લાલ પાણી

05 Mar, 2016
12:00 AM

mamta ashok

PC:

ફિલ્મ હિટ જવાની, ગઈ, જાય છે - ની વાતો હવામાં એ રીતે ફેલાયેલી કે થિયેટરને દરવાજે પડે એ ચગદાઈને પાતાળ ભેગો થાય એટલી મેદની. ટિકિટબારી તો ક્યારનીયે બંધ થઈ ગયેલી, અને હાઉસફુલનાં પાટિયાં લાગેલાં, તોયે કદાચ કોઈ મેળ પડી જાય તેવી આશામાં કેયલાંયે ટોળાં આમતેમ અટવાતાં હતાં. ટિકિટવાળા નસીબદારો જમીનથી જરીક અધ્ધર અધ્ધર ચાલતા હતા, અદા પરથી જ ચોખ્ખું લાગે કે આ ટિકિટવાળો છે. આવડી મોટી ભીડનો ઝીણો ગણગણાટ એકઠો થઈને ભારે કોલાહલ પેદા કરતો હતો. દૂરથી પસાર થનારને તો કોઈ દુર્ઘટનાનો જ વહેમ જાય.

દરવાજા જેવા ખુલ્લા કે જબરી અવ્યવસ્થા ઊભી થઈ. ધક્કામુક્કી અને હો-હા જેવું તો જાણે ખરું જ, પણ તે સાથે થોડી ચીસો, ગાળાગાળી અને એવી ઊથલપાથલ. નીચે બેસવાવાળાઓ આ બાબતે માથાભારે ગણાય તેથી જ તો. બધું ઠામઠેકાણે પડ્યું ત્યારે પડદા પર જાહેરખબરો શરૂ થઈ ગયેલી. હજી મોડાં આવવાવાળાંઓનાં કાળાં કાળાં માથાં ચારે દિશામાં ફરતાં હતાં. અંધારામાં બેટરીના અજવાળાનું પાતળું દોરડું ઝાલીને એ લોકો પોતાની બેઠક શોધતા હતા. કોઈકનો પગ ચગદાતો હતો. તો ક્યાંક કોઈ બેઠેલાના ખોળામાં બેસી જવા જેવું કરતાં ગરમાગરમ આપ-લે થતી હતી. જાહેરખબર જોવામાં જેમને બહુ રસ પડતો હોય તેવા આ ખલેલથી અકળાઈને તીખું-કડવું બોલી પડતા હતા. દસેક મિનિટ આ બધું ચાલતું રહ્યું અને છેવટે એય પત્યું.

મદનને જરા હળવાશ લાગી. અત્યાર સુધી પરસેવો લૂછવાના હોશકોશ પણ નહોતા, હવે અંધારામાં અને થિયેટરની આરામદાયક ઠંડકમાં પરસેવો લૂછવા જેવું કામ પણ એને બહુ ગમ્યું. રૂમાલની ગડી બરાબર ખોલી એણે ગરદનથી આરંભ કર્યો, છેલ્લી ઘડીએ ટિકિટ મળી ગઈ તે સારું થયું. કદાચ એ છેલ્લી જ ટિકિટ હતી. તે ના મળી હોત તો - જોકે એને પોતાના પગની ચાલાકીમાં અને તેજ રફતારે ચાલતા ભેજા પર પૂરો ભરોસો હતો. છતાં આજે એ જરા ડગડગી ગયો હતો. એમ તો ગટુની લારી પર ચા પીતો હતો. ત્યારે જ એને ખ્યાલ આવી ગયેલો કે પેલો મુછાળો જાડિયો અને એની સાથેનો બટકો ટાલિયો રતિયાના આદમી જ હોઈ શકે. એ લોકોની નજર જ એવી હતી. પહેલાં તો જે હશે તે, અપનકો ક્યા, એવી બેપરવાહીથી એણે ખાવાનું ને ચા પીવાનું ચાલુ રાખ્યું. પણ પછી એ ઊભો થયો કે પેલાઓ પણ સાબદા થઈ ગયા, ચાલવા મંડ્યો. તો થોડે દૂર પાછળ પાછળ જ, બરાબર પગલાં દાબતા દાબતા... પછી તો ચાલ્યું ક્યાં લગી આમ ને આમ.

પરસોત્તમનું નાકું ગયું એટલે મન મક્કમ કરી એણે દોડવા માંડ્યું. એને ખબર હતી કે દેખાય છે બે, પણ બેથી વધારે જ હોય. આગળનો રસ્તો ઝાઝી વસ્તી કે અવરજવર વિનાનો. વસ્તી ખરી, પણ પાવૈયાઓની, એટલે ગાનતાનતાબોટા ચાલે. પછી છૂટાં ખેતરો, ચાડિયા ઊભા હોય તે દૂરથી દેખાય. તે મૂકીએ કે આવે ગામનો નવો ભાગ. જરા ઝાકઝમાળ કહેવાય તેવી દુકાનો અને સૌથી પહેલું ધ્યાન ખેંચે આ થિયેટર. હાથમાં ઘડો લઈને ઊભી રહેલી લટકાળી છબીલીનું મોટું પૂતળું દાખલ થતાંમાં જ. તેમાંયે પાછી લાઈટની કોઈ ખૂબી તે જરા વાંકા ઘડામાંથી પાણીની ધાર થતી લાગે, તેનાથી એ લટકાળીનું વસ્ત્ર ભીંજાતું દેખાય.

મદને દોટ એવી મૂકી કે પગ જમીનને તો અડતા જ નહોતા. પેલા લોકો પણ પાછળ પાછળ દોડવા લાગ્યા. ક્યાંકથી ત્રીજો ફૂટી નીકળ્યો અને એ પણ જોડાઈ ગયો દોટમાં. હમણાં આંબી જશે, હમણાં ઘેરી વળશે, એમના લોખંડી હાથની ભીંસમાં એ ફસાયો જ સમજો. પછી કોઈ વજનદાર ચીજનો માથા પર ફટકો કે ચપ્પુના ઘા એક પછી એક અને ખતમ... થરથરતી બંધ પાંપણો પાછળ એ પોતાની છેલ્લી ઘડીઓનું આખું દૃશ્ય જોઈ રહ્યો, વિગતવાર. લાશ જમીન પર પડી છે, લુખ્ખી ધૂળ ચસચસ લોહી પી ગઈ છે, આસપાસ કોઈ નથી. સૂમસામ રસ્તેથી કો’ક નીકળે તો જ ખબર પડે કે લો, આ મદનને તો કોઈકે પતાવી -

પડદા પર હજી તો નામો ચાલતાં હતાં, સાથે ફિલ્મના હિટ ગીતની ધૂન પણ. તાલે તાલે કેટલાક પગ ઠોકાતા હતા તો ક્યાંક તાબોટા. સંગીતનો નશો ચડતો જતો હતો. પડખે કોણ બેઠું છે, કે આગળપાછળ કોણ છે. એ જોવાની દરકાર અત્યાર સુધી મદને કરી નહોતી. હવે જરા રાહત જેવું લાગતાં કોઈ પરિચિત દેખાય છે કે કેમ, એ શોધવા એણે આંખોને છૂટથી ભટકવા દીધી. અંધારામાં ખાસ કંઈ ખબર નહોતી પડતી. પડદા પર પહેલું દૃશ્ય આવતાંની સાથે જ એ બધી મગજમારી ભૂલીને શું ચાલે છે એ જોવામાં પરોવાયો. અહીં આવીને બેઠો છે એની રતિયાના પઠ્ઠાઓને ખબર જ ક્યાં પડી હતી, પછી નકામી ચિંતા રાખવાની જરૂર નહીં. ત્રણ કલાક પછી જોયું જશે શું કરવું તે.

પડદા પરનો સ્વિમિંગ પુલ રૂપાળો હતો. હિરોઈન નહાવા પડી હતી, પાણીમાં માછલી જેમ સરસર. એનું સોનેરી શરીર આંખને ગમે તેવા વળાંક લેતું હિલોળા લઈ રહ્યું. પછી બે-ચાર મવાલી જેવા માણસો પર ફોકસ. કદાચ એ લોકો પેલી બહાર નીકળે તેની રાહ જોતા હતા. હીરો કંઈ દેખાતો નહોતો આસપાસમાં. બેકગ્રાઉન્ડ ધમધમાટ ચાલતું હતું જેથી લાગ્યા કરે કે કંઈક થવાનું છે હવે. થિયેટરમાં ઉત્તેજના છવાઈ ગઈ, અને જરાયે ગણગણાટ નહોતો. એટલે જ ડોરકીપરે મોટી બૂમ પાડી ત્યારે સન્નાટો છવાઈ ગયો. પહેલવાન ડોરકીપરનો પહાડી અવાજ ફાટીને લીરેલીરા થઈ ગયો. અડધી પળમાં મદન પામી ગયો. સાવધ બનીને એકદમ વાંકો વળી ગયો, ચહેરો દેખાય નહીં એવી રીતે. ફરી પાછો પરસેવો વળવા લાગ્યો. શર્ટ તરબોળ થતું જતું હતું. ડોરકીપરને હડસેલી ધસી આવનારાએ બેઠેલા લોક પર મોટી બેટરીનું અજવાળું ફેરવ્યું. એ ચકરડું એક એક ચહેરા પરથી ખસતું રહ્યું.

‘અબૈ એ, પિચ્ચર ચાલુ હૈ, દેખતા નહીં?’

‘કૌન હૈ, કૌન હૈ યે લોગ, ક્યા સમજતે હૈં અપને કો?’

‘એ બેટરી બંધ કરો. સાલા ડિસ્ટર્બ કરે છે.’

‘ડોરકીપર કિધર ગયા?’

‘ભઈ મેનેજરને કહી આવો. આ કઈ જાતની વાત છે કે ચાલુ ફિલ્મે આ રીતે કોઈ...’

‘જવાય કેવી રીતે, દરવાજે તો એ લોકો...’

વાંકા ને વાંકા બેસી રહેવાથી મદનનો બરડો ફાટતો હતો. પગ જમીન પર જ હતા. છતાં જમીન ઘડી ઘડી સરકતી હતી. માથે મોઢે કોઈ જાડો કામળો લપેટાઈ ગયો હોય ને જરીકે હવા મળતી ન હોય તેમ ગભરામણમાં મદન તરફડી રહ્યો. બાજુવાળા માણસે પૂછ્યું :

‘કેમ આમ બેઠા છો? કંઈ થાય છે તમને? આરામથી બેસોને...’

એણે ઈશારતથી હાથ હલાવી, પેટ અને મોં પર હાથ દાબી બનાવટી ઉધરસ ખાવા જેવું કર્યું.

બસ, એક વાર પેલા રતિયાના ખાંધિયા જોઈને જતા રહે પછી જખ મારે છે... માથું છેક જમીનમાં ખોસીને મદન રાહ જોતો રહ્યો. શ્વાસના થડકારાનાં નગારાં જોરશોરથી પિટાતાં હતાં. લોહી બધું માથા ભણી ધસી આવ્યું હોવાથી માથું ગરમ ગરમ થઈ ગયું હતું. ગોકીરો લગભગ શમી ગયો હોય તેમ લાગ્યું. એણે સહેજ ત્રાંસી નજરે શું ચાલે છે એ જોવા-જાણવા મથામણ આદરી. પડદા પર કયું દૃશ્ય ચાલી રહ્યું હતું એ જોવાની સૂધબુધ રહી નહોતી. એણે ડોક ફેરવી, સાવ હળવેથી, હજી ચહેરો તો નીચો જ રાખેલો, ત્યાં એકાએક અજવાળાનું એક નાનું ચકરડું એના પર સ્થિર થયું. જરાતરા, પળ અડધી પળ, અને ત્યાં તો -

‘એ પેલ્લો... પે...લ્લો બેઠો સા....’

પલકારામાં મદન ઊછાળ્યો, લાંબી ફાળ ભરવા ગયો, પણ વચ્ચે જ ઝડપાયો. ઝનૂનથી એણે પોતાને ચોંટી પડેલા હાથ ફગાવ્યા, ધકેલ્યા અને પૂરપાટ ભાગ્યો. દરવાજે મુછાળો જાડો જોયો એટલે લાગલી જ દિશા પલટી એણે પડદા તરફ દોટ મૂકી. ત્યાંના દરવાજેથી પણ બહાર જઈ શકાય, એ ગણતરી માંડતો હતો. અથવા ત્યાંયે બદનાશો ઊભા હોય તો પડદાની સામે, પગથિયાં ચડીને ઊભા રહેવાય. બૂમો પાડી શકાય, આટલા લોકોની વચ્ચે એમ કંઈ હુમલો કરવો સહેલો નથી. કોઈ તો પડે જ, અને તે નહીં તો બહારથી મદદ બોલાવે, આટલી આંખોની સામે એમ કંઈ ધોળે દહાડે કોઈને પતાવી દેવો...

મદન હાંફતો, ધસમસતો ચડી ગયો. ત્રણેક પગથિયાં અને આવી ગયો બરાબર વચ્ચોવચ, પડદાની સાવ સામે. ઝપાઝપી કરતાં રોકો... બચાવોની બૂમો પાડી કે પાડવી રહી ગઈ એ ધ્યાન બહાર ગયું છેક જ. એનું શર્ટ ફાટી ગયું હતું. માથાના વાળ ખેંચાતા હતા, તમ્મર આવતાં હતાં.

‘આ વળી શી ધમાલ છે? ચાલુ ફિલ્મમાં આ શું?’

‘યે તો કોઈ રિયાલિસ્ટીક ટચ હોગા. નયે નયે તરીકે હોતે હૈં આજ કલ એડવર્ટાઈઝ કરનેકે...’

‘જાવ જાવ હવે, આવું તો ના હોય...’

‘ઓ આ તો પેલો પેલાને મારે છે, અલ્યા બચાવો પેલાને, એને મારી નાખશે, પેલો ચાકુ બતાવે છે, જોયું?’

‘તે તમે ઊભા થાવને, બીજાને બચાવો બચાવો કહો છો તે...’

‘મને ખબર છે. થિયેટરવાળાઓ જાહેરાત માટે કરે છે આવું. અત્તારે જ એક જગાએ કંઈ ડાન્સ દેખાડે છે તો આમને થયું હોય કે સાચમસાચની મારામારી દેખાડીએ. અંદર આવું કશું આવતું હશે. પેલા બે-ચાર બહાર ઊભેલા’તાને, તે મુક્કાબાજી ને ધમાધમી હશે જ વળી.’

‘પેલો તો દેખાતો જ બંધ થઈ ગયો, ઘેરી વળ્યા છે બધા. જરા પૂછો તો ખરા કોઈ મેનેજરને કે કોઈને, આમ ને આમ તે કંઈ...’

‘તમે બેબીને અને ચંપાબહેનને કો’ કે આંખો મીંચી દે, એ લોકો આવું જોઈ જોઈને રાતે ઊંઘતાં નથી. આખી રાત લાઈટ ચાલુ રાખવા કે’શે પછી...’

‘મા તમે મોંમાં ગોળી રાખો, તમારે માટે આવું જોવું ઠીક નથી. મેં તો ના જ પાડેલી કે માને નથી લાવવાં, આવી ફિલ્મો જોવા. ઘેર એકલાં તો એકલાં, શાંતિ તો ખરી.’

‘આ સુરેશિયાએ મોટે ઉપાડે બ્લેકમાં ટિકિટો લેવડાવી. જુઓ હવે આ તમાશા...’

‘અરે, અરે, હે રામ... એ ભાઈ ક્યા કરતા હૈ, કિસકા આદમી હૈ?’

મદન જાતને બચાવી બચાવીને થાક્યો હતો. શરીર પર ક્યાંક જખમ થયા હોય તેવી બળતરા અને લોહીની ભીનાશ વરતાતાં હતાં. એની બૂમો ક્યાંયે પહોંચતી નહોતી.

‘અરે પેલો ચપ્પુ ઉછાળી ઉછાળીને... આટલે દૂરથી પણ સાફ દેખાય છે, પકડો, પકડો એને... જો લોહી દેખાય છે...’

‘મત જાવ, પાગલ હૈ ક્યા? ખાલીપીલી લફડા... ચાકુ દેખા નહીં? તેરા યાર લગતા હૈ ક્યા?’

‘પણ પેલાને રોકો તો ખરા, આ ઢગલો થઈને પડ્યો તે તો જુઓ...’

‘ડોરકીપર, ડોરકીપર, વ્હેર ઈઝ હી?’

‘મેનેજર છે કે નહીં? કમાલ કે’વાય, કોી જવાબદાર માણસ જ નથી અહીં?’

‘ઘરમાં ભરાઈ ગયા બધા, માર ખાઈ ખાઈને, આપણને આમને ભરોસે છોડીને...’

‘અરે ભાઈ તમે નકામા ગભરાટ ફેલાવો છો. અબ ઘડી પેલો ધૂળ ખંખેરી ખડો થઈ જશે. આ લોહી કંઈ સાચું નથી. એ તો મેકપની કમાલ. હાથચાલાકી છે. જુઓને પેલાઓ કેટલા આરામથી બહાર નીકળે છે. ખરેખર ખૂન થયું હોય તો કોઈ આટલા આરામથી બહાર નીકળે કે બાકી?’

‘એ સાલી સો ટકા સાચી વાત. આ લોકો તો એકદમ નિરાંતથી બહાર જાય છે.’

‘માળા જબરું લઈ આવે છે, ભલભલું, આપણે એવાં ફોશી કે આટલામાં ફફડી ગયાં.’

‘ચલો ચલો આંખો ખોલો, બીકણ છેક, ક્યારના બંધ આંખે બેઠા છો તે... પછી ઘેર જઈને પૂછશો કે ફિલમમાં શું થયેલું....’

‘બટ આઈ હેવ માય ડાઉટ્સ... મેનેજરને તો પકડવો જ જોઈએ.’

‘છાપામાં લખીશું. આ તે કંઈ રીતે ચાલુ ફિલ્મે?’

થોડીક બંધ આંખો ખૂલી. એને ઢાંકતા રૂમાલ ખસ્યા અને જરાક વારે એક નાનું ટોળું પડદા નજીક ગયું ત્યારે મદનને ભાગે આવેલા શ્વાસ પૂરા થવાની તૈયારીમાં હતા અને સ્વિમિંગ પુલની પાણી હવે સહેજ લાલ દેખાતું હતું.

(વાર્તાકારઃ હિમાંશી શેલત)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.