની બહાર પગ મૂકી શકાય એવી સ્વતંત્રતા. વાહન પણ પોતાનું એટલે સરિયામ રસ્તા પર સડસડાટ. ભયબય કશું જ નહીં. કવચ તો ફગાવી દીધું, પણ દશે દિશામાંથી ફૂંકાતા પવન ઘરમાં દાખલ થઈ જાય એટલી બારીઓ નહીં, એટલે દેહનાં આવરણ જુનવાણી જ રહ્યાં. શરીર પૂરું ઢંકાય એવાં, દેહની રેખાઓ કદીયે ઊપસી ન આવે એટલાં, ઢીલાં જ પહેરવાનાં. ટીવી પર અડધી ઉઘાડી બાઈઓ દેખાય તો એ દૂર બેઠી બેઠી પોતાનો દુપટ્ટો સરખો કરી લેતી.

બધાએ પાઠ મોંએ કરાવેલો કે અજાણ્યા આદમીની અડફેટમાં આવવું નહીં. અધરાત-મધરાતે બહાર નીકળીએ તો કોઈનો ભરોસો કરવો નહીં, એકલાં હોઈએ તો બારી-બારણાં બરાબર બંધ રાખવાં, શરીર ખુલ્લું રાખીને કે ચહેરા રંગીને કોઈનું ધ્યાન ખેચવું નહીં. આવા સાદાસીધા નિયમો પાળીએ તો એમ કંઈ કોઈ ચોંટી નથી પડતું. ઘરનો વડીલવર્ગ ઓછાં કપડામાં બહાર નીકળતી સ્ત્રીઓની ટીકા કરે અને કહે કે સિનેમાએ જ દાટ વાળ્યો છે, ત્યારે એ પ્રગટપણે ભલે કશું ન કહે તોયે મનમાં તો એમની જોડે સંમત થઈ જ જતી. સાચી વાત છે. જાતને સાચવતાં આવડવું જોઈએ. આવ પાણા પગ પર, એવા ઉધામા કરીએ તો આબરૂ નયે સચવાય. શીલ અને સંસ્કારનું જતન તો આપણા હાથમાં છે. એ આવડે તો આપણા ચહેરા પર આપોઆપ તેજ પ્રગટે.

વચ્ચે એકાદ કિસ્સો બહુ ચગેલો. કોઈ યુવતીએ અજાણ્યા આદમીની લિફ્ટ સ્વીકારી અને પછી બળાત્કાર થયો અને એવું બધું. ઘરમાં એક અવાજે મુદ્દો પડઘાયો કે એવી લિફ્ટ લેવાની જરૂર જ શી હોય! છોકરીઓ જ નાસમજ અને નાદાન હોય છે અને કોઈ તો ચેનચાળા કેવા કરે, ને પાછી કપડાંયે એવાં પહેરે... એમનો જ વાંક કહેવાય.

- ને શહેરમાં રાતોરાત કોમી રમખાણો ફાટી નીકળ્યાં ત્યારેય એમ જ લાગેલું કે બે કોમ વચ્ચે અથડામણ તો થાય, છરાચાકુ ભોંકાય, થોડું તૂટેફૂટે કે બળઝળે, પછી વાત ખતમ, સ્ત્રીઓને એમાં કંઈ લાગેવળગે નહીં. આ બધાં વેરઝેર તો સત્તા પર બેઠેલાઓનાં, એટલે કે મોટે ભાગે તો મરદોના જ કારસા. એ જ નઘરોળ બધા મારે કે મરે. સ્ત્રીઓ તો ઘરમાં હોય એટલે સુરક્ષિત. બચ્ચાંઓનું ધ્યાન રાખે, બુઢ્ઢા-આજારને સંભાળે, ચૂલો સળગતો રાખે ને બધાંનાં પેટ ભરે. એ તો અન્નપૂર્ણા. એને મારામારી-કાપાકાપી જોડે સંબંધ જ નહીં. લોંઠકાઓ ક્યાં સુધી ધમાલ કરશે? થાકશે એટલે આવશે પાછા ઘેર, ડાહ્યા થઈને.

કરફ્યું ચાલે એટલે નોકરીએ નહીં જવાનું. એમાંયે ખાસ વાંધો નહીં, રોજના ક્રમમાં જરા ફેરફાર થાય. ભલે બે દહાડા પ્રજા ઘરમાં ગોંધાતી. ટીવી જોશે. ગપસપ કરશે, સંગીત સાંભળશે. આડે દહાડે એવી ફુરસદ ક્યાં મળે છે કોઈને? બે-ચાર દિવસમાં ગાડી પાટા પર આવી જશે પાછી.

જેમાં જાત સંતાડી રાખેલી એ રેશમી રજાઈમાં બાકોરું પડ્યું ચોવીસ કલાકમાં જ. ઘરની સુરક્ષિત દીવાલો ભેદીને જીવ ફફડી ઊઠે એવા સમાચાર આવતા ગયા. પેલા વિસ્તારમાં તો છોકરી પર બળાત્કાર ગુજારી એને કાપી નાખી... ત્યાં બસસ્ટેન્ડ પાસે એક બાઈની લાશ પડી છે ને શરીર પર એક તાંતણોયે... આપણા ઘરથી જરા દૂરની ગલીમાં એક છોકરી પર તો એના કુટુંબની હાજરીમાં જ... ને એના બાળકને બળતા ઘરમાં...

ના, ના, આટલું બધું કંઈ હોય નહીં. એ તો બધા ખોટા. લોકોને ઉશ્કેરવા માટે જ આવા સમાચારો બહેલાવે. આટલાં ખરાબ કામ કરવા કોણ નવરું ભટકતું હોય? પકડાઈ જવાની બીક ન લાગે? આ તો બધી વધારી વધારીને લખેલી વાતો. છાપાંવાળા ગજવાં ભરવા ખેલ કરે આવા. મસાલેદાર લખે એ સારુ. લખવાવાળાયે પાછા મરદો જ હોયને મોટે ભાગે! તેમાં જ તો આવું!

બપોરે ચૌલા અને સુરેખા આવ્યાં. બે કલાક માટે કરફ્યુમાં છૂટ હતી. બેયના ચહેરા પડી ગયેલા. આવ્યાં તેવાં જ એને ખેંચીને અંદરના ઓરડામાં લઈ ગયાં. બધા સામે કરવા જેવી વાત નહીં હોય એટલે કદાચ.

- શચી, આપણી ઑફિસમાં ગ્રાઉન્ડ ફ્લૉર પર પેલી સફાઈ નહોતી કરતી? તને નામ યાદ છે એનું? અમે તો ભૂલી ગયાં છીએ... ઘણુંખરું તો બદામી જેવાં સલવાર-કમીઝ પહેરીને આવતી‘તી?

એણે ઑફિસને અને પછી તેના ગ્રાઉન્ડ ફ્લૉરને સ્મૃતિમાં ઊભાં કરવાની કોશિશ કરી. ત્યાં એક ઝાંખીપાંખી ઓરત પણ જોઈ શકાઈ, ચૂપચાપ સફાઈ કરતી, માથું અને ખભો બરાબર ઢાંકીને....

- યાદ છે. શું થયું એનું? ગોળીબારમાં મરી ગઈ? એનું ઘર બાળી મૂક્યું? એના મરદને કોઈએ...

ચૌલાએ એનો હાથ પકડી લીધો, પછી કાનમાં કહ્યું કે એના પર તો સામૂહિક બ...

ચૌલાના શબ્દો કાનમાંથી દડી એના ચિત્ત પર પછડાયા. એની અણીઓ ખૂંપી ગઈ અંદર. પછી શું થયું એ બાઈનુંય જીવે છે કે મરી ગઈ? અસહાય ભાવે એણે ઓરડામાંથી બહાર, આમતેમ જોયું. આગલા ખંડમાં ટીવી ચાલતું હતું, ઠંડે કલેજે સહુ બેઠાં‘તાં! દાદી ભાજી સમારતાં હતાં, બા સાડીને ફૉલ દેતી હતી. એક સ્ત્રી પર પોતાના જ શહેરના થોડા પુરૂષોએ અત્યાચાર કર્યો હતો અને અહીં કશી જ ઊથલપાથલ નહોતી!

- અમે એને મળવા જઈએ છીએ. તને સાથે લઈ જવા આવ્યાં છીએ.

એણે દોડીને સેન્ડલ પહેરી લીધાં.

(પ્રસ્તુત વાર્તા આપણી ભાષાના જાણીતા વાર્તાકાર હિમાંશી શેલતની વાર્તા છે.)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.